આ જ સૌથી સારો સમય છે
આ જ સૌથી સારો સમય છે
આપણા બધાના જીવનમાં સુખ-દુઃખના દિવસો આવે જ છે. શું તમે દુઃખના દિવસોમાં, પહેલાંના સુખના દિવસોની આશા રાખો છો? જો એમ હોય તો, શાણા રાજા સુલેમાને શું કહ્યું હતું એને ધ્યાન આપો: “આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે એવું તું ન પૂછ; કેમકે આ વિષે તારે પૂછવું ડહાપણ ભરેલું નથી.”—સભાશિક્ષક ૭:૧૦.
શા માટે સુલેમાને આવી સલાહ આપી? કેમ કે તે જાણતા હતા કે, આપણને સુખી લાગતા ભૂતકાળમાં પણ ઘણાં દુઃખો હતા. જો આપણે એ મુશ્કેલ સમયને પણ યાદ રાખીશું તો, હાલના દુઃખને ખુશીથી સહી શકીશું. જેઓ અગાઉના સુખભર્યા દિવસોને ઝંખે છે, તેઓ ભૂલી જાય છે કે, એ દિવસો પણ દુઃખ તકલીફોથી ભરેલા હતા. અને આ જીવનમાં સાચું સુખ કોને મળ્યું છે? કેટલાકને લાગે છે કે તેઓ અગાઉના દિવસોમાં ખૂબ સુખી હતા. પણ બીજાઓ વિષે શું? ઘણાને તો સુખ કોને કહેવાય એ પણ ખબર નથી. તેથી, સુલેમાને કહ્યું તેમ, અગાઉના સુખના દિવસોને જ યાદ કરીને દુઃખી થવું એ નર્યું પાગલપન છે. કેમ કે, વીતી ગયેલો સમય પાછો આવતો નથી.
અગાઉના સુખના દહાડાની ઇચ્છા રાખવામાં શું કંઈ ખોટું છે? હા, જો આપણે અગાઉના સુખી દિવસોને જ મનમાં રાખીને હાલની પરિસ્થિતિને અનુકૂળ ન થતા હોય, અથવા હાલના સમયની અને ભવિષ્યમાં રહેલી અદ્ભુત આશાની કદર ન કરતા હોય તો, એનાથી આપણને જ નુકસાન થશે.
ખરી રીતે તો, આ જ આપણા માટે સૌથી સારો સમય છે, પછી ભલેને દુનિયામાં મુશ્કેલીઓ વધતી જતી હોય. એ કઈ રીતે? કેમ કે પરમેશ્વરે જે હેતુથી પૃથ્વીને બનાવી હતી એ હવે બહુ જ જલદી પૂરો થવાનો છે અને પછી તેમના રાજમાં આખી દુનિયામાં સુખ-શાંતિ હશે. બાઇબલ વચન આપે છે: “તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” (પ્રકટીકરણ ૨૧:૪) પછી, પૃથ્વી પર એટલી તો સુખ-શાંતિ હશે કે, અગાઉના સારા દિવસોને કોઈ યાદ પણ નહિ કરે.
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
તમને મુલાકાત ગમશે?
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે મફત બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.