સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એકઠા મળવાનું પડતું ન મૂકીએ

એકઠા મળવાનું પડતું ન મૂકીએ

એકઠા મળવાનું પડતું ન મૂકીએ

“જેમ કેટલાએક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (હેબ્રી ૧૦:૨૫) ખરેખર, પરમેશ્વરને ખુશ કરવા માટે, આપણે ભેગા મળવું જ જોઈએ. આમ, આપણે એકબીજાની કાળજી રાખીને “સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન” આપી શકીએ.​—⁠હેબ્રી ૧૦:⁠૨૪.

પ્રેષિત પાઊલે પહેલી સદીમાં આ લખ્યું ત્યારે, યહુદીઓ પાસે યરૂશાલેમમાં એક ભવ્ય અને જોવા જેવું મંદિર હતું. આસપાસના વિસ્તારોમાં સભાસ્થાનો પણ જોવા મળતા, જ્યાં લોકો પરમેશ્વર વિષે શીખવા ભેગા થતા હતા. ઈસુ પોતે ‘સભાસ્થાનોમાં તથા મંદિરમાં જ્યાં સઘળા યહુદીઓ એકઠા થતા, ત્યાં બોધ કરતા.’​—⁠યોહાન ૧૮:⁠૨૦.

તો પછી, જ્યારે પાઊલે સલાહ આપી કે ખ્રિસ્તીઓએ ભેગા મળવું જોઈએ, ત્યારે તે કેવાં ધાર્મિક સ્થળો વિષે વાત કરતા હતા? બીજું કે, શું લોકોએ યરૂશાલેમના મંદિરની ડિઝાઈન પ્રમાણે ચર્ચો બાંધવાના હતાં? લોકો ક્યારથી આવા ભવ્ય અને શણગારેલાં ચર્ચો બાંધવા લાગ્યાં?

પરમેશ્વરનું મંદિર

બાઇબલમાં નિર્ગમનના પુસ્તકમાં, યહોવાહ પરમેશ્વર ઈસ્રાએલીઓને ખાસ માર્ગદર્શન આપે છે. તે પોતાની ભક્તિ કરવા માટે, તેઓને એક “મંડપ” કે ‘મુલાકાત મંડપ’ બનાવવાનું કહે છે. વધુમાં, એ મંડપમાં કરારકોશ અને બીજી મૂલ્યવાન ચીજ-વસ્તુઓ રાખવાની હતી. મંડપનું બાંધકામ લગભગ ઈસવી સન પૂર્વે ૧૫૧૨માં (લગભગ ૩,૫૧૩ વર્ષ પહેલાં) પૂરું થયું, અને એ મંડપ “યહોવાહના ગૌરવથી ભરપૂર” થયો. યહોવાહની ભક્તિ માટે ૪૦૦ વર્ષ સુધી, એવી જ ડિઝાઈનના મંડપ વાપરવામાં આવ્યાં. (નિર્ગમન ૨૫-૨૭ અધ્યાયો; ૪૦:૩૩-૩૮) બાઇબલ જણાવે છે કે આ મંડપ ‘યહોવાહના મંદિર’ તરીકે ઓળખાતા હતા.​—⁠૧ શમૂએલ ૧:૯, ૨૪.

વર્ષો પછી, યરૂશાલેમના રાજા દાઊદની તમન્‍ના હતી, કે તે યહોવાહનો જયજયકાર કરવા માટે એક ભવ્ય મંદિર બનાવે. પરંતુ યહોવાહે દાઊદને કહ્યું, કે “મારી નજર આગળ તેં પૃથ્વી ઉપર બહુ લોહી વહેવડાવ્યું છે, માટે તારે મારા નામને સારૂ મંદિર બાંધવું નહિ.” પછી, યહોવાહે દાઊદના દીકરા સુલેમાનને એ કામ આપ્યું. (૧ કાળવૃત્તાંત ૨૨:૬-૧૦) એ મહાન મંદિર બાંધવામાં સુલેમાનને લગભગ ૮ વર્ષ લાગ્યાં, અને એ મંદિર ઈ.સ. પૂર્વે ૧૦૨૬માં (લગભગ ૩,૦૨૭ વર્ષો પહેલાં) પૂરું કર્યું હતું. એમાં પહેલી વાર સુલેમાને પ્રાર્થના કરી ત્યારે, યહોવાહે ખુશ થઈને કહ્યું: “આ તારા બાંધેલા મંદિરને, મારૂં નામ તેમાં સદા રાખવા સારૂ, મેં પવિત્ર કર્યું છે, અને મારી દૃષ્ટિ તથા મારૂં હૃદય નિરંતર ત્યાં રહેશે.” (૧ રાજાઓ ૯:૩) પરંતુ, યહોવાહની કૃપા મેળવતા રહેવા, તેઓએ એક શરત પાળવાની હતી. જો ઈસ્રાએલી પ્રજા ફક્ત યહોવાહને જ ભજતા રહેશે, તો યહોવાહ હંમેશા મંદિર અને તેઓ પર આશીર્વાદો વરસાવતા રહેશે. પરંતુ, જો તેઓ યહોવાહનો સાથ છોડી દે, તો એ “મંદિર નાશ પામશે.”​—⁠૧ રાજા ૯:૪-૯, IBSI; ૨ કાળવૃત્તાંત ૭:૧૬, ૧૯, ૨૦.

દુઃખની વાત એ છે કે વર્ષો પછી ઈસ્રાએલી પ્રજાએ યહોવાહને પૂરા દિલથી ભજવાનું બંધ કર્યું. (૨ રાજાઓ ૨૧:૧-૫) તેથી, ઈ.સ. પૂર્વે ૬૦૭માં (લગભગ ૨,૬૦૮ વર્ષ પહેલાં) યહોવાહે ‘કાસ્દીઓના રાજાની પાસે તેઓ પર ચઢાઈ કરાવી. તેણે યહોવાહના મંદિરને બાળી નાખ્યું તથા યરૂશાલેમનો કોટ તોડી પાડ્યો, ને તેમાંના સર્વ મહેલોને બાળીને ભસ્મ કર્યા, તથા તેઓમાંનાં સર્વ મૂલ્યવાન પાત્રોનો નાશ કર્યો. તરવારથી બચેલાંઓને તે બાબેલ લઈ ગયો; તેઓ ઈરાનના રાજ્યના અમલ સુધી તેના તથા તેના વંશજોના ગુલામ થયા.’​—⁠૨ કાળવૃત્તાંત ૩૬:૧૫-૨૧; યિર્મેયાહ ૫૨:૧૨-૧૪.

પરંતુ, એનાથી યહોવાહના મંદિરનું નામનિશાન મટી ગયું નહિ. યહુદીઓએ ૭૦ વર્ષો ગુલામીમાં જીવવું પડ્યું, પણ તેઓનું જીવન બદલાવાનું હતું. યહોવાહે યશાયાહને જણાવ્યું હતું કે ઈરાનનો રાજા કોરેશ, યહુદીઓને બાબેલોનની ગુલામીમાંથી છોડાવશે. (યશાયાહ ૪૫:૧) યરૂશાલેમમાં ફરી મંદિર બાંધવા માટે તેઓને ઈ.સ. પૂર્વે ૫૩૭માં (લગભગ ૨,૫૩૮ વર્ષો પહેલાં) છૂટકારો મળ્યો. (એઝરા ૧:૧-૬; ૨:૧, ૨; યિર્મેયાહ ૨૯:૧૦) એ બાંધકામ ધીમે ધીમે ચાલ્યું, પણ છેવટે ઈ.સ. પૂર્વે ૫૧૫માં પૂરું થયું. ભલે આ મંદિર સુલેમાનના મંદિર જેવું મહાન અને ભવ્ય ન હતું, છતાં લોકો ફરીથી ત્યાં યહોવાહની શુદ્ધ ભક્તિ કરી શક્યા! યહુદી લોકો લગભગ ૬૦૦ વર્ષ સુધી આ મંદિરમાં ભેગા મળતા. પરંતુ, પહેલાંની જેમ જ લોકોએ યહોવાહની ભક્તિ કરવાનું છોડી દીધું, અને મંદિર પાછું ભાંગી પડ્યું. વર્ષો પછી જ્યારે ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે રાજા હેરોદે નવેસરથી મંદિરનું બાંધકામ ચાલુ કર્યું હતું. પરંતુ હવે પ્રશ્ન ઊભો થાય છે, કે એ મંદિરનું શું થવાનું હતું?

‘એક પણ પથ્થર બીજા ઉપર રહેવા દેવાશે નહિ’

યરૂશાલેમના મંદિર વિષે વાત કરતી વખતે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “હું તમને ખચીત કહું છું, કે પાડી નહિ નંખાય, એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહિ.” (માત્થી ૨૪:૧, ૨) પરંતુ, સદીઓથી યહુદીઓ ફક્ત આ મંદિરમાં યહોવાહની ભક્તિ કરતા હતા તો, શા માટે ઈસુએ આમ કહ્યું? એનું કારણ એ કે તેઓએ યહોવાહને છોડી દીધા હતા, અને રૂમીઓની સામા થયા. * તેથી, રૂમી લશ્કરોએ ૭૦ની સાલમાં મંદિરનું નામનિશાન મીટાવી દીધું. ખરેખર, ઈસુએ જે કહ્યું એ સાચું પડ્યું! એ મંદિર ફરીથી કદીયે બાંધવામાં આવ્યું નથી. એના બદલે સાતમી સદીમાં મુસલમાનોએ ત્યાં જ કુબાત અસ શકરાહ નામની મસ્જિદ બનાવી, જે આજે પણ જોવા મળે છે.

ઈસુના અમુક શિષ્યો અગાઉ યહુદી ધર્મ પાળતા હતા. તેઓને ખબર પડી કે મંદિરનો નાશ થશે, તેમ છતાં શું તેઓએ ત્યાં જ ભક્તિ કરવાનું ચાલુ રાખવાનું હતું? વળી, બીજાઓ વિષે શું? મંદિરનો નાશ થયા પછી, શું લોકોએ ભક્તિ કરવા ચર્ચો બાંધવાના હતાં? ઈસુએ એક સમરૂની સ્ત્રી સાથે વાત કરતી વખતે આના જવાબ આપ્યા.

સદીઓથી સમરૂની લોકો ગેરીઝીમ પર્વત પર એક મોટા મંદિરમાં મળીને પરમેશ્વરને ભજતા હતા. એટલે તે સમરૂની સ્ત્રી ઈસુને કહે છે: “અમારા પિતૃઓ આ પહાડ પર ભજન કરતા હતા; પણ તમે કહો છો, કે જે જગાએ ભજન કરવું જોઈએ તે યરૂશાલેમમાં છે.” ઈસુ જવાબમાં કહ્યું: “બાઈ, મારૂં માન; એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ બાપનું ભજન નહિ કરશો.” ઈસુ કહેવા માગતા હતા કે ભાવિમાં લોકોને યહોવાહની ભક્તિ કરવા માટે મંદિરમાં જવું પડશે નહિ. શા માટે? ઈસુ સમજાવે છે: “દેવ આત્મા છે; અને જેઓ તેને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.” (યોહાન ૪:​૨૦, ૨૧, ૨૪) તેમ જ વર્ષો પછી, પ્રેષિત પાઊલે એથેન્સના લોકોને કહ્યું: “જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્‍ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલાં મંદિરોમાં રહેતો નથી.”​—⁠પ્રેરિતોનાં કૃત્યો ૧૭:⁠૨૪.

ખરેખર આજનાં ચર્ચો અને ઈસુના સમય પહેલાંના મંદિર વચ્ચે આસમાન જમીનનો ફરક છે. પહેલી સદીના ખ્રિસ્તીઓને ચર્ચ બાંધવાની કોઈ પણ જરૂર ન હતી. તો પછી શા માટે લોકોએ ચર્ચો બાંધ્યાં? એવું ભાખવામાં આવ્યું હતું કે પ્રથમ સદીના પ્રેષિતો પછી, અમુક લોકો સત્યથી વિરુદ્ધ શિક્ષણ આપશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦) પછીનાં વર્ષોમાં ઘણા લોકો ખ્રિસ્તના શિક્ષણને બદલે બીજું કંઈક પાળવા લાગ્યા. જ્યારે રૂમી સમ્રાટ કોન્સ્ટન્ટાઈન ૩૧૩માં ખ્રિસ્તી બન્યો, ત્યારે મોટા ભાગના લોકોએ ખ્રિસ્તી ધર્મનું રંગ-રૂપ બદલાવી નાખ્યું હતું.

વળી, કોન્સ્ટન્ટાઈને પોતે ભ્રષ્ટ રૂમી ધર્મ અને “ખ્રિસ્તી ધર્મની” ભેળસેળ કરી. એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે, કે ‘કોન્સ્ટન્ટાઈને પોતે આજ્ઞા આપી કે લોકો રોમમાં ત્રણ મોટાં ચર્ચ બાંધે. એ સંત પીતર, પાઊલ અને યોહાન માટે હતાં. વધુમાં, તેણે પોતે ક્રૉસ જેવી ડિઝાઈનના ચર્ચનો પ્લાન દોર્યો. પછીના લગભગ ૧,૦૦૦ વર્ષ સુધી આ ડિઝાઈનનાં ઘણાં ચર્ચો યુરોપમાં બંધાયાં.’ હજારો ચર્ચો હોવા છતાં, લોકો હજુ માને છે કે નવેસરથી બંધાયેલું સંત પીતરનું ચર્ચ રૂમી કૅથલિક ધર્મનું મૂળ છે.

ઇતિહાસકાર વીલ ડ્યુરેન્ટ કહે છે: “રૂમીઓ ખ્રિસ્તી બન્યા એ પહેલાં, ચર્ચે તેઓના ધર્મ અને વિધિઓ સાથે ભેળસેળ કરી.” એનું પરિણામ શું આવ્યું? “એક તો એ હતું કે ચર્ચના લોકો રૂમી ધાર્મિક સ્થળો જેવી ડિઝાઈનનાં ચર્ચો બાંધવા લાગ્યાં.” પંદરમી સદી સુધીમાં તો, બિલાડીના ટોપની જેમ, જ્યાં જુઓ ત્યાં ચર્ચો બંધાઈ ગયાં. વધુમાં, લોકો ચર્ચની ડિઝાઈન અને દેખાવ પર ખાસ ધ્યાન આપતા. તેઓ સુંદર કારીગરી કરતા, અને એ રીતે તેઓએ હજારો ભવ્ય ચર્ચો બાંધ્યાં. ઘણા દેશોમાં એવા ચર્ચો હજુ જોવા મળે છે.

પરંતુ, હવે આવા પ્રશ્નો ઊભા થાય છે: એવા ભવ્ય ચર્ચોમાં શું લોકો ખરેખર પરમેશ્વર વિષે શીખે છે? વળી, શું તેઓને શાંતિ મળે છે? બ્રાઝિલના એક ભાઈ, ફ્રાન્સિસ્કો કહે છે: “મને ચર્ચમાં જવાનો બહુ જ કંટાળો આવતો. લોકોને આંધળો વિશ્વાસ હતો, તેઓ વગર વિચાર્યે મીસ જેવી વિધિઓ વારંવાર પાળતા. મને એમાંથી પરમેશ્વર વિષે કંઈ શીખવા ન મળતું. હવે મને એ નકામી વિધિઓ કરવી પડતી નથી. તેથી, મને શાંતિ મળી છે.” પરંતુ, શું બાઇબલ આજ્ઞા આપતું નથી કે સાચા ખ્રિસ્તીઓએ એકઠા મળીને પરમેશ્વરને ભજવું જોઈએ? હા! પણ તેઓએ ક્યાં ભેગા મળવાનું છે, અને ત્યાં શું થાય છે?

“તેઓના ઘરમાં જે મંડળી છે”

ઉપરના સવાલનો જવાબ શોધવા, આપણે પહેલી સદીના ખ્રિસ્તીઓ વિષે તપાસવું જોઈએ. બાઇબલ કહે છે કે તેઓ ઘરમાં ભેગા મળતા. આપણને એની ખાતરી છે, કારણ કે પ્રેષિત પાઊલે પોતે કહ્યું હતું: ‘ખ્રિસ્ત ઈસુમાં મારી સાથે કામ કરનારા પ્રિસ્કા તથા આકુલાને સલામ કહેજો. વળી તેઓના ઘરમાં જે મંડળી છે તેને સલામ કહેજો.’ (રૂમીઓને પત્ર ૧૬:૩, ૫; કોલોસી ૪:૧૫; ફિલેમોન ૨) ખરેખર, સાચા ખ્રિસ્તીઓએ પરમેશ્વરને ખુશ કરતી ભક્તિ, ભવ્ય ચર્ચ કે મંદિરમાં કરવી પડતી નથી.

પરંતુ, ત્યાં શું થતું હતું? એ જાણવા માટે આપણે ઇતિહાસમાં થોડું વધારે જોઈએ. પહેલાંના ખ્રિસ્તીઓ સીનાગોગ ભરતા. આ ગ્રીક શબ્દ સીનાગોગનો અર્થ, “સભા,” “ભેગા મળવું,” “સમૂહ,” “મંડળ” અને “સંગમ” થઈ શકે છે. (યાકૂબ ૨:૨) પરંતુ, સમય જતા લોકોએ આ ગ્રીક શબ્દનો અર્થ થોડો બદલી નાખ્યો. તેઓ સભાને બદલે, સભા ભરવાની જગ્યા પર વધારે ભાર મૂકવા લાગ્યા. એ જગ્યાને તેઓ “સભાસ્થાન” તરીકે ઓળખવા લાગ્યા. પરંતુ, અમુક ખ્રિસ્તીઓ માટે આ નામ નવું ન હતું, કેમ કે તેઓ પહેલાં યહુદીઓ હતા. એટલે, તેઓ જાણતા કે સભાસ્થાનમાં શું થતું હતું. *

તો પછી, લોકો ક્યાં ભેગા મળતા, મંદિરમાં કે સભાસ્થાનમાં? જ્યારે કોઈ તહેવાર થતો, ત્યારે યહુદીઓ યરૂશાલેમના મંદિર જવા યાત્રા કરતા. પરંતુ, મોટા ભાગે તેઓ આસપાસના સભાસ્થાનોમાં જતા. તેઓ ત્યાં યહોવાહ અને મુસાના નિયમ વિષે શીખી શકતા. સભા ભરાતી ત્યારે, ગુરુઓ લોકોને શાસ્ત્ર વાંચી સંભળાવતા અને પ્રાર્થના કરતા. વળી, તેઓ શાસ્ત્રની ઊંડી સમજણ અને બોધ પણ આપતા. પરંતુ, શું બાઇબલ આના વિષે સાબિતી આપે છે? હા. જ્યારે પ્રેષિત પાઊલ અને તેમના મિત્રો અંત્યોખના સભાસ્થાનમાં ગયા, ત્યારે “સભાસ્થાનના અધિકારીઓએ તેઓને કહાવી મોકલ્યું, કે ભાઈઓ, જો તમારે લોકોને બોધરૂપી કંઈ વાત કહેવી હોય તો કહી સંભળાવો.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૧૫) જ્યારે પ્રથમ સદીના ખ્રિસ્તીઓ ઘરોમાં ભેગા મળ્યા હશે, ત્યારે તેઓ પણ આ સરસ દાખલો અનુસર્યા હશે. આમ, તેઓએ પણ શાસ્ત્રની ઊંડી વાતચીત કરી હશે. તેમ જ બોધ લઈને તેઓને ઘણું ઉત્તેજન મળ્યું હશે.

જીવન સુખી બનાવતા મંડળો

યહોવાહના સાક્ષીઓ પણ એ જ દાખલો અનુસરે છે. તેઓ સાદા ઘર કે હૉલમાં મળે છે. તેઓ ત્યાં એક મંડળ તરીકે એકબીજા સાથે મિત્રતા બાંધી શકે અને ખાસ કરીને બાઇબલમાંથી બોધ અને શિક્ષણ મેળવી શકે છે. ઘણાં વર્ષોથી તેઓ એકબીજાનાં ઘરોમાં જ મળતા હતા, અને અમુક દેશોમાં એ હજુ ચાલે છે. પરંતુ, સમય બદલાયો છે, કેમ કે આજે જગત ફરતે ૯૦,૦૦૦થી વધારે મંડળો છે. હવે તેઓ ક્યાં ભેગા મળે છે? ભવ્ય મકાનો, ચર્ચો કે મંદિરોના બદલે, તેઓ કિંગ્ડમ હૉલમાં મળે છે. આ હૉલ ભપકા વગરનો હોય છે. એ સાદા પણ સારી રીતે બાંધેલા હોય છે. મોટા ભાગના હૉલમાં લગભગ ૨૦૦ જેટલા બેસી શકે છે. તેઓ ત્યાં દર અઠવાડિયે ભેગા મળીને બાઇબલમાંથી શીખે છે.

મોટા ભાગનાં મંડળો અઠવાડિયામાં ત્રણ વાર મળે છે. એક સભા કે મિટિંગમાં તમે બાઇબલના વિષય પર સરસ પ્રવચન સાંભળી શકો છો. આના પછી, ચોકીબુરજ મેગેઝીનમાંથી બાઇબલની ચર્ચા થાય છે. બીજી મિટિંગ એક સ્કૂલ જેવી છે. તમે ત્યાં શીખી શકો કે કઈ રીતે બાઇબલનો સંદેશો સારી રીતે ફેલાવવો. આ સ્કૂલ પછી, લોકોને પ્રચાર કરવા માટે ઘણાં સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવે છે. ત્રીજી મિટિંગ કોઈ ભાઈ કે બહેનના ઘરે નાના નાના ગ્રુપમાં હોય છે, અને ત્યાં પણ તેઓ બાઇબલ વિષે વધારે શીખે છે. પરંતુ, આ મિટિંગોમાં જવા તમારે મેમ્બર બનવું પડે છે? ના, બધા જ લોકો આ મિટિંગોમાં આવી શકે, અને કોઈ ફી પણ નથી!

આગળ જણાવેલા ભાઈ, ફ્રાન્સિસ્કોને આ મિટિંગોમાં ખૂબ ખૂબ મજા આવે છે. તે કહે છે: “બજાર બાજુ એક સરસ કિંગ્ડમ હૉલ હતો. હું ત્યાં ગયો ત્યારે, મને અજાણ્યું લાગ્યું નહિ, કેમ કે લોકો મને મળવા આવ્યા. તેઓ ખરેખર એકબીજાને ખૂબ ચાહતા હતા. મને એટલી મજા આવી કે મારે બીજી મિટિંગ માટે ત્યાં જ રાહ જોવી હતી. ખરેખર પહેલી મિટિંગની મારા દિલ પર ઊંડી છાપ પડી હતી. એ દિવસથી હું એકેય મિટિંગ ચૂક્યો નથી. પરમેશ્વરને જાણવાની મારી તરસ ત્યાં છીપાઈ, અને મિટિંગમાં મને ખૂબ મજા આવે છે. અમુક વાર જ્યારે હું નિરાશ હોઉં, ત્યારે પણ મિટિંગમાં જઈને મારું દિલ ખુશીઓથી ભરાય જાય છે.”

તમે પણ આવો જ આનંદ અનુભવી શકો છો! યહોવાહના સાક્ષીઓ સાથે તમે બાઇબલ વિષે શીખી શકશો અને એકબીજાના જિગરી દોસ્ત બની શકશો. સૌથી મહત્ત્વનું એ છે કે આ રીતે ભક્તિ કરવાથી, તમે યહોવાહ પરમેશ્વરને ખુશ કરી શકશો. અમે તમને દિલથી પોકારીએ છીએ કે કિંગ્ડમ હૉલમાં આવો અને તમારું જીવન સુખી બનાવો. એમ કરીને તમે કદી પસ્તાશો નહિ!

[ફુટનોટ્‌સ]

^ આજે ઘણા યહુદીઓ દૂર દૂરથી આવીને યરૂશાલેમમાં એક ખાસ દિવાલ (વેઈલીંગ વૉલ) પાસે પ્રાર્થના કરે છે. પરંતુ, એ અગાઉના મંદિરની દિવાલ નથી, કેમ કે રૂમીઓએ મંદિરનો સાવ ભૂક્કો કરી નાખ્યો હતો. તેથી, એ ફક્ત મંદિર ફરતેની દિવાલનો એક ભાગ છે.

^ સભાસ્થાનની શરૂઆત ક્યારે થઈ, એ ચોક્કસ નથી. એ યહુદીઓ ૭૦ વર્ષની બાબેલોનની ગુલામીમાં હતા ત્યારે, અથવા પોતાના દેશમાં પાછા ફર્યા ત્યારે થઈ હોય શકે. પરંતુ, એક વાત ચોક્કસ છે કે તેઓ પાસે મંદિર ન હતું. તેથી, તેઓ ભેગા મળતા એ જગ્યાને સભાસ્થાન કહેતા. એ પછી સભાસ્થાનો બધી જગ્યાએ ફૂટી નીકળ્યાં. પહેલી સદીમાં, પેલેસ્તાઈનના દરેક ગામમાં એક સભાસ્થાન તો હતું જ, અને મોટા શહેરોમાં ઘણા હતાં.

[ચિત્રો on page 4, 5]

મંડપ, અને પછીના મંદિરોથી લોકો યહોવાહની સારી ભક્તિ કરી શક્યા

[પાન ૬ પર ચિત્ર]

રોમમાં સંત પીતરનું ભવ્ય ચર્ચ

[પાન ૭ પર ચિત્ર]

પહેલાંના ખ્રિસ્તીઓ ઘરોમાં ભેગા મળતા

[ચિત્રો on page 8, 9]

આજે યહોવાહના સાક્ષીઓ ઘરોમાં અને કિંગ્ડમ હૉલમાં ભેગા મળે છે