સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહનું માને છે તેઓને તે રક્ષણ અને આશીર્વાદ આપે છે

યહોવાહનું માને છે તેઓને તે રક્ષણ અને આશીર્વાદ આપે છે

યહોવાહનું માને છે તેઓને તે રક્ષણ અને આશીર્વાદ આપે છે

“પણ જે કોઇ મારૂં સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.”​—નીતિવચનો ૧:૩૩.

 મરઘીના ફૂલકા જેવાં બચ્ચાં ઘાસમાં ચણી રહ્યા છે. તેઓ જાણતા નથી કે એક ગીધ લાગ તાકીને તેઓનાં માથાં પર જ ઊડી રહ્યું છે. અચાનક બચ્ચાની મા કિકિયારીઓ પાડીને પોતાની પાંખો ફેલાવે છે. બચ્ચાં એ સાંભળીને તરત જ માની પાંખો નીચે ભરાઈ જાય છે. અને ગીધ ખાલી હાથે ઊડી જાય છે. * આમાંથી આપણે શું શીખી શકીએ? આધીન રહેવાથી આપણું જીવન બચી શકે.

આમાંથી આજે ખ્રિસ્તીઓને એક મહત્ત્વનો બોધપાઠ શીખવા મળે છે, કેમ કે શેતાન પરમેશ્વરના સેવકોનો શિકાર કરવા બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. (પ્રકટીકરણ ૧૨:૯, ૧૨, ૧૭) તે ઇચ્છે છે કે યહોવાહ સાથેનો આપણો સંબંધ તૂટી જાય, જેથી આપણે અનંતજીવનની આશા ગુમાવી બેસીએ. (૧ પીતર ૫:૮) પરંતુ જો આપણે પરમેશ્વર સાથે ગાઢ સંબંધ રાખીને તેમના સંગઠન તરફથી મળતા માર્ગદર્શનને સ્વીકારીશું તો, આપણે ખાતરી રાખી શકીએ કે તે જરૂર આપણું રક્ષણ કરશે. બાઇબલના એક લેખકે કહ્યું: “તે પોતાનાં પીછાંથી તને ઢાંકશે, અને તેની પાંખો તળે તને આશ્રય મળશે.”​—ગીતશાસ્ત્ર ૯૧:૪.

આધીન ન રહેવાનો ખરાબ અંજામ

૩. ઈસ્રાએલીઓએ વારંવાર યહોવાહની આજ્ઞા ન પાળી એનું શું પરિણામ આવ્યું?

ઈસ્રાએલીઓ યહોવાહની આજ્ઞા પાળતા ત્યારે, તે તેઓનું હંમેશાં રક્ષણ કરતા. પરંતુ, તેઓ ઘણી વાર યહોવાહને છોડીને લાકડાં અને પથ્થરની નકામી મૂર્તિઓને ભજવા લાગ્યા. એ મૂર્તિઓ તેઓને “કંઈ ફાયદો કે બચાવ કરી શકતી” ન હતી. (૧ શમૂએલ ૧૨:૨૧) તેઓ સદીઓથી મૂર્તિપૂજામાં એટલા ડૂબી ગયા હતા કે એમાંથી બહાર નીકળી શકે એમ ન હતા. તેથી, ઈસુએ શોક કરતા કહ્યું: “ઓ યરૂશાલેમ, યરૂશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ? જુઓ, તમારે સારૂ તમારૂં ઘર ઉજ્જડ મુકાયું છે.”​—માત્થી ૨૩:૩૭, ૩૮.

૪. યહોવાહે બેવફા ઈસ્રાએલીઓનું શું કર્યું?

બેવફા ઈસ્રાએલીઓને છેવટે યહોવાહે ઈસવીસન ૭૦માં ત્યજી દીધા. એ વર્ષે રૂમી લશ્કર ગરૂડની નિશાનીવાળો રાજદંડ લઈને યરૂશાલેમ પર ચઢી આવ્યું અને લોકોનો સંહાર કર્યો. એ સમયે ઘણા લોકો પાસ્ખાપર્વ ઊજવવા યરૂશાલેમ આવ્યા હતા અને યહોવાહને ઘણાં બલિદાનો ચડાવ્યાં હતા. પરંતુ યહોવાહે તેઓને બચાવ્યા નહિ. આ બનાવ રાજા શાઊલની યાદ અપાવે છે. તેણે યહોવાહની આજ્ઞા ન માની ત્યારે શમૂએલે તેને કહ્યું હતું: ‘વાણી પળાયાથી યહોવાહ જેટલો રાજી થાય છે, તેટલો દહનીયાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારૂં છે, અને ઘેટાની ચરબી કરતાં વચન માનવું સારૂં છે.’​—૧ શમૂએલ ૧૫:૨૨.

૫. યહોવાહ કેવી ઉપાસના ચાહે છે અને શા માટે આપણે તેમને આધીન રહી શકીએ?

યહોવાહ જાણે છે કે આપણે અપૂર્ણ છીએ અને ઘણી ભૂલો કરીએ છીએ. તેમ છતાં, તે ચાહે છે કે આપણે તેમને આધીન રહીએ. (ગીતશાસ્ત્ર ૧૩૦:૩, ૪) તે ઇચ્છે છે કે આપણે સાચા દિલથી તેમનું કહ્યું માનીએ, એમાં વિશ્વાસ બતાવીએ, અને તેમની પ્રેમથી ઉપાસના કરીએ. આપણે એમ કરીશું તો, તેમને આપણી વાણી અને વર્તનથી શરમાવું નહિ પડે. (પુનર્નિયમ ૧૦:૧૨, ૧૩; નીતિવચનો ૧૬:૬; યશાયાહ ૪૩:૧૦; મીખાહ ૬:૮; રૂમીઓને પત્ર ૬:૧૭) અને આપણે પણ યહોવાહને આધીન રહી શકીએ છીએ. દાખલા તરીકે, પ્રાચીન સમયમાં યહોવાહના ઘણા ઉપાસકો ભયંકર મુશ્કેલીઓ સહીને પણ યહોવાહને વફાદાર રહ્યા હતા. હા, તેઓ છેક મરણ સુધી યહોવાહને વળગી રહ્યા. (હેબ્રી ૧૧:૩૬, ૩૭; ૧૨:૧) ખરેખર, તેઓએ યહોવાહના હૃદયને ખુશ કર્યું હતું! (નીતિવચનો ૨૭:૧૧) પરંતુ, યહોવાહના એવા ભક્તો પણ હતા જેઓ પછીથી તેમને વફાદાર રહ્યા નહિ. એમાંનો એક, યહુદાનો રાજા યોઆશ હતો.

ખરાબ સોબતથી રાજાની પડતી

૬, ૭. યહોયાદા જીવતા હતા ત્યારે યોઆશ કેવો રાજા હતો?

યોઆશ રાજાના દુશ્મનોએ તેને બાળપણમાં જ મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે પ્રમુખ યાજક યહોયાદાએ તેને સંતાડી રાખ્યો, અને તે સાત વર્ષનો થયો ત્યારે ગભરાયા વગર તેને જાહેરમાં રાજા બનાવ્યો. યહોયાદા યહોવાહના ભક્ત હતા અને એક પિતાની જેમ યોઆશને સલાહ પણ આપતા હતા. તેથી આ યુવાન રાજાએ “યહોયાદા યાજકની હયાતીમાં યહોવાહની દૃષ્ટિમાં જે સારૂં હતું તે કર્યું.”​—૨ કાળવૃત્તાંત ૨૨:૧૦–૨૩:​૧, ૧૧; ૨૪:૧, ૨.

યોઆશે અનેક સારાં કાર્યો કર્યાં હતાં. દાખલા તરીકે, તેણે યહોવાહના મંદિરનું સમારકામ કર્યું હતું. આ કાર્ય “યોઆશના મનમાં” હતું. ‘મુસાના ફરમાવ્યા’ પ્રમાણે, તેણે પ્રમુખ યાજક યહોયાદાને યહુદા અને યરૂશાલેમમાંથી મંદિરનો કર ઉઘરાવવા જણાવ્યું, જેથી મંદિરના સમારકામના ખર્ચને પહોંચી વળાય. આ ઉદાહરણ બતાવે છે કે યહોયાદાએ સફળતાથી યુવાન રાજાને પરમેશ્વરના નિયમો શીખવ્યા હતા. એના પરિણામે, મંદિર અને મંદિરનાં પાત્રોનું કામ પણ સમયસર પૂરું થયું હતું.​—૨ કાળવૃત્તાંત ૨૪:૪, ૬, ૧૩, ૧૪; પુનર્નિયમ ૧૭:૧૮.

૮. (ક) યોઆશ રાજાની કયા કારણે પડતી થઈ? (ખ) આખરે રાજા કઈ હદ સુધી ગયો?

દુઃખની વાત છે કે સમય જતા યોઆશ રાજાએ યહોવાહનું સાંભળવાનું છોડી દીધું. શા માટે? બાઇબલ આપણને જણાવે છે: “યહોયાદાના મરણ પછી યહુદાહના સરદારોએ આવીને રાજાને વિનંતી કરી, ત્યારે રાજાએ તેઓનું સાંભળ્યું. તેઓએ પોતાના પિતૃઓના દેવ યહોવાહના મંદિરને તજી દીધું, ને અશેરીમ તથા મૂર્તિઓની ઉપાસના કરી; તેઓના એ અપરાધને લીધે યહુદાહ તથા યરૂશાલેમ ઉપર દેવ કોપાયમાન થયો.” યહુદાહના સરદારોની ખરાબ અસર રાજા પર થઈ. તેથી તેમણે યહોવાહના પ્રબોધકોનું સાંભળવાનું પણ છોડી દીધું. તેઓમાંનો એક પ્રબોધક યહોયાદાનો પુત્ર ઝખાર્યાહ હતો. તેમણે યોઆશ રાજા અને બીજા લોકોને ઠપકો પણ આપ્યો હતો, જેઓએ યહોવાહની આજ્ઞા પાળી ન હતી. તોપણ, યોઆશ રાજાએ પસ્તાવો કરવાને બદલે ઝખાર્યાહને પથ્થરે મારી નંખાવ્યો. ખરેખર, ખરાબ સોબતને કારણે યોઆશ રાજાનું દિલ પથ્થર જેવું કઠણ થઈ ગયું હતું.​—૨ કાળવૃત્તાંત ૨૪:૧૭-૨૨; ૧ કોરીંથી ૧૫:૩૩.

૯. યોઆશ રાજા અને તેના સરદારોનું શું થયું અને એમાંથી આપણે શું શીખી શકીએ?

યહોવાહને છોડી દેવાથી યોઆશ રાજા અને તેના ખરાબ સરદારોનું શું થયું? અરામીઓનું સૈન્ય “બહુ નાનું હતું” છતાં તેઓએ યહુદા પર જીત મેળવી અને “લોકના સર્વ સરદારોનો નાશ કર્યો.” અરામી સૈન્યએ રાજાની માલમિલકત, સોનું, ચાંદી અને બીજી પવિત્ર વસ્તુઓ પણ બળજબરીથી પડાવી લીધી. જોકે યોઆશ રાજા તો બચી ગયો, પરંતુ તે સાવ નબળો થઈને બીમાર પડી ગયો હતો. થોડા વખત પછી, તેના પોતાના સેવકોએ કાવતરું ઘડીને તેને મારી નાખ્યો. (૨ કાળવૃત્તાંત ૨૪:૨૩-૨૫; ૨ રાજાઓ ૧૨:૧૭, ૧૮) યહોવાહે ઈસ્રાએલીઓને ચેતવ્યા હતા: “જો યહોવાહ તારા દેવની વાણી ન સાંભળતાં તેની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ . . . તું પાળીને અમલમાં નહિ આણે, તો એમ થશે, કે આ સર્વ શાપ તારા પર આવીને તને પકડી પાડશે.” યહોવાહના વચનો ઈસ્રાએલીઓ માટે ખરેખર સાચા પડ્યાં હતાં!​—પુનર્નિયમ ૨૮:૧૫.

આજ્ઞા પાળવાથી બારૂખનું જીવન બચ્યું

૧૦, ૧૧. (ક) યહોવાહે બારૂખને આપેલી સલાહ પર આપણે પણ શા માટે વિચાર કરવો જોઈએ? (ખ) યહોવાહે બારૂખને કઈ સલાહ આપી?

૧૦ પ્રચાર કરતી વખતે અમુક લોકો તમારું ન સાંભળે તો, શું તમે ઉદાસ થઈ જાઓ છો? શું તમે ધનવાન લોકોને એશઆરામથી રહેતા જોઈને જરા લલચાઈ જાવ છો? એમ હોય તો, યિર્મેયાહના સહાયક બારૂખનો અને યહોવાહે તેમને આપેલી પ્રેમાળ સલાહનો વિચાર કરો.

૧૧ બારૂખ એક ભવિષ્યવાણી લખી રહ્યો હતો, એ જ સમયે યહોવાહ તેને સલાહ આપે છે. શા માટે? કેમ કે યહોવાહની સેવામાં તેને જે લહાવો હતો એના કરતાં તે કંઈક સારું મેળવવા ઇચ્છતો હતો. બારૂખના વલણમાં આવું બદલાણ જોઈને યહોવાહે તેને પ્રેમાળ સલાહ આપી: ‘શું તું તારે પોતાને સારું મહાન બાબતો શોધે છે? શોધીશ મા; કેમકે હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ; પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.’​—યિર્મેયાહ ૩૬:૪; ૪૫:૫.

૧૨. શા માટે આપણે ‘મહાન બાબતો’ શોધવાનું ટાળવું જોઈએ?

૧૨ બારૂખ યિર્મેયાહ સાથે વફાદારી અને હિંમતથી યહોવાહની સેવા કરતો હતો. યહોવાહે બારૂખને જે કહ્યું એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે તે તેની કેટલી ચિંતા કરતા હતા. એવી જ રીતે, જેઓ આજે અમીર બનવા લલચાય છે, તેઓની પણ યહોવાહ ચિંતા કરે છે. આનંદની વાત છે કે બારૂખની જેમ આજે ઘણા લોકોએ અનુભવી ભાઈઓની પ્રેમાળ સલાહને સાંભળી છે. (લુક ૧૫:૪-૭) હા, આપણે જાણીએ છીએ કે આ જગતમાં ‘મહાન બાબતો’ શોધનારાઓનું કોઈ ભવિષ્ય નથી. તેઓ સાચું સુખ મેળવી શક્યા નથી. વધુમાં, થોડા જ સમયમાં આ જગત તથા તેની લાલસા જતા રહેશે ત્યારે, તેઓનો પણ નાશ થશે.​—માત્થી ૬:૧૯, ૨૦; ૧ યોહાન ૨:૧૫-૧૭.

૧૩. બારૂખના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ સાચે જ બારૂખનો અહેવાલ આપણને નમ્રતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. નોંધ લો કે યહોવાહે બારૂખને સીધેસીધી નહિ પણ યિર્મેયાહ દ્વારા સલાહ આપી હતી. બારૂખ યિર્મેયાહની ઘણી નબળાઈઓ અને તેમણે કરેલી ભૂલો જાણતો હતો. (યિર્મેયાહ ૪૫:૧, ૨) પરંતુ બારૂખ જરાય ઘમંડી બન્યો નહિ, કેમ કે તે જાણતો હતો કે એ સલાહ યહોવાહ પાસેથી આવી છે. (૨ કાળવૃત્તાંત ૨૬:૩, ૪, ૧૬; નીતિવચનો ૧૮:૧૨; ૧૯:૨૦) એ જ રીતે, જો આપણે કોઈ ‘અપરાધ કર્યો હોય’ અને બાઇબલમાંથી જરૂરી સલાહ આપવામાં આવે ત્યારે બારૂખની જેમ એ નમ્રતાથી સ્વીકારવી જોઈએ. કેમ કે એ સલાહ યહોવાહ પાસેથી આવે છે.​—ગલાતી ૬:૧.

૧૪. શા માટે આપણે વડીલોનું માનવું જોઈએ?

૧૪ આપણે નમ્ર હોઈશું તો, ભાઈઓ સહેલાઈથી આપણને સલાહ આપી શકશે. હેબ્રી ૧૩:૧૭ કહે છે: “તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો; કેમકે હિસાબ આપનારાઓની પેઠે તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે; એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે, પણ શોકથી નહિ; કેમકે એથી તમને ગેરલાભ” થશે. ભાઈ-બહેનોને હિંમત, ડહાપણ અને કુશળતાથી ઉત્તેજન આપવા, ઘણી વાર વડીલો યહોવાહ આગળ પોતાનું દિલ ખોલીને પ્રાર્થના કરે છે. ખરેખર, આપણે “એવા માણસોને માન” આપવું જોઈએ.​—૧ કોરીંથી ૧૬:૧૮.

૧૫. (ક) યિર્મેયાહે બારૂખમાં કઈ રીતે ભરોસો બતાવ્યો? (ખ) બારૂખે નમ્રતાથી આજ્ઞા પાળી એનો તેને કેવો આશીર્વાદ મળ્યો?

૧૫ આપણે જોઈ શકીએ છીએ કે બારૂખે પોતાના વિચારોમાં સુધારો કર્યો હતો. એથી યિર્મેયાહે તેને સૌથી અઘરું કામ સોંપ્યું હતું. તેણે યિર્મેયાહ પાસેથી યહોવાહનો ન્યાયચુકાદો લખી લઈને, મંદિરમાં મોટેથી વાંચવાનો હતો. શું બારૂખે એમ કર્યું? હા, તેણે ‘યિર્મેયાહ પ્રબોધકે જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું હતું.’ અરે, તેણે યરૂશાલેમના સરદારો આગળ પણ હિંમતથી એ ન્યાયચુકાદો વાંચ્યો હતો. (યિર્મેયાહ ૩૬:૧-૬, ૮, ૧૪, ૧૫) બારૂખે યહોવાહની ચેતવણીને ધ્યાનમાં લીધી અને ‘મહાન બાબતોની’ લાલચમાં ફસાયો નહિ. લગભગ ૧૮ વર્ષ પછી, બાબેલોનીઓએ એ શહેરનો વિનાશ કર્યો ત્યારે તે બચી ગયો હતો. એ માટે તેણે યહોવાહનો કેટલો આભાર માન્યો હશે!​—યિર્મેયાહ ૩૯:૧, ૨, ૧૧, ૧૨; ૪૩:૬.

યહોવાહનું માનીને ઘણા લોકો બચી ગયા

૧૬. યરૂશાલેમ ચારે બાજુથી ઘેરાયેલું હતું ત્યારે, યહોવાહે કઈ રીતે યહુદીઓ માટે દયા બતાવી?

૧૬ ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો ત્યારે, યહોવાહે પોતાની આજ્ઞા પાળનારાઓ પર ફરીથી દયા બતાવી. યરૂશાલેમ ચારે બાજુથી ઘેરાયેલું હતું ત્યારે, યહોવાહે યહુદીઓને કહ્યું: “હું, તમારી આગળ જીવનનો માર્ગ તથા મરણનો માર્ગ બન્‍ને મૂકું છું. જે આ નગરમાં રહે છે, તે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશે; પણ જે તમને ઘેરો ઘાલનારા ખાલદીઓને શરણે જશે, તે જીવતો રહેશે, ને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.” (યિર્મેયાહ ૨૧:૮, ૯) ખરેખર તો યરૂશાલેમના રહેવાસીઓ વિનાશને લાયક હતા. પરંતુ એ કટોકટીના સમયે જેઓએ યહોવાહનું માન્યું, તેઓ પ્રત્યે તેમણે દયા બતાવી. *

૧૭ યિર્મેયાહ માટે યહુદીઓને એ જણાવવું અઘરું લાગ્યું હશે કે તેઓએ બાબેલોનીઓને તાબે થવાનું હતું. કેમ કે તે ઇચ્છતા ન હતા કે પરમેશ્વરના નામ પર કોઈ પણ રીતે કલંક આવે અને તેમના દુશ્મનો તેઓની જીત માટે નિર્જીવ મૂર્તિઓને યશ આપે. (યિર્મેયાહ ૫૦:૨, ૧૧; યિર્મેયાહનો વિલાપ ૨:૧૬) યિર્મેયાહ એ પણ જાણતા હતા કે, તે લોકોને દુશ્મનોને શરણે થવાનું કહેશે તો, ઘણા તેમને દગાબાજ કહેશે અને તેમને મારી નાખવાનો પણ પ્રયત્ન કરશે. શું યિર્મેયાહ ગભરાઈ ગયા? ના, તેમણે હિંમતથી યહોવાહનો સંદેશો જાહેર કર્યો. (યિર્મેયાહ ૩૮:૪, ૧૭, ૧૮) યિર્મેયાહની જેમ આજે પણ ઘણા લોકોને આપણો સંદેશો જરાય ગમતો નથી. એ જ સંદેશાને કારણે ઈસુને પણ ધિક્કારવામાં આવ્યા હતા. (યશાયાહ ૫૩:૩; માત્થી ૨૪:૯) તો પછી, ચાલો આપણે પણ યિર્મેયાહની જેમ “માણસની બીક” રાખ્યા વગર હિંમતથી યહોવાહની આજ્ઞા પાળીએ અને તેમના પર ભરોસો રાખીએ.​—⁠નીતિવચનો ૨૯:૨૫.

ગોગના હુમલા વખતે યહોવાહની આજ્ઞા પાળવી

૧૮. યહોવાહના સેવકોની કેવી કસોટી થશે?

૧૮ થોડા જ સમયમાં ‘મોટી વિપત્તિ’ આવશે ત્યારે, શેતાનના દુષ્ટ જગતનો વિનાશ થશે. (માત્થી ૨૪:૨૧) તેથી, એ પહેલાં અથવા એ સમયમાં યહોવાહના લોકો તેમને વફાદાર છે કે નહિ એની કસોટી થશે. દાખલા તરીકે, બાઇબલ આપણને જણાવે છે કે શેતાન ‘માગોગ દેશના ગોગ’ તરીકે આવશે. એટલે કે, પરમેશ્વરના સેવકોનો નાશ કરવા તે ‘મહા સૈન્ય બનીને આવશે અને વાદળની પેઠે દેશ પર ચઢાઈ કરશે.’ (હઝકીએલ ૩૮:૨, ૧૪-૧૬) ત્યારે હથિયાર વગરના આ સેવકો યહોવાહની “પાંખો” તળે રક્ષણ શોધશે. છેવટે યહોવાહ તેઓનું રક્ષણ કરશે, કેમ કે તેઓ તેમને આધીન રહ્યા છે.

૧૯, ૨૦. (ક) ઈસ્રાએલીઓ રાતા સમુદ્રએ હતા ત્યારે, યહોવાહને આધીન રહેવું શા માટે મહત્ત્વનું હતું? (ખ) રાતા સમુદ્રના ઉદાહરણ પર મનન કરવાથી આપણને કઈ રીતે લાભ થઈ શકે?

૧૯ આ પરિસ્થિતિ આપણને ઈસ્રાએલીઓ મિસરમાંથી નીકળ્યા એની યાદ દેવડાવે છે. મિસરમાં દસ મરકી લાવ્યા પછી, યહોવાહ પોતાના લોકોને વચનના દેશમાં ટૂંકા રસ્તેથી લઈ જતા નથી. એને બદલે, યહોવાહ તેઓને રાતા સમુદ્ર તરફ લઈ ગયા જ્યાં તેઓ પર સહેલાઈથી હુમલો થઈ શકતો હતો. લશ્કરની દૃષ્ટિએ એ રસ્તો ખૂબ જ જોખમી હતો. જો મુસાએ તમને એમ કહ્યું હોત કે આપણે વચનના દેશમાં જઈએ છીએ અને પછી તે તમને સાવ જુદા રસ્તે લઈ ગયા હોત તો, શું તમે યહોવાહને આધીન રહીને તેમની સાથે ગયા હોત?​—⁠નિર્ગમન ૧૪:૧-૪.

૨૦ નિર્ગમનના ૧૪મા અધ્યાયમાં આપણને જાણવા મળે છે કે યહોવાહે પોતાના લોકોને અજોડ રીતે બચાવ્યા હતા. ખરેખર, આપણે આવા અહેવાલોનો અભ્યાસ કરીને એના પર મનન કરીએ છીએ ત્યારે, આપણો વિશ્વાસ કેટલો દૃઢ થાય છે! (૨ પીતર ૨:૯) આવો દૃઢ વિશ્વાસ આપણને યહોવાહને આધીન રહેવા મદદ કરે છે, પછી ભલેને તેમની આજ્ઞાઓ માણસો શીખવે છે એનાથી જુદી હોય. (નીતિવચનો ૩:૫, ૬) તો પછી, તમે પોતાને પૂછો: ‘શું હું મારો વિશ્વાસ દૃઢ કરવા, બાઇબલનો અભ્યાસ કરીને એના પર મનન કરું છું, પ્રાર્થનામાં લાગુ રહું છું અને યહોવાહના લોકો સાથે નિયમિત સંગત રાખું છું?’​—⁠હેબ્રી ૧૦:૨૪, ૨૫; ૧૨:૧-૩.

આજ્ઞા પાળવાથી આશાનું કિરણ મળે છે

૨૧. યહોવાહની આજ્ઞા પાળવાથી આપણને આજે અને ભાવિમાં કેવા આશીર્વાદો મળશે?

૨૧ આજે જેઓ યહોવાહનું માને છે તેઓ નીતિવચનો ૧:૩૩ના શબ્દો અનુભવે છે, જે કહે છે: “જે કોઇ મારૂં સાંભળશે તે સહીસલામત રહેશે, અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” યહોવાહ તેમના દુશ્મનોનો વિનાશ કરશે ત્યારે, આ શબ્દો કેવો દિલાસો આપશે! ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “આ વાતો થવા લાગે ત્યારે તમે નજર ઉઠાવીને તમારાં માથાં ઊંચાં કરો; કેમકે તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે, એમ સમજવું.” (લુક ૨૧:૨૮) જેઓ યહોવાહની આજ્ઞા પાળે છે તેઓને પણ ઈસુના આ શબ્દો લાગુ પડે છે.​—⁠માત્થી ૭:૨૧.

૨૨ ઈસુના શબ્દોમાં ભરોસો રાખવાનું એક બીજું કારણ પણ છે: “પ્રભુ યહોવાહ પોતાનો મર્મ પોતાના સેવક પ્રબોધકોને બતાવ્યા સિવાય કંઈ કરશે નહિ.” (આમોસ ૩:૭) યહોવાહ અગાઉની જેમ આજે પ્રબોધકો મોકલતા નથી. એને બદલે, તેમણે પોતાના સેવકોને સમયસર જ્ઞાન પૂરું પાડવા વિશ્વાસુ અને શાણા ચાકરની જોગવાઈ કરી છે. (માત્થી ૨૪:૪૫-૪૭) તેથી, આપણે એ ‘ચાકરનું’ કહ્યું માનીએ એ કેટલું મહત્ત્વનું છે! હવે પછીનો લેખ બતાવશે કે ઈસુ ‘ચાકરના’ ધણી છે અને તેમના પ્રત્યે આપણું કેવું વલણ હોવું જોઈએ. કેમ કે ફક્ત ઈસુને જ ‘લોકો આધીન રહેશે.’​—⁠ઉત્પત્તિ ૪૯:૧૦.

[ફુટનોટ્‌સ]

^ પ્રાણીઓનું રક્ષણ કરતી એક સંસ્થા કહે છે, “મરઘી ડરપોક હોય છે છતાં,પોતાનાં બચ્ચાઓને બચાવવા એ પોતાનો જીવ પણ આપી દે છે.”

^ યિર્મેયાહ ૩૮:૧૯ જણાવે છે કે ઘણા યહુદીઓ ખાલદીઓ પાસે ‘જતા રહ્યા.’ છેવટે તેઓને ગુલામીમાં લઈ જવામાં આવ્યા. જેઓ ખાલદીઓને શરણે થયા હતા તેઓએ યિર્મેયાહનું માન્યું હતું કે નહિ એ આપણે જાણતા નથી. તેમ છતાં, તેઓ બચી ગયા હતા જે બતાવે છે કે યિર્મેયાહના શબ્દો સાચા પડ્યા.

[Questions]

૧, ૨. શા માટે આપણે યહોવાહને આધીન રહેવું જોઈએ? ઉદાહરણ આપો.

૧૭. (ક) યિર્મેયાહે યહુદીઓને ‘ખાલદીઓને શરણે થવાનું’ કહ્યું ત્યારે, કઈ બે રીતોએ તેમની કસોટી થઈ? (ખ) યિર્મેયાહના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?

૨૨. (ક) યહોવાહના વચનમાં ભરોસો રાખવાનું બીજું કયું કારણ છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરવામાં આવશે?

શું તમને યાદ છે?

• ઈસ્રાએલીઓએ વારંવાર યહોવાહની આજ્ઞા તોડી ત્યારે શું થયું?

• યોઆશ રાજા પર, તેની સારી અને ખરાબ સોબતની કેવી અસર પડી?

• આપણે બારૂખ પાસેથી શું શીખી શકીએ?

• યહોવાહનું માને છે તેઓએ શા માટે જગતના અંતથી ડરવાની જરૂર નથી?

[પાન ૧૩ પર ચિત્રનું મથાળું]

યહોયાદાના માર્ગદર્શન હેઠળ યુવાન યોઆશ યહોવાહને આધીન રહ્યા

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

ખરાબ સોબતને કારણે યોઆશે, યહોવાહના પ્રબોધકને મારી નંખાવ્યો

[પાન ૧૬ પર ચિત્રનું મથાળું]

શું તમે યહોવાહને આધીન રહ્યા હોત અને તેમનામાં બચાવવાની શક્તિ છે એ જોઈ શક્યા હોત?