સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મિશનરી સેવામાં અમને ઘણો આનંદ મળ્યો

મિશનરી સેવામાં અમને ઘણો આનંદ મળ્યો

મારો અનુભવ

મિશનરી સેવામાં અમને ઘણો આનંદ મળ્યો

ડીક વૉલડ્રોનના જણાવ્યા પ્રમાણે

અમે સપ્ટેમ્બર, ૧૯૫૩ના રવિવારે બપોરે દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં (આજે નામિબિયા) આવ્યા હતા. અમને આ દેશમાં આવ્યે હજુ અઠવાડિયું જ થયું હતું. અમે એ દેશની રાજધાની, વીન્ધોકમાં જાહેરમાં સભાઓ ભરવાના હતા. અમે શા માટે ઑસ્ટ્રેલિયાથી આફ્રિકા આવ્યા હતા? હું, મારી પત્ની અને બીજી ત્રણ યુવાન બહેનો મિશનરી બનીને પરમેશ્વરના રાજ્યના સારા સમાચાર ફેલાવવા આવ્યા હતા.​—⁠માત્થી ૨૪:⁠૧૪.

મારો જન્મ ૧૯૧૪માં ઑસ્ટ્રેલિયામાં થયો હતો. એ વખતે ચારે બાજુ બેકારી હતી અને મારા કુટુંબનું પૂરું કરવા મારે પણ કામ કરવાનું હતું. તેથી, મેં જંગલી સસલાંનો શિકાર કરવાનું શરૂ કર્યું. ઑસ્ટ્રેલિયામાં જંગલી સસલાંઓ ઘણાં હતા. હું મારા ઘરમાં ખોરાક માટે સસલાંનું મટન લઈ આવતો હતો.

વર્ષ ૧૯૩૯માં બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એ જ અરસામાં, મને મેલબર્ન શહેરમાં બસ અને ટ્રામમાં નોકરી મળી. ત્યાં કંઈક ૭૦૦ ડ્રાઇવરો અને કન્ડક્ટરો પાળીમાં કામ કરતા હતા અને હું દરેક પાળીમાં તેઓને મળતો હતો. મને ધર્મમાં ખૂબ રસ હતો અને હું હંમેશાં તેઓને પૂછતો કે, “તમારો ધર્મ કયો છે?” હું તેઓની માન્યતાઓ વિષે પણ પૂછતો હતો. પરંતુ મને સંતોષ આપે એવો જવાબ, ફક્ત યહોવાહના એક સાક્ષી તરફથી જ મળ્યો હતો. તેમણે મને બાઇબલમાંથી સમજાવ્યું કે, પરમેશ્વરથી ડરીને ચાલનારા લોકો જ આ પૃથ્વી પર સુખ-શાંતિમાં હંમેશ માટે જીવશે.​—⁠ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

એ સમય સુધીમાં મારી મમ્મી પણ યહોવાહના સાક્ષીઓને મળી હતી. હું કામ કરીને ઘરે મોડો આવતો ત્યારે, મમ્મી ભોજનની સાથે બાજુમાં કોન્સોલેસન મેગેઝિન (જે હવે સજાગ બનો!થી ઓળખાય છે) પણ મૂકતી હતી. મને એના લેખો ખૂબ ગમતા હતા. સમય જતાં મને સમજાયું કે આ જ સાચો ધર્મ છે. તેથી, હું મંડળની સભાઓમાં જવા લાગ્યો અને મે, ૧૯૪૦માં મેં બાપ્તિસ્મા પણ લીધું.

એ સમયે મેલબર્નમાં પાયોનિયર સેવકો માટે એક ઘર હતું. ત્યાં પૂરા સમયની સેવા કરતા ૨૫ યહોવાહના સાક્ષીઓ રહેતા હતા. હું પણ તેઓ સાથે રહેવા ગયો. હું દરરોજ તેઓ પાસેથી પ્રચાર કાર્યના સરસ અનુભવો સાંભળતો હતો. તેથી, મારી ઇચ્છા પણ પાયોનિયર બનવાની હતી. આખરે મેં પાયોનિયરીંગ કરવા માટે અરજી ભરી. પરંતુ, મને યહોવાહના સાક્ષીઓના ઑસ્ટ્રેલિયા બેથેલમાં બોલાવવામાં આવ્યો. આમ હું બેથેલ કુટુંબનો સભ્ય બન્યો.

જેલ અને પ્રતિબંધ

બેથેલમાં મારું કામ લાકડાં કાપવાનું મશીન ચલાવવાનું હતું. અમે કોલસો બનાવવા લાકડાં કાપતા હતા. એ કોલસામાંથી ઈંધણ માટે ગેસ બનાવવામાં આવતો, જેનાથી બેથેલના વાહનો ચાલતા હતા. કેમ કે યુદ્ધ ચાલતું હોવાથી બજારમાંથી પૂરતું ઈંધણ મળતું ન હતું. લાકડા કાપવાના મશીન પર અમે ૧૨ જણ કામ કરતા હતા. હવે અમારે બધાએ ઉંમર પ્રમાણે લશ્કરમાં જોડાવાનું હતું. પરંતુ, અમે અમારી બાઇબલ માન્યતાને વળગી રહીને લશ્કરમાં જોડાવાનો નકાર કર્યો. તેથી, અમને જલદી જ છ મહિનાની જેલની સજા થઈ. (યશાયાહ ૨:૪) ત્યાં અમને સખત કામ કરવા માટે જેલના ફાર્મમાં મોકલવામાં આવ્યા. અમારે શું કામ કરવાનું હતું? અમારે લાકડાં કાપવાના હતા, કે જેની બેથેલમાં અમને સરસ તાલીમ મળી હતી!

અમે એટલું સરસ કામ કરતા હતા કે, જેલના અધિકારીએ અમને બાઇબલ અને આપણા પ્રકાશનો રાખવાની રજા આપી. હકીકતમાં, બાઇબલ કે આપણા બીજા કોઈ પણ પ્રકાશનો રાખવાની ત્યાં સખત મનાઈ હતી. આ સમયે હું એકબીજા સાથે કઈ રીતે રહેવું જોઈએ, એ પણ શીખ્યો. હું બેથેલમાં કામ કરતો હતો ત્યારે, એક ભાઈ સાથે મને જરાય બનતું ન હતું. અમારા બંનેના સ્વભાવ એકદમ અલગ હતા. પરંતુ, શું તમને ખબર છે કે મારી સાથે જેલમાં કોને રાખવામાં આવ્યા હતા? હા, એ જ ભાઈ હતા! હવે અમારી પાસે એકબીજાને જાણવાનો અને સમજવાનો સમય હતો. પરિણામે, અમે બંને પાક્કા દોસ્ત બન્યા અને અમારી દોસ્તી છેલ્લે સુધી ટકી રહી.

એ સમયે ઑસ્ટ્રેલિયામાં યહોવાહના સાક્ષીઓના કાર્ય પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારે ફંડના બધા જ પૈસા જપ્ત કરી લીધા હતા અને બેથેલના ભાઈઓ પાસે થોડા જ પૈસા હતા. એક દિવસ બેથેલના એક ભાઈએ આવીને મને કહ્યું: “ડીક, મારે શહેરમાં જઈને થોડો પ્રચાર કરવો છે. પણ મારી પાસે બુટ નથી, જે છે એ કામ પરના વાપરેલા મોટા બુટ છે.” મેં તેને ખુશીથી બુટ આપ્યા. તેને મદદ કરી શકવા બદલ મને ખુબ ખુશી થઈ.

પછી મને સાંભળવા મળ્યું કે તેને પ્રચાર કરવાને લીધે જેલની સજા થઈ હતી. મેં તેને એક નાનો પત્ર લખ્યો, “આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. પણ સારું છે કે હું તારી જગ્યાએ ન હતો!” પરંતુ, થોડા દિવસોમાં જ મને પણ પકડવામાં આવ્યો અને હું મારા કામમાં અડગ હોવાથી મને બીજી વાર જેલની સજા થઈ. એ સમય સુધીમાં અમે અદાલતમાં કેસ જીતી ગયા હતા અને હવે યહોવાહના સાક્ષીઓ છૂટથી પ્રચાર કરી શકતા હતા.

પરમેશ્વરની સેવામાં હોંશીલી પત્ની મળી

હું ફાર્મમાં કામ કરતો હતો ત્યારે, લગ્‍ન કરવા વિષે વિચારવાનું શરૂ કર્યું. એ જ સમયે હું કૉરાએલી કોલગન નામની યુવાન બહેન તરફ આકર્ષાયો. કૉરાએલીના કુટુંબમાં તેની દાદીએ સૌથી પહેલાં બાઇબલ સંદેશામાં રસ બતાવ્યો હતો. તેની દાદીએ મરતી વખતે કૉરાએલીની મમ્મી વેરાને કહ્યું હતું: “તારા બાળકોને દિલથી અને પ્રેમથી પરમેશ્વરની જ ભક્તિ કરવાનું શીખવજે. એક દિવસ આપણે બધા આ જ સુંદર અને સુખ-શાંતિવાળી પૃથ્વી પર ભેગા મળીશું.” એક દિવસ કોઈ પાયોનિયર ભાઈએ વેરાના ઘરે “હમણાં જીવી રહેલા લાખો કદી મરશે નહિ” પુસ્તિકા આપી હતી. એ પુસ્તિકાથી વેરાને ખાતરી થઈ ગઈ કે, માણસો હંમેશ માટે સુખ-શાંતિમાં જીવે એ જ પરમેશ્વરનો હેતુ છે. (પ્રકટીકરણ ૨૧:૪) તેમણે ૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં બાપ્તિસ્મા લીધું. માતાએ ઉત્તેજન આપ્યું હતું તેમ, વેરાએ પોતાની ત્રણ દીકરીઓ લુસી, જીન અને કૉરાએલીને ખરા દિલથી પરમેશ્વરની ભક્તિ કરતા શીખવ્યું. કૉરાએલી અને તેમની દીકરીઓ ધર્મમાં જે ઊંડો રસ બતાવી રહ્યા હતા, એનો તેમના પિતા સખત વિરોધ કરતા હતા. જેમ ઈસુએ ચેતવણી આપી હતી કે ઘણા કુટુંબોમાં આવું થશે, એનો કૉરાએલીને પણ અનુભવ થયો.​—⁠માત્થી ૧૦:૩૪-૩૬.

કોલગન કુટુંબમાં બધાને સંગીત ખૂબ ગમતું હતું અને બધાં બાળકો સંગીતના વાજિંત્રો વગાડતા હતા. કૉરાએલીને પણ વાયોલિન વગાડતા સરસ આવડતું હતું. તે પંદર વર્ષની હતી ત્યારે, તેને ૧૯૩૯માં સંગીતમાં ડિપ્લોમાનું ઈનામ પણ મળ્યું હતું. અચાનક બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. તેથી, કૉરાએલીએ પોતાના ભાવિ વિષે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. હવે તેણે જીવનમાં શું કરવું જોઈએ એ પસંદ કરવાનું હતું. એક તો, તે સંગીતમાં નામ કમાઈ શકતી હતી. તેને મેલબર્નની એક મોટી ઑરકેસ્ટ્રા તરફથી પણ કામ કરવાનું સરસ આમંત્રણ મળ્યું હતું. બીજી બાજુ, તે રાજ્યનો પ્રચાર કરવાના મહત્ત્વના કામમાં પોતાનો સમય આપી શકતી હતી. એ વિષે ખૂબ વિચાર કર્યા પછી, કૉરાએલી અને તેની બે બહેનોએ ૧૯૪૦માં બાપ્તિસ્મા લીધું અને પાયોનિયર કાર્યમાં જોડાવાની તૈયારી કરી.

કૉરાએલીને પાયોનિયર બનવું હતું. પણ જલદી જ ઑસ્ટ્રેલિયા બેથેલના એક જવાબદાર ભાઈએ તેને બેથેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. એ ભાઈ લૉઈડ બેરી હતા, જે પછીથી નિયામક જૂથના સભ્ય બન્યા હતા. તેમણે મેલબર્નમાં એક પ્રવચન આપ્યા પછી, કૉરાએલીને કહ્યું: “હું બેથેલમાં પાછો જઉં છું. હું ઇચ્છું છું કે તું પણ મારી સાથે ટ્રેનમાં આવ અને બેથેલ સેવા શરૂ કર.” તેણે ખુશીથી આ આમંત્રણ સ્વીકાર્યું.

ઑસ્ટ્રેલિયામાં આપણા કામ પર પ્રતિબંધ અને યુદ્ધના વર્ષો દરમિયાન, કૉરાએલી અને બેથેલની બીજી બહેનો ત્યાંના ભાઈઓને બાઇબલ પ્રકાશનો પૂરા પાડવાનું કામ કરતી હતી. ભાઈ માલકોલમ વાલેના હાથ નીચે તેઓ છાપકામનું મોટા ભાગનું કામ કરતા હતા. એ બે વર્ષના પ્રતિબંધમાં, તેઓએ ધ ન્યૂ વર્લ્ડ અને ચિલ્ડ્રન પુસ્તકો છાપીને એને બાંધ્યા હતા. તેમ જ, તેઓએ ચોકીબુરજ સામયિકોના દરેક અંકો પણ છાપ્યા હતા.

પોલીસને છાપખાનાની ખબર ન પડી જાય એ માટે, તેઓએ પંદરથી વધારે વાર એને એકથી બીજી જગ્યાએ ખસેડ્યું હતું. એક વખતે તો, તેઓ એક ઇમારતના ભોંયરામાં બાઇબલ સાહિત્યો છાપતા હતા. કોઈને ખબર ન પડે એ માટે, તેઓ બીજા પ્રકારના પુસ્તકો પણ છાપતા હતા. રિસેપ્શનમાં બેઠેલી બહેનને કોઈ જોખમ જેવું લાગે ત્યારે, તે એક બટન દબાવીને ભોંયરામાં રહેલી બહેનોને સાવચેત કરી દેતી. પછી, ભોંયરામાં કામ કરતી બહેનો કોઈ તપાસ કરવા આવે એ પહેલાં જ આપણાં પ્રકાશનો સંતાડી દેતી.

એક દિવસ એક પોલીસ તપાસ કરવા આવ્યો. પણ ઉતાવળમાં બહેનો એક ટેબલ પરથી ચોકીબુરજ મેગેઝિન સંતાડવાનું ભૂલી ગઈ. મેગેઝિન બધાની નજરે પડે એવી જગ્યાએ હોવાથી, બહેનો ખૂબ જ ગભરાઈ ગઈ હતી. પછી પોલીસ અંદર આવ્યો અને તેણે બરાબર ચોકીબુરજ ઉપર જ પોતાની બ્રીફકેસ મૂકી અને બધે તપાસ કરવા લાગ્યો. તેને કશું ન મળ્યું હોવાથી, તે પોતાની બ્રીફકેસ લઈને ચાલતો થયો.

પછી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો અને ભાઈઓને બેથેલની બધી મિલકતો પાછી આપવામાં આવી. તેથી, ઘણા લોકોને ખાસ પાયોનિયર તરીકે સેવા કરવાની તક મળી. એ સમયે કૉરાએલીએ ખુશીથી ગ્લેનઈનમાં પાયોનિયરીંગ કરવાનું પસંદ કર્યું. હું તેને ત્યાં મળ્યો અને અમે જાન્યુઆરી ૧, ૧૯૪૮માં લગ્‍ન કર્યું. અમે એ શહેર છોડ્યું ત્યાં સુધીમાં તો ત્યાં એક સરસ મંડળ થઈ ગયું હતું.

પછી અમે રોકહેમ્પટનમાં ગયા. પરંતુ ત્યાં અમને રહેવા માટે ઘર ન મળ્યું. તેથી, બાઇબલ વિષે વધારે શીખવા માંગતા એક માણસના ખેતરમાં તંબૂ બાંધીને અમે રહેવા લાગ્યા. અમે નવ મહિના સુધી એમાં રહ્યા હતા. અમે ત્યાં વધારે રહેવા માંગતા હતા. પણ પછી ચોમાસું શરૂ થયું અને વરસાદના તોફાનમાં અમારો તંબૂ તણાઈ ગયો.

પરદેશમાં સેવા કરવા ગયા

અમે રોકહેમ્પટનમાં હતા ત્યારે, અમને મિશનરી તાલીમ માટે વૉચટાવર ગિલયડ સ્કૂલના ઓગણીસમાં વર્ગમાં જવાનું આમંત્રણ મળ્યું. વર્ષ ૧૯૫૨માં સ્નાતક થયા પછી, અમને દક્ષિણ-પશ્ચિમ આફ્રિકામાં મોકલવામાં આવ્યા.

અમે ત્યાં ગયા ત્યારે, ત્યાંના કહેવાતા ખ્રિસ્તીઓના પાદરીઓને અમારું મિશનરી કામ જરાય ગમતું ન હતું. શરૂઆતના છ અઠવાડિયાં સુધી, તેઓ દર રવિવારે ચર્ચના મંચ પરથી લોકોને ચેતવતા હતા કે, અમે તેઓના ઘરે જઈએ ત્યારે તેઓ દરવાજો ન ખોલે. તેઓને એમ પણ કહેવામાં આવ્યું કે, અમે બાઇબલ ખોલીને કોઈ કલમ વાંચીએ તો એને સાંભળવું નહિ, કેમ કે એનાથી તેઓ ગૂંચવાઈ જશે. એક વિસ્તારમાં અમે કેટલાક પ્રકાશનો આપ્યા હતા. પણ ચર્ચનો એક પાળક અમારો પીછો કરતો અને અમે આપેલાં પ્રકાશનો ઉઘરાવી લેતો હતો. એક દિવસ અમે એ પાળક સાથે અભ્યાસમાં ચર્ચા કરતા હતા ત્યારે, અમે જોયું તો તેની પાસે આપણાં પુસ્તકોનો ઢગલો હતો.

થોડા જ સમય પછી, ત્યાંના સરકારી અધિકારીઓએ પણ અમારા કામમાં મુશ્કેલીઓ ઊભી કરી. એમાં કોઈ શંકા ન હતી કે, ત્યાંના પાદરીઓએ અમારી વિરુદ્ધ તેઓ આગળ ખોટી વાતો ફેલાવી હતી. તેથી તેઓને વહેમ હતો કે અમે સામ્યવાદીઓ સાથે જોડાયેલા છીએ. પછી અધિકારીઓએ અમને બોલાવીને અમારી પૂછપરછ કરી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં, અમારી સભાઓમાં આવતા લોકોની સંખ્યા વધવા લાગી.

અમે આફ્રિકામાં આવ્યા ત્યારથી જ, ઑવામ્બો, હીરરો અને નામા જાતિના લોકોમાં બાઇબલ સંદેશો ફેલાવવાની ઘણી ઇચ્છા હતી. પણ એ સહેલું ન હતું. એ દિવસોમાં ત્યાંની સરકાર કાળા-ગોરા લોકોમાં ભેદભાવ રાખતી હતી. અમે ગોરા હોવાથી સરકારની રજા વિના અમે કાળા લોકોને પ્રચાર કરી શકતા ન હતા. અમે ઘણી વાર રજા મેળવવા કોશિશ કરી, પણ સરકારે અમને મંજૂરી ન આપી.

પરદેશમાં બે વર્ષ સેવા કર્યા પછી, અમને એક સરસ સમાચાર મળ્યા. કૉરાએલી મા બનવાની હતી. પછી ઑક્ટોબર, ૧૯૫૫માં તેણે શારલેટને જન્મ આપ્યો. હવે અમે મિશનરી તરીકે રહી શકતા ન હતા, તોપણ મેં પાર્ટ-ટાઈમ નોકરી કરીને પાયોનિયરીંગ ચાલુ રાખ્યું.

અમારી પ્રાર્થનાનો જવાબ

વર્ષ ૧૯૬૦માં અમારા પર બીજી મુશ્કેલી આવી પડી. કૉરાએલીને પત્ર મળ્યો કે તેની માતા ખૂબ જ બીમાર છે. જો કૉરાએલી જલદી ઘરે નહીં જાય તો, તે તેની માતાને ફરી મળી શકશે નહીં. તેથી અમે આફ્રિકા છોડીને ઑસ્ટ્રેલિયા પાછા જવા તૈયારી કરી. અમે જે અઠવાડિયે ઑસ્ટ્રેલિયા જવાના હતા એ જ સમયે, કાળા લોકોના કાટુટુરા શહેરમાં પ્રચાર કરવાની સરકારે મને રજા આપી. હવે અમે શું કરીએ? આ રજા મેળવવા અમે સાત વર્ષથી મહેનત કરતા હતા. શું હવે એને છોડી દઈએ? એ વિચારવું સહેલું હતું કે અમે શરૂ કરેલું કામ બીજું કોઈ કરશે. પણ એ તો અમારી પ્રાર્થનાનો જવાબ હતો અને યહોવાહ તરફથી આશીર્વાદ હતો.

મેં તરત જ નિર્ણય લીધો કે હું રોકાઈ જઈશ. કેમ કે અમે બધા ઑસ્ટ્રેલિયા જતા રહીએ તો, મંજૂરી મેળવવા અમે કરેલી મહેનત પાણીમાં મળી જવાની હતી. બીજા જ દિવસે મેં સ્ટીમરની મારી ટિકિટ રદ કરાવી અને કૉરાએલી તથા શારલેટને લાંબી રજાઓ પર ઑસ્ટ્રેલિયા મોકલી દીધા.

પછી મેં કાળા લોકોના શહેરમાં જઈને તેઓને પ્રચાર કરવાનું શરૂ કર્યું. તેઓએ ઘણો સારો રસ બતાવ્યો. કૉરાએલી અને શારલેટ પાછા આવ્યા ત્યારે, ઘણા કાળા લોકો આપણી સભાઓમાં આવતા હતા.

એ સમયે મારી પાસે એક જૂની કાર હતી. હું રસ ધરાવતા લોકોને એમાં બેસાડીને સભાઓમાં લઈ આવતો હતો. હું દર સભામાં ચારથી પાંચ ફેરા મારતો અને કારમાં એક સાથે આઠથી નવ લોકોને લઈ આવતો અને પાછા ઘરે મૂકી જતો. છેલ્લી વ્યક્તિ કારમાંથી બહાર નીકળે ત્યારે, કૉરાએલી મને મજાકમાં પૂછતી: “હજુ સીટ નીચે કેટલાને બેસાડ્યા છે?”

ત્યાં પ્રચારમાં મેં જોયું તો, ત્યાંના લોકોની ભાષામાં સાહિત્યની ખૂબ જરૂર હતી. તેથી, મેં નવી દુનિયામાં જીવન (અંગ્રેજી) નામની પત્રિકાનું હીરરો, નામા, ન્ડોન્ગા અને ક્વાન્યમા ભાષામાં ભાષાંતર થાય એવી ગોઠવણ કરી. બધા ભાષાંતરકારો ભણેલા-ગણેલા હતા અને તેઓની સાથે હું બાઇબલ અભ્યાસ ચલાવતો હતો. તોપણ, હું તેઓની સાથે બેસીને ખાતરી કરતો હતો કે તેઓએ સાચું ભાષાંતર કર્યું છે કે કેમ. નામા ભાષામાં બહુ ઓછા શબ્દો હતા. દાખલા તરીકે, હું તેઓને એ સમજાવવા પ્રયત્ન કરતો હતો કે, “શરૂઆતમાં આદમ સંપૂર્ણ હતો.” પણ ભાષાંતરકાર એ સાંભળીને માથું ખંજવાળવા લાગ્યો. પછી તેણે કહ્યું કે તે “સંપૂર્ણ” શબ્દ માટે નામા ભાષાનો શબ્દ યાદ કરી શકતો નથી. છેવટે તેણે કહ્યું, “હા, હવે યાદ આવ્યું કે શરૂઆતમાં આદમ એક પાકા ફળ જેવો હતો.”

અમે અમારા કામમાં ખુશ છીએ

નામિબિયા આવ્યાને અમને કંઈક ૪૯ વર્ષ થઈ ગયા છે. હવે કોઈ રજા વગર અમે કાળા લોકોના સમાજમાં જઈ શકીએ છીએ. નામિબિયાની નવી સરકારમાં હવે એવો કોઈ રંગભેદ નથી. આજે, વીન્ધોકમાં ચાર મંડળો છે અને તેઓ પાસે સરસ રાજ્યગૃહ પણ છે.

અમે આજે પણ ગિલયડમાં સાંભળેલી સરસ સલાહને યાદ કરીએ છીએ: “પરદેશમાં સેવા કરવામાં આનંદ માણો.” યહોવાહે જે રીતે બાબતોને હાથ ધરી છે એનાથી અમને ખાતરી થઈ છે કે, અમે પરદેશને અમારો દેશ બનાવીએ એવી તેમની ઇચ્છા છે. અમે કોઈ પણ જાતિ કે રંગના ભાઈઓને પ્રેમ કરીએ છીએ. અમે તેઓના સુખ-દુઃખમાં પણ સાથ આપીએ છીએ. અમે જે લોકોને અમારી કારમાં સભામાં લઈ જતા હતા તેઓ હવે પોતાના મંડળમાં સારી રીતે સેવા કરે છે. અમે આ દેશમાં ૧૯૫૩માં આવ્યા ત્યારે દસ કરતાં પણ ઓછા લોકો સુસમાચારનો પ્રચાર કરતા હતા. હવે તેઓ વધીને ૧,૨૦૦ થયા છે. અમે અને બીજા ભાઈઓએ ‘રોપ્યું, અને પાણી પાયું.’ પણ યહોવાહે પોતાના વચન પ્રમાણે વૃદ્ધિ આપી.​—⁠૧ કોરીંથી ૩:૬.

અમે ઑસ્ટ્રેલિયા અને હવે નામિબિયામાં પસાર કરેલા વર્ષોને યાદ કરીએ છીએ ત્યારે, મને અને કૉરાએલીને ઘણો સંતોષ થાય છે. અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના પણ કરીએ છીએ કે, યહોવાહ તેમની ઇચ્છા પૂરી કરવા અમને હંમેશાં શક્તિ આપતા રહે.

[પાન ૨૬, ૨૭ પર ચિત્રો]

રોકહેમ્પટન, ઑસ્ટ્રેલિયામાં અમે સેવા કરવા ગયા ત્યારે

[પાન ૨૭ પર ચિત્ર]

ગિલિયડ સ્કૂલમાં જતી વખતે

[પાન ૨૮ પર ચિત્ર]

નામિબિયામાં પ્રચાર કરવામાં અમને ઘણી ખુશી મળે છે