કાલ અને આજ બાઇબલ અમૂલ્ય ખજાનો
“તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે”
કાલ અને આજ બાઇબલ અમૂલ્ય ખજાનો
ટોની વાન હતો ત્યારે તમે તેને મળ્યા હોત તો, તે એક નફ્ફટ અને હિંસક છોકરો હતો. તે ઑસ્ટ્રેલિયા, સિડનીની અમુક બદનામ જગ્યાએ વારંવાર જતો હતો. તેણે અમુક ગુંડાઓ સાથે દોસ્તી બાંધી હતી. તેઓ ઘણી વખતે ચોરી અને ગુંડાગીરી કરતા. અરે, તેઓ ગલીઓમાં પણ ગોળીબાર કરતા હતા.
ટોની નવ વર્ષનો હતો ત્યારથી જ, સીગરેટ પીવાનું શરૂ કરી દીધું. તે ચૌદ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો મેરીજુઆનાનો બંધાણી થઈ ગયો અને અનૈતિક જીવન જીવવા લાગ્યો હતો. તે સોળ વર્ષનો થયો ત્યારે તો હેરોઈનનો ગુલામ બની ગયો. ધીરે-ધીરે તે કોકેન અને એનાથી પણ વધારે ખતરનાક એલ.એસ.ડી નામનો ડ્રગ્સ લેવા લાગ્યો. ટોની કહે છે કે એનાથી, “જાણે હું સપનાની દુનિયામાં ફરતો હોવ એમ મને લાગતું હતું.” વળી, તેણે બે ખતરનાક ગુંડાઓ સાથે ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો. એ પછી, થોડા જ સમયમાં ટોની ડ્રગ્સના વેપારી તરીકે ઑસ્ટ્રેલિયાના અમુક વિસ્તારોમાં જાણીતો બની ગયો.
ટોની હેરોઈન અને મેરીજુઆના લેવા પાછળ દિવસના ૧૬૦થી ૩૨૦ ડૉલર (લગભગ ૮,૦૦૦થી ૧૬,૦૦૦ રૂપિયા) વેડફી નાખતો હતો. આ બધાથી તેના કુટુંબે ઘણું જ સહન કરવું પડતુ હતું. તે કહે છે: “ઘણી વખતે ડ્રગ્સ અને પૈસા લેવા, ગુંડાઓ બંદુક અને ચાકુ અમારા ગળે લગાવી ધમકી આપતા હતા.” ટોની ત્રણ વાર જેલમાં પણ જઈ આવ્યો હતો. તે વિચારવા લાગ્યો કે ‘મારા જીવનનું શું થશે’?
ટોની ચર્ચમાં નિયમિત જતો હતો. પરંતુ તે પરમેશ્વરથી દૂર ભાગતો હતો, કારણ કે તેને લાગતું કે દેવ તો પાપીને હંમેશ માટે બળતા નરકમાં નાખે છે. પરંતુ, બે યહોવાહના સાક્ષીઓએ તેની મુલાકાત લીધી, ત્યારે તેની આંખો ખુલી કે પરમેશ્વર તો કદી એવું નથી કરતા. જો હું જીવનમાં સુધારો કરીશ તો પરમેશ્વર મારું જીવન આશીર્વાદોથી ભરી દેશે એ જાણીને તેની ખુશીનો પાર ન રહ્યો. ઈસુ ખ્રિસ્તે જે કહ્યું એનાથી, ટોનીના દિલ પર ઊંડી અસર પડી કે, “ઈશ્વરને માટે બધું જ શક્ય છે.” (માર્ક ૧૦:૨૭, પ્રેમસંદેશ) ખાસ કરીને, આ શબ્દોએ ટોનીનું આખું જીવન બદલી નાખ્યું: “તમે દેવની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.
પરંતુ, ટોનીને હવે બાઇબલના નિયમો પ્રમાણે પોતાનું જીવન જીવવા લોઢાના ચણા ચાવવા પડ્યા. તે કહે છે: “સૌ પ્રથમ મેં સીગરેટ પીવાનું છોડી દીધું. મેં પહેલાં ઘણી વખતે પ્રયત્ન કર્યો, પરંતુ હું એ છોડી શક્યો ન હતો. છેલ્લાં પંદર વર્ષોથી, હું હેરોઈન અને મેરીજુઆના જેવા ડ્રગ્સની જાળમાં ફસાયો હતો. પરંતુ, યહોવાહની મદદથી હું એ બધું જ છોડી શક્યો છું. આ બધાથી મને એક દિવસે છુટકારો મળશે એ હું મનમાં પણ વિચારી શક્તો ન હતો.”
ટોની અને તેની પત્નીએ જાણ્યું કે બાઇબલમાં ક્યાંય લખ્યું નથી કે પરમેશ્વર પાપીઓને નરકમાં રિબાવી રિબાવીને બાળે છે. એના બદલે દેવ તો નવી દુનિયામાં આ પૃથ્વી પર હંમેશના જીવનની આશા આપી છે. તેઓએ એ આશાને ખુશીથી સ્વીકારી લીધી. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧; નીતિવચનો ૨:૨૧) ટોની કહે છે: “દેવના નીતિ-નિયમો પ્રમાણે જીવન જીવવા, મારે તનતોડ મહેનત કરવી પડી. જોકે એ માટે ઘણો જ સમય લાગી ગયો પણ યહોવાહની મદદથી જ હું મારા જીવનમાં ફેરફારો કરી શક્યો.”
હેબ્રી ૪:૧૨, પ્રેમસંદેશ.
એક સમયનો આ ડ્રગ્સનો બંધાણી, હવે યહોવાહનો સાક્ષી છે. ટોની અને તેની પત્ની, પોતાની ઇચ્છાથી સમય અને પૈસા વાપરી, હજારો કલાક બાઇબલ શીખવવાનું કામ કરી રહ્યા છે. તેઓ પોતાના બે બાળકોને પણ બાઇબલનું સત્ય શીખવી રહ્યા છે. તેઓ ફક્ત બાઇબલની શક્તિથી જ આ જબરદસ્ત ફેરફાર કરી શક્યા છે. ખરેખર, પ્રેષિત પાઊલે કહ્યું કે, “ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે.”—યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી શીખવી લોકોનું જીવન બચાવવા મદદ કરી રહ્યા છે. તેમ છતાં, કેટલાક કહે છે કે યહોવાહના સાક્ષીઓ તો લોકોના ઘર બરબાદ કરે છે અને યુવાનોને બગાડી નાખે છે. પરંતુ, ટોનીનો કિસ્સો એ બાબતને જુઠ્ઠી સાબિત કરે છે.
ટોનીની જેમ ઘણા લોકોએ જાણ્યું છે કે આવી ભયંકર ડ્રગ્સની આદતોને છોડી શકાય છે. પણ કઈ રીતે? યહોવાહ અને તેમના શબ્દ, બાઇબલ પર પૂરા દિલથી ભરોસો રાખીને. તેમ જ, ખ્રિસ્તી ભાઈબહેનો પાસેથી પણ મદદ મેળવી શકાય છે. ટોની આનંદથી કહે છે: “બાઇબલના નિયમોએ મારા બાળકોનું રક્ષણ કર્યું છે. તેમ જ, બાઇબલના શિક્ષણે મારું લગ્નજીવન પણ બચાવ્યું છે. મારા પડોશીઓ પણ શાંતિથી સૂઈ શકે છે કારણ કે હવે હું તેઓ માટે ખતરો રહ્યો નથી.”
[પાન ૯ પર બ્લર્બ]
‘હું પંદર વર્ષોથી ડ્રગ્સની જાળમાં ફસાયેલો હતો. પરંતુ, યહોવાહની મદદથી હું એને છોડી શક્યો છું.’
[પાન ૯ પર બોક્સ]
બાઇબલના નિયમો
બાઇબલના નિયમોએ, ડ્રગ્સનો ભોગ બનેલા ઘણા વ્યક્તિઓને એમાંથી છુટકારો મેળવવા મદદ કરી છે. એ નિયમો નીચે આપેલા છે:
“આપણા આત્મા અને શરીરને એટલે કે આપણા જીવનને અશુદ્ધ બનાવનાર સર્વ બાબતોથી પોતાને અલગ રાખીએ અને ઈશ્વરની બીકમાં જીવન ગાળીને સંપૂર્ણ પવિત્ર બનીએ.” (૨ કોરીંથી ૭:૧, પ્રેમસંદેશ) ડ્રગ્સ લેવું એ યહોવાહના નિયમની વિરુદ્ધ છે.
“યહોવાહનું ભય એ જ્ઞાનનો આરંભ છે; અને પરમપવિત્રની ઓળખાણ એજ બુદ્ધિ છે.” (નીતિવચનો ૯:૧૦) યહોવાહને માન આપવાથી અને તેમના વિષે સત્ય જ્ઞાન લેવાથી ઘણા લોકોને ડ્રગ્સ છોડવામાં મદદ મળી છે.
“પૂરા દિલથી પ્રભુ ઉપર ભરોસો રાખ અને તારી પોતાની અક્કલ ઉપર આધાર ન રાખ. તારાં બધાં કાર્યો ઈશ્વરને માથે રાખીને કર, તો તે તને સફળતા આપશે.” (નીતિવચનો ૩:૫, ૬, સંપૂર્ણ) યહોવાહ પર પૂરા દિલથી ભરોસો રાખવાથી કોઈ પણ ખરાબ આદતોને છોડી શકાય છે.