વિશ્વાસમાં જાગૃત રહેવાનો આ જ સમય છે!
વિશ્વાસમાં જાગૃત રહેવાનો આ જ સમય છે!
“એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહિ, પણ જાગીએ અને સાવધ રહીએ.”—૧ થેસ્સાલોનીકી ૫:૬.
૧, ૨. (ક) પોમ્પી અને હરક્યુલેનિયમ કેવા શહેરો હતા? (ખ) એ શહેરના અમુક લોકોએ જ્વાળામુખી ફાટી નીકળ્યો ત્યારે શું ન કર્યુ?
પ્રથમ સદીના ઇટાલીમાં રોમન લોકોનું રાજ ચાલતું હતું. ત્યાંના પોમ્પી અને હરક્યુલેનિયમ નામના શહેરોના લોકો બધી રીતે સુખી હતા. આ શહેરો વેસુવિઅસ પહાડની એકદમ નજીક હતા. એ શહેરોમાં અમીર રોમન લોકો, રજાનો સમય કાઢવા માટે જતા હતા. ત્યાં મોટા થિયેટરો હતા જેમાં હજારથી વધારે લોકો બેસી શકતા. તેમ જ, પોમ્પીમાં એક સૌથી મોટું થિયેટર હતું, જેમાં આખું શહેર આવી જતું. પુરાત્ત્વશાસ્ત્રીઓએ પોમ્પીમાં સંશોધન કર્યુ ત્યારે તેઓને ૧૧૮ દારૂના અડ્ડા મળી આવ્યા. એમાંના અડ્ડાઓમાં જુગાર રમાતો અને વેશ્યાગીરી ચાલતી હતી. ચિત્રો અને શિલ્પો પુરાવો આપે છે કે ત્યાંનાં લોકો ખૂબ જ અનૈતિક અને પૈસાના પ્રેમી હતા.
૨ ઑગષ્ટ ૨૪, ઈ.સ. ૭૯માં વેસુવિઅસ પહાડ પર જ્વાળામુખી ફાટવા લાગ્યો. જ્વાળામુખીનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકો માને છે કે, પહેલી વાર જ રાખનો વરસાદ પડ્યો ત્યારે લોકો નાસી શક્યા હોત. એ જોઈને ઘણા નાસી ચૂક્યા પણ બીજાઓએ બેદરકારી બતાવી. પછી, લગભગ અડધી રાત્રે હરક્યુલેનિયમમાં જ્વાળામુખી બરાબર ફાટી નીકળ્યો અને ત્યાં જેઓ રહી ગયા તેઓ ગૂંગળાઈને મરી ગયા. બીજે દિવસે વહેલી સવારે પોમ્પીમાં એવી જ રીતે જ્વાળામુખી ફાટ્યો અને ત્યાંના પણ બધા લોકો મરી ગયા. ચેતવણીને ધ્યાન ન આપવાને કારણે કેવું ખરાબ પરિણામ આવ્યું!
યહુદી વ્યવસ્થાનો અંત
૩. યરૂશાલેમ, પોમ્પી અને હરક્યુલેનિયમના વિનાશમાં કઈ વિષે કઈ બાબત મળતી આવે છે?
૩ પોમ્પી અને હરક્યુલેનિયમનો જે વિનાશ થયો એ ભયંકર હતો. એની સરખામણીમાં નવ વર્ષ પહેલા યરૂશાલેમનો જે વિનાશ થયો એ એટલો ભયંકર ન હતો. કેમ કે યરૂશાલેમનો વિનાશ રૂમી સામ્રાજ્યે કર્યો હતો. ઇતિહાસ બતાવે છે કે દસ લાખથી વધારે યહુદીઓ મરણ પામ્યા હતા. એના જેવો “વિનાશ આખા ઇતિહાસમાં ક્યારેય થયો ન હતો.” પોમ્પી અને હરક્યુલેનિયની જેમ યરૂશાલેમના વિનાશ વિષે પણ અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી.
૪. ઈસુએ તેમના શિષ્યોને યરૂશાલેમના વિનાશ વિષે શું કહ્યું હતું અને શું બન્યું?
૪ ઈસુએ યરૂશાલેમના વિનાશ વિષે અગાઉથી ભાખ્યું હતું. તેમણે કહ્યું હતુ કે એના વિનાશ પહેલા યુદ્ધો, દુકાળો, ધરતીકંપો થશે અને લોકોનો પ્રેમ ઠંડો થઈ જશે. તેમ જ, જૂઠા પ્રબોધકો ઊભા થશે. તેમ છતાં, પરમેશ્વરના રાજ્યનો શુભસંદેશ આખા જગતમાં જણાવવામાં આવશે. (માત્થી ૨૪:૪-૭, ૧૧-૧૪) ઈસુના ભાખ્યા પ્રમાણે પહેલી સદીમાં એમ જ થયું હતું. પરંતુ, એની મહાન પરિપૂર્ણતા આપણા સમયમાં થઈ રહી છે. ઇતિહાસ બતાવે છે કે યહુદાહમાં દુકાળ પડ્યો હતો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૮) યહુદી ઇતિહાસકાર જોસેફસ કહે છે કે યરૂશાલેમનો વિનાશ થયો એના થોડા વખત પહેલા ત્યાં ધરતીકંપ થયો હતો. યરૂશાલેમનો નાશ થયો એ પહેલા યહુદીઓમાં અંદરો અંદર ઝઘડા ચાલતા હતા. તેમ જ, યહુદી તથા બિનયહુદીઓ વચ્ચે ઘણા શહેરોમાં મારામારી થતી હતી. તેમ છતાં, “શુભસંદેશ તો દુનિયામાં સર્વને પ્રગટ કરવામાં આવ્યો” હતો.—કોલોસી ૧:૨૩, પ્રેમસંદેશ.
૫, ૬. (ક) ઈસુના કહ્યા પ્રમાણે ઈ.સ. ૬૬માં શું થયું? (ખ) ઈ.સ ૭૦માં યરૂશાલેમનો વિનાશ થયો ત્યારે શા માટે ઘણા લોકો મરણ પામ્યા?
૫ પછી, ઈ.સ ૬૬માં યહુદીઓએ રૂમીઓનો વિરોધ કર્યો. સેસ્તીઅસ ગેલસે યરૂશાલેમને ઘેરી લીધું ત્યારે ઈસુના શિષ્યોના કાનમાં આ શબ્દોના પડઘા પડતા હતા: “જ્યારે યરૂશાલેમને ફોજોથી ઘેરાયેલું તમે જોશો, ત્યારે જાણજો કે તેનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે. ત્યારે જેઓ યહુદાહમાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું; જેઓ શહેરમાં હોય તેઓએ બહાર નીકળી જવું; અને જેઓ સીમમાં હોય તેઓએ શહેરમાં આવવું નહિ.” (લુક ૨૧:૨૦, ૨૧) તેથી, હવે યરૂશાલેમમાંથી નાસી જવાનો સમય આવ્યો હતો. પરંતુ કઈ રીતે? ગેલસ અચાનક પોતાનું સૈનિક લઈને પાછો જતો રહે છે. તેથી, યરૂશાલેમ અને યહુદાહમાં રહેતા ઈસુના શિષ્યોને પહાડો પર ભાગી જવાની તક મળી.—માત્થી ૨૪:૧૫, ૧૬.
૬ ચાર વર્ષ પછી, પાસ્ખાપર્વના સમયે રોમન લોકોનો સેનાપતિ તીતસ, લશ્કર લઈને યરૂશાલેમનો નાશ કરવા આવી પહોંચ્યો. તેના લશ્કરે યરૂશાલેમને ઘેરી લીધું અને લાકડાની વાડ બાંધી જેથી કોઈ છટકી ન શકે. (લુક ૧૯:૪૩, ૪૪) યુદ્ધનો ભય હોવા છતાં, રોમન સામ્રાજ્યમાંથી યહુદીઓ યરૂશાલેમમાં પાસ્ખાપર્વ ઉજવવા આવ્યા હતા. પણ લશ્કરના કારણે તેઓ ત્યાં ફસાઈ ગયા. જોસેફસના કહેવા પ્રમાણે પાસ્ખાપર્વ ઉજવવા આવેલા મોટા ભાગના યહુદીઓ આફતનો ભોગ બન્યા હતા. * યરૂશાલેમનો વિનાશ થયો ત્યારે રૂમી સામ્રાજ્યમાં રહેતા લગભગ ચૌદ ટકા યહુદીઓ મોતના મોમા ઉતરી ગયા. યરૂશાલેમ અને એના મંદિરનો વિનાશ થયો એટલે યહુદી ધર્મ અને એની વ્યવસ્થાનો અંત આવ્યો, જે મુસાના નિયમ પર આધારિત હતો. *—માર્ક ૧૩:૧, ૨.
૭. શા માટે ખ્રિસ્તીઓ યરૂશાલેમના વિનાશમાંથી બચી ગયા?
૭ ઈસવીસન ૭૦માં યરૂશાલેમનો નાશ થયો ત્યારે ખ્રિસ્તીઓ નાસી ગયા ન હોત તો, તેઓને મારી નાખવામાં કે ગુલામ બનાવવામાં આવ્યા હોત. પરંતુ, ઇતિહાસ પુરાવો આપે છે કે ૩૭ વર્ષ પહેલાં ઈસુએ આપેલી ચેતવણી ધ્યાનમાં રાખીને ખ્રિસ્તીઓએ પગલા લીધા હતા. આમ, તેઓ એ શહેર છોડીને જતા રહ્યા અને પાછા ફર્યા ન હતા.
પ્રેષિતો તરફથી ચેતવણી
૮. પીતરને કઈ બાબત જરૂરી લાગી અને તેમના મનમાં ઈસુના કયા શબ્દો હતા?
૮ આજે પણ એક મોટો વિનાશ આવી રહ્યો છે, એ છે દુષ્ટ આ જગતનો અંત. પ્રેષિત પીતરે યરૂશાલેમના વિનાશના છ વર્ષ પહેલા તાકીદની સલાહ આપી જે આજે આપણને પણ લાગુ પડે છે. તેમણે કહ્યું: સાવધ રહો! પીતરે જોયું કે ખ્રિસ્તીઓએ સાવધ રહેવાની જરૂર છે, જેથી તેઓ ઈસુના કહ્યા પ્રમાણે જીવી શકે. (૨ પીતર ૩:૧, ૨) પીતરે ખ્રિસ્તીઓને સાવધ રહેવાનું કહ્યું ત્યારે તેમના મનમાં ઈસુના આ શબ્દો હોઈ શકે: “સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો; કેમકે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી.” ઈસુએ એ શબ્દો પોતાના મરણના થોડા દિવસો અગાઉ પ્રેષિતોને કહ્યા હતા.—માર્ક ૧૩:૩૩.
૯. (ક) અમુક લોકો કેવી મશ્કરી કરે છે? (ખ) એવા વિચારોથી શું થઈ શકે?
૯ આજે, કેટલાક મશ્કરી કરે છે કે, “ઈસુએ પાછા આવવાનું વચન આપેલું તેનું શું થયું? તે આવ્યા કે નહિ?” (૨ પીતર ૩:૩, ૪, IBSI) એમ કહેતા લોકો માને છે કે આ જગતને રચવામાં આવ્યું છે ત્યારથી હતું એવું ને એવું જ છે, એમાં કંઈ ફેર પડ્યો નથી. આ બહુ જ ખોટા વિચારો છે. આવા વિચારોથી આપણો ઉત્સાહ ઠંડો પણ થઈ જઈ શકે. તેમ જ, એનાથી આપણે કદાચ એશ-આરામનું જીવન જીવવા લાગીએ. (લુક ૨૧:૩૪) એ ઉપરાંત, પીતર જણાવે છે કે આવી મશ્કરી કરનારાઓ, નુહના સમયે જે જળપ્રલય થયું હતું એ ભૂલી ગયા છે. શું ત્યારે આખા જગતનો નાશ થયો ન હતો? ખરેખર, એ બતાવે છે કે જગત હતું એવું ને એવું જ ન રહ્યું!—ઉત્પત્તિ ૬:૧૩, ૧૭; ૨ પીતર ૩:૫, ૬.
૧૦. અધીરી વ્યક્તિઓને પીતર કેવું ઉત્તેજન આપે છે?
૧૦ પીતર આપણને ધીરજ રાખવાનું ઉત્તેજન આપે છે. તેમ જ, આપણને યાદ અપાવે છે કે પરમેશ્વર શા માટે ઝડપથી કંઈ કરતા નથી. પીતર કહે છે: “પ્રભુની નજરમાં એક દિવસ હજાર વરસોના જેવો, અને હજાર વરસો એક દિવસના જેવાં છે.” (૨ પીતર ૩:૮) યહોવાહ અમર છે. તેથી, તે સર્વ બાબતો ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે પગલાં લેશે. પછી પીતર જણાવે છે કે સર્વ લોકો પસ્તાવો કરી તારણ પામે એવું યહોવાહ ઇચ્છે છે. યહોવાહની ધીરજના કારણે આજે આપણે અહીં છીએ, નહિતર આપણે હોત જ નહિ. (૧ તીમોથી ૨:૩, ૪; ૨ પીતર ૩:૯) તેમ છતાં, યહોવાહની ધીરજનો અર્થ એમ નથી કે તે ક્યારેય કંઈ કરશે જ નહિ. જે રીતે “ચોર આવે છે, તેમ પ્રભુનો દિવસ આવશે.”—૨ પીતર ૩:૧૦.
૧૧. વિશ્વાસમાં જાગૃત રહેવા આપણને શું મદદ કરી શકે અને એનાથી સમયનું શું થશે?
૧૧ પીતરનું ઉદાહરણ જોરદાર છે. એ ખરું છે કે ચોરને પકડવો સહેલો નથી. પરંતુ જે ચોકીદાર આખી રાત ઝોકાં ખાતો હોય એના કરતાં જે જાગતો રહે છે તે ચોરને સહેલાઈથી પકડી શકે છે. પરંતુ ચોકીદાર કઈ રીતે જાગતો રહી શકે? તે આખી રાત બેસીને ચોકી કરવાને બદલે આંટા મારે તો જાગતો રહી શકે. એવી જ રીતે યહોવાહની સેવા કરતા રહીશું તો, આપણે પણ વિશ્વાસમાં જાગૃત રહીશું. પીતર આપણને “પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં” મંડ્યા રહેવાનો આગ્રહ કરે છે. (૨ પીતર ૩:૧૧) એમ કરવાથી, આપણને યહોવાહના દિવસની રાહ જોવામાં મદદ મળશે. ગ્રીક ભાષામાં આતુરતાથી રાહ જોવાનો અર્થ “ઉતાવળ કરાવવી” થાય છે. (૨ પીતર ૩:૧૨) જોકે, યહોવાહના ઠરાવેલા સમયમાં દુષ્ટતાનો જરૂર અંત આવશે. પરંતુ, એમાં આપણે ઉતાવળ કરાવવી શકતા નથી. આપણે યહોવાહની સેવા કરતા રહીશું તો, એ સમય ચપટી ભરમાં ચાલ્યો જશે.—૧ કોરીંથી ૧૫:૫૮.
૧૨. આપણે યહોવાહની ધીરજનો કેવો ઉપયોગ કરવો જોઈએ?
૧૨ તેથી, જેઓને એમ લાગે છે કે યહોવાહના દિવસને હજી ઘણી વાર છે, તેઓએ પીતરની ચેતવણી ધ્યાનમાં લેવી જોઈએ. તેમણે કહ્યું કે યહોવાહના દિવસની ધીરજથી રાહ જુઓ. ખરેખર, પરમેશ્વરની ધીરજનો આપણે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે, યહોવાહનો દિવસ આવે ત્યાં સુધી આપણે સદગુણો કેળવવા જોઈએ. તેમ જ, લોકોને યહોવાહના રાજ્ય વિષે શીખવતા રહેવું જોઈએ. આપણે વિશ્વાસમાં જાગૃત રહીશું તો, આ જગતનો અંત આવે ત્યારે આપણે યહોવાહની નજરમાં “નિષ્કલંક તથા નિર્દોષ” સાબિત થઈશું. (૨ પીતર ૩:૧૪, ૧૫) ખરેખર, એ કેવો સરસ આશીર્વાદ!
૧૩. પાઊલે થેસ્સાલોનીકીને લખેલા કયા શબ્દો આજે આપણને પણ લાગુ પડે છે?
૧૩ ખ્રિસ્તીઓને વિશ્વાસમાં જાગૃત રહેવા વિષે પાઊલે થેસ્સાલોનીકાના પહેલા પત્રમાં આમ કહ્યું: “એ માટે બીજાઓની પેઠે આપણે ઊંઘીએ નહિ, પણ જાગીએ અને સાવધ રહીએ.” (૧ થેસ્સાલોનીકી ૫:૨, ૬) જગતનો અંત નજીક હોવાથી આજે વિશ્વાસમાં જાગૃત રહેવું આપણા માટે કેટલું મહત્ત્વનું છે! આજે આપણે એવા જગતમાં રહીએ છીએ જ્યાં લોકોને ધર્મમાં જરાય રસ નથી. તેથી, એપણે પણ તેઓ જેવા ન થઈએ માટે સાવધ રહેવું જોઈએ. પાઊલે કહ્યું કે આપણે “વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.” (૧ થેસ્સાલોનીકી ૫:૮) આપણે ઉપરની સલાહ લાગુ પાડવા માટે બાઇબલમાંથી શીખવાનું ચાલું જ રાખવું જોઈએ અને સભાઓમાં ભાઈબહેનો સાથે સંગત રાખવી જોઈએ. એમ કરવાથી આપણે વિશ્વાસમાં જાગૃત રહીશું, કેમ કે જગતનો અંત પાસે છે.—માત્થી ૧૬:૧-૩.
અગણિત સેવકો વિશ્વાસમાં જાગૃત છે
૧૪. પીતરની સલાહને કોણ ધ્યાન આપે છે અને આંકડાઓ શું બતાવે છે?
૧૪ યહોવાહે જાગૃત રહેવાનું જે ઉત્તેજન આપ્યું છે એમ આજે કોઈ કરે છે? હા, જરૂર કરે છે. જેમ કે, ૨૦૦૨ના સેવા વર્ષ દરમિયાન ૬૩,૦૪,૬૪૫ પ્રકાશકો થયા. વર્ષ ૨૦૦૧ કરતાં ૨૦૦૨માં ૩.૧ ટકા વધારો બતાવે છે. તેઓએ ૧,૨૦,૨૩,૮૧,૩૦૨ કલાક પરમેશ્વરના રાજ્ય વિષે બીજાઓને શીખવવામાં વાપર્યાં. એ બતાવે છે કે તેઓ વિશ્વાસમાં જાગૃત છે. તેઓ આ સેવા ટાઈમ પાસ કરવા નથી કરતા. પરંતુ, એ તેઓના જીવનનો મુખ્ય ભાગ છે. એમાં એલ સાલ્વાડોરમાં રહેતા એડવારડો અને નેઓમીનો પણ સમાવેશ થાય છે.
૧૫. એલ સાલ્વાડોરનો કયો અનુભવ બતાવે છે કે ઘણા લોકો વિશ્વાસમાં જાગૃત છે?
૧૫ અમુક વર્ષ પહેલા એડવારડો અને નેઓમીએ પાઊલના આ શબ્દો પોતાના જીવનમાં લાગુ પાડ્યા: “આ દુનિયા તેની હાલની સ્થિતિમાં બહુ લાંબુ ટકવાની નથી.” (૧ કોરીંથી ૭:૩૧, પ્રેમસંદેશ) તેથી, એડવારડો અને નેઓમીએ પોતાનું જીવન સાદું બનાવીને પૂરા સમયનું પ્રચાર કાર્ય કરવા લાગ્યા. સમય જતા, તેઓને સરકીટ તથા ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક તરીકે સેવા કરવાનો લહાવો મળ્યો. એડવારડો અને નેઓમીના ઘણી મુશ્કેલીઓ આવી તોપણ, પોતાનું સુખ-સગવડનું જીવન છોડીને તેઓએ જે નિર્ણય લીધો હતો એનો કોઈ અફસોસ થયો નહિ. એલ સાલ્વાડોરમાં ૨૯,૨૬૯ પ્રકાશકો અને એમાંના ૨,૪૫૪ પાયોનિયરોએ પણ તેઓના જેવું વલણ બતાવ્યું છે. આ કારણે ત્યાં ગયા વર્ષ કરતાં ૨ ટકા વધારો થયો.
૧૬. કોટ ડીવાંરમાં એક ભાઈએ શું કર્યું?
૧૬ કોટ ડીવાંરમાં પણ એક યુવાન ભાઈએ એડવારડો અને નેઓમી જેવું વલણ બતાવ્યું છે. એ ભાઈએ ત્યાંની બેથેલને લખ્યું: “હું સેવકાઈ ચાકર તરીકે સેવા આપું છું. પરંતુ, હું પાયોનિયરીંગ કરતો ન હોવાથી ભાઈબહેનોને એમ કરવાનું કઈ રીતે ઉત્તેજન આપી શકું! તેથી મેં સારી નોકરી છોડીને હવે નાનો ધંધો કરું છું, જેથી હું વધારે સમય પ્રચાર કાર્ય માટે કાઢી શકું.” કોટ ડીવાંરમાં ૯૮૩ પાયોનિયર તરીકે સેવા આપે છે એમાં આ યુવાન ભાઈ પણ છે. ગયા વર્ષે ત્યાં ૬,૭૦૧ પ્રકાશકો હતા અને ૫ ટકા વધારો થયો છે.
૧૭. બેલ્જિયમમાં એક યુવાન બહેને શું કર્યું?
૧૭ બેલ્જિયમના લોકોને યહોવાહના સાક્ષીઓ પ્રત્યે પૂર્વગ્રહ છે. તોપણ, ત્યાં ૨૪,૯૬૧ પ્રકાશકો ઘણા ઉત્સાહી છે. તેમ જ ગભરાયા વગર પ્રચાર કરે છે. એક સ્કૂલના લેશનમાં શીખવવામાં આવ્યું કે યહોવાહના સાક્ષી એ ધર્મ નથી, પણ એક પંથ છે. ત્યારે એ ક્લાસમાં ૧૬ વર્ષની યહોવાહની સાક્ષીએ ટીચરને પૂછ્યું કે અમે શું માનીએ છીએ એ હું જણાવી શકું. તેણે જેહોવાઝ વિટ્નેસીસ—ધ ઓર્ગેનાઇઝેશન બિહાઇન્ડ ધ નેમ અને જેહોવાઝ વિટ્નેસીસ—હુ આર ધે? (૨૦મી સદીમાં યહોવાહના સાક્ષીઓ પુસ્તિકા)નો ઉપયોગ કરીને સમજાવ્યું કે યહોવાહના સાક્ષીઓ ખરેખર કોણ છે. આ માહિતીની તેઓને ખૂબ ગમી. પછીના અઠવાડિયે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી. એમાં બધા પ્રશ્નો યહોવાહના સાક્ષીઓના ધર્મ વિષે હતા.
૧૮. આર્જેન્ટિના અને મોઝામ્બિકમાં રહેતા ભાઈબહેનોનો ઉત્સાહ કેવો છે?
૧૮ આજે આપણે છેલ્લા દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. તોપણ, આપણે હિંમત હારતા નથી. આર્જેન્ટિનામાં ઘણી જ ગરીબી હોવા છતાં ત્યાં, ગયા વર્ષે ૧,૨૬,૭૦૯ ભાઈબહેનો હતા. એવી જ રીતે મોઝામ્બિકમાં પણ ગરીબી જોવા મળે છે. તેમ છતાં, ૩૭,૫૬૩ ભાઈબહેનોએ પ્રચાર કાર્યનો રીપોર્ટ આપ્યો અને ૪ ટકા વધારો થયો છે. આલ્બેનિયામાં પણ ઘણા લોકો માટે જીવન અઘરૂ છે. તોપણ, એ દેશમાં ૧૨ ટકા વધારો થયો અને ૨,૭૦૮ પ્રકાશકો છે. પરમેશ્વરના સેવકો મુશ્કેલીમાં પણ યહોવાહના રાજ્યનો પ્રચાર કરવાનું છોડતા નથી. તેથી યહોવાહ પોતાનો પવિત્ર આત્મા તેઓને છુટે હાથે આપે છે, એ આપણને જોવા મળે છે.—માત્થી ૬:૩૩.
૧૯. (ક) શું બતાવે છે કે હજુ ઘણા નમ્ર લોકોને બાઇબલ શીખવામાં રસ છે? (ખ) વાર્ષિક અહેવાલમાંથી આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહના સેવકો વિશ્વાસમાં જાગૃત છે? (પાન ૧૨થી ૧૫ પર આપેલો ચાર્ટ જુઓ)
૧૯ ગયા વર્ષે ૫૩,૦૯,૨૮૯ લોકો બાઇબલ વિષે શીખતા હતા. એ બતાવે છે કે હજુ ઘણા નમ્ર લોકો છે જેઓને બાઇબલમાં રસ છે. ગયા વર્ષે મેમોરિયલમાં ૧,૫૫,૯૭,૭૪૬ લોકો આવ્યા હતા અને તેઓમાં મોટા ભાગના હજુ યહોવાહના સેવકો થયા નથી. તેઓ પરમેશ્વરના જ્ઞાનમાં અને ભાઈઓ તથા યહોવાહ પ્રત્યેના પ્રેમમાં વધતા જાય એવી આપણી આશા છે. પૃથ્વી પર જીવવાની આશા ધરાવતા મોટા ટોળાના સભ્યો પરમેશ્વરના ‘મંદિરમાં રાતદહાડો સેવા’ આપે છે. તેમ જ, અભિષિક્ત ભાઈઓ સાથે તેઓને સેવા આપતા જોઈને આપણને કેવો આનંદ થાય છે!—પ્રકટીકરણ ૭:૯, ૧૫; યોહાન ૧૦:૧૬.
લોતનો અનુભવ ભૂલશો નહિ
૨૦. લોત અને તેની પત્નીના દાખલામાંથી આપણે શું શીખી શકીએ.
૨૦ પરમેશ્વરના વફાદાર સેવકોએ પણ તાકીદનો સમય પારખવામાં ઢીલ કરી હતી. ઈબ્રાહીમના ભત્રીજા લોતનો વિચાર કરો. તેમણે બે સ્વર્ગ દૂત પાસેથી સાંભળ્યું કે યહોવાહ સદોમ અને ગમોરાહનો નાશ કરવાના છે. ત્યારે લોતને એ સાંભળીને જરાય નવાઈ લાગી ન હતી. કેમ કે તે ‘અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતા હતા.’ (૨ પીતર ૨:૭) તોપણ, બે સ્વર્ગ દૂતોએ તેને સદોમમાંથી બહાર નીકળવાનું કહ્યું ત્યારે તે ‘વિલંબ કરતા હતા.’ દૂતોએ તેમને અને તેમના કુટુંબનો હાથ પકડીને શહેરની બહાર કાઢ્યા. તોપણ, લોતની પત્નીએ દૂતોની ચેતવણી સાંભળી નહિ અને પાછળ ફરીને જોયું. તેથી તેણે પોતાનું જીવન ગુમાવ્યું. (ઉત્પત્તિ ૧૯:૧૪-૧૭, ૨૬) એ માટે ઈસુએ ચેતવણી આપી કે “લોતની સ્ત્રીની જે દશા થઈ તે યાદ કરો.”—લુક ૧૭:૩૨, IBSI.
૨૧. શા માટે આજે જ વિશ્વાસમાં જાગૃત રહેવું જોઈએ?
૨૧ પોમ્પી, હરક્યુલેનિયમ, યરૂશાલેમના વિનાશ, નુહના સમયનું જળપ્રલય અને લોતનું ઉદાહરણ આપણે જોયું. એ બતાવે છે કે આપણે ચેતવણીને ધ્યાન ન આપીએ તો શું થઈ શકે! આપણે છેલ્લા દિવસોની નિશાનીઓ પારખી શકીએ છીએ. (માત્થી ૨૪:૩) આપણે જૂઠા ધર્મથી અલગ થયા છીએ. (પ્રકટીકરણ ૧૮:૪) પ્રથમ સદીમાં ઈસુના શિષ્યોની જેમ આપણે પણ ‘દેવના દિવસની આતુરતાથી’ રાહ જોવી જોઈએ. (૨ પીતર ૩:૧૨) હા, આજે જ વિશ્વાસમાં જાગૃત રહેવાનો સમય છે! જાગૃત રહેવા માટે આપણે કયા પગલાં ભરવા જોઈએ અને કયા ગુણો વિકસાવવા જોઈએ? એ વિષે હવે પછીના લેખમાં ચર્ચા કરવામાં આવશે.
[ફુટનોટ્સ]
^ પહેલી સદીમાં યરૂશાલેમમાં ૧,૨૦,૦૦૦ કરતાં વધારે લોકો રહેતા હોઈ શકે. ઈસીબુસ ઇતિહાસકારના અંદાજ પ્રમાણે ઈ.સ ૭૦માં યહુદાહ શહેરમાંથી પાસ્ખાપર્વ માટે ૩,૦૦,૦૦૦ લોકો આવ્યા હોય શકે. બાકીના બીજા લોકો જેઓ મરણ પામ્યા તેઓ બીજા શહેરોમાંથી આવ્યા હોય શકે.
^ જોકે યહોવાહની નજરે મુસાનો નિયમ ઈ.સ ૩૩માં પૂરો થયો અને નવો કરાર શરૂ થયો.—એફેસી ૨:૧૫.
તમે કેવો જવાબ આપશો?
•કઈ રીતે પ્રથમ સદીના ખ્રિસ્તીઓ યરૂશાલેમના વિનાશમાંથી બચી શક્યા?
•પ્રેષિત પીતર અને પાઊલની સલાહ આપણને કઈ રીતે વિશ્વાસમાં જાગૃત રહેવા મદદ કરે છે?
•આજે કયો પુરાવો છે કે આપણે વિશ્વાસમાં જાગૃત છીએ?
•લોત અને તેની પત્નીના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૨-૧૫ પર ચાર્ટ]
જગતવ્યાપી યહોવાહના સાક્ષી ઓનો ૨૦૦૨ સેવા વર્ષ અહેવાલ
(See bound volume)
[પાન ૯ પર ચિત્ર]
ઈસુના શિષ્યોએ તેમના કહ્યા પ્રમાણે ઈ.સ. ૬૬માં યરૂશાલેમ છોડીને નાસી ગયા
[પાન ૧૦ પર ચિત્ર]
પરમેશ્વરની સેવામાં મંડ્યા રહેવાથી આપણે જાગૃત રહી શકીએ