સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોશુઆને શું યાદ હતું?

યહોશુઆને શું યાદ હતું?

યહોશુઆને શું યાદ હતું?

યહોવાહે કહ્યું: ‘મારો સેવક મુસા મરી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને આપું છું, તેમાં આ યરદન ઊતરીને જાઓ.’ (યહોશુઆ ૧:⁠૨) યહોશુઆ પર અચાનક કેવી ભારે જવાબદારી આવી પડી! તેમણે લગભગ ૪૦ વર્ષ સુધી મુસાની સેવા કરી હતી. હવે તેમને મુસાની જગ્યા લઈને હઠીલા ઈસ્રાએલપુત્રોને વચનના દેશમાં લઈ જવાનું કહેવામાં આવ્યું.

એ સાંભળીને યહોશુઆને કદાચ યાદ આવ્યું હશે કે, તેમના પર શું વીત્યું હતું અને હજી પણ શું થઈ શકે. યહોશુઆને જે યાદ હતું એમાંથી તે ઘણું શીખ્યા હતા. તેમના અનુભવમાંથી આપણે પણ ઘણું શીખી શકીએ છીએ.

દાસમાંથી આગેવાન

યહોશુઆ વર્ષોથી કરેલી ગુલામીને ભૂલ્યા ન હતા. (નિર્ગમન ૧:૧૩, ૧૪; ૨:૨૩) યહોશુઆને કેવો અનુભવ મળ્યો હતો એ બાઇબલ સ્પષ્ટ જણાવતું નથી. પણ આપણે કલ્પના કરી શકીએ કે, તે ઇજિપ્તમાં (ત્યારે મિસરથી ઓળખાતું હતું) ગુલામ હતા ત્યારે કોઈ કામની દેખરેખ રાખતા જરૂર શીખ્યા હશે. ઈસ્રાએલીઓએ ઇજિપ્ત છોડ્યું ત્યારે, તેમણે અનેક જાતિના લોકોને માર્ગદર્શન આપવામાં આગેવાની લીધી હોય શકે.​—⁠નિર્ગમન ૧૨:૩૮.

યહોશુઆ એફ્રાઈમ કુળના હતા. તેમના દાદા એલીશામા, એફ્રાઈમ કુળના મુખી હતા. તેમના હાથ નીચે ત્રણ કુળમાંથી આવેલા ૧,૦૮,૧૦૦ ઈસ્રાએલીઓનું લશ્કર હતું. (ગણના ૧:૪, ૧૦, ૧૬; ૨:૧૮-૨૪; ૧ કાળવૃત્તાંત ૭:૨૦, ૨૬, ૨૭) ઈસ્રાએલીઓ ઇજિપ્ત છોડીને બહાર આવ્યા એના થોડા સમય પછી, અમાલેકના લશ્કરે તેઓ પર હુમલો કર્યો. તેથી મુસાએ તેઓ સાથે લડવા માટે યોગ્ય માણસો ચૂંટી કાઢવા યહોશુઆને કહ્યું. (નિર્ગમન ૧૭:૮, ૯) શા માટે મુસાએ એ કામ તેના દાદા કે પિતાને બદલે યહોશુઆને સોંપ્યું? એનું એક કારણ કદાચ એ હતું કે, “યહોશુઆ એફ્રાઈમ કુળના અનુભવી મુખી હતા, અને લોકોને તેમના પર પૂરો ભરોસો હતો. તેથી મુસાએ યોગ્ય વ્યક્તિને [યહોશુઆને] એ કામ સોંપ્યું, જેથી તે યોગ્ય લડવૈયાઓને પસંદ કરી શકે.”

ભલે ગમે એ કારણથી મુસાએ યહોશુઆને પસંદ કર્યા હોય, પણ એક વાત તો ચોક્કસ છે કે યહોશુઆએ મુસાએ જે કહ્યું હતું એમ જ કર્યું. એ ખરું છે કે ઈસ્રાએલીઓને લડાઈનો કોઈ અનુભવ ન હતો. તોપણ, યહોશુઆને પૂરી ખાતરી હતી કે યહોવાહ પરમેશ્વર તેઓને મદદ કરશે. મુસાએ યહોશુઆને કહ્યું: “હું કાલે મારા હાથમાં દેવની લાકડી લઇને પર્વતના શિખર પર ઊભો રહીશ.” એનાથી યહોશુઆને કેટલી હિંમત મળી હશે. વધુમાં, થોડા જ સમય પહેલાં યહોવાહે શક્તિશાળી લશ્કરનો નાશ કર્યો હતો એને યહોશુઆ ભૂલ્યા ન હતા. પછી બીજા દિવસે સૂરજ આથમ્યો ત્યાં સુધી, મુસાએ પોતાના હાથમાં લાકડી ઊંચી પકડી રાખી એટલે અમાલેકીઓનો વિનાશ થયો. પછી યહોવાહે મુસાને કહ્યું કે, યાદગીરીને સારુ એ ઘટનાને તે પુસ્તકમાં લખી લે. અને પોતે શું કરવાના છે એ ‘યહોશુઆના કાનમાં કહેવા’ જણાવ્યું: “હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ.” (નિર્ગમન ૧૭:૯-૧૪) હા, સાચે જ યહોવાહ તેઓ પર ન્યાયચુકાદો લાવવાના હતા.

મુસાનો સેવક

અમાલેકીઓનો નાશ થયો એ જોઈને યહોશુઆ અને મુસા જરૂર પાક્કા દોસ્ત બન્યા હશે. યહોશુઆએ નાનપણથી જ મુસાની સેવા કરી હતી. મુસા મરણ પામ્યા ત્યાં સુધી, યહોશુઆએ લગભગ ૪૦ વર્ષ તેમની ‘સેવા’ કરી હતી.​—⁠ગણના ૧૧:૨૮.

મુસાના મરણ પછી યહોશુઆએ આગેવાની લીધી. તેમના માટે એ આશીર્વાદ તેમ જ ભારે જવાબદારી હતી. દાખલા તરીકે, મુસા, હારૂન, તેમના દીકરાઓ અને ઈસ્રાએલના સિત્તેર વડીલો સિનાય પર્વત પર ચઢ્યા ત્યારે તેઓએ યહોવાહનું ગૌરવ જોયું હતું. કદાચ તેઓની સાથે યહોશુઆ પણ હશે, કેમ કે તે મુસાની સેવા કરતા હતા. તેથી તે મુસાની સાથે પર્વત પર ચડીને તેમનાથી અમુક અંતર દૂર ઊભા રહ્યા. પછી મુસા મેઘની અંદર ગયા. એ મેઘ યહોવાહને ચિત્રિત કરતો હતો. એ સમયે યહોશુઆ પણ પર્વત પર ચાળીસ દિવસ અને ચાળીસ રાત રહ્યા હોય શકે. એ ખરેખર અજોડ કહેવાય. એક વફાદાર સેવક તરીકે તેમણે મુસાની વાટ જોઈ. પછી મુસા પાટીઓ લઈને પર્વત પરથી ઊતર્યા ત્યાં સુધી, યહોશુઆ તેમની રાહ જોતા હતા.​—⁠નિર્ગમન ૨૪:૧, ૨, ૯-૧૮; ૩૨:૧૫-૧૭.

ઈસ્રાએલીઓએ સોનાનું વાછરડું બનાવીને એની પૂજા કરી એ ઘટના પછી પણ, મુસા છાવણી બહાર આવેલા મંડપમાં જતા ત્યારે યહોશુઆ ત્યાં સેવામાં હાજર રહેતા. યહોવાહ મુસાની સાથે મિત્રની જેમ મોઢામોઢ વાત કરતા. પછી મુસા છાવણીમાં પાછા ન આવે ત્યાં સુધી યહોશુઆ ‘મંડપમાંથી બહાર નીકળતા નહિ.’ તે કદાચ કોઈ અશુદ્ધ ઈસ્રાએલી મંડપમાં ન જાય એની ચોકી કરતા હોય શકે. એ બતાવે છે કે યહોશુઆ પોતાની જવાબદારીની ખૂબ કદર કરતા હતા!​—⁠નિર્ગમન ૩૩:૭, ૧૧.

ઇતિહાસકાર જોસેફસના કહેવા પ્રમાણે મુસા, યહોશુઆ કરતાં ૩૫ વર્ષ મોટા હતા. તેમ છતાં, મુસા સાથે સંગત રાખવાથી યહોશુઆનો વિશ્વાસ દૃઢ થયો હશે. એવું માનવામાં આવે છે કે તેઓનો સંબંધ “બાપ-દીકરા” કે “ગુરૂ-શિષ્ય” જેવો હતો. તેથી યહોશુઆ પણ મુસા જેવા જ “વિશ્વાસમાં દૃઢ બન્યા હતા.” જોકે આજે આપણી પાસે મુસા જેવા પ્રબોધકો નથી. પરંતુ યહોવાહના સાક્ષીઓના મંડળમાં મોટી ઉંમરના ઘણા ખ્રિસ્તી ભાઈ-બહેનો છે. તેઓ પાસે પરમેશ્વરનું જ્ઞાન અને પુષ્કળ અનુભવ છે. તેથી, આપણે તેઓની પાસેથી ઘણું શીખી શકીએ. શું તમે તેઓની કદર કરો છો? શું તમે તેઓની પાસેથી કંઈ શીખો છો?

કનાનમાં જાસૂસ

યહોવાહે ઈસ્રાએલીઓને કાયદા-કાનૂન આપ્યા પછી, યહોશુઆના જીવનમાં અજોડ અનુભવ થયા. કનાન દેશની જાસૂસી કરવા તેમને પણ પસંદ કરવામાં આવ્યા હતા. કનાનમાંથી ૧૨ જાસૂસોએ પાછા આવીને કહ્યું કે યહોવાહના વચન પ્રમાણે એ દેશમાં “દૂધમધની રેલછેલ” છે. પરંતુ, દસ જાસૂસોને ભરોસો ન હતો કે ઈસ્રાએલીઓ એ દેશને જીતી શકશે. તોપણ, યહોશુઆ અને કાલેબે તેઓને કાલાવાલા કર્યા કે તમે બીહો નહિ, કેમ કે યહોવાહ આપણી સાથે છે. ત્યારે આખી જમાત તેઓને પથ્થરે મારવા ઊભી થઈ. એ સમયે જો યહોવાહે તેઓને પોતાનું ગૌરવ ન દેખાડ્યું હોત તો, યહોશુઆ અને કાલેબે ચોક્કસ પથ્થરનો માર ખાધો હોત. લોકોને યહોવાહમાં ભરોસો ન હોવાથી યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું કે, વીસ અને એથી વધારે ઉંમરના કોઈ પણ લોકો વચનના દેશ કનાનમાં જવા જીવતા રહેશે નહિ. તેઓમાંથી ફક્ત યહોશુઆ, કાલેબ અને લેવીઓ જ બચ્યા હતા.​—⁠ગણના ૧૩:૧-૧૬, ૨૫-૨૯; ૧૪:૬-૧૦, ૨૬-૩૦.

યહોવાહે ઇજિપ્તમાં મહાન કાર્યો કર્યા ત્યારે, શું ઈસ્રાએલીઓએ એ જોયા ન હતા? તોપણ, તેઓને કેમ યહોવાહમાં ભરોસો ન હતો? જ્યારે કે યહોશુઆને યહોવાહમાં પૂરો ભરોસો હતો. એ કેવી રીતે બન્યું? વળી, યહોશુઆ કેવી રીતે એવો વિશ્વાસ કેળવી શક્યા? યહોવાહે જે વચનો આપ્યા અને તેમણે જે કર્યું એના પર યહોશુઆએ ચોક્કસ મનન કર્યું હશે. ત્યારે જ તે દૃઢ વિશ્વાસ કેળવી શક્યા. તેથી, તે વર્ષો પછી કહી શક્યા કે, ‘યહોવાહે તમારા વિષે જે સારાં વચનો કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.’ (યહોશુઆ ૨૩:૧૪) યહોવાહે ભાવિ વિષે જે વચનો આપ્યાં હતાં એ સાચા પડશે, એવી યહોશુઆને પૂરી ખાતરી હતી. (હેબ્રી ૧૧:૬) તેથી આપણે પોતાને પૂછવું જોઈએ: ‘મારા વિષે શું? યહોવાહે જે વચનો આપ્યાં છે એનો અભ્યાસ અને મનન કર્યા પછી, શું મારો વિશ્વાસ દૃઢ થયો છે? શું મને એવી ખાતરી છે કે, આ દુષ્ટ જગતનો અંત આવશે ત્યારે, યહોવાહ જે લોકોને બચાવશે તેઓમાં હું પણ હોઈશ?’

યહોશુઆને યહોવાહમાં ફક્ત ભરોસો જ ન હતો પણ, જે ખરું છે એ કરવા તે હિંમતવાન હતા. આખી જમાત યહોશુઆ અને કાલેબને પથ્થરે મારવા ઊભી થઈ તોપણ તેઓ યહોવાહના પક્ષે જ રહ્યા. એ સમયે તમે ત્યાં હોત તો શું કરત? શું તમે ગભરાયા હોત? જોકે યહોશુઆ જરાય ગભરાયા ન હતા. તે અને કાલેબ જે માનતા હતા એ જ હિંમતથી કહ્યું. જો આપણે પણ યહોવાહ પરમેશ્વરને વફાદાર રહેવા માગતા હોય તો, આપણે પણ તેઓની જેમ હિંમતવાન બનવું જોઈએ.

જાસૂસોની વાર્તા પરથી જાણવા મળે છે કે યહોશુઆનું નામ બદલાયું હતું. તેમનું મૂળ નામ હોશીઆ હતું, જેનો અર્થ “તારણ” થાય છે. તેથી મુસાએ એમાં યહોવાહનું નામ ઉમેરીને તેમનું નામ યહોશુઆ પાડ્યું. એનો અર્થ, “યહોવાહ તરફથી તારણ” થાય છે. ગ્રીક સેપ્ટ્યુઆજીંટમાં તેમના નામની જગ્યાએ “ઈસુ” નામ વાપરવામાં આવ્યું છે. (ગણના ૧૩:૮, ૧૬) યહોશુઆએ નામ પ્રમાણે હિંમતથી જણાવ્યું હતું કે યહોવાહ તરફથી તારણ છે. ખરેખર, સારા કારણથી જ યહોશુઆનું નામ બદલવામાં આવ્યું હતું. એના પરથી આપણને જોવા મળે છે કે યહોશુઆ પર મુસાને કેવું માન હતું. તેમ જ યહોશુઆનો સ્વભાવ પણ એ બતાવી આપતું હતું કે તે જ નવી પેઢીને વચનના દેશમાં લઈ જવા લાયક છે.

ઈસ્રાએલીઓ અરણ્યમાં ૪૦ વર્ષ સુધી ભટક્યા અને તેઓના પિતાઓ મરણ પામતા ગયા. એ સમયે યહોશુઆ શું કરતા હતા એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. તેમ છતાં, તે ઘણું જ શીખ્યા હશે. કોરાહ, દાથાન, અબીરામ અને તેઓના માણસોએ, પેઓરમાં બઆલની પૂજા કરી ત્યારે યહોવાહનો ન્યાય ચુકાદો તેઓ પર આવ્યો હતો. યહોશુઆએ પણ એ બનાવોને જોયા હશે. પછી, મુસાએ મરીબામાંથી પાણી કાઢતી વખતે યહોવાહને બદલે પોતાને મોટા મનાવ્યા. તેથી, યહોવાહે મુસાને કહ્યું કે તે વચનના દેશમાં પ્રવેશશે નહિ. એ જાણીને યહોશુઆને કેટલું દુઃખ થયું હશે!​—⁠ગણના ૧૬:૧-૫૦; ૨૦:૯-૧૩; ૨૫:૧-૯.

યહોશુઆએ મુસાની જવાબદારી સંભાળી

મુસાએ મરણ પામતા પહેલાં ઈસ્રાએલ પર એક માણસ ઠરાવવાનું યહોવાહને કહ્યું હતું, જેથી તેઓ “પાળક વગરનાં ઘેટાંના જેવા થઇ ન જાય.” યહોવાહે શું કહ્યું? યહોવાહે કહ્યું કે ‘યહોશુઆમાં મારો આત્મા છે.’ ઈસ્રાએલીઓએ યહોશુઆનું સાંભળવાનું હતું. કેવી ભલામણ! યહોવાહે યહોશુઆની આવડત અને તેમના વિશ્વાસને પારખ્યો હતો. ખરેખર, ઈસ્રાએલમાં યહોશુઆ કરતાં ચઢિયાતો કોઈ આગેવાન ન હતો. (ગણના ૨૭:૧૫-૨૦) તોપણ, મુસા જાણતા હતા કે યહોશુઆને ઘણી મુશ્કેલીઓ પડવાની છે. તેથી, મુસાએ યહોશુઆને કહ્યું કે, તે “બળવાન તથા હિમ્મતવાન” રહેશે તો, યહોવાહ તેમની સાથે રહેશે.​—⁠પુનર્નિયમ ૩૧:૭, ૮.

યહોવાહે પણ યહોશુઆને એવું જ ઉત્તેજન આપ્યું: “મારા સેવક મુસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારૂ બળવાન તથા બહુ હિમ્મતવાન થા; તેમાંથી જમણી કે ડાબી ગમ ફરતો ના, એ માટે કે જ્યાં કહીં તું જાય ત્યાં તું ફતેહ પામે. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ; પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળે; કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે. શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્મતવાન થા; ભયભીત ન થા, ને ગભરાતો મા; કારણ કે જ્યાં કહીં તું જાય છે, ત્યાં તારો દેવ યહોવાહ તારી સાથે છે.”​—⁠યહોશુઆ ૧:૭-૯.

યહોવાહે આપેલી સલાહને યહોશુઆએ જરૂર યાદ રાખી હશે. તેમ જ તે પોતાના અનુભવમાંથી પણ ઘણું શીખ્યા હતા. તેમને પૂરી ખાતરી હતી કે, યહોવાહ તેમની સાથે છે. યહોવાહે વચન આપ્યું હતું કે તેઓ વચનના દેશ પર કબજો કરશે. તેમ છતાં, તેઓ પર ઘણી મુશ્કેલીઓ આવવાની હતી. દાખલા તરીકે, તેઓએ બંને કાંઠે છલકાતી યરદન નદી પાર કરવાની હતી. એમ કરવું કંઈ રમત વાત ન હતી. તેમ છતાં, યહોવાહે હુકમ કર્યો: ‘ઊઠો, ને આ યરદન ઊતરીને જાઓ.’ તેઓને એમ કરતા કંઈ રોકી શકે એમ ન હતું!​—⁠યહોશુઆ ૧:⁠૨.

યહોશુઆને જીવનમાં ઘણા અનુભવો થયા હતા. જેમ કે યરેખો કબજે કરીને તેમણે દેશના ભાગલા પાડ્યા હતા. એના પરથી જોવા મળે છે કે યહોશુઆ, યહોવાહનાં વચનો ભૂલ્યા ન હતા. યહોશુઆ મરી ગયા ત્યાં સુધી, યહોવાહે ઈસ્રાએલીઓને સુખ-શાંતિ આપી હતી અને તેઓનું દુશ્મનોથી રક્ષણ કર્યું હતું. તેથી, યહોશુઆએ લોકોને ભેગા કરીને જણાવ્યું કે, પરમેશ્વરે તેઓ સાથે કેટલો સારો વ્યવહાર રાખ્યો હતો. તેમણે તેઓને પૂરા દિલથી યહોવાહની સેવા કરવાનો આગ્રહ કર્યોં. પછી, ઈસ્રાએલે પૂરા દિલથી યહોવાહ સાથે ફરીથી કરાર કર્યો. ‘યહોશુઆની આખી જિંદગી સુધી ઈસ્રાએલે યહોવાહની સેવા કરી.’ યહોશુઆએ બેસાડેલા સારા નમૂનાને જોઈને, તેઓને ચોક્કસ ખરું કરવા હિંમત મળી હશે.​—⁠યહોશુઆ ૨૪:૧૬, ૩૧.

યહોશુઆએ આપણા માટે પણ સરસ નમૂનો બેસાડ્યો છે. આજે આપણા વિશ્વાસની પણ અનેક રીતે કસોટી થાય છે. યહોવાહની કૃપા પામવી હોય તો, આપણે કસોટીઓમાં ટકી રહીએ એ મહત્ત્વનું છે. યહોશુઆને મક્કમ વિશ્વાસ હોવાથી, યહોવાહે તેમને ફતેહ આપી હતી. એ ખરું છે કે આપણે યહોશુઆની જેમ યહોવાહના મહાન કૃત્યો જોયા નથી. પરંતુ એના વિષે આપણને કોઈ શંકા હોય તો, બાઇબલમાં યહોશુઆના પુસ્તકમાં, યહોશુઆએ નજરે જોયેલા યહોવાહના કૃત્યો વિષે વાંચી શકીએ. આપણે પણ યહોશુઆની જેમ દરરોજ બાઇબલમાંથી યહોવાહના વચનો વાંચીને જીવનમાં લાગુ પાડીશું તો, જરૂર સફળ થઈશું.

શું કોઈ ખ્રિસ્તી ભાઈ-બહેને તમને દુઃખ પહોંચાડ્યું છે? એમ હોય તો, બેવફા ઈસ્રાએલીઓને કારણે યહોશુઆએ ૪૦ વર્ષ સુધી અરણ્યમાં કેટલું દુઃખ સહેવું પડ્યું એનો વિચાર કરો. જે ખરું હોય એનો પક્ષ લેવાનું શું તમને અઘરું લાગે છે? યહોશુઆ અને કાલેબે શું કર્યું હતું એનો વિચાર કરો! તેઓને યહોવાહમાં પૂરો ભરોસો હતો અને તેમના કહ્યા પ્રમાણે જ તેઓ ચાલ્યા. તેથી, યહોવાહે પણ તેઓને પુષ્કળ આશીર્વાદો આપ્યા હતા. હા, યહોશુઆને પૂરો ભરોસો હતો કે યહોવાહ પોતાનાં વચનો પૂરાં કરશે. તો પછી, ચાલો આપણે પણ યહોશુઆની જેમ યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ અને તેમના કહ્યા પ્રમાણે ચાલીએ.​—⁠યહોશુઆ ૨૩:⁠૧૪.

[પાન ૧૦ પર ચિત્ર]

મુસાની સોબત રાખીને યહોશુઆ વિશ્વાસમાં દૃઢ થયા

[પાન ૧૦ પર ચિત્ર]

યહોશુઆ અને કાલેબને યહોવાહની શક્તિમાં પૂરો ભરોસો હતો

[પાન ૧૦ પર ચિત્ર]

યહોશુઆએ આગેવાનીમાં બેસાડેલા સારા નમૂનાથી ઈસ્રાએલીઓ પૂરા દિલથી યહોવાહને ભજવા પ્રેરાયા