સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કોઈ પણ સંજોગોમાં ઉમંગથી યહોવાહની સેવા કરો

કોઈ પણ સંજોગોમાં ઉમંગથી યહોવાહની સેવા કરો

કોઈ પણ સંજોગોમાં ઉમંગથી યહોવાહની સેવા કરો

પેમ, યાન, ડરીસ તથા ઑટો નેધરલૅન્ડમાં રહે છે. તેઓ યહોવાહના સાક્ષીઓ છે અને મંડળોમાં વડીલો તરીકે સેવા આપે છે. તેઓના સંજોગો ઘણી રીતે એકસરખા છે. જેમ કે તેઓનું કુટુંબ છે. થોડાં વર્ષો પહેલાં તેઓ પાસે સરસ ફૂલ-ટાઇમ નોકરી હતી. તેમ છતાં, તેઓ પોતાની નોકરી છોડીને પૂરો સમય પરમેશ્વરની સેવા કરવા લાગ્યા. પરંતુ તેઓ એમ કઈ રીતે કરી શક્યા? તેઓએ બદલાતા સંજોગોનો લાભ લીધો હોવાથી એમ કરી શક્યા.

આપણા દરેકના જીવનમાં સંજોગો બદલાતા હોય છે. જેમ કે, લગ્‍ન કર્યા પછી કુટુંબ ઉછેરવું અને ઘરડા મા-બાપની દેખભાળ રાખવી એ કંઈ રમત વાત નથી. તેમ છતાં જીવનમાં અમુક ફેરફાર કરવાથી આપણે યહોવાહની સેવામાં વધારે કામ કરી શકીએ છીએ. (માત્થી ૯:૩૭, ૩૮) દાખલા તરીકે, બાળકો પરણીને ઘર છોડી જાય અથવા આપણે રિટાયર્ડ થઈ જઈએ ત્યારે કદાચ યહોવાહની સેવામાં વધુ કરી શકીએ.

એ ખરું છે કે જીવનમાં અણધાર્યા સંજોગો બદલાતા રહે છે. તેમ છતાં, ઘણા ભાઈ-બહેનોએ તેઓના જીવનમાં અમુક ફેરફારો કર્યા છે જેથી તેઓ પ્રચાર કામમાં વધારે ભાગ લઈ શકે. આવું જ, પેમ, યાન, ડરીસ અને ઑટોએ કર્યું છે. કઈ રીતે?

બાળકો પરણી ગયા પછી

પેમ દવાની કંપનીમાં હિસાબ રાખવાનું કામ કરતા હતા. તે ઘણી વાર તેમની પત્ની ઍની અને બે દીકરીઓ સાથે સહાયક પાયોનિયરીંગ પણ કરતા. તેમ જ, પેમ અને ઍની બીજા પાયોનિયરો સાથે ભેગા મળીને સમય પસાર કરતા. તેઓ કહે છે કે, “અમે બીજા પાયોનિયરો સાથે સમય પસાર કરતા, જેથી દુન્યવી સોબતથી આવતી મુશ્કેલીઓથી દૂર રહી શકીએ.” માબાપનું સારું ઉદાહરણ જોઈને બંને દીકરીઓ પણ હાઇસ્કૂલ પતાવીને તરત જ નિયમિત પાયોનિયર થઈ.

પેમ અને ઍનીની દીકરીઓ પરણી ગઈ પછી, તેઓ પાસે હવે બીજી કોઈ ભારે જવાબદારી ન હતી. તેમ જ તેઓ પાસે પૈસા અને વધારે સમય પણ હતો. તેઓ ઇચ્છે તો, હવે નવરાશના સમયે મનપસંદ જગ્યાએ ફરવા જઈ શકતા હતા. પરંતુ તેઓએ એવું ન કર્યું. એના બદલે તેઓએ નિર્ણય લીધો કે, હવે તેઓ પ્રચાર કામમાં વધારે સમય વાપરશે. તેથી પેમે પોતાના શેઠને પૂછ્યું કે, હું અઠવાડિયામાં એક દિવસ કામ ન કરું તો કેમ? પેમને એમ કરવાની રજા મળી હોવાથી, તેમણે સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી કામ કરવાની ગોઠવણ કરી. એનાથી તેમણે ઓછા પગારમાં પોતાનું ઘર ચલાવવાનું હતું. તેમ છતાં, પેમ અને તેમની પત્ની ૧૯૯૧માં નિયમિત પાયોનિયર બન્યા.

સમય જતાં, ભાઈઓએ પેમને પૂછ્યું કે, તમે આપણા સંમેલન હોલની દેખરેખ રાખી શકશો કે કેમ? તે એ જવાબદારી સ્વીકારે તો, તેઓ જે ઘરમાં ૩૦ વર્ષથી રહેતા હતા, એ છોડીને સંમેલન હોલ ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં રહેવા જવાનું હતું. તોપણ, તેઓ ખુશીથી એ જવાબદારી સ્વીકારવા તૈયાર હતા. શું તેઓ માટે એ સહેલું હતું? ઍની કહે છે કે, મને જ્યારે પણ ઘર યાદ આવતું ત્યારે પોતાને પૂછતી, ‘શું હું લોટની પત્ની જેવું વલણ બતાવું છું?’—ઉત્પત્તિ ૧૯:૨૬; લુક ૧૭:૩૨.

પેમ અને ઍની માને છે કે તેઓના નિર્ણયને લીધે તેઓને ઘણા આશીર્વાદો મળ્યા છે. એક તો એ કે, સંમેલન હોલની દેખરેખ રાખવા મળી. તેમ જ ડિસ્ટ્રીક્ટ સંમેલનની તૈયારી કરવાનું કામ મળ્યું. તેઓએ કયા સરકીટ નિરીક્ષક ક્યારે ત્યાં વાર્તાલાપ આપવા આવવાના છે એની ગોઠવણ કરવાની હતી. અમુક વાર તો તેમને સરકીટ નિરીક્ષક તરીકે જુદા જુદા મંડળોની સેવા કરવાનો પણ લહાવો મળ્યો છે.

પેમ અને તેમની પત્ની ઍની કઈ રીતે યહોવાહની સેવામાં વધારે સમય આપવામાં સફળ બન્યા? પેમ કહે છે: “જીવનમાં જ્યારે ફેરફાર આવે ત્યારે, નવા સંજોગોનો સૌથી સારો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો જોઈએ.”

જીવન સાદું બનાવવું

યાન અને તેમની પત્ની વૉથેનાં પણ ત્રણ બાળકો છે. પેમના કુટુંબની જેમ, તેઓના પણ સંજોગો બદલાયા હોવાથી તેઓએ એનો સારો ઉપયોગ કર્યો. યાન વર્ષોથી બેંકમાં સારી નોકરી કરતા હોવાથી તેમનું કુટુંબ એશઆરામથી જીવતું હતું. તેમ છતાં, તેમને પ્રચાર કામમાં હજી વધારે ભાગ લેવો હતો. તે કહે છે: “હું મારા જીવનમાં યહોવાહ વિષે જે શીખ્યો એનાથી મારા પર ઊંડી અસર થઈ છે. એ કારણથી મને તેમની જ સેવા કરવી છે.” તેથી યાને ૧૯૮૬માં પોતાના જીવનમાં અમુક ફેરફારો કર્યા. તે કહે છે: “મારી ઑફિસ રિપેર થતી હતી ત્યારે, મેં એનો લાભ ઉઠાવ્યો. અઠવાડિયાંમાં પાંચ દિવસને બદલે હું ફક્ત ત્રણ દિવસ કામ કરવા લાગ્યો. એનાથી મારા પગારમાં ૪૦ ટકા ઘટાડો થયો. તેમ છતાં, મેં અમારું ઘર વેચીને હાઉસબોટ લીધી, જેથી જ્યાં પ્રચાર કરવાની વધારે જરૂર હોય ત્યાં અમે સેવા આપી શકીએ. સમય જતાં, મેં નોકરીમાંથી વહેલું રિટાયરર્મેન્ટ લઈ લીધું. એનાથી મારા પગારમાં બીજા ૨૦ ટકા ઘટાડો થયો. તેમ છતાં, હું ૧૯૯૩માં નિયમિત પાયોનિયર તરીકે સેવા આપી શક્યો.”

આજે યાન હૉસ્પિટલ લિએઝન કમિટીના સભ્ય છે. તેમ જ, તેમણે ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં નિરીક્ષક તરીકે ઘણી વાર દેખરેખ રાખી છે. તેમની પત્નીને સારું રહેતું નથી તોપણ, તે અમુક સમયે સહાયક પાયોનિયરીંગ કરે છે. આજે તેઓના ત્રણેય બાળકો પરણી ગયા છે, અને તેઓ પણ પોતાના લગ્‍નસાથી સાથે ઉત્સાહથી યહોવાહની સેવા કરી રહ્યાં છે.

યાન અને વૉથ કઈ રીતે ઓછા પગારમાં ઘર ચલાવી શક્યા? યાન કહે છે: “અમારી પાસે ઘણા પૈસા હતા ત્યારે પણ અમે સાવચેત રહેતા, જેથી ભૌતિક બાબતોમાં રચ્યા-પચ્યા ન થઈ જઈએ. એ ખરું છે કે, પહેલાંની જેમ અમે હવે ચપટી વગાડતા ખરીદી કરી શકતા નથી. પરંતુ એની સરખામણીમાં અમને જે રીતે પરમેશ્વરની સેવા કરવા મળી, એ અમારા માટે અમૂલ્ય આશીર્વાદ છે.”

ડરીસ અને તેમની પત્ની યેનીએ પણ યાનના કુટુંબની જેમ, પોતાનું જીવન સાદું બનાવ્યું છે. એમ કરવાથી તેઓ પ્રચારમાં વધારે સમય આપી શકે છે. ડરીસ અને યેનીને પહેલું બાળક થયું ત્યાં સુધી, તેઓ પાયોનિયર તરીકે સેવા આપતા હતા. પછી, કુટુંબનું ભરણપોષણ કરવા ડરીસ એક કંપનીમાં ક્લાર્કની નોકરી કરવા લાગ્યા. તે સારું કામ કરતા હોવાથી તેમના બોસે તેમને પ્રમોશનની ઑફર કરી. પરંતુ તેમણે એ સ્વીકાર્યું નહિ. કેમ નહિ? કેમ કે, એ સ્વીકારવાથી તે યહોવાહની સેવામાં વધારે સમય આપી ન શકત!

એ ઉપરાંત, યેનીના મમ્મી બીમાર હતાં. તેમની સંભાળ રાખવી અને કુટુંબનું ભરણપોષણ કરવું એ તેઓ માટે કંઈ રમત વાત ન હતી. તોપણ, તેઓએ પાયોનિયરીંગ ચાલુ રાખ્યું. તેઓ એમ કઈ રીતે કરી શક્યા? યેની કહે છે: “અમારી સાથે અમુક પાયોનિયરો રહેતા હતા. એટલું જ નહિ, અમે બીજા પાયોનિયરોને ઘરે જમવા માટે પણ બોલાવતા. તેમ જ ઘણી વાર અમે સરકીટ નિરીક્ષકોને પણ અમારે ઘરે રાખતા.” ડરીસ આગળ કહે છે: “અમે અમારું જીવન સાદું રાખતા જેથી કોઈ દેવું ન રહે. તેમ જ નવું ઘર કે મોટો વેપારધંધો ન કરવાનો અમે નિર્ણય લીધો હતો, જેથી એની પાછળ અમારો સમય ન બગડે.”

ડરીસ અને યેનીએ પ્રચારમાં વધારે સમય આપવાનો નિર્ણય કર્યો હોવાથી તેઓને આશીર્વાદ મળ્યો. હવે તેઓના બંને દીકરા વડીલો તરીકે સેવા આપે છે. એક દીકરો તેની પત્ની સાથે પાયોનિયરીંગ પણ કરે છે. જોકે, અગાઉ ડરીસ અને યેની ખાસ પાયોનિયર તરીકે સેવા આપતા હતા. પરંતુ સમય જતાં તેઓએ સરકીટ કામમાં સેવા આપી. આજે તેઓ સ્વેચ્છાએ બેથેલમાં છે અને ડરીસ બ્રાન્ચ કમિટીના એક સભ્ય તરીકે સેવા આપે છે.

વહેલું રિટાયરમેન્ટ

ડરીસ અને યેનીની જેમ, ઑટો અને તેની પત્ની જુડીને બે દીકરીઓ થઈ, એ પહેલાં તેઓ પાયોનિયર હતા. જુડીને પહેલું બાળક થવાનું હતું ત્યારે, ઑટો એક શાળામાં શિક્ષકની નોકરી કરવા લાગ્યા.

ઑટોની દીકરીઓ મોટી થઈ તેમ, કુટુંબ તરીકે તેઓ ઘણી વાર પાયોનિયરોને ચા-નાસ્તા માટે ઘરે બોલાવતા. જેથી છોકરીઓ જોઈ શકે કે, યહોવાહની સેવા કરતા ભાઈ-બહેનો ખરેખર આનંદી છે. વર્ષો પછી, તેમની મોટી દીકરી પાયોનિયરીંગ કરવા લાગી. સમય જતાં, તે પોતાના પતિ સાથે ગિલયડ શાળામાં પણ ગઈ. હવે તે આફ્રિકાના એક દેશમાં મિશનરી તરીકે સેવા આપે છે. તેઓની નાની દીકરી અને જુડી પણ ૧૯૮૭માં પાયોનિયરીંગ કરવા લાગ્યા.

હવે ઑટોના સંજોગો બદલાયા હોવાથી, તે સ્કૂલમાં પાર્ટ ટાઈમ નોકરી કરવા લાગ્યા, જેથી તે પણ પાયોનિયરીંગ કરી શકે. આખરે, તેમણે શિક્ષકની નોકરી છોડી દીધી. આજે તે સરકીટ નિરીક્ષક તરીકે મંડળોની મુલાકાત લઈને સેવા આપે છે. એમ કરવાથી તે ભાઈ-બહેનોને પરમેશ્વરની સેવામાં દૃઢ કરવા પોતાની આવડતનો ઉપયોગ કરે છે.

જે ભાઈ-બહેનો નોકરી-ધંધામાંથી વહેલા રિટાયર્ડ થઈ ગયા છે તેઓને ઑટો શું સલાહ આપે છે? “તમે રિટાયર થાઓ ત્યારે, એવું ક્દી ન વિચારશો કે, હવે હું એકાદ વર્ષ થોડો આરામ કરી લઉં. એમ કરવું બહુ જ સહેલું છે. કારણ કે, એમ કરવાથી તમે થોડા જ સમયમાં પાયોનિયરીંગ કરવાનું ભૂલી જશો. એવું ન થાય માટે તરત જ મંડળની સાથે પ્રચારમાં વધારે ભાગ લેવા માંડો.”

તમારા અનુભવનો ઉપયોગ કરો

એ ખરું છે કે પેમ, યાન, ડરીસ અને ઑટો જેવા ભાઈઓમાં આજે પહેલાં જેવી શક્તિ રહી નથી. પરંતુ, તેઓ પાસે આજે ઘણો અનુભવ અને ડહાપણ છે. (નીતિવચનો ૨૦:૨૯) તેઓ એ પણ જાણે છે કે બાપ બનવાનો શું અર્થ થાય છે. તેમ જ તેઓએ પોતાની પત્નીને હંમેશાં મદદ કરી હોવાથી, માની જવાબદારી કેટલી અઘરી છે એ પણ જાણે છે. તેઓ પોતાની પત્ની સાથે ભેગા મળીને કુટુંબમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરી શક્યા છે. તેમ જ, પોતાના બાળકોને યહોવાહની સેવામાં પ્રોત્સાહન પણ આપી શક્યા છે. ઑટો કહે છે: “મારું પણ કુટુંબ હોવાથી, હું સરકીટ નિરીક્ષક તરીકે મંડળોમાં કુટુંબોને મુશ્કેલીઓ હલ કરવા સારી સલાહ આપી શકું છું.” એ જ રીતે, ડરીસ પણ પિતા હોવાથી બેથેલ કુટુંબમાં યુવાનો સાથે સારી રીતે કામ કરી શકે છે.

સાચે જ, આ ભાઈઓ પાસે કુટુંબની સંભાળ રાખવાનો અનુભવ હોવાથી તેઓ મંડળના ભાઈબહેનોને સારી રીતે જોઈતી મદદ આપી શકે છે. આમ, ભાઈ-બહેનોને સલાહ આપતી વખતે તેઓ બાઇબલનો સારો ઉપયોગ કરીને પોતાની શક્તિનો સારો ઉપયોગ કરી રહ્યા છે. (સભાશિક્ષક ૧૦:૧૦) હકીકતમાં, તંદુરસ્ત અને ઓછા અનુભવી ભાઈઓ કરતાં, આ અનુભવી ભાઈઓ ઓછા સમયમાં વધારે કામ કરી શકે છે.

યહોવાહના સેવકોમાં આવા ભાઈઓ અને તેમની પત્નીઓ યુવાનો માટે સુંદર ઉદાહરણ છે. ઘણા યુવાનો આપણા પ્રકાશનોમાંથી જોઈ શકે કે આવા યુગલોએ પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ સહી છે અને આશીર્વાદો પણ અનુભવ્યા છે. કાલેબનો વિચાર કરો. તે ઘરડા હતા તોપણ ભારે જવાબદારીવાળું કામ માંગ્યું હતું. આપણા ભાઈબહેનો પણ આવું જ વલણ બતાવે છે ત્યારે, આપણને કેટલું ઉત્તેજન મળે છે!—યહોશુઆ ૧૪:૧૦-૧૨.

તેઓના વિશ્વાસનું અનુકરણ કરો

આ લેખમાં આપણે જોયું કે અમુક યુગલોએ યહોવાહની સેવાને પોતાના જીવનમાં પ્રથમ મૂકી હતી. શું તમે એમ કરી શકો? ભૂલશો નહિ કે, તેઓ માટે યહોવાહની સેવા તેઓનું જીવન હતું. તેઓએ પોતાના બાળકોના દિલમાં પાયોનિયરીંગ કરવાની હોંશ જગાડી હતી. યાન કહે છે કે, “અમને યહોવાહ અને તેમના સંગઠન માટે ખૂબ જ પ્રેમ છે અને એમાં અમે બાળકો માટે સારો નમૂનો બેસાડ્યો છે. તેઓને સારી સંગત પૂરી પાડવા અમે ભાઈબહેનોને બોલાવતા. તેમ જ તેઓને પોતાના પગ પર ઊભા રહેતા પણ અમે શીખવ્યું.” તેઓનું કુટુંબ હળીમળીને સાથે કામ કરતું અને મોજમઝા પણ માણતું. પેમને યાદ છે કે, “વેકેશનમાં અમારું કુટુંબ સવારે પ્રચારમાં જતું અને બપોરે અમે સાથે બેસીને રમતા અને આરામ કરતા.”

એ ઉપરાંત, તેઓ અગાઉથી ગોઠવણ કરતા. જેથી, તેઓના સંજોગો બદલાય ત્યારે તેઓ એનો સારો ઉપયોગ કરી શકે. તેમ જ તેઓ પહોંચી શકે એવા ધ્યેયો બાંધતા. તેઓ ઓછા કલાકોવાળી નોકરી શોધતા અને થોડી આવકથી ઘર ચલાવતા. (ફિલિપી ૧:૧૦) એમ કરવામાં તેઓની પત્નીઓએ પણ પૂરો સાથ આપ્યો હતો. એ કુટુંબોએ ‘પ્રચાર અને શિક્ષણ માટેની ઘણી તકો’ શોધી હતી. એ કારણે યહોવાહે તેઓને અઢળક આશીર્વાદો આપ્યા.—૧ કોરીંથી ૧૬:૯, IBSI; નીતિવચનો ૧૦:૨૨.

શું તમે પણ યહોવાહની સેવામાં વધારે સમય આપવા ઇચ્છો છો? એમ હોય તો, કોઈ પણ સંજોગોમાં ઉમંગથી યહોવાહની સેવા કરવાનું શોધતા રહો.

[પાન ૨૦ પર ચિત્ર]

પેમ અને ઍની સંમેલન હોલની સંભાળ રાખે છે

[પાન ૨૦ પર ચિત્ર]

પ્રચાર કાર્યમાં યાન અને વૉથ

[પાન ૨૧ પર ચિત્ર]

ડરીસ અને યેની બેથેલમાં સેવા આપે છે

[પાન ૨૧ પર ચિત્ર]

ઑટો અને જુડી બીજા મંડળની મુલાકાત લેવા તૈયારી કરે છે