સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલની જીત!

બાઇબલની જીત!

બાઇબલની જીત!

ગ્રીસના લોકો દાવો કરે છે કે દુનિયામાં જે કંઈ સારું છે તે બધાની શરૂઆત ગ્રીસથી થઈ છે. તેમ છતાં, તેઓ પાસે લોકો સમજી શકે એવી ગ્રીક ભાષામાં બાઇબલ ન હતું. એનું ભાષાંતર કરનારાને શા માટે લોઢાના ચણા ચાવવા પડ્યા?

તમે વિચારશો કે મોટા ભાગનું બાઇબલ તો મૂળ ગ્રીક ભાષામાં લખાયું હતું તો, સાદી ગ્રીકમાં બાઇબલ મેળવવા કેમ મુશ્કેલી પડી? એનું કારણ એ હતું કે ગ્રીક શાસ્ત્ર ગ્રીક ભાષામાં જ હતું, પણ એની ભાષા પંડિતોની હતી, જે સમજવી બહુ અઘરી હતી. વળી, સેપ્ટ્યુઆજીંટમાં જે હેબ્રી શાસ્ત્રનું ભાષાંતર થયું હતું એ તો વળી એનાથી પણ વધારે અઘરું હતું. એ માટે છેલ્લાં ૬૦૦ વર્ષોમાં મોટા ભાગના ગ્રીક લોકો બાઇબલ સમજી શકતા ન હતા. તેઓ માટે જાણે એ પરદેશી ભાષામાં હતું, કારણ કે દિવસે દિવસે ભાષા બદલાતી રહે છે. ચાલો આપણે જોઈએ કે ભાષાંતર કરનારાઓએ એનો સામનો કઈ રીતે કર્યો?

ગ્રીક શાસ્ત્રની હાથે લખેલી અમુક નકલો મળી આવી, જે ત્રીજીથી સોળમી સદીમાં કરવામાં આવી હતી. એ પુરાવો આપે છે કે સેપ્ટ્યુઆજીંટમાંથી સરળ ગ્રીકમાં ભાષાંતર કરવા, તેઓએ ઘણી મહેનત કરી હતી. ત્રીજી સદીના એક બિશપ, ગ્રેગરીએ (લગભગ ૨૧૩-૨૭૦ની સાલમાં) સભાશિક્ષકનું પુસ્તક સેપ્ટ્યુઆજીંટમાંથી સરળ ગ્રીકમાં ભાષાંતર કર્યું. એ જ રીતે, ૧૧મી સદીના યહુદી તોબીયસ બેન એલીએઝરે પણ સેપ્ટ્યુઆજીંટનો પંચગ્રંથ સરળ ગ્રીકમાં ભાષાંતર કર્યો. તે મેસીડોનિયામાં રહેતા હતા. તે જોઈ શક્યા કે ત્યાંના યહુદીઓ ગ્રીક બોલતા, પણ ફક્ત હેબ્રી જ વાંચતા હતા. તેથી, તેઓ પણ વાંચી શકે એ માટે તોબીયસે હેબ્રી લિપિનો ઉપયોગ કર્યો. આખરે, એ પંચગ્રંથ ૧૫૪૭માં કોન્સ્ટેન્ટીનોપલમાં બહાર પાડવામાં આવ્યો.

નિરાશામાં આશાનું કિરણ

તુર્કીએ (ઑટોમન્સએ), પૂર્વીય રોમન સામ્રાજ્યના (બાયઝાન્ટાઈન સામ્રાજ્યના) ગ્રીક બોલતા વિસ્તારો ૧૫મી સદીમાં જીતી લીધા. એ સમયે ઘણા લોકોનું ભણતર અટકાવી દેવામાં આવ્યું. ઑટોમન સામ્રાજ્યના સમયે ઑર્થોડૉક્સ ચર્ચ પાસે હજુ બધું હતું, છતાં તેઓએ લોકો પ્રત્યે ધ્યાન ન આપ્યું. તેઓએ જાણીજોઈને લોકોને ગરીબ અને અભણ બનાવી દીધા. ગ્રીક લેખક થોમસ સ્પેલીયોસે કહ્યું: “ઑર્થોડૉક્સ ચર્ચનો ઇરાદો તેના લોકોને ઇસ્લામ અને રોમન કૅથલિકના શિક્ષણથી રક્ષણ આપવાનો હતો. તેથી, ગ્રીક શિક્ષણ ધીરે ધીરે બંધ થતું ગયું.” આવી સ્થિતિમાં બાઇબલ પ્રેમીઓ લોકોનું દુઃખ અનુભવી શક્યા. તેથી, તેઓને ગીતશાસ્ત્રમાંથી લોકોને દિલાસો આપવાની જરૂર જણાઈ. આમ, ૧૫૪૩થી ૧૮૩૫ના સમયમાં તેઓએ સરળ ગ્રીકમાં ગીતશાસ્ત્રના અલગ અલગ ૧૮ અનુવાદો કર્યા.

એક ગ્રીક સાધુ માક્સૅમસ કાલીપૉલાઈટ્‌સે, ૧૬૩૦માં આખા ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રનું ભાષાંતર બહાર પાડ્યું. આખા ગ્રીક શાસ્ત્રનું ભાષાંતર પહેલી જ વાર થયું હતું. માક્સૅમસે સીરિલ લુકારીસના હાથ નીચે આ કામ પાર પાડ્યું, જે ચર્ચમાં જાણીતા હતા. પરંતુ, તેમના ચર્ચમાં જ ઘણા વિરોધીઓ હતા, જેઓને સરળ ગ્રીકમાં બાઇબલનું ભાષાંતર જરાય પસંદ ન હતું. * તેઓએ સીરીલને ચર્ચ સાથે બેવફાઈ કરવાનો આરોપ મૂકીને મારી નાખ્યા. તેમ છતાં, ૧૬૩૮માં માક્સૅમસના ભાષાંતરની કંઈક ૧,૫૦૦ કૉપીઓ છપાઈ. યરૂશાલેમની ઑર્થોડૉક્સ કમિટિએ ૩૪ વર્ષ પછી જાહેર કર્યું કે એ બાઇબલ “ફક્ત તે જ વાંચી શકશે, જેને પરમેશ્વરના જ્ઞાનની ઊંડી સમજણ હોય. ગમે તે વ્યક્તિ એને વાંચી શકશે નહિ.” બીજા શબ્દોમાં, ફક્ત પાદરીઓ જ બાઇબલ વાંચી શકે.

પછી, ૧૭૦૩માં લેસવૉસ ટાપુથી આવેલા સરાફિમ નામના ગ્રીક સાધુએ લંડનમાં, માક્સૅમસના ભાષાંતરની સુધારેલી નકલો છાપવાનો પ્રયત્ન કર્યો. તેમણે ઇંગ્લૅંડની સરકાર પાસે પૈસાની મદદ માંગી. પરંતુ, તેઓએ ઇન્કાર કર્યો ત્યારે સરાફિમે પોતાના પૈસાથી એ નકલો છાપી. વળી, સરાફિમે નકલના પહેલા પાના પર ઉત્તેજન આપતા લખ્યું કે, “દરેક ખ્રિસ્તીએ” બાઇબલ વાંચવું જ જોઈએ. તેમ જ તેમણે પાદરીઓને ઉઘાડા પાડતા એમ પણ કહ્યું કે, તેઓ “લોકોને અંધારામાં રાખીને, તેઓનાં કાળાં કામો ઢાંકે છે.” એનાથી ચર્ચના પાદરીઓ ક્રોધે ભરાયા અને તેમને રશિયા, સાઇબિરિયામાં દેશનિકાલ કર્યો. તે ત્યાં ૧૭૩૫માં મરણ પામ્યા.

એ પછી પણ ગ્રીક લોકો પરમેશ્વરના જ્ઞાન માટે ઝંખતા હતા. તેથી, એ બાઇબલની બીજી આવૃત્તિ માટે એક ગ્રીક પાદરીએ આમ કહ્યું: ‘ગ્રીક લોકોએ ઘણી જ ખુશી અને પ્રેમથી પવિત્ર બાઇબલ મેળવ્યું. તેઓએ વાંચ્યું ત્યારે જાણે કોઈએ ઘા પર રૂઝ લાવવા મલમ લગાડયો હોય, એવું તેઓને લાગ્યું. પરમેશ્વરમાં તેઓનો વિશ્વાસ દૃઢ થયો.’ પરંતુ, પાદરીઓને ડર હતો કે બધા જ બાઇબલ સમજવા લાગશે તો, તેઓની પોલ ખૂલી જશે. તેથી, ૧૮૨૩ અને ફરી ૧૮૩૬માં કોન્સ્ટેન્ટીનોપલના વડાએ બાઇબલ ભાષાંતરની દરેક કૉપી બાળી નાખવાનો હુકમ આપ્યો.

પાદરીઓ સામે એક વિદ્વાન

એક બાજુ સખત વિરોધ હતો, બીજી બાજુ બાઇબલ મેળવવા લોકો તલપી રહ્યા હતા. એ સમયે, સાદી ગ્રીકમાં બાઇબલ ભાષાંતર કરવા નેયોફિતસ વામવાસ ઊભા થયા. તેમને ચર્ચના પાદરીઓનો જરાય ડર ન હતો. વળી, તે બાઇબલ વિદ્વાન અને ભાષાશાસ્ત્રી હતા. તેથી, તેમને “દેશના ગુરુ” કહેવામાં આવતા હતા.

વામવાસ જાણતા હતા કે લોકો ચર્ચના કારણે જ પરમેશ્વરના જ્ઞાનથી અંધારામાં છે. તેમ જ, લોકોને એ અંધકારમાં પ્રકાશ આપવા, તેઓ સમજી શકે એવી ગ્રીક ભાષામાં બાઇબલની જરૂર છે. તેથી, ૧૮૩૧માં બીજા વિદ્વાનોની મદદથી તેમણે બાઇબલનું ભાષાંતર શરૂ કર્યું. આમ, ૧૮૫૦માં તેમનું ભાષાંતર બહાર પડ્યું. તેમને એ છાપવા અને વહેંચવા ચર્ચ તરફથી કોઈ જ મદદ મળી નહિ. તેથી, તેમણે બ્રિટીશ ઍન્ડ ફૉરેન બાઇબલ સોસાયટીની મદદ લીધી. ચર્ચે તો તેમને “પ્રોટેસ્ટંટ” કહી કાઢી મૂક્યા.

વામવાસનું બાઇબલ કિંગ જેમ્સ વર્શનથી ઘણું મળતું આવતું હતું. વળી, એ સમયે ભાષા અને બાઇબલનું જ્ઞાન ઓછું હોવાથી ઘણી ભૂલો હતી. પરંતુ, વર્ષો સુધી ફક્ત આ જ એવું બાઇબલ હતું, જેને લોકો સહેલાઈથી વાંચી શકતા હતા. વળી, એ બાઇબલમાં યહોવાહ પરમેશ્વરનું નામ “ઈઓવા” ચાર વખત મળી આવે છે.​—⁠ઉત્પત્તિ ૨૨:૧૪; નિર્ગમન ૬:૩; ૧૭:૧૫; ન્યાયાધીશો ૬:૨૪.

આ અને સહેલાઈથી સમજી શકાય એવા બીજા બાઇબલથી લોકોને કેવું લાગ્યું? એનાથી તેઓની ખુશીનો પાર ન રહ્યો. એક વખતે, બાઇબલ સોસાયટીનો એક માણસ હોડી ભરીને બાઇબલ વેચતો હતો. ‘તેણે દૂરથી જોયું કે હોડી ભરીને છોકરાઓ બાઇબલ લેવા આવતા હતા. તેણે તરત જ હોડી ચલાવવા કહ્યું,’ કારણ કે તેને લાગ્યું કે તેના બધા બાઇબલ એક જગ્યાએ જ વેચાય જશે, બીજા માટે કંઈ નહિ રહે!

પરંતુ, શું એનાથી ચર્ચો ખુશ થયાં? ના, પાદરીઓએ લોકોને આ બાઇબલ લેવાની સખત મના કરી. અરે, એથેન્સમાં તો તેઓએ લોકો પાસેથી બાઇબલ ઝૂંટવી લીધાં. ક્રીટના બિશપને ૧૮૩૩માં “નવા કરાર” મળી આવ્યા. તે બહુ જ ગુસ્સે ભરાયો અને એને બાળી નાખ્યા. તેમ જ, બધાને એમ કરવાનો હુકમ કર્યો. પરંતુ, એક પાદરીએ પોતાનું બાઇબલ સંતાડી દીધું. બિશપ ત્યાંથી જતો રહ્યો ત્યાં સુધી, ગામના લોકોએ પણ પોતાના બાઇબલ સંતાડી રાખ્યાં.

એ જ રીતે, થોડાં વર્ષો પછી કોર્ફુ ટાપુમાં ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચની કમિટિએ પણ વામવાસના બાઇબલનો વિરોધ કર્યો. એનું વેચાણ રોકી દીધું અને એની કૉપીઓ બાળી નાખી. તેમ જ ખીઅસ, સાઈરોસ અને મીકનોસ ટાપુમાં પણ પાદરીઓએ એ બાઇબલો બાળી નાખ્યાં. પરંતુ, કંઈ એટલું જ બસ ન હતું. બાઇબલ ભાષાંતર કરનારા માટે હજુ ઘણી મુશ્કેલીઓ ઊભી હતી.

રાણીની મદદ

ગ્રીસની રાણી ઓલગાએ જોયું કે ગ્રીક લોકોને બાઇબલનું જ્ઞાન ઘણું જ ઓછું છે. તેથી, ૧૮૭૦-૮૦માં તેણે વામવાસની ભાષા કરતાં પણ, એકદમ સાદું ભાષાંતર કરાવવા મહેનત કરી, જેથી લોકોને દિલાસો મળી શકે.

એથેન્સના આર્ચબિશપ પ્રોકોપીયસે રાણીને ચોરી-છૂપીથી ઘણો સાથ આપ્યો. તે ચર્ચની કમિટિના વડા પણ હતા. પરંતુ, રાણીએ એ બાઇબલ છાપવા કમિટિની મંજૂરી માંગી ત્યારે, કમિટિએ એનો નકાર કર્યો. જો કે રાણીએ હિંમત હાર્યા વગર, ૧૮૯૯માં ફરીથી અરજી કરી. પરંતુ, તેઓએ એ પણ નામંજૂર કરી. તેથી, ૧૯૦૦માં તેણે પોતાના ખર્ચે અમુક કૉપીઓ છાપી. પરંતુ, હજુ પણ વિરોધીઓએ તેમનો રંગ બતાવવાનું ચાલુ જ રાખ્યું.

બાઇબલના જાની દુશ્મન

એલેક્ઝાંડર પાલીસ ઇંગ્લૅંડ, લીવરપુલમાં રહેતો હતો. તેણે માત્થીના પુસ્તકને રોજની ગ્રીકમાં ભાષાંતર કર્યું. એથેન્સના એક જાણીતા છાપા એક્રોપોલીસે, એ ભાષાંતર ૧૯૦૧માં છાપ્યું. પાલીસ અને તેના સાથીઓ ‘ગ્રીક લોકોને શિક્ષણ’ આપવા ચાહતા હતા. આમ, તેઓ એ અમૂલ્ય ખજાનો, ‘જે દેશે ખોવી દીધો હતો, એ પાછો મેળવવા’ માંગતા હતા.

પરંતુ, ધર્મચુસ્ત પ્રોફેસરો અને તેમના વિદ્યાર્થીઓએ આ ભાષાંતર પર “બાઇબલની મજાક અને અપમાન કર્યું હોવાનો” આરોપ મૂક્યો. કોન્સ્ટેન્ટીનોપલના વડા જોયાકીમ ત્રીજાએ આ ભાષાંતરને જરાય પસંદ ન કર્યું. વળી, બીજાઓએ આને રાજકારણની રમત બનાવી અને મન ફાવે એમ પોતાના લાભ માટે ઉપયોગ કર્યો.

મોટા ભાગના એથેન્સનાં છાપાઓ પાલીસના ભાષાંતરને તોડી પાડવા માંગતા હતા. છાપામાં પાલીસને ટેકો આપનારાને “નાસ્તિક, ગદ્દાર અને વિદેશીઓના ચેલાઓ” જેવા નામો આપ્યાં. નવેમ્બર ૫-૮, ૧૯૦૧માં, ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના અમુક ઝનૂનીઓએ તોફાન ચાલુ કર્યું. એથેન્સમાં વિદ્યાર્થીઓ પણ એમાં જોડાયા. તેઓએ એક્રોપોલીસ છાપાની ઑફિસો, રાજકુટુંબ, અને એથેન્સની યુનિવર્સિટીની વિરુદ્ધ તોફાન કર્યું. વળી, તેઓએ સરકારના રાજીનામાની માંગ કરી. આખરે, તોફાન શાંત પાડવા લશ્કર બોલાવવું પડ્યું, જેમાં આઠ જણ માર્યા ગયા. બીજા દિવસે રાજાએ આર્ચબિશપ પ્રોકોપીયસને રાજીનામું આપવાનો હુકમ આપ્યો. એના બે દિવસ પછી બધા મંત્રીઓએ રાજીનામું આપી દીધું.

એના એક મહિના બાદ ફરીથી વિદ્યાર્થીઓએ તોફાન કરીને, પાલીસના ભાષાંતરનું એક બાઇબલ જાહેરમાં બાળ્યું. વળી, તેઓએ ઠરાવ પસાર કર્યો કે આ ભાષાંતરની એકેય કૉપી વહેંચાવી જોઈએ નહિ. તેમ જ, એવા ભાષાંતર કરવાનો કોઈ પ્રયત્ન પણ કરશે, તો તેને સખત શિક્ષા થશે. આમ, એ સમજાય એવું ગ્રીક બાઇબલ રાખવું પણ ગુનો થઈ ગયો. આમ, ફરીથી આશાનો દીવો હોલવાઈ ગયો!

‘યહોવાહનું વચન સદાકાળ રહે છે’

પરંતુ, વિરોધના કાળા વાદળો કાયમ ન રહ્યા. સાદી ગ્રીકના બાઇબલને ૧૯૨૪માં આઝાદી મળી. એ સમયથી ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચ, લોકોના હાથમાંથી બાઇબલ ઝૂંટવી શક્યા નથી. વળી, યહોવાહના સાક્ષીઓ ૧૯૦૫થી વામવાસનું ભાષાંતર વાપરીને, લોકોને બાઇબલનું શિક્ષણ આપતા જ હતા.

વર્ષોથી ઘણા વિદ્વાનો અને પ્રોફેસરોએ સાદી ગ્રીકમાં બાઇબલ ભાષાંતર કરવા ઘણી જ મહેનત કરી છે. આજે આખું બાઇબલ અથવા એના અમુક ભાગ જુદા જુદા ૩૦ અનુવાદોમાં છે. મોટા ભાગના લોકો એને વાંચી અને સમજી શકે છે. જગત ફરતે ૧.૬ કરોડ ગ્રીક બોલતા લોકો રહે છે. ખુશીની વાત છે કે તેઓ માટે ૧૯૯૭માં, યહોવાહના સાક્ષીઓએ ગ્રીક ભાષામાં ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ બહાર પાડ્યું. એ તદ્દન સાદી અને સમજી શકાય એવી ભાષામાં છે. તેમ જ, એ મૂળ લખાણોમાંથી ભાષાંતર કરવામાં આવ્યું છે.

આ બધા બનાવો આપણને શું શીખવે છે? એ એક સનાતન સત્ય જાહેર કરે છે: ‘યહોવાહનું વચન સદાકાળ રહે છે.’​—⁠૧ પીતર ૧:૨૫.

[ફુટનોટ]

^ સીરિલ લુકારીસ વિષે જાણવા ફેબ્રુઆરી ૧૫, ૨૦૦૦નું ચોકીબુરજ પાન ૨૬-૯ જુઓ.

[પાન ૨૭ પર ચિત્ર]

બાઇબલનું સૌથી પહેલું ગ્રીક ભાષાંતર ૧૬૩૦માં, સીરિલ લુકારીસના હાથ નીચે પૂરું થયું હતું

[ક્રેડીટ લાઈન]

Bib. Publ. Univ. de Genève

[પાન ૨૮ પર ચિત્રો]

સાદી ગ્રીકમાં છાપવામાં આવેલા અમુક ગીતશાસ્ત્રના ભાષાંતરો: (૧) ઈલેરીયનનું ૧૮૨૮માં, (૨) વામવાસનું ૧૮૩૨માં, (૩) જુલીયાનસનું ૧૬૪૩માં. (૪) “જુનો કરાર” વામવાસે ૧૮૪૦માં છાપ્યો

રાણી ઓલગા

[ક્રેડીટ લાઈન્સ]

બાઇબલો: National Library of Greece; Queen Olga: Culver Pictures

[પાન ૨૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પપાઈરસ: Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin

[પાન ૨૯ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

પપાઈરસ: Reproduced by kind permission of The Trustees of the Chester Beatty Library, Dublin[પાન ૨૭ પર ચિત્રનું મથાળું]