સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વરને પ્રથમ રાખવાથી મને સુખ-શાંતિ મળી

પરમેશ્વરને પ્રથમ રાખવાથી મને સુખ-શાંતિ મળી

મારો અનુભવ

પરમેશ્વરને પ્રથમ રાખવાથી મને સુખ-શાંતિ મળી

જેથા સુનાલના કહ્યા પ્રમાણે

અમે સવારે ચા-નાસ્તો પતાવ્યા પછી, રેડિયો પર એક જાહેરાત સાંભળી: “યહોવાહના સાક્ષીઓનો ધર્મ ગેરકાનૂની છે, તેઓના કાર્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.”

એ ૧૯૫૦નું વર્ષ હતું. ડોમિનિકન પ્રજાસત્તાકમાં અમે ચાર બહેનો યહોવાહના સાક્ષીઓના મિશનરી તરીકે સેવા કરતી હતી. ત્યારે અમારા બધાની ઉંમર ૨૦થી ૩૦ની વચ્ચે હતી. હજુ અમે એક વર્ષ પહેલાં જ આ દેશમાં આવ્યા હતા.

જોકે મારે પહેલાં મિશનરી બનવું ન હતું. ખરું કે હું નાની હતી ત્યારે ચર્ચમાં જતી હતી. પરંતુ પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે, મારા પપ્પાએ ચર્ચમાં જવાનું બંધ કરી દીધું. વર્ષ ૧૯૩૩માં હું એપિસ્કોપલ ચર્ચમાં સભ્ય બનવા ગઈ. એ સમયે, બિશપે બાઇબલમાંથી ખાલી એક કલમ વાંચી અને પછી રાજકારણ વિષે વાત કરવા લાગ્યા. એનાથી મારી મમ્મીને એટલું દુઃખ થયું કે એ પછી તેણે ચર્ચમાં જવાનું જ બંધ કરી દીધું.

અમારો જીવન માર્ગ બદલાયો

અમે એલ્મહર્સ્ટ, ઇલિનોઈ, યુ.એસ.એ.માં રહેતા હતા. મારા પપ્પાનું નામ વિલિયમ કાર્લ અને મમ્મીનું નામ મેરી એદમ્સ હતું. તેમને પાંચ બાળકો હતા. એમાં સૌથી મોટી હું, પછી મારા ભાઈઓ ડોન, જોયલ, કાર્લ અને સૌથી નાની બહેન જોઈ હતા. હું ૧૩ વર્ષની હતી ત્યારે, એક દિવસ સ્કૂલેથી ઘરે આવીને જોયું તો, મારી મમ્મી ધ કિંગડમ, ધ હોપ ઓફ ધ વર્લ્ડ નામની પુસ્તિકા વાંચી રહી હતી. એ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડી હતી. વાંચીને તેણે મને કહ્યું કે, “આ જ સત્ય છે!”

મમ્મી બાઇબલમાંથી જે કંઈ શીખતી એ વિષે અમને બધાને કહેતી હતી. તેમ જ, એનું શિક્ષણ પોતાના જીવનમાં ઉતારતી હતી. એનાથી ઈસુએ આપેલી આ સલાહનું અમને મહત્ત્વ સમજાયું: “તમે જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપો અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલો.”—માત્થી ૬:૩૩, IBSI.

જોકે, હું હંમેશાં મમ્મીનું સાંભળતી ન હતી. એક વાર તો મેં તેને કહ્યું: “મમ્મી, મને પ્રચાર કરવાનું બંધ કર, નહિ તો હું તને થાળી લૂછવા ક્યારેય મદદ નહિ કરું.” તોપણ તે કોઈને કોઈ રીતે અમારી સાથે બાઇબલ વિષે વાત કરતી. તે અમને બધાને બાઇબલ શીખવતી અને સભાઓમાં લઈ જતી હતી. એ સભાઓ ક્લારા રાયન નામના બહેનના ઘરે ભરાતી હતી. તેમનું ઘર, અમારા ઘરથી નજીક હતું, એટલે અમે ચાલીને ત્યાં જતા.

હું સાત વર્ષની હતી ત્યારથી જ સંગીતમાં ખૂબ રસ હોવાથી વાયોલિન શીખવા લાગી. ક્લારાબહેન પિયાનો શીખવવાના ક્લાસ ચલાવતા હતા. દર વર્ષે તેમના વિદ્યાર્થીઓ જે કંઈ શીખ્યા હોય એનો જાહેરમાં કાર્યક્રમ ગોઠવીને પિયાનો વગાડતા. એ સમયે ક્લારાબહેન ત્યાંના લોકોને પરમેશ્વરના રાજ વિષે અને સજીવન થવાની આશા વિષે વાત કરતા. તે જે કંઈ કહેતા, એ હું પણ સાંભળતી હતી.

થોડા જ સમય પછી, અમે બધા બાળકો મમ્મી સાથે શિકાગો શહેરની પશ્ચિમે આવેલા એક મંડળની સભાઓમાં જવા લાગ્યા. અમે એ સભાઓમાં જવા માટે બસ અને ટ્રામમાં લાંબી મુસાફરી કરતા હતા. પરંતુ એનાથી અમને નાની ઉંમરે જ શીખવા મળ્યું કે યહોવાહને જીવનમાં પ્રથમ મૂકવાનો અર્થ શું થાય છે. થોડા સમય પછી મારી મમ્મીએ બાપ્તિસ્મા લીધું. એના ત્રણ વર્ષ પછી, ૧૯૩૮માં હું તેની સાથે શિકાગોમાં યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ગઈ. આ એ જ સંમેલન હતું જેને ટેલિફોનથી બીજા ૫૦ સંમેલનો સાથે જોડવામાં આવ્યું હતું. ત્યાં મેં જે કંઈ સાંભળ્યું એનાથી મને ઘણી ખુશી થઈ.

પરંતુ, એ જ સમયે મને વાયોલિન વગાડવાની ઘણી હોંશ હતી. મેં ૧૯૩૮માં હાઇસ્કૂલ પૂરી કરી પછી, પપ્પાએ મને શિકાગોમાં અમેરિકન સંગીત શાળામાં દાખલ કરી. આમ, હું બે વર્ષ સુધી ત્યાં સારી રીતે સંગીત શીખી અને બે ઑરકૅસ્ટ્રા ગ્રૂપમાં પણ જોડાઈ. હું હવે સંગીતમાં જ નામ કમાવવા ઇચ્છતી હતી.

મારા વાયોલિનના ટીચર, હેર્બર્ટ બટલર યુરોપ છોડીને અમેરિકા રહેવા આવ્યા હતા. એટલે મને લાગ્યું કે તેમને રેફ્યુજી * નામની એક પુસ્તિકા વાંચવી ગમશે. તેમણે એ પુસ્તિકા વાંચી અને એના બીજા અઠવાડિયે ક્લાસ પતી ગયા પછી મને કહ્યું: “જેથા, તું હવે વાયોલિન સારી રીતે વગાડે છે. જો તું આ જ રીતે શીખતી રહીશ તો, તું રેડિયો માટેના ઑરકૅસ્ટ્રામાં કે સંગીત શાળામાં સારી નોકરી મેળવી શકીશ.” પછી તેમણે પુસ્તિકાને ઉપાડીને કહ્યું: “પરંતુ, મને લાગે છે કે તારું દિલ આમાં છે. તું શા માટે આ કામમાં જ તારી કારકિર્દી બનાવતી નથી?”

તેમણે જે કહ્યું હતું, એના વિષે હું વિચાર કરવા લાગી. છેવટે, મેં સંગીત શાળામાં આગળ ભણવાનું છોડી દીધું. એના બદલે હું મમ્મી સાથે જુલાઈ, ૧૯૪૦માં મિશિગન, ડિટ્રોઈટમાં યહોવાહના સાક્ષીઓના ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં ગઈ. ત્યાં ટ્રેઈલર સીટી તરીકે ઓળખાતા મેદાનમાં અમે તંબૂ બાંધીને રહ્યા. અને હા, વાયોલિન તો મારી સાથે જ હતું. મેં સંમેલનના ઑરકૅસ્ટ્રામાં પણ ભાગ લીધો હતો. હું ટ્રેઇલર સીટીમાં ઘણા પાયોનિયરોને પણ મળી. તેઓ બધા કેટલા સુખી હતા. તેથી મેં પણ બાપ્તિસ્મા લેવાનું અને પછી પાયોનિયરીંગ કરવાનું નક્કી કર્યું. મેં યહોવાહને પ્રાર્થના કરી કે તે મને આખું જીવન તેમની સેવા કરવા મદદ કરે.

અમે જે શહેરમાં રહેતા હતા ત્યાં જ મેં પાયોનિયરીંગ શરૂ કર્યું. પછી હું શિકાગો શહેરમાં અને ૧૯૪૩માં કેન્ટકીમાં પ્રચાર કરવા ગઈ. એ જ ઉનાળામાં ડિસ્ટ્રીક્ટ સંમેલન પહેલાં મને ગિલિયડ સ્કૂલના બીજા ક્લાસમાં જવાનું આમંત્રણ મળ્યું. ત્યાં મને મિશનરી કામની તાલીમ મળવાની હતી. એ ક્લાસ સપ્ટેમ્બર, ૧૯૪૩માં શરૂ થયા.

એ સંમેલન વખતે હું એક સાક્ષી બહેનના ઘરે રોકાઈ હતી. તેમણે મને તેમની દીકરીનું કબાટ બતાવ્યું અને મને એમાંથી જોઈએ એટલા કપડાં લેવા કહ્યું. તેમની દીકરી ફોજમાં જોડાઈ હતી અને તેના બધા કપડાં કોઈને આપી દેવા કહ્યું હતું. મને પણ ખરેખર એની જરૂર હતી. એનાથી મેં ઈસુના આ વચનને સાચું પડતા જોયું: “તમે જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપો અને તેમની ઈચ્છા પ્રમાણે ચાલો, તો તે તમારી તમામ જરૂરિયાતો પૂરી પાડશે.” (માત્થી ૬:૩૩, IBSI) ગિલિયડ સ્કૂલમાં પાંચ મહિના આંખના પલકારાની જેમ પસાર થઈ ગયા. મને ખબર જ ન પડી કે દિવસો ક્યાં ગયા. જાન્યુઆરી ૩૧, ૧૯૪૪માં હું ગ્રેજ્યુએટ થઈ. હું મિશનરી સેવામાં જવા માટે ખૂબ જ ઉત્સાહી હતી.

મારું કુટુંબ પણ પાયોનિયરીંગ કરવા લાગ્યું

મારી મમ્મી ૧૯૪૨માં પાયોનિયર બની. એ સમયે મારા ત્રણ ભાઈઓ અને બહેન હજુ સ્કૂલમાં ભણતા હતા. ઘણી વાર તો, મમ્મી તેઓને સ્કૂલ છૂટે પછી તરત જ પોતાની સાથે પ્રચારમાં લઈ જતી. મમ્મીએ મારા ભાઈ-બહેનોને ઘરનું બધું કામ કરતા પણ શીખવ્યું. તે ઘણી વાર મોડી રાત સુધી કપડાંને ઈસ્ત્રી કરતી અને ઘરના બીજાં કામો પતાવતી, જેથી તે દિવસે પ્રચાર કાર્યમાં જઈ શકે.

જાન્યુઆરી, ૧૯૪૩માં હું કેન્ટકીમાં પાયોનિયરીંગ કરતી હતી ત્યારે, મારો ભાઈ ડોન પણ પાયોનિયર બન્યો. એનાથી પપ્પા ઘણા નારાજ થયા. કેમ કે તે ઇચ્છતા હતા કે તેમની અને મમ્મીની જેમ, અમે બધા બાળકો પણ કોલેજનું શિક્ષણ લઈએ. લગભગ બે વર્ષ પાયોનિયરીંગ કર્યા પછી, ડોનને ન્યૂયોર્ક, બ્રુકલિનમાં આવેલા યહોવાહના સાક્ષીઓના મુખ્ય મથકે (બેથેલમાં) બોલાવવામાં આવ્યો. એ પણ યહોવાહની પૂરા સમયની સેવા હતી.

મારા બીજા ભાઈ જોયલે જુન, ૧૯૪૩માં પાયોનિયરીંગ શરૂ કર્યું. ત્યારે તે ઘરમાં જ કુટુંબ સાથે રહેતો હતો. એ સમયે તેણે પપ્પાને ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આવવા સમજાવ્યા. પણ પપ્પાએ ના પાડી. જોયલને પ્રચાર કામમાં કોઈ મળ્યું નહીં કે જેને તે બાઇબલ વિષે શીખવી શકે. તેથી, પપ્પાએ કહ્યું કે જોયલ તેમને બાઇબલમાંથી શીખવે. જોયલ તેમને “ધ ટ્રુથ શેલ મેક યુ ફ્રી” નામના પુસ્તકમાંથી શીખવવા લાગ્યો. પપ્પા સહેલાઈથી જવાબો આપતા હતા. પણ તે જોયલને પુસ્તકમાં જે કંઈ લખેલું હતું એનો બાઇબલમાંથી પુરાવો આપવાનું કહેતા. એનાથી જોયલ બાઇબલ સત્યને ખરેખર પોતાના દિલમાં ઉતારી શક્યો.

એ સમયે બધા યુવાનોને ફરજિયાત ફોજમાં જોડાવું પડતું હતું. પરંતુ જેઓ ધાર્મિક કામ કરતા હોય તેઓને એમાં ન જોડાવાની રજા મળતી હતી. એ માટે ત્યાંની સિલેક્ટીવ સર્વિસ બોર્ડ નામની સંસ્થા ધર્મના સેવક હોવાનું સર્ટિફિકેટ આપતી હતી. થોડા સમય પહેલાં ડોનને સર્ટિફિકેટ મળી ગયું હતું. જોયલને લાગ્યું કે બોર્ડ તેને પણ ફોજમાં ન જોડાવાની રજા આપશે. પણ તેઓએ જોયું કે જોયલ તો હજુ ખૂબ જુવાન છે. એટલે તેઓએ તેને રજા આપી નહિ અને લશ્કરમાં જોડાવાની નોટિસ મોકલાવી. પણ જોયલ લશ્કરમાં જોડાયો નહિ ત્યારે, તેની ધરપકડ કરવામાં આવી. એફબીઆઈએ તેને પકડ્યા પછી ત્રણ દિવસ જેલમાં રાખ્યો.

ત્યારે મારા પપ્પાએ બાનાખત તરીકે અમારા ઘરના કાગળિયા આપીને જોયલને જેલમાંથી છોડાવ્યો. એ પછી પણ પપ્પાએ આવા સંજોગોમાં બીજા યુવાન સાક્ષીઓને આ જ રીતે જેલમાંથી છોડાવ્યા હતા. સાક્ષીઓને થતો અન્યાય જોઈને પપ્પા ખૂબ ગુસ્સે થયા હતા. તેથી, ઉપરી અદાલતમાં અપીલ થઈ શકે કે કેમ, એ જોવા તે જોયલ સાથે વોશિંગ્ટન ડીસીમાં ગયા. છેવટે જોયલને ધર્મના સેવક તરીકેનું સર્ટિફિકેટ મળ્યું અને કેસને કાઢી નાખવામાં આવ્યો. ત્યારે પપ્પાએ મને પત્ર લખીને જણાવ્યું કે “આપણે આ વિજયનો યશ યહોવાહને જ આપવો જોઈએ!” પછી, ઓગસ્ટ ૧૯૪૬માં જોયલને પણ બ્રુકલિન બેથેલમાં કામ કરવા માટે બોલાવવામાં આવ્યો.

કાર્લ સ્કૂલની ઉનાળાની રજાઓમાં ઘણી વાર પાયોનિયરીંગ કરતો હતો. વર્ષ ૧૯૪૭માં તેણે હાઇસ્કૂલ પૂરી કરી અને પાયોનિયરીંગ કરવા લાગ્યો. એ સમયે પપ્પાની તબિયત સારી ન હોવાથી, કાર્લે બીજી કોઈ જગ્યાએ જઈને સેવા આપવાને બદલે, તેમના બિઝનેસમાં થોડો સમય મદદ કરી. પછી, ૧૯૪૭ના અંતમાં કાર્લે પણ ડોન અને જોયલ સાથે બ્રુકલિન બેથેલમાં કામ કરવાનું શરૂ કર્યું.

જોઈ પણ હાઈસ્કૂલ પૂરી કર્યા પછી પાયોનિયર બની. પછી ૧૯૫૧માં તે બેથેલમાં ગઈ, જ્યાં તેના ભાઈઓ પણ હતા. તેણે હાઉસકીપર તરીકે અને સબસ્ક્રીપ્શન ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું. પછી તેણે બેથેલના જ એક ભાઈ રોજર મોર્ગન સાથે ૧૯૫૫માં લગ્‍ન કર્યું. કંઈક સાત વર્ષ પછી, તેઓએ બેથેલ છોડ્યું. સમય જતા, તેઓને બે બાળકો થયા જેઓ પણ આજે ઉત્સાહથી યહોવાહની સેવા કરે છે.

આમ, અમે બધા ભાઈ-બહેનો પૂરા સમયની સેવા કરતા હતા. આ સમયે મમ્મી હંમેશાં પપ્પાને ઉત્તેજન આપતી હતી, અને તે પણ સમય જતા યહોવાહની સેવા કરવા લાગ્યા. પપ્પાએ ૧૯૫૨માં બાપ્તિસ્મા લીધું. તે ઘણા બીમાર હતા, તોપણ ૧૫ વર્ષ સુધી પ્રચારમાં લાગુ રહ્યા. તે લોકોને પ્રચાર કરવા ઘણી સારી રીતો શોધી કાઢતા.

પપ્પા બીમાર હોવાથી, મમ્મીએ વચ્ચે થોડો સમય પાયોનિયરીંગ બંધ કર્યું હતું. પછી તેણે પણ મરણ સુધી પાયોનિયરીંગ ચાલુ રાખ્યું હતું. મમ્મી કદમાં નાના હતા અને તેની પાસે કોઈ કાર ન હતી. તેમ જ તેને સાઇકલ પણ આવડતી ન હતી. તોપણ, તે પ્રચાર કામમાં બધે ચાલીને જતી. અરે અમુકને સત્ય શીખવવા માટે તે દૂરના ગામડાંઓમાં પણ ચાલીને જતી.

મિશનરી સેવામાં

ગિલિયડ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા પછી, અમારે બીજા દેશમાં જવા વિઝા માટે રાહ જોવી પડી. ત્યાં સુધી, અમારા એક ગ્રૂપે એક વર્ષ માટે ઉત્તર ન્યૂયોર્ક શહેરમાં પાયોનિયરીંગ કર્યું. છેવટે અમે ૧૯૪૫માં ક્યૂબામાં અમારું મિશનરી કામ કરવા ગયા. અમે થોડા જ સમયમાં ત્યાં રહેવામાં ટેવાઈ ગયા. પ્રચારમાં ઘણા લોકો અમારું સાંભળતા હતા. અમે બધા ઘણા લોકોને બાઇબલ શીખવતા હતા. લગભગ ચાર વર્ષ સુધી અમે ત્યાં સેવા કરી. પછી અમને ફરીથી ડોમિનિકન પ્રજાસત્તાકમાં સેવા કરવા મોકલવામાં આવ્યા. એક દિવસ હું એક સ્ત્રીને મળી અને તેણે મને તેની મિત્ર સુઝાના એન્ફ્રોને મળવા કહ્યું. સુઝાના ફ્રાંસની હતી અને તેને બાઇબલ વિષે વધારે જાણવું હતું.

તે પોતે યહુદી હતી. હિટલરે ફ્રાંસ પર હુમલો કર્યો ત્યારે, તેના પતિએ તેને અને તેમના બે બાળકોને બીજા દેશમાં મોકલી દીધા હતા. પછી સુઝાના પોતે બાઇબલમાંથી જે કંઈ પણ શીખતી એ બીજાઓને જણાવવા લાગી. તેણે સૌ પ્રથમ જે સ્ત્રીએ મને સુઝાના વિષે કહ્યું હતું, તેની સાથે વાત કરી. પછી બ્લાન્ચ સાથે વાત કરી. તે પણ ફ્રાંસની હતી. આ બંને સ્ત્રીઓએ પછી બાપ્તિસ્મા લીધું.

એક દિવસ સુઝાનાએ મને પૂછ્યું કે “હું મારા બાળકોને કઈ રીતે મદદ કરી શકું?” તેનો દીકરો તબીબી ક્ષેત્રમાં ભણતો હતો અને દીકરી બૅલે ડાન્સ શીખતી હતી. તેને ન્યૂયોર્કના એક મોટા મ્યુઝિક હોલમાં ડાન્સ કરવાની હોંશ હતી. સુઝાના તેઓને ચોકીબુરજ અને સજાગ બનો!નું લવાજમ ભરીને મેગેઝિનો મોકલતી હતી. પરિણામે, તેનો દીકરો અને તેની પત્ની સાક્ષી બન્યા. વધુમાં, તેની પત્નીની જોડિયા બહેન પણ સાક્ષી બની. સુઝાના સત્યમાં વધારે રસ બતાવતી હોવાથી, તેના પતિ લુઈસને ખૂબ ચિંતા થતી હતી. કેમ કે એ સમયે ડોમિનિકન પ્રજાસત્તાકની સરકારે આપણા ધર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ પછી જ્યારે તેઓનું આખું કુટુંબ અમેરિકા રહેવા જતું રહ્યું ત્યારે, તે પણ યહોવાહના સાક્ષી બન્યા.

પ્રતિબંધમાં પણ અમે સેવામાં લાગુ રહ્યા

અમે ડોમિનિકન પ્રજાસત્તાકમાં ૧૯૪૯માં મિશનરી તરીકે આવ્યા હતા. એના થોડા જ સમયમાં ત્યાંની સરકારે પ્રચાર કામની મનાઈ કરી. તોપણ અમે માણસો કરતાં યહોવાહનું માનવાનું નક્કી કર્યું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) તેથી, અમે પરમેશ્વરનો શુભસંદેશ લોકોમાં ફેલાવતા રહીને તેમની ભક્તિને જીવનમાં પ્રથમ રાખી. આમ, ઈસુએ તેમના શિષ્યોને આપેલી આજ્ઞા અમે પાળતા હતા. (માત્થી ૨૪:૧૪) આ સમયે અમે પ્રચારમાં “સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ” બનતા પણ શીખ્યા. (માત્થી ૧૦:૧૬) એટલે હું પ્રચારમાં બધી જગ્યાએ વાયોલિન બોક્સ લઈ જતી. જો કોઈ મને રોકે તો હું વાયોલિન બતાવીને બહાના કાઢી શકતી. જેઓ બાઇબલ વિષે શીખતા હતા, તેઓમાંનું કોઈ વાયોલિન વગાડતા ન શીખ્યું. પણ તેઓમાંથી ઘણાના કુટુંબો યહોવાહના સાક્ષીઓ જરૂર બન્યા!

અમારા મિશનરી ઘરમાં બીજી ત્રણ બહેનો હતી, મેરી એનીઓલ, સોફીઆ સોવિઆક અને ઈડીથ મોર્ગન. અમારા પ્રચાર કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે, અમે ચારે બહેનો સેન ફ્રેન્સિસ્કો ડી માકોરીસના મિશનરી ઘરથી સૅંટો ડોમિંગોના બેથેલમાં રહેવા ગયા. તોપણ, હું દર મહિને સંગીતના ક્લાસ શીખવવા પાછી સેન ફ્રેન્સિસ્કો જતી હતી. એ વખતે હું મારા વાયોલિનના બોક્સમાં ત્યાંના ભાઈઓ માટે બાઇબલ સાહિત્ય લઈ જતી હતી. અને પાછા ફરતી વખતે હું તેઓના પ્રચાર કામના રિપોર્ટ લઈ આવતી હતી.

સેન ફ્રેન્સિસ્કો ડી માકોરીસના ભાઈઓ લડાઈમાં કોઈ ભાગ લેવા તૈયાર ન હતા. એટલે તેઓને સૅંટિયાગોની જેલમાં પૂરવામાં આવ્યા હતા. તેઓને પૈસા અને બાઇબલની ખૂબ જરૂર હતી. વળી, તેઓ પોતાના કુટુંબોને પણ કોઈ સમાચાર આપી શકતા ન હતા. એટલે મને પૂછવામાં આવ્યું કે શું હું તેઓ માટે કંઈ કરી શકીશ? હું ખરેખર તૈયાર હતી. અમુક વાર જેલમાં ચોકીદારો મારી બગલમાં વાયોલિન બોક્સ જોઈને પૂછતા: “એ શાના માટે છે?” હું જવાબ આપતી, “કેદીઓનું દિલ બહેલાવવા માટે.”

હું જેલમાં ભાઈઓ આગળ યહોવાહના સાક્ષીઓની ગીતની ચોપડીનું ૨૯ નંબરનું ગીત વગાડતી હતી, જેથી તેઓ એ ગાતા શીખી શકે. આ ગીત નાઝી જુલમી છાવણીમાં એક સાક્ષી ભાઈએ લખ્યું હતું.

પછી મને ખબર પડી કે તેઓમાંના ઘણાને સરકારના તાબામાં રહેલી, ટ્રુજિલોની વાડીએ લઈ જવામાં આવ્યા હતા. એ વાડી બસની અવરજવર થતા એક રોડથી થોડી દૂર હતી. તેથી, હું બસમાં એ તરફ ગઈ અને બપોરે પહોંચીને એક દુકાનદારને ત્યાં જવાનો રસ્તો પૂછ્યો. દુકાનદારે મને પહાડો પાછળ એક રસ્તો બતાવ્યો. તેણે મને એક ઘોડો અને ગાઈડ તરીકે એક છોકરાને પણ મોકલવાની ઓફર કરી. પણ એ માટે મને કહ્યું કે તારું વાયોલિન અહીંયા રાખી જા. તું પાછી આવીશ ત્યારે તને પાછું મળશે.

એ વાડીએ જતી વખતે, અમારે ઘોડા પર સાથે બેસીને પહાડો વચ્ચે એક નદી પણ પાર કરવી પડી. ત્યાં અમે અજાયબ પોપટોનું ઝુંડ જોયું. તેઓના લીલા અને આસમાની રંગના પીંછા સૂર્યપ્રકાશમાં ચમકતા હતા. એ દૃશ્ય કેટલું સુંદર હતું! તરત જ મેં પ્રાર્થના કરી: “હે યહોવાહ, આ પક્ષીઓને આટલા સુંદર બનાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.” છેવટે બપોરે ચાર વાગે અમે વાડીએ પહોંચ્યા. ત્યાંનો મુખ્ય ચોકીદાર ખૂબ જ ભલો હતો. તેણે મને ભાઈઓ સાથે વાત કરવા દીધી અને હું તેઓ માટે જે કંઈ લાવી હતી એ બધું આપવાની રજા આપી. અરે, મેં તેઓને એક ખૂબ નાનું બાઇબલ પણ આપ્યું.

પાછા વળતી વખતે અંધારું થઈ ગયું હતું. તેથી, હું આખા રસ્તે પ્રાર્થના કરતી રહી. છેવટે અમે પાછા દુકાને આવી ગયા. અમે વરસાદમાં પૂરેપૂરા પલળી ગયા હતા. હવે હું છેલ્લી બસ પણ ચૂકી ગઈ હતી. તેથી, મેં દુકાનદારને મારા માટે કોઈ ટ્રક ઊભી રાખવા વિનંતી કરી. તેણે એક ટ્રક ઊભી રાખી જેમાં બે માણસો હતા. તેથી, મને ચિંતા થવા લાગી કે તેઓ સાથે જવામાં સલામતી હશે કે કેમ? ત્યાં જ તેઓમાંથી એકે મને કહ્યું: “શું તમે શોફીઆને ઓળખો છો? તેમણે મારી નાની બહેનને બાઇબલ વિષે શીખવ્યું છે.” ત્યાં જ મને ખબર પડી ગઈ કે યહોવાહે મારી પ્રાર્થનાને જવાબ આપ્યો હતો! તેઓ મને સહીસલામત સૅંટો ડોમિંગો લઈ ગયા.

વર્ષ ૧૯૫૩માં યહોવાહના સાક્ષીઓએ ન્યૂયોર્કના યાંકી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલન ભર્યું હતું. એમાં મારી સાથે ડોમિનિકન પ્રજાસત્તાકના ઘણા ભાઈબહેનો આવ્યા હતા. મારા પપ્પા સાથે અમારું આખું કુટુંબ પણ ત્યાં આવ્યું હતું. ડોમિનિકન પ્રજાસત્તાકમાં પ્રચાર કામમાં કેવી પ્રગતિ થઈ રહી છે એ વિષે રિપોર્ટ આપવામાં આવ્યો. પછી, મને અને મારી મિશનરી સાથી મેરી એનીઓલને સ્ટેજ પર નાનો ભાગ રજૂ કરવા બોલાવવામાં આવ્યા. ત્યાં અમે બતાવ્યું કે પ્રચારની મનાઈ હતી ત્યારે અમે કઈ રીતે પ્રચાર કરતા હતા.

અમે સરકીટ કામમાં ઘણો આનંદ માણ્યો

એ જ વર્ષે ઉનાળામાં હું રુડોલ્ફ સુનાલને મળી. પછીના વર્ષે અમે લગ્‍ન કર્યા. તેમનું કુટુંબ, પહેલું વિશ્વયુદ્ધ પત્યા પછી થોડા જ સમયમાં એલેઘની, પેન્સિલ્વેનિયામાં યહોવાહના સાક્ષી બન્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં લડાઈમાં ભાગ ન લેવાથી તેમને જેલની સજા થઈ હતી. એ પછી તે બ્રુકલિન બેથેલમાં કામ કરવા લાગ્યા. અમે લગ્‍ન કર્યા એના થોડા સમય પછી, તેમને સરકીટ કામ કરવાની સોંપણી મળી. પછીના ૧૮ વર્ષ માટે મેં તેમને સરકીટ કામમાં સાથ આપ્યો.

અમે પેન્સિલ્વેનિયા, પશ્ચિમ વર્જિનિયા, ન્યૂ હૅમ્પશિયર, મૅસાચ્યૂસિટ્‌સ અને બીજી ઘણી જગ્યાઓમાં મંડળોને મળવા ગયા. અમે મોટાભાગે ભાઈબહેનો સાથે તેઓના ઘરે જ રહેતા હતા. તેઓ સાથે દોસ્તી બાંધવાનો એ એક અનેરો આશીર્વાદ હતો. તેમ જ તેઓ સાથે યહોવાહની સેવા કરવાનો પણ એક સુંદર લહાવો હતો. તેઓએ ખરેખર દિલથી અમારા માટે પ્રેમ અને પરોણાગત બતાવી. એ તો અમને હંમેશાં યાદ રહેશે. પછી મારો ભાઈ જોયલ, મારી મિશનરી મિત્ર મેરી એનીઓલ સાથે પરણ્યો. તેઓએ સરકીટ કામમાં પેન્સિલ્વેનિયા અને મિશિગનના મંડળોમાં ત્રણ વર્ષ સેવા આપી. ત્યાર બાદ, તેઓને ૧૯૫૮માં બેથેલમાં કામ કરવા બોલાવવામાં આવ્યા.

કાર્લે લગભગ સાત વર્ષ બેથેલમાં કામ કર્યું. પછી અનુભવ મેળવવા માટે તેને અમુક મહિના સરકીટ નિરીક્ષકનું કામ આપવામાં આવ્યું. ત્યાર બાદ, તે ગિલિયડ સ્કૂલમાં શિક્ષક બન્યો. વર્ષ ૧૯૬૩માં તેણે બોબી સાથે લગ્‍ન કર્યા. બોબીએ ઑક્ટોબર, ૨૦૦૨માં મરણ પામી ત્યાં સુધી બેથેલમાં વફાદારીથી સેવા આપી હતી.

ડોને બેથેલમાં રહીને ઝોન ઓવર્શિયર તરીકે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. તે ત્યાંની બ્રાંચ ઓફિસોમાં અને મિશનરીઓને મળતો હતો. આ કામને લીધે તેણે પૂર્વના દેશો, આફ્રિકા, યુરોપ અને અમેરિકાના ઘણા દેશોના ભાઈઓની મુલાકાત લીધી હતી. ડોનની વહાલી પત્ની ડલોરિસ પણ ઘણી વાર તેની સાથે જતી હતી.

અમારા સંજોગો બદલાયા

મારા પપ્પા લાંબી બીમારી પછી મરણ પામ્યા. પણ એ પહેલાં તેમણે મને કહ્યું હતું કે અમે બધાએ યહોવાહની સેવા કરવાનું પસંદ કર્યું એનાથી તે ઘણા ખુશ છે. તેમણે એમ પણ કહ્યું કે મારું માનીને તમે કોલેજ કરી હોત તો આપણને આટલા આશીર્વાદો કદી મળ્યા ન હોત. પછી મમ્મી મારી બહેન જોઈના ઘર નજીક રહેવા ગઈ ત્યારે, મેં તેને સામાન પેક કરવામાં મદદ કરી. પછી હું અને મારા પતિ પાયોનિયર તરીકે ન્યૂ ઈંગ્લૅંડમાં ગયા, કેમ કે એ સમયે મારા સાસુને અમારી મદદની જરૂર હતી. મારા સાસુ મરણ પામ્યા પછી, મારી મમ્મી ૧૩ વર્ષ અમારી સાથે રહી. પછી, જાન્યુઆરી ૧૮, ૧૯૮૭માં તે ૯૩ વર્ષની વયે મરણ પામી. તેને સ્વર્ગમાં જવાની આશા હતી.

અમને બધા બાળકોને યહોવાહની સેવામાં ઉછેરવા બદલ, મમ્મીના મિત્રો અને બીજા ભાઈબહેનો ઘણી વાર તેની પ્રશંસા કરતા. ત્યારે, મમ્મી નમ્ર બનીને કહેતી કે ‘મારા બાળકો તો સારી ભોંય જેવા છે, અને મેં ફક્ત તેઓમાં સત્યનું “બી” વાવ્યું છે.’ (માત્થી ૧૩:૨૩) પરમેશ્વરનો ડર રાખનારા મારા ઉત્સાહી અને નમ્ર માબાપ ખરેખર અમારા માટે એક મોટો આશીર્વાદ હતો! તેઓએ ખૂબ સારો નમૂનો બેસાડ્યો હતો.

પરમેશ્વર હજી જીવનમાં પ્રથમ છે

અમે આજે પણ પરમેશ્વરની સેવાને જીવનમાં પ્રથમ રાખી છે. તેમ જ, તેમના વિષે લોકોને જણાવીને અમે ઈસુની સલાહને અમલમાં મૂકી છે. (લુક ૬:૩૮; ૧૪:૧૨-૧૪) એ સામે, યહોવાહે પણ અમારી બધી જરૂરિયાતો પૂરી પાડી છે. અમારું જીવન ખરેખર સુખ-શાંતિભર્યું રહ્યું છે.

હું અને રુડોલ્ફ આજે પણ સંગીતમાં ખૂબ હોંશ બતાવીએ છીએ. બીજાઓ અમારા ઘરે આનંદની પળો વિતાવવા આવે છે ત્યારે, અમે બધા મનગમતું સંગીત વગાડીએ છીએ. જોકે, એનાથી મને ઘણી ખુશી મળે છે, પણ સંગીત એ જ મારું જીવન નથી. ખરો આનંદ તો અમને અમારા પાયોનિયર કામના મહેનતના ફળ જોઈને મળે છે. અમે જેઓને સત્ય વિષે શીખવ્યું હતું તેઓમાંના ઘણા આજે ઉત્સાહથી યહોવાહની સેવા કરી રહ્યા છે.

હમણાં અમારી તબિયત સારી રહેતી નથી. તોપણ, હું એ જરૂર કહીશ કે છેલ્લા ૬૦ કરતાં વધારે વર્ષના પૂરા સમયના સેવાકાર્યમાં અમે ઘણી સુખ-શાંતિ અનુભવી છે. હું દરરોજ સવારે ઊઠું છું ત્યારે, યહોવાહનો આભાર માનું છું, કેમ કે તે આટલા વર્ષોથી મારી પ્રાર્થનાનો જવાબ આપતા રહ્યા છે. પછી હું વિચારું છું કે, ‘હે યહોવાહ, આજે હું કઈ રીતે તમારી સેવાને પ્રથમ મૂકી શકું?’

[ફુટનોટ્‌સ]

^ યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલી, પણ હવે છપાતી નથી.

[પાન ૨૪ પર ચિત્ર]

અમારું કુટુંબ ૧૯૪૮માં (જમણેથી ડાબે): જોઈ, ડોન, મમ્મી, જોયલ, કાર્લ, હું અને પપ્પા

[પાન ૨૫ પર ચિત્ર]

મમ્મીએ પ્રચારમાં સરસ નમૂનો બેસાડ્યો હતો

[પાન ૨૬ પર ચિત્ર]

આશરે ૫૦ વર્ષ પછી આજે, કાર્લ, ડોન, જોઈ અને હું

[પાન ૨૭ પર ચિત્ર]

ડાબેથી જમણે: હું, મેરી એનીઓલ, શોફીઆ સોવિઆક અને ઈડિથ મોર્ગન, ડોમિનિકન પ્રજાસત્તાકમાં મિશનરી હતા ત્યારે

[પાન ૨૮ પર ચિત્ર]

યાંકી સ્ટેડિયમમાં મેરી સાથે (ડાબી બાજુ), ૧૯૫૩માં

[પાન ૨૯ પર ચિત્ર]

મારા પતિ સરકીટ નિરીક્ષક હતા ત્યારે તેમની સાથે