સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્યગૃહના દરવાજા બધા માટે ખુલ્લા છે

રાજ્યગૃહના દરવાજા બધા માટે ખુલ્લા છે

રાજ્ય પ્રચારકોનો અહેવાલ

રાજ્યગૃહના દરવાજા બધા માટે ખુલ્લા છે

ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને પ્રચાર કરવાની તાલીમ આપી ત્યારે, તેમણે તેઓને ઘરના “ધાબાંઓ પરથી” સુસમાચાર “પ્રગટ” કરવાનું ઉત્તેજન આપ્યું હતું. (માત્થી ૧૦:૨૭) હા, તેઓએ બધા જોઈ શકે એમ, જાહેરમાં લોકોને સંદેશો જણાવવાનો હતો. આ સલાહ પાળીને આજે યહોવાહના સાક્ષીઓ પણ જાહેરમાં ઘણી રીતોએ સંદેશો ફેલાવી રહ્યા છે. એનાથી તેઓને વિરોધનો સામનો કરવામાં ઘણી હિંમત મળી છે અને બીજાઓ તેઓને સારા લોકો તરીકે જુએ છે.

યહોવાહના સાક્ષીઓની સભાઓમાં બધા લોકો આવી શકે છે. પરંતુ ઘણા લોકો સાક્ષીઓ વિષે ખોટી માન્યતાઓ સાંભળીને આવતા અચકાય છે. ફિનલૅન્ડમાં પણ એ સાચું છે. ત્યાં ઘણા લોકો આમ જ આવી કોઈ નવી જગ્યાઓએ જવાનું ટાળતા હોય છે. તેથી, નવો રાજ્યગૃહ બાંધ્યા પછી કે જૂના રાજ્યગૃહને નવો બનાવ્યા પછી, ત્યાંના મંડળના ભાઈઓ એક કાર્યક્રમની ગોઠવણ કરે છે. એ કાર્યક્રમમાં મિત્રો અને પડોશીઓને રાજ્યગૃહ જોવા ખાસ આમંત્રણ આપવામાં આવે છે. ત્યાં તેઓ યહોવાહના સાક્ષીઓ કેવા કામ સાથે જોડાયેલા છે એ પણ જાણી શકે છે. તેઓ માટે ચા-નાસ્તાની પણ જોગવાઈ કરવામાં આવી હોય છે.

એક વિસ્તારમાં નવું રાજ્યગૃહ બાંધ્યા પછી, આવા જ એક કાર્યક્રમના દિવસે મેગેઝિન આપવાની ખાસ ઝુંબેશ રાખવામાં આવી હતી. બે સાક્ષીઓ એક મોટી ઉંમરના માણસને મળ્યા. તે માણસે કહ્યું કે તેને ચોકીબુરજ અને સજાગ બનો! મેગેઝિનો વાંચવાનું ખૂબ ગમે છે. પછી ભાઈઓએ તેને રાજ્યગૃહે રાખવામાં આવેલા કાર્યક્રમ વિષે જણાવ્યું અને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. એ માણસ ખુશીથી આવવા તૈયાર થઈ ગયો. તેની પત્ની પણ આ વાત સાંભળતી હતી. તે બોલી ઊઠી: “મારે પણ રાજ્યગૃહ જોવું છે!”

રાજ્યગૃહમાં આવ્યા પછી, એ માણસે ચારે બાજુ જોઈને કહ્યું: “મને તો કહેવામાં આવ્યું હતું કે અંદરથી રાજ્યગૃહ કાળું કાળું હશે! પણ અહીંયા તો ક્યાંય કાળો રંગ નથી. એને બદલે, અહીંયા તો ઉજાસ છે અને ગમી જાય એવું સુંદર રાજ્યગૃહ છે.” પછી આ પતિ-પત્નીએ સરખી રીતે રાજ્યગૃહ જોયું અને થોડાક પ્રકાશનો સાથે લઈ ગયા.

એક મંડળે રાજ્યગૃહના ઉદ્‍ઘાટન વખતે આવા જ કાર્યક્રમની ગોઠવણ કરી હતી. એ વિષે તેઓ ત્યાંના છાપામાં જાહેરાત કરવા માગતા હતા. તેથી, છાપાના એડિટરે ભાઈઓને એ વિષે એક લેખ લખવા કહ્યું. ભાઈઓએ ખુશીથી લેખ લખી આપ્યો. થોડા જ સમય પછી, છાપામાં અડધું પાનું ભરીને યહોવાહના સાક્ષીઓની પ્રસંશા કરતો એક લેખ આવ્યો. એમાં કાર્યક્રમ વિષે અને ત્યાંના મંડળના યહોવાહના સાક્ષીઓની પ્રવૃત્તિઓ વિષે માહિતી આપવામાં આવી હતી.

છાપામાં લેખ આવ્યો એ પછી, એક સ્ત્રીએ તેના પડોશી સાક્ષી બહેનને કહ્યું: “આજના છાપામાં યહોવાહના સાક્ષીઓ વિષે સરસ લેખ હતો!” બહેને તરત જ એ સ્ત્રીને સાક્ષીઓની માન્યતાઓ વિષે જણાવ્યું, અને તેને વીસમી સદીમાં યહોવાહના સાક્ષીઓ નામની મોટી પુસ્તિકા આપી.

ખરેખર, આવી ગોઠવણોથી યહોવાહના સાક્ષીઓ વિષેની લોકોની ગેરસમજ દૂર થાય છે. રાજ્યગૃહનું ઉદ્‍ઘાટન અને લોકોને રાજ્યગૃહ બતાવવા માટે જે ગોઠવણો કરવામાં આવે છે એનાથી મંડળના ભાઈબહેનોને ખૂબ ઉત્તેજન મળે છે. એનાથી તેઓ વધુને વધુ લોકોને મંડળની સભાઓમાં આવવાનું આમંત્રણ આપવા દોરાય છે. હા, ફિનલૅન્ડની જેમ બીજા દેશોમાં પણ હવે લોકો જાણી શક્યા છે કે યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહના દરવાજા બધા માટે ખુલ્લા છે.