સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

યહોવાહના સાક્ષીઓ કિંગ્ડમ હૉલ માટે બીજા કોઈ ધર્મના મકાનો ખરીદે તો, શું તેઓ પોતાની માન્યતામાં ભેળસેળ કરે છે?

મોટા ભાગે યહોવાહના સાક્ષીઓ બીજા ધર્મોના લોકો સાથે ઓછી લેવડ-દેવડ કરે છે. પરંતુ, કિંગ્ડમ હૉલ બનાવવા માટે તેઓ પાસેથી મકાન લેવું પડે તો શું? આપણે બીજા ધર્મો સાથે કોઈ ઉપાસના કરવા એ જ મકાનમાં ભેગા થવાના નથી. તેથી, એ મકાન લેવાથી આપણી માન્યતામાં ભેળસેળ થવાની નથી. કોન્ટ્રેક્ટ પર સહી થઈ ગયા પછી, તેઓ સાથે આપણને કોઈ લેવા-દેવા રહેતી નથી.

તો પછી, યહોવાહની નજરમાં આપણી ભક્તિની શાનાથી ભેળસેળ થઈ શકે? પ્રેષિત પાઊલે કહ્યું: ‘અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો: કેમકે ન્યાયીપણાની અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની જોડે શી સંગત હોય? ખ્રિસ્તને બેલ્યાલની સાથે શો મિલાપ હોય? કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે શો ભાગ હોય? દેવના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? એ માટે તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ, એમ યહોવાહ કહે છે. મલિન વસ્તુને અડકો મા; એટલે હું તમારો અંગીકાર કરીશ.’ (૨ કોરીંથી ૬:૧૪-૧૭) પાઊલ અહીં “સંબંધ” અને “સોબત” વિષે શું કહેવા માગતા હતા?

તે કહેવા માગતા હતા કે આપણે મૂર્તિપૂજકો કે બીજા ધર્મના લોકો સાથે ભેગા મળીને યહોવાહની ભક્તિ કરવી ન જોઈએ. વધુમાં, પાઊલે કોરીંથીના મંડળને ચેતવતા કહ્યું કે, તેઓએ “ભૂતપિશાચોની મેજના ભાગીદાર” થવું જોઈએ નહિ. (૧ કોરીંથી ૧૦:૨૦, ૨૧) તેથી, જો આપણે યહોવાહની ભક્તિ સાથે કોઈ પણ ધર્મ જોડીએ, તો આપણે શુદ્ધ ભક્તિમાં ભેળસેળ કરીને એને અશુદ્ધ બનાવીએ છીએ. ખરેખર, યહોવાહની ભક્તિમાં આપણે બીજા કોઈ ધર્મ સાથે સંબંધ કે સોબત રાખતા નથી. (નિર્ગમન ૨૦:૫; ૨૩:૧૩; ૩૪:૧૨) અમુક વાર, કોઈ ધાર્મિક સંસ્થા પાસેથી સાક્ષીઓ મકાન લે છે. જો એ મકાનને ભાંગીને ફરીથી બાંધવામાં ન આવે તો, શું એને કિંગ્ડમ હૉલ તરીકે વાપરી શકાય? હા, પણ એ પહેલાં એમાંથી બધી મૂર્તિઓ અને ધાર્મિક ચિત્રો કાઢી નાખવા, જેથી શેતાનની કોઈ પણ અસર રહે નહિ. આખા મકાનની સારી રીતે સાફ-સફાઈ કરીને, પછી જ એને ફક્ત યહોવાહની ભક્તિ માટે વાપરી શકાય. આમ કરવાથી, યહોવાહના લોકો અને બીજા ધર્મો વચ્ચે કોઈ ભેળસેળ થશે નહિ.

આપણે મકાન લેવા માટે કોઈ ધાર્મિક સંસ્થા સાથે કોન્ટ્રેક્ટ બાંધવો પણ પડે. પરંતુ, એ સમયે આપણે તેઓ સાથે જરૂર હોય એટલી જ સોબત રાખવી જોઈએ. પ્રેષિત પાઊલે ચેતવણી આપી હતી: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો.” તેથી, સાક્ષીઓ ન હોય તેઓની સાથે, આપણે મિત્રતા બાંધવી જોઈએ નહિ. ખાસ કરીને તેમના ધર્મમાં આપણે જરાય ભાગ લેવો જોઈએ નહિ. * પરંતુ, એનો અર્થ એ નથી કે આપણે કોઈ પણ રીતે તેઓના ધર્મને નીચો પાડીએ.

પરંતુ, જો મંડળ મિટીંગો માટે કોઈ ધાર્મિક સંસ્થાનું મકાન ભાડેથી રાખે તો શું? એ ગોઠવણ કરવા મકાન-માલિક સાથે આપણે ઘણી વાર મળવું પડે છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી એવા ધાર્મિક મકાનો, આપણે કિંગ્ડમ હૉલ તરીકે વાપરવા જોઈએ નહિ. પરંતુ, જો આપણે એ એક જ વાર વાપરવાના હોય તો શું? એવા સંજોગોમાં પણ, મંડળના વડીલોએ આવા પ્રશ્નો પર ઊંડો વિચાર કરવાની જરૂર છે: શું એ મકાનની અંદર કે બહાર મૂર્તિઓ કે દેવદેવીઓના ચિત્રો છે? જો આપણે એ હૉલ વાપરીએ તો, સમાજમાં લોકો સાક્ષીઓ વિષે શું વિચારશે? એવા હૉલ વાપરવાથી, શું આપણે મંડળમાં કોઈને ઠોકર ખવડાવીએ છીએ? (માત્થી ૧૮:૬; ૧ કોરીંથી ૮:૭-૧૩) બધા વડીલો ભેગા મળીને વાતચીત કરે કે તેઓ એ મકાનને યહોવાહની ભક્તિ માટે વાપરશે કે નહિ. પરંતુ, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે એ ફેંસલાથી તેઓ કે ભાઈ-બહેનો ઠોકર ન ખાય.

[ફુટનોટ]

^ બીજી કોઈ પણ ધાર્મિક સંસ્થા સાથે કામ-ધંધો કરવો જોઈએ કે નહિ, એ વિષે એપ્રિલ ૧૫, ૧૯૯૯ના ચોકીબુરજમાં પાન ૨૮ અને ૨૯ જુઓ.

[પાન ૨૭ પર ચિત્ર]

યહુદીઓનું એક સભાસ્થાન, જેને ખરીદીને ભાઈઓએ કિંગ્ડમ હૉલ બનાવ્યો