સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

અમે અમારી સોંપણીને વળગી રહ્યા

અમે અમારી સોંપણીને વળગી રહ્યા

મારો અનુભવ

અમે અમારી સોંપણીને વળગી રહ્યા

હર્મન બ્રુડાના જણાવ્યા પ્રમાણે

મારી પાસે બે જ પસંદગી હતી: પાંચ વર્ષ સુધી ફ્રેન્ચ લશ્કરમાં જોડાવું અથવા મૉરૉકનની જેલમાં નજરકેદ રહેવું. હું આવી પરિસ્થિતિમાં કઈ રીતે આવી પડ્યો એ વિષે ચાલો તમને જણાવું.

પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એના ત્રણ વર્ષ પહેલાં, ૧૯૧૧માં જર્મનીના ઑપએનૉમાં મારો જન્મ થયો હતો. મારા માબાપ જોસફ અને ફ્રિડા બ્રુડાને ૧૭ બાળકો હતા. એમાં મારો ૧૩મો નંબર હતો.

મને યાદ છે કે અમારા શહેરના જાહેર માર્ગ પર લશ્કરની એક ટુકડી બેન્ડ વગાડતા કૂચ કરતી હતી. મને એ જોવાનું ખૂબ ગમતું હતું. એક વાર હું મારા પપ્પા અને બીજા સૈનિકોને જોવા એ બેન્ડ ટુકડીની પાછળ પાછળ સ્ટેશન સુધી ગયો હતો. તેઓ લશ્કરના ડ્રેસમાં હતા અને ટ્રેનમાં બીજે ક્યાંક જઈ રહ્યા હતા. ટ્રેન ચાલી ત્યારે, અમુક સ્ત્રીઓ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી. એના થોડા સમય પછી, અમારા પાદરીએ ચર્ચમાં લાંબું ભાષણ આપ્યું. પછી તેમણે દેશની લડાઈમાં મરી ગયેલા ચાર જણના નામ વાંચીને કહ્યું, “હવે તેઓ સ્વર્ગમાં છે.” એ સાંભળીને મારી બાજુમાં ઊભેલી એક સ્ત્રી ચક્કર ખાઈને પડી ગઈ.

મારા પપ્પા રશિયન લશ્કરમાં હતા ત્યારે, તેમને ટાઈફોઈડ થયો હતો. તે ઘરે આવ્યા ત્યારે એકદમ નબળા થઈ ગયા હતા અને તેમને તરત જ હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેથી પાદરીએ મને કહ્યું, “ચર્ચ પાછળના કબ્રસ્તાનમાં જઈને તું ૫૦ વાર અમારા બાપ અને ૫૦ વાર પવિત્ર મરિયમ બોલીશ તો, તારા પપ્પાને સારું થઈ જશે.” મેં એમ જ કર્યું તોપણ, એના બીજા દિવસે મારા પપ્પા મરણ પામ્યા. હું ખૂબ નાનો હતો તોપણ, મને એ યુદ્ધથી ઊંડો આઘાત લાગ્યો હતો.

મને સાચો ધર્મ મળ્યો

યુદ્ધના વર્ષોમાં (૧૯૧૯-૧૯૩૯) જર્મનીમાં કામ શોધવું બહુ મુશ્કેલ હતું. પરંતુ, ૧૯૨૮માં સ્કૂલ છોડ્યા પછી મને સ્વિટ્‌ઝર્લૅન્ડ, બાઝલમાં માળી તરીકેની નોકરી મળી.

પપ્પાની જેમ હું પણ ચુસ્ત કૅથલિક હતો. મારો ધ્યેય પાદરીની જેમ ભારતમાં સેવા કરવાનો હતો. એ સમયે મારો ભાઈ રીચર્ડ યહોવાહનો સાક્ષી થઈ ગયો હતો. તેણે મારા ધ્યેય વિષે સાંભળ્યું ત્યારે, તે મને ખાસ મળવા સ્વિટ્‌ઝર્લૅન્ડ આવ્યો અને સમજાવવા પ્રયત્ન કર્યો. તેણે મને માણસો પર અને ખાસ કરીને પાદરી પર ભરોસો રાખવાના જોખમો બતાવ્યા. તેણે બાઇબલ વાંચવાનું અને ફક્ત એના પર જ ભરોસો રાખવાનું ઉત્તેજન આપ્યું. હું ઇચ્છતો ન હતો તોપણ, મેં નવો કરાર લઈને વાંચવાનું શરૂ કર્યું. ધીરે ધીરે હું જોઈ શક્યો કે મારી માન્યતાઓ બાઇબલ પ્રમાણે ન હતી.

વર્ષ ૧૯૩૩માં હું જર્મનીમાં રીચર્ડના ઘરે હતો ત્યારે, એક રવિવારે તેણે એક યુગલ સાથે મારી ઓળખાણ કરાવી. તેઓ યહોવાહના સાક્ષી હતા. હું બાઇબલ વાંચું છું એ જાણીને તેઓએ મને ધ ક્રાઈસીસ* નામની પુસ્તિકા આપી. મેં અડધી રાત સુધીમાં એ પુસ્તિકા વાંચી કાઢી. પછી મને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ કે મને સાચો ધર્મ મળ્યો છે!

બાઝલમાં યહોવાહના સાક્ષીઓએ મેગેઝિનો અને બીજા પ્રકાશનો સાથે મને સ્ટડીઝ ઈન ધ સ્ક્રીપ્ચર્સ * નામના બે ગ્રંથો પણ આપ્યા હતા. એ વાંચીને મારા પર ઊંડી અસર થઈ. પછી મેં અમારા પાદરીને ચર્ચમાંથી મારું નામ કાઢી નાખવા કહ્યું. એનાથી પાદરી ઘણા ગુસ્સે થઈ ગયા. તેમણે મને ધમકી આપી કે હું નાસ્તિક બની જઈશ. પરંતુ એનાથી તો ધર્મમાં મારો વિશ્વાસ દૃઢ થયો અને જીવનમાં પહેલી વાર મેં સાચો વિશ્વાસ કેળવવાનું શરૂ કર્યું.

એ અઠવાડિયાને અંતે બાઝલના ભાઈબહેનો ફ્રાંસની બોર્ડરના વિસ્તારમાં પ્રચાર કરવાની ગોઠવણ કરી રહ્યા હતા. પછી એક ભાઈએ મને પ્રેમથી સમજાવ્યું કે હું મંડળમાં નવો હોવાથી એ પ્રચારમાં જઈ શકીશ નહિ. તોપણ, મેં પ્રચાર શરૂ કરવાની ખૂબ જ ઇચ્છા બતાવી. તેથી તેમણે બીજા એક વડીલ ભાઈ સાથે વાત કર્યા પછી, મને સ્વિટ્‌ઝર્લૅન્ડમાં પ્રચારનો વિસ્તાર આપ્યો. હું રવિવારે વહેલી સવારે સાઇકલ પર બાઝલ નજીકના એક નાના ગામમાં જવા નીકળી ગયો. મારી બેગમાં ચાર પુસ્તકો, ૨૮ મેગેઝિનો અને ૨૦ મોટી પુસ્તિકાઓ હતી. હું એ ગામમાં પહોંચ્યો ત્યારે મોટાભાગના લોકો ચર્ચમાં હતા. તોપણ, ૧૧ વાગ્યા સુધીમાં તો મારી આખી બેગ ખાલી થઈ ગઈ હતી.

વર્ષ ૧૯૩૪માં, મેં ભાઈઓને જણાવ્યું કે મારે બાપ્તિસ્મા લેવું છે. પછી તેઓએ મારી સાથે વાત કરી અને મને બાઇબલના સત્ય વિષે ઘણા પ્રશ્નો પૂછ્યા. યહોવાહ અને તેમના સંગઠનને તેઓ કેટલા વફાદાર હતા એ જોઈને હું ઘણો પ્રભાવિત થયો. એ સમયે શિયાળો હોવાથી, ભાઈએ મને એક વડીલના ઘરના બાથટબમાં બાપ્તિસ્મા આપ્યું. ત્યારે મને બેહદ ખુશી થઈ હતી.

બેથેલ ફાર્મમાં કામ કરતા

વર્ષ ૧૯૩૬માં મને જાણવા મળ્યું કે યહોવાહના સાક્ષીઓએ સ્વિટ્‌ઝર્લૅન્ડમાં થોડી જમીન ખરીદી છે. તેથી, મેં માળી તરીકે સેવા આપવાની ઇચ્છા બતાવી. બર્નથી ૩૦ કિલોમીટર દૂર સ્ટાઈફબૉર્ગના બેથેલ ફાર્મમાં મને કામ કરવાનું આમંત્રણ મળ્યું ત્યારે, મારી ખુશીનો પાર ન રહ્યો. હું શક્ય હોય ત્યારે બેથેલ ફાર્મમાં બીજાઓને પણ તેઓના કામમાં મદદ કરતો હતો. બેથેલમાં હું એકબીજાને મદદ કરવાના મહત્ત્વ વિષે શીખ્યો હતો.

ભાઈ રધરફર્ડ ૧૯૩૬માં બેથેલ ફાર્મની મુલાકાતે આવ્યા એ મારા જીવનનો સૌથી યાદગાર અનુભવ હતો. અમે ઉગાવેલા મોટા અને સુંદર ટામેટા તથા ફળદ્રુપ પાક જોઈને તે ખુશ થઈ ગયા. તે કેવા પ્રેમાળ ભાઈ હતા!

મેં બેથેલ ફાર્મમાં ફક્ત ત્રણ વર્ષ કામ કર્યું હતું. એક દિવસ સવારે નાસ્તાના સમયે, યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથક યુનાઈટેડ સ્ટેટ્‌સ તરફથી એક પત્ર વાંચવામાં આવ્યો. એમાં પ્રચાર કાર્યની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો હતો, અને બીજા દેશોમાં પાયોનિયર સેવા કરવા માગતા હોય તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં અચકાયા વગર એ આમંત્રણ સ્વીકારી લીધું. મને મે, ૧૯૩૯માં બ્રાઝિલ જવાની સોંપણી મળી.

એ સમયે હું બેથેલ નજીકના થુન મંડળમાં જતો હતો. એક રવિવારે અમારું ગ્રૂપ સાયકલ પર અલ્પ્સના પહાડો પર પ્રચાર કરવા જવાનું હતું. એ બે કલાકનો રસ્તો હતો. માર્ગારીતા સ્ટાઈના અમારા ગ્રૂપમાં હતી. અચાનક મારા મનમાં એક વિચાર આવ્યો: શું ઈસુએ પણ પોતાના શિષ્યોને બે-બેની જોડીમાં મોકલ્યા ન હતા? પછી મેં વાતવાતમાં માર્ગારીતાને જણાવ્યું કે મને બ્રાઝિલમાં નવી સોંપણી મળી છે. તેણે પણ જરૂર હોય ત્યાં સેવા કરવાની પોતાની ઇચ્છા બતાવી. પછી અમે જુલાઈ ૩૧, ૧૯૩૯માં લગ્‍ન કર્યાં.

અચાનક મુસાફરી બદલાઈ ગઈ

ઑગસ્ટ, ૧૯૩૯ના અંતમાં અમે સેનટોસ, બ્રાઝિલ જવા લા આવ્રા ફ્રાન્સથી વહાણમાં બેઠા. યુગલ માટેની બધી કેબીનો બુક થઈ ગઈ હોવાથી, અમારે જુદી જુદી કેબીનમાં મુસાફરી કરવી પડી. મુસાફરીમાં જ અમને સમાચાર સાંભળવા મળ્યા કે બ્રિટન અને ફ્રાંસે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું છે. એ સાંભળીને ત્રીસ જર્મન મુસાફરોએ જર્મન રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું. એનાથી કૅપ્ટનને ગુસ્સો આવ્યો અને તે રસ્તો બદલીને વહાણને સાફી, મૉરોકૉમાં લઈ ગયો. જર્મન મુસાફરોએ ત્યાં પાંચ મિનિટમાં જ ઊતરી જવાનું હતું. એમાં અમારો પણ સમાવેશ થતો હતો.

અમને એક આખો દિવસ પોલીસ સ્ટેશનમાં પૂરી રાખવામાં આવ્યા. પછી, એકદમ ખખડી ગયેલી જૂની બસમાં અમને બધાને ૧૪૦ કિલોમીટર દૂર મારાકેશ જેલમાં લઈ જવામાં આવ્યા. આમ, મુશ્કેલીના દિવસો શરૂ થયા. એક અંધારી કોટડીમાં અમને ખીચોખીચ ભરી દેવામાં આવ્યા હતા. બધા માટે એક જ ટોયલેટ હતું. એ પણ જમીનમાં ફક્ત એક ખાડો હતો, જે ઘણી વાર ભરાઈ જતો હતો. અમને બધાને રાતે સૂવા માટે ગંદો કોથળો મળતો અને ઉંદરો અમારા પગે બચકા ભરતા હતા. અમને દિવસમાં બે વાર કટાયેલા ડબ્બામાં ખાવાનું મળતું હતું.

પછી લશ્કરના એક અધિકારીએ મને સમજાવ્યું કે હું પાંચ વર્ષ માટે ફ્રેન્ચ લશ્કરમાં જોડાઈશ તો તેઓ મને છોડી દેશે. મેં ના પાડી ત્યારે, તેઓએ મને એક આખો દિવસ અંધારી કોટડીમાં પૂરી દીધો. એ દિવસે મોટાભાગનો સમય મેં પ્રાર્થનામાં ગાળ્યો હતો.

આઠ દિવસ પછી, જેલના અધિકારીઓએ મને ફરીથી માર્ગારીતાને મળવાની રજા આપી. તે એકદમ સુકાઈ ગઈ હતી અને ડૂસકાં ભરીને રડતી હતી. મેં તેને મારાથી બનતી હિંમત આપી. પછી અમારી પૂછપરછ કરવામાં આવી અને અમને ટ્રેનમાં કેસાબ્લેન્કા મોકલવામાં આવ્યા. ત્યાં માર્ગારીતાને છોડી દેવામાં આવી. મને ૧૮૦ કિલોમીટર દૂર પોર્ટ લીયૉટીની (આજનું કેનઈટ્રા) જેલમાં મોકલવામાં આવ્યો. સ્વિટ્‌ઝર્લૅન્ડની એમ્બેસીના અધિકારીએ માર્ગારીતાને સ્વિટ્‌ઝર્લૅન્ડ પાછા જવાની સલાહ આપી. પરંતુ, તેણે મને છોડીને જવાનો નકાર કર્યો. હું બે મહિના પોર્ટ લીયૉટી જેલમાં રહ્યો. એ વખતે માર્ગારીતા કેસાબ્લેન્કાથી દરરોજ ખાવાનું લઈને મને મળવા આવતી હતી.

એક વર્ષ પહેલાં જ યહોવાહના સાક્ષીઓએ જર્મન ભાષામાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું. એ પુસ્તકમાં ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે યહોવાહના સાક્ષીઓ નાત્ઝી સરકાર સાથે કોઈ રીતે જોડાયેલા નથી. હું જેલમાં હતો ત્યારે, બર્નની યહોવાહના સાક્ષીઓની શાખા કચેરીએ ફ્રેન્ચ અધિકારીઓને એક પત્ર સાથે આ પુસ્તકની પ્રત મોકલી, જેથી તેઓ જોઈ શકે કે અમે નાત્ઝી નથી. માર્ગારીતાએ પણ સરકારી અધિકારીઓ આગળ અમને નિર્દોષ સાબિત કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. આખરે ૧૯૩૯માં અમને છોડી મૂકવામાં આવ્યા.

પછી અમે જમૈકા નામના વેપારી વહાણમાં બ્રાઝિલ જવા નીકળ્યા. હજુ અમે મુસાફરી શરૂ જ કરી હતી ત્યાં સાંભળવા મળ્યું કે, જર્મન સબમરીનો ઍટલૅંન્ટિક સમુદ્રમાં બધા વેપારી વહાણોને નિશાન બનાવતી હતી. અમારું વહાણ પણ તેઓની નજરમાં હતું. અમારું વહાણ વેપારી હતું, તોપણ એની આગળ-પાછળ મોટી મશીનગનો હતી. કૅપ્ટન આખો દિવસ એમાંથી ગોળીઓ છોડતો હતો અને વહાણને વાંકૂચૂકું ચલાવતો હતો. રાત્રે જર્મનોની નજરે ન પડીએ એ માટે, વહાણમાં બધી લાઇટો બંધ રહેતી. યુરોપ છોડ્યું એના આશરે પાંચ મહિના પછી, ફેબ્રુઆરી ૬, ૧૯૪૦માં અમે બ્રાઝિલના સેનટોસ બંદરે આવી પહોંચ્યા. અમે ત્યારે જ રાહતનો ખરો શ્વાસ લીધો!

ફરીથી જેલમાં

અમને બ્રાઝિલના મોન્ટીનિગ્રો શહેરમાં પ્રચારની પહેલી સોંપણી મળી હતી. પરંતુ ચર્ચના પાદરીઓને અમારા આવવાની ખબર પડી ગઈ હતી. અમે હજુ બે જ કલાક પ્રચાર કર્યો હતો ત્યાં જ પોલીસ આવીને અમને પકડી ગઈ. તેઓએ અમારું બધુ જ સાહિત્ય, બાઇબલ પ્રવચનોની ગ્રામોફોન રૅકોર્ડ્‌સ અને મૉરાકોમાંથી લીધેલી ઊંટના ચામડાની સુંદર બેગો લઈ લીધી. પાદરી અને જર્મન બોલતો એક અધિકારી પોલીસ સ્ટેશને અમારી રાહ જોતા હતા. પછી તેઓએ અમારી પાસેથી લઈ લીધેલા ગ્રામોફોન પર ભાઈ રધરફર્ડના પ્રવચનો સાંભળ્યા. ભાઈ રધરફર્ડ ખુલ્લી રીતે સીધેસીધું બોલતા હતા! પછી તે પાદરીઓ વિષે બોલવા લાગ્યા ત્યારે, એ પાદરી એકદમ ગુસ્સે થઈને જતો રહ્યો.

સાન્તા મારિયાના પાદરીના કહેવાથી, પોલીસે અમને રાજ્યની રાજધાની પોર્ટો એલગ્રેમાં મોકલ્યા. ત્યાં માર્ગારીતાને છોડી મૂકવામાં આવી અને તેણે સ્વિટ્‌ઝર્લૅન્ડની એમ્બેસીના અધિકારી પાસેથી મદદ માંગી. અધિકારીએ તેને સ્વિટ્‌ઝર્લૅન્ડ પાછા જવાનું કહ્યું. ફરીથી તેણે મને છોડીને જવાની ના પાડી. ખરેખર, માર્ગારીતા હંમેશાં મારી એક વફાદાર જીવનસાથી રહી છે. ત્રીસ દિવસ પછી મને પૂછપરછ કરીને છોડી મૂકવામાં આવ્યો. પોલીસે અમને દસ દિવસમાં એ રાજ્ય છોડી દેવા, અથવા “એના પરિણામો ભોગવવા” તૈયાર રહેવા કહ્યું હતું. બ્રુકલિનના સૂચનથી અમે લોકો રીઓ ડી જનેરો જવા નીકળ્યા.

“કૃપા કરી આ કાર્ડ વાંચો”

બ્રાઝિલમાં અમારા પ્રચાર કામની શરૂઆત સારી ન હતી, તોપણ અમે ખુશ હતા! છેવટે તો અમે સહીસલામત હતા. અમારી બેગો ફરીથી સાહિત્યોથી ભરાઈ ગઈ હતી અને અમારે રીઓ ડી જનેરોના બધા લોકોને પ્રચાર કરવાનો હતો. પણ અમને તો બહુ થોડું પોર્ટુગીઝ આવડતું હતું. અમે કઈ રીતે પ્રચાર કરીશું? સંદેશો આપતા કાર્ડ દ્વારા. અમે પોર્ટુગીઝમાં પ્રચાર કરવા, સહુથી પહેલાં “કૃપા કરી આ કાર્ડ વાંચો” વાક્ય બોલતા શીખ્યા હતા. આ કાર્ડથી કેવી સફળતા મળી હતી! એક મહિનામાં અમે લોકોને ૧૦૦૦થી વધારે પુસ્તકો આપ્યા હતા. આપણા બાઇબલ સાહિત્યો લેનારાઓમાંથી ઘણા પાછળથી યહોવાહના સાક્ષી બન્યા હતા. ખરી રીતે તો, અમારા કરતાં આપણા પ્રકાશનોએ સારી સાક્ષી આપી હતી. એનાથી મને, વધુ શીખવા માંગતા લોકોને આપણા પ્રકાશનો આપવાનું મહત્ત્વ સમજાયું હતું.

એ સમયે બ્રાઝિલની રાજધાની રીઓ ડી જનેરો હતી. અમે સરકારી ઇમારતોમાં પણ સંદેશો ફેલાવ્યો હતો. નાણામંત્રી અને લશ્કરના મંત્રીને પણ બાઇબલ વિષે જણાવવાની મને તક મળી હતી. આ બધા પ્રસંગોમાં મેં યહોવાહની મદદ અનુભવી હતી.

એક દિવસ હું મધ્ય રીઓના પ્લાઝામાં પ્રચાર કરતો હતો ત્યારે, અજાણતા કોર્ટમાં ચાલ્યો ગયો. હું જે રૂમમાં ગયો હતો ત્યાં માણસોએ કાળા કપડાં પહેર્યા હતા. મને લાગ્યું કે કોઈની દફનવિધિ હશે. મેં બધાથી અલગ પડતા એક માણસ સાથે વાત કરવા, તેને સંદેશો લખેલું કાર્ડ આપ્યું. પરંતુ, ત્યાં કોઈની દફનવિધિ ન હતી. હકીકતમાં મેં કોર્ટની કાર્યવાહીમાં ભંગ પાડ્યો હતો. હું ન્યાયાધીશ સાથે વાત કરતો હતો! તે મારી સામે જોઈને હસ્યા અને ચોકીદાર મને કંઈ ન કરે એ માટે તેને ઇશારો કર્યો. પછી તેમણે ચિલ્ડ્રન પુસ્તકની એક પ્રત લીધી અને એ માટે દાન પણ કર્યું. * હું બહાર નીકળતો હતો ત્યારે, એક ચોકીદારે મને દરવાજા પર લગાવેલી નોટીસ બતાવી: અજાણ્યા લોકોએ અંદર આવવું નહીં.

પ્રચાર કરવા માટેની બીજી એક સારી જગ્યા બંદર હતું. એક દિવસ મેં વહાણમાં કામ કરતા એક માણસને પ્રચાર કર્યો. તે પાછા જતી વખતે આપણાં ઘણા પ્રકાશનો લઈ ગયો. પછી ફરી વાર અમે તેને એક સંમેલનમાં મળ્યા. ત્યારે તેનું આખું કુટુંબ બાઇબલનો અભ્યાસ કરતું હતું અને તે પોતે પણ સારી પ્રગતિ કરતો હતો. એ જોઈને અમને બહુ જ ખુશી થઈ હતી.

જોકે દર વખતે બાબતો સહેલી ન હતી. અમારો છ મહિનાનો વિઝા પૂરો થઈ ગયો હોવાથી, હવે અમારે અહીંથી જવાનું હતું. અમે અમારી પરિસ્થિતિ વિષે બ્રુકલિન મુખ્ય મથકને લખ્યું. એના જવાબમાં અમને ભાઈ રધરફર્ડ તરફથી પત્ર મળ્યો. એ પત્રમાં તેમણે બાબતો હાથ ધરવા પ્રેમાળ સૂચનો અને ટકી રહેવા ઉત્તેજન આપ્યું હતું. અમારી ઇચ્છા બ્રાઝિલમાં રહેવાની હતી. છેવટે એક વકીલની મદદથી અમને ૧૯૪૫માં, હંમેશ માટે બ્રાઝિલમાં રહેવાનો વિઝા મળ્યો.

વધારે જવાબદારીઓ

વર્ષ ૧૯૪૧માં અમને પહેલો પુત્ર જોનાથાન થયો. પછી ૧૯૪૩માં રૂથ અને ૧૯૪૫માં એસ્તરનો જન્મ થયો. હવે અમને ત્રણ બાળકો હોવાથી, કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા મારે નોકરી કરવી પડી. પરંતુ માર્ગારીતાએ એસ્તર જન્મી ત્યાં સુધી પૂરા સમયનું પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું હતું.

અમે શરૂઆતથી જ કુટુંબ તરીકે ભેગા મળીને પ્રચાર કરતા હતા. અમે શહેરના શોપિંગ સેન્ટર, રેલ્વે સ્ટેશને, જાહેર રસ્તાઓ પર અને લોકોની વધારે અવરજવર હોય એવા વિસ્તારોમાં પ્રચાર કરતા હતા. શનિવારે સાંજે અમે ભેગા મળીને ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝિનો આપતા હતા. એનાથી અમને ખૂબ આનંદ મળતો.

ઘરમાં પણ અમે બધા બાળકોને દરરોજ થોડું કામ સોંપ્યું હતું. જોનાથાન સ્ટવ અને રસોડું સાફ કરતો. બંને છોકરીઓ ફ્રિજ સાફ કરતી, આંગણું વાળતી અને અમારા બુટને પૉલિશ કરતી. એનાથી તેઓ પોતાની જવાબદારી સંભાળતા શીખ્યા. આજે અમારા બાળકો બહુ મહેનતુ છે અને પોતાના ઘરની તથા પોતાની વસ્તુઓની સારી કાળજી રાખે છે. એ જોઈને મને અને માર્ગારીતાને ઘણી ખુશી થાય છે.

અમે બાળકોને સભામાં શાંતિથી બેસવામાં પણ શિસ્ત આપી હતી. સભા શરૂ થાય એ પહેલાં તેઓ એક ગ્લાસ પાણી પીતા અને બાથરૂમ પણ જઈ આવતા. સભામાં જોનાથાન મારી ડાબી બાજુ, રૂથ મારી જમણી બાજુ, તેના પછી માર્ગારીતા અને તેની બાજુમાં એસ્તર બેસતી હતી. એનાથી તેઓને નાનપણથી જ સભામાં ધ્યાન આપવામાં અને બાઇબલનું શિક્ષણ લેવામાં મદદ મળી.

યહોવાહનો આશીર્વાદ હંમેશાં અમારા પર રહ્યો છે. અમારા બાળકોએ પૂરા દિલથી યહોવાહની સેવા કરી છે. તેઓ પ્રચારમાં પણ પૂરા ઉત્સાહથી જાય છે. જોનાથાન અત્યારે રીઓ ડી જનેરોમાં નૉવો મીઈર મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે.

વર્ષ ૧૯૭૦ સુધીમાં તો અમારા બાળકો લગ્‍ન કરીને તેઓના ઘરે ચાલ્યા ગયા. તેથી, માર્ગારીતા અને મેં વધારે પ્રચાર કામની જરૂર હોય એવી જગ્યાએ રહેવા જવાનો નિર્ણય કર્યો. અમે સૌ પ્રથમ મીનાસ ગેરએસ રાજ્યના પૉકૉસ ડી કાલ્ડાસમાં ગયા. એ સમયે ત્યાં ફક્ત ૧૯ યહોવાહના સાક્ષીઓનું એક નાનું ગ્રૂપ હતું. તેઓ બારી વિનાના ભોંયરામાં અને સમારકામ માગી લેતા એક હોલમાં સભા ભરતા હતા. એ જોઈને મને પહેલાં બહુ દુઃખ થયું. પછી અમે તરત જ સારું રાજ્યગૃહ શોધવાનું શરૂ કર્યું. થોડા જ દિવસોમાં અમને એક સરસ જગ્યાએ, ગમી જાય એવું મકાન મળ્યું. પહેલાંના હોલ કરતાં એ કેવું અલગ હતું! સાડા ચાર વર્ષ પછી, ત્યાં ૧૫૫ યહોવાહના સાક્ષીઓ થયા. વર્ષ ૧૯૮૯માં અમે રીઓ ડી જનેરોમાં આરોરૂમા રહેવા ગયા અને ત્યાં નવ વર્ષ રહ્યાં. એ સમય દરમિયાન ત્યાં બે નવા મંડળો થયા.

સોંપણીને વળગી રહેવાના આશીર્વાદો

હવે અમારી તબિયત સારી રહેતી ન હતી. અમને બાળકો નજીક રહેવાની પણ ઇચ્છા થતી હતી. તેથી, અમે ૧૯૯૮માં રીઓ ડી જનેરોના સાઑ ગૉન્કાલૉમાં રહેવા ગયા. હું હજુ પણ ત્યાં મંડળમાં વડીલ તરીકે સેવા આપું છું. અમે નિયમિત પ્રચારમાં જવા અમારાથી બનતું બધું કરીએ છીએ. માર્ગારીતા નજીકના મોટા બજારમાં પ્રચાર કરવાનો આનંદ માણે છે. મંડળે અમારા ઘર નજીક અમારા માટે અમુક વિસ્તાર રાખ્યો છે. અમારી તબિયત સારી હોય ત્યારે, અમે સહેલાઈથી ત્યાં પ્રચાર કરવા જઈ શકીએ છીએ.

હું અને માર્ગારીતા ૬૦ કરતાં વધારે વર્ષોથી યહોવાહની સેવામાં છીએ. અમે પોતે અનુભવ કર્યો છે કે કોઈ પણ ‘અધિકારીઓ, વર્તમાન કે ભવિષ્ય, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, એનાથી આપણને જુદા પાડી શકશે નહિ.’ (રૂમીઓને પત્ર ૮:૩૮, ૩૯) પ્રચાર કરીને ‘બીજાં ઘેટાંને’ ભેગા કરવામાં અમને ખૂબ આનંદ મળ્યો છે. હવે તેઓને પરમેશ્વરની આ જ સુંદર પૃથ્વી પર અનંતજીવનની અદ્‍ભુત આશા છે! (યોહાન ૧૦:૧૬) અમે ૧૯૪૦માં રીઓ ડી જનેરો આવ્યા ત્યારે, ફક્ત ૨૮ સાક્ષીઓનું એક નાનું મંડળ હતું. આજે ત્યાં લગભગ ૨૫૦ મંડળોમાં ૨૦,૦૦૦ યહોવાહના સાક્ષીઓ છે.

અમુક પ્રસંગોએ અમે યુરોપમાં અમારા કુટુંબને મળવા પાછા જતા હતા. પરંતુ, યહોવાહ તરફથી અમારી ખરી સોંપણી અહીં બ્રાઝિલમાં છે. અમે એને વળગી રહીને બહુ ખુશ છીએ!

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક, પણ હવે એ છપાતું નથી.

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક, પણ હવે એ છપાતું નથી.

[પાન ૨૧ પર ચિત્ર]

વર્ષ ૧૯૩૦ના દાયકાના અંતમાં સ્વિટ્‌ઝર્લૅન્ડ, સ્ટાઈફબૉર્ગમાં આવેલા બેથેલ ફાર્મમાં, (હું જમણી બાજુ છું)

[પાન ૨૩ પર ચિત્ર]

અમારા લગ્‍નના થોડા દિવસ પહેલાં ૧૯૩૯માં

[ચિત્ર on page 23

કેસાબ્લેન્કામાં ૧૯૪૦ના દાયકામાં

[પાન ૨૩ પર ચિત્ર]

કુટુંબ તરીકે પ્રચાર કરતા

[પાન ૨૪ પર ચિત્ર]

આજે પણ અમે નિયમિત રીતે પ્રચારમાં જઈએ છીએ