બાઇબલનો ખરો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
બાઇબલનો ખરો ઉપયોગ કેવી રીતે કરી શકીએ?
થીયેટરના ટીકાકાર એક છાપાં માટે રીપોર્ટર તરીકે કામ કરતા હતા. તે એક નાટક જોવા ગયા પણ તેને એમાં જરાય મજા ન આવી. તેથી તેણે આમ લખ્યું: “જો તમને નામ ખાતર જ નાટક જોવું હોય તો, જઈને આ નાટક જુઓ.” પછી એ નાટક કંપનીના માલિકોએ “જઈને આ નાટક જુઓ”! એ ટીકાકારના શબ્દો જાહેરાતમાં ટાંક્યા. જોકે તેઓએ ટીકાકારના શબ્દો તો ટાંક્યા પરંતુ એ તેમણે જે કહ્યા હતા એ પ્રમાણે ન હતા. થીયેટરના ટીકાકારે જે લખ્યું હતું એમાંથી તેઓએ ફક્ત અમુક જ શબ્દો ટાંકીને અર્થનો અનર્થ કર્યો હતો.
આ ઉદાહરણ બતાવે છે, શબ્દો કયા અર્થમાં કહેવામાં આવ્યા છે, એ સમજવું ખૂબ જ મહત્ત્વનું છે. જો આપણે ફક્ત અમુક શબ્દો જ પકડીને બેસી રહીશું તો અર્થનો અનર્થ સહેલાઈથી થઈ શકે છે. જેમ કે ઈસુને છેતરવા માટે શેતાને બાઇબલ કલમનો ખોટો ઉપયોગ કર્યો હતો. (માત્થી ૪:૧-૧૧) આપણે પણ છેતરાઈએ નહિ એ માટે હમેશાં પૂરેપૂરો વિચાર જાણવો જોઈએ, એમ કરીશું તો આપણે છેતરાઈશું નહિ. આપણે બાઇબલની અમુક કલમનો અભ્યાસ કરીએ, ત્યારે હમેશાં કલમોમાં આગળ-પાછળ શું કહે છે એ તપાસવું જોઈએ. તેમ જ એ ક્યારે અને કયા સંજોગમાં લખાયું હતું એ પણ જાણવું જોઈએ.
બાઇબલનો સારો ઉપયોગ કરો
પૂરો વિચાર જાણવો જોઈએ એ વિષે એક શબ્દકોશ કહે છે: ‘શું કહેવામાં આવ્યું છે અથવા શું લખવામાં આવ્યું છે એ આગળ પાછળના બંને વિચારો જાણવાથી પારખી શકાય છે. એના પરથી આપણને ખબર પડે છે કે એ “કયા સંજોગમાં” અને “ક્યારે” કહેવામાં આવ્યું હતું.’ જે આપણે હમેશાં તપાસવું જોઈએ. તેથી ચાલો હવે આપણે તપાસીએ કે પ્રેષિત પાઊલે ક્યારે અને કયા સંજોગમાં તીમોથીને બીજા પત્રમાં આમ લખ્યું: “જેને શરમાવાનું કંઈ કારણ ન હોય એવી રીતે કામ કરનાર સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર, અને દેવને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર.” (૨ તીમોથી ૨:૧૫) એ બતાવે છે કે આપણે બાઇબલમાંથી બીજાને શીખવીએ એ પહેલાં પોતે સમજવાની જરૂર છે. બાઇબલમાં યહોવાહનું વચન છે એ આપણે પૂરા દિલથી સ્વીકારવું જોઈએ. આપણે કોઈ કલમનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે, એની આગળ-પાછળની કલમો શું કહે છે એ તપાસવાથી આપણે લેખકનો પૂરો વિચાર પારખી શકીશું.
તીમોથીના બીજા પત્ર વિષેની માહિતી
ચાલો આપણે હવે તીમોથીના બીજા પત્રની માહિતી તપાસીએ. * એ તપાસતા પહેલાં આપણે વિચારવું જોઈએ કે તીમોથીનો બીજો પત્ર કોને લખવામાં આવ્યો અને ક્યારે લખ્યો હતો? તેમ જ કયા સંજોગમાં એ લખાયો હતો? પછી આપણે વિચારવું જોઈએ કે તીમોથી કોણ હતા? જેના નામ પરથી બાઇબલના પુસ્તકનું નામ અપાયું છે? એમાં જે લખવામાં આવ્યું છે એની તેમને શું જરૂર હતી? આવા પ્રશ્નોના જવાબ મેળવવાથી એ પત્ર આપણી નજરે કિંમતી બનશે. તેમ જ એમાં જે લખેલું છે એમાંથી આપણને લાભ થશે.
એ પત્રના શરૂઆતના શબ્દો પરથી આપણને જોવા મળે છે કે પ્રેષિત પાઊલે તીમોથીને એ પત્ર લખ્યો હતો. બીજી કલમો બતાવે છે કે પાઊલ શુભસંદેશાનો પ્રચાર કરતા હોવાથી તેમને બેડીઓ પહેરાવીને જેલમાં પૂરવામાં આવ્યા હતા. તે જેલમાં હતા એ ઘણા લોકો ભૂલી ગયા હતા. તેમ જ પાઊલ જાણતા હતા કે પોતે હવે લાંબો સમય જીવશે નહિ. (૨ તીમોથી ૧:૧૫, ૧૬; ૨:૮-૧૦; ૪:૬-૮) તેમણે રોમમાં ઈ.સ. ૬૫માં લગભગ બીજી વાર જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે તેમણે એ પત્ર લખ્યો હોઈ શકે. એના થોડા સમય પછી નીરોએ તેમને મારી નંખાવ્યા.
એ સંજોગમાં તેમણે તીમોથીનો બીજો પત્ર લખ્યો હતો. નોંધ કરો કે પાઊલે પોતાના દુઃખના રોદણાં રડવા પત્ર લખ્યો ન હતો. પરંતુ પાઊલ તેમના જિગરી દોસ્ત તીમોથીને ચેતવી રહ્યા હતા કે, અઘરો સમય આવી રહ્યો છે. તીમોથી વિશ્વાસમાં દૃઢ રહે અને પાઊલનું શિક્ષણ ખ્રિસ્તીઓને શીખવે, તેમ જ તેઓ પણ એમ કરતા રહે માટે પાઊલ તેમને ઉત્તેજન આપતા હતા. (૨ તીમોથી ૨:૧-૭) પાઊલ પોતાનું દુઃખ ભૂલીને બીજાના ભલા માટે વિચારતા હતા! એ આપણા માટે કેવી સુંદર સલાહ!
પાઊલ તીમોથીને “મારા વહાલા દીકરા” કહે છે. (૨ તીમોથી ૧:૧) ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો અથવા નવા કરારમાં તીમોથી વિષે એવું કહેવામાં આવે છે કે તે પાઊલના વિશ્વાસુ સાથી હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧-૫; રૂમીઓને પત્ર ૧૬:૨૧; ૧ કોરીંથી ૪:૧૭) પાઊલે, આ પત્ર લખ્યો ત્યારે તીમોથી લગભગ ત્રીસેક વર્ષની ઉંમરના એક યુવાન વ્યક્તિ હતા. (૧ તીમોથી ૪:૧૨) તેમ છતાં, ભાઈઓમાં તેમની શાખ સારી હતી. એટલું જ નહિ પણ તેમણે ૧૪ વર્ષ સુધી ભાઈઓની ‘પાઊલ સાથે સેવા’ કરી હતી. (ફિલિપી ૨:૧૯-૨૨) તીમોથી યુવાન હતા છતાં પાઊલે તેમને કહ્યું કે તું બીજા વડીલોને કહે: ‘ખાલી શબ્દવાદ ન કરો.’ એના બદલે જે મહત્ત્વનું છે, જેમ કે કઈ રીતે દુઃખ સહીને વિશ્વાસમાં દૃઢ રહી શકાય એનો વિચાર કરે. (૨ તીમોથી ૨:૧૪) તેમ જ મંડળમાં વડીલો અને સેવકાઈ ચાકરોને નિયુક્ત કરવામાં તીમોથી અનુભવી હતા. (૧ તીમોથી ૫:૨૨) તેમ છતાં તીમોથી બીજા ભાઈઓને નિયુક્ત કરવામાં જરા અચકાતા હતા.—૨ તીમોથી ૧:૬, ૭.
તીમોથી પોતે એક યુવાન વડીલ હતા તેથી તેમના પર ઘણી મુશ્કેલીઓ આવવાની હતી. કારણ કે હુમનાયસ તથા ફિલેતસ ‘કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખતા હતા.’ તેઓ શિખવતા હતા કે “આપણે મરણમાંથી સજીવન થઈ ચૂક્યા છીએ.” (૨ તીમોથી ૨:૧૭, ૧૮, પ્રેમસંદેશ) જોકે તેઓ એમ માનતા હતા જેઓને સાચું જ્ઞાન મળ્યું હોય, તેઓ પાસે અનંતજીવનની આશા હોય છે, તેઓ સજીવન થયા કહેવાય છે. વળી તેઓ એમ પણ માનતા હતા કે ખ્રિસ્તીઓ પાસે તો આશા છે તેથી તેઓ સજીવન થઈ ચૂક્યા છે. પ્રેષિત પાઊલે એફેસી મંડળને પત્રમાં જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓ પાપના કારણે યહોવાહની નજરે મૂએલા હતા, પણ ઈશ્વરે તેઓને અનંતજીવનની ભેટ આપી હતી. તેથી હુમનાયસ તથા ફિલેતસ એમાંના અમુક શબ્દોનો ગેરઉપયોગ કર્યો હોઈ શકે. (એફેસી ૨:૧-૬) તેથી પાઊલે પહેલી સદીના ખ્રિસ્તીઓને ચેતવણી આપી કે આવા જૂઠા શિક્ષકો આવશે. તેમણે લખ્યું: “એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; . . . તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત વાતો તરફ ફરશે.” (૨ તીમોથી ૪:૩, ૪) આમ પાઊલે તીમોથીને અગાઉથી ચેતવ્યા હતા. તેથી એ મહત્વનું હતું કે તીમોથી એ ચેતવણી ભૂલે નહિ.
એ પત્રમાંથી આપણે શું શીખી શકીએ?
આપણે જોયું તેમ પાઊલે તીમોથીને બીજો પત્ર લખ્યો એની પાછળ આમાંના અમુક કારણો હોઈ શકે: (૧) પાઊલ જાણતા હતા કે તે પોતે લાંબું જીવશે નહિ. તેથી તે તીમોથીને જવાબદારી ઉપાડવા તૈયાર કરતા હતા. (૨) પાઊલ, તીમોથીને ખ્રિસ્તી મંડળના જૂઠા શિક્ષણોથી રક્ષણ કરવા માટે તૈયાર કરતા હતા. (૩) પાઊલ તીમોથીને એવી રીતે તૈયાર કરતા હતા જેથી તે યહોવાહની સેવા કરતા રહે. તેમ જ બાઇબલમાં ભરોસો રાખીને જૂઠા શિક્ષણો દૂર કરે.
એ જાણવાથી તીમોથીનો બીજો પત્ર આપણી માટે કિંમતી બને છે. પહેલી સદીની જેમ આજે પણ હુમનાયસ તથા ફિલેતસ જેવા જૂઠા શિક્ષકો છે. જેઓ મન ફાવે એવા જૂઠા શિક્ષણો ફેલાવીને આપણો વિશ્વાસ તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલું જ નહિ, પરંતુ પાઊલે ભાખ્યું હતું કે દુષ્ટ જગતના “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે.” એ સમયમાં આપણે આજે જીવી રહ્યા છીએ. ઘણાના કિસ્સામાં પાઊલની ચેતવણી સાચી પડી છે: ‘જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સઘળા પર સતાવણી આવશે જ.’ (૨ તીમોથી ૩:૧, ૧૨) એમ હોય તો, આપણે કઈ રીતે વિશ્વાસમાં દૃઢ રહી શકીએ? તીમોથીની જેમ જેઓ યહોવાહની વર્ષોથી સેવા કરી રહ્યા છે તેઓનું આપણે સાંભળવું જોઈએ. એ ઉપરાંત આપણે જાતે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. તેમ જ ખ્રિસ્તી ભાઈઓ સાથે સંગત રાખવી જોઈએ. આમ આપણે યહોવાહની કૃપાથી વિશ્વાસમાં દૃઢ થઈ શકીશું. તેમ જ આપણને યહોવાહનું ખરું જ્ઞાન હોવાથી આપણે પાઊલની સલાહ પાળી શકીશું: ‘સત્યનાં વચનો પકડી રાખ.’—૨ તીમોથી ૧:૧૩.
‘સત્યનાં વચનો પકડી રાખ’
પાઊલ કયા ‘સત્યનાં વચનો’ વિષે વાત કરતા હતા? તેમણે એ શબ્દો વાપરીને ખ્રિસ્તી માન્યતાનો ઉલ્લેખ કર્યો હતો. પાઊલે, તીમોથીને પહેલા પત્રમાં સમજાવ્યું હતું કે એ ‘સત્યના વચનો’ તો “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં વચનો” છે. (૧ તીમોથી ૬:૩) એ “સત્ય વચનોને” પકડી રાખીશું તો આપણે બધાની સાથે દયા અને શાંતિથી વર્તીશું. તેમ જ બીજાઓનું સારી રીતે ધ્યાન રાખી શકીશું. જેવી રીતે ઈસુનું શિક્ષણ અને સેવાકાર્ય બાઇબલના શિક્ષણની સાથે એકદમ સુમેળમાં હતું. એવી રીતે ‘સત્ય વચનોમાં’ બાઇબલનાં એકેએક શિક્ષણનો સમાવેશ થાય છે.
તીમોથી માટે એ સત્યનાં વચનો એક “સારી અનામત” હતી. તેથી તેમણે એનું રક્ષણ કર્યું હતું. તેમ જ આજે દરેક ખ્રિસ્તી વડીલોએ પણ એમ જ કરવું જોઈએ. (૨ તીમોથી ૧:૧૩, ૧૪) તીમોથીને: ‘સુવાર્તા પ્રગટ કરવાની; અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહેવાનું; સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપવાનો, ધમકાવા અને સુધારો કરવા તથા ઉત્તેજન આપવાનું હતું.’ (૨ તીમોથી ૪:૨) તીમોથીના સમયમાં જૂઠું શિક્ષણ ઝેરી હવાની જેમ ફેલાઈ રહ્યું હતું. તેથી, પાઊલે તીમોથીને વિશ્વાસમાં દૃઢ રહેવા અને એ “સત્ય વચનોને” વળગી રહેવાની ભલામણ કરી. સાચે જ એ જાણવાથી તેમની માટે આપણો પ્રેમ વધે છે. આપણે જાણીએ છીએ કે મંડળનું રક્ષણ કરવા તીમોથીએ લોકોની ભૂલો સુધારી અને ઉત્તેજન આપીને ધીરજથી ઉપદેશ પ્રગટ કર્યો જ હશે.
તીમોથીએ બીજા કોને પ્રચાર કરવાનો હતો? એ વિષે એની આગળ-પાછળની કલમો બતાવે છે કે તીમોથી એક વડીલ હતા. તેથી તેમને મંડળમાં પ્રચાર કરવાનો હતો. એ જ સમયે જૂઠા શિક્ષકો અને ખ્રિસ્તી વિરોધી તરફથી ખ્રિસ્તીઓ પર ખૂબ જ દબાણ આવતું હતું. તેથી તીમોથીને ફક્ત બાઇબલમાંથી જ શીખવાનું હતું. તેમ જ ફિલસૂફીઓ અને ખોટા જ્ઞાનથી તેમને દૂર રહેવાનું હતું. એ ખરું છે કે જેઓ ભૂડું કરવામાં ડૂબેલા હતા, તેઓએ તીમોથીનો વિરોધ કર્યો જ હશે. (૨ તીમોથી ૧:૬-૮; ૨:૧-૩, ૨૩-૨૬; ૩:૧૪, ૧૫) તેમ છતાં, પાઊલની સલાહ સાંભળીને જૂઠા શિક્ષણો દૂર કરવામાં તીમોથી સફળ થયા હશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૫-૩૨.
શું પાઊલે ફક્ત મંડળમાં જ પ્રચાર કરવાનું કહ્યું કે પછી બીજાઓને પણ પ્રચાર કરવાનું કહ્યું હતું? હા, પાઊલે કહ્યું: “તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારૂં સેવાકાર્ય પૂર્ણ કર.” (૨ તીમોથી ૪:૫) સુવાર્તિકનો અર્થ થાય કે જેઓ હજી ખ્રિસ્તના શિષ્યો બન્યા નથી તેઓને પણ તારણનો સંદેશો જણાવવો જોઈએ. એમ કરવું એ ખ્રિસ્તીઓનો ધર્મ છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) અઘરા સંજોગોમાં આપણે મંડળમાં ઉત્તેજન આપતા રહીએ. એજ રીતે મંડળની બહાર જેઓ હજુ ખ્રિસ્તના શિષ્યો બન્યા નથી, તેઓએ પ્રચાર કરવો જ જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૧:૬.
આપણો ભરોસો બાઇબલમાં છે તેથી પ્રચાર કરવા માટે આપણે ખાસ કરીને બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. પાઊલે તીમોથીને કહ્યું: “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં, ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે.” (૨ તીમોથી ૩:૧૬, IBSI) આ શબ્દો ઘણી વાર બતાવવામાં આવે છે જેથી આપણે જાણી શકીએ કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આવ્યું છે. પરંતુ પાઊલે આ બધું તેઓને શા માટે લખ્યું?
પાઊલ તીમોથીને લખી રહ્યા હતા જે મંડળના એક વડીલ હતા. તેમની જવાબદારી હતી કે તે મંડળમાં ભાઈઓને ખોટા માર્ગમાંથી અટકાવે, પ્રભુનો માર્ગ બતાવે અને ન્યાયી રીતે શિખામણ આપે. પાઊલ તીમોથીને યાદ કરાવતા હતા કે, તે બાઇબલમાં પૂરો ભરોસો રાખે જે તે નાનપણથી શીખ્યા હતા. આજે વડીલોએ પણ તીમોથીની જેમ ખોટે માર્ગે જનારાઓને ઠપકો આપવો જોઈએ. એમ કરવામાં તેઓને બાઇબલમાં પૂરો ભરોસો હોવો જોઈએ. વધુમાં, બાઇબલ ઈશ્વરપ્રેરિત છે તેથી કોઈને સુધારો આપતી વખતે વડીલોએ બાઇબલનો ઉપયોગ કરવો જોઈએ. ઠપકો દેતી વખતે આપણે બાઇબલનો ઉપયોગ કરીશું તો આપણે બતાવીશું કે એ ઠપકો વડીલો પાસેથી નહિ પણ યહોવાહ પાસેથી આવ્યો છે. તેથી આપણને જ્યારે ઠપકો આપવામાં આવે ત્યારે એ ન સ્વીકારીએ તો એ યહોવાહની સલાહને ન માનવા બરાબર ગણાય.
તીમોથીના બીજા પત્રમાં ઈશ્વરનું કેટલું ડહાપણ જોવા મળે છે! એમાં આપેલી સલાહ પર ઊંડો વિચાર કરીશું તો આપણને કેટલો લાભ થાય છે! આ લેખમાં આપણે ફક્ત ઉપર ઉપરથી જોયું કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આવ્યું છે. એમાં આપેલી સલાહનું આખું ચિત્ર જોઈને અને એના પર ઊંડો વિચાર કરીને આપણને કેટલો લાભ થઈ શકે! એમ કરવાથી આપણે બાઇબલનો ખરી રીતે ઉપયોગ કરી શકીશું.
[ફુટનોટ્સ]
^ એના વિષે વધુ માહિતી માટે યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત ઈન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ ગ્રંથ ૨, પાન ૧૧૦૫-૮ જુઓ.
[પાન ૨૭ પર ચિત્ર]
મંડળનું રક્ષણ કરવા માટે પાઊલ, તીમોથીને તૈયાર કરતા હતા
[પાન ૩૦ પર ચિત્ર]
પાઊલે તીમોથીને બાઇબલનાં ડહાપણમાં ભરોસો રાખવાનું જણાવ્યું