સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાલ્કનમાં આનંદ છવાયો

બાલ્કનમાં આનંદ છવાયો

બાલ્કનમાં આનંદ છવાયો

ઑસ્ટ્રિયાના ઈન્સબ્રુકમાં ૧૯૨૨માં યહોવાહના સાક્ષીઓની મિટિંગ ચાલી રહી હતી. એ મિટિંગમાં સર્બિયાના એપાટીન શહેરથી આવેલા એક યુવાન, ફ્રાન્ઝ બ્રાંટ પણ હતા. જે ભાઈ પ્રવચન આપતા હતા તેમણે પરમેશ્વરના નામ, યહોવાહ વિષે વાત કરી ત્યારે, અમુક લોકોએ બૂમાબૂમ કરી મૂકી. તેઓના ઘોંઘાટને કારણે ભાઈ પ્રવચન ચાલુ રાખી શક્યા નહિ, અને મિટિંગ બંધ કરવી પડી. તેમ છતાં ફ્રાન્ઝે જે સાંભળ્યું, એની તેમના મન પર ઊંડી છાપ પડી. એ કારણે તે પરમેશ્વરના રાજ્ય વિષે પ્રચાર કરવા માંડ્યા. બાલ્કનના એક દેશમાં આ રીતે પરમેશ્વરના લોકોની શરૂઆત થઈ.

યુગોસ્લાવિયા નામ સાંભળીને તમારા મનમાં કેવું ચિત્ર ઊભું થાય છે? મોટે ભાગે લોકો એ નામથી યુદ્ધના મેદાનની કલ્પના કરે છે, જ્યાં કતલ ચાલતી હોય અને ભાંગ્યાં-તૂટ્યાં ઘરો હોય. જ્યાં નિરાશ અને દુઃખી રેફ્યુજી અને અનાથ બાળકો જોવા મળે. બાલ્કનના દેશોમાં ૧૯૯૧થી ૧૯૯૫ના યુદ્ધને કારણે, લોકોના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. તેઓની ખુશી લૂંટાઈ ગઈ છે! તેમ જ, કોઈ મનુષ્ય આશાનું કિરણ આપી શકે એમ નથી. યુદ્ધના કારણે, યુગોસ્લાવિયાના ભાગલા થઈ ગયા. * લોકો પૈસાની તંગીમાં આવી પડ્યા અને ગરીબી ચેપી રોગની જેમ ફેલાઈ ગઈ.

આટલું બધું દુઃખ અને મુસીબતો હોય ત્યાં, લોકોના ચહેરા પર ખુશી ક્યાંથી જોવા મળે? તમે માનશો નહિ, પણ એવા આનંદી લોકો ત્યાં છે! છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેઓમાં વધારે આનંદ છવાઈ ગયો છે. પરંતુ, ફ્રાન્ઝ બ્રાંટને આ બધા સાથે શું લાગે-વળગે છે?

બાલ્કનમાં વધારો

ફ્રાન્ઝ બ્રાંટ જે સચ્ચાઈ શીખ્યા હતા, એ વિષે ઉત્સાહથી પ્રચાર કામ ઉપાડી લીધું. ઑસ્ટ્રિયાની બોર્ડર નજીક આવેલા સ્લોવેનિયાના શહેર, મારીબોરમાં તેમને બાર્બરનું કામ મળી ગયું. જેઓ વાળ કપાવવા આવતા, તેઓ શાંતિથી બેસીને તેમનું સાંભળતા. આ રીતે લગભગ ૧૯૩૦ સુધીમાં, એ શહેરમાં થોડા બાઇબલ અભ્યાસ કરનારા ભેગા થયા. એક રેસ્ટોરન્ટમાં બાઇબલ વિષે પ્રવચનો આપવામાં આવતાં. એને પછીથી “નવી દુનિયા”​—⁠માછલીની સ્પેશિયલ રેસ્ટોરન્ટ, એવું નામ આપવામાં આવ્યું.

“ફોટો-ડ્રામા ઑફ ક્રિએશન,” જે આઠ કલાકની ફિલ્મ, સ્લાઈડ, અને રેકોર્ડિંગ છે, એનાથી પ્રચારમાં બહુ જ મદદ મળી. પછી, ૧૯૩૦ના વર્ષોમાં જર્મનીમાં યહોવાહના સાક્ષીઓ પર સખત સતાવણી આવી. તેથી, તેઓમાંના ઘણા યુગોસ્લાવિયામાં આવતા રહ્યા. તેઓમાંથી યુગોસ્લાવિયાને ઘણા પાયોનિયરો મળ્યા. તેઓએ એશ-આરામ છોડીને, દૂર દૂરના પહાડી વિસ્તારમાં પ્રચાર કર્યો. પહેલા તો એમ લાગ્યું કે બહુ લોકો સાંભળશે નહિ. તેથી, લગભગ ૧૯૪૦ના વર્ષોમાં ફક્ત ૧૫૦ પ્રચારકો હતા.

પરંતુ, ૧૯૪૧માં ત્યાં પણ સખત સતાવણી શરૂ થઈ, જે ૧૯૫૨ સુધી ચાલી. આખરે, જનરલ ટીટોના કૉમ્યુનિસ્ટ રાજમાં સપ્ટેમ્બર ૯, ૧૯૫૩ યહોવાહના લોકો માટે આનંદનો દિવસ બની રહ્યો. એ દિવસે તેઓ કાયદેસર રજિસ્ટર થયા! એ વર્ષે પ્રચારકો વધીને ૯૧૪ થયા અને વધતા જ ગયા. અરે, ૧૯૯૧ સુધીમાં તો, ૭,૪૨૦ પ્રચારકો થઈ ગયા. વળી, એ વર્ષે મેમોરિયલમાં ૧૬,૦૭૨ લોકો આવ્યા હતા.

ઑગસ્ટ ૧૬-૧૮, ૧૯૯૧માં, ક્રોએશિયાના ઝાગ્રેબમાં સૌથી પહેલું ઇન્ટરનેશનલ સંમેલન ભરાયું. દેશ-પરદેશના થઈને કુલ ૧૪,૬૮૪ લોકો ભેગા મળ્યા હતા. આ યાદગાર સંમેલને યહોવાહના લોકોને આવનાર કસોટીઓ માટે તૈયાર કર્યા, કેમ કે યુદ્ધ બારણે આવી ઊભું હતું. ક્રોએશિયા અને સર્બિયાની સરહદ પાર કરતા છેલ્લા વાહનોમાં, સર્બિયાના ભાઈ-બહેનોને લઈને પાછી જતી બસો પણ હતી. છેલ્લી બસ પસાર થઈ અને સરહદ બંધ થઈ ગઈ. ફરી પાછું યુદ્ધ શરૂ થયું.

યહોવાહના લોકોના આનંદમાં વધારો

યુદ્ધનાં વર્ષોમાં બાલ્કનમાંના યહોવાહના લોકો માટે આકરી કસોટીનો સમય હતો. તોપણ, તેઓ ખુશી મનાવતા હતા, કેમ કે યહોવાહે તેઓને આશીર્વાદ આપ્યો હતો. આ દેશમાં ૧૯૯૧થી ૮૦ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૦૧માં ૧૩,૪૭૨ પ્રચારકો હતા.

અગાઉ ઝાગ્રેબ અને સર્બિયામાં યહોવાહના સાક્ષીઓની બ્રાંચ ઑફિસો યુગોસ્લાવિયાની દેખરેખ કરતી હતી. જો કે તેઓનો વધારો અને રાજકારણમાં થયેલા ફેરફારોને કારણે, સ્લોવેનિયા અને મેસીડોનિયામાં નવી ઑફિસો ખોલવાની જરૂર પડી. વળી, ઝાગ્રેબ અને સર્બિયામાં પણ બીજી ઑફિસો લેવાની જરૂર પડી. આ ઑફિસોમાં હવે લગભગ ૧૪૦ જેટલા કામ કરે છે. એમાં મોટા ભાગે યુવાનો છે, જે યહોવાહ માટેના ઉત્સાહ અને પ્રેમથી ભરપૂર છે. એમાંના ઘણા ક્રોએશિયા, મેસીડોનિયા, સર્બિયા અને સ્લોવેનિયાની ભાષામાં બાઇબલ લિટરેચરનું ભાષાંતર કરે છે. એ ખરેખર મોટો આશીર્વાદ કહેવાય કે અંગ્રેજીમાં નીકળતું મોટા ભાગનું લિટરેચર એ ભાષાઓમાં અંગ્રેજી સાથે સાથે જ બહાર પડે છે! એ લિટરેચરથી લોકોને નિરાશામાં આશાનું કિરણ દેખાય છે.

વળી, યહોવાહના લોકો માટે ખુશીની વાત એ છે કે પરદેશમાંથી આવીને, ઘણા ભાઈ-બહેનો રાજી-ખુશીથી તેઓને દરેક રીતે મદદ કરે છે. હવે ત્યાં ભાઈ-બહેનો વધારે ખુશ છે કે તેઓ પાસે કેટલાક સુંદર કિંગ્ડમ હૉલ છે. જો કે હજુ વધારે ખુશીની વાત તો બાકી છે. એ કઈ વાત છે?

એક ખાસ કામ

ઘણા વિચારતા કે ‘શું આપણી ભાષામાં કદી પણ ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન મળશે?’ તેઓ દરેક સંમેલનમાં એની રાહ જોતા. પરંતુ, આ કંઈ જેવું-તેવું કામ ન હતું. વિચારો કે ફક્ત થોડાં વર્ષો અગાઉ જ ભાષાંતર કામ શરૂ થયું હતું. વળી, ભાષાંતર કરનારા પણ થોડાક જ હતા.

ગવર્નીંગ બોડી એટલે કે નિયામક જૂથે સંજોગો તપાસીને પછી ક્રોએશિયા, મેસીડોનિયા અને સર્બિયાની ભાષાંતર ટીમોને એક સાથે એનું કામ કરવાની મંજૂરી આપી. આમ, તેઓ એકબીજાની મદદ લઈ શકતા હતા. ક્રોએશિયાની ટીમને એની જવાબદારી સોંપવામાં આવી.

ખુશીનો મોટો દિવસ

બાલ્કન દેશોમાંના યહોવાહના સાક્ષીઓ જુલાઈ ૨૩, ૧૯૯૯નો દિવસ કદી ભૂલશે નહિ. સર્બિયા, બોસ્નિઆ-હર્ઝેગોવિના, મેસીડોનિયા અને ઝાગ્રેબમાં એક સાથે “દેવનો પ્રબોધકીય શબ્દ” સંમેલનોની ગોઠવણ કરવામાં આવી. થોડો સમય તો ખબર ન હતી કે સર્બિયામાં સંમેલન રાખી શકાશે કે નહિ. એનું કારણ એ હતું કે નેટોએ ત્યાં બોંબમારો શરૂ કર્યો હતો, એટલે કોઈ મોટી મિટિંગો ભરી શકાતી નહિ. પરંતુ, ભાઈઓને કેટલી રાહત થઈ, જ્યારે મહિનાઓની હા-ના પછી, આખરે આશા બંધાઈ કે તેઓ ભેગા મળી શકશે! જો કે એ સંમેલનો તો એથીયે વધારે ખુશી લઈ આવ્યા.

ચારેય સંમેલનોમાં શુક્રવાર બપોરે, એક ખાસ જાહેરાત કરવામાં આવી. સંમેલનમાં ૧૩,૪૯૭ રાહ જોતા હતા કે એવી તે કઈ જાહેરાત હશે. આખરે, ભાઈએ ક્રોએશિયા અને સર્બિયાની ભાષાઓમાં ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનના ગ્રીક શાસ્ત્રવચનનું ભાષાંતર બહાર પાડ્યું અને જણાવ્યું કે મેસીડોનિયાની ભાષામાં એ જલદી જ બહાર પડશે. આ સાંભળીને ભાઈ-બહેનોની ખુશીનો પાર રહ્યો નહિ. તાળીઓનો એવો ગડગડાટ થયો કે ભાઈ પોતાની જાહેરાત પણ પૂરી કરી શક્યા નહિ. બોસ્નિઆ-હર્ઝેગોવિના સંમેલનની જાહેરાતથી ભાઈઓ પહેલા તો ચૂપ થઈ ગયા. પછી જાણે હોશમાં આવતા, વાતાવરણ તાળીઓથી ગૂંજી ઊઠ્યું. સર્બિયામાં ભાઈ-બહેનો ખુશીના આંસુ રોકી શક્યા નહિ. તેઓની તાળીઓના ગડગડાટને કારણે ભાઈ માંડ માંડ જાહેરાત પૂરી કરી શક્યા. ખરેખર, કેવો આનંદ છવાઈ ગયો હતો!

ભાઈ-બહેનોનો આનંદ હજુ વધ્યો, કેમ કે યહોવાહના સાક્ષીઓએ ક્રોએશિયા અને સર્બિયાની ભાષાઓનું હેબ્રી શાસ્ત્ર છાપવાની મંજૂરી મેળવી લીધી હતી. આમ, આ બંને ભાષાઓમાં હેબ્રી શાસ્ત્ર અને ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશનનું ગ્રીક શાસ્ત્ર મળીને એક વૉલ્યુમ બનાવવામાં આવ્યું. તેમ જ, સર્બિયાની ભાષાના બાઇબલ, રોમન અને સીરીલિક અક્ષરોમાં છાપવામાં આવ્યાં.

બાલ્કન દેશોમાંના ભાઈઓ યહોવાહના આશીર્વાદો અને માર્ગદર્શનની ખૂબ જ કદર કરે છે. તેઓ દાઊદની જેમ કહે છે: “જોકે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોએ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમકે તું [યહોવાહ] મારી સાથે છે.” ભલે તેઓ હજુ ઘણી મુસીબતો સહે છે, છતાં તેઓ યહોવાહનો આનંદ પોતાનો આનંદ બનાવીને હિંમતથી ટકી રહે છે.​—⁠ગીતશાસ્ત્ર ૨૩:૪; નહેમ્યાહ ૮:⁠૧૦.

[ફુટનોટ]

^ યુદ્ધ પહેલાં યુગોસ્લાવિયામાં છ લોકશાહી દેશો હતા. એટલે કે ક્રોએશિયા, બોસ્નિઆ-હર્ઝેગોવિના, મેસીડોનિયા, મોન્ટેનેગ્રો, સર્બિયા, અને સ્લોવેનિયા.

[પાન ૨૦ પર ચિત્ર]

સ્લોવેનિયાના એક શહેર મારીબોરથી પ્રચારમાં જતા ભાઈ-બહેનો