સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વયુદ્ધ પછી મને મળેલા ખાસ લહાવાઓ

વિશ્વયુદ્ધ પછી મને મળેલા ખાસ લહાવાઓ

મારો અનુભવ

વિશ્વયુદ્ધ પછી મને મળેલા ખાસ લહાવાઓ

ફિલીપ એસ. હોફમેનના જણાવ્યા પ્રમાણે

મે, ૧૯૪૫માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. પછી ડિસેમ્બરમાં ભાઈ નાથાન એચ. નૉર, તેમના ૨૫ વર્ષના સેક્રેટરી મિલ્ટન જી. હેન્સલ સાથે ડેનમાર્કની મુલાકાતે આવ્યા હતા. ભાઈ નૉર આખી દુનિયા ફરતે યહોવાહના સાક્ષીઓના પ્રચાર કાર્યની દેખરેખ રાખતા હતા. અમે ખૂબ ઉત્સાહથી તેમની મુલાકાતની રાહ જોતા એક મોટો હોલ ભાડે રાખ્યો હતો. ભાઈ હેન્સલ પણ અમારા જેવા જ યુવાન હોવાથી, તેમનું પ્રવચન સાંભળીને અમે ખૂબ પ્રભાવિત થયા. તેમણે પ્રવચન માટે આ વિષય પસંદ કર્યો હતો: “તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર.” (સભાશિક્ષક ૧૨:૧)

એમુલાકાત દરમિયાન, અમને જણાવવામાં આવ્યું કે આખી દુનિયા ફરતે પ્રચાર કાર્યને આગળ વધારવા મોટી મોટી બાબતો બની રહી છે અને અમે પણ એમાં ભાગ લઈ શકીએ છીએ. (માત્થી ૨૪:૧૪) દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્‌સમાં યુવાન ભાઈબહેનોને, મિશનરી સેવા માટે તાલીમ આપવા નવી શાળા ખોલવામાં આવી હતી. ભાઈ નૉરે કહ્યું કે, અમને એ શાળામાં તાલીમ માટે બોલાવવામાં આવે તો, “ફક્ત જવાની જ ટીકીટ મળશે,” અને અમને એ પણ જણાવવામાં નહિ આવે કે અમને ક્યાં મોકલવામાં આવશે. તોપણ અમારામાંથી ઘણાં તૈયાર થઈ ગયા.

બીજા વિશ્વયુદ્ધ પછીના અનુભવો કહેતા પહેલાં, ચાલો હું તમને જણાવું કે ૧૯૧૯માં મારો જન્મ થયો ત્યારથી, મારા જીવનમાં કેવા બનાવો બન્યા હતા. યુદ્ધ પહેલાં અને એ દરમિયાન મારા જીવનમાં બનેલા અમુક બનાવોની મારા પર ઊંડી અસર પડી હતી.

ગમતી ન હતી એવી વ્યક્તિ પાસેથી બાઇબલનું જ્ઞાન મળ્યું

મારી મમ્મી સગર્ભા હતી ત્યારે, તે ચાહતી હતી કે તેને છોકરો થાય અને તે મિશનરી બને. એ સમયે, મારા મામા બાઇબલ વિદ્યાર્થી હતા જે હવે યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાય છે. મામા બાઇબલના વિદ્યાર્થી હોવાથી, કુટુંબમાં કોઈને તે ગમતા ન હતા. અમારું ઘર કૉપનહેગનની નજીક હતું અને ત્યાં બાઇબલ વિદ્યાર્થીઓનું દર વર્ષે મહાસંમેલન ભરાતું હતું. થોમસ મામા દૂર રહેતા હોવાથી, મહાસંમેલન હોય ત્યારે મમ્મી તેમને અમારા ઘરે રહેવા બોલાવતી. બાઇબલના તેમના ઊંડા જ્ઞાનથી અને દાખલા-દલીલોથી મારી મમ્મી ખૂબ પ્રભાવિત થતી. છેવટે મારી મમ્મી પણ ૧૯૩૦માં બાઇબલ વિદ્યાર્થી બની.

મારી મમ્મીને બાઇબલ ખૂબ ગમતું. તેથી, પુનર્નિયમ ૬:૭ની આજ્ઞા પ્રમાણે, તે ‘ઘરમાં બેઠી હોય, રસ્તે ચાલતી હોય, સૂઈ જતી વખતે કે ઊઠે ત્યારે,’ મને અને મારી નાની બહેનને બાઇબલમાંથી શીખવતી. સમય જતાં, હું ઘર-ઘરના પ્રચાર કાર્યમાં ભાગ લેતો થયો. મને અમર જીવ અને નરકની બળતી આગમાં પીડા જેવા ચર્ચના શિક્ષણ પર ચર્ચા કરવાનું ખૂબ ગમતું. હું બાઇબલમાંથી બતાવતો કે આ શિક્ષણો તદ્દન ખોટાં છે.​—ગીતશાસ્ત્ર ૧૪૬:૩, ૪; સભાશિક્ષક ૯:૫, ૧૦; હઝકીએલ ૧૮:⁠૪.

કુટુંબમાં સંપ

વર્ષ ૧૯૩૭માં કૉપનહેગનના સંમેલન પછી, ડેનમાર્કમાં યહોવાહના સાક્ષીઓના બેથેલના સાહિત્ય વિભાગમાં થોડા સમય માટે મદદની જરૂર હતી. એ જ સમયે મેં કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હું બીજું કંઈ કરતો ન હતો. તેથી મેં એ સેવા સ્વીકારી લીધી. એ કામ પતી ગયા પછી, મને બેથેલમાં બીજી મદદ માટે બોલાવવામાં આવ્યો. મેં બાપ્તિસ્મા લીધું ન હતું તોપણ, હું ઘર છોડીને કૉપનહેગનના બેથેલમાં રહેવા ગયો. દરરોજ ખ્રિસ્તીઓની સંગતમાં રહીને મને સેવામાં આગળ વધવા ઘણી મદદ મળી. ત્યાર પછી, ૧ જાન્યુઆરી ૧૯૩૮માં મેં યહોવાહને સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું.

સપ્ટેમ્બર ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. એ પછી, એપ્રિલ ૯, ૧૯૪૦માં જર્મનીએ ડેનમાર્ક કબજે કર્યું. પરંતુ, ડેનમાર્કના રહેવાસીઓને ઘણી સ્વતંત્રતા હોવાથી અમે અમારું પ્રચાર કામ ચાલુ રાખ્યું.

ત્યાર પછી, કંઈક નવાઈ પમાડતી બાબતો બની. મારા પપ્પા યહોવાહના સાક્ષી બન્યા હોવાથી અમારા કુટુંબમાં આનંદ છવાઈ ગયો. પછી મને મારા બીજા ચાર મિત્રો સાથે ગિલિયડના આઠમા વર્ગમાં તાલીમ માટે બોલાવવામાં આવ્યો ત્યારે, મારા કુટુંબે મને ઘણી જ મદદ કરી. આ પાંચ મહિનાની તાલીમ સપ્ટેમ્બર ૧૯૪૬માં શરૂ થઈ. એ શાળા ન્યૂયૉર્કમાં સુંદર જગ્યાએ રાખવામાં આવી હતી.

ગિલિયડ અને એ પછીની તાલીમ

ગિલિયડ શાળામાં અમે ઘણા નવા મિત્રો બનાવી શક્યા. એક સાંજે હું અને ઇંગ્લૅંડનો હેરોલ્ડ કીંગ હરતા-ફરતા વાત કરતા હતા કે તાલીમ પત્યા પછી અમને ક્યાં મોકલવામાં આવશે. હેરોલ્ડે કહ્યું, “મને ખાતરી છે કે હું (ઇંગ્લૅંડની પશ્ચિમે આવેલા) ડોવરના વ્હાઈટ ક્લીફ્સ ફરી પાછો જઈશ.” પરંતુ, તેને પાછા ઇંગ્લૅંડ જતા ૧૭ વર્ષ લાગી ગયા અને એ ૧૭ વર્ષોમાં પણ તેને સાડા ચાર વર્ષ સુધી ચીનની જેલમાં એકાંતવાસની સજા કરવામાં આવી હતી! *

સ્નાતક થયા પછી, મને પ્રવાસી નિરીક્ષક તરીકે અમેરિકાના ટૅક્સસ શહેરમાં મોકલવામાં આવ્યો. મારું કાર્ય યહોવાહના સાક્ષીઓના મંડળોની મુલાકાત લઈને, તેઓને ઉત્તેજન આપવાનું હતું. તેઓ મને ખુલ્લા દિલથી આવકાર આપતા હતા. ટૅક્સસના ભાઈઓ માટે એ નવાઈની વાત હતી કે તેમનો નિરીક્ષક, ગિલયડ શાળામાંથી હમણાં જ સ્નાતક થયેલો એક યુવાન યુરોપિયન ભાઈ હતો. પરંતુ, ટૅક્સસમાં ૭ મહિના સેવા કર્યા પછી, મને ન્યૂ યૉર્ક, બ્રુકલિનમાં યહોવાહના સાક્ષીઓની મુખ્ય કચેરીમાં બોલાવવામાં આવ્યો. ત્યાં ભાઈ નૉરે મને ઑફિસનું કામ સોંપ્યું. તેમ જ, બેથેલના બધા વિભાગોમાં કઈ રીતે કામ થઈ રહ્યું છે એ પણ મને શીખવવામાં આવ્યું. પછી હું ડેનમાર્ક પાછો જાઉં ત્યારે, બ્રુકલિન બેથેલની જેમ જ ત્યાં કામ કરવાનું હતું. આમ, જગતની દરેક શાખાઓમાં એક સરખી રીતે કામ થાય એ મુખ્ય હેતુ હતો. થોડાક સમય બાદ, ભાઈ નૉરે મને જર્મની મોકલ્યો.

હું જે શીખ્યો હતો એ બેથેલ શાખાઓમાં લાગુ પાડવું

હું જુલાઈ ૧૯૪૯માં જર્મની, વિસ્બાડનમાં આવ્યો ત્યારે, ઘણા શહેરોને યુદ્ધથી નુકસાન થઈ રહ્યું હતું. એ સમયે જે ભાઈઓ પ્રચાર કરતા હતા તેઓની, હિટલરે ૧૯૩૩માં સત્તા મેળવી ત્યારથી સતાવણી થઈ રહી હતી. ઘણા ભાઈઓએ જેલમાં અને જુલમી છાવણીઓમાં આઠથી દસ કરતાં પણ વધારે વર્ષો સજા ભોગવી હતી! એ ભાઈઓ સાથે મેં સાડા ત્રણ વર્ષ કામ કર્યું. તેમના આ સારા ઉદાહરણથી, જર્મનીના ઇતિહાસકાર ગાબ્રીએલ યોનાનેના શબ્દો મને યાદ આવે છે. તેમણે લખ્યું હતું: “[હિટલરના શાસન] દરમિયાન આ ખ્રિસ્તીઓએ [યહોવાહના સાક્ષીઓએ] સરસ દાખલો બેસાડ્યો ન હોત તો, આપણે ઈસુએ જે શીખવ્યું એ કદી પણ સમજી શક્યા ન હોત.”

આ શાખામાં પણ મારે ડેનમાર્કમાં કર્યું હતું એવું જ કામ કરવાનું હતું. મારે ભાઈઓને નવી રીતભાતથી, સંસ્થાના કામકાજને એકતાથી હાથ ધરતા બતાવવાનું હતું. જ્યારે જર્મનીના ભાઈઓને ખબર પડી કે આ નવી પદ્ધતિથી તેઓના કામને કોઈ અસર નહિ થાય, અને બીજી શાખાઓ તથા મુખ્યમથક સાથે સહકારથી કામ થશે ત્યારે, તેઓ એ પ્રમાણે કામ કરવા ખૂબ જ રાજી થઈ ગયા.

પછી ભાઈ નૉરે ૧૯૫૨માં મને પત્રથી જણાવ્યું કે મારે સ્વિટ્‌ઝર્લૅન્ડના બર્ન બેથેલમાં જવાનું છે. જાન્યુઆરી ૧, ૧૯૫૩માં મને ત્યાં શાખા નિરીક્ષકનું કામ સોંપવામાં આવ્યું.

સ્વિટ્‌ઝર્લૅન્ડમાં આનંદી અનુભવો

હું સ્વિટ્‌ઝર્લૅન્ડ આવ્યો એના થોડા જ સમય પછી, એક સંમેલનમાં એસ્તરને મળ્યો અને ટૂંક સમયમાં જ અમે સગાઈ કરી. ઑગસ્ટ ૧૯૫૪માં, ભાઈ નૉરે મને બ્રુકલિન બોલાવ્યો અને અલગ જ પ્રકારનું કામ બતાવ્યું. જગત ફરતે શાખા કચેરીઓ વધતી જતી હોવાથી, એની દેખરેખ રાખવા એક નવી ગોઠવણ કરવામાં આવી હતી. આ બધી શાખાઓને જુદા જુદા પ્રદેશોમાં કે ઝોનમાં વહેંચી દેવામાં આવી, જેની હવે ઝોન નિરીક્ષક દેખરેખ રાખવાના હતા. મને ઝોન નિરીક્ષક તરીકે બે પ્રદેશો સોંપવામાં આવ્યા: યુરોપ અને ભૂમધ્ય વિસ્તાર.

બ્રુકલિનની ટૂંકી મુલાકાત પછી, હું તરત જ પાછો સ્વિટ્‌ઝર્લૅન્ડ આવ્યો અને મને સોંપેલા વિસ્તારોમાં જવાની તૈયારી કરી. મેં એસ્તર સાથે લગ્‍ન કર્યા પછી, તે પણ મારી સાથે સ્વિટ્‌ઝર્લૅન્ડ બેથેલમાં સેવા આપવા આવી હતી. પછી મેં ઝોન નિરીક્ષક તરીકે સૌ પ્રથમ મિશનરિ ઘરોની મુલાકાત લીધી. એ પછી મેં ૧૩ દેશોમાં આવેલા બેથેલની મુલાકાત લીધી. એમાં ઇટાલી, ગ્રીસ, સૈપ્રસ, મધ્ય પૂર્વના દેશો, ઉત્તર આફ્રિકાના દરિયા કિનારાનો પ્રદેશ, સ્પેન અને પોર્ટુગલનો સમાવેશ થતો હતો. પછી હું બર્ન પાછો આવ્યો અને પશ્ચિમ યુરોપના દેશોમાં મુસાફરી કરી. લગ્‍ન પછીના પહેલાં વર્ષમાં, હું ભાઈઓની સેવા કરવા માટે ૬ મહિના જેટલો સમય મારા ઘરથી અને પત્નીથી દૂર હતો.

સંજોગો બદલાયા

વર્ષ ૧૯૫૭માં એસ્તર ગર્ભવતી થઈ. બાળક થયા પછી બેથેલમાં કામ કરી શકતા ન હોવાથી, અમે મારા પપ્પાને ત્યાં ડેનમાર્ક ગયા. ત્યાં એસ્તર અમારી દીકરી રેકેલ અને મારા પપ્પાની સંભાળ રાખતી હતી. જ્યારે હું નવા જ બંધાયેલા બેથેલમાં સેવા આપતો હતો. હું રાજ્ય સેવા શાળામાં મંડળના વડીલોને તાલીમ આપવા શિક્ષક તરીકે સેવા આપતો હતો. એ સાથે હું ઝોન નિરીક્ષક તરીકે પણ સેવા આપતો હતો.

ઝોન નિરીક્ષક તરીકે મારે ઘણી મુસાફરી કરવી પડતી અને ઘરથી દૂર રહેવું પડતું. તેથી, હું મારી દીકરીને લાંબા સમય સુધી મળી શકતો ન હતો. એની અસરરૂપે, તે ઘણી વાર મને ઓળખી શકતી ન હતી. દાખલા તરીકે, એક વખતે હું પૅરિસ ગયો હતો અને ત્યાં અમે નાનું છાપખાનું નાખ્યું. એ સમયે એસ્તર અને રેકેલ મને મળવા માટે, ટ્રેન દ્વારા ગાર ડૂનૉર નામના સ્ટેશને આવવાના હતા. શાખામાંથી લેયોપોલ્ડ જોન્ટેસ નામના ભાઈ પણ મારી સાથે સ્ટેશને આવ્યા હતા. રેકેલ ટ્રેનમાંથી નીચે ઊતરી અને પહેલાં લેયોપોલ્ડ સામે જોયું. પછી તેણે મારી સામે જોયું અને ફરીથી લેયોપોલ્ડની સામે જોઈને તેમને ભેટી પડી!

હું ૪૫ વર્ષનો થયો ત્યારે, મારે જીવનમાં એક મોટો ફેરફાર કરવો પડ્યો. મારા કુટુંબનું ભરણ-પોષણ કરવા માટે, મારે પૂરા સમયની સેવા છોડીને નોકરી કરવી પડી. યહોવાહના સાક્ષીઓના નિરીક્ષક તરીકે કામ કરવાનો મારી પાસે ઘણો અનુભવ હતો. એ કારણે મને એક્સપૉર્ટ મૅનેજર તરીકે નોકરી મળી. રેકેલે સ્કૂલ પૂરી કરી ત્યાં સુધી મેં એ કંપનીમાં નવ વર્ષ કામ કર્યું. ત્યાર પછી, પ્રચાર કરવાની સખત જરૂર છે ત્યાં જઈને સેવા આપવાનો અમે નિર્ણય લીધો.

નૉર્વેમાં પ્રચારકોની જરૂર હતી, તેથી મેં ત્યાં નોકરી માટે એજન્સીમાં પૂછ્યું. પરંતુ, ૫૫ વર્ષની વ્યક્તિ માટે ત્યાં નોકરી મળવી સહેલું ન હતું. તેમ છતાં, મેં ઓસ્લોમાં આવેલા બેથેલની મદદથી ડ્રોબક શહેર નજીક એક ઘર ભાડે રાખ્યું. મને ઊંડે આશા હતી કે મને જરૂર નોકરી મળી જશે અને એમ જ થયું. તેથી, નૉર્વેમાં પ્રચાર કરવાની ખૂબ જ મજા આવી.

અમે મંડળ સાથે ઉત્તર તરફ નવા વિસ્તારમાં પ્રચાર કરવા ગયા ત્યારે ખૂબ જ મજા આવી હતી. ત્યાં અમે એક સુંદર જગ્યાએ નાના-નાના ઘરો ભાડે રાખ્યા હતા. અમે દરરોજ મનોહર પહાડો પર આવેલા છૂટાછવાયા ખેતરોમાં લોકોને મળવા જતા. તેઓ સ્વભાવે મળતાવડા હોવાથી, દેવના રાજ્ય વિષે વાત કરવાની અમને ખૂબ મજા આવતી. તેઓએ ઘણું બધું સાહિત્ય લીધું પરંતુ, ફરી મુલાકાત માટે તેઓએ વર્ષ સુધી રાહ જોવી પડતી. પરંતુ તેઓ અમને ભૂલી જતા ન હતા! એસ્તર અને રેકેલ હજુ પણ એ સમયને યાદ કરે છે. અમે પાછા તેઓની મુલાકાતે જતા ત્યારે, જાણે કે પોતાના કુટુંબને વર્ષો પછી મળતા હોય એમ તેઓ અમને ભેટી પડતા હતા. નૉર્વેમાં ત્રણ વર્ષ ગાળ્યા બાદ અમે ડેનમાર્ક પાછા ગયા.

સુખી કુટુંબ

પછી અમારી દીકરી રેકેલે, નિયમિત પાયોનિયરીંગ કરતા નીલ્સ હોયર સાથે સગાઈ કરી. નીલ્સ અને રેકેલને લગ્‍ન પછી બાળકો થયા ત્યાં સુધી તેઓ પાયોનિયરીંગ કરતા હતા. નીલ્સ એક સારા પતિ અને પિતા તરીકે, તેના કુટુંબનું ખૂબ ધ્યાન રાખતો હતો. એક વહેલી સવારે તે પોતાના દીકરાને, ઊગતા સૂર્યને જોવા સાયકલ પર દરિયાકાંઠે લઈ ગયો. પાડોશીએ તેના દીકરાને પૂછ્યું કે ત્યાં તમે શું કર્યું ત્યારે, તેણે જવાબ આપ્યો: “અમે યહોવાહને પ્રાર્થના કરી.”

થોડાં વર્ષો પછી, રેકેલ અને નીલ્સના બાળકો, બેન્યામીન અને નાડ્યાએ બાપ્તિસ્મા લીધું. એ વખતે હું અને એસ્તર પણ ત્યાં હાજર હતા. અચાનક નીલ્સ મારી પાસે આવીને કહેવા લાગ્યો: “પુરુષોની આંખમાં આંસુ ન આવવા જોઈએ.” પણ પછી તરત જ અમારી આંખોમાં હર્ષનાં આંસુ ધસી આવ્યા અને અમે એકબીજાને ભેટી પડ્યા. સુખ-દુઃખમાં સાથ આપે એવો જમાઈ હોવો કેવી ખુશીની વાત છે!

સંજોગો પ્રમાણે વધારે ફેરફારો કર્યા

પછી મને અને એસ્તરને ડેનમાર્ક બેથેલમાં બોલાવવામાં આવ્યા, જે ખરેખર એક આશીર્વાદ હતો. હૉલબેકમાં બેથેલની નવી શાખા બંધાતી હતી. મને એ બાંધકામ પર દેખરેખ રાખવાનો લહાવો મળ્યો હતો અને ત્યાં બધા સ્વેચ્છાએ કામ કરી રહ્યા હતા. સખત ઠંડી હોવા છતાં ૧૯૮૨માં કામ પૂરું થયું ત્યારે, અમે બધા એ નવા બેથેલમાં જઈને કેટલા ખુશ હતા!

મને ઑફિસનું કામ સોંપવામાં આવ્યું હતું અને એનાથી હું પણ ખુશ હતો. એસ્તર ટેલિફોન ઑપરેટરનું કામ કરતી હતી. પરંતુ, સમય જતા એસ્તરને કેડનું ઑપરેશન કરાવવું પડ્યું, અને દોઢ વર્ષ પછી પિત્તાશયનું બીજું ઓપરેશન કરવું પડ્યું. બેથેલના ભાઈબહેનોએ અમારી ઘણી જ કાળજી લીધી હતી. તેમ છતાં, બધાના હિત માટે અમે બેથેલ છોડવાનો નિર્ણય કર્યો. તેથી, જે મંડળમાં અમારી દીકરી અને તેનું કુટુંબ હતું ત્યાં અમે રહેવા ગયા.

આજે એસ્તરની તબિયત સારી નથી. અમે આટલા બધા વર્ષો સાથે સેવા કરી તેમ જ સંજોગો પ્રમાણે ઘણા ફેરફારો પણ કર્યા. તેમ છતાં, તે હંમેશાં મદદરૂપ અને એક સારી જીવન સાથી પુરવાર થઈ છે. તેની તબિયત સારી ન હોવા છતાં, અમે હજુ પણ પ્રચાર કાર્યમાં બની શકે એટલો ભાગ લઈ રહ્યા છીએ. હું મારા જીવન પર નજર નાખું છું ત્યારે, મને ગીતકર્તાના શબ્દો યાદ આવે છે: “હે ઈશ્વર, તમે મારા બાળપણથી જ મને શીખવ્યું છે.”​—⁠ગીતશાસ્ત્ર ૭૧:​૧૭, IBSI.

[ફુટનોટ]

^ જુલાઈ ૧૫, ૧૯૬૩નું ચોકીબુરજ (અંગ્રેજી) પાન ૪૩૭-૪૨ જુઓ.

[પાન ૨૪ પર ચિત્ર]

વર્ષ ૧૯૪૯માં જર્મનીની શાખાના બાંધકામ સમયે સાહિત્ય ખાલી કરતી વખતે

[પાન ૨૫ પર ચિત્ર]

મારી સાથે કામ કરતા યહોવાહના સાક્ષીઓમાં, જુલમી છાવણીમાંથી પાછા આવેલા ભાઈઓ પણ હતા

[પાન ૨૬ પર ચિત્રો]

આજે એસ્તર સાથે, અને ઑક્ટોબર ૧૯૫૫માં બર્ન બેથેલમાં અમારા લગ્‍ન સમયે