સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

વાચકો તરફથી પ્રશ્નો

પ્રકટીકરણ ૨૦:૮ પ્રમાણે, શેતાનને હજાર વર્ષ પછી છોડવામાં આવશે ત્યારે શું તે અસંખ્ય લોકોને ભમાવશે?

પ્રકટીકરણ ૨૦:૮ પ્રમાણે, ઈસુના હજાર વર્ષના રાજ પછી શેતાનને કેદમાંથી છોડવામાં આવશે, અને તે પૃથ્વીના લોકો પર હુમલો કરશે. એ કલમ શેતાન વિષે આમ કહે છે: “તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને, ભમાવીને લડાઈને સારૂ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.”

આજે વિજ્ઞાને પુષ્કળ પ્રગતિ કરી છે. તોપણ, તેઓ પાસે ‘સમુદ્રની રેતીને’ ગણી શકે એવું કોઈ સાધન નથી. તેથી, આ શબ્દો બતાવે છે કે એવો કોઈ ચોક્કસ આંકડો નથી. શું એનો એવો અર્થ થાય કે એની કોઈ ગણતરી જ નથી?

બાઇબલમાં ઘણી રીતોએ કહેવામાં આવ્યું છે કે, “તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.” દાખલા તરીકે, ઉત્પત્તિ ૪૧:૪૯ કહે છે: “યુસફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્‍ન સંઘર્યું, તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું; કેમકે તે બેસુમાર હતું.” આ કલમ પ્રમાણે, અન્‍ન એટલું બધું હતું કે એનો કોઈ હિસાબ જ ન હતો. એવી જ રીતે યહોવાહે કહ્યું: “જેમ આકાશનું સૈન્ય ગણી શકાય નહિ, ને સમુદ્રની રેતી માપી શકાય નહિ; તેમ હું મારા સેવક દાઊદના વંશજોની તથા મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.” આકાશમાં કેટલા તારા છે અને સમુદ્રની રેતીના કેટલા કણો છે એ યહોવાહ ચોક્કસ જાણે છે. એટલી જ ચોકસાઈથી યહોવાહ દાઊદને આપેલા વચનો પૂરા કરશે.​—⁠યિર્મેયાહ ૩૩:૨૨.

“તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે,” એ બતાવે છે કે એની કોઈ ગણતરી કરી શકાય એમ નથી. ઈસ્રાએલીઓ સામે લડવા પલિસ્તીઓએ મિખ્માશમાં છાવણી નાખી હતી. તેઓ “સમુદ્રના કાંઠાની રેતીની પેઠે અગણિત” હતા. એ જોઈને ગિલ્ગાલના ઈસ્રાએલીઓ ખૂબ ગભરાઈ ગયા. (૧ શમૂએલ ૧૩:૫, ૬; ન્યાયાધીશો ૭:૧૨) તેમ જ “દેવે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યાં.” (૧ રાજાઓ ૪:૨૯) આમ, આપણને જોવા મળે છે કે દરેક કિસ્સામાં ગણી શકાય નહિ એવી મોટી સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ છતાં, એ હિસાબ વગરની ન હતી.

“સમુદ્રની રેતી જેટલી” સંખ્યા હિસાબ વગરની પણ હોય શકે. યહોવાહે ઈબ્રાહીમને કહ્યું: “આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલાં તારાં સંતાન વધારીશ જ વધારીશ.” (ઉત્પત્તિ ૨૨:૧૭) યહોવાહે ઈબ્રાહીમના પૌત્ર યાકૂબને એ જ વચન આપતા કહ્યું: “પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે.” પછી યાકૂબે એ જ વચનનો ‘સમુદ્રના કાંઠાની રેતી’ તરીકે ઉલ્લેખ કર્યો. (ઉત્પત્તિ ૨૮:૧૪; ૩૨:૧૨) સમય જતાં, ઈબ્રાહીમના ‘સંતાનની’ સંખ્યા ઈસુ ખ્રિસ્ત ઉપરાંત ૧,૪૪,૦૦૦ થઈ, જેનો ઈસુએ “નાની ટોળી” તરીકે ઉલ્લેખ કર્યો.​—⁠લુક ૧૨:૩૨; ગલાતી ૩:૧૬, ૨૯; પ્રકટીકરણ ૭:૪; ૧૪:૧, ૩.

આ ઉદાહરણોમાંથી આપણે શું શીખ્યા? એ જ કે ‘સમુદ્રની રેતી જેટલાનો’ અર્થ, હંમેશાં અગણિત કે હિસાબ વગરનું થતો નથી. તેમ જ હર વખતે આંકડાથી સંખ્યા કે કદ માપી શકાતું નથી. ઘણી વાર ચોક્કસ સંખ્યા અથવા કદની ખબર ન હોય ત્યારે એ બતાવવા માટે અસંખ્ય કે અગણિત જેવા શબ્દો વાપરવામાં આવે છે. તેથી, એ માનવું વાજબી છે કે શેતાનને કેદમાંથી છોડવામાં આવશે ત્યારે, તેની સાથે ઘણા લોકો જોડાશે. પરંતુ, તેઓ અસંખ્ય નહિ જ હોય. તેમ છતાં, તેઓ ઘણા હોવાથી સારા લોકો માટે ખતરો તો ચોક્કસ રહેશે. તેઓની સંખ્યા કેટલી હશે એ આપણે હાલમાં જાણતા નથી.