સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

આકરી કસોટીઓમાં પણ હું ટકી રહ્યો

આકરી કસોટીઓમાં પણ હું ટકી રહ્યો

મારો અનુભવ

આકરી કસોટીઓમાં પણ હું ટકી રહ્યો

પરશીલસ યાનોરીશના જણાવ્યા પ્રમાણે

મને ભીની અને ગંદી કોટડીમાં પૂરવામાં આવ્યો હતો. એમાં બહુ જ ઠંડી હોવાથી મારા હાડકાં પણ થીજી ગયા હતા. એ કોટડીમાં હું એકલો જ હતો. હું પાતળો કામળો ઓઢીને બેઠો હતો. લશ્કરના માણસો બે દિવસ પહેલાં જ મને ઘરમાંથી ઘસડીને લાવ્યા હતા, જે જોઈને મારી પત્નીનું મોઢું ઊતરી ગયું હતું. જેલમાં મને વારંવાર એ જ દૃશ્ય દેખાતું હતું. હું મારી પત્ની સાથે અમારા બે બીમાર બાળકોને પણ છોડીને આવ્યો હતો. મારી પત્ની ત્યારે યહોવાહની સાક્ષી ન હતી. પછી તેણે જેલમાં મને પાર્સલ સાથે એક ચિઠ્ઠીમાં આમ લખ્યું: “હું તમને આ રોટલી મોકલું છું, હું ઇચ્છું છું કે તમે પણ બાળકોની જેમ બીમાર પડો.” એ વાંચીને મને મનમાં થયું કે, શું હું મારા કુટુંબને ફરીથી મળી શકીશ કે કેમ?

હુંયહોવાહનો એક સાક્ષી છું. મારા ધર્મને કારણે મારા પર આ રીતે અનેક વાર જુલમ કરવામાં આવ્યો હતો. વધુમાં, સમાજ અને મારા કુટુંબે પણ મારો સખત વિરોધ કર્યો હતો. કોર્ટમાં મારા પર ઘણા કેસ થયા હતા. પણ હું તો ઈશ્વર ભક્ત હતો. તોપણ શા માટે મને જેલ થઈ? એ જણાવતા પહેલાં ચાલો હું તમને મારા વિષે જણાવું.

ગરીબ છોકરાનું મોટું સપનું

મારો જન્મ ૧૯૦૯માં ક્રિતમાં આવેલા સ્ટાર્વોમીનો ગામમાં થયો હતો. એ વખતે દેશમાં અંદરોઅંદર લડાઈ ચાલતી હતી. તેમ જ ત્યાં દુકાળ અને ભૂખમરો પણ હતો. સમય જતાં, હું અને મારા ચાર ભાઈબહેનો (૧૯૧૮-૧૯૧૯) સ્પેનિશ ફ્લૂના પંજામાંથી માંડમાંડ બચ્યા. મને હજુ યાદ છે કે અમે એનો ભોગ ન બનીએ એ માટે મારા મમ્મી-પપ્પા અમને અઠવાડિયાંઓ સુધી ઘરની બહાર નીકળવા દેતા ન હતા.

મારા પપ્પા એક ગરીબ ખેડૂત હતા. તે ખૂબ જ ધાર્મિક હોવા છતાં, બીજા ધર્મો વિષે શીખવા તૈયાર રહેતા. તે ફ્રાન્સ અને માડાગાસ્કરમાં રહ્યા હોવાથી બીજા ધર્મો વિષે ઘણું જાણતા હતા. અમારું કુટુંબ દર રવિવારે ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચમાં પ્રભુનું ભોજન લેવા જતું. બિશપ દર વર્ષે અમારા ચર્ચની મુલાકાતે આવતા ત્યારે અમારા ઘરે જ રહેતા. એ ઉપરાંત, હું નાનપણથી જ ચર્ચની ભજન મંડળીમાં હતો. મારું પણ એક સપનું હતું કે હું મોટો થઈને પાદરી બનીશ.

મેં ૧૯૨૯માં પોલીસની નોકરી શરૂ કરી. ઉત્તર ગ્રીસમાં આવેલા થેસાલૉનિકી શહેરમાં હું નોકરી પર હતો ત્યારે, મારા પપ્પાનું અવસાન થયું. તેથી, ધર્મ વિષે શીખવા અને દિલાસો પામવા મેં એથૉસ પર્વત પાસેના વિસ્તારમાં મારી બદલી કરાવી. ઑર્થોડૉક્સ ખ્રિસ્તીઓ માટે એથૉસ “પવિત્ર પર્વત” મનાય છે અને એની નજીકમાં એક મઠ હતો. * મેં ત્યાં ચાર વર્ષ નોકરી કરી હોવાથી મઠમાં શું ચાલે છે એ જોયું. એનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો. હું ત્યાં રહ્યો છતાં ઈશ્વર સાથે સંબંધ બાંધી શક્યો નહિ. કેમ કે ત્યાંના મઠવાસી સાધુઓ ભ્રષ્ટાચાર અને પ્રેમલીલામાં પડેલા હતા. બિશપના હાથ નીચે કામ કરતા એક પાદરી માટે મને ઘણું જ માન હતું. પરંતુ એક દિવસ તેમણે મને તેમની સાથે જાતીય સંબંધ બાંધવા કહ્યું ત્યારે, મને સખત ધૃણા થઈ આવી. તોપણ મને પાદરી થવાની ઇચ્છા હતી. કેમ કે હું સાચા દિલથી ઈશ્વરની સેવા કરવા ચાહતો હતો. અરે, એ માટે તો મેં પાદરીનો ડ્રેસ પહેરીને ફોટો પણ પડાવ્યો હતો. ત્યાં નોકરી કર્યા પછી હું પાછો ક્રિતમાં રહેવા ગયો.

“તે શેતાન છે!”

પછી મેં ૧૯૪૨માં ફ્રોશીની સાથે લગ્‍ન કર્યાં. તે બહુ જ રૂપાળી હતી. તે સારા કુટુંબમાંથી આવતી હોવાથી, લગ્‍ન પછી પણ મને પાદરી બનવાની ઘણી હોંશ હતી. * કેમ કે મારા સસરાનું કુટુંબ ખૂબ ધાર્મિક હતું. તેથી આથેન્સમાં આવેલી ધર્મશાળામાં જવા હું બહુ આતુર હતો. વર્ષ ૧૯૪૩ના અંતે એ શાળામાં જવા હું બૉટ પકડવા ઈરાકલીઓન બંદર પર પહોંચી ગયો, પણ ગયો નહિ. શા માટે? કેમ કે ધર્મશાળામાં ગયા વગર જ મને ઈશ્વરનું જ્ઞાન મળી ગયું હતું. એ કેવી રીતે?

ઈમાનુએલ લીઓનુડાકીસ નામના એક યહોવાહના સાક્ષી, વર્ષોથી ક્રિતમાં બાઇબલ સત્યનો ઉત્સાહથી પ્રચાર કરતા હતા. * યહોવાહના સાક્ષીઓ બાઇબલમાંથી સત્યનો પ્રકાશ ફેલાવતા હોવાથી, અમુક લોકો જાતે પોતાનો ધર્મ છોડીને તેઓની સાથે જોડાતા. પછી કેટલાક ઉત્સાહી સાક્ષીઓએ નજીકના શીતીઆ શહેરમાં એક ગ્રૂપ બનાવીને બાઇબલનો ઉત્સાહથી પ્રચાર કરવા લાગ્યા. એ ત્યાંના બિશપને બિલકુલ ગમ્યું નહિ. તે અમેરિકાથી આવ્યા હતા અને તેમને યહોવાહના સાક્ષીઓ જરાય ગમતા ન હતા. તે એ પણ જાણતા હતા કે યહોવાહના સાક્ષીઓ બહુ સારી રીતે શીખવે છે અને લોકો પણ તેમનું સાંભળે છે. તેથી, તે પોતાના તાબાના વિસ્તારમાંથી “તેઓનું” નામનિશાન ભૂંસી નાખવાનો પ્રયત્ન કરતા હતા. પાદરીના એક ઇશારાથી પોલીસ યહોવાહના સાક્ષીઓને જેલમાં પૂરી દેતા અને તેઓ પર જૂઠા આરોપો મૂકીને અદાલતમાં લઈ જતા.

એ ગ્રૂપમાંના એક સાક્ષી ભાઈ મને બાઇબલમાંથી સત્ય શીખવતા હતા. પણ તેમને લાગ્યું કે મને એમાં જરાય રસ નથી. તેથી તેમણે વધારે અનુભવી સાક્ષીને મારી પાસે મોકલ્યો. પરંતુ, મારા તોછડાઈભર્યા વર્તનથી તે પણ પાછા ચાલ્યા ગયા અને બીજા સાક્ષીઓને કહ્યું: “પરશીલસ કદી યહોવાહનો સાક્ષી નહિ બને. તે શેતાન છે, શેતાન!”

વિરોધનો પહેલો અનુભવ

ઈશ્વર મારા વિષે એવું વિચારતા ન હતા, એ માટે હું કેટલો આભારી છું. ફેબ્રુઆરી, ૧૯૪૫માં મારા ભાઈ ડેમોસ્થેનેસને પૂરી ખાતરી થઈ કે યહોવાહના સાક્ષીઓ જ બાઇબલમાંથી સત્ય શીખવે છે. તેમણે મને કમ્ફર્ટ ઓલ ધેટ મૉર્ન નામની પુસ્તિકા આપી હતી. * એમાંની માહિતી મને બહુ જ ગમી. એટલે અમે ઑર્થોડૉક્સ ચર્ચમાં જવાનું છોડી દીધું. પછી અમે શીતીઆમાં યહોવાહના સાક્ષીઓની સભાઓમાં જવા લાગ્યા. તેમ જ અમારા ભાઈબહેનોને અમારી નવી માન્યતા વિષે કહેવા લાગ્યા. એમ કરવાથી તેઓ પણ યહોવાહમાં માનવા લાગ્યા. અમે જૂઠો ધર્મ છોડી દીધો હોવાથી, મારી પત્ની અને તેનું કુટુંબ તથા સમાજ કેવો વર્તાવ કરશે, એ હું જાણતો હતો. જોકે એવું જ થયું! અમુક સમય સુધી મારા સસરા મારી સામે જોવા પણ તૈયાર ન હતા. તેમ જ ઘરમાં પણ એવું જ વાતાવરણ હતું. તોપણ, ભાઈ મીનોસ કોકીનાકાસીના હાથે મેં અને ડેમોસ્થેનેસે, મે ૨૧, ૧૯૪૫માં બાપ્તિસ્મા લીધું. *

ઈશ્વરની સેવા કરવાનું મારું સપનું છેવટે સાચું પડ્યું! હું પહેલી વાર ઘરઘરનું પ્રચાર કરવા ગયો ત્યારે જે બન્યું હતું, એ હું કેવી રીતે ભૂલી શકું! હું બૅગમાં ૩૫ નાની પુસ્તિકા લઈને એકલો જ બસ પકડીને એક ગામમાં પ્રચાર કરવા ગયો હતો. હું ગભરાતા ગભરાતા ત્યાં પ્રચાર કરવા લાગ્યો. જેમ જેમ હું ઘરથી દૂર જવા લાગ્યો, તેમ તેમ મને બોલવાની હિંમત મળી. હું પ્રચાર કરતો હતો એવામાં એક પાદરી ગુસ્સામાં લાલચોળ થતા આવ્યા. તેમણે કહ્યું કે મારી સાથે પોલીસ સ્ટેશને ચાલ. મેં તેમને હિંમતથી કહ્યું કે, આ ગામમાં બધાને પ્રચાર કર્યા પછી આવીશ, અને મેં એમ જ કર્યું. ત્યારે હું એટલો તો ખુશ હતો કે મેં બસની પણ રાહ ન જોઈ અને પંદર કિલોમીટર ચાલીને ઘરે આવ્યો.

ગુંડાઓના હાથમાં

શીતીઆમાં ત્યારે યહોવાહના સાક્ષીઓનું નવું મંડળ થયું હતું. તેથી સપ્ટેમ્બર, ૧૯૪૫માં મને એ મંડળમાં વધારે જવાબદારી મળી. એના થોડા સમય પછી, ગ્રીસમાં જુદા જુદા પક્ષોને મત આપતા લોકો વચ્ચે લડાઈ ફાટી નીકળી. તેથી બિશપે એનો ફાયદો ઉઠાવ્યો. તેણે ગુંડાઓને કહ્યું કે કોઈ પણ રીતે યહોવાહના સાક્ષીઓને ખતમ કરી દો. (યોહાન ૧૬:૨) તેથી ગુંડાઓ બસ લઈને અમારા ગામમાં આવી રહ્યા હતા. એ બસમાં અમને ઓળખતી એક સ્ત્રી પણ ગામમાં આવતી હતી. તેને તેઓના ઇરાદાની ખબર પડી ગઈ હોવાથી અમને ચેતવી દીધા. તેઓથી બચવા અમને અમારા એક સગાએ મદદ કરી, અને અમારો વાળ પણ વાંકો ન થયો.

આ રીતે યહોવાહના સાક્ષીઓ પર સતાવણી શરૂ થઈ. જોકે, હેરાનગતિ અને મારપીટ તો હવે રોજની થઈ ગઈ હતી. ધર્મ વિરોધીઓએ અમારા પર ડબાણ લાવ્યા કે અમે અમારો નવો ધર્મ છોડીને પાછા ચર્ચમાં જઈએ, અમારાં બાળકોને બાપ્તિસ્મા આપાવીએ અને ક્રોસનું ચિહ્‍ન કરીએ. એક વખતે તેઓએ મારા ભાઈને એટલો માર્યો કે તેઓને થયું કે તે મરી ગયો છે. એ જ રીતે, એક વખતે તેઓએ મારી બે બહેનોનાં કપડાં ફાડી નાખ્યા અને તેઓને ખૂબ મારી, એ જોવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. આ બધું થઈ રહ્યું હતું ત્યારે, ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચે યહોવાહના સાક્ષીઓનાં આઠ બાળકોને બળજબરીથી બાપ્તિસ્મા આપ્યું હતું.

વર્ષ ૧૯૪૯માં મારી મમ્મી ગુજરી ગઈ. અમે તેમની અંતિમક્રિયા કરતા હતા, એવામાં પાદરીએ આવીને કહ્યું કે તમારી પાસે એમ કરવાની પરવાનગી નથી. તેથી તેઓએ મારા પર કેસ કર્યો. એ કેસની શરૂઆતમાં જ યહોવાહનું નામ લેવામાં આવ્યું, જેનાથી બધાએ પરમેશ્વરનું નામ જાણ્યું. મેં કોઈ ગુનો કર્યો ન હોવાથી મને છોડી દેવામાં આવ્યો. તેથી, અમને ચૂપ કરવાનો અમારા દુશ્મનો પાસે એક જ ઇલાજ હતો. કોઈ પણ રીતે અમને ગુનેગાર ઠરાવીને દેશમાંથી હાંકી કાઢવામાં આવે. અને એપ્રિલ ૧૯૪૫માં એવું જ થયું.

સૌથી આકરી કસોટી

ત્રણ યહોવાહના સાક્ષીઓની ધરપકડ થઈ ત્યારે, એમાંનો હું પણ એક હતો. તોપણ, મારી પત્ની મને પોલીસ સ્ટેશને મળવા ન આવી. અમને પહેલા ક્રિતમાં ઈરાકલીઓનની જેલમાં રાખવામાં આવ્યા. જાણે મારું કોઈ ન હોય એમ મને લાગતું હતું. શરૂઆતમાં મેં જણાવ્યું તેમ, હું મારી પત્ની સાથે બે બાળકોને છોડીને જેલમાં આવ્યો હતો. જોકે, તે યહોવાહની સાક્ષી ન હતી. તેથી મેં દિલ ખોલીને મદદ માટે યહોવાહને પ્રાર્થના કરી. હું પ્રાર્થના કરી રહ્યો હતો એવામાં મને હેબ્રી ૧૩:૫ યાદ આવી: “હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” તેથી હું સમજી શક્યો કે મારે યહોવાહમાં પૂરો ભરોસો રાખવો જોઈએ.—નીતિવચનો ૩:૫.

એના થોડા સમય પછી ખબર પડી કે હવે અમને ગ્રીસના એટીકા ટાપુ પર મેક્રોનીસોસ જેલમાં મોકલવામાં આવશે. એ નામ સાંભળતા જ લોકોનાં હાડકાં ઢીલા થઈ જતાં. કેમ કે ત્યાં કેદીઓ પર સખત જુલમ ગુજારવામાં આવતો અને ઢોરની જેમ કામ કરાવવામાં આવતું. એ જેલમાંથી, મેક્રોનીસોસ જવા અમારી ગાડી પીરીયસ શહેરમાં રોકાઈ હતી. અમને હાથકડી પહેરાવી હતી છતાં કેટલાક યહોવાહના સાક્ષીઓ બૉટમાં આવીને અમને ભેટી પડ્યા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૪, ૧૫.

મેક્રોનીસોસ જેલમાં જીવન ખૂબ જ મુશ્કેલ હતું. સૈનિકો સવારથી સાંજ સુધી કેદીઓ પર અનહદ જુલમ કરતા. યહોવાહના સાક્ષીઓ ન હતા તેઓમાંના ઘણા કેદીઓ મોટા ભાગે પાગલ થઈ જતા કે મરી જતા. અરે, તેઓમાંના મોટા ભાગના તો અપંગ થઈ ગયા હતા. કેદીઓને રાત્રે એટલા તો રિબાવવામાં આવતા કે અમને તેઓની ચીસો અને રડવાના અવાજો પણ સંભળાતા હતા. રાત્રે કાતિલ ઠંડીમાં હું ફક્ત પાતળો કામળો ઓઢીને સૂતો હતો.

દરરોજ સવારે હાજરી પૂરવામાં આવતી ત્યારે, તેઓ અમને યહોવાહના સાક્ષીઓ તરીકે નામ લઈને બોલાવતા. એનાથી ધીમે ધીમે તેઓ બધા જ અમને એ નામથી ઓળખવા લાગ્યા. તેથી અમને યહોવાહના રાજ્ય વિષે પ્રચાર કરવાની ઘણી તકો મળતી. એમ કરવાથી એક રાજકીય કેદીએ બાઇબલનો અભ્યાસ કર્યો અને એ બાપ્તિસ્મા લઈને યહોવાહનો સેવક બન્યો.

હું જેલમાં હતો છતાં, મારી પત્ની મને પત્રો ન લખતી. તોપણ, હું તેને ખૂબ ચાહતો હતો અને હંમેશાં તેને પત્રો લખતો. તેમ જ, તેને દિલાસો અને હિંમત આપતો કે થોડા દિવસો જ આવું દુઃખ સહેવું પડશે, પછી ફરીથી આપણે સુખીથી જીવીશું.

સમય જતાં, ઘણા યહોવાહના સાક્ષીઓને આ જેલમાં કેદ કરવામાં આવ્યા. હું જેલની ઑફિસમાં કામ કરતો હોવાથી જેલના મેજર મને સારી રીતે ઓળખતા થયા. તેને યહોવાહના સાક્ષીઓ પર ઘણું માન હતું. તેથી મેં હિંમત કરીને પૂછ્યું કે આથેન્સમાંથી યહોવાહના સાક્ષીઓ પાસેથી અમે અમારાં બાઇબલનાં પુસ્તકો મંગાવીએ તો કેમ? તેમણે કહ્યું: “એ શક્ય જ નથી. પરંતુ તમારા સાક્ષીઓને કહો કે બોક્સમાં પુસ્તકો મૂકીને મારા નામે પારસલ મોકલી આપે.” એ સાંભળીને હું અચંબો પામ્યો. થોડા દિવસ પછી એક વહાણ આવ્યું અને અમે એમાંથી સામાન ઉતારવા લાગ્યા. ત્યારે એ વહાણમાંથી એક પોલીસે મેજરને સલામ ભરીને કહ્યું: “સાહેબ, તમારું એક પારસલ આવ્યું છે.” સાહેબે કહ્યું: “મારું પારસલ?” હું તેમની બાજુમાં જ ઊભો હોવાથી ધીમે અવાજે કહ્યું: “સાહેબ, તમે કહ્યું હતું તેમ, તમારા નામે અમે જે પારસલ મંગાવ્યું હતું, એ હશે.” આમ, અમે વિશ્વાસમાં દૃઢ રહી શકીએ એ માટે યહોવાહે અનેક રીતે અમને આપણું સાહિત્ય પૂરું પાડ્યું.

અણધાર્યા આશીર્વાદો અને વધુ દુઃખ

વર્ષ ૧૯૫૦ના અંતે હું જેલમાંથી છૂટ્યો ત્યારે બહુ જ દુબળો થઈ ગયો હતો. મારી પત્ની શું કહેશે એ પણ હું જાણતો ન હતો. પણ કલ્પના કરો કે મારી પત્ની અને બાળકોને ફરીથી જોઈને મને કેવો આનંદ થયો હશે! વધુમાં, ફ્રોશીનીએ જે ફેરફારો કર્યા હતા, એ તો હું માની જ શકતો ન હતો. જેલમાંથી મેં જે પત્રો લખ્યા હતા એના પર પાણી ફરી વળ્યું ન હતું. મારા પર જે વીત્યું અને હું મારા વિશ્વાસમાં દૃઢ રહ્યો, એ જોઈને ફ્રોશીની પર ઊંડી અસર પડી હતી. થોડા સમય પછી, મેં ખુલ્લા દિલથી અને પ્રેમથી તેની સાથે વાત કરી. પછી તે પોતે બાઇબલનો અભ્યાસ કરવા તૈયાર થઈ. એમ કરવાથી તેને યહોવાહમાં પૂરો ભરોસો બેઠો. વર્ષ ૧૯૫૨માં ફ્રોશીનીએ, યહોવાહની સેવા કરવા મારા હાથે બાપ્તિસ્મા લીધું. એ મારા જીવનમાં સૌથી આનંદનો દિવસ હતો!

પછી ૧૯૫૫માં અમે બધા જ પાદરીઓને ક્રિશ્ચન્ડમ ઑર ક્રિશ્ચિયાનીટી —વીચ વન ઇઝ “ધ લાઇટ ઑફ ધ વર્લ્ડ”? નામની પુસ્તિકા આપવા લાગ્યા. તેથી, મારી તેમ જ બીજા યહોવાહના સાક્ષીઓની ધરપકડ કરીને અમારા પર કેસ કરવામાં આવ્યો. સાક્ષીઓ વિરુદ્ધ અનેક કેસો કરવામાં આવ્યા હતા. તેથી, એનો જલદીથી નિકાલ લાવવા ખાસ તૈયારી કરવામાં આવી. એ દિવસે જીલ્લાના બધા જ ન્યાયાધીશો હાજર હતા. તેમ જ કોર્ટનો ખંડ પણ પાદરીઓથી ભરાઈ ગયો હતો. બિશપ ચિંતાના માર્યા પરસાળમાં આમ-તેમ આંટા મારી રહ્યા હતા. એક પાદરીએ મારા વિષે ફરિયાદ કરી હતી કે હું લોકોનું ધર્માંતર કરું છું. ત્યારે ન્યાયાધીશે પાદરીને પૂછ્યું: “શું તમને તમારા ધર્મમાં એટલો ઓછો વિશ્વાસ છે કે એક ચોપડી વાંચીને તમે તમારો ધર્મ બદલી નાખો?” પાદરી એ સાંભળીને ચૂપ થઈ ગયો. આમ મને છોડી દેવામાં આવ્યો, તોપણ અમુક ભાઈઓને છ મહિનાની જેલની સજા થઈ.

એ પછીના વર્ષોમાં યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ અનેક કેસો કરવામાં આવ્યા. તેથી, સાક્ષીઓના વકીલો કેસ લડવા કોર્ટમાં દોડાદોડ કરતા હતા. મને ૧૭ વાર કોર્ટમાં લઈ જવામાં આવ્યો. તેમ છતાં, અમે યહોવાહના રાજ્ય વિષે પ્રચાર કરવામાં ઠંડા પડ્યાં નહિ. અમે ગમે તેવી આકરી કસોટીનો ખુશીથી સામનો કર્યો. એનાથી અમારો વિશ્વાસ દૃઢ થયો હતો.—યાકૂબ ૧:૨, ૩.

નવી જવાબદારી અને મુશ્કેલીઓ

અમે ૧૯૫૭માં આથેન્સમાં રહેવા ગયા. ત્યાં નવું મંડળ બન્યું હોવાથી મને વધારે જવાબદારી મળી હતી. હવે યહોવાહની સેવા કરવામાં મને મારી વહાલી પત્નીનો સાથ હતો. તેથી અમે સાદી રીતે જીવતા અને યહોવાહની સેવાને અમારા જીવનમાં પ્રથમ રાખતા. અમે અમારો મોટા ભાગનો સમય પ્રચારમાં કાઢતા. તેમ જ જ્યાં વધારે જરૂર હોય એવા મંડળોમાં પણ અમે સેવા આપી.

ગ્રીસમાં કોઈ પણ છોકરો ૨૧ વર્ષનો થાય ત્યારે, તેણે નિયમ પ્રમાણે ફરજિયાત લશ્કરી સેવામાં જોડાવું પડતું. એ નિયમ પ્રમાણે, અમારો દીકરો ૧૯૬૩માં ૨૧ વર્ષનો થયો ત્યારે, તેણે પણ લશ્કરમાં જોડાવા માટે હાજર થવાનું હતું. યહોવાહના સાક્ષીઓ પોતાની ધાર્મિક માન્યતાને લીધે એમાં જોડાતા ન હોવાથી, તેઓ પર જુલમ ગુજારવામાં આવતો, તેઓની મશ્કરી અને અપમાન પણ કરવામાં આવતું. અમારા દીકરાની પણ એવી જ દશા થઈ હતી. યહોવાહને વફાદાર રહેવામાં તેને ઉત્તેજન આપવા, મેં તેને મારો પાતળો કામળો આપ્યો જે હું મેક્રોનીસોસ જેલમાં ઓઢતો હતો. યહોવાહના સાક્ષીઓ લશ્કરી સેવામાં જોડાતા ન હોવાથી, તેઓ પર લશ્કરી કોર્ટમાં કેસ થતો, અને મોટા ભાગે તેઓને બેથી ચાર વર્ષની જેલની સજા થતી. તેઓની સજા પૂરી થાય એટલે ફરીથી તેઓને બોલાવવામાં આવતા અને ફરી તેઓની એ જ દશા થતી. આ રીતે મારા દીકરાએ છથી વધારે વર્ષ જેલમાં વીતાવ્યા. હું ધર્મના ઉપદેશક તરીકે ઓળખાતો હોવાથી ઘણી વાર જુદી જુદી જેલમાં મારા દીકરાની અને બીજા વફાદાર યહોવાહના સાક્ષીઓની મુલાકાત લઈ શક્યો હતો.

યહોવાહે અમને ટકાવી રાખ્યા

યહોવાહના સાક્ષીઓને ગ્રીસમાં પોતાનો ધર્મ પાળવાનો હક્ક મળ્યો એ પછી, હું ઘણા મહિનાઓ સુધી રોડ્‌ઝ ટાપુ પર પૂરો સમય પ્રચાર કરી શક્યો. એ સમયે ક્રિતના શીતીઆ મંડળમાં અનુભવી વડીલની જરૂર હતી. આ એ જ મંડળ હતું જેના ભાઈઓ પાસેથી હું ઈશ્વરનું સત્ય શીખ્યો હતો. તેથી, અમે ૧૯૮૬માં ત્યાં ખુશીથી સેવા આપવા ગયા. હું ત્યાંના ઘણા ભાઈબહેનોને મારી યુવાનીથી ઓળખતો હતો. તેઓ મને બહુ જ વહાલા હતા.

હું અમારા કુટુંબમાં પહેલો યહોવાહનો સાક્ષી બન્યો હતો. પરંતુ આજે અમારા લગભગ ૭૦ સગાવહાલાઓ યહોવાહની સેવા કરી રહ્યા છે. તેમ જ બીજા ઘણા હજુ શીખી રહ્યા છે. તેઓમાંના ઘણા આજે મંડળમાં વડીલો, સેવકાઈ ચાકરો, બેથેલમાં અથવા સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. એ જોઈને મને કેવો આનંદ થતો હશે એની કલ્પના કરો! મેં ૫૮ કરતાં વધારે વર્ષોથી મારા વિશ્વાસમાં દૃઢ રહેવા આકરી કસોટીઓ સહી છે. આજે હું ૯૩ વર્ષનો છું, અને યહોવાહની સેવા કરવાથી મને જરાય પસ્તાવો થતો નથી. હું તેમની સેવા કરી શકું માટે તેમણે મને શક્તિ આપીને આમ કહ્યું: “મારા દીકરા, તારૂં અંતઃકરણ મને સોંપી દે, અને તારી આંખો મારા માર્ગોમાં મગ્‍ન રહો.”—નીતિવચનો ૨૩:૨૬.

[ફુટનોટ્‌સ]

^ વધુ માહિતી માટે ડિસેમ્બર ૧, ૧૯૯૯ના ચોકીબુરજમાં પાન ૩૦-૧ પર જુઓ.

^ ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના પાદરીઓ લગ્‍ન કરી શકે છે.

^ ચોકીબુરજ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૯, પાન ૨૫-૯ પરનો ઈમાનુએલ લીઓનુડાકીસનો અનુભવ વાંચો.

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી પુસ્તિકા. હવે એ છપાતી નથી.

^ મીનોસ કોકીનાકાસી ધર્મ વિષે કોર્ટ કેસ જીત્યા, એ જાણવા અંગ્રેજી ચોકીબુરજ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૩, પાન ૨૭-૩૧ જુઓ.

[પાન ૨૭ પર બોક્સ]

મેક્રોનીસોસ જુલમનો ટાપુ

આ ઉજ્જડ અને સૂકા ટાપુ પર ૧૯૪૭-૫૭માં ૧,૦૦,૦૦૦થી પણ વધારે કેદીઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. એમાંના ઘણા યહોવાહના સાક્ષીઓ હતા. તેઓ પોતાના ધર્મને કારણે લશ્કરમાં જોડાતા ન હતા. એ કારણે તેઓને પણ ત્યાંની જેલમાં મોકલવામાં આવ્યા હતા. ગ્રીક ઑર્થોડૉક્સ ચર્ચના પાદરીઓએ યહોવાહના સાક્ષીઓ પર જૂઠા આરોપો મૂક્યા હતા કે, તેઓ સામ્યવાદીઓ છે. તેથી તેઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

કેદીઓ પોતાની ભૂલ “સુધારે” એ માટે તેઓને મેક્રોનીસોસ જેલમાં રાખવામાં આવતા. તેઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો? એ વિષે પપાઇરોસ લારોસા બ્રિટાનીકા એન્સાયક્લોપેડિયા ગ્રીકમાં આમ કહે છે: “વ્યક્તિ સામાન્ય રીતે રહી ન શકે એવી ત્યાં પરિસ્થિતિ છે; . . કેદીને ક્રૂર રીતે રિબાવવામાં આવે છે, અને તેઓની ચોકી કરતા પોલીસો તેઓ સાથે જંગલી પ્રાણીઓ જેવો વર્તાવ કરતા હોય છે. . . . ત્યાં જે થઈ રહ્યું છે એનાથી ગ્રીસના નામ પર પાણી ફરી વળ્યું છે.”

એ જેલમાંના ઘણા યહોવાહના સાક્ષીઓને કહેવામાં આવ્યું હતું કે, તમે તમારો ધર્મ નહિ છોડો તો, તમને કદી છોડવામાં આવશે નહિ. તેમ છતાં યહોવાહના સાક્ષીઓએ પોતાનો ધર્મ છોડ્યો નહિ. વધુમાં, એ જેલમાં અમુક રાજકીય કેદીઓ પણ હતા જેઓ સાક્ષીઓ પાસેથી સાચા ધર્મ વિષે શીખ્યા, અને પછી યહોવાહના સાક્ષીઓ પણ બન્યા.

[પાન ૨૭ પર ચિત્ર]

મીનોસ કોકીનાકાસી, જમણી બાજુથી ત્રીજા અને હું, ડાબી બાજુથી ચોથો, મેક્રોનીસોસ ટાપુની જેલમાં

[પાન ૨૯ પર ચિત્ર]

ક્રિતના શીતીઆ મંડળના ભાઈ સાથે સેવાકાર્યમાં, જેમને હું મારી યુવાનીથી ઓળખું છું