વાચકો તરફથી પ્રશ્નો
વાચકો તરફથી પ્રશ્નો
અદાલતમાં સાચું બોલવા, શું આપણે બાઇબલ પર હાથ મૂકી સમ ખાઈ શકીએ?
આ બાબતમાં દરેક વ્યક્તિએ પોતે નિર્ણય લેવાનો છે. (ગલાતી ૬:૫) જોકે બાઇબલ, અદાલતમાં સાચું બોલવા લીધેલાં સમ માટે વાંધો ઉઠાવતું નથી.
સમ લેવાનો રિવાજ પહેલાંના સમયથી ચાલતો આવ્યો છે. દાખલા તરીકે, ગ્રીસના લોકો સમ લેતી વખતે પોતાના હાથ આકાશ તરફ ઊંચા કરતા અથવા વેદીને અડકતા હતા. રોમમાં, વ્યક્તિ હાથમાં પથ્થર લઈ સમ લેતો: “જો હું જાણીજોઈને જુઠ્ઠું બોલું, તો આ શહેરની રક્ષા કરનાર [ભગવાન] જ્યુપિટર, હું આ પથ્થર નાખું કે તરત જ મને શ્રાપ આપે.”—સાઈક્લોપેડિયા ઑફ બીબલીકલ, થીયોલોજીકલ, ઍન્ડ એક્લીસ્યાસટીકલ લીટરેચર, જોન મેકલીંટોક અને જેમ્સ સ્ટ્રોંગનું પુસ્તક, ગ્રંથ સાતમું, પાન ૨૬૦.
એ જ બતાવે છે કે વ્યક્તિ પરમેશ્વરમાં માને છે અને તે આપણા દરેક કાર્યોને જુએ છે. વળી, આપણે દરેકે પોતાના કરેલા કાર્યોનો હિસાબ દેવને આપવો પડશે. આમ, પહેલાંના સમયથી જ, યહોવાહ પરમેશ્વરના સાચા સેવકો જાણતા હતા કે તેઓના દરેક કાર્યો પર યહોવાહની નજર છે. (નીતિવચનો ૫:૨૧; ૧૫:૩) તેથી, યહોવાહ તેઓના સાક્ષી હોય એમ તેઓ તેમની આગળ સમ ખાતા હતા. દાખલા તરીકે, બોઆઝ, દાઊદ, સુલેમાન અને સિદકીયાહે એમ જ કર્યું. (રૂથ ૩:૧૩; ૨ શમૂએલ ૩:૩૫; ૧ રાજાઓ ૨:૨૩, ૨૪; યિર્મેયાહ ૩૮:૧૬) એ જ રીતે, યહોવાહના સેવકો બીજાઓને પણ વચન લેવાની ફરજ પાડતા. જેમ કે, ઈબ્રાહીમ અને ઈસુ ખ્રિસ્તના કિસ્સામાં એવું જ બન્યું.—ઉત્પત્તિ ૨૧:૨૨-૨૪; માત્થી ૨૬:૬૩, ૬૪.
ઘણી વખતે, વ્યક્તિએ યહોવાહની આગળ સમ લેતા અમુક હાવભાવ કે ઇશારા દ્વારા બતાવું પડતું. ઈબ્રામે (ઈબ્રાહીમ) સદોમના રાજાને કહ્યું: “યહોવાહ પરાત્પર દેવ, જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેની ગમ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે.” (ઉત્પત્તિ ૧૪:૨૨) એક દૂત પ્રબોધક દાનીયેલ સાથે વાત કરતા, “પોતાનો જમણો તથા ડાબો હાથ આકાશ તરફ ઊંચા કરીને સદા જીવનારના સમ ખાધા.” (દાનીયેલ ૧૨:૭) અરે, ખુદ યહોવાહે પણ સાંકેતિક રીતે પોતાના હાથ ઊંચા કરી સમ ખાધા હતા.—પુનર્નિયમ ૩૨:૪૦; યશાયાહ ૬૨:૮.
તેથી, સમ ખાવા માટે બાઇબલ મના કરતું નથી. પરંતુ, એનો અર્થ એમ નથી કે આપણે વાતે વાતે સમ ખાઈએ. ઈસુએ કહ્યું: “પણ તમારૂં બોલવું તે હાનું હા, ને નાનું ના હોય.” (માત્થી ૫:૩૩-૩૭) શિષ્ય યાકૂબે પણ “સમ ન ખાઓ,” એમ કહ્યું એનો અર્થ એમ થતો હતો કે તમે નકામી વાતો માટે સમ ન ખાઓ. (યાકૂબ ૫:૧૨) પરંતુ, નોંધ લો કે અહીંયા ઈસુ કે યાકૂબે, અદાલતમાં સાચું બોલવા માટે સમ ખાવા એ ખોટું છે, એમ કહ્યું ન હતું.
તો પછી, અદાલતમાં આપણે સાચું બોલીએ છીએ એ સાબિત કરવા વચન લેવું પડે તો શું? કદાચ કોઈને વચન લેવામાં વાંધો ન પણ હોય. પરંતુ, જો કોઈને સમ ન ખાવા હોય તો પોતે જુઠ્ઠું નથી બોલતા એ સાબિત કરવા માટે સહી-સિક્કા કરેલું કથન લખી આપી શકે.—ગલાતી ૧:૨૦.
પરંતુ, અદાલતમાં હાથ ઊંચા કરી અથવા બાઇબલ પર હાથ મૂકી સમ ખાવાની વાત આવે, ત્યારે આપણે એમ કરી શકીએ છીએ. એ સમયે, બાઇબલમાં જણાવ્યું છે કે વચન લેતી વખતે અમુક હાવભાવથી બતાવું, એ આપણે યાદ રાખી શકીએ. સૌથી મહત્ત્વનું તો એ છે કે, કોઈ પણ કાર્ય દ્વારા વચન લેતી વખતે યાદ રાખવું જોઈએ, કે આપણે એ વચન પરમેશ્વરની સામે લઈ રહ્યા છે. આવી રીતે સમ ખાવા એ ઘણી જ ગંભીર બાબત છે. પરંતુ, આપણે એવી સ્થિતિમાં આવી પડીએ, ત્યારે હંમેશા યાદ રાખીએ કે એક ખ્રિસ્તી હોવાથી આપણે હંમેશા સત્ય જ બોલીશું.