તેને ધીરજનું ફળ મળ્યું
તેને ધીરજનું ફળ મળ્યું
ઘણા સારા લોકો ઇચ્છે છે કે તેમના કુટુંબમાં બધા સુખી થાય. એ માટે તેઓ કુટુંબમાં બધાને શીખવવા માંગે છે કે પરમેશ્વર ભવિષ્યમાં શું કરવાના છે. તેઓનું સારું વર્તન જોઈને પણ કુટુંબમાં બીજાઓ સાચા પરમેશ્વરની સેવા કરવા પ્રેરાય છે. મૅક્સિકોની પંદર વર્ષની જેરિમના કિસ્સામાં પણ આવું જ કંઈક બન્યું. તેણે યહોવાહના સાક્ષીઓના એક ખાસ સંમેલન દિવસે, તેના કુટુંબમાં બનેલો એક સરસ પ્રસંગ લખીને આપ્યો. એમાં તે કહે છે:
“હું તમને મારા આનંદમાં સહભાગી કરવા માંગુ છું. આજથી અઢાર વર્ષ પહેલાં મારા માબાપે બાઇબલમાંથી સત્ય શીખવાનું શરૂ કર્યું હતું. ત્યારે મારો જન્મ પણ થયો ન હતો. પછી મારી મમ્મીએ સારી પ્રગતિ કરીને સત્ય સ્વીકાર્યું. સમય જતા, હું અને મારો નાનો ભાઈ પણ સત્ય સ્વીકારીને યહોવાહના સાક્ષી બન્યા. અમે બધા યહોવાહને પ્રાર્થના કરતા હતા કે અમારા પપ્પા પણ બાઇબલ વિષે શીખીને સત્યમાં આવે. આજે અઢાર વર્ષ પછી, અમને એ ખુશીનો દિવસ જોવા મળ્યો છે. મારા પપ્પા આજે બાપ્તિસ્મા લઈ રહ્યા છે. યહોવાહનો ખૂબ આભાર, કે તેમણે અમને આ દિવસ જોવા આ ખરાબ દુનિયાનો અંત જલદી ન લાવ્યા!”
આ યુવાન છોકરીનું કુટુંબ વર્ષોથી પરમેશ્વરના એક સિદ્ધાંત પ્રમાણે ચાલતું હતું. એ સિદ્ધાંત ૧ પીતર ૩:૧, ૨માં જોવા મળે છે: “સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો; કે જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓનાં આચરણથી, એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાનાં વચન વગર મેળવી લેવાય.” યુવાન જેરિમે પણ પુનર્નિયમ ૫:૧૬ના આ સિદ્ધાંતને લાગુ પાડ્યો હતો: “યહોવાહ તારા દેવે તને આજ્ઞા આપી તે મુજબ તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ; કે યહોવાહ તારો દેવ જે દેશ તને આપે છે તેમાં તારૂં આયુષ્ય દીર્ઘ થાય ને તારૂં ભલું થાય.” જેરિમ અને તેના કુટુંબે આવા સિદ્ધાંતોને જીવનમાં લાગુ પાડ્યા અને ધીરજથી બાબતો યહોવાહના હાથમાં છોડી દીધી. એનું તેઓને કેવું સુંદર ફળ મળ્યું!