સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મેમોરિયલ શા માટે ઉજવવું જોઈએ?

મેમોરિયલ શા માટે ઉજવવું જોઈએ?

મેમોરિયલ શા માટે ઉજવવું જોઈએ?

“પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું.”—૧ કોરીંથી ૧૧:૨૩.

૧, ૨. ઈસવી સન ૩૩માં, પાસ્ખા પર્વની સાંજે ઈસુએ શું કર્યું હતું?

 એ ૩૧મી માર્ચ, ઈસવી સન ૩૩ની સાંજ હતી. ધીમે ધીમે સાંજ ઢળી રહી હતી તેમ, ચંદ્ર સોળે કળાએ ખીલી રહ્યો હતો. યરૂશાલેમના એક ઘરમાં, યહોવાહ પરમેશ્વરના પુત્ર ઈસુ પોતાના ૧૧ મિત્રો સાથે ભેગા થયા હતા. આ મિત્રોએ ઈસુના સુખમાં અને દુઃખમાં પૂરો સાથ આપ્યો હતો. (લુક ૨૨:૨૮) તેઓએ પાસ્ખા પર્વની ઉજવણી પૂરી કરી. પછી, ઈસુએ દગાખોર યહુદા ઇસ્કારીઓતને બહાર મોકલી દીધો. હવે ઈસુ બહુ જ મહત્ત્વના પ્રસંગની શરૂઆત કરી રહ્યા હતા.

એ પ્રસંગમાં માત્થી પણ હતા. તેમણે લખ્યું: “ઈસુએ રોટલી લઈને, તથા આશીર્વાદ માગીને ભાંગી; અને શિષ્યોને તે આપીને કહ્યું, કે લો, ખાઓ; એ મારૂં શરીર છે. અને તેણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, કે તમે સહુ એમાંનું પીઓ. કેમકે નવા કરારનું એ મારૂં લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારૂ વહેવડાવવામાં આવે છે.” (માત્થી ૨૬:૨૬-૨૮) ઈસુએ શા માટે એમ કર્યું? શું આજે આપણે પણ એ પ્રસંગ ઉજવવો જોઈએ?

‘મારી યાદગીરીમાં એ કરતા રહો’

૩. ઈસુએ ઉજવેલો પ્રસંગ કેટલો મહત્ત્વનો હતો? પાઊલે એના પર કઈ રીતે ભાર મૂક્યો?

એ નીસાન ૧૪ની સાંજ હતી અને ઈસુએ ઉજવેલો એ પ્રસંગ જેવો તેવો ન હતો. એ પ્રસંગ એટલો મહત્ત્વનો હતો, કે કોરીંથનું મંડળ ૨૦ વર્ષો પછી પણ એને ઉજવતું હતું. તેથી, પાઊલે તેઓને લખ્યું: ‘પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે, જે રાતે પ્રભુ ઈસુને દગો કરવામાં આવ્યો, તે રાતે તેણે રોટલી લીધી; અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું, કે એ મારૂં શરીર છે, એને તમારે સારૂ ભાંગવામાં આવ્યું છે; મારી યાદગીરીને સારૂ એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી, તેણે પ્યાલો લીધો, અને કહ્યું, કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે; તમે જેટલી વાર એમાંનું પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારૂ તે કરો.’ (૧ કોરીંથી ૧૧:૨૩-૨૫) જો કે પાઊલ એ પ્રસંગે ઈસુ સાથે ન હતા, તો તેમને આ વિષે કઈ રીતે ખબર પડી? પાઊલે અમુક પ્રેષિતો પાસેથી તો એ જાણ્યું જ હશે. તેમ જ, તેમને થયેલા સંદર્શનથી પણ તેમના મનમાં એની ખાતરી થઈ હશે.

૪. આપણે શા માટે એ પ્રસંગ ઉજવવો જ જોઈએ?

લુકે પણ ઈસુની આજ્ઞા જણાવી: “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) આપણને પણ એ આજ્ઞા લાગુ પડે છે. ઘણી વાર આ પ્રસંગને, ખ્રિસ્તના મરણની યાદગીરી કે મેમોરિયલ કહેવાય છે. પાઊલે એને પ્રભુનું ભોજન પણ કહ્યું હતું. (૧ કોરીંથી ૧૧:૨૦) પરંતુ, એ ઉજવણી શા માટે કરવામાં આવી હતી?

મેમોરિયલનો હેતુ

૫, ૬. (ક) ઈસુના મરણથી શું સાબિત થયું? (ખ) મેમોરિયલથી કઈ રીતે યહોવાહ અને ઈસુનો પ્રેમ દેખાય આવે છે?

આ પ્રસંગથી આપણે જોઈએ છીએ, કે ફક્ત યહોવાહને જ રાજ કરવાનો હક્ક છે. શેતાને આરોપ મૂક્યો હતો કે આપણે સ્વાર્થને કારણે જ યહોવાહને ભજીએ છીએ. એને બદલે, ઈસુએ એ રાજ માટે પોતાનો જીવ આપી દીધો. આમ, તેમણે શેતાનને જૂઠો ઠરાવ્યો. (અયૂબ ૨:૧-૫) ઈસુની આવી વફાદારીથી યહોવાહનું દિલ કેટલું ખુશ થયું હશે!—નીતિવચનો ૨૭:૧૧.

મેમોરિયલ આપણને બીજું શું યાદ અપાવે છે? એ શીખવે છે કે ઈસુએ તેમનું સંપૂર્ણ જીવન આપણા માટે આપ્યું. પરંતુ, શા માટે? આદમે યહોવાહના રાજ કરવાના હક્ક સામે અવાજ ઊઠાવ્યો અને તે પાપી બન્યો. બાઇબલ કહે છે: ‘પાપનો પગાર મરણ છે; પણ ઈશ્વરે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જીવનની અમૂલ્ય ભેટ આપી છે.’ (રોમનો ૬:૨૩, પ્રેમસંદેશ) ખરેખર, ‘દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકનો એક દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) આ રીતે ઈસુએ ‘ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન આપ્યું.’ (માથ્થી ૨૦:૨૮, પ્રેમસંદેશ) યહોવાહ અને ઈસુએ આપણને કેટલો બધો પ્રેમ બતાવ્યો!

એ ક્યારે ઉજવવું જોઈએ?

૭. પસંદ થયેલા ભાઈ-બહેનો કઈ રીતે ઈસુના બલિદાનમાં વિશ્વાસ બતાવે છે?

ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા, યહોવાહે પોતાના પવિત્ર આત્માથી અમુક સેવકોને (અભિષિક્ત) પસંદ કર્યા છે. પાઊલે તેઓને કહ્યું: “જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો, અને પ્યાલો પીઓ છો, તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેનું મરણ પ્રગટ કરો છો.” (૧ કોરીંથી ૧૧:૨૬) આમ, તેઓ પોતાના મરણ સુધી, ઈસુના બલિદાનમાં પોતાનો વિશ્વાસ બતાવે છે.

૮. પસંદ થયેલાઓએ ક્યાં સુધી મેમોરિયલ પાળવું જોઈએ?

પસંદ થયેલા સેવકો ક્યાં સુધી મેમોરિયલ ઉજવતા રહેશે? પાઊલે કહ્યું તેમ, “પ્રભુના આવતાં સુધી.” એટલે કે ઈસુના રાજ દરમિયાન આ પસંદ થયેલા બધા સ્વર્ગમાં જાય, ત્યાં સુધી તેઓએ આ પ્રસંગ પાળતા રહેવું જોઈએ. (૧ થેસ્સાલોનીકી ૪:૧૪-૧૭) ખરું જોતાં, ઈસુએ પોતાના ૧૧ વફાદાર મિત્રોને એવું જ કહ્યું હતું: “જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ, તો હું પાછો આવીશ, અને તમને મારી પાસે લઈ જઈશ; જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો.”—યોહાન ૧૪:૩.

૯. માર્ક ૧૪:૨૫ પ્રમાણે ઈસુ શું કહેવા માંગતા હતા?

બાઇબલમાં દ્રાક્ષારસને આનંદ સાથે જોડે છે. (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૫; સભાશિક્ષક ૧૦:૧૯) તેથી, ઈસુએ તેમના વફાદાર મિત્રોને કહ્યું: “હું તમને ખચીત કહું છું, કે જે દહાડે હું દેવના રાજ્યમાં નવો નહિ પીઉં, તે દહાડા સુધી હું ફરી દ્રાક્ષાનો રસ પીનાર નથી.” (માર્ક ૧૪:૨૫) એનો અર્થ શું થાય? ઈસુનો કહેવાનો અર્થ હતો કે તેઓ બધા સ્વર્ગમાં ભેગા મળશે, ત્યારે જ તેમને ફરીથી આવી ખુશી થશે.—રૂમીઓને પત્ર ૮:૨૩; ૨ કોરીંથી ૫:૨.

૧૦. મેમોરિયલ કેટલી વાર ઉજવવું જોઈએ?

૧૦ મેમોરિયલ કેટલી વાર ઉજવવું જોઈએ? આજથી લગભગ ૩,૫૦૦ વર્ષો પહેલાં, યહોવાહે ઈસ્રાએલી પ્રજાને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવી. (નિર્ગમન ૧૨:૧૪) યહુદી કૅલેન્ડર પ્રમાણે, એ નીસાન ૧૪નો દિવસ હતો. એની યાદમાં ઈસ્રાએલી લોકોએ પાસ્ખા પર્વ ઉજવ્યું. એ ઉજવણી વર્ષમાં એક જ વાર થતી હતી. (નિર્ગમન ૧૨:૧-૬; લેવીય ૨૩:૫) ઈસુએ પાસ્ખા પર્વને દિવસે એ યાદગાર પ્રસંગ શરૂ કર્યો. એ જ દિવસે તેમને મારી નાખવામાં આવ્યા હતા. તેથી, મેમોરિયલ પણ વર્ષમાં ફક્ત એક જ વાર ઉજવવું જોઈએ. દર મહિને, દર અઠવાડિયે કે દરરોજ નહિ.

૧૧, ૧૨. ઇતિહાસ મેમોરિયલની તારીખ વિષે શું જણાવે છે?

૧૧ એ વિષે ધાર્મિક એન્સાયક્લોપેડિયા કહે છે: ‘એશિયા માઈનોરના ખ્રિસ્તીઓને ચૌદમીવાળા પણ કહેવામાં આવતા. એનું કારણ એ હતું કે તેઓ હંમેશાં નીસાન ૧૪મીએ પ્રભુનું ભોજન ઉજવતા હતા. . . . એ તારીખ શુક્રવારે કે બીજા કોઈ પણ દિવસે આવી શકે.’

૧૨ બીજી સદીના ચૌદમીવાળા વિષે એક ઇતિહાસકારે કહ્યું કે “તેઓ ખ્રિસ્તના ઉદાહરણને વળગી રહેતા હતા.” બીજા એક ઇતિહાસકારે કહ્યું: “બીજી સદીમાં જેવી રીતે યરૂશાલેમના ખ્રિસ્તીઓ પ્રભુનું ભોજન ઉજવતા, તેમ એશિયાના ખ્રિસ્તીઓ પણ ૧૪મી નીસાને ઉજવતા.”

રોટલીનો શું અર્થ થાય?

૧૩. ઈસુએ કેવી રોટલી વાપરી હતી?

૧૩ મેમોરિયલ પ્રસંગે ‘ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને તે ભાંગી, ને પ્રેષિતોને આપી.’ (માર્ક ૧૪:૨૨) પાસ્ખા પર્વમાં જેવી રોટલી વપરાતી એવી જ આ હતી. (નિર્ગમન ૧૩:૬-૧૦) આ રોટલીમાં તેલ, મીઠું એવું કશું જ ઉમેરવામાં આવતું નહિ. તેથી, એ પાપડ જેવી સૂકી અને કડક બનતી. એને વહેંચવા માટે તોડવી પડતી. ઈસુએ અગાઉ હજારોને એવી રોટલીથી જમાડ્યા ત્યારે પણ, તેમણે એને તોડીને વહેંચી હતી. (માત્થી ૧૪:૧૯; ૧૫:૩૬) આમ, એ સમયે મેમોરિયલમાં રોટલી તોડવી, કોઈ ધાર્મિક વિધિ ન હતી.

૧૪. (ક) મેમોરિયલની રોટલીમાં શા માટે કોઈ ભેળ-સેળ ન હોવી જોઈએ? (ખ) એ રોટલી કેવી રીતે બનાવી શકાય?

૧૪ ઈસુએ શા માટે આવી રોટલી વાપરી હતી? બાઇબલના સમયમાં રોટલીના લોટને ફૂલાવવા આથો ચડાવવામાં આવતો. આથો કે ખમીર ઘણી વાર પાપ કે બૂરાઈ સૂચવે છે. (૧ કોરીંથી ૫:૬-૮) પરંતુ, ઈસુ તો સંપૂર્ણ હતા, એટલે તેમણે આ રોટલી વાપરી, જેમાં કશું જ ઉમેરાયું ન હતું. કોઈ પણ પાપ વિનાના, ઈસુના શરીરનું બલિદાન આપણા ઉદ્ધારની કિંમત તરીકે આપવામાં આવ્યું. (હેબ્રી ૭:૨૬; ૧૦:૫-૧૦) તેથી, ઈસુએ કહ્યું: “એ મારૂં શરીર છે, એને તમારે સારૂ ભાંગવામાં આવ્યું છે.” (૧ કોરીંથી ૧૧:૨૪; માર્ક ૧૪:૨૨) આજે યહોવાહના સાક્ષીઓ પણ, ઈસુના પગલે ચાલીને મેમોરિયલમાં એવી જ રોટલી વાપરે છે. એવી રોટલી કઈ રીતે બનાવી શકાય? શક્ય હોય તો, ઘઉંનો લોટ વાપરો. એમાં થોડું પાણી નાખી લોટ બાંધો. પછી, લોટની રોટલી વણીને ચોખ્ખી તવી પર કડક થાય ત્યાં સુધી શેકો. અમુક દેશોમાં ભાઈઓ એવી રોટલી વાપરે છે, જેને યહુદી લોકો મેત્સો કહે છે.

દ્રાક્ષારસનો શું અર્થ થાય?

૧૫. ઈસુએ ઉજવેલા મેમોરિયલના પ્યાલામાં શું હતું?

૧૫ એ પ્રસંગે રોટલી ખાધા પછી, ઈસુએ દ્રાક્ષારસનો પ્યાલો લીધો અને ઈશ્વરનો આભાર માનીને શિષ્યોને આપ્યો; બધાંએ તેમાંથી પીધું. ઈસુએ તેઓને કહ્યું, કે ‘કરારનું આ મારૂં લોહી છે, કે જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે.’ (માર્ક ૧૪:૨૩, ૨૪) જ્યારે ગુજરાતી બાઇબલમાં દ્રાક્ષારસ શબ્દ આવે છે, ત્યારે એ ફક્ત દ્રાક્ષના રસની નહિ, પણ આથો ચડાવેલા દ્રાક્ષારસની વાત કરે છે. ઈસુએ કહ્યું કે, ‘જૂની મશકોમાં દ્રાક્ષારસ ભરીએ તો, એ ફાટી જાય.’ સાદા દ્રાક્ષના રસથી મશકો ફાટતી નથી, પણ એમાં આથો ચડે તો, ફૂલીને મશકો ફાટી જઈ શકે. બીજા કિસ્સામાં ઈસુના દુશ્મનોએ તેમના પર દ્રાક્ષારસ પીવાનો આરોપ મૂક્યો હતો.—માત્થી ૯:૧૭; ૧૧:૧૯.

૧૬, ૧૭. મેમોરિયલમાં ફક્ત કેવો દ્રાક્ષારસ વાપરવો જોઈએ અને શા માટે?

૧૬ ઈસુએ કહ્યું કે ‘કરારનું આ મારૂં લોહી છે, કે જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે.’ તેથી, ફક્ત લાલ દ્રાક્ષમાંથી બનેલો દ્રાક્ષારસ જ એ પ્રસંગે વપરાતો હતો. પ્રેષિત પીતરે કહ્યું: “તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતાં આવેલાં અવરથા આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે, નહિ; પણ ખ્રિસ્ત, જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, તેના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે.”—૧ પીતર ૧:૧૮, ૧૯.

૧૭ આપણા ઉદ્ધારની કિંમત ચૂકવવા ફક્ત ઈસુનું શુદ્ધ લોહી જ જરૂરી હતું. તેથી એ રજૂ કરવા, ઈસુએ લાલ દ્રાક્ષનો આથો ચડેલો દ્રાક્ષારસ જ વાપર્યો. એમાં બીજું કશું જ ઉમેરવામાં આવ્યું ન હતું. એ કારણે મેમોરિયલ માટે કોઈ પણ વાઇન, જેમાં કંઈક ઉમેરવામાં આવ્યું હોય, એ જરાય ચલાવી લેવાય નહિ.

૧૮. શું ઈસુએ લોહી અને દ્રાક્ષારસ ચમત્કારથી બદલી નાખ્યા હતા?

૧૮ અમુક લોકો માને છે કે ઈસુએ રોટલી અને દ્રાક્ષારસને ચમત્કારથી માંસ અને લોહીમાં બદલી નાખ્યા હતા. પરંતુ, માનવ માંસ ખાવું કે લોહી પીવું, એ યહોવાહની નજરમાં મહાપાપ છે. (ઉત્પત્તિ ૯:૩, ૪; લેવીય ૧૭:૧૦) તેથી, મેમોરિયલમાં વપરાતી રોટલી અને દ્રાક્ષારસ તો ફક્ત ઈસુના શરીર અને લોહીને રજૂ કરે છે. *પ્રસંગ પછી, ઈસુએ નીસાન ૧૪ની બપોરે પોતાનું સંપૂર્ણ શરીર બલિદાન કર્યું.

મેમોરિયલ, શાંતિનું અર્પણ

૧૯. આજે મેમોરિયલમાં કેટલા ગ્લાસ અને પ્લેટ વાપરી શકાય?

૧૯ એ પ્રસંગ વિષે માત્થીનું પુસ્તક કહે છે: “તેણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું, કે તમે સહુ એમાંનું પીઓ.” (માત્થી ૨૬:૨૭) એ સમયે ૧૧ શિષ્યો એક જ ટેબલની આજુ-બાજુ બેઠા હતા. તેથી, એ પ્યાલો કે ગ્લાસ એક પછી એકને આપવાનું સહેલું હતું. પરંતુ, આજે યહોવાહના સાક્ષીઓ લગભગ ૯૪,૦૦૦ મંડળોમાં આ પ્રસંગ માટે ભેગા થશે. તેથી, એકથી વધારે ગ્લાસ કે પ્લેટ વાપરવામાં કંઈ ખોટું નથી. જેથી, આખો પ્રસંગ સારી રીતે ઉજવાય. પરંતુ, શું ગ્લાસ અને પ્લેટ અમુક ડિઝાઈનના હોવા જોઈએ? ના, બાઇબલ એવું કંઈ જણાવતું નથી, છતાં આ પ્રસંગને શોભે એવા હોવા જોઈએ. વળી, પસાર કરતી વખતે છલકાય, એટલો બધો ગ્લાસ ભરી ન દઈએ, એનું ધ્યાન રાખવું.

૨૦, ૨૧. શા માટે કહી શકાય કે મેમોરિયલ શાંતિનું અર્પણ છે?

૨૦ મેમોરિયલ આપણે બધા ભેગા મળીને ઉજવીએ છીએ. તેમ જ ઈસ્રાએલના સમયમાં અમુક પ્રસંગોએ લોકો ભેગા મળતા. દાખલા તરીકે, કોઈ વ્યક્તિ શાંતિનું અર્પણ યહોવાહની વેદી પાસે લઈ આવતો. એમાંથી એક ભાગ વેદી પર બાળવામાં આવતો. બીજો ભાગ યાજક અને હારુનના પુત્રોને આપવામાં આવતો. તેમ જ, ત્રીજો ભાગ અર્પણ લાવનાર અને તેનું કુટુંબ પણ ખાતા. (લેવીય ૩:૧-૧૬; ૭:૨૮-૩૬) એવી જ રીતે, મેમોરિયલ પણ શાંતિનું અર્પણ કે ભેગા મળીને ઉજવેલો પ્રસંગ છે.

૨૧ શાંતિના અર્પણની જેમ, મેમોરિયલ પણ યહોવાહની ગોઠવણ છે. એમાં ઈસુ પોતે અર્પણ છે અને પસંદ થયેલા ભાઈ-બહેનો એમાં ભાગ લે છે. આમ, ભેગા મળીને જાણે યહોવાહ સાથે ખાવા-પીવાથી, શાંતિના સંબંધો બંધાય છે. તેથી, પાઊલે લખ્યું: “પ્રભુભોજનના પ્યાલા માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને તેમાંથી પીએ છીએ, ત્યારે શું આપણે ખ્રિસ્તના રક્તના ભાગીદાર નથી? વળી, જ્યારે રોટલી ખાઈએ છીએ, ત્યારે શું આપણે ખ્રિસ્તના શરીરના ભાગીદાર નથી? હવે રોટલી એક જ હોવાથી આપણે બધા ફક્ત એક જ રોટલીના ભાગીદાર થઈએ છીએ, અને આમ આપણે બધા ઘણા હોવા છતાં એક શરીર છીએ.”—૧ કોરીંથી ૧૦:૧૬, ૧૭, પ્રેમસંદેશ.

૨૨. મેમોરિયલ વિષે હજુ આપણે શું જાણવું જોઈએ?

૨૨ યહોવાહના સાક્ષીઓ દર વર્ષે ફક્ત આ જ પ્રસંગ ઉજવે છે. ઈસુએ પોતે આજ્ઞા આપી હતી: “મારી યાદગીરીમાં આ કરો.” (લુક ૨૨:૧૯) એ પ્રસંગથી આપણે જોઈએ છીએ કે કઈ રીતે ઈસુએ સાબિત કર્યું કે ફક્ત યહોવાહને જ રાજ કરવાનો હક્ક છે. તેમ જ, રોટલી ઈસુના શરીરને અને દ્રાક્ષારસ તેમના લોહીને રજૂ કરે છે. તોપણ, એ પ્રસંગે ફક્ત થોડાક જ રોટલી ખાય છે અને દ્રાક્ષારસ પીએ છે. એમ શા માટે? મેમોરિયલમાં મળતા બીજા લાખો લોકો વિષે શું? ખરું પૂછો તો, મેમોરિયલનું તમારા માટે શું મહત્ત્વ છે?

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ વૉલ્યુમ ૨, પાન ૨૭૧ જુઓ.

તમે કેવો જવાબ આપશો?

• ઈસુએ શા માટે મેમોરિયલની શરૂઆત કરી?

• કેટલી વાર મેમોરિયલ ઉજવવું જોઈએ?

• રોટલીનો શું અર્થ થાય છે?

• દ્રાક્ષારસનો શું અર્થ થાય છે?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

ઈસુએ મેમોરિયલની શરૂઆત કરી હતી