સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વડીલો, યહોવાહના લોકોની સંભાળ રાખો!

વડીલો, યહોવાહના લોકોની સંભાળ રાખો!

“મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ”

વડીલો, યહોવાહના લોકોની સંભાળ રાખો!

“રાત-દિન તમે હંમેશાં મારી ઊંડી ચિંતાઓ વિષે સાંભળતા. વળી, તમે બાઇબલમાંથી મને એટલું ઉત્તેજન આપ્યું કે, જાણે મને પવનમાં ઊડતી પતંગ જેવો અનુભવ થયો.”​—⁠પામેલાબહેન.

“તમે અમારા માટે જે કરો છો, એની અમે ખૂબ ખૂબ કદર કરીએ છીએ. અમે તમારો ઘણો આભાર માનીએ છીએ. ખરેખર, તમારી મદદથી અમારા દિલ ફરી ખુશીઓથી ભરાઈ ગયા છે.”​—⁠રોબર્ટભાઈ.

પામેલાબહેન અને રોબર્ટભાઈ બન્‍ને પ્રેમથી ઊભરાતા આ પત્રો લખે છે. પરંતુ શા માટે? તેઓ મંડળના વડીલોની ખૂબ કદર કરે છે. તેમ જ જગતના ચારે ખૂણામાંથી હજારો ભાઈબહેનો પણ તેઓના વડીલોનો ખૂબ આભાર માને છે. જેમ મા-બાપ પોતાનાં બાળકોની બધી રીતે કાળજી રાખે છે, તેમ આ વડીલો મંડળને પોતાનાં બાળકો તરીકે સાચવે છે. ખરેખર, આ વડીલો ‘દેવના ટોળાનું પ્રતિપાલન’ કરે છે. (૧ પીતર ૫:⁠૨) હા, આપણી રગેરગમાં વડીલો માટેનો આભાર અને વખાણ વહે છે, કેમ કે તેઓ આપણને બધી જ રીતે મદદ કરે છે.

યહોવાહના કામમાં બીઝી રહો

વડીલોને ઘણી જવાબદારી હોય છે. (લુક ૧૨:૪૮) તેઓએ પ્રવચનો માટે ઘણી તૈયારી કરવાની હોય છે, અને તેઓ પ્રચારમાં પણ ખૂબ મહેનત કરે છે. પરંતુ ફક્ત એટલું જ નથી! એક રબારી ગાયના ટોળાની બધી રીતે સંભાળ રાખે છે. તેમ જ, વડીલો મંડળમાં ભાઈ-બહેનોની દરેક રીતે સંભાળ રાખે છે. એ માટે તેઓ ભાઈ-બહેનોને મળવા પણ જાય છે, અને બાઇબલમાંથી ઉત્તેજન આપે છે. વડીલો ઘરડા ભાઈ-બહેનોની અને વધારે મદદની જરૂર હોય, તેઓની ખાસ સંભાળ લે છે. આમ કરવામાં, શું તેઓ પોતાના કુટુંબને ભૂલી જાય છે? જરાય નહિ! તેઓ કુટુંબને પણ પરમેશ્વરના માર્ગમાં દોરે છે, અને તેઓના ભરણ-પોષણનું બહુ જ ધ્યાન રાખે છે. (અયૂબ ૨૯:૧૨-૧૫; ૧ તીમોથી ૩:૪, ૫; ૫:૮) વડીલોને મંડળની બહાર પણ જવાબદારીઓ હોય છે, જે તેઓ રાજી-ખુશીથી ઉપાડે છે. દાખલા તરીકે અમુક વડીલો કિંગ્ડમ હૉલના બાંધકામમાં મદદ કરે છે. બીજા હૉસ્પિટલ લિએઝન કમિટિમાં (એચ.એલ.સી.માં) કે એની સાથે જોડાયેલા પેશન્ટ વિઝીટેશન ગ્રુપમાં (પી.વી.જી.માં) કામ કરે છે. વળી કેટલાક સંમેલનોમાં પણ કામ કરે છે. હા, આપણે ચોક્કસ કહી શકીએ કે વડીલો “પ્રભુના કામમાં” ખૂબ જ બીઝી હોય છે. (૧ કોરીંથી ૧૫:૫૮) એ માટે આપણે વડીલોને બહુ જ ચાહીએ છીએ!​—⁠૧ થેસ્સાલોનીકી ૫:૧૨, ૧૩.

વડીલો ભાઈ-બહેનોને વારંવાર મળીને ઉત્તેજન આપે ત્યારે, તેઓ ફરીથી યહોવાહની સેવા હર્ષથી કરવા માંડે છે. થોમસભાઈ કહે છે: “હું નાનો હતો ત્યારથી મારા પિતા ન હતા. પરંતુ, વડીલો મને પિતાની જેમ, મદદ અને ઉત્તેજન આપતા રહ્યા. જો તેઓએ આમ કર્યું ન હોત, તો મને લાગતું નથી કે હું આજે પાયોનિયર હોત.” આજે ઘણા યુવાનોના ફક્ત મા કે બાપ હોય છે. પરંતુ, તેઓ પણ થોમસની જેમ, વડીલોની કાળજી અને મદદથી યહોવાહના મિત્રો બને છે.

ઘણા મોટી ઉંમરના ભાઈ-બહેનો પણ વડીલોની મુલાકાતથી આનંદ અનુભવે છે. બે વડીલો એક પતિ-પત્નીને મળવા ગયા હતા. તેઓ ઘણા વર્ષોથી મિશનરી હતા, અને હવે લગભગ ૮૫ વર્ષના હતા. મુલાકાત પછી આ યુગલે વડીલોને પત્ર લખ્યો: “તમે મળવા આવ્યા માટે, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. તમારા ગયા પછી, અમે ફરીથી એ જ કલમો વાંચી. તમારા ઉત્તેજનને લીધે અમારું દિલ આનંદથી ભરાઈ ગયું. અમે કદી એ ભૂલીશું નહિ.” બીજા કિસ્સામાં, સિત્તેર વર્ષની વિધવા બહેન લખે છે: “હું દિલથી પ્રાર્થનામાં યહોવાહને વિનંતી કરતી હતી, કે મને મદદ કરવા માટે તે કોઈને મોકલે. અરે, જવાબમાં તેમણે તમને મોકલ્યા. ખરેખર, તમારી મુલાકાત યહોવાહથી આવેલો આશીર્વાદ હતી!” કદાચ તમે પણ એવો જ અનુભવ કર્યો હશે. ખરેખર, વડીલો આપણી બહુ જ દેખરેખ રાખીને, ઉત્તેજન આપતા રહે છે. શું આપણે તેઓની મહેનતની કદર કરતા નથી?

વડીલો, યહોવાહ અને ઈસુ જેવા બનો

એક સરસ ઘેટાંપાળકની જેમ, યહોવાહ આપણી દરેક રીતે સંભાળ રાખે છે. (ગીતશાસ્ત્ર ૨૩:૧-૪; યિર્મેયાહ ૩૧:૧૦; ૧ પીતર ૨:૨૫) ઈસુ તેમના પિતા જેવા જ છે. તેમની દેખરેખથી આપણે યહોવાહના માર્ગમાં ચાલી શકીએ છીએ. ખરેખર, ઈસુ આપણી સંભાળ એટલી સારી રીતે રાખે છે, કે તેમને ‘ઉત્તમ પાળક,’ “મોટા રખેવાળ” અને ‘મુખ્ય પાળક’ કહેવામાં આવ્યા છે. (યોહાન ૧૦:૧૧; હેબ્રી ૧૩:૨૦; ૧ પીતર ૫:૪) ઈસુ કેવા હતા, જેથી લોકો તેમના તરફ ખેંચાતા હતા? તેમણે પ્રેમથી કહ્યું: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.” (માત્થી ૧૧:૨૮) આ સાંભળીને લોકોને કેટલી રાહત મળી હશે!

આજે વડીલો ઈસુ જેવા બનવાની કોશિશ કરે છે. તેઓ ભાઈ-બહેનોને ઉત્તેજન અને રાહત આપે છે. તેઓ જાણે કે ‘તોફાન અને વાવાઝોડા સામે રક્ષણ પૂરું પાડે છે. રણમાં વહેતી નદી જેવી તાજગી આપે છે. તેમ જ ગરમ અને સૂકા પ્રદેશમાં શિતળ છાંયો આપનાર મહાન ખડક સમાન બને છે.’ (યશાયા ૩૨:​૨, IBSI) હા, આ વડીલો ખરેખર આપણા દિલને રાહત આપે છે. એનાથી આપણી નજરમાં તેમનું માન હજુ પણ વધે છે. આ રીતે, ખાસ તો તેઓ યહોવાહનું દિલ જીતી લે છે!​—⁠ફિલિપી ૨:૨૯; ૧ તીમોથી ૫:⁠૧૭.

ખુશીથી સાથ આપતી પત્નીઓ

ખરું કે ભાઈ-બહેનો વડીલોનો ઘણો આભાર માને છે. પરંતુ, તેઓએ વડીલોની પત્નીઓનો પણ ખૂબ આભાર માનવો જોઈએ અને કદર કરવી જોઈએ. પણ શા માટે? એનું કારણ એ કે તેઓ પતિના હાથમાં હાથ મિલાવીને બહુ જ મદદ કરે છે. ઘણી વાર, તેઓએ ઘણું જતું કરવું પડે છે. દાખલા તરીકે, તેઓ ઘણી વાર એકલી ઘરે હોય છે, કેમ કે પતિ મંડળ માટે કંઈ કામ કરવા કે કોઈને ઉત્તેજન આપવા ગયા હોય છે. વળી, કોઈક વાર તેઓએ કંઈ ખાસ ગોઠવણ કરી હોય છે, પણ ઓચિંતું પતિને મંડળ માટે કોઈ મોટું કામ આવી જાય છે. અરેરે, પત્નીની બધી મહેનત પાણીમાં ગઈ! એનાથી શું તેનો ગુસ્સો આસમાને ચડી જાય છે? જરાય નહિ. એના બદલે તેઓ મિશેલબહેન સાથે સહમત થાય છે: “ભલે આવું કંઈ થાય, તો શું! હું જોઈ શકું છું કે મારા પતિ બહુ જ બીઝી હોય છે. તે ઘણી વાર ટોકની તૈયારી કરતા હોય છે, કે કોઈને ઉત્તેજન આપવા ગયા હોય છે. પરંતુ, આ જોઈને મને યાદ આવે છે કે તે યહોવાહ માટે આ કરે છે. એટલે જ હું પૂરા દિલથી તેમને સાથ આપું છું.”

શેરલબહેન કહે છે: “ભાઈ-બહેનોને ઘણી મુશ્કેલીઓ હોય છે. અરે ઘણી વાર એક પછી બીજી મુશ્કેલી આવી પડે છે, જે તેઓને દુ:ખી દુઃખી કરી નાખે છે. એ સમયે, તેઓ વડીલો આગળ હૈયું ઠાલવી નાખવા માંગે છે. એટલે મને કોઈ જ વાંધો નથી કે તેઓ કોઈ પણ સમયે મારા પતિ સાથે વાત કરે.” હા, પત્નીઓ ઘણું કરે છે! તેઓની સહાયથી પતિઓ યહોવાહના મંડળની સારી દેખરેખ રાખી શકે છે. ખરેખર, પતિના હાથમાં હાથ મિલાવીને તેઓ ખુશીથી સાથ આપે છે.

પરંતુ, એનો અર્થ એ નથી કે વડીલો મંડળના કામમાં ડૂબી જાય, અને કુટુંબોને ભૂલી જાય! તમારે હજુ કુટુંબને યહોવાહની ભક્તિમાં ઉત્તેજન આપવું જોઈએ. તેમ જ જીવનની બીજી બાબતોમાં પણ ધ્યાન આપવું જોઈએ. બાઇબલ કહે છે: ‘વડીલની એક જ પત્ની હોય, તેનાં બાળકો ઈશ્વર પર પ્રેમ રાખનારાં હોય અને માબાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં કે દુષ્ટ ચારિત્ર્યવાળાં ન હોય.’ આમ, વડીલો તરફ કોઈ આંગળી ચીંધી શકશે નહિ. (તિતસ ૧:​૬, IBSI) તેથી વડીલો, તમે કુટુંબની બધી જવાબદારી સારી રીતે ઉપાડો, કેમ કે એ યહોવાહની આજ્ઞા છે.​—⁠૧ તીમોથી ૩:૧-૭.

ખરેખર, પતિના હાથમાં હાથ મિલાવીને ખુશીથી સાથ આપતી પત્નીઓ સોના જેવી છે! વળી, જેમ વડીલ વધારે બીઝી બને, તેમ પત્નીએ વધારે સાથ આપવો પડે છે. એ માટે પણ વડીલ પત્નીને ખૂબ ખૂબ પ્રિય ગણે છે. ખરેખર બાઇબલ સાચું કહે છે: “જેને [સારી] વહુ મળે તેને સારી ચીજ મળી” છે. (નીતિવચનો ૧૮:૨૨) તેથી, વડીલોએ પોતાની પત્ની પર પ્રેમ અને કદરનો વરસાદ વરસાવવો જોઈએ. વડીલો, તમે પત્ની સાથે પ્રાર્થના કરો અને મજા આવે એવો અભ્યાસ કરો, એટલું જ પૂરતુ નથી. તમે બગીચામાં, બજારમાં કે કોઈ પણ જગ્યા ફરવા જાવ, અને તમે તેના દિલોજાન દોસ્ત બનો. તમારો સંબંધ પાક્કો બનાવો. આંખમાં આંખ મિલાવીને વાત કરો. આવી રીતોએ તમે પત્નીને તમારો પ્રેમ અને કદર બતાવી શકશો અને પોતે પણ સુખી થશો.​—⁠૧ પીતર ૩:⁠૭.

સાચે જ, મહેનતું વડીલો યહોવાહના મંડળની ખૂબ દેખરેખ રાખે છે. પોતાનું હિત શોધવાને બદલે, તેઓ ખુશીથી બીજાને મદદ કરે છે. આમ, મંડળ રંગબેરંગી ફૂલોના બગીચાની જેમ ખીલી ઊઠે છે. ખરેખર વડીલો મંડળ માટે કિંમતી હીરા જેવા ‘દાનો’ છે!​—⁠એફેસી ૪:૮, ૧૧-૧૩.