મારો વિશ્વાસ કેટલો દૃઢ છે?
મારો વિશ્વાસ કેટલો દૃઢ છે?
‘તમારા વિશ્વાસથી તમે દૃઢ રહો છો.’—૨ કોરીંથી ૧:૨૪.
૧, ૨. શા માટે આપણે વિશ્વાસ રાખવો જોઈએ અને કઈ રીતે એ વધારે દૃઢ બનાવી શકાય?
યહોવાહ પરમેશ્વરના સેવકો તરીકે આપણે જાણીએ છીએ, કે ‘વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરી શકાતા નથી.’ (હેબ્રી ૧૧:૬) તેથી, આપણે પ્રાર્થનામાં યહોવાહને વિનંતી કરીએ કે તેમનો પવિત્ર આત્મા આપે, જેનાથી આપણે વિશ્વાસ વધારી શકીએ. (લુક ૧૧:૧૩; ગલાતી ૫:૨૨, ૨૩) તેમ જ, આપણા ભાઈ-બહેનોનો વિશ્વાસ પણ જોઈએ અને તેઓ પાસેથી શીખીએ.—૨ તીમોથી ૧:૫; હેબ્રી ૧૩:૭.
૨ પવિત્ર શાસ્ત્ર બાઇબલ પણ આપણને માર્ગદર્શન આપે છે. એ માર્ગ પર ચાલતા રહેવાથી, આપણો વિશ્વાસ દૃઢ બનતો જશે. એ માટે આપણે દરરોજ બાઇબલ વાંચીને, એના પર વિચાર કરીએ. વળી, ‘વિશ્વાસુ કારભારી’ આપણને જે પુસ્તકો આપે છે, એ પણ નિયમિત વાંચીએ અને એના પર વિચાર કરીએ. (લુક ૧૨:૪૨-૪૪; યહોશુઆ ૧:૭, ૮) આપણે દરેક મિટિંગો અને સંમેલનોમાં જઈએ ત્યારે પણ, એકબીજાનો વિશ્વાસ જોઈને, શું આપણને ઉત્તેજન મળતું નથી? (રૂમીઓને પત્ર ૧:૧૧, ૧૨; હેબ્રી ૧૦:૨૪, ૨૫) વળી, બીજાને યહોવાહ વિષે જણાવીએ છીએ ત્યારે પણ, આપણો વિશ્વાસ દૃઢ થાય છે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦-૧૩; રૂમીઓને પત્ર ૧૦:૧૧-૧૫.
૩. વડીલો આપણો વિશ્વાસ વધારવા કઈ રીતે મદદ કરે છે?
૩ વડીલો પણ આપણો વિશ્વાસ દૃઢ કરવા આપણને બાઇબલમાંથી સલાહ અને ઉત્તેજન આપે છે. તેઓ પ્રેષિત પાઊલ જેવા છે, જેમણે કોરીંથીના ભાઈ-બહેનોને કહ્યું કે, ‘અમે તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમકે તમારા વિશ્વાસથી તમે દૃઢ રહો છો.’ (૨ કોરીંથી ૧:૨૩, ૨૪) બીજું બાઇબલ ભાષાંતર કહે છે કે, “અમે તો તમારી સાથે તમારા સુખને ખાતર કાર્ય કરીએ છીએ, કારણ, તમે વિશ્વાસમાં દૃઢ છો.” (પ્રેમસંદેશ) ખરેખર, “ન્યાયી વિશ્વાસથી જીવશે.” વળી, આપણે વિશ્વાસમાં પોતે પોતાના પગ પર ઊભા રહેવું પડશે. આપણા માટે કોઈ બીજું વિશ્વાસ બતાવી શકશે નહિ, કેમ કે ‘આપણે દરેકે પોતાનો બોજો ઊંચકવો પડશે.’—ગલાતી ૩:૧૧; ૬:૫.
૪. યહોવાહના ભક્તો વિષે વિચાર કરવાથી કઈ મદદ મળી શકે?
૪ પવિત્ર બાઇબલમાં યહોવાહના વિશ્વાસુ ભક્તોના અનેક અનુભવો છે. અમુકે કઈ ખાસ રીતે વિશ્વાસ બતાવ્યો, એ આપણને યાદ હશે. પરંતુ, તેઓએ નાની નાની વાતોમાં પણ કઈ રીતે વિશ્વાસ બતાવ્યો, એનો તમે કદી વિચાર કર્યો છે? આપણા સંજોગો પણ એવા જ હોય શકે. તેથી, એના પર વિચાર કરવાથી, આપણો વિશ્વાસ હજુ પણ દૃઢ થઈ શકશે.
શું વિશ્વાસ મને હિંમત આપે છે?
૫. આપણને વિશ્વાસ કઈ રીતે પ્રચાર કરવા હિંમત આપે છે?
૫ યહોવાહ વિષે લોકોને શીખવવા, આપણો વિશ્વાસ હિંમત આપે છે. હનોખે યહોવાહના ન્યાયચુકાદા વિષે લોકોને હિંમતથી જણાવ્યું. તેમણે કહ્યું, કે ‘જુઓ, સઘળાંનો ન્યાય કરવાને, સર્વ અધર્મી કામો કરનારા અને અધર્મી પાપીઓએ તેની વિરૂદ્ધ જે સર્વ કઠણ વચનો કહ્યાં, તે વિષે પણ તેઓ સઘળાંને અપરાધી ઠરાવવાને પ્રભુ પોતાના હજારો સંતો સહિત આવ્યા.’ (યહુદા ૧૪, ૧૫) હનોખને આમ કહેતા સાંભળીને, લોકો તેમને મારી નાખવા ઊભા થયા. તેમ છતાં, તે વિશ્વાસથી જણાવતા રહ્યા. તેથી, યહોવાહે તેમને દુશ્મનોના હાથે રિબાઈ રિબાઈને મરણ સહેવા ન દીધું, પણ તેમને મરણની ઊંઘમાં નાખીને ‘લઈ લીધા.’ (ઉત્પત્તિ ૫:૨૪) જો કે આજે આવા ચમત્કાર થતા નથી, પણ યહોવાહ આપણી પ્રાર્થનાઓ સાંભળીને હિંમત આપે છે. જેથી, આપણે વિશ્વાસ અને હિંમતથી પ્રચાર કરતા રહીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪-૩૧.
૬. યહોવાહમાં પૂરો ભરોસો હોવાથી, નુહને કઈ રીતે હિંમત મળી?
૬ નુહે પૂરો ભરોસો રાખીને, “પોતાના કુટુંબના તારણને સારૂ વહાણ તૈયાર કર્યું.” (હેબ્રી ૧૧:૭; ઉત્પત્તિ ૬:૧૩-૨૨) નુહ “ન્યાયીપણાના ઉપદેશક” પણ હતા, જેમણે હિંમતથી લોકોને ચેતવણી આપી. (૨ પીતર ૨:૫) જરા વિચારો: નુહે લોકોને કહ્યું કે ‘ચેતો, કેમ કે પુષ્કળ વરસાદ આવશે, પાણીનું પૂર આવશે.’ લોકોએ સાંભળવાને બદલે નુહની મશ્કરી કરી! આજે આપણે લોકોને બાઇબલમાંથી બતાવીએ છીએ કે ‘ચેતો, કેમ કે આ દુનિયાનો નાશ થશે.’ ત્યારે પણ શું અમુક લોકો મશ્કરી કરતા નથી? (૨ પીતર ૩:૩-૧૨) પરંતુ, હનોખ અને નુહની જેમ જ આ સંદેશો આપતા રહીએ, કેમ કે આપણને એમાં પૂરો વિશ્વાસ છે અને યહોવાહ એ માટે હિંમત આપે છે.
વિશ્વાસ અને ધીરજ
૭. ઈબ્રાહીમ અને બીજા ભક્તોએ કઈ રીતે વિશ્વાસ અને ધીરજ બતાવ્યા?
૭ ખાસ કરીને આપણે આ દુષ્ટ જગતના અંતની રાહ જોઈએ છીએ ત્યારે, વિશ્વાસની સાથે સાથે ધીરજ પણ ખૂબ જરૂરી છે. “વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે,” એવા યહોવાહના ભક્તોમાં ઈબ્રાહીમ પણ છે. (હેબ્રી ૬:૧૧, ૧૨) ઈબ્રાહીમ ઉર શહેરનો એશઆરામ છોડીને, યહોવાહના વચનના વારસ થવા, પરદેશી બન્યા. ઇસ્હાક અને યાકૂબ પણ એ જ વચનના વારસ થવાના હતા. જો કે “એ સઘળાં વિશ્વાસમાં મરણ પામ્યાં, તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ.” વિશ્વાસથી, “હવે તેઓ વધારે સારા દેશની, એટલે સ્વર્ગીય દેશની, ઇચ્છા રાખે છે.” તેથી, યહોવાહ દેવે “તેઓને સારૂ એક શહેર તૈયાર કર્યું છે.” (હેબ્રી ૧૧:૮-૧૬) ખરેખર, ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબ તથા તેઓની પત્નીઓ પણ, યહોવાહના સ્વર્ગીય રાજની રાહ જુએ છે. એ રાજમાં તેઓ સર્વ પૃથ્વી પર ફરીથી જીવન મેળવશે.
૮. ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબે કઈ રીતે ધીરજ બતાવીને વિશ્વાસુ રહ્યા?
૮ ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબનો વિશ્વાસ ઠંડો પડી ગયો ન હતો. તેઓએ વચનનો દેશ અને ઈબ્રાહીમના સંતાન દ્વારા બધી પ્રજાને સુખી થતા ન જોઈ તો શું થઈ ગયું? (ઉત્પત્તિ ૧૫:૫-૭; ૨૨:૧૫-૧૮) ભલે યહોવાહે ‘તૈયાર કરેલું શહેર’ સદીઓ પછી આવે, છતાં પણ આ ઈશ્વર ભક્તો વિશ્વાસમાંથી ડગી ગયા કે ઉતાવળા થયા નહિ. આપણે તો જાણીએ છીએ કે યહોવાહનું રાજ્ય તેમના મસીહ દ્વારા સ્વર્ગમાં રાજ કરે છે. તો પછી, શું આપણો વિશ્વાસ આપણને ધીરજવાન બનાવે છે?—ગીતશાસ્ત્ર ૪૨:૫, ૧૧; ૪૩:૫.
વિશ્વાસ મને કેવા ધ્યેયો આપે છે?
૯. આપણા જીવનના ધ્યેયો પર વિશ્વાસની કેવી અસર પડે છે?
૯ ઈબ્રાહીમ, ઇસ્હાક અને યાકૂબ જેવા વિશ્વાસુ ભક્તોએ કનાનની કોઈ પણ રીત અપનાવી નહિ. તેઓ પાસે એના કરતાં ઘણા સારા ધ્યેયો હતા. આપણા વિષે શું? આ જગત શેતાનને ઇશારે નાચે છે. શું આપણે એની કોઈ પણ રીત ચલાવી લઈએ છીએ? આપણો વિશ્વાસ દૃઢ રાખીશું તો, ચોખ્ખી ‘ના’ કહેવાની હિંમત આપણામાં પણ હશે. ખરેખર, આપણી પાસે એના કરતાં ઘણા સારા ધ્યેયો છે.—૧ યોહાન ૨:૧૫-૧૭; ૫:૧૯.
૧૦. યુસફે કઈ રીતે યહોવાહનાં વચનોમાં ભરોસો બતાવ્યો?
૧૦ યાકૂબના દીકરા યુસફનો વિચાર કરો. યહોવાહની મરજીથી, યુસફના હાથમાં ઇજિપ્તના અનાજનો કારભાર હતો. પરંતુ, દુનિયાની નજરે મોટા માણસ બનવાનો તેમનો ધ્યેય ન હતો. એને બદલે, યુસફને યહોવાહનાં વચનોમાં પૂરો ભરોસો હતો. તેમની છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યારે, ૧૧૦ વર્ષના યુસફે પોતાના ભાઈઓને જણાવ્યું: “હું તો મરવા પડ્યો છું; પણ દેવ તમારી ખબર ખચીત લેશે, ને તેણે જે દેશ સંબંધી ઈબ્રાહીમ તથા ઇસ્હાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે.” વચનના દેશમાં દટાવાની મનની ઇચ્છા યુસફે જણાવી. તેથી તેમના મરણ પછી, તેમના શરીરમાં સુગંધીઓ ભરીને ઇજિપ્તમાં સાચવવામાં આવ્યું. ઈસ્રાએલી લોકોને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવવામાં આવ્યા ત્યારે, ઈશ્વર ભક્ત મુસાએ યુસફનાં હાડકાં વચનના દેશમાં દાટવા સારું લઈ લીધાં. (ઉત્પત્તિ ૫૦:૨૨-૨૬; નિર્ગમન ૧૩:૧૯) સાચે જ, યુસફના જેવો વિશ્વાસ રાખીને, આપણે પણ દુનિયાની નજરે મોટા બનવાના સપના જોવા કરતાં, યહોવાહની સેવામાં આગળ વધીએ.—૧ કોરીંથી ૭:૨૯-૩૧.
૧૧. વિશ્વાસથી યહોવાહની સેવામાં આગળ વધવા મુસાએ શું કર્યું?
૧૧ મુસાએ પણ ઇજિપ્તના રાજકુટુંબમાં “પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું . . . પસંદ કર્યું.” (હેબ્રી ૧૧:૨૩-૨૬; પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૦-૨૨) એ કારણે મુસાએ દુનિયામાં મોટું નામ કમાવાનું જતું કર્યું. એટલું જ નહિ પણ મરણ પામ્યા પછી, ઇજિપ્તના પ્રખ્યાત અંતિમ સંસ્કારનો ઠાઠ-માઠ પણ જતો કર્યો. એની સરખામણીમાં મુસા તો “ઈશ્વરભક્ત” હતા, અને યહોવાહનો નિયમ કરાર ઈસ્રાએલી લોકોને આપનાર પણ હતા. વળી, તે તો યહોવાહના પ્રબોધક અને બાઇબલના લેખક પણ બન્યા. (એઝરા ૩:૨) આપણા વિષે શું? આપણે દુન્યવી માન-મહિમાના સપનાં જોઈએ છીએ, કે પછી પૂરા વિશ્વાસથી યહોવાહની સેવામાં વધતા જઈએ છીએ?
વિશ્વાસ અને સુખી જીવન
૧૨. વિશ્વાસથી રાહાબે જીવનમાં કેવા ફેરફારો કર્યા?
૧૨ વિશ્વાસથી આપણને સૌથી સારા ધ્યેયો જ નહિ, સુખી જીવન પણ મળે છે. યરેખોની રાહાબનું વેશ્યા તરીકેનું જીવન સુખી તો ન જ હતું. તેમ છતાં, યહોવાહમાં પૂરો ભરોસો મૂકીને, તે ઘણા મોટા ફેરફારો કરી શકી. કનાનીઓથી બચાવવા, “જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો, અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાયી નહિ ઠરાવવામાં આવી?” (યાકૂબ ૨:૨૪-૨૬) યહોવાહને સાચા પરમેશ્વર તરીકે સ્વીકારીને, રાહાબે વિશ્વાસથી વેશ્યાનો ધંધો છોડી દીધો. (યહોશુઆ ૨:૯-૧૧; હેબ્રી ૧૧:૩૦, ૩૧) તેણે કોઈ કનાની સાથે નહિ, પણ યહોવાહના સેવક સાથે લગ્ન કર્યા. (પુનર્નિયમ ૭:૩, ૪; ૧ કોરીંથી ૭:૩૯) રાહાબે પાપી જીવન છોડી દીધા પછી, યહોવાહને પસંદ પડે એવું જીવન જીવી. તેને એનો મોટો આશીર્વાદ મળ્યો, કેમ કે તે મસીહની પૂર્વજ બની! (૧ કાળવૃત્તાંત ૨:૩-૧૫; રૂથ ૪:૨૦-૨૨; માત્થી ૧:૫, ૬) તેની જેમ જ આજે પણ ઘણાએ ખોટાં કામ છોડી દીધાં છે. એ બધાની સાથે રાહાબને હજુ એક મોટો આશીર્વાદ મળશે, જે નવી દુનિયામાં સુંદર પૃથ્વી પર કાયમ માટેનું જીવન છે.
૧૩. દાઊદે બાથ-શેબા સાથે કયું પાપ કર્યું, પણ તેમણે કેવું વલણ બતાવ્યું?
૧૩ જો કે યહોવાહની લાંબા સમયથી ભક્તિ કરનારા અમુક સેવકોએ પણ મોટા પાપ કર્યાં છે. રાજા દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો. તેમણે બાથ-શેબાના પતિને લડાઈમાં મારી નંખાવ્યો અને તેને પોતાની પત્ની બનાવી. (૨ શમૂએલ ૧૧:૧-૨૭) પરંતુ, દાઊદે ખૂબ શોક કરીને પસ્તાવો કર્યો અને યહોવાહને કાલાવાલા કર્યા: “તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહિ.” તેથી, દાઊદે યહોવાહનો પવિત્ર આત્મા ગુમાવ્યો નહિ. દાઊદને પૂરો ભરોસો હતો કે યહોવાહ દયાળુ છે, અને પોતે કરેલા પાપને કારણે ભાંગીને ચૂરા થયેલા દિલને, તે ધિક્કારશે નહિ. (ગીતશાસ્ત્ર ૫૧:૧૧, ૧૭; ૧૦૩:૧૦-૧૪) એવા વિશ્વાસને કારણે, દાઊદ અને બાથ-શેબાને પણ મસીહના પૂર્વજ થવાનો લાભ મળ્યો.—૧ કાળવૃત્તાંત ૩:૫; માત્થી ૧:૬, ૧૬; લુક ૩:૨૩, ૩૧.
વિશ્વાસ દૃઢ કરવા યહોવાહની મદદ
૧૪. ગિદઓનને કઈ ખાતરી મળી, અને એનાથી આપણો વિશ્વાસ કઈ રીતે દૃઢ થાય છે?
૧૪ ખરું કે આપણે વિશ્વાસ રાખીએ છીએ, છતાં કોઈ વાર યહોવાહ તરફથી ઇશારો મળે એની જરૂર હોય છે. ગિદઓનના કિસ્સામાં પણ એમ જ હતું, જે ‘વિશ્વાસથી રાજ્યો જીતી’ લેનારામાં એક હતા. (હેબ્રી ૧૧:૩૨, ૩૩) જ્યારે મિદ્યાનીઓ અને તેઓના સાથીઓ ઈસ્રાએલ પર ચડી આવ્યા, ત્યારે યહોવાહનો પવિત્ર આત્મા ગિદઓન પર આવ્યો. ગિદઓનને ખાતરી કરવી હતી કે યહોવાહ તેમની સાથે છે. તેથી તેમણે ખળી, એટલે અનાજના દાણા છૂટા પાડવાની જગ્યામાં ઘેટાનું ઊન મૂકીને કસોટી કરવાની અરજ કરી. પહેલી કસોટીમાં ઝાકળના ટીપાં ઊન પર પડે, અને જમીન કોરી રહે. બીજી કસોટીમાં એનાથી ઊંધું થાય. યહોવાહે એમ જ થવા દીધું. આમ, યહોવાહના સાથનો ઇશારો મેળવીને, ગિદઓને સાવધાનીથી દુશ્મનો સામે જીત મેળવી. (ન્યાયાધીશો ૬:૩૩-૪૦; ૭:૧૯-૨૫) આપણે પણ જીવનમાં નાના-મોટા નિર્ણયો લેવાના હોય છે. જો આપણે યહોવાહના સાથની કોઈ નિશાની માંગીએ, તો શું આપણે શંકા કરીએ છીએ? ના, એના બદલે એ તેમનામાં આપણો ભરોસો બતાવે છે. તેથી, ચાલો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં, બાઇબલ અને આપણી સંસ્થાનાં પુસ્તકો તપાસીએ અને યહોવાહને પ્રાર્થના કરીએ.—રૂમીઓને પત્ર ૮:૨૬, ૨૭.
૧૫. બારાકના અનુભવથી આપણો વિશ્વાસ કઈ રીતે વધે છે?
૧૫ ઈસ્રાએલના એક ન્યાયાધીશ, બારાકનો વિશ્વાસ કઈ રીતે દૃઢ કરવામાં આવ્યો? પ્રબોધિકા દબોરાહ દ્વારા તેમને ઉત્તેજન આપવામાં આવ્યું. જેથી, કનાની રાજા યાબીનના જુલમમાંથી, બારાક ઈસ્રાએલી લોકોને છોડાવે. યાબીને પોતાના સેનાપતિ સીસરાને મોટા લશ્કર સાથે મોકલ્યો. આ બાજુ બારાકે ૧૦,૦૦૦ માણસો લીધા, પણ તેઓ પાસે લડવાના પૂરતાં સાધનો ન હતા. પરંતુ, બારાકને યહોવાહની શક્તિમાં પૂરેપૂરો ભરોસો હતો. ખરેખર એ લડાઈમાં મળેલી જીતની ખુશી, દબોરાહ અને બારાકના ગીતમાં જોવા મળે છે. (ન્યાયાધીશો ૪:૧–૫:૩૧) યહોવાહે પસંદ કરેલા આગેવાન બારાકને, દબોરાહે ઉત્તેજન આપ્યું. બારાક એવા સેવકોમાંના હતા, જેઓએ વિશ્વાસથી “વિદેશીઓની ફોજોને નસાડી દીધી.” (હેબ્રી ૧૧:૩૪) યહોવાહની સેવામાં કોઈ મુશ્કેલ કામ આવે તો, આપણે પણ ડગુ-મગુ થઈ જઈએ. એમ હોય તો, બારાકનો અનુભવ વિચારો કે યહોવાહમાં પૂરો ભરોસો રાખવાથી તેને કેવો આશીર્વાદ મળ્યો!
શું વિશ્વાસ મને શાંતિ આપે છે?
૧૬. ઈબ્રાહીમે લોત સાથે સારા સંબંધ રાખવામાં કેવો દાખલો બેસાડ્યો?
૧૬ યહોવાહની સેવામાં મુશ્કેલ કામ કરવા વિશ્વાસ મદદ કરે છે. એટલું જ નહિ, પણ એ મનની શાંતિ આપે છે. ઈબ્રાહીમ અને લોતના ભરવાડો વચ્ચે ઝઘડો થયો અને તેઓએ છૂટા પડવાનો વારો આવ્યો. ઈબ્રાહીમે પોતાના ઘડપણમાં, યુવાન ભત્રીજાને લીલીછમ ધરતી પસંદ કરવા દીધી. જેથી, બંને વચ્ચે સારા સંબંધ રહે અને મનની શાંતિ રહે. (ઉત્પત્તિ ૧૩:૭-૧૨) ઈબ્રાહીમે પૂરા ભરોસાથી યહોવાહ પાસે મદદ માંગી હશે, કે મુશ્કેલી હલ થાય. પછી, ઈબ્રાહીમે સ્વાર્થી બનવાને બદલે, લોતને પસંદગી આપી અને શાંતિથી ઝઘડાનો ઉકેલ લાવ્યા. તેમ જ, આપણા ભાઈ-બહેન સાથે કોઈ મુશ્કેલી ઊભી થાય તો, યહોવાહમાં વિશ્વાસ રાખીને મદદ માટે પ્રાર્થના કરીએ. વળી, ઈબ્રાહીમની જેમ બીજા પર પ્રેમ રાખીને ‘સલાહશાંતિ શોધીએ.’—૧ પીતર ૩:૧૦-૧૨.
૧૭. કઈ રીતે પાઊલ, બાર્નાબાસ અને માર્કના સંબંધોમાં પડેલી તિરાડ પૂરાઈ?
૧૭ આપણે યહોવાહમાં પૂરો ભરોસો રાખીને તેમના સિદ્ધાંતો પાળીએ તો, કઈ રીતે મદદ મળે છે એનો વિચાર કરો. પાઊલ અને બાર્નાબાસ બીજી વાર સાયપ્રસ અને એશિયા માઈનોરનાં મંડળોની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા હતા. જો કે બાર્નાબાસની ઇચ્છા હતી કે માર્કને સાથે લે. પરંતુ પાઊલ રાજી ન હતા, કેમ કે માર્ક તેઓને પામ્ફુલ્યામાં અડધે રસ્તે મૂકીને જતો રહ્યો હતો. હવે, પાઊલ અને બાર્નાબાસ વચ્ચે “એવી તકરાર થઈ,” કે બંને રિસાઈને છૂટા પડી ગયા. બાર્નાબાસ માર્કની સાથે સાયપ્રસ જતા રહ્યા, અને પાઊલે સીલાસની સાથે “સિરિયામાં તથા કીલીકીઆમાં ફરીને મંડળીઓને દૃઢ કરી.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૩૬-૪૧) જો કે સમય જતાં તેઓએ સુલેહ-શાંતિ કરી લીધી હોવી જોઈએ, કેમ કે માર્ક રોમમાં પાઊલ સાથે હતો. વળી, પાઊલે લખતી વખતે માર્કના વખાણ કર્યા. (કોલોસી ૪:૧૦; ફિલેમોન ૨૩, ૨૪) રોમમાં પાઊલ ૬૫ની સાલમાં જેલમાં હતા ત્યારે, તેમણે તીમોથીને જણાવ્યું: “માર્કને તારી સાથે લેતો આવજે, કારણ, તે મને મદદરૂપ થઈ પડશે.” (૨ તીમોથી ૪:૧૧, પ્રેમસંદેશ) એ દેખીતું છે કે પાઊલે પૂરા વિશ્વાસથી બાર્નાબાસ અને માર્ક સાથેના સંબંધો વિષે પ્રાર્થના કરી હશે. જેથી, તેઓના સંબંધો સારા થયા, અને તેઓ “દેવની શાંતિ” પામ્યા.—ફિલિપી ૪:૬, ૭.
૧૮. યુઓદિયા અને સુન્તુખેની મુશ્કેલી કઈ રીતે દૂર થઈ હોય શકે?
૧૮ “આપણે સઘળા ઘણી બાબતોમાં ભૂલ કરીએ છીએ.” (યાકૂબ ૩:૨) એકબીજાથી નારાજ બે બહેનોનો વિચાર કરો. પાઊલે લખ્યું: ‘યુઓદિયાને અને સુન્તુખેને હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે પ્રભુમાં બહેનો તરીકે એક થવાને પ્રયત્ન કરે. આ બંને સ્ત્રીઓને મદદ કરજો. કારણ, મારી સાથે શુભસંદેશના પ્રચારકાર્યમાં તેઓએ સખત પરિશ્રમ કર્યો હતો.’ (ફિલિપી ૪:૧-૩, પ્રેમસંદેશ) યહોવાહનો ડર રાખનારી આ બહેનોએ, જરૂર તેઓની મુશ્કેલી શાંતિથી દૂર કરી હશે. તેઓએ માત્થી ૫:૨૩, ૨૪ના જેવા સિદ્ધાંત લાગુ પાડ્યા હોય શકે. એ જ રીતે કરવાથી, આપણે પણ મનની શાંતિ મેળવી શકીએ છીએ.
વિશ્વાસ સહન કરવા મદદ કરે છે
૧૯. કઈ મુશ્કેલીએ ઇસ્હાક અને રિબકાહના વિશ્વાસની કસોટી કરી?
૧૯ વિશ્વાસ આપણને મુસીબતો સહન કરવા પણ મદદ કરે છે. દાખલા તરીકે, આપણા કુટુંબમાંથી બાપ્તિસ્મા પામેલી વ્યક્તિ, સત્ય બહાર લગ્ન કરે. (૧ કોરીંથી ૭:૩૯) ઇસ્હાક અને રિબકાહનો દીકરો એસાવ, હિત્તીઓની દીકરીઓ સાથે પરણ્યો હતો. એ સ્ત્રીઓ તેઓના “જીવને સંતાપરૂપ હતી.” તેથી, રિબકાહ પોકારી ઊઠે છે, કે “હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું: આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી સ્ત્રી લે, તો મારે જીવવું શા કામનું?” (ઉત્પત્તિ ૨૬:૩૪, ૩૫; ૨૭:૪૬) તેમ છતાં, આવી મુશ્કેલીઓમાં પણ ઇસ્હાક અને રિબકાહનો વિશ્વાસ ઠંડો પડી ગયો નહિ. ચાલો આપણે પણ ભલે ગમે એવા મુશ્કેલ સંજોગો આવે, છતાં દૃઢ વિશ્વાસ જાળવી રાખીએ.
૨૦. નાઓમી અને રૂથનો વિશ્વાસ આપણને શું શીખવે છે?
૨૦ નાઓમી યહુદાહની હતી અને તે મોટી ઉંમરની હતી. તે જાણતી હતી કે મસીહ યહુદાહના કોઈક કુળમાંથી આવવાના હતા. જો કે હવે તેને બાળક થવાની કોઈ શક્યતા ન હતી. વળી, તેના દીકરાઓ પણ મરણ પામ્યા હતા અને કોઈ વારસ મૂકી ગયા ન હતા. તેથી, નાઓમીના કુટુંબમાંથી મસીહ આવવાની કોઈ શક્યતા દેખાતી ન હતી. પરંતુ, નાઓમીની વહુ પોતાના કરતાં મોટી ઉંમરના બોઆઝને પરણી. તેઓને જે દીકરો થયો, એ ઈસુ મસીહનો પૂર્વજ બન્યો! (ઉત્પત્તિ ૪૯:૧૦, ૩૩; રૂથ ૧:૩-૫; ૪:૧૩-૨૨; માત્થી ૧:૧, ૫) નાઓમી અને રૂથના વિશ્વાસની જીત થઈ અને તેઓના દુઃખના આંસુ ખુશીમાં બદલાઈ ગયા. તેથી, ભલે ગમે એ થાય, આપણે પણ વિશ્વાસ જાળવી રાખીએ તો જરૂર ખુશી મળશે.
૨૧. વિશ્વાસથી કયા લાભો થાય છે, અને આપણે કયો પાક્કો નિર્ણય લઈએ?
૨૧ આપણે કહી શકતા નથી કે કાલનો દિવસ કેવો હશે. પરંતુ, આપણને યહોવાહમાં પૂરેપૂરો ભરોસો હશે તો, કોઈ પણ મુશ્કેલી સહન કરી શકીશું. વિશ્વાસ આપણને હિંમત અને ધીરજ આપે છે. એ જીવનમાં સૌથી સારા ધ્યેયો રાખવા મદદ કરીને, આપણને સુખી બનાવે છે. વિશ્વાસથી બીજાઓ સાથે સારા સંબંધ બંધાય છે અને મુશ્કેલીઓ સહન કરવી પણ સહેલી બને છે. તેથી, ચાલો આપણે “જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા” બનીએ. (હેબ્રી ૧૦:૩૯) યહોવાહ પરમેશ્વરના મહિમાને માટે, તેમની મદદથી ચાલો આપણે દૃઢ વિશ્વાસ કેળવતા રહીએ.
તમે શું કહેશો?
• વિશ્વાસથી હિંમત મળે છે, એની બાઇબલ કઈ રીતે સાબિતી આપે છે?
• કઈ રીતે વિશ્વાસ આપણું જીવન સુખી બનાવે છે?
• વિશ્વાસથી કઈ રીતે શાંતિ વધે છે?
• કોઈ પણ સંજોગોમાં ટકી રહેવા વિશ્વાસ કઈ રીતે મદદ કરે છે?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૬ પર ચિત્ર]
યહોવાહનો સંદેશો જણાવવા, નુહ અને હનોખને વિશ્વાસથી હિંમત મળી
[પાન ૧૭ પર ચિત્ર]
મુસાના જેવો વિશ્વાસ આપણને સૌથી સારા ધ્યેયો આપશે
[પાન ૧૮ પર ચિત્ર]
બારાક, દબોરાહ, અને ગિદઓનના વિશ્વાસને યહોવાહે વધારે દૃઢ કર્યો