સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઉત્સાહ કે ઈર્ષા તમે કયો ગુણ બતાવશો?

ઉત્સાહ કે ઈર્ષા તમે કયો ગુણ બતાવશો?

ઉત્સાહ કે ઈર્ષા તમે કયો ગુણ બતાવશો?

શું સાચા ખ્રિસ્તીઓએ ઈર્ષા રાખવી જોઈએ? ના, ખ્રિસ્તી તરીકે આપણને એકબીજા પર પ્રેમ રાખવાનું ઉત્તેજન આપવામાં આવ્યું છે, અને “પ્રીતિ અદેખાઈ કરતી નથી.” (૧ કોરીંથી ૧૩:૪; ૧૪:૧) પરંતુ, એ જ સમયે યહોવાહ કહે છે: “[હું] મારૂં માન કોઈ બીજાને આપવા ન દઉં એવો દેવ છું.” આ ખુદ યહોવાહનો ઉત્સાહ બતાવે છે. વળી, આપણે “દેવનું અનુકરણ કરનારાં” થવું જોઈએ. (નિર્ગમન ૩૪:૧૪; એફેસી ૫:૧) તો પછી આ કલમો પ્રમાણે આપણે કયો ગુણ બતાવીશું, ઉત્સાહ કે ઈર્ષા?

હેબ્રી અને ગ્રીક ભાષામાં, બાઇબલ અદેખાઈ અથવા ઈર્ષા અને ઉત્સાહ માટે એક જ શબ્દ વાપરે છે. પણ ગુજરાતીમાં એ શબ્દના અનેક રંગો છે. એક તરફ એ જલન, દ્વેષ, અદેખાઈ, ઈર્ષા, અને ધિક્કાર જેવા રંગો બતાવે છે. (નીતિવચનો ૧૪:૩૦) એની વિરુદ્ધમાં જોશ, હોંશ, લાગણી, ઉમંગ, આવેશ અને ઉત્સાહ જેવા રંગો છે. વળી એમાં ખરા પરમેશ્વરની ભક્તિને પોતાની આંખની કીકીની જેમ સાચવવાનો અર્થ પણ થાય છે.​—⁠૨ કોરીંથી ૧૧:⁠૨.

યહોવાહનો જોશ

એ વિષે યહોવાહ આપણા માટે સૌથી સરસ ઉદાહરણ બેસાડે છે. જેમ કે યહોવાહે પોતાના અગાઉના સેવકો વિષે કહ્યું: “[તેઓ] માટે મને ઘણી જ લાગણી થાય છે.” (ઝખાર્યાહ ૮:૨) આજે તે ઇચ્છે છે કે દુનિયાની ગંદકીના કોઈ છાંટા આપણા પર ન પડે, પણ દરેક રીતે આપણે પવિત્ર રહીએ. જો એમ હશે તો જેમ એક મા પોતાના ડરી ગયેલા બાળકને તરત જ ગોદમાં સંતાડી દે છે તેમ, યહોવાહ આપણને કોઈ પણ જોખમોથી બચાવવા તૈયાર છે.

એ માટે યહોવાહે આપણને બાઇબલ આપ્યું છે, જે તેમના માર્ગમાં ચાલતા રહેવા પ્રેરણા આપે છે. એમાં યશાયાહ ૪૮:૧૭ આપણને કહે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” પહેલાંના સમયમાં જે લોકો એ રીતે ચાલ્યા તેઓના ઘણા સરસ અનુભવો છે. આપણે પણ એમ જ ચાલતા રહીશું તો, યહોવાહની લાગણીની હૂંફ મળશે. પરંતુ, જો તેમને આપણા પર લાગણી ન હોત તો, આપણે જિંદગીની સફરમાં કોણ જાણે કેટલી ઠોકરો ખાધી હોત. ખરેખર, માની મમતાની જેમ યહોવાહની લાગણી આપણા ભલા માટે જ છે.

હવે ચાલો આપણે જોઈએ કે ફિનહાસે પરમેશ્વરની ભક્તિ માટે કેવો ઉત્સાહ બતાવ્યો. વળી, આપણે એ પણ જોઈશું કે મરિયમ કેવી ઈર્ષાળુ બની. એ બન્‍ને દાખલામાંથી આપણે શું શીખીએ છીએ?

મરિયમ અને ફિનહાસ

ઈસ્રાએલી લોકોને મિસરની ગુલામીમાંથી છોડાવવા યહોવાહે મુસા અને હારૂનને જવાબદારી સોંપી. એ લોકો હજુ અરણ્યમાં હતા ત્યારે મરિયમે તેના નાના ભાઈ મુસાની અદેખાઈ કરી. બાઇબલ કહે છે: “મુસા એક કૂશી સ્ત્રીની સાથે પરણ્યો હતો, તેને લીધે મરિયમ તથા હારૂન તેની વિરૂદ્ધ બોલ્યાં . . . અને તેઓએ કહ્યું, શું યહોવાહ માત્ર મુસાની મારફતે જ બોલ્યો છે? અમારી મારફતે પણ તે બોલ્યો નથી શું?” એમ લાગે છે કે મરિયમે હારૂનને મુસા વિરુદ્ધ ચડાવ્યો. તેથી, તેની ઈર્ષાના લીધે યહોવાહે તેને એકલીને જ શિક્ષા કરી. તેને અઠવાડિયા સુધી કોઢ ફૂટી નીકળ્યો.​—ગણના ૧૨:૧-૧૫.

મરિયમે કેમ મુસાની અદેખાઈ કરી? શું ઈસ્રાએલી લોકો કંઈ ભૂલ કરીને યહોવાહથી વિરુદ્ધ જતા હતા, એટલે તે બોલી ઉઠી હતી? ના, તેને તો પોતાની જ પડી હતી! તેને પોતાનું જ નામ કમાવું હતું, એટલે તેણે મુસાની અદેખાઈ કરી. પણ શા માટે? મરિયમ તો યહોવાહ માટે પ્રબોધ કરતી હતી. ખાસ કરીને સ્ત્રીઓ તેને માન આપતી હતી. તેઓ લાલ સમુદ્રમાંથી બચી ગયા પછી, નાચ-ગાનમાં મરિયમે જ આગળ પડતો ભાગ લીધો હતો. પરંતુ, હવે તો મુસાની પત્ની પણ હતી. જેનાથી મરિયમ જલતી હતી કે તે તેની નામના ઝૂંટવી લેશે. ખરેખર, તેની ફરિયાદોનું મૂળ અદેખાઈ હતું! એટલે જ તે યહોવાહના ખાસ સેવક મુસાની સામે બોલી.​—નિર્ગમન ૧૫:૧, ૨૦, ૨૧.

અદેખાઈના બદલે ફિનહાસે યહોવાહની ભક્તિ માટે ઘણો જ ઉત્સાહ બતાવ્યો. હવે કલ્પના કરો કે ઈસ્રાએલી લોકો વચનના દેશના બારણે એટલે કે મોઆબના દેશમાં આવી ઊભા હતા. તેઓ મોઆબી અને મિદ્યાની લોકોથી ઘેરાયેલા હતા, જેઓ મૂર્તિપૂજક અને દરેક પ્રકારના ગંદા કામો કરનારા હતા. એ લોકોએ ઈસ્રાએલી પુરુષોને મોટા પાપમાં ફસાવ્યા. એને લીધે યહોવાહનો રોષ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. એ શાંત પાડવા, યહોવાહે ઈસ્રાએલના વડીલોને આજ્ઞા આપી કે જેઓ પાપમાં પડ્યા છે તેઓને મારી નાખો. પરંતુ શિમઓનના કુટુંબનો એક વડીલ, ઝિમ્રી જાણીજોઈને “ઈસ્રાએલપુત્રોની આખી જમાત” સામે, કોઝબી નામની એક મિદ્યાની સ્ત્રીને તેના ઘરે લઈ જાય છે. એ જોઈને યહોવાહના ઉત્સાહને કારણે ફિનહાસ જાણે સળગી ઉઠ્યો. યહોવાહની ભક્તિ પર દુનિયાની ગંદકીના છાંટા ઉડતા જોઈને, તે સહન કરી ન શક્યો. તે ભાલો લઈને ઝિમ્રી અને કોઝબીની પાછળ દોડીને, તેઓને આરપાર વીંધી નાખ્યા. આમ તેણે યહોવાહનો કોપ શમાવ્યો. તેમ છતાં, યહોવાહે મોકલેલી મરકીથી ૨૪,૦૦૦ લોકો માર્યા ગયા. ખરેખર ફિનહાસે યહોવાહ માટે “આવેશ” કે ઉત્સાહ બતાવ્યો. એટલે યહોવાહે તેને શાબાશી આપી. વળી, તેમણે ફિનહાસ અને તેમના સંતાનોને હંમેશાં યાજક તરીકે સેવા કરવાનો પણ આશીર્વાદ આપ્યો.​—ગણના ૨૫:૪-૧૩.

આપણે મરિયમ અને ફિનહાસ પાસેથી શું શીખી શકીએ? મરિયમ અદેખી બનીને યહોવાહની વિરુદ્ધ ગઈ. પરંતુ, ફિનહાસ યહોવાહને વળગી રહ્યો અને તેમની ભક્તિ માટે ઉત્સાહ બતાવ્યો. ફિનહાસની જેમ આપણે પણ યહોવાહને વળગી રહેવું જોઈએ. તેમ જ તેમનું નામ કોઈ બદનામ ન કરે, એ માટે ફિનહાસની જેમ આપણે હિંમતથી પગલાં લેવા જોઈએ.

શાના માટે ઉત્સાહ બતાવવો?

તમે કોઈને કહેતા સાંભળ્યા છે કે “તે તો બહુ જ ઉત્સાહી છે!” પહેલી સદીના યહુદીઓ પણ એવા જ હતા. તેઓ તો રાઈનો પહાડ કરતા હતા. તેઓ બહુ જ ઉત્સાહી થઈને, યહોવાહના નિયમો પાળવાને બદલે એમાં મીઠું-મરચું ઉમેરીને પોતાના નિયમો અને વિધિઓ બનાવતા હતા. એ નિયમો લોકો પર જાણે ભારે બોજ હતા. (માત્થી ૨૩:૪) મુસાના નિયમો ઈસુ મસીહ આવે ત્યાં સુધી પાળવાના હતા. એ પછી લોકોએ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવવાનું હતું. પરંતુ, યહુદીઓ તો ઈસુને માનવા જ તૈયાર ન હતા! તેથી, તેઓ ઈસુના શિષ્યોનું નામનિશાન મીટાવી દેવા ઝનૂની બન્યા હતા. એક સમયે પ્રેષિત પાઊલ પોતે પણ એવા જ હતા. પરંતુ, તેમણે જીવનમાં મોટા ફેરફારો કર્યા. તેથી તેમણે યહુદીઓ વિષે કહ્યું કે તેઓને ઈશ્વર માટે ‘ઉત્સાહ છે, પણ એ સત્ય જ્ઞાન’ વિનાનો છે.​—રોમન ૧૦:​૨, IBSI; ગલાતી ૧:૧૪.

યહુદીઓમાંના ઘણા ખ્રિસ્તીઓ બન્યા, પણ દિલથી ફેરફાર કરવાનું તેઓ માટે સહેલું ન હતું. તેઓને હજુ ખ્રિસ્તના નહિ, પણ મુસાના નિયમો માટે હોંશ હતી. મંડળમાં ખ્રિસ્તના નિયમો પાળવા વિષે ઘણી તકરાર ઊભી થતી હતી. દાખલા તરીકે, તેઓ હજુ પણ માનવા તૈયાર ન હતા કે ખ્રિસ્તીઓએ સુનત કરાવવાની જરૂર ન હતી. વર્ષો પહેલાં, યરૂશાલેમના વડીલો આ વિષે નિર્ણય લઈને તેઓને જણાવી ચૂક્યા હતા, તોપણ આ તકરાર ઊભી થઈ. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧, ૨, ૨૮, ૨૯; ગલાતી ૪:૯, ૧૦; ૫:૭-૧૨) તેથી, એ મંડળોની મુલાકાત લીધા પછી, પાઊલ યરૂશાલેમના વડીલોને જણાવે છે કે હજુ પણ “તેઓ સર્વે ચુસ્ત રીતે નિયમશાસ્ત્રને પાળે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૦) ખ્રિસ્તી બનેલા અમુક યહુદીઓ સમજતા ન હતા કે યરૂશાલેમના વડીલોને યહોવાહે પસંદ કર્યા છે. તેઓનું માર્ગદર્શન પાળવાને બદલે, તેઓ તો બીજાઓને તોડી પાડીને પોતાનો જ કક્કો ખરો કરતા હતા.​—કોલોસી ૨:૧૭; હેબ્રી ૧૦:⁠૧.

એના પરથી આપણે ઘણું શીખીએ છીએ. પોતાનો જ કક્કો ખરો કરવાને બદલે આપણે ઉત્સાહથી બાઇબલને વળગી રહીએ. યહોવાહે જેઓને પસંદ કર્યા છે તેઓ આપણને બાઇબલમાંથી જે માર્ગદર્શન આપે, એને પૂરા દિલથી સ્વીકારીએ.

યહોવાહ માટે ઉત્સાહી બનો

ફિનહાસની જેમ આપણને યહોવાહની સેવા માટે જોશ હોવો જોઈએ. મરિયમ અને પહેલી સદીના અમુક ખ્રિસ્તીઓની જેમ આપણે પોતે કંઈક છે, એવું ન ધારીએ. પરંતુ, યહોવાહ અને તેમની સેવા જ બધું છે, એટલે એના માટે ઉત્સાહી બનીએ. ફિનહાસની જેમ જરૂર પડે ત્યારે તરત જ પગલાં લઈએ. વળી, યહોવાહની ભક્તિ કરવા બીજા લોકોને મદદ કરવા બનતું બધું જ કરીએ. આ રીતે આપણે યહોવાહની સેવાને કિંમતી ખજાનાની જેમ સાચવીશું.

અકીકો એક પાયોનિયર છે. એક વાર, પ્રચારમાં એક સ્ત્રીએ લોહીના વિષય પર તેનો સખત વિરોધ કર્યો. તે લોહી વિષે પરમેશ્વરના નિયમો જાણતી ન હતી. અકીકોએ બાઇબલમાંથી એની સારી રીતે સમજણ આપી. તેમ જ, લોહી લેવાથી કઈ તકલીફો ઊભી થઈ શકે, એ પણ જણાવ્યું. અકીકોએ શા માટે આમ કર્યું? ખરેખર, તેને યહોવાહ માટે ઘણો ઉત્સાહ હતો. તેથી, તેણે તે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન કર્યો. વધારે વાતચીત કરતા અકીકો જાણી શકી કે તે સ્ત્રી શા માટે વિરોધ કરતી હતી. તે સ્ત્રી પરમેશ્વરમાં માનતી જ ન હતી. તેથી અકીકોએ સમજાવ્યું કે જેમ દરેક વસ્તુનો બનાવનાર કોઈક છે, તેમ વિશ્વનું સર્જન કરનારા પરમેશ્વર છે. અકીકોના એવા ઉત્સાહના લીધે તે સ્ત્રીનો ગુસ્સો ઠંડો પડ્યો. પછી તે પરમેશ્વર વિષે બાઇબલમાંથી વધારે જાણવા રાજી થઈ. આજે તે સ્ત્રી પણ યહોવાહની સાક્ષી છે.

યહોવાહની સેવા માટે હોંશ હશે તો, આપણે દરેક તકે તેમના વિષે વાત કરીશું. પછી ભલે આપણે નોકરી પર, સ્કૂલમાં, બજારમાં કે મુસાફરી કરતા હોઈએ. ચાલો આપણે મીડોરાઈનો અનુભવ જોઈએ. તે નોકરી પર તક મળે તેમ, યહોવાહ વિષે વાત કરે છે. તેની સાથે કામ કરતી એક સ્ત્રીને યહોવાહના સાક્ષીઓ જરાય ગમતા ન હતા. પરંતુ, એક દિવસે વાત-વાતમાં તે સ્ત્રીએ મીડોરાઈને મનની વાત કરી. તેની દીકરી દિવસે દિવસે બગડતી જતી હતી. મીડોરાઈએ તેને એક એવું પુસ્તક આપ્યું જે યુવાનો માટે છે, એનું નામ પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે. * વળી, તેણે તે સ્ત્રીની દીકરીને મળીને તેની સાથે વાત કરવાની ગોઠવણ કરી. દીકરીએ મીડોરાઈ સાથે નિયમિત ચર્ચા શરૂ કરી. પરંતુ, તેની મા તેઓની સાથે ચર્ચામાં જોડાતી નહિ. તેથી, મીડોરાઈએ તેને યહોવાહના સાક્ષીઓ વિષે વિડીયો બતાવી, જેનું નામ છે જેહોવાઝ વિટ્‌નેસીસ—ધી ઑર્ગેનાઇઝેશન બીહાઈન્ડ ધ નેઈમ.* એ જોઈને યહોવાહના સાક્ષીઓ વિષે તે સ્ત્રીની આંખો ઉઘડી, અને તેના વિચારો બદલાયા. તેણે કહ્યું: “મારે યહોવાહના સાક્ષીઓ જેવા જ બનવું છે.” પછી, તે પણ બાઇબલ વિષે શીખવા લાગી.

આપણે મંડળમાં પણ ઉત્સાહી બનવું જોઈએ. એનાથી એકબીજા માટેનો પ્રેમ ફૂલની જેમ ખીલી ઉઠશે. આપણે વાત-વાતમાં જૂઠું બોલીને કે એકબીજાને તોડી પાડવાને બદલે, આપણી આંખની કીકીની જેમ મંડળનું રક્ષણ કરીએ. વળી, વડીલો આપણને ઠપકો આપે ત્યારે, ખોટું લગાડવાને બદલે આપણે સુધારો કરીએ, કેમ કે તેઓ તો યહોવાહથી પસંદ થયેલા છે. (૧ કોરીંથી ૫:૧૧-૧૩; ૧ તીમોથી ૫:૨૦) પાઊલને પણ કોરીંથી મંડળના ભાઈઓ માટે ખૂબ લાગણી હતી, એટલે તેમણે લખ્યું: ‘ઈશ્વરને તમારા પ્રત્યે જેવી લાગણી છે, એવી લાગણી હું પણ તમારા પ્રત્યે ધરાવું છું. જેમ કોઈ પવિત્ર કુમારિકા ભાવિ પતિ માટે જ પોતાનો પ્રેમ સંભાળી રાખે તેમ તમે પણ ખ્રિસ્ત પ્રત્યે તમારો પ્રેમ ટકાવી રાખો.’ (૨ કોરીંથી ૧૧:​૨, IBSI) આમ આપણે યહોવાહના માટેના ઉત્સાહના કારણે દુનિયાની ગંદકીના કોઈ છાંટા મંડળ પર ઊડવા દઈશું નહિ!

ખરેખર, યહોવાહ માટેના ઉત્સાહથી આપણું જ ભલુ થાય છે. પણ ખાસ કરીને એનાથી આપણે યહોવાહનું દિલ જીતી લઈ શકીએ છીએ. શું આપણા દિલની એ જ ઝંખના નથી?​—યોહાન ૨:૧૭.

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા.

[પાન ૨૯ પર ચિત્રો]

ફિનહાસને યહોવાહ માટે જોશ હતો

[પાન ૩૦ પર ચિત્રો]

યહુદીઓ જેવા ખોટા ઉત્સાહી ન બનો!

[પાન ૩૧ પર ચિત્રો]

પરમેશ્વર માટેના ઉત્સાહથી, એકબીજા માટેનો પ્રેમ ફૂલની માફક ખીલશે