સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વેદી—ઉપાસનામાં કેટલી મહત્ત્વની છે?

વેદી—ઉપાસનામાં કેટલી મહત્ત્વની છે?

વેદી—ઉપાસનામાં કેટલી મહત્ત્વની છે?

શું તમને લાગે છે કે વેદી તમારી ઉપાસનામાં મહત્ત્વની છે? ચર્ચમાં જતી વ્યક્તિઓ માટે વેદીનું ખૂબ મહત્ત્વ હોય છે. પરંતુ, ચાલો આપણે જોઈએ કે બાઇબલ એ વિષે શું કહે છે?

બાઇબલ પ્રમાણે, સૌ પ્રથમ નુહે વેદી બાંધી હતી. પૂરના પાણી ઓસરી ગયા પછી, નુહે વહાણમાંથી બહાર નીકળીને વેદી પર પ્રાણીઓનું બલિદાન ચઢાવ્યું હતું. *ઉત્પત્તિ ૮:૨૦.

નુહના દિવસોથી માંડીને આજ સુધી, ઘણા લોકોએ પોતાના દેવી-દેવતાઓ માટે વેદીઓ બાંધી છે. અલગ અલગ ધર્મો અને સંસ્કૃતિઓના લોકોએ જૂઠી ઉપાસનામાં વેદીનો ઉપયોગ કર્યો છે. આમ યહોવાહથી દૂર જતા રહ્યા હોવાથી, લોકોએ માનવોની બલિ ચઢાવવાની શરૂ કરી. અરે, ઘણી વખત તો તેઓ ક્રૂર બનીને વેદી પર બાળકોની બલિ ચઢાવતા હતા. બાબેલમાં જ્યારે યહોવાહ પરમેશ્વરે ભાષા ગૂંચવી નાખી, ત્યાર પછી માણસજાત આખી પૃથ્વી પર ફેલાઈ ગઈ. (ઉત્પત્તિ ૧૧:૧-૯) પરમેશ્વરની ઉપાસના કરવાની ઇચ્છા માનવીઓમાં કુદરતી રીતે મૂકવામાં આવી છે. પરંતુ, તેઓ પરમેશ્વર વિષે બહુ જાણતા ન હતા. તેથી, તેઓ પરમેશ્વરને ‘આંધળી રીતે ફંફોસવા માંડ્યા.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭; રૂમીઓને પત્ર ૨:૧૪, ૧૫) તેઓ યહોવાહને તદ્દન ભુલી ગયા ત્યારે, ઈસ્રાએલના રાજાઓએ બઆલ જેવા દેવતાઓ માટે વેદીઓ બનાવી. (૧ રાજાઓ ૧૬:૨૯-૩૨) પરંતુ, સાચી ઉપાસનામાં વેદીઓના ઉપયોગ વિષે શું?

ઈસ્રાએલમાં સાચી ઉપાસના અને વેદીઓ

નુહ પછી બીજા વિશ્વાસુ માણસોએ પણ યહોવાહની ઉપાસના કરવા માટે વેદીઓ બાંધી. ઈબ્રામે શખેમ, બેથેલ નજીક, હેબ્રોન અને મોરીયાહ પર્વત પર કે જ્યાં તેમણે ઇસ્હાકના બદલે પરમેશ્વરે આપેલા ઘેંટાનું બલિદાન ચઢાવ્યું ત્યાં વેદીઓ બાંધી હતી. ત્યાર પછી, ઇસ્હાક, યાકૂબ અને મુસાએ યહોવાહની ઉપાસના માટે વેદીઓ બાંધી.—ઉત્પત્તિ ૧૨:૬-૮; ૧૩:૩, ૧૮; ૨૨:૯-૧૩; ૨૬:૨૩-૨૫; ૩૩:૧૮-૨૦; ૩૫:૧, ૩, ૭; નિર્ગમન ૧૭:૧૫, ૧૬; ૨૪:૪-૮.

યહોવાહે ઈસ્રાએલીઓને નિયમ આપ્યો એની સાથે મંડપ બનાવવાની પણ આજ્ઞા આપી. એને “મુલાકાતમંડપ” કહેવામાં આવતો હતો. એ યહોવાહની નજીક જવાની એક ગોઠવણ હતી. (નિર્ગમન ૩૯:૩૨, ૪૦) એ મંડપમાં બે વેદીઓ હતી. એક દહનીર્યાપણની વેદી કે જે બાવળના લાકડાંની બનેલી હતી અને તાંબાથી મઢેલી હતી. એને મંડપના દરવાજા પાસે મૂકવામાં આવતી હતી અને પ્રાણીઓના બલિદાન માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. (નિર્ગમન ૨૭:૧-૮; ૩૯:૩૯; ૪૦:૬, ૨૯) ધૂપવેદી પણ બાવળના લાકડાની બનેલી હતી, પરંતુ એને સોનાથી મઢવામાં આવી હતી. એને મંડપની અંદર પરમ પવિત્ર સ્થાનના પડદા આગળ મૂકવામાં આવતી હતી. (નિર્ગમન ૩૦:૧-૬; ૩૯:૩૮; ૪૦:૫, ૨૬, ૨૭) એના પર સવાર અને સાંજ એમ દિવસમાં બે વાર ખાસ પ્રકારનો ધૂપ બાળવામાં આવતો હતો. (નિર્ગમન ૩૦:૭-૯) ત્યાર પછી રાજા સુલેમાને કાયમી મંદિર બાંધ્યું જે મંડપ જેવું જ હતું અને એમાં પણ બે વેદીઓ હતી.

સાચો મંડપ અને વેદીનો અર્થ

યહોવાહે ઈસ્રાએલીઓને ફક્ત નિયમ જ ન આપ્યો, પરંતુ બલિદાન આપવાની અને પ્રાર્થના કરવાની ગોઠવણ પણ કરી આપી. જેથી તેઓ યહોવાહ સાથે ગાઢ સબંધ બાંધી શકે. એ ગોઠવણો વિષે પ્રેષિત પાઊલે પણ ઉલ્લેખ કર્યો, જેમ કે “પ્રતિછાયા,” “નમૂનારૂપ” અથવા “આકાશમાંની વસ્તુઓની પ્રતિમા.” (હેબ્રી ૮:૩-૫; ૯:૯; ૧૦:૧; કોલોસી ૨:૧૭) બીજા શબ્દોમાં, ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યાં સુધી ઈસ્રાએલીઓને એ નિયમમાંથી માર્ગદર્શન મળ્યું. એટલું જ નહિ, એ નિયમમાં અગાઉથી જણાવામાં આવ્યું હતું કે ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહનો હેતુ કઈ રીતે પૂરો થશે. (ગલાતી ૩:૨૪) એ નિયમમાં અમુક ભવિષ્યવાણી હતી. દાખલા તરીકે, ઈસ્રાએલીઓ પાસ્ખાપર્વમાં ઘેંટાનું બલિદાન આપતા હતા, એ ખરેખર ઈસુ ખ્રિસ્તનાં મહાન બલિદાનને દર્શાવતું હતું. ઈસુ પોતે દેવનું હલવાન છે “જે જગતનું પાપ હરણ કરે છે.” આપણને પાપમાંથી મુક્તિ અપાવવા માટે ઈસુનું લોહી વહેવડાવવામાં આવ્યું.—યોહાન ૧:૨૯; એફેસી ૧:૭.

પૃથ્વીનો મંડપ અને મંદિરની સેવા, હકીકતમાં આપણને સ્વર્ગમાંના આત્મિક મંદિર વિષેની સમજણ આપે છે. (હેબ્રી ૮:૫; ૯:૨૩) તેથી, પાઊલ લખે છે કે, “સાચો મંડપ એ જ છે જેની રચના માનવી હાથોએ નહિ પરંતુ ઈશ્વરે પોતે જ કરી છે.” વધુમાં તે જણાવે છે: “ઉત્તમ વ્યવસ્થાના પ્રમુખયાજક તરીકે ખ્રિસ્ત આવ્યા. તે પોતે વધુ મહાન અને સંપૂર્ણ એવા સ્વર્ગીય મુલાકાતમંડપમાં પ્રવેશ્યા, જેની રચના માનવી હાથોએ કરી નથી.” (હેબ્રી ૮:૨; ૯:૧૧, IBSI) ખરેખર આ રીતે સ્વર્ગમાં યહોવાહના ‘મહાન અને સંપૂર્ણ’ મંદિરની ગોઠવણ થઈ હતી. પણ આનો આપણા માટે શું અર્થ થાય છે? આ મહાન મંદિર ક્યાંય બાંધવામાં આવ્યું નથી પણ એ બતાવે છે કે ઈસુ ખ્રિસ્તના બલિદાનના આધારે, આપણે યહોવાહને પ્રાર્થના કરી શકીએ છીએ.—હેબ્રી ૯:૨-૧૦, ૨૩-૨૮.

બાઇબલ વાંચવાથી જાણવા મળે છે કે, મુસાને આપેલા નિયમોનો આપણા માટે મોટો અર્થ રહેલો છે. એ બાઇબલના નિયમો આપણો વિશ્વાસ દૃઢ કરે છે. વળી, બાઇબલમાં જોવા મળતા અદ્‍ભુત ડહાપણ વિષે પણ આપણી કદર વધારે છે.—રૂમીઓને પત્ર ૧૧:૩૩; ૨ તીમોથી ૩:૧૬.

વેદી પર જે બલિદાનો ચઢાવવામાં આવતાં હતાં એ પણ સ્વર્ગની બાબતોને લાગુ પડે છે. એ પરમેશ્વરની “ઇચ્છા” અથવા ઈસુના સંપૂર્ણ બલિદાનને સ્વીકારવાની ઇચ્છાને લાગુ પડે છે.—હેબ્રી ૧૦:૧-૧૦.

હેબ્રીઓના પુસ્તકના છેલ્લા અધ્યાયોમાં, પાઊલ જણાવે છે: “આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનો અધિકાર નથી.” (હેબ્રી ૧૩:૧૦) અહીં પાઊલ કઈ વેદીનો ઉલ્લેખ કરી રહ્યા છે?

ઘણા કૅથલિક ભાષાંતરો એવો દાવો કરે છે કે હેબ્રી ૧૩:૧૦માં બતાવેલી વેદી કૉમ્યુનિયો એટલે કે “ધાર્મિક વિધિ” માટે ઉપયોગ કરવામાં આવતી હતી. એ માસ દરમિયાન ખ્રિસ્તનું બલિદાન યાદ કરવામાં આવે છે. અહી પાઊલે ચર્ચા કરેલી વેદી શાબ્દિક છે. ઘણા વિદ્વાનો, આ કલમમાં ઉપયોગમાં લેવામાં આવેલા “વેદી” શબ્દનો રૂપકાત્મક અર્થ સમજે છે. એક જૈસુઈટ કહે છે, વેદીનો અર્થ “[હેબ્રીઓના] પત્રમાં બતાવવામાં આવેલી બધી આત્મિક બાબતો સાથે પૂરેપૂરા સુમેળમાં છે.” તે બતાવે છે: “ખ્રિસ્તી ભાષામાં, ‘વેદી’ શબ્દ શરૂઆતમાં આત્મિક અર્થમાં ઉપયોગમાં લેવામાં આવતો હતો. પણ આઈરીનિયસ પછી અને એમાંય ખાસ કરીને ટર્ટૂલિયન અને સંત સિપ્રીયન પછી એ કૉમ્યુનિયો અને ખાસ કરીને યુઆરિસ્ત વેદીને લાગુ પડે છે.”

એક કૅથલિક મેગેઝિન કહે છે: ‘કૉન્સ્ટેનટાઈનના જમાનામાં’ જ્યારે “રોમન કૅથલિક ચર્ચોનું બાંધકામ” કરવામાં આવ્યું એ સમયમાં વેદીઓનો ઉપયોગ બહુ પ્રચલિત થઈ ગયો હતો. એ મૅગેઝિન આગળ બતાવે છે: “પ્રથમ બે સદીઓમાં, ઉપાસના માટે કોઈ ખાસ જગ્યા ન હતી. પરંતુ ઉપાસના માટે સભાઓ લોકોના ઘરમાં રાખવામાં આવતી હતી. . . . સભા પૂરી થઈ ગયા પછી એને ફરીથી ઘર તરીકે ઉપયોગમાં લેવામાં આવતું હતું.”

ખ્રિસ્તી ધર્મમાં વેદીનો ઉપયોગ

એક કૅથલિક છાપુ કહે છે, “ફક્ત દેવળ માટે જ નહિ પરંતુ દેવળમાં જતી વ્યક્તિઓના જીવનમાં પણ વેદીનું ખાસ મહત્ત્વ છે.” પરંતુ ઈસુ ખ્રિસ્તે, વેદી પર કરવામાં આવે એવી એક પણ ધાર્મિક વિધિની સ્થાપના કરી ન હતી; તેમ જ તેમણે પોતાના શિષ્યોને ધાર્મિક વિધિમાં વેદીનો ઉપયોગ કરવાની કોઈ પણ આજ્ઞા આપી ન હતી. તો પછી, માત્થી ૫:૨૩, ૨૪ અને બીજી જગ્યાઓએ ઈસુએ જણાવેલી વેદી શું છે? એ તો યહુદીઓમાં પ્રચલિત ધાર્મિક વિધિનો ઉલ્લેખ કરે છે. પરંતુ, ઈસુએ પોતાના શિષ્યોને કદી કહ્યું ન હતું કે તેઓએ યહોવાહની ઉપાસના કરવા માટે વેદીનો ઉપયોગ કરવો જોઈએ.

અમેરિકાના ઇતિહાસકાર, જ્યોર્જ ફૂટ મૂરએ (૧૮૫૧-૧૯૩૧) લખ્યું: “ખ્રિસ્તીઓની ઉપાસના કરવાની વિધિઓમાં કોઈ જ ફેરફારો થયા નહિ. પરંતુ બીજી સદીમાં જસ્ટિને એ વિધિઓમાં ધીમે ધીમે મીઠું-મરચું ભભરાવીને ઉપાસનાની એક મોટી વિધિ બનાવી દીધી.” આજે એટલી બધી કૅથલિક વિધિઓ થઈ ગઈ છે અને તેઓ માને છે કે ઉપાસના માટે એ મુખ્ય છે. એ વિધિઓને સમજવી પણ એટલી જ અઘરી બની ગઈ છે. મૂર આગળ કહે છે: “યહુદી ધર્મના યાજકોની જગ્યા હવે ખ્રિસ્તી પાદરીઓએ લીધી છે. તેથી, યાજકો જેમ કરતા હતા એ જ પ્રમાણે હવે પાદરીઓ કરી રહ્યા છે. પ્રમુખ યાજકના ભવ્ય કપડાં, તેમ જ વિધિ વખતે પહેરવાના બીજા યાજકોના ખાસ કપડાં, વિધિ વખતે કરવામાં આવતી સવારી, ગીતો ગાતી લેવીઓની મંડળી, ધૂપદાનીમાંથી નીકળતો ધૂપ, એ બધા વિષે પાદરીઓ માનવા લાગ્યા કે એ તો ધાર્મિક વિધિ માટે પરમેશ્વરે આપેલો એક નમૂનો છે. એટલા માટે એ સમયે જૂઠા ધર્મોમાં જે વિધિઓ પાળવામાં આવતી હતી, એ જ આજે ચર્ચમાં ધામધૂમથી પાળવામાં આવી રહી છે.”

તમને જાણીને આશ્ચર્ય થશે કે, ચર્ચોમાં જે રીતિ-રિવાજો અને વિધિઓ પાળવામાં આવે છે, તેમ જ કપડાંઓ અને બીજી વસ્તુઓનો ઉપયોગ, બાઇબલના શિક્ષણ પ્રમાણે નથી. પરંતુ એ તો યહુદી અને જૂઠા ધર્મોની વિધિઓ પ્રમાણે છે. એન્સાયક્લોપેડિયા કૅથોલિકા કહે છે, કૅથલિક ધર્મમાં “વેદીનો ઉપયોગ કરવાનો રિવાજ, યહુદી અને જૂઠા ધર્મો પરથી ઉતરી આવે છે.” ઈસવીસન ત્રીજી સદીના મીનૂકિયુસ ફેલિક્સે લખ્યું કે ખ્રિસ્તીઓ, ‘મંદિરો કે વેદીઓ’ કશાનો ઉપયોગ કરતા ન હતા. બીજુ એક એન્સાયક્લોપેડિયા કહે છે: “અગાઉના ખ્રિસ્તીઓ પોતાને યહુદીઓ અને જૂઠા ઉપાસકોથી અલગ પાડવા માટે, વેદીનો ઉપયોગ કરતા ન હતા.”

ઈસુએ કહ્યું, “એવી વેળા આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ બાપનું ભજન નહિ કરશો. . . . ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે.” (યોહાન ૪:૨૧, ૨૩) ખ્રિસ્તી ધર્મના નિયમો એવા છે, જેને બધા જ દેશોના લોકો પોતાના જીવનમાં દરેક પળે લાગુ પાડી શકે છે. તેથી, પૃથ્વી પર કોઈ જ પવિત્ર નગર, મંદિર કે વેદીની જરૂર નથી. તેમ જ, કોઈ અલગ કે ખાસ પ્રકારના કપડાં પહેરેલા પાદરીઓની પણ જરૂર નથી. પરંતુ, આજે ઘણા ચર્ચો લાંબી લાંબી વિધિઓ અને વેદીઓનો ઉપયોગ કરે છે. આમ ઈસુએ સાચા પરમેશ્વર યહોવાહની ઉપાસના કરવાની જે રીત શીખવી છે, એનો તેઓ નકાર કરી રહ્યા છે.

[ફુટનોટ્‌સ]

^ કાઈન અને હાબેલે પણ, વેદી પર યહોવાહને બલિદાનો ચઢાવ્યાં હોય શકે.—ઉત્પત્તિ ૪:૩, ૪.