ભક્તિ કરવા આપણે ક્યાં જઈશું?
ભક્તિ કરવા આપણે ક્યાં જઈશું?
રંગબેરંગી કપડાં પહેરીને હજારો લોકો યાત્રાએ નીકળે છે. દેશના ચારે ખૂણામાંથી ઢોલ વગાડતા વગાડતા, નાચતા નાચતા તેઓ મેળામાં આવ્યા છે. ચર્ચના આંગણામાં પહોંચે ત્યારે, ધર્મપ્રેમીઓ ઘૂંટણિયે પડીને ઢસડાતા ઢસડાતા મૂર્તિઓ નજીક જાય છે. આમ મૅક્સિકોનું એક છાપું લખે છે.
આ ધાર્મિક મેળો ડિસેમ્બર ૨૦૦૧માં થયો હતો. લગભગ ત્રીસ લાખ લોકો મૅક્સિકો શહેરમાં એક ખાસ ચર્ચ પાસે ગયા હતા. તેઓ ત્યાં વર્જિન ઑફ ગ્વાડેલુપની પૂજા કરવા ગયા હતા. પરંતુ, લોકો ફક્ત ત્યાં જ યાત્રા કરતા નથી. હજારો લોકો દર વર્ષે રોમમાં સંત પીતરનું ચર્ચ જોવા જાય છે. તેમ જ લાખો લોકો બીજી ભવ્ય અને પ્રખ્યાત ધાર્મિક જગ્યાઓ જોવા જાય છે.
ખરેખર, ધર્મપ્રેમીઓ માટે આ સ્થળો ખૂબ મહત્ત્વનાં છે, જાણે કે તેમના શરીર માટે ખોરાક છે. બ્રાઝિલમાં રહેતી મારિયા કહે છે: “ચર્ચ પવિત્ર છે, અને દેવ-બાપની નજીક જવા માટે હું અહીંયા આવું છું. અહીંયા હું પવિત્ર બની શકું છું. જો હું દર રવિવારે પાપ કબૂલ કરવા અને મીસ માટે ન આવું, તો એ મારા માટે એક મોટું પાપ છે.” મૅક્સિકોમાં રહેતા કાનસુલો કહે છે: “ચર્ચમાં મારું દિલ પ્રેમથી ઉભરાઈ જાય છે અને મને જાણે ખરું જીવન મળે છે. મને જાણે એમ લાગે કે હું સ્વર્ગમાં છું.”
અમુક કહે છે કે ચર્ચો ખૂબ મહત્ત્વનાં છે, જ્યારે કે બીજાઓ કહે છે કે એ નકામા છે. બ્રિટનમાં હવે ઓછા લોકો ચર્ચમાં જાય છે. આ જોઈને એક કૅથલિક પાદરી, પીતર સીબર્ટ કહે છે: “હજુ ઘણા વૃદ્ધ લોકો કૅથલિક ધર્મ પૂરા દિલથી માને છે, પણ આજ-કાલ લોકો એમ કરતા નથી. આજે ધર્મમાંથી તેઓને જે ગમે છે, એ જ પાળે છે.” નવેમ્બર ૨૦, ૧૯૯૮નું લંડનનું એક છાપું, ડેઈલી ટેલિગ્રાફ કહે છે: “બ્રિટનમાં ૧૯૭૯થી લગભગ
૪૯૫ નવાં ચર્ચ ખૂલ્યાં છે, અને ૧૫૦ને નવેસરથી બાંધવામાં આવ્યાં છે. પરંતુ, એ કંઈ ન કહેવાય, કેમ કે ૧,૫૦૦ ચર્ચો સાવ બંધ થઈ ગયા છે.”જર્મનીમાં ૧૯૯૭માં એક છાપામાં જોવા મળ્યું કે ‘જે બ્રિટન અને નેધરલૅન્ડ્ઝમાં થઈ રહ્યું છે, એ આ દેશમાં પણ હવે જોવા મળે છે. આજે મોટા ભાગના લોકો ચર્ચમાં જતા જ નથી. હવે આ ખાલી અને નકામા ચર્ચો, સિનેમા અને એપાર્ટમેન્ટોનું રૂપ લઈ રહ્યા છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં લગભગ ૪૦ ભવ્ય ચર્ચો પાણીના ભાવે વેચાઈ ગયા છે!’
તો હવે પ્રશ્નો ઊભા થાય છે કે શું ભક્તિ કરવા માટે આપણે ભવ્ય ચર્ચો કે મંદિરોની જરૂર છે? બાઇબલ એના વિષે શું કહે છે? તેમ જ, વર્ષો પહેલાં પરમેશ્વરને ખુશ કરતી ભક્તિ ક્યાં થતી હતી, અને એ આજે ક્યાં થાય છે? વળી, એ ભક્તિ કઈ રીતે થાય છે?