સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરનું ખરું જ્ઞાન દિલાસો આપે છે

પરમેશ્વરનું ખરું જ્ઞાન દિલાસો આપે છે

પરમેશ્વરનું ખરું જ્ઞાન દિલાસો આપે છે

બાઇબલ જણાવે છે કે પરમેશ્વર પ્રેમાળુ અને દયાળુ છે. પરંતુ એ વિષે લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે. તેઓ વિચારે છે: જો પરમેશ્વર દુષ્ટતા દૂર કરવા ચાહતા હોય અને એમ કરવા શક્તિમાન હોય તો, શા માટે દુષ્ટતા વધી રહી છે? તેઓને ત્રણ બાબતો સ્વીકારવી અઘરી લાગે છે: (૧) પરમેશ્વર સર્વ શક્તિમાન છે; (૨) તે પ્રેમાળુ અને દયાળુ છે; તથા, (૩) દુષ્ટતા ચાલુ જ છે. આ ત્રીજી બાબત સાચી હોવાથી, તેઓને પહેલી બેમાંથી કોઈ એક બાબત ખોટી લાગે છે. તેઓ માને છે કે પરમેશ્વર દુષ્ટતા દૂર કરી શકતા નથી અથવા, તે પથ્થર દિલના છે.

ન્યૂયૉર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો વિનાશ થયાના થોડા દિવસો પછી, યુનાઈટેડ સ્ટેટ્‌સના એક પ્રખ્યાત ધર્મગુરુએ કહ્યું: “મને હજારો વખત પૂછવામાં આવ્યું છે કે શા માટે પરમેશ્વર આવી દુઃખદ ઘટનાઓ અને દુઃખો ચાલવા દે છે. હું કબૂલું છું કે મારી પાસે એનો કોઈ સંતોષકારક જવાબ નથી.”

તેમણે જે કહ્યું એ સાંભળીને ધર્મના બીજા એક પ્રોફેસરે લખ્યું કે, એ ધર્મગુરુનો “ધાર્મિક ઉપદેશ” તેમના હૃદયને સ્પર્શી જતો હતો. આ પ્રોફેસર હવે બીજા એક પંડિત સાથે સહમત થાય છે જેમણે કહ્યું: “દુઃખો શા માટે આવે છે એ સમજવું જેટલું અઘરું છે એટલું જ પરમેશ્વરને સમજવા અઘરું છે.” પરંતુ, પરમેશ્વર શા માટે દુષ્ટતા ચાલવા દે છે, એ જાણવું શું એટલું અઘરું છે?

દુષ્ટતાની શરૂઆત

પરમેશ્વર શા માટે દુષ્ટતા ચાલવા દે છે એ ધર્મગુરુઓ સમજાવી શકતા નથી. પરંતુ, બાઇબલ એનું કારણ જણાવે છે. દુષ્ટતા કેવી રીતે આવી એ સમજતા પહેલાં, આપણે એ સ્વીકારવું જોઈએ કે યહોવાહ પરમેશ્વરે આવું જગત બનાવ્યું ન હતું. તેમણે પ્રથમ યુગલ, આદમ અને હવાને સંપૂર્ણ રીતે બનાવ્યા ત્યારે, તેઓમાં કોઈ પાપ કે ખામી ન હતી. યહોવાહે સઘળી વસ્તુઓ ઉત્પન્‍ન કર્યા પછી કહ્યું કે “તે ઉત્તમોત્તમ” છે. (ઉત્પત્તિ ૧:૨૬, ૩૧) તેમનો હેતુ એ હતો કે તેમના હાથ નીચે આદમ અને હવા, આખી પૃથ્વીને એદન વાડી જેવી બનાવી દે અને સુખી લોકોથી એને ભરી દે.​—⁠યશાયાહ ૪૫:૧૮.

પરંતુ પરમેશ્વરના એક દૂતને એવી ભાવના થઈ કે મનુષ્યો યહોવાહને બદલે તેની ભક્તિ કરે. આમ, તે યહોવાહને બેવફા બન્યો અને દુષ્ટતાની શરૂઆત થઈ. (યાકૂબ ૧:૧૪, ૧૫) તેણે પૃથ્વી પર પ્રથમ યુગલને પોતાની અસર હેઠળ લઈને, યહોવાહનો વિરોધ કરવા તેઓનો ઉપયોગ કર્યો. પરમેશ્વરે આદમ અને હવાને ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું ફળ ખાવાની કે અડકવાની મના કરી હતી. તોપણ તેઓએ યહોવાહની આજ્ઞા તોડીને એ ફળ ખાધું. (ઉત્પત્તિ ૩:૧-૬) એમ કરીને તેઓએ યહોવાહ સામે બળવો પોકાર્યો, અને એમ પણ બતાવ્યું કે તેઓ યહોવાહથી સ્વતંત્ર રહીને, પોતાને મનફાવે એમ કરવા માંગતા હતા.

વિશ્વ પર રાજ કરવા કોણ હકદાર છે?

એદન વાડીમાં યહોવાહ સામે જે બળવો થયો એનાથી, એક પ્રશ્ન ઊભો થયો કે વિશ્વમાં રાજ કરવા માટે ખરેખર કોણ હકદાર છે. આદમ અને હવાએ જે બળવો કર્યો એનાથી એ પ્રશ્ન પણ ઊભો થયો કે, શું યહોવાહ સર્વ લોકો પર સારી રીતે રાજ કરે છે? શું સૃષ્ટિના સર્જનહારને મનુષ્યો પાસેથી વફાદારી માંગવાનો હક્ક છે? લોકો પોતાની મરજી પ્રમાણે જીવે તો, શું તેઓ વધુ સુખી બની શકે?

રાજ કરવાના હક્કનો પ્રશ્ન ઊભો થયો ત્યારે, યહોવાહે એને થાળે પાડવા જે પગલાં લીધાં એમાં તેમનો ન્યાય, ડહાપણ, શક્તિ અને પ્રેમ દેખાઈ આવતો હતો. તે પોતાની શક્તિથી એ બંડખોરોનો તરત જ નાશ કરી શક્યા હોત. જો એમ કર્યું હોત તો કદાચ અમુક લોકોને એ બરાબર લાગત, કેમ કે એમ કરવાનો તેમને હક્ક છે. પરંતુ, એનાથી બળવાને કારણે જે પ્રશ્નો ઊભા થયા હતા એના યોગ્ય જવાબો મળ્યા ન હોત. અથવા, યહોવાહ તેઓના પાપને અવગણી શક્યા હોત. આ ઉપાય અમુક લોકોને સૌથી સારો લાગી શકે. પરંતુ એનાથી પણ શેતાનના એ દાવાનો જવાબ મળ્યો ન હોત કે મનુષ્યો પોતે સારી રીતે રાજ કરી શકે છે. એ ઉપરાંત, બીજાઓને યહોવાહના માર્ગમાં નહિ ચાલવાનું ઉત્તેજન મળ્યું હોત. પરિણામે, દુઃખોનો કદી અંત જ ન આવત.

યહોવાહે ડહાપણથી મનુષ્યોને અમુક સમય સુધી જાતે જ રાજ કરવા આપ્યું. ખરું કે એમ કરવાથી થોડા સમય સુધી દુષ્ટતા ચાલી. તેમ છતાં, મનુષ્યોને પરમેશ્વરના માર્ગદર્શન વગર પોતાના ન્યાયી ધોરણો પ્રમાણે ખરું-ખોટું પારખીને જીવવાની એક તક મળી. પરંતુ, એનું શું પરિણામ આવ્યું? મનુષ્યોનો ઇતિહાસ યુદ્ધો, અન્યાય, જુલમ અને દુઃખોથી ભરેલો છે. આ સાબિત કરે છે કે મનુષ્યો નિષ્ફળ ગયા છે. તેથી, એદન વાડીમાં યહોવાહ સામે જે પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા એ કદી ફરી ઊભા થશે નહિ.

એ દરમિયાન, પરમેશ્વરે પોતાના એકના એક પુત્રને આપીને મનુષ્યો પર પ્રેમ બતાવ્યો છે. આપણા ઉદ્ધાર માટે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તે પોતાના જીવનનું બલિદાન આપ્યું. આદમ પરમેશ્વરના માર્ગે ચાલ્યો ન હોવાથી આપણામાં પાપ અને મરણ આવ્યું છે. ઈસુના બલિદાન દ્વારા આપણે પાપ અને મરણમાંથી છુટકારો મેળવી શકીએ છીએ. તેથી, જો આપણે ઈસુના ખંડણી બલિદાનમાં વિશ્વાસ કરીશું તો, આપણને અનંતજીવન મળશે.​—⁠યોહાન ૩:૧૬.

આપણે હવે થોડો જ સમય દુઃખો સહન કરવા પડશે એની યહોવાહ ખાતરી આપે છે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના મકાનને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન જડશે નહિ. નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.”​—⁠ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧.

સુખ-શાંતિવાળું ભવિષ્ય

આજે પૂરી થઈ રહેલી બાઇબલની ભવિષ્યવાણીઓ બતાવે છે કે, પરમેશ્વર બહુ જ જલદી બીમારીઓ, શોક અને મરણ કાઢી નાખશે. એ વિષે પ્રેષિત યોહાનને કેવું અજોડ સંદર્શન થયું હતું એની નોંધ લો. તેમણે લખ્યું: “મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં: કેમકે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે; અને સમુદ્ર હવે છે જ નહિ. . . . અને દેવ પોતે તેઓની [મનુષ્યોની] સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” એ વચન કેટલું ભરોસાપાત્ર છે એ વિષે યોહાનને કહેવામાં આવ્યું: “તું લખ; કેમકે આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.”​—⁠પ્રકટીકરણ ૨૧:૧-૫.

એદનવાડીમાં બંડ પોકારવામાં આવ્યું ત્યારથી હમણાં સુધી અબજો નિર્દોષ લોકો મરી ગયા છે તેઓનું શું? આ મૂએલાઓને સજીવન કરવાનું યહોવાહ પરમેશ્વરે વચન આપ્યું છે. એ વિષે પ્રેષિત પાઊલે કહ્યું: ‘ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન થશે, એવી હું પણ દેવમાં આશા રાખું છું.’ (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) તેઓને એવી પૃથ્વીમાં રહેવાની સુંદર તક છે જ્યાં ફક્ત ‘ન્યાયીપણું હશે.’​—⁠૨ પીતર ૩:⁠૧૩.

જેમ એક પિતા પોતાનું બાળક સાજું થઈ જાય એ માટે તેનું મોટું ઓપરેશન કરવા દે છે તેમ, પરમેશ્વરે પણ માનવીઓને થોડોક સમય દુઃખ સહન કરવા દીધું છે. પરંતુ પરમેશ્વરના માર્ગમાં ચાલવા ચાહે છે તેઓ માટે અનંતજીવનના આશીર્વાદો રહેલા છે. પાઊલે સમજાવ્યું: “સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; પણ તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને દેવનાં છોકરાંના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.”​—⁠રૂમીઓને પત્ર ૮:૨૦, ૨૧.

આપણા માટે કેવી ખુશખબર! ખરેખર, આ કંઈ ટીવી કે છાપામાં જોવા મળે છે એવા સમાચાર નથી. આ તો આપણા માટે એકદમ સારા સમાચાર છે જે ‘સર્વ દિલાસાના દેવ’ યહોવાહ પાસેથી આવે છે. ખરેખર, પરમેશ્વર આપણી ચિંતા કરે છે.​—⁠૨ કોરીંથી ૧:⁠૩.

[પાન ૬ પર ચિત્રો]

સમયે બતાવી આપ્યું છે કે, મનુષ્ય પરમેશ્વરથી સ્વતંત્ર રહીને સુખ-શાંતિ લાવી શકે એમ નથી

[ક્રેડીટ લાઈન્સ]

સોમાલિયાનું એક કુટુંબ: UN PHOTO 159849/M. GRANT; એટમ બૉંબ: USAF photo; જુલમી છાવણી: U.S. National Archives photo