સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

શું યહોવાહ પરમેશ્વરને આપેલાં વચન કદી તોડી શકાય ખરાં?

આજે દુનિયામાં લોકો માને છે, કે “પ્રાણ જાય પણ વચન ન જાય.” પરંતુ, બાઇબલ એ વિષે શું કહે છે? કોઈ અર્પણ, કોઈ ખાસ કામ, કે પછી ખોટું ન કરવા વિષે પરમેશ્વર આગળ વચન લઈએ, એને બાઇબલ ગંભીર ગણે છે. બાઇબલમાં એવા ઘણા અનુભવો છે, જે બતાવે છે કે યહોવાહના સેવકોએ મનની મુરાદ પૂરી કરવા, તેમને વચન આપ્યાં હતાં. દાખલા તરીકે, પ્રબોધક શમૂએલની મા હાન્‍નાનો વિચાર કરો: “તેણે માનતા માનીને કહ્યું, કે હે સૈન્યોના દેવ યહોવાહ, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈશ, મને સંભારીશ, . . . તારી દાસીને દીકરો આપીશ, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાહને અર્પણ કરીશ, ને અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહિ.” (૧ શમૂએલ ૧:૧૧) બાઇબલ એ પણ જણાવે છે કે આપણે બળજબરીથી વચનો લેવા પડતા નથી. પરંતુ, જો આપણે વચનો લઈએ, તો એનાથી આપણે ક્યાં સુધી બંધાયેલા છીએ?

ઈસ્રાએલના રાજા સુલેમાને કહ્યું, “જ્યારે તું ઈશ્વરની આગળ માનતા માને ત્યારે તે પ્રમાણે કરવામાં ઢીલ ન કર; . . . તારી માનતા ઉતાર. તું માનતા માનીને તે ન ઉતારે તેનાં કરતાં માનતા ન માને એ સારૂં છે.” (સભાશિક્ષક ૫:૪, ૫) ઈસ્રાએલી લોકોને મળેલા મુસાના નિયમો પણ જણાવતા હતા, કે “જ્યારે તું યહોવાહ તારા દેવ પ્રત્યે માનતા લે ત્યારે તે ઉતારતાં ઢીલ ન કર; કેમકે યહોવાહ તારો દેવ નિશ્ચય તેનો જવાબ તારી પાસે લેશે; કેમકે એ તો તારો દોષ ગણાય.” (પુનર્નિયમ ૨૩:૨૧) યહોવાહ આગળ કોઈ પણ વચન અથવા સોગંદ લઈએ તો, તે એનો જવાબ આપણી પાસે માંગશે. તેથી, સોગંદ લેતા પહેલાં વિચારો, કે આપણે શા માટે સોગંદ લઈએ છીએ અને એ પાળી શકીશું કે નહિ. વળી, જો આપણે વચન પાળી શકવાના ન હોઈએ, તો વચન ન લઈએ એ જ સારું છે.

પરંતુ, એ વચન ધીરે ધીરે પરમેશ્વરથી દૂર લઈ જતું હોય તો શું? કદાચ એમાં નાના-સૂની રીતે યહોવાહની ભક્તિને ડાઘ લાગે તો શું? (પુનર્નિયમ ૨૩:૧૮) તમે હજુ પણ એમ માનશો કે ‘પ્રાણ જાય પણ વચન ન જાય?’ ના, એમ હોય તો આપણે એ વચન તોડી શકીએ. શું બાઇબલ બીજાં કોઈ ઉદાહરણ આપે છે? હા, મુસાના નિયમમાં સ્ત્રીએ કોઈ વચન લીધું હોય, પણ પછીથી તેના પિતા અથવા પતિ ચાહે તો તે વચન તોડી શકે છે.​—⁠ગણના ૩૦:૩-૧૫.

હવે, બીજો સંજોગ વિચારો. યહોવાહની ભક્તિ માટે, કોઈ કુંવારા રહેવાના સોગંદ લે. થોડા સમય પછી તેને લગ્‍ન કરવાની ઇચ્છા થાય છે. હવે તે મૂંઝાય છે. જો તે વચનને વળગી રહે, તો કદાચ પાપમાં પડી શકે. શું તે હજુ પણ પોતાના વચનને વળગી રહેશે? ના. તે યહોવાહની આગળ જઈ વચન પાળી ન શકવા માટે દયાની ભીખ માંગી શકે. જો કે એ માટે તેણે પોતે જ નિર્ણય લેવો પડશે. કોઈ બીજું તેના માટે નિર્ણય લઈ શકશે નહિ.

જો કોઈ ઉતાવળે વચન આપે, પણ પછી પરિણામથી પસ્તાય તો શું? શું તે પોતાના વચનને વળગી રહેશે? યિફતાહનો કિસ્સો વિચારો. તેમણે ઉતાવળે વચન તો આપ્યું, પણ એ પાળવું ઘણું જ અઘરું બની ગયું હતું. તેમ છતાં, તેમણે એ પાળ્યું. (ન્યાયાધીશો ૧૧:૩૦-૪૦) જો વ્યક્તિએ લીધેલું વચન પૂરું ન કરે, તો યહોવાહ તેનાથી ખૂબ નારાજ થાય છે. વળી, તેણે જે કંઈ કર્યું હોય એના પર પણ પાણી ફરી વળે છે. (સભાશિક્ષક ૫:⁠૬) વ્યક્તિ મન ફાવે તેમ વચનો તોડી નાખતો હોય તો, યહોવાહ તેનાથી પોતાનું મોં ફેરવી લેશે.

તેથી, ઈસુ ખ્રિસ્તે કહ્યું: ‘તમારૂં બોલવું તે હાનું હા, ને નાનું ના હોય, કેમકે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે.’ (માત્થી ૫:૩૭) આપણે જોયું તેમ, યહોવાહને આપેલું દરેક વચન પાળવું બહુ મહત્ત્વનું છે. તેમ જ, લોકોને આપેલાં વચન પણ પાળવા જોઈએ. પરંતુ, જો કોઈ વ્યક્તિ સાથે સહી-સિક્કા કર્યા પછી, આપણને ખબર પડે કે એ યોગ્ય નથી તો શું? આપણે આપેલું વચન તરત તોડી નાખવું જોઈએ નહિ, પણ સામેની વ્યક્તિ સાથે એની ખુલ્લા દિલથી વાત કરીએ. પછી, શક્ય છે કે એ વ્યક્તિ આપણને એમાંથી મુક્ત કરે પણ ખરી.​—⁠ગીતશાસ્ત્ર ૧૫:૪; નીતિવચનો ૬:૨, ૩.

તો પછી વચન લેતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? એ ખૂબ મહત્ત્વની બાબત છે. એમાં યહોવાહ સાથેના આપણા સંબંધનો સવાલ છે.

[પાન ૩૦, ૩૧ પર ચિત્રો]

હાન્‍નાએ આપેલું વચન પૂરું કર્યું

[પાન ૩૦, ૩૧ પર ચિત્રો]

અઘરું હોવા છતાં, યિફતાહે પોતાનું વચન પાળ્યું