સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શેતાનની જીત થઈ કે હાર?

શેતાનની જીત થઈ કે હાર?

શેતાનની જીત થઈ કે હાર?

ઇતિહાસમાં ભલાઈ અને દુષ્ટતાની લડત વિષે લોકોએ પોતાના જુદા જુદા વિચારો જણાવ્યા છે. પરંતુ, એક પુસ્તક પરમેશ્વર અને શેતાન વચ્ચે ચાલી રહેલી ભલાઈ અને દુષ્ટતાની લડત વિષે ચોક્કસ માહિતી આપે છે. એ પુસ્તક બાઇબલ છે. બાઇબલ આ લડાઈની શરૂઆત વિષે સ્પષ્ટ જણાવે છે. તેમ જ, એ આપણને જણાવે છે કે ખરેખર કોની જીત થઈ, પરમેશ્વરની કે શેતાનની?

પ્રથમ પુરુષ અને સ્ત્રીને બનાવવામાં આવ્યા. પછી, એક સ્વર્ગદૂતે પરમેશ્વરનો વિરોધ કર્યો, અને તે શેતાન બન્યો. તેણે ચાલાકીથી એ પુરુષ અને સ્ત્રીના મનમાં શંકા ઊભી કરી કે પરમેશ્વર તેઓથી કંઈક સંતાડી રહ્યા છે. વળી, તેણે તેઓને ભમાવ્યા કે પરમેશ્વરની શું જરૂર છે, તેઓ પોતે પણ સુખેથી જીવી શકે છે.—ઉત્પત્તિ ૩:૧-૫; પ્રકટીકરણ ૧૨:૯.

હવે, યહોવાહના ભક્ત અયૂબનો વિચાર કરો. તેમની વફાદારી તોડવા શેતાને વાંધો ઊભો કર્યો. શેતાને કહ્યું: “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” (અયૂબ ૨:૪) સર્વ મનુષ્યો પર કેવો મોટો આરોપ કહેવાય! શેતાને અહીં સીધેસીધી અયૂબની વાત ન કરી. પરંતુ, તેણે “માણસ” શબ્દ વાપરીને, દરેક મનુષ્યની વફાદારી પર શંકા ઉઠાવી. હકીકતમાં, તે કહેતો હતો: ‘દરેકને પોતાનો જીવ વધારે વહાલો છે. હું ધારું તો ચપટીમાં તેઓની વફાદારી તોડી શકું.’

પરમેશ્વર કે શેતાન બેમાંથી કોણ જીત્યું, એ જાણવા આ બે પ્રશ્નોના જવાબ મેળવવા જોઈએ: શું મનુષ્ય પોતે સત્તા ચલાવવામાં સફળ થયો છે? શું શેતાન દરેકની પરમેશ્વર માટેની વફાદારી તોડી શક્યો છે?

શું મનુષ્ય સત્તા ચલાવવામાં સફળ થયો છે?

હજારો વર્ષોથી, માણસોએ જાત-જાતની સરકાર અજમાવી છે. અત્યાર સુધીમાં રાજાશાહી, લોકશાહી, અમીર સરકાર, જુલમી સરકાર, ફાસીવાદી અને સામ્યવાદી સરકાર આવી ગઈ છે. તેમ છતાં, હજુ પણ અલગ પ્રકારની સરકારો અજમાવી જોવાય છે. શું એ જ સાબિત નથી કરતું કે સત્તા ચલાવવાની આ રીતો યોગ્ય નથી?

દુનિયાનો ઇતિહાસ (અંગ્રેજી) નામના ૧૯૨૨માં છપાયેલા પુસ્તકમાં એચ. જી. વૅલ્સ લખે છે: “રૂમીઓ અજાણતા જ જુદી જુદી સરકારો અજમાવવાના ચક્કરમાં જઈ પડ્યા.” તે આગળ કહે છે: “એમાં હંમેશા ફેરફારો થતા રહ્યા, એમાં ક્યારેય જમાવટ આવી નહિ. એક રીતે જોઈએ તો એ શાસન નિષ્ફળ ગયું. બીજી રીતે જોઈએ તો, એના ચક્કર હજુ ચાલુ જ છે. રૂમી લોકોને નડેલી મુશ્કેલીઓના ચક્કરમાં આજે યુરોપ તથા અમેરિકા ફસાયા છે.”

જુદી જુદી સરકારો અજમાવી જોવાના આ અખતરા ૨૦મી સદીમાં પણ ચાલુ જ રહ્યા હતા. એ સદીના અંતે, પહેલાં કરતાં વધારે લોકશાહી સ્વીકારવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે લોકશાહી દરેકની સરકાર છે. પરંતુ, શું એ સાચું છે? શું લોકશાહીથી પુરવાર થયું છે કે આપણે પરમેશ્વર વગર સફળતાથી રાજ ચલાવી શકીએ છીએ? ભારતના અગાઉના વડા પ્રધાન, જવાહરલાલ નહેરુએ લોકશાહી સારી છે એમ કહેતા જણાવ્યું: “હું આ એટલા માટે કહું છું કેમ કે બીજી સરકારો એનાથી ખરાબ છે.” ફ્રાંસના અગાઉના પ્રધાન, વેલેરી ઝીસ્કાર ડીસ્તાંએ કહ્યું: “અમે નજરે જોઈએ છીએ કે લોકશાહી ચલાવનારા મુશ્કેલીમાં છે.”

અરે, લગભગ ૨,૪૦૦ વર્ષ પહેલાં, ગ્રીક ફિલસૂફ પ્લેટોને લોકશાહી શાસનમાં નબળાઈ જણાઈ હતી. રાજનીતિનો ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તક અનુસાર, તેણે કહ્યું કે, “રાજકરણીઓમાં જ કોઈ આવડત નથી, એ લોકશાહી માટે શ્રાપ છે.” ઘણા રાજકરણીઓનું કહેવું છે કે સરકાર ચલાવવા યોગ્ય વ્યક્તિઓ શોધવી, એટલે લોઢાના ચણા ચાવવા. અમેરિકાનું છાપું, વોલ સ્ટ્રીટ જર્નલ જણાવે છે, કે લોકો “ખરેખર ગુસ્સે ભરાય છે, કેમ કે મુશ્કેલીઓના ઢગલા થતા જાય છે, અને નેતાઓ કંઈ કરી શકતા નથી.” એ આગળ કહે છે: “લોકો મદદ શોધે છે ત્યારે, નિર્ણય લેવા હજુ વિચારતા અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા નેતાઓ જોઈને, તેઓનું લોહી ઉકળી ઉઠે છે.”

હવે, અગાઉના ઈસ્રાએલી રાજા સુલેમાનની સરકારનો વિચાર કરો. યહોવાહ પરમેશ્વરે તેને ભરપૂર જ્ઞાન અને ડહાપણ આપ્યું. (૧ રાજાઓ ૪:૨૯-૩૪) સુલેમાનના ૪૦ વર્ષના રાજમાં શું ઈસ્રાએલી પ્રજા સુખી હતી? બાઇબલ જણાવે છે: “યહુદાહ તથા ઈસ્રાએલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઇપીને આનંદ કરતા હતા. સુલેમાનના સર્વ દિવસો પર્યંત દાનથી તે બેરશેબા સુધી યહુદાહ તથા ઈસ્રાએલ પોતપોતાના દ્રાક્ષવેલા નીચે પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં રહેતા હતા.” (૧ રાજાઓ ૪:૨૦, ૨૫) સ્વર્ગના સુપ્રિમ શાસક, યહોવાહ પરમેશ્વરના પૃથ્વી પરના પ્રતિનિધિના રાજમાં, લોકો ખાધે-પીધે સુખી હતા અને સુખ-ચેનથી જીવતા હતા.

ખરેખર, માણસની અને પરમેશ્વરની સત્તામાં કેવો આભ જમીનનો ફેર છે! શું ખરેખર એમ કહી શકાય કે સત્તા ચલાવવામાં શેતાનની જીત થઈ છે? ચોક્કસ ના, કેમ કે એની સાબિતી આપણી નજર સામે છે! પ્રબોધક યિર્મેયાહે અગાઉથી કહ્યું: “હે યહોવાહ, હું જાણું છું કે મનુષ્યનો માર્ગ પોતાના હાથમાં નથી; પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયાહ ૧૦:૨૩.

શું શેતાન દરેકની વફાદારી તોડી શક્યો છે?

શું યહોવાહ માટેની દરેકની વફાદારી તોડવામાં શેતાન સફળ થયો છે? બાઇબલમાં હેબ્રી ૧૧માં અધ્યાયમાં, અગાઉના અમુક વિશ્વાસુ ભાઈ-બહેનો વિષે જણાવ્યા પછી, પ્રેષિત પાઊલ કહે છે: ‘ગિદઓન, બારાક, શામશૂન, યિફતાહ, દાઊદ, શમૂએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાનો મને પૂરતો વખત નથી.’ (હેબ્રી ૧૧:૩૨) પાઊલ આ ઈશ્વર ભક્તોને ‘શાહેદોની મોટી વાદળારૂપ ભીડ’ કહે છે. (હેબ્રી ૧૨:૧) અહીં ‘વાદળા’ ભાષાંતર થયેલો ગ્રીક શબ્દ, એક ચોક્કસ કદ કે આકાર બતાવતો નથી. પરંતુ, વાદળોના ગોટેગોટા એક સાથે હોય, એમ બતાવે છે. એ ખરું છે, કેમ કે પરમેશ્વરના અગાઉના વિશ્વાસુ સેવકોની સંખ્યા નાની અમથી ન હતી, પણ મોટા મોટા વાદળોના ટોળા જેવી છે. ખરેખર, સદીઓથી અગણિત લોકોએ પોતાની મરજીથી, યહોવાહ પરમેશ્વરને વફાદાર રહેવાનું પસંદ કર્યું છે.—યહોશુઆ ૨૪:૧૫.

આજના વિષે શું? વીસમી સદીમાં યહોવાહના સેવકોએ અતિશય જુલમ સહન કર્યો છે. તેમ છતાં, આજે દુનિયામાં તેઓની સંખ્યા ૬૦ લાખથી વધારે છે. વળી લગભગ ૯૦ લાખ લોકો તેમની સાથે સંગત રાખે છે. એમાંના ઘણા યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવા ચોક્કસ પગલાં લઈ રહ્યા છે.

જો કે યહોવાહ પરમેશ્વરના દીકરા, ઈસુ ખ્રિસ્તે શેતાનને જોરદાર જવાબ આપ્યો છે. તે વધસ્થંભ પર રિબાઈ રિબાઈને મરણ પામ્યા, પણ યહોવાહ માટેની વફાદારી ન તોડી. ઈસુએ પ્રાણ છોડતા કહ્યું: “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.”—લુક ૨૩:૪૬.

શેતાન આપણને તેને ઇશારે નચાવવા આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. તે લાલચો હોય કે સતાવણી, બધી જ રીતો અજમાવે છે. તે “દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર” બતાવે છે, જેથી લોકો બીઝી રહે અને યહોવાહની ભક્તિ ન કરે. (૧ યોહાન ૨:૧૬) શેતાને ‘અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ સારૂ કે ખ્રિસ્તના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય.’ (૨ કોરીંથી ૪:૪) શેતાન પોતાની જિદ્દ પૂરી કરવા, ધમકી અને માણસોની બીકનો ભરપૂર લાભ ઉઠાવે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૦.

તેમ છતાં, પરમેશ્વરના ભક્તો પર શેતાન વિજય મેળવી શક્યો નથી. તેઓ યહોવાહ પરમેશ્વરના મિત્રો બન્યા છે, અને ‘તેમને પોતાના પૂરા હૃદયથી, પૂરા જીવથી, ને પૂરા મનથી પ્રેમ કરે છે.’ (માત્થી ૨૨:૩૭) ઈસુ ખ્રિસ્ત અને ઘણા બધા લોકો યહોવાહને વફાદાર રહેવાથી, શેતાન એક પછી બીજી બાજી હારતો જાય છે.

ભાવિ કેવું હશે?

શું આ જુદી જુદી સરકારો અજમાવવાનું ચક્કર કાયમ ચાલ્યા જ કરશે? પ્રબોધક દાનીયેલે લખ્યું: “તે રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય કરશે, ને તે સર્વકાળ ટકશે.” (દાનીયેલ ૨:૪૪) સ્વર્ગમાંનું રાજ્ય પરમેશ્વરની સરકાર છે, જેના રાજા ઈસુ ખ્રિસ્ત છે. ઈસુએ એ જ રાજ્ય માટે શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું હતું. (માત્થી ૬:૯, ૧૦) એ રાજ્ય ‘સર્વશક્તિમાન દેવના મહાન દિવસની લડાઈમાં,’ મનુષ્યની સર્વ સરકારોનો નાશ કરશે. પછી, પૃથ્વી પર પણ પરમેશ્વરનું જ રાજ્ય હશે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

શેતાનનું શું થશે? બાઇબલ કહે છે: “[યહોવાહના દૂતે] પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડ્યો, અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. તેણે તેને ઊંડાણમાં નાખી દઈને તેને બંધ કર્યું, અને તે પર મુદ્રા કરી, જેથી હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ.” (પ્રકટીકરણ ૨૦:૧-૩) શેતાનને ઊંડાણમાં પૂરી દીધા પછી જ, ઈસુ ખ્રિસ્તનું હજાર વર્ષનું રાજ્ય શરૂ થશે.

પછી, પૃથ્વી પરનું જીવન કેવું સુખી હશે! શેતાન અને તેની દુષ્ટતા બંને જતા રહ્યા હશે. બાઇબલ વચન આપે છે: “દુષ્કર્મીઓનો સંહાર થશે; . . . નમ્ર લોકો દેશનું વતન પામશે; અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧) આખા વિશ્વમાં કોઈ પણ શાંતિમાં ભંગ કરશે નહિ. (યશાયાહ ૧૧:૬-૯) પરમેશ્વરને જાણવાની તક નહિ મળવાથી કે અજાણતા, જેઓએ શેતાનને સાથ આપ્યો છે, એવા કરોડો લોકોને ફરીથી જીવન આપીને તક આપવામાં આવશે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

હજાર વર્ષના રાજને અંતે, પૃથ્વી સુંદર બગીચા જેવી થઈ ગઈ હશે. વળી, મનુષ્યોને તન અને મનથી સંપૂર્ણ કરવામાં આવ્યા હશે. પછી, છેલ્લી કસોટી માટે શેતાનને “થોડી વાર” છોડવામાં આવશે. આખરે, પરમેશ્વરના શાસનનો વિરોધ કરનારા સાથે, શેતાનનો કાયમ માટે નાશ થશે.—પ્રકટીકરણ ૨૦:૩, ૭-૧૦.

તમે કોને પસંદ કરશો?

વીસમી સદીમાં શેતાને પૃથ્વીનો મન ફાવે તેમ વિનાશ કર્યો છે. શું એનાથી શેતાનની જીત સાબિત થાય છે? જરાય નહિ. એવા દુષ્ટને કોણ પસંદ કરશે? એના બદલે, તેની અને તેના દુષ્ટ જગતની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે. (માત્થી ૨૪:૩-૧૪; પ્રકટીકરણ ૬:૧-૮) જો કે પૃથ્વી પરની દુષ્ટતા કે મોટા ભાગના લોકો શું કહે છે, એનાથી નક્કી થતું નથી કે કોણ જીત્યું અને કોણ હાર્યું. પરંતુ, કોની સરકાર સારી છે, એ તો એના પરથી નક્કી થાય છે કે, કોઈ પ્રેમથી પ્રેરાઈને પરમેશ્વરને ભજે છે કે કેમ. હકીકતો પરથી જોવા મળે છે કે યહોવાહ વિજયી છે.

જો પરમેશ્વરે આપેલા સમયે પુરવાર કર્યું છે કે શેતાન ખોટો છે, તો પછી શા માટે પરમેશ્વર દુષ્ટતા ચાલવા દે છે? એનું કારણ એ છે કે, “કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઈચ્છીને પ્રભુ [યહોવાહ] તમારે વિષે ધીરજ રાખે છે.” (૨ પીતર ૩:૯) “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય,” એવી યહોવાહની ઇચ્છા છે. (૧ તીમોથી ૨:૪) અમારી દિલની આશા છે કે તમે બાકી રહેલા સમયનો લાભ લઈને, બાઇબલમાંથી ‘એકલા ખરા દેવ તથા તેમણે મોકલેલા ઈસુ ખ્રિસ્તને ઓળખો.’ (યોહાન ૧૭:૩) યહોવાહના સાક્ષીઓને ગમશે કે તમને મદદ કરી શકે, જેથી તમે પણ લાખો લોકો સાથે યહોવાહની જીતમાં જોડાઈ શકો.

[પાન ૫ પર ચિત્ર]

યહોવાહના સાક્ષીઓની વફાદારીને કારણે, શેતાન બાજી હારતો જાય છે

[પાન ૭ પર ચિત્ર]

યહોવાહને વફાદાર રહેનારા ઘણા છે