સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“તમે મારા વચનમાં રહો”

“તમે મારા વચનમાં રહો”

“તમે મારા વચનમાં રહો”

“જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો.”—યોહાન ૮:૩૧.

૧. (ક) ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે પૃથ્વી પર શું છોડીને ગયા હતા? (ખ) આપણે કયા પ્રશ્નોની ચર્ચા કરીશું?

 ઈસુ ખ્રિસ્તે ખ્રિસ્તી ધર્મ શરૂ કર્યો હતો. તે સ્વર્ગમાં પાછા ગયા એ પહેલાં, પૃથ્વી પર કોઈ પુસ્તકો લખીને ગયા ન હતા. તે કોઈ મિલકત કે ધનદોલત પણ છોડી ગયા ન હતા. પરંતુ તે પોતાના શિષ્યોને પાછળ મૂકી ગયા હતા. તેમણે એ પણ જણાવ્યું હતું કે આપણે તેમના શિષ્ય બનવું હોય તો શું કરવું જોઈએ. ઈસુએ જણાવેલી એ ત્રણ મહત્ત્વની જરૂરિયાતો યોહાનના પુસ્તકમાં જોવા મળે છે. જો આપણે ઈસુના શિષ્ય થવું હોય તો, એ જરૂરિયાતો પૂરી કરવી જ જોઈએ. એ જરૂરિયાતો કઈ છે? એને પૂરી કરવા આપણે શું કરવું જોઈએ? શું કરવાથી આપણે ઈસુને પસંદ પડે એવા શિષ્યો બની શકીએ? *

૨. ઈસુના શિષ્ય બનવા માટેની મહત્ત્વની જરૂરિયાત કઈ છે?

ઈસુ પોતાના મરણના છ મહિના પહેલાં યરૂશાલેમ ગયા હતા. ત્યાં અઠવાડિયા સુધી ચાલતું માંડવાપર્વ ઉજવવા ઘણા લોકો આવ્યા હતા. ઈસુ તેઓને પ્રચાર કરવા લાગ્યા. એ અઠવાડિયાના લગભગ અધવચ્ચે “લોકોમાંથી ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો.” તેથી ઈસુએ પ્રચાર કરવાનું ચાલુ જ રાખ્યું. પરિણામે, પર્વના છેલ્લા દિવસે “ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો.” (યોહાન ૭:૧૦, ૧૪, ૩૧, ૩૭; ૮:૩૦) એ સમયે ઈસુએ પોતાના પર વિશ્વાસ કરનારા નવા શિષ્યો પર ખાસ ધ્યાન આપ્યું. ઈસુએ તેઓને પોતાના શિષ્ય બનવા માટેની મહત્ત્વની જરૂરિયાત પણ જણાવી. એ યોહાનના પુસ્તકમાં જોવા મળે છે: “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો.”—યોહાન ૮:૩૧.

૩. ઈસુના વચનમાં ટકી રહેવા આપણે શું કરવું જોઈએ?

જોકે, ઈસુએ ‘વચનમાં રહેવા’ કહ્યું એનો અર્થ એ ન હતો કે નવા શિષ્યોને તેમનામાં પૂરો વિશ્વાસ નથી. તે ખરેખર એમ જણાવતા હતા કે શિષ્યો બનવા માટે તેઓએ, ઈસુએ જે શીખવ્યું હતું એ પ્રમાણે ચાલવાનું હતું અને એમાં ટકી રહેવાનું હતું. તેઓએ ઈસુનો ઉપદેશ જરૂર સ્વીકાર્યો હતો. પણ હવે તેઓએ એ પ્રમાણે ચાલતા રહેવાનું હતું. (યોહાન ૪:૩૪; હેબ્રી ૩:૧૪) ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યો ટકી રહે એ ખૂબ જ મહત્ત્વનું છે. તેથી, તેમણે પ્રેષિતો સાથેની છેલ્લી ચર્ચામાં તેઓને અરજ કરતાં બે વાર આમ કહ્યું: “મને અનુસર.” (યોહાન ૨૧:૧૯, ૨૨, પ્રેમસંદેશ) શરૂઆતમાં ઘણા ખ્રિસ્તીઓએ એમ જ કર્યું હતું. (૨ યોહાન ૪) તેઓ શાની મદદથી ટકી રહ્યા?

૪. શરૂઆતના ખ્રિસ્તીઓ કઈ રીતે પરમેશ્વરના માર્ગમાં ટકી રહ્યા?

આશરે ૭૦ વર્ષથી ઈસુને વફાદાર રહેલા શિષ્ય યોહાને એક મહત્ત્વની બાબત પર ધ્યાન દોર્યું હતું. તેમણે વફાદાર ખ્રિસ્તીઓના વખાણ કરતા આમ કહ્યું: “તમે બળવાન છો, અને દેવનું વચન તમારામાં રહે છે, ને તમે દુષ્ટને જીત્યો છે.” હા, ખ્રિસ્તના એ શિષ્યો ટકી રહ્યા હતા, તેઓએ પરમેશ્વરના વચનોને ખરેખર અમલમાં મૂક્યા હતા. વળી, તેઓ એની દિલથી કદર પણ કરતા હતા. (૧ યોહાન ૨:૧૪, ૨૪) એ જ રીતે, આપણે પણ ‘અંત સુધી ટકી રહેવા’ પરમેશ્વરના વચનોને આપણા દિલમાં ઉતારવા જોઈએ. (માત્થી ૨૪:૧૩) આપણે કઈ રીતે એમ કરી શકીએ? એનો જવાબ ઈસુએ આપેલા દૃષ્ટાંતમાં જોવા મળે છે.

“ઈશ્વરનું વચન સાંભળીને”

૫. (ક) ઈસુએ દૃષ્ટાંતમાં કેવા પ્રકારની જમીનનો ઉલ્લેખ કર્યો? (ખ) બી અને જમીન કોને દર્શાવે છે?

ઈસુએ બી વાવનારનું સરસ દૃષ્ટાંત આપ્યું હતું. એ માત્થી, માર્ક અને લુકના પુસ્તકમાં જોવા મળે છે. (માત્થી ૧૩:૧-૯, ૧૮-૨૩; માર્ક ૪:૧-૯, ૧૪-૨૦; લુક ૮:૪-૮, ૧૧-૧૫) તમે એને વાંચશો તેમ જોવા મળશે કે એકસરખા બી જુદા જુદા પ્રકારની જમીન પર પડે છે ત્યારે, એના કેવા પરિણામો આવે છે. પહેલી જમીન કઠણ હોય છે, બીજા પ્રકારની જમીનમાં ખાલી ઉપર ઉપર જ માટી હોય છે. ત્રીજી જમીન કાંટાળી હોય છે. ચોથા પ્રકારની જમીન એકદમ “સારી” હોય છે. ઈસુએ સમજાવ્યું કે બી પરમેશ્વરના રાજ્યનો સંદેશો છે જે બાઇબલમાં જોવા મળે છે. જમીન જુદા જુદા પ્રકારના લોકોને બતાવે છે. ભલે એ લોકોમાં અમુક બાબતો સામાન્ય છે, પણ સારી જમીનવાળા લોકો બીજા ત્રણ પ્રકારની જમીન કરતાં એકદમ અલગ પડે છે.

૬. (ક) સારી જમીન બીજી ત્રણ પ્રકારની જમીનથી કઈ રીતે અલગ છે અને એનો શું અર્થ થાય છે? (ખ) ખ્રિસ્તના શિષ્યો તરીકે ટકી રહેવા શું કરવું જોઈએ?

લુક ૮:૧૨-૧૫નો અહેવાલ બતાવે છે કે ચારેય પ્રકારના લોકો પરમેશ્વરનો સંદેશો સાંભળે છે. પરંતુ જેઓ ચોખ્ખા દિલના છે તેઓ સંદેશાને ફક્ત સાંભળતા જ નથી, પણ એને ‘ગ્રહણ કરીને ધીરજથી ફળો પેદા કરે છે.’ સારી જમીન પોચી અને ઊંડી હોય છે. તેથી એમાં બીજના મૂળ ઊંડે સુધી પ્રસરે છે. પરિણામે, બી ઊગે છે અને ફળ પણ આપે છે. (લુક ૮:૮) એવી જ રીતે, સારા દિલના લોકો પરમેશ્વરના વચનો શીખીને દિલમાં ઉતારે છે. (રૂમીઓને પત્ર ૧૦:૧૦; ૨ તીમોથી ૨:૭) પરમેશ્વરના વચનો તેઓના દિલમાં રહે છે. તેથી, તેઓ એમાં ટકી રહે છે અને ફળો ઉપજાવે છે. આપણે પણ ખ્રિસ્તના શિષ્યો તરીકે ટકી રહેવું હોય તો, પરમેશ્વરના વચનો માટે પ્રેમ કેળવવો જોઈએ. (૧ તીમોથી ૪:૧૫) આપણે એમ કઈ રીતે કરી શકીએ?

હૃદયની સ્થિતિ અને વિચારવું

૭. બાઇબલ સારા હૃદયને કઈ પ્રવૃત્તિ સાથે સરખાવે છે?

નોંધ લો કે બાઇબલ સારા હૃદયને કઈ પ્રવૃત્તિ સાથે સરખાવે છે. “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે.” (નીતિવચનો ૧૫:૨૮) ‘હે યહોવાહ, મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાઓ.’ (ગીતશાસ્ત્ર ૧૯:૧૪) ‘મારા હૃદયના ઉદ્‍ગારો [વિચારો] સમજણ પ્રગટ કરશે.’—ગીતશાસ્ત્ર ૪૯:૩, IBSI.

૮. (ક) આપણે બાઇબલ વાંચતા હોય ત્યારે શું ન કરવું જોઈએ? (ખ) પરમેશ્વરના વચનો પર પ્રાર્થના કરીને વિચાર કરવાથી શું લાભ થઈ શકે? (“સત્યમાં સ્થિર” બૉક્સ પણ જુઓ.)

બાઇબલના આ લેખકોની જેમ, આપણે પણ પરમેશ્વરના વચનો અને તેમના કાર્યો પર પ્રાર્થના કરીને વિચાર કરવો જોઈએ. આપણે બાઇબલ કે આપણાં પ્રકાશનો વાંચીએ ત્યારે, ઉતાવળ કરવી ન જોઈએ. દાખલા તરીકે, જો તમે કોઈ જગ્યાએ ફરવા જાવ તો, શું ફટાફટ ફોટા પાડીને એક જ દિવસમાં બધી જોવાલાયક જગ્યાઓ ફરી લેશો? ના. એ જ રીતે આપણે નામ પૂરતું બાઇબલ વાંચવું ન જોઈએ. પણ થોડો સમય કાઢીને એના પર વિચાર કરવો જોઈએ. એમ કરવાથી આપણે બીજાઓને પણ સારી રીતે શીખવી શકીશું. * આપણે જે વાંચ્યું હોય એના પર શાંતિથી મનન કરીશું તો, પરમેશ્વરના વચનોની આપણા આચાર-વિચાર પર જરૂર સારી અસર પડશે. એ આપણી લાગણીઓને ઢંઢોળશે અને આપણને સારી રીતે વિચાર કરવા મદદ કરશે. પછી આપણે ખુલ્લા દિલથી આપણા વિચારો પરમેશ્વરને પ્રાર્થનામાં જણાવી શકીશું. પરિણામે, યહોવાહમાં આપણો વિશ્વાસ દૃઢ થશે અને ગમે તેવી મુશ્કેલીમાં પણ પરમેશ્વર માટેનો પ્રેમ ઈસુને પગલે ચાલવા મદદ કરશે. (માત્થી ૧૦:૨૨) ખરેખર, આપણે અંત સુધી વફાદાર રહેવું હોય તો, પરમેશ્વર જે કહે છે એના પર આપણે મનન કરીએ એ ખૂબ મહત્ત્વનું છે.—લુક ૨૧:૧૯.

૯. સાચા દિલથી પરમેશ્વરનું વચન પાળતા રહેવા આપણે શું કરવું જોઈએ?

ઈસુનું દૃષ્ટાંત એ પણ બતાવે છે કે બી ફૂટીને છોડ બને એમાં ઘણી મુશ્કેલીઓ આવશે. એટલે કે પરમેશ્વરનું સત્ય શીખ્યા પછી એ પ્રમાણે આપણે જીવવા ચાહતા હોઈએ તો, જીવનમાં ઘણી અડચણો આવી શકે. તેથી, આપણે ઈસુના વહાલા શિષ્યો બનવા માગતા હોય તો, બે બાબત જરૂર કરવી જોઈએ. એક તો, દૃષ્ટાંતમાં બતાવેલી જુદી જુદી જમીન જેવી મુશ્કેલીઓને ઓળખવી જોઈએ. બીજું, એ મુશ્કેલીઓને ટાળવા કે હલ કરવા માટે પગલાં લેવાં જોઈએ. આમ કરીને આપણે ખાતરી રાખી શકીશું કે આપણા દિલમાં યહોવાહના રાજ્યનું બી વાવીએ છીએ અને ફળો પેદા કરીએ છીએ.

“રસ્તા પર”—જેઓ જીવનની ચિંતાઓમાં ડૂબી જાય છે

૧૦. ઈસુના દૃષ્ટાંતમાં પહેલા પ્રકારની જમીન કેવી છે અને એનો શું અર્થ થાય છે?

૧૦ સૌથી પહેલાં બી એવા પ્રકારની જમીન પર પડે છે જે “રસ્તા પર” હોય છે. એ બી “પગ નીચે કચડાઈ જાય” છે. (લુક ૮:૫, પ્રેમસંદેશ) રસ્તા પર ઊગી નીકળતા છોડ આવતા જતા લોકોના પગ નીચે કચડાઈ જાય છે. (માર્ક ૨:૨૩) એવી જ રીતે, જેઓ જગતની લાલચોને પોતાના જીવન પર રાજ કરવા દે છે, તેઓને પરમેશ્વરના વચનોની કદર કરવી ખૂબ અઘરું લાગે છે. તેઓ પરમેશ્વરના રાજ્ય વિષે શીખે તો છે, પણ પોતાના દિલમાં ઉતારતા નથી. તેથી તેઓ પર એની કોઈ જ અસર થતી નથી. તેઓ પરમેશ્વરના વચનો માટે પ્રેમ વિકસાવે એ પહેલાં જ “શેતાન આવીને તેમના હૃદયોમાંથી સંદેશો લઈ જાય છે” જેથી “તેઓ વિશ્વાસ કરીને ઉદ્ધાર ન પામે.” (લુક ૮:૧૨, પ્રેમસંદેશ) આપણી સાથે એવું ન થાય એ માટે શું કરી શકીએ?

૧૧. આપણું હૃદય કઠણ જમીન જેવું ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ?

૧૧ આપણું હૃદય રસ્તા પરની જમીન જેવું ન થાય એ માટે શું કરવું જોઈએ? લોકો જે રસ્તા પર આવજાવ કરતા હોય છે, એ જમીન કઠણ બની જાય છે. એમ ન થાય એ માટે રસ્તો બંધ કરીને જમીન ખેડવામાં આવે તો, એ ફળદ્રુપ બનશે. એવી જ રીતે, જો આપણે પરમેશ્વરના વચનોનો અભ્યાસ કરીને એના પર મનન કરીશું તો, આપણું હૃદય પણ ફળ ઉપજાવતી જમીન જેવું થશે. પણ એ માટે આપણે જીવનની બાબતોમાં જ રચ્યાપચ્યા રહેવું ન જોઈએ. (લુક ૧૨:૧૩-૧૫) એના બદલે, આપણે જીવનમાં “જે શ્રેષ્ઠ છે” એના પર વિચાર કરવા સમય કાઢવો જોઈએ.—ફિલિપી ૧:૯-૧૧.

“પથ્થરવાળી ભોંય”—ડરપોક હોવું

૧૨. બીજા પ્રકારની જમીનમાં છોડ શા માટે ચીમળાઈ જાય છે?

૧૨ બીજા પ્રકારની જમીન પર બી પડે છે ત્યારે, પહેલાની જેમ એ ફક્ત જમીન પર જ નથી રહેતા. એ બી માટીમાં ફૂટી નીકળે છે અને છોડ બને છે. પરંતુ, સૂર્ય ઊગે છે ત્યારે એના તાપથી છોડ ચીમળાઈ જાય છે. પણ હકીકત શું છે? શું છોડ ખરેખર તાપથી ચીમળાઈ જાય છે? ના. તાપથી તો છોડ વધારે ખીલતા હોય છે. તો છોડ શા માટે ચીમળાઈ જાય છે? ઈસુ એનું કારણ આપતા કહે છે કે ત્યાં “માટીનું ઊંડાણ ન હતું.” અને “જડ નહિ હોવાથી તે સુકાઈ ગયાં.” (માત્થી ૧૩:૫, ૬; લુક ૮:૬) એ પથ્થરવાળી ભોંય હોવાથી, બી ઊગી તો નીકળે છે પણ તેના મૂળ અંદર જઈ શકતા ન હોવાથી છોડ ચીમળાઈ જાય છે. કેમ કે જમીનમાં પૂરતી માટી હોતી નથી.

૧૩. પથ્થરવાળી ભોંય જેવા લોકો કોણ છે અને તેઓ શાને કારણે ડરી જાય છે?

૧૩ પથ્થરવાળી જમીન એવા લોકોને બતાવે છે જેઓ “વચન સાંભળીને હરખથી તેને માની લે છે,” અને “થોડીવાર સુધી” ઈસુને પગલે પણ ચાલે છે. (લુક ૮:૧૩) પરંતુ, સૂર્યની જેમ “વિપત્તિ અથવા સતાવણી” આવે છે ત્યારે તેઓ ડરી જાય છે. પછી પરમેશ્વરના વચનોમાં તેઓનો ઉત્સાહ મંદ પડી જાય છે અને ખ્રિસ્તને પગલે ચાલવાનું બંધ કરી દે છે. (માત્થી ૧૩:૨૧) પરંતુ તેઓના ડરવાનું મુખ્ય કારણ સતાવણી નથી. ઈસુ ખ્રિસ્તના અગણિત શિષ્યો અનેક પ્રકારની સતાવણી આજે અનુભવી રહ્યા છે, છતાં તેઓ વફાદાર રહે છે. (૨ કોરીંથી ૨:૪; ૭:૫) જેઓ ડરી જાય છે અને પરમેશ્વરની સેવામાં પાછા પડે છે એનું મુખ્ય કારણ પથ્થરવાળી ભોંય જેવું તેઓનું હૃદય છે. એ કારણથી તેઓ પરમેશ્વરની સેવામાં ટકી રહેવા ઉત્તેજનભરી બાબતો પર વિચાર કરતા નથી. પરિણામે, સતાવણી કે આપત્તિ આવે ત્યારે તેઓ ટકી શકતા નથી. કેમ કે, યહોવાહના વચનો પર તેઓને પૂરો વિશ્વાસ હોતો નથી. તો પછી, દૃઢ વિશ્વાસ કેળવવા માટે આપણે શું કરવું જોઈએ?

૧૪. આપણું દિલ પથ્થર જેવું ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ?

૧૪ આપણે દરેકે ખાતરી કરવી જોઈએ કે આપણા દિલમાં દુશ્મની, સ્વાર્થ કે એના જેવા બીજા કોઈ પણ પથ્થર જેવા અવગુણો ઘર ન કરી જાય. એવા અવગુણો આપણા દિલમાં હોય તોપણ, પરમેશ્વરના વચનો એને દૂર કરવા શક્તિમાન છે. (યિર્મેયાહ ૨૩:૨૯; એફેસી ૪:૨૨; હેબ્રી ૪:૧૨) એ વચનો પર પ્રાર્થના કરીને વિચાર કરીશું તો, પરમેશ્વરના વચનો આપણા દિલમાં રોપાશે. (યાકૂબ ૧:૨૧) એનાથી, તમે નિરાશાનો સામનો કરી શકશો અને ગમે તેવી મુશ્કેલી આવે તોપણ પરમેશ્વરને વફાદાર રહી શકશો.

“કાંટાળી જમીનમાં”—જેઓ બે મન વાળા છે

૧૫. (ક) ત્રીજા પ્રકારની જમીન કઈ રીતે આપણું ધ્યાન ખેંચી લે છે? (ખ) કાંટાળી જમીનમાં આખરે છોડનું શું થાય છે અને શા માટે?

૧૫ ત્રીજા પ્રકારની જમીનમાં જ્યાંને ત્યાં કાંટા-ઝાંખરા ઊગી નીકળ્યા છે. પરંતુ, નોંધ લો કે આ જમીન પણ સારી જમીન જેવી છે. સારી જમીનની જેમ, કાંટાળી જમીનમાં પણ બીજ ફૂટી નીકળે છે અને એના મૂળ જમીનમાં પ્રસરવા લાગે છે. પણ સારી જમીનથી અલગ, આ કાંટાળી જમીનમાં સમય જતા છોડ સૂકાઈ જાય છે. કેમ કે ‘કાંટા-ઝાંખરા વધીને તેઓને ઊગતાં જ દાબી દે છે.’ થોડા સમય માટે બંને છોડ સાથે ઊગે છે, પરંતુ પછીથી કાંટાંઓ પોષણ અને પ્રકાશ લઈ લે છે તથા જમીનમાં ચારે બાજુ એનાં મૂળ ફેલાવી દે છે. તેથી, ત્યાં બીજા છોડ ઊગી શકતા નથી. —લુક ૮:૭, IBSI.

૧૬. (ક) કાંટાળી જમીન કેવા લોકોને દર્શાવે છે? (ખ) માત્થી, માર્ક અને લુક પ્રમાણે કાંટાઓ કોને રજૂ કરે છે?—ફૂટનોટ જુઓ.

૧૬ આ કાંટાળી જમીન કેવા લોકોને દર્શાવે છે? ઈસુએ સમજાવ્યું: “જેઓએ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતાં ચાલતાં સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી.” (લુક ૮:૧૪) કાંટાળી જમીનમાં બીજ સાથે જ કાંટા પણ ઊગી નીકળે છે. એ જ રીતે, અમુક લોકો પરમેશ્વરનું સત્ય શીખે છે અને માને પણ છે. પરંતુ એ જ સમયે તેઓ “સંસારની ચિંતા” અને મોજમઝામાં ડૂબેલા હોય છે. આમ, તેઓને દહીં-દૂધ બંનેમાં પગ રાખવો છે. તેથી તેઓ બેમાંથી એક પસંદ કરી શકતા નથી. (લુક ૯:૫૭-૬૨) એ કારણથી તેઓ પાસે પરમેશ્વરના વચનો પર પ્રાર્થના કરીને મનન કરવા સમય હોતો નથી. તેઓ પરમેશ્વરનાં વચનોને પૂરેપૂરાં સમજી શકતા નથી અને એની કદર પણ કરતા નથી, જે વિશ્વાસમાં ટકી રહેવા ખૂબ જરૂરી છે. છેવટે દુન્યવી ચિંતાઓ અને મોજમઝામાં ધીરે ધીરે તેઓનો વિશ્વાસ રુંધાઈ જાય છે. * યહોવાહને જેઓ પૂરા દિલથી ચાહતા નથી તેઓ માટે કેવું દુઃખદ પરિણામ!—માત્થી ૬:૨૪; ૨૨:૩૭.

૧૭. આપણે કાંટાળી જમીન જેવી જીવનની ચિંતાઓમાં દબાઈ ન જઈએ એ માટે શું કરવું જોઈએ?

૧૭ જો આપણે પૈસા કે સંસારની ચિંતાઓને બદલે પરમેશ્વરના વચનો પર પહેલા વિચાર કરીશું તો, જગતના મોજશોખથી આવતા દુઃખો નીચે આપણે દબાઈ જઈશું નહીં. (માત્થી ૬:૩૧-૩૩; લુક ૨૧:૩૪-૩૬) એ માટે આપણે બાઇબલ વાંચીને એના પર મનન કરવા કદી ઢીલ ન કરવી જોઈએ. આપણે જેટલું સાદું જીવન જીવીશું તેમ, આપણને પ્રાર્થના અને મનન કરવામાં વધારે સમય મળશે. (૧ તીમોથી ૬:૬-૮) જ્યારે પણ યહોવાહના સેવકોએ એમ કર્યું છે ત્યારે, તેઓએ પરમેશ્વરના આશીર્વાદો અનુભવ્યા છે. તેઓએ વિશ્વાસના મૂળ ફેલાવવા પૂરતી જગ્યા, પોષણ અને પ્રકાશ મળે એ માટે જીવનમાંથી કાંટા-ઝાંખરાં જેવી જગતની માયાને દૂર કરી છે. છવ્વીસ વર્ષની સાન્ડ્રા કહે છે: “સત્યમાં મને મળેલા આશીર્વાદોનો હું વિચાર કરું છું ત્યારે, મને સમજાય છે કે એની સરખામણીમાં જગત મને કંઈ જ આપી શકે એમ નથી!”—ગીતશાસ્ત્ર ૮૪:૧૧.

૧૮. પરમેશ્વરનાં વચનોને હૃદયમાં ઉતારીને વિશ્વાસમાં ટકી રહેવા આપણે શું કરવું જોઈએ?

૧૮ હા, આપણે ભલેને યુવાન કે વૃદ્ધ હોય, જ્યાં સુધી આપણા દિલમાં યહોવાહનું સત્ય હશે ત્યાં સુધી આપણે ખ્રિસ્તના શિષ્યો તરીકે વિશ્વાસમાં ટકી રહીશું. ચાલો, આપણે ધ્યાન રાખીએ કે આપણું હૃદય કદી પણ કઠણ, પથરાળ કે કાંટાળી જમીન જેવું બની ન જાય. એના બદલે, આપણા હૃદયને હંમેશાં નરમ અને ફળદ્રૂપ જમીન જેવું રાખીએ. એમ કરવાથી આપણે પરમેશ્વરનાં વચનોને આપણા હૃદયમાં ઉતારી શકીશું અને “ધીરજથી ફળ” આપનારા બનીશું.—લુક ૮:૧૫.

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં આપણે પહેલી જરૂરિયાતની ચર્ચા કરીશું. બાકીની બે પછીના બીજા બે લેખોમાં ચર્ચા કરીશું.

^ બાઇબલનો અમુક ભાગ વાંચ્યા પછી, એના પર પ્રાર્થના કરીને વિચારીએ ત્યારે પોતાને આમ પૂછવું જોઈએ: ‘આમાં યહોવાહના કયા ગુણો જોવા મળે છે? એ બાઇબલના મૂળ વિષય સાથે કઈ રીતે જોડાયેલું છે? હું એને મારા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકું? અથવા બીજાઓને મદદ કરવા હું કઈ રીતે એનો ઉપયોગ કરી શકું?’

^ માત્થી, માર્ક અને લુકમાં ઈસુના દૃષ્ટાંત પ્રમાણે, બીજ આ જગતના મોજશોખ અને દુઃખો નીચે દબાઈ ગયું છે: “આ કાળની ચિંતાઓ તથા દોલતની માયા,” “ધન પ્રત્યેનો લોભ” અને “સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસ.”—માર્ક ૪:૧૯; માત્થી ૧૩:૨૨, પ્રેમસંદેશ; લુક ૮:૧૪; યિર્મેયાહ ૪:૩, ૪.

તમે શું કહેશો?

• શા માટે આપણે ઈસુનાં વચનમાં રહેવું જ જોઈએ?

• આપણે કઈ રીતે પરમેશ્વરનાં વચનોને આપણા હૃદયમાં ઉતારી શકીએ?

• ઈસુના દૃષ્ટાંતમાં, ચારેય પ્રકારની જમીન કેવા લોકોને દર્શાવે છે?

• પરમેશ્વરનાં વચનો પર મનન કરવા તમે કઈ રીતે સમય કાઢી શકો?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]

“સત્યમાં સ્થિર”

ખ્રિસ્તના શિષ્યોએ લાંબા સમયથી બતાવી આપ્યું છે કે તેઓ ખરેખર “સત્યમાં સ્થિર” છે. (૨ પીતર ૧:૧૨) સત્યમાં ટકી રહેવા તેઓને શામાંથી મદદ મળી છે? ચાલો આપણે તેઓમાંથી કેટલાકને સાંભળીએ.

“હું રોજ રાતે બાઇબલમાંથી થોડું વાંચું છું અને પછી પ્રાર્થના કરું છું. ત્યાર બાદ, મેં જે વાંચ્યું એના પર મનન કરું છું.”—જીન, ૧૯૩૯માં બાપ્તિસ્મા લીધું.

“યહોવાહ કેટલા મહાન છે, તોપણ તે આપણને ખૂબ ચાહે છે. હું એના પર મનન કરું છું ત્યારે, મને તેમને વફાદાર રહેવા ખૂબ હિંમત મળે છે.”—પ્રેટ્રેશ્યા, ૧૯૪૬માં બાપ્તિસ્મા લીધું.

“હું નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરું છું અને ‘દેવના ઊંડા વિચારોમાં’ તલ્લીન રહું છું. એનાથી મને યહોવાહની સેવામાં લાગુ રહેવા ઘણી શક્તિ મળી છે.”—૧ કોરીંથી ૨:૧૦; અન્‍ના, ૧૯૩૯માં બાપ્તિસ્મા લીધું.

“હું મારા હૃદયને અને વિચારોને તપાસવા બાઇબલ અને આપણા પ્રકાશનો વાંચું છું.”—ઝેલ્ડા, ૧૯૪૩માં બાપ્તિસ્મા લીધું.

“હું ચાલવા જઉં છું ત્યારે, યહોવાહ સાથે પ્રાર્થનામાં વાત કરું છું અને તેમને મારી લાગણીઓ જણાવું છું. એ મારા માટે સૌથી સારો સમય છે.”—રાલ્ફ, ૧૯૪૭માં બાપ્તિસ્મા લીધું.

“હું દિવસની શરૂઆત દૈનિક વચનથી અને બાઇબલ વાંચીને કરું છું. એનાથી મને સારું લાગે છે અને દિવસ દરમિયાન હું એના પર મનન કરું છું.”—મારીઆ, ૧૯૩૫માં બાપ્તિસ્મા લીધું.

“હું બાઇબલની એક પછી એક કલમની સમજણ આપતા પુસ્તકો વાંચું છું ત્યારે, મને ખૂબ ઉત્તેજન મળે છે.”—દાનિયેલ, ૧૯૪૬માં બાપ્તિસ્મા પામ્યા.

તમે કયા સમયે પરમેશ્વરનાં વચનો પર મનન કરો છો?—દાનીયેલ ૬:૧૦; માર્ક ૧:૩૫; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯.

[પાન ૧૩ પર ચિત્ર]

પરમેશ્વરનાં વચનોને પ્રથમ રાખીને આપણે “ધીરજથી ફળ” આપનારા બની શકીએ