સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કામ પ્રત્યે સમતોલ રહો કઈ રીતે?

કામ પ્રત્યે સમતોલ રહો કઈ રીતે?

કામ પ્રત્યે સમતોલ રહો કઈ રીતે?

આજે કામ-ધંધામાં બધે જ ગળાકાપ હરીફાઈ ચાલતી હોવાથી ઘણાં કારખાનાંઓ ધમધોકાર ચાલે છે. તેમ છતાં, ઘણા લોકો હોંશે હોંશે કદી કામે જતા નથી. તોપણ, આપણે કામમાં તો આનંદ માણવો જ જોઈએ. શા માટે? કેમ કે ઈશ્વરે મનુષ્યોને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા છે અને તેમને કામ કરવામાં આનંદ આવે છે. તેથી આપણને પણ કામ કરવામાં મજા આવવી જોઈએ. દાખલા તરીકે, બધી વસ્તુઓને ઉત્પન્‍ન કર્યા પછી, ઈશ્વરને કેવું લાગ્યું હશે એની કલ્પના કરો. એ વિષે ઉત્પત્તિ ૧:૩૧ કહે છે: “દેવે જે સર્વ ઉત્પન્‍ન કર્યું તે તેણે જોયું; અને જુઓ, તે ઉત્તમોત્તમ છે.”

યહોવાહને કામ કરવામાં ખૂબ આનંદ થતો હોવાથી, તેમને સ્તુત્ય કે આનંદી પરમેશ્વર કહેવામાં આવે છે. (૧ તીમોથી ૧:૧૧) તેથી, જો આપણે તેમનું અનુકરણ કરીશું તો, શું આપણને પણ કામ કરવામાં આનંદ નહીં થાય? કામની વાત કરીએ તો, ઈસ્રાએલ રાજા સુલેમાન બાંધકામમાં અજોડ હતા. તેમણે કહ્યું: “દરેક મનુષ્ય ખાયપીએ, ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે, એ ઇશ્વરનું વરદાન છે.”—સભાશિક્ષક ૩:૧૩.

આજે જગતમાં કામ પ્રત્યે લોકોના વિચારો ઝડપથી બદલાઈ રહ્યા છે. તેથી, મહેનત કરવી અને કામ પ્રત્યે સમતોલ રહેવું એ રમત વાત નથી. પરંતુ જેઓ યહોવાહની સલાહ સાંભળે છે, તેઓને તે આશીર્વાદો આપે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૯, ૧૦૦) આવા મહેનતુ લોકોની તેઓના માલિક ખૂબ કદર કરે છે અને તેઓને ભરોસાપાત્ર ગણે છે. તેથી, તેઓને જલદીથી નોકરી ગુમાવવાનો બહુ ઓછો ડર હોય છે. એટલું જ નહિ, તેઓ નોકરી અને પૈસાને ઈશ્વરની નજરે જોતા શીખે છે. એનાથી તેઓ જીવનમાં ખરા નિર્ણયો લઈ શકે છે. તેમ જ તેઓ એ પણ શીખે છે કે નોકરી-ધંધામાંથી ખરું સુખ મળી શકવાનું નથી. કેમ કે એ આજે છે અને કાલે નથી. (માત્થી ૬:૩૧-૩૩; ૧ કોરીંથી ૨:૧૪, ૧૫) જો તમને એ જ્ઞાન હશે તો, તમે પણ કામ પ્રત્યે સમતોલ રહી શકશો.

એવી રીતે કામ કરો, જેનાથી ઈશ્વર ખુશ થાય છે

અમુક લોકો માટે ફક્ત નોકરી-ધંધો જ તેઓનું જીવન છે. બીજા લોકો કામ પરથી છૂટવાના સમયની જ રાહ જોઈને બેઠા હોય છે. તો પછી, તમે સમતોલ કામ કોને કહેશો? બાઇબલ એના વિષે આમ કહે છે: “અતિ પરિશ્રમ કરી અને પવનને પણ પકડવાના યત્નો કરી પુષ્કળ કમાવું તે કરતાં શાંતિસહિત થોડું કમાવું વધારે સારું છે.” (ઉપદેશક ૪:૬, IBSI) હકીકતમાં, જો આપણે મોડે સુધી સખત કામ કરીશું તો, એ નકામું છે. એ ‘પવનને પકડવાના પ્રયત્નો કરવા જેવું છે.’ એમ શા માટે? કારણ કે એનાથી આપણે જેઓનું ભલું ઇચ્છીએ છીએ તેઓને જ નુકસાન પહોંચી શકે. જેમ કે એનાથી આપણે આપણા કુટુંબ કે મિત્રોને સમય આપી શકતા નથી. તેમ જ આપણી તંદુરસ્તી પણ બગડી શકે છે. એનાથી ઈશ્વર પરનો આપણો વિશ્વાસ પણ નબળો પડી જઈ શકે. (૧ તીમોથી ૬:૯, ૧૦) આપણે જો નોકરી-ધંધાને ઈશ્વરની નજરથી જોઈશું તો, આપણી પાસે જે છે એમાં સંતોષ માણીશું. તેમ જ, આપણને મનની શાંતિ મળશે, અને ખોટી ચિંતાઓ તથા ઝઘડાઓથી આપણે દૂર થઈશું.

ખરું કે બાઇબલ નોકરી-ધંધા પ્રત્યે સમતોલ રહેવાનું ઉત્તેજન આપે છે, પરંતુ એ આળસુ બનવા ઉત્તેજન આપતું નથી. (નીતિવચનો ૨૦:૪) આપણે જો આળસુ બનીશું તો, આપણું કોઈ માન નહિ રહે. તેમ જ આપણે ઈશ્વરની કૃપા પણ ગુમાવી શકીએ. બાઇબલ સાદા શબ્દોમાં કહે છે કે, જો કોઈ કામ ન કરે, તો બીજાએ પોતાને ખર્ચે તેને ખવડાવવું પણ નહિ. (૨ થેસ્સાલોનીકી ૩:૧૦) એના બદલે, તેણે ઇજ્જતથી કામ કરીને કુટુંબનું ભરણપોષણ કરવું જોઈએ. એમ કરવાથી જેઓ ખરેખર તંગીમાં છે તેઓને તે મદદ કરી શકશે. બાઇબલ ફક્ત એવા લોકોને જ જરૂરી મદદ કરવાનું ઉત્તેજન આપે છે.—નીતિવચનો ૨૧:૨૫, ૨૬; એફેસી ૪:૨૮.

બાળપણથી જ કામ કરતા શીખવો

તમે પણ સહમત થશો કે, કોઈ પણ જન્મથી જ કામ શીખ્યો હોતો નથી. પરંતુ દરેકે નાનપણથી જ કામ શીખવું પડે છે. તેથી, બાઇબલ માબાપોને આગ્રહ કરે છે: “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” (નીતિવચનો ૨૨:૬) જોકે, બાળકો માટે માબાપો કામ પ્રત્યે સારું ઉદાહરણ બેસાડે એટલું જ પૂરતું નથી. બાળકોને પણ તેઓની ઉંમર પ્રમાણે ઘરમાં નાનું-મોટું કામ આપવું જોઈએ. પછી ભલેને બાળકો અમુક કામ કરવા આનાકાની કરે, તોપણ તેઓ પાસે એ કામ કરાવવું જોઈએ. એમ કરવાથી તેઓ કુટુંબમાં કેટલા મદદરૂપ છે એ જોઈ શકશે. જો માબાપ તેઓના કામના વખાણ કરશે તો, બીજી વાર તેઓ મદદ કરવા હાજર રહેશે. પરંતુ દુઃખની વાત છે કે ઘણાં માબાપ પોતાનાં બાળકોને કંઈ કરવા દેતા નથી. તેઓને લાગે છે કે એમ કરીને તેઓ બાળકને પ્રેમ બતાવે છે. માબાપો, જો તમે એમ કરતા હોવ તો બાઇબલ શું કહે છે એને ધ્યાન આપો. એ કહે છે કે જે પોતાના બાળકને બાળપણથી લાડકોડમાં ઉછેરે છે તે મોટો થશે ત્યારે આળસુ નીવડશે.

કાળજી રાખતા માબાપો, પોતાનું બાળક સ્કૂલે કેવું ભણે છે એના પર પણ ખાસ ધ્યાન આપે છે. એટલું જ નહિ, તેઓ બાળકોને ધ્યાન આપીને શીખવા અને ખૂબ મહેનત કરવા ઉત્તેજન આપતા હોય છે. એમ કરવાથી બાળક નાનપણથી જ મહેનત કરતા શીખે છે અને મોટો થાય ત્યારે પૂરી લગનથી કામ કરે છે.

યોગ્ય કામ પસંદ કરો

એ ખરું છે કે, કેવું કામ કરવું જોઈએ એ વિષે બાઇબલ કંઈ જણાવતું નથી. તેમ છતાં, બાઇબલ આપણને માર્ગદર્શન આપે છે, જેથી તેઓ પરમેશ્વરની સેવામાં પ્રગતિ કરે અને મહત્ત્વની જવાબદારીઓ પણ પૂરી કરી શકે. દાખલા તરીકે, પ્રેષિત પાઊલે ઈશ્વરની પ્રેરણાથી આમ લખ્યું: ‘સમય થોડો રહેલો છે; માટે આ જગતના વહેવારમાં તમે તલ્લીન ન થાવ; કેમકે આ જગતનો ડોળદમાક જતો રહે છે.’ (૧ કોરીંથી ૭:૨૯-૩૧) ખરેખર, આ જગતમાં કશું જ કાયમ રહેતું નથી. તેથી, જગતની બાબતોમાં આપણો સમય અને શક્તિ આપીએ એ રેતી પર ઘર બાંધવા જેવું છે. એ ઘર વરસાદના એક જ ઝાપટાંમાં પડી ભાંગે છે. એ કેટલું મૂર્ખાઈભર્યું કહેવાય!

‘જગતના વહેવારમાં તલ્લીન ન થાવ,’ આ વિચારનું બીજા બાઇબલોમાં આ રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે: “દુનિયા સાથે કંઈ લાગભાગ ન હોય તે રીતે રહેવું,” અથવા ‘જગતની લોભામણી વસ્તુઓમાંથી મળતા આનંદમાં પડવું નહિ.’ (પ્રેમસંદેશ; IBSI) સમજુ લોકો જાણે છે કે, ‘આ સમય’ જગતમાં “તલ્લીન” થવાનો કે “આનંદ” માણવાનો નથી. તોપણ જો આપણે એમાં રચ્યાપચ્યા રહીશું તો, જરૂર પસ્તાવું પડશે.—૧ યોહાન ૨:૧૫-૧૭.

‘ઈશ્વર તને કદી તજી દેશે નહિ’

આપણને શાની જરૂર છે એ વિષે આપણા કરતાં પણ વધારે સારી રીતે યહોવાહ જાણે છે. તે એ પણ જાણે છે કે, આ દુષ્ટ જગતનો અંત ક્યારે આવશે. તેથી, તે આપણને યાદ અપાવે છે: “તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમકે તેણે [ઈશ્વરે] કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.” (હેબ્રી ૧૩:૫) શું આ શબ્દોથી તમારા દિલને ઠંડક નથી મળતી? જેવી ઈશ્વરને તેમના ભક્તોની ચિંતા છે એવી જ ઈસુ પણ તેઓની ચિંતા કરે છે. તેથી, કામ અને પૈસા પ્રત્યે કેવું વલણ રાખવું જોઈએ, એ વિષે તેમણે પહાડ પરના ઉપદેશમાં શિષ્યોને જણાવ્યું હતું.—માત્થી ૬:૧૯-૩૩.

આજે યહોવાહના સાક્ષીઓ એ શિક્ષણ પ્રમાણે જીવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે. દાખલા તરીકે, એક યહોવાહના સાક્ષી ભાઈ ઈલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરે છે. આ ભાઈને તેમના શેઠે કામના કલાકો પછી પણ નિયમિત રીતે ઓવરટાઈમ કરવા કહ્યું ત્યારે, તેમણે શું કર્યું? તેમણે ના પાડી. કેમ કે તેમના જીવનમાં પૈસા કમાવવાં એ જ મહત્ત્વનું ન હતું. પણ તેમના માટે તો પોતાના કુટુંબ સાથે બાઇબલનો અભ્યાસ કરવો, સભામાં જવું અને ઈશ્વરનો પ્રચાર કરવો એ જ સૌથી મહત્ત્વનું હતું. તે પોતે મહેનતુ અને ભરોસાપાત્ર કામદાર હોવાથી, તેમના શેઠે પણ ઓવરટાઈમ કરવા દબાણ કર્યું નહિ. પરંતુ એનો અર્થ એવો નથી કે બધા જ શેઠ આપણી માન્યતાની કદર કરશે. એવું ન બને તો, આપણે કદાચ બીજી નોકરી પણ શોધવી પડે, જેથી નોકરી-ધંધો આપણા જીવન પર રાજ કરવા ન લાગે. તેમ છતાં, જેઓ રાજી-ખુશીથી યહોવાહ પરમેશ્વરના કહ્યાં પ્રમાણે કરે છે અને પ્રમાણિકતાથી કામ કરે છે તેઓને જલદીથી છૂટા કરવામાં આવતા નથી.—નીતિવચનો ૩:૫, ૬.

બધા કામમાં ખરો આનંદ અને સંતોષ મળશે

આ જગત વ્યવસ્થામાં આપણે ભલેને ગમે એ કામ કરતા હોઈએ, છતાં એમાં મુશ્કેલીઓ તો આવવાની જ છે. ખરું કહીએ તો, વેપાર-ધંધામાં કાલે શું થશે એની કોને ખબર છે? કદાચ કાલે પૈસાની કોઈ કિંમત જ ન હોય! પરંતુ આવું હંમેશાં ચાલશે નહિ. બહુ જ જલદી એવો સમય આવી રહ્યો છે, જ્યારે કોઈ બેકાર નહિ હોય. એટલું જ નહિ, પણ આપણે બધા જ કામમાંથી પૂરો આનંદ અને સંતોષ માણી શકીશું. એ કેવી રીતે બનશે અને એવા ફેરફારો કોણ લાવશે?

યહોવાહે તેમના ભક્ત યશાયાહને એ વિષે આમ કહ્યું હતું: “આગલી બીનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ, તેઓ મનમાં આવશે નહિ.” (યશાયાહ ૬૫:૧૭) અહીં યહોવાહ પોતાની નવી સરકાર વિષે જણાવી રહ્યા છે. તેમના રાજમાં એકદમ અલગ અને સારા લોકોનો જ સમાજ હશે.—દાનીયેલ ૨:૪૪.

ત્યારે લોકો કેવી રીતે કામ કરશે અને રહેશે? એ વિષે ભવિષ્યવાણી આમ કહે છે: “વળી તેઓ ઘરો બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે બીજો ખાશે, એવું થશે નહિ; કેમકે ઝાડના આયુષ્ય જેટલું મારા લોકોનું આયુષ્ય થશે, ને મારા પસંદ કરાએલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે. તેઓ નકામી મહેનત કરશે નહિ, ને ત્રાસ પામવા સારૂ પ્રજા ઉત્પન્‍ન કરશે નહિ; કેમકે તેઓની પ્રજા સુદ્ધાં તેઓ યહોવાહના આશીર્વાદિતોનાં સંતાન છે.”—યશાયાહ ૬૫:૨૧-૨૩.

ખરેખર, પરમેશ્વરના રાજમાં નવી દુનિયા કેવી સુંદર હશે! શું તમને એવી દુનિયામાં રહેવાનું ગમશે, જ્યાં તમે “નકામી મહેનત કરશો નહિ,” પણ પોતાની મહેનતનાં ફળ ખાશો? જરા નોંધ કરો કે, એ આશીર્વાદો કોને મળશે: “તેઓ યહોવાહના આશીર્વાદિતોનાં સંતાન છે.” તમે પણ એમાંના એક બની શકો છો! કઈ રીતે? યહોવાહ પરમેશ્વર વિષે સત્ય શીખીને અને તેમના માર્ગે ચાલીને તમે પણ યહોવાહનો આશીર્વાદ મેળવી શકશો. એના વિષે ઈસુએ આમ કહ્યું: “અનંતજીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેં મોકલ્યો છે તેને ઓળખે.” (યોહાન ૧૭:૩) તમે પણ પરમેશ્વરનું સત્ય શીખી શકો છો. યહોવાહના સાક્ષીઓ ખુશીથી તમને બાઇબલમાંથી પરમેશ્વર વિષે શીખવશે.

[પાન ૬ પર બોક્સ]

“તેઓની માંગ છે”

તમે ગમે એ નોકરી-ધંધો કરતા હોવ છતાં બાઇબલ કહે છે: “માણસોને સારૂ નહિ પણ જાણે પ્રભુને સારૂ છે, એમ સમજીને જે કંઈ તમે કરો, તે સઘળું ખરા દિલથી કરો.” (કોલોસી ૩:૨૩) એ ખરું છે કે જેઓ આ સિદ્ધાંતને લાગુ પાડે છે તેઓ માટે કામ શોધવું સહેલું બનશે. એ કારણથી, જે. જે. લુનાએ કોઈ જોઈ ન શકે એમ (અંગ્રેજી) નામના તેમના પુસ્તકમાં કંપનીના માલિકોને સલાહ આપી કે અમુક ધર્મના ધાર્મિક લોકોને જ કામે રાખવા જોઈએ. પરંતુ તેમણે કહ્યું: “હકીકતમાં અમે [યહોવાહના] સાક્ષીઓને જ કામે રાખીએ છીએ.” એમ કરવા માટે તેમણે ઘણાં કારણો આપ્યાં. એમાંનું એક કારણ એ છે કે, તેઓ દરેક રીતે પ્રમાણિક હોય છે. એના લીધે દરેક કામમાં તેઓની “હંમેશાં માંગ હોય” છે.

[પાન ૫ પર ચિત્ર]

નોકરી-ધંધો નહિ પણ પરમેશ્વરની સેવા અને કુટુંબ સાથે સમયે કાઢવાથી ખરી ખુશી મળે છે