સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“જાગતા રહો”

“જાગતા રહો”

“જાગતા રહો”

“હું તમને કહું છું તે સર્વને કહું છું, કે જાગતા રહો.”—માર્ક ૧૩:૩૭.

૧, ૨. (ક) વાન શું શીખ્યો? (ખ) ઈસુ ચોરના ઉદાહરણમાંથી શું શીખવવા માંગતા હતા?

 વાન પોતાની કિંમતી વસ્તુઓ ઘરમાં જ રાખતો. તે એ કિંમતી વસ્તુઓ ખાટલા નીચે રાખતો અને એમ માનતો કે ત્યાંથી કોઈ ચોરી નહિ જાય. તેમ છતાં, એક રાત્રે તે અને તેની પત્ની ભર ઊંઘમાં હતા ત્યારે ચોર રૂમમાં આવ્યો. તે જાણતો હતો કે ક્યાંથી તેને માલ મળશે. તેણે એકદમ ધીમેથી ખાટલા નીચેની બધી વસ્તુઓ લઈ લીધી. તેમ જ, વાને કબાટમાં જે પૈસા રાખ્યા હતા એ પણ ચોરી લીધા. બીજા દિવસે, વાનને ખબર પડી કે તેની વસ્તુઓ ચોરાય ગઈ છે. તેને આ દુઃખદ અનુભવ હંમેશા યાદ રહેશે: ઊંઘતો માણસ ચોરને પકડી શકશે નહિ.

એ જ રીતે, આપણે સત્યમાં જાગૃત નહિ રહીએ તો, વિશ્વાસ અને આશા ગુમાવી બેસીશું. એમ ન થાય માટે, પાઊલે ચેતવણી આપી: “એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહિ, પણ જાગીએ અને સાવધ રહીએ.” (૧ થેસ્સાલોનીકી ૫:૬) જાગતા રહેવું કેટલું મહત્ત્વનું છે એ સમજાવવા ઈસુએ ચોરનું ઉદાહરણ આપ્યું. ઈસુએ એ પણ બતાવ્યું કે પોતે ચોરની પેઠે આવશે. તેથી, તેમણે ચેતવણી આપી: “જાગતા રહો, કેમકે તમે જાણતા નથી કે કયે દિવસે તમારો પ્રભુ આવશે. પણ એ જાણો કે ચોર કયે પહોરે આવશે એ જો ઘરધણી જાણતો હોત, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં તેને ખાતર પાડવા ન દેત [“ચોરી કરવા ન દેત,” NW]. એ માટે તમે પણ તૈયાર રહો; કેમકે જે ઘડીએ તમે ધારતા નથી તેજ ઘડીએ માણસનો દીકરો આવશે.” (માત્થી ૨૪:૪૨-૪૪) આપણે જાણીએ છીએ તેમ ચોર અગાઉથી કહીને આવતો નથી. જોકે, કોઈને સ્વપ્નમાંય ખ્યાલ ન હોય ત્યારે એ ચોરી કરી જાય છે. અહીં, ઈસુએ કહ્યું તેમ આ જગતનો અંત પણ ચોરની જેમ આવશે.

“સાવધ રહો, વિશ્વાસમાં દૃઢ રહો”

૩. ઈસુએ જાગતા રહેવાનું મહત્ત્વ કઈ રીતે સમજાવ્યું?

લુકના પુસ્તકમાં ઈસુ, ખ્રિસ્તીઓને એવા ચાકરો સાથે સરખાવે છે, જેમના માલિક લગ્‍નમાંથી પાછા આવવાના હતા. તે ક્યારે પાછા આવશે એ જાણતા ન હોવાથી ચાકરે જાગૃત રહેવાનું હતું. એમ કરવાથી માલિક ઘરે પાછા આવે ત્યારે તેમને આવકારી શકે. તેથી, ઈસુએ કહ્યું: “તમારા ધારવામાં નહિ હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે.” (લુક ૧૨:૪૦) જેઓ ઘણા વર્ષોથી યહોવાહની સેવા કરે છે તેઓનો પણ વિશ્વાસ ઠંડો થઈ શકે. તેઓને લાગી શકે કે હજુ અંત આવવાને ઘણી વાર છે. આવા વિચારથી વ્યક્તિ પરમેશ્વરની સેવામાં પ્રગતિ કરવાને બદલે ધન-દોલત પાછળ પડી જઈ શકે છે.—લુક ૮:૧૪; ૨૧:૩૪, ૩૫.

૪. ઈસુએ આપણને જાગૃત રહેવા કઈ રીતે ઉત્તેજન આપ્યું?

ઈસુના ઉદાહરણમાંથી આપણે બીજો એક પાઠ શીખીએ છીએ. જોકે ચાકરો એ જાણતા ન હતા કે કયા સમયે તેમનો માલિક આવશે. પરંતુ, તેઓ એ જાણતા હતા કે પોતાનો માલિક કઈ રાત્રે આવશે. તેમ છતાં, જો તેઓ એમ વિચારે કે માલિક કોઈ પણ રાત્રે આવશે તો, જાગૃત રહેવું અઘરું બની જાત. તેઓને ખબર હતી કે કઈ રાત્રે તેમના માલિક આવવાના છે. તેથી, જાગતા રહેવું સહેલું બન્યું. એવી રીતે, બાઇબલની ભવિષ્યવાણીઓ સ્પષ્ટપણે જણાવે છે કે આપણે અંતના સમયમાં જીવી રહ્યાં છીએ. પરંતુ, એ એમ નથી જણાવતું કે કયા સમયે દુષ્ટ જગતનો અંત આવશે. (માત્થી ૨૪:૩૬) દુષ્ટ જગતનો અંત નજીક છે એમ આપણે પૂરા દિલથી માનીશું તો જાગૃત રહેવું સહેલું બનશે.—સફાન્યાહ ૧:૧૪.

૫. પાઊલના કહ્યા પ્રમાણે આપણે કઈ રીતે ‘સાવધ રહી’ શકીએ?

પાઊલે કોરીંથ મંડળને આગ્રહ કર્યો: “સાવધ રહો, વિશ્વાસમાં દૃઢ રહો.” (૧ કોરીંથી ૧૬:૧૩) હા, જાગૃત રહેવું એ વિશ્વાસમાં દૃઢ રહેવા સાથે સંકળાયેલું છે. આપણે કઈ રીતે જાગૃત રહી શકીએ? એ માટે આપણે બાઇબલનું ઊંડું જ્ઞાન લેવું જોઈએ. (૨ તીમોથી ૩:૧૪, ૧૫) વિશ્વાસમાં દૃઢ રહેવા આપણે જાતે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને સભાઓમાં જવું જોઈએ. યહોવાહનો દિવસ નજીકમાં છે એ ધ્યાનમાં રાખવું ખૂબ મહત્ત્વનું છે. આપણે આ દુષ્ટ જગતના અંતની એકદમ નજીક આવી પહોંચ્યા છીએ. તેથી આપણે વારંવાર બાઇબલની ભવિષ્યવાણીઓ તપાસવી જોઈએ, જે આપણને અંતનું મહત્ત્વ યાદ કરાવશે. * તેમ જ જગતના બનાવો પર ધ્યાન રાખવાથી બાઇબલની ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થઈ રહી છે એ આપણે જોઈ શકીશું. જર્મનીમાં એક ભાઈએ લખ્યું: “હું જ્યારે સમાચાર જોઉ છું ત્યારે, યુદ્ધો, ધરતીકંપો, હિંસા અને પૃથ્વીનું પ્રદુષણ વિષે જ સાંભળવા મળે છે. એનાથી હું જોઈ શકું છું કે આ જગતનો અંત કેટલો નજીક છે.”

૬. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે આપણે વિશ્વાસમાં જાગૃત ન રહીએ તો ઊંઘી જઈ શકીએ?

માર્કના ૧૩માં અધ્યાયમાં બીજો એક અહેવાલ જોવા મળે છે, જેમાં ઈસુએ પોતાના શિષ્યોને સાવધ રહેવા ઉત્તેજન આપ્યું. આ અધ્યાયમાં ઈસુ પોતાના શિષ્યોની પરિસ્થિતિ એવા ચાકર સાથે સરખાવે છે, જેઓ પોતાનો માલિક પરદેશથી પાછા આવે એની રાહ જોતા હોય છે. પરંતુ, ચાકર જાણતો નથી કે તેનો માલિક ક્યારે પરદેશથી પાછો આવશે. તેથી, ચાકરે માલિકની રાહ જ જોવાની હતી. ઈસુએ માલિકના પાછા આવવા વિષે ચાર સમયગાળા આપ્યા. ચોથો ગાળો સવારના લગભગ ત્રણ વાગ્યાથી લઈને સૂર્ય ઊગે ત્યાં સુધીનો હતો. આમ, ચાકર આખી રાત જાગ્યો હોવાથી તેને છેલ્લા ગાળામાં સહેલાઈથી ઊંઘ આવી જવાની શક્યતા રહેલી છે. કહેવા પ્રમાણે સૈનિકો ખાસ કરીને સવારે લગભગ ત્રણ વાગ્યાથી લઈને સૂર્ય ઊગે ત્યાં સુધી જાગૃત રહેવા સખત પ્રયત્ન કરતા, જેથી તેઓ દુશ્મનોને અણધાર્યા પકડી શકે. એવી જ રીતે, જગતના ધર્મો આ છેલ્લા સમયમાં ધાર્મિક રીતે ઊંઘી ગયા છે. તેથી આપણે પણ વિશ્વાસમાં જાગૃત રહેવા કદાચ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે. (રૂમીઓને પત્ર ૧૩:૧૧, ૧૨) એ માટે ઈસુએ વારંવાર પોતાના ઉદાહરણમાં જાગૃત રહેવા ઉત્તેજન આપ્યું: ‘સાવધાન રહો, જાગતા રહો. જે હું તમને કહું છું તે સર્વને કહું છું, કે જાગતા રહો.’—માર્ક ૧૩:૩૨-૩૭.

૭. બાઇબલની કઈ કલમ જાગૃત રહેવા આપણને ઉત્તેજન આપે છે અને એમ ન કરવાથી શું થઈ શકે?

ઈસુએ ઘણી વખતે પોતાના સેવાકાર્યમાં અને સજીવન થયા પછી પણ જાગૃત રહેવા માટે આગ્રહ કર્યો. હકીકતમાં, મોટા ભાગે બાઇબલમાં જ્યારે પણ આ જગતના અંત વિષે વાત કરે છે ત્યારે આપણને જાગૃત રહેવાની કે સાવધ રહેવાનું ઉત્તેજન આપવામાં આવે છે. * (લુક ૧૨:૩૮, ૪૦; પ્રકટીકરણ ૩:૨; ૧૬:૧૪-૧૬) પરંતુ, જો આપણે વિશ્વાસમાં ઠંડા પડી જઈએ તો એ જોખમકારક છે. આપણે સર્વએ આ ચેતવણીને ભૂલવી ન જોઈએ!—૧ કોરીંથી ૧૦:૧૨; ૧ થેસ્સાલોનીકી ૫:૨,.

ત્રણ પ્રેષિતો જાગૃત રહી શક્યા નહિ

૮. ગેથસેમાના બાગમાં ઈસુએ ત્રણ પ્રેષિતોને જાગતા રહેવાનું કહ્યું ત્યારે શું થયું?

જાગતા રહેવા માટે જરૂર કારણ હોવું જોઈએ. પીતર, યાકૂબ અને યોહાનના ઉદાહરણમાંથી આપણને એ જોવા મળે છે. આ ત્રણેય ઈસુના વફાદાર પ્રેષિતો હતા. તેઓને ઈસુ માટે ઘણો પ્રેમ હતો. તોપણ, નિશાન ૧૪ ઈ.સ. ૩૩ની રાત્રે તેઓ જાગતા રહી ન શક્યા. પાસ્ખાપર્વ ઉજવીને ઉપલા રૂમમાંથી નીકળતા ત્રણ પ્રેષિતો પણ ઈસુની સાથે ગેથસેમાના બાગમાં જાય છે. ઈસુએ ત્યાં તેઓને કહ્યું: “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે; તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.” (માત્થી ૨૬:૩૮) ઈસુએ ત્રણ વખત પોતાના પિતાને પ્રાર્થના કરી અને ત્રણેય વખત તે પાછા ફર્યા ત્યારે તેમના પ્રેષિતો ઊંઘતા હતા.—માત્થી ૨૬:૪૦, ૪૩, ૪૫.

૯. પ્રેષિતો શા કારણે જાગૃત રહી ન શક્યા?

શા કારણે ઈસુના આ વફાદાર પ્રેષિતો જાગૃત ન રહી શક્યા? તેઓ બહુ થાકી ગયા હોઈ શકે. તેમ જ અડધી રાત થઈ ગઈ હોવાથી “તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.” (માત્થી ૨૬:૪૩) તોપણ ઈસુએ કહ્યું: “જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.”—માત્થી ૨૬:૪૧.

૧૦, ૧૧. (ક) ઈસુ થાકી ગયા હતા છતાં તેમણે ગેથસેમાના બાગમાં શું કર્યું? (ખ) ઈસુએ ત્રણ પ્રેષિતોને શું કહ્યું હતું અને એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૦ એ રાત્રે ઈસુ પણ ખૂબ જ થાકી ગયા હતા. તેમ છતાં, ઈસુએ ઊંઘી જવાને બદલે છેલ્લી પળોમાં પણ પ્રાર્થના કરવામાં સમય કાઢ્યો. એના થોડા દિવસો અગાઉ તેમણે શિષ્યોને આમ પ્રાર્થના કરતા શીખવ્યું: “હર વખત જાગતા રહો, અને વિનંતી કરો, કે આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જવાને તથા માણસના દીકરાની આગળ ઊભા રહેવાને તમે પ્રબળ થાઓ.” (લુક ૨૧:૩૬; એફેસી ૬:૧૮) એ જ રીતે આપણે પણ ઈસુના શબ્દો આપણા દિલમાં ઉતારીને પ્રાર્થના કરીશું તો, યહોવાહ આપણને જરૂર તેમની સેવામાં લાગુ રહેવા મદદ કરશે.

૧૧ ઈસુ જાણતા હતા કે થોડા જ સમયમાં તેમને પકડીને મારી નાખવામાં આવશે. પરંતુ, તેમના શિષ્યો એ જાણતા ન હતા. તે એ પણ જાણતા હતા કે તેમણે વધસ્તંભ પર ઘણી પીડા સહન કરવાની છે. ઈસુએ તેમના શિષ્યોને એની ચેતવણી આપી હતી. તેમ છતાં, તેઓ તેમનું કહેવું સમજ્યા ન હતા. ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે તેઓની આંખો ઊંઘથી ઘેરાયેલી હતી. (માર્ક ૧૪:૨૭-૩૧; લુક ૨૨:૧૫-૧૮) ઈસુના શિષ્યોની જેમ આપણે પણ થાકી જઈએ છીએ. તેમ જ, આપણે પણ ઘણી એવી બાબતો છે જે સારી રીતે સમજી ન શકતા હોઈએ. આપણે અંતના સમયમાં જીવીએ છીએ એવું પારખી ન શકીએ તો, આપણે પણ વિશ્વાસમાં ઠંડા પડી જઈશું. તેથી, યહોવાહની સેવામાં મંડ્યા રહીશું તો જ આપણે જાગતા રહી શકીશું.

ત્રણ મહત્ત્વના ગુણો

૧૨. પાઊલે જાગતા રહેવા વિષે કયા ત્રણ ગુણો પર ભાર મૂક્યો?

૧૨ આપણે કઈ રીતે જાગતા રહી શકીએ? આપણે પ્રાર્થના કરવાનું અને યહોવાહના દિવસને ધ્યાનમાં રાખવાનું મહત્ત્વ જોયું. એ ઉપરાંત, પાઊલે જણાવ્યું કે આપણે ત્રણ મહત્ત્વના ગુણો વિકસાવવા જોઈએ. તે કહે છે: “આપણે દહાડાના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.” (૧ થેસ્સાલોનીકી ૫:૮) ચાલો હવે આપણે ટૂંકમાં વિશ્વાસ, આશા અને પ્રેમની શું ભૂમિકા છે એ જોઈએ. એ આપણને પરમેશ્વરની સેવામાં મંડ્યા રહેવા મદદ કરે છે.

૧૩. વિશ્વાસ આપણને જાગૃત રહેવા કઈ રીતે મદદ કરશે?

૧૩ આપણને એવો વિશ્વાસ હોવો જોઈએ કે યહોવાહ છે, અને “જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે.” (હેબ્રી ૧૧:૬) ઈસુએ અંત વિષેની જે ભવિષ્યવાણી કરી એ પહેલી સદીમાં સાચી પડી હતી. તેમ જ આજે એ મોટા પ્રમાણમાં પૂરી થતા જોઈને આપણો વિશ્વાસ દૃઢ થાય છે. આમ, આપણો વિશ્વાસ આપણને યહોવાહના દિવસની આતુરતાથી રાહ જોવા દોરશે. “તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહિ.”—હબાક્કૂક ૨:૩.

૧૪. શા માટે સાવધ રહેવા આશા મહત્ત્વની છે?

૧૪ આપણી આશા “લંગર” જેવી છે. એ આપણને મુશ્કેલીઓના સમયમાં ટકી રહેવા મદદ કરે છે. પછી ભલેને આપણે પરમેશ્વરના વચનોને પૂરા થવાની રાહ જોવી પડે. (હેબ્રી ૬:૧૮, ૧૯) માર્ગરેટ અભિષિક્ત ખ્રિસ્તી બહેન છે. તે ૯૦ કરતાં વધારે વર્ષનાં છે. તે ૭૦ વર્ષ પહેલાં બાપ્તિસ્મા પામ્યાં હતાં. તે કહે છે: “મારા પતિ કૅન્સરના કારણે ૧૯૬૩માં ગુજરી ગયા. ત્યારે મને એવું લાગતુ હતું કે આ દુષ્ટ જગતનો અંત આવી જાય તો કેવું સારુ! પરંતુ હવે મને સમજાય છે કે હું ફક્ત મારો જ સ્વાર્થ જોતી હતી. એ સમયે મને ખબર ન હતી કે આવતા દિવસોમાં કઈ હદ સુધી આખી દુનિયામાં પ્રચારકાર્ય થશે. આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં પ્રચારકાર્ય હમણાં જ શરૂ થયું છે. પરંતુ, યહોવાહે ધીરજ બતાવી હોવાથી હું ઘણી ખુશ છું.” પ્રેષિત પાઊલ આપણને ખાતરી આપે છે કે ‘ધીરજથી આપણામાં સહનશક્તિ ઉત્પન્‍ન થાય છે અને સહનશક્તિથી ઈશ્વરની માન્યતા મળે છે અને તેની માન્યતા આશા ઉત્પન્‍ન કરે છે. આ આશા છેતરતી નથી.’—રોમનો ૫:૩-૫, પ્રેમસંદેશ.

૧૫. પ્રેમ આપણને કઈ રીતે અંત સુધી ટકી રહેવા મદદ કરે છે?

૧૫ આપણા માટે ખ્રિસ્તી પ્રેમ મહત્ત્વનો છે. કેમ કે આપણે જે કંઈ કરીએ એ પ્રેમથી કરીએ છીએ. યહોવાહ આ દુષ્ટ જગતનો અંત ક્યારે લાવશે એ આપણે જાણતા નથી. તોપણ આપણે તેમની પ્રેમથી ભક્તિ કરીએ છીએ. પડોશી પર આપણને પ્રેમ હોવાથી આપણે પરમેશ્વરના રાજ્યનો શુભસંદેશો જણાવીએ છીએ. પછી ભલેને આપણે વર્ષો સુધી પ્રચાર કરવો પડે અને ઘણી વાર એ જ લોકોને વારંવાર મળવું પડે. પાઊલે લખ્યું તેમ, “વિશ્વાસ, આશા તથા પ્રીતિ એ ત્રણે ટકી રહે છે; પણ તેઓમાં પ્રીતિ શ્રેષ્ઠ છે.” (૧ કોરીંથી ૧૩:૧૩) પ્રેમ આપણને સહન કરવા અને સાવધ રહેવા મદદ કરે છે. “[પ્રેમ] સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી”—૧ કોરીંથી ૧૩:૭, ૮.

સત્યને વળગી રહો

૧૬. વિશ્વાસમાં ઠંડા ન પડીએ માટે આપણે શું કરવું જોઈએ?

૧૬ આજના જગતના બનાવો પરથી જોઈ શકીએ છીએ કે આપણે એકદમ અંતના સમયમાં આવી પહોંચ્યા છીએ. (૨ તીમોથી ૩:૧-૫) તેથી, વિશ્વાસમાં ઠંડા પડી જવાને બદલે આજે આપણી પાસે ‘જે છે તેને વળગી રહેવું’ જોઈએ. (પ્રકટીકરણ ૩:૧૧) જાગૃત રહેવા આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ. તેમ જ, વિશ્વાસ, આશા તથા પ્રેમ વિકસાવીશું તો અંત સુધી આપણે ટકી શકીશું. (૧ પીતર ૪:૭) પરમેશ્વરનું કામ હજું પૂરું થયું ન હોવાથી આપણે એમાં મંડ્યા રહેવું જોઈએ. એમ કરવાથી આપણને વિશ્વાસમાં જાગૃત રહેવા મદદ મળશે.—૨ પીતર ૩:૧૧.

૧૭. (ક) આપણા ધાર્યા પ્રમાણે દુષ્ટ જગતનો અંત ન આવે તો શા માટે નિરાશ થવું ન જોઈએ? (પાન ૨૧ પરનું બોક્સ જુઓ) (ખ) શું કરવાથી આપણને આશીર્વાદ મળશે?

૧૭ યિર્મેયાહે લખ્યું: “યહોવાહ મારો હિસ્સો છે; તેથી હું તેના પર આશા રાખીશ. જેઓ તેની વાટ જુએ છે, ને જે માણસ તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલો છે. યહોવાહના તારણની આશા રાખવી અને શાંતિથી તેના આવવાની વાટ જોવી, એ સારૂં છે.” (યિર્મેયાહનો વિલાપ ૩:૨૪-૨૬) આપણામાંના ઘણા લોકો, વર્ષોથી કે થોડા સમયથી યહોવાહના દિવસની રાહ જોઈ રહ્યા છે. તેમ છતાં, અનંતજીવનની સરખામણીમાં આ રાહ જોવાનો સમય જરાય લાંબો ન કહેવાય. (૨ કોરીંથી ૪:૧૬-૧૮) આપણે યહોવાહના દિવસની રાહ જોઈએ છીએ તેમ ખ્રિસ્તી ગુણો વિકસાવવાનો સમય છે. એ જ સમયે આપણે બીજાઓને યહોવાહની ધીરજને કારણે સત્ય શીખવવા મદદ કરી શકીએ. તેથી, ચાલો આપણે સર્વ જાગૃત રહીએ. તેમ જ, યહોવાહની જેમ ધીરજ બતાવીએ. વળી, તેમણે આપણને જે આશા આપી છે એ માટે તેમનો ઉપકાર માનતા રહીએ. આપણે વિશ્વાસમાં જાગૃત રહીશું તેમ અનંતજીવનની આશા દૃઢ થશે. પછી, આ વચનો આપણા કિસ્સામાં જરૂર સાચા ઠરશે: “દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે; દુષ્ટોનો ઉચ્છેદ થશે તે તું જોશે.”—ગીતશાસ્ત્ર ૩૭:૩૪.

[ફુટનોટ્‌સ]

^ ‘છેલ્લા સમય’ વિષે વધુ માહિતી માટે જાન્યુઆરી ૧૫, ૨૦૦૦ના ચોકીબુરજના પાન ૧૨ અને ૧૩ જુઓ. જેમાં એના વિષે છ મહત્ત્વના પુરાવાઓ આપવામાં આવ્યા છે.—૨ તીમોથી ૩:૧.

^ વિલ્યમ. ઈ. વાઈનનો શબ્દ કોશ જણાવે છે કે ગ્રીકમાં ‘જાગૃત રહેવાનો’ અર્થ ‘ઊંઘ ઉડાવી’ થાય છે. એ “બતાવે છે કે ઉભા રહીને ચોકી કરતા રહેવું જોઈએ નહિ કે પલંગમાં આંખો ખુલ્લી રાખીને પડ્યા રહીએ.”

તમે કેવો જવાબ આપશો?

•આપણે કઈ રીતે વિશ્વાસ દૃઢ કરી શકીએ કે દુષ્ટ જગતનો અંત નજીક છે?

•પીતર, યાકૂબ અને યોહાનના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?

•કયા ત્રણ ગુણો આપણને વિશ્વાસમાં જાગૃત રહેવા મદદ કરશે?

•શા માટે આ સમય સત્યને વળગી રહેવાનો છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૨૧ પર બોક્સ/ચિત્ર]

‘વાટ જોનારાઓને ધન્ય છે.’—દાનીયેલ ૧૨:૧૨

કલ્પના કરો કે જે ઘરની ચોકીદાર ચોકી કરે છે ત્યાં ચોર આવવાનો છે એવી તેને ખબર પડે છે. રાત થાય છે તેમ કોઈપણ અવાજથી ચોકીદારને જાણે ચોર આવ્યો હોય એમ લાગે છે. તેથી, તે એકદમ સાવધ થઈ જાય છે. પછી ભલેને પવનના કારણે ઝાડ-પાન હલે અથવા બીજો કોઈ પણ અવાજ આવે પરંતુ તેને એવું લાગી શકે કે ચોર આવ્યો છે.—લુક ૧૨:૩૯, ૪૦.

એવી જ રીતે જેઓ ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વાટ જુએ છે’ તેઓને પણ એવું થઈ શકે. (૧ કોરીંથી ૧:૭) ખ્રિસ્તના શિષ્યો એમ માનતા હતા કે ઈસુ સજીવન થયા પછી “ઈસ્રાએલનું રાજ્ય ફરીથી સ્થાપન” કરશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧:૬) વર્ષો પછી, થેસ્સાલોનીકીના ખ્રિસ્તીઓને યાદ અપાવવાની જરૂર પડી કે ઈસુ હજુ ભાવિમાં રાજા થશે. (૨ થેસ્સાલોનીકી ૨:૩,) તેમ છતાં, ઈસુના શિષ્યોએ યહોવાહના દિવસ વિષે અફવા સાંભળીને પણ જીવનનો માર્ગ છોડ્યો નહિ.—માત્થી ૭:૧૩.

આપણા ધાર્યા પ્રમાણે દુષ્ટ જગતનો અંત ન આવે તો, આપણે પણ નિરાશ થયા વગર જાગતા રહેવું જોઈએ. પછી ગમે એ અવાજ આવે પણ ચોકીદારે તો જાગતા જ રહેવું જોઈએ કેમ કે, એ તેની જવાબદારી છે. એવી જ રીતે આપણે પણ વિશ્વાસમાં જાગૃત રહેવું જોઈએ.

[પાન ૧૮ પર ચિત્ર]

શું તમને ખાતરી છે કે યહોવાહનો દિવસ નજીક છે?

[પાન ૧૯ પર ચિત્ર]

સભા, પ્રાર્થના અને બાઇબલ અભ્યાસ કરવાથી જાગતા રહી શકીએ છીએ

[પાન ૨૨ પર ચિત્રનું મથાળું]

આપણે પણ માર્ગરેટની જેમ ધીરજ રાખીને જાગતા રહીએ