સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘કઠપૂતળીના ખેલ પાછળ કોણ છે?’

‘કઠપૂતળીના ખેલ પાછળ કોણ છે?’

‘કઠપૂતળીના ખેલ પાછળ કોણ છે?’

“આખી દુનિયા જાણે એક ચકડોળમાં છે. એમાં ગોળ ગોળ ફરીને લોકોને ઊલટી આવે છે, પણ એવું કોઈક છે જે તેઓને ચકડોળની બહાર આવવા દેતું નથી.”​—⁠જોન-ક્લોડ સોલારે, ફ્રેંચ પત્રકાર.

“ભલું કરવાની લોકોની મહેનત પાણીમાં જતી હોય એમ લાગે છે. તેથી, તેઓ માને છે કે પોતે દુષ્ટ આત્માના હાથમાં, એક કઠપૂતળી જેવા છે.”​—⁠ઇતિહાસનો પંડિત જોસેફ બાર્ટન.

સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ની આતંકવાદી ઘટના જોઈને ઘણા લોકો વિચારે છે કે “હજુ શું બાકી રહેલું છે?” બ્રિટનમાં ફાઈનાન્શીયલ ટાઈમ્સના છાપામાં માઈકલ પ્રાઉસે કહ્યું: “જંગલી જાનવરો તો કોઈને ફાડી ખાય, પણ આ માણસો તો એનાથી પણ વધારે જંગલી છે.” ન્યૂ યૉર્ક ટાઈમ્સમાં એક લેખકે કહ્યું કે આ આતંકવાદી લોકોએ ઘણી તૈયારી કરી હશે. “પણ એ જોવા જેવું છે કે તેઓના દિલમાં કેટલો ક્રોધ અને નફરત હતા, જેના કારણે તેઓએ એમ કર્યું. ખરેખર, તેઓના દિલમાં ફક્ત ઝેર ભર્યું હતું.”

ઘણા ધાર્મિક લોકો વિચારે છે કે કોઈક દુષ્ટ શક્તિ તો હશે જ, જે લોકોને કઠપૂતળીની જેમ નચાવે છે. બોસ્નિયામાં જાતિભેદની લડાઈમાં લોહીની નદીઓ વહેતી જોઈને એક માણસે કહ્યું: “લોકોમાં દયાનો છાંટોય નથી. આ લડાઈ જોઈને હું ખરેખર માનું છું કે શેતાન લોકોને કઠપૂતળીની જેમ નચાવે છે.”

ઇતિહાસના પંડિત જોન ડેલુમુનને પૂછવામાં આવ્યું કે શું તે શેતાનમાં માને છે? જવાબમાં તેણે કહ્યું: “મેં મારી પોતાની નજરે જે જોયું છે અને જોઈ રહ્યો છું, એ વિષે મેં આંખ આડા કાન કર્યા નથી. એક શક્તિશાળી દુષ્ટ આત્મા એ બધાની પાછળ છે એવી મને પૂરેપૂરી ખાતરી છે. હું શા માટે એમ કહું છું? જરા વિચારો: બીજા વિશ્વયુદ્ધમાં ૪૦ કરોડ લોકો માર્યા ગયા. લાખો લોકો આઉશવિટ્‌ઝ જેવી નાત્ઝીઓની જુલમી કેદમાં માર્યા ગયા. કંબોડિયામાં અમુક ધર્મોનું નામનિશાન મિટાવી નાખવા હજારો લોકો મારી નંખાયા. રૂમાનિયા ચાઉસેસ્કુના રાજમાં લોહીની નદીઓ ભરાઈ ગઈ હતી. આજે પણ ઘણા દેશોમાં લોકોને મારી મચકોડીને સરકારોના હુકમ પાળવા મજબૂર કરવામાં આવે છે. આ રીતે દુનિયાનો ઇતિહાસ લોહીથી રંગાતો જાય છે, જેનો હજુ કોઈ અંત દેખાતો નથી. . . . હા, ખરેખર કહી શકાય કે શેતાન લોકોને કઠપૂતળીની જેમ નચાવે છે. અમુકને લાગે છે કે શેતાન એક રાક્ષસ જેવો છે, જેના પગ ભેંસ જેવા અને માથે શિંગડાં હોય છે. પરંતુ, શેતાન એવો નથી. તે તો એક દુષ્ટ શક્તિ છે, જે આખી દુનિયાને કઠપૂતળીના ખેલની જેમ પોતાને ઇશારે નચાવી રહ્યો છે.”

ઘણા લોકો જોન ડેલુમુનના વિચારો સાથે સહમત થાય છે. જેઓની નસનસમાં ભૂંડાઈ વહેતી હોય, એવા માણસો વિષે આપણે ફક્ત સમાચારોમાં જ સાંભળતા નથી. પરંતુ, આપણે પોતાની નજરે ઘણા કુટુંબોમાં એવા વ્યક્તિઓ જોઈએ છીએ. તો પછી ખરેખર માણસોને કઠપૂતળીની જેમ કોણ નચાવે છે? શું કોઈ ભટકતો આત્મા લોકોને જાનવર જેવા બનાવી દે છે? કે પછી, એક દુષ્ટ વ્યક્તિ લોકોને કઠપૂતળીની જેમ નચાવે છે, એટલે તેઓ જંગલી જાનવર કરતાં ખરાબ કામો કરે છે? શું આખી દુનિયા ખરેખર શેતાનના હાથમાં છે?

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

બાળકો: U.S. Coast Guard photo