સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખ

પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખ

પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખ

“તારૂં નામ જાણનારા તારા પર ભરોસો રાખશે.”—ગીતશાસ્ત્ર ૯:૧૦.

૧, ૨. આજે લોકો કોના પર ભરોસો રાખે છે?

 આજે સુખ, ફૂલની જેમ જલદી કરમાઈ જાય છે. તેથી, સુખી બનવા ઘણા લોકો કોઈ વ્યક્તિ કે વસ્તુમાં ભરોસો રાખે છે. બીજા લોકો ધનદોલત પર જ ભરોસો રાખે છે. પરંતુ, બાઇબલ કહે છે: “પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે.” (નીતિવચનો ૧૧:૨૮) બીજાઓ સારા નેતાઓ પર ભરોસો રાખે છે. પરંતુ, તેઓ ગમે એટલા સારા હોય તોપણ ભૂલ કરે છે. આખરે તો સર્વ મરણ પામશે. તેથી, બાઇબલમાં યહોવાહ કહે છે: “રાજાઓ પર ભરોસો ન રાખ, તેમજ માણસ જાત પર પણ નહિ, કેમકે તેની પાસે તારણ નથી.” (ગીતશાસ્ત્ર ૧૪૬:૩) આ સલાહ બતાવે છે કે આપણે પોતાના વિચારો પર પણ ભરોસો રાખવો જોઈએ નહીં. કેમ કે છેવટે તો આપણે પણ ભૂલને પાત્ર છીએ.

યશાયાહ પ્રબોધકે પોતાના સમયના રાજાઓની ટીકા કરી. કેમ કે તેઓએ “જૂઠાણાનો આશ્રય” લીધો હતો. (યશાયાહ ૨૮:૧૫-૧૭) તેઓ સલામતી માટે બીજા દેશના રાજાઓ સાથે ભળી ગયા હતા. પણ શાંતિ માટે તેઓએ કરેલો કરાર વ્યર્થ હતો. એવી જ રીતે, આજે ઘણા ધર્મોએ રાજકારણમાં ભળીને જગતની સરકારો પર ભરોસો મૂક્યો છે. પરંતુ, એ નકામું છે કેમ કે તેઓના કરારો પણ ‘જૂઠાં’ છે. (પ્રકટીકરણ ૧૭:૧૬, ૧૭) તેઓ કંઈ હંમેશ માટે સલામતી લાવી શકતા નથી.

યહોશુઆ અને કાલેબ જેવા બનો

૩, ૪. યહોશુઆ અને કાલેબે દસ જાસૂસો કરતાં કેવો અલગ અહેવાલ આપ્યો?

સલામતી માટે આપણે કોના પર ભરોસો રાખવો જોઈએ? મુસાના સમયમાં યહોશુઆ અને કાલેબનો વિચાર કરો. ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાંથી છૂટ્યા પછી, થોડા જ સમયમાં વચનના દેશ કનાનમાં રહેવા જવાના હતા. તેથી, એ દેશ વિષે અહેવાલ મેળવવા ૧૨ જાસૂસોને મોકલવામાં આવ્યા. ચાળીસ દિવસ પછી તેઓએ પાછા આવીને એ દેશ વિષે અહેવાલ આપ્યો. ફક્ત યહોશુઆ અને કાલેબે કહ્યું કે કનાન દેશમાં ઈસ્રાએલીઓ ખૂબ સુખી રહેશે. પરંતુ, બીજા દસ જણાએ કહ્યું કે દેશ સારો છે પણ: ‘જે લોક તે દેશમાં રહે છે તેઓ જોરાવર છે, ને નગરોની આસપાસ કોટ છે, ને તેઓ બહુ મોટાં છે. એ લોકોની સામે આપણે ચઢાઈ કરી શકતા નથી; કેમકે તેઓ આપણા કરતાં બળવાન છે.’—ગણના ૧૩:૨૭, ૨૮, ૩૧.

દસ જાસૂસોનું સાંભળીને ઈસ્રાએલીઓ ડરી ગયા અને મુસા વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા. પછી, યહોશુઆ અને કાલેબે દિલથી તેઓને કહ્યું: “જે દેશની જાસૂસી કરવાને અમે જઈ આવ્યા તે અત્યુત્તમ દેશ છે. જો યહોવાહ આપણા ઉપર પ્રસન્‍ન હશે, તો તે આપણને તે દેશમાં લાવશે, ને તે આપણને આપશે; તે તો દૂધમધની રેલછેલવાળો દેશ છે. ફક્ત યહોવાહની વિરૂદ્ધ તમે દંગો ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ન બીહો.” (ગણના ૧૪:૬-૯) તોપણ ઈસ્રાએલીઓએ તેઓનું સાંભળ્યું નહીં. પરિણામે, તેઓ વચનના દેશમાં જઈ શક્યા નહીં.

૫. યહોશુઆ અને કાલેબે શા માટે સારો અહેવાલ આપ્યો?

શા માટે યહોશુઆ અને કાલેબે તથા બીજા દસ જાસૂસોએ જુદો જુદો અહેવાલ આપ્યો? તેઓ બધાએ જોયું હતું કે શહેર ખૂબ સમૃદ્ધ અને એમાં રહેતા લોકો બળવાન છે. અરે, દસ જણાએ જે કહ્યું એ પણ સાચું હતું કે ઈસ્રાએલ પ્રજા એ દેશ જેટલી બળવાન નથી. યહોશુઆ અને કાલેબને પણ એ ખબર હતી. પરંતુ, દસ જાસૂસો માણસોની નજરે બાબતો જોતા હતા. જ્યારે યહોશુઆ અને કાલેબે યહોવાહ પર ભરોસો મૂક્યો. તેઓએ મિસરમાં, રાતા સમુદ્રએ અને સિનાઈ પર્વત નીચે યહોવાહના શક્તિશાળી કાર્યો જોયા હતા. આ કાર્યો એટલા મોટા હતા, કે ફક્ત એના વિષે સાંભળીને યરેખોમાં રહેતી રાહાબે યહોવાહમાં ભરોસો મૂક્યો. તેણે યહોવાહના લોકો માટે પોતાનું જીવન પણ જોખમમાં નાખ્યું હતું. (યહોશુઆ ૨:૧-૨૪; ૬:૨૨-૨૫) યહોશુઆ અને કાલેબે યહોવાહના શક્તિશાળી કાર્યોને નજરોનજર જોયા હતા. તેથી, તેઓને પૂરો વિશ્વાસ હતો કે પરમેશ્વર પોતાના લોકો માટે જરૂર લડાઈ કરશે. તો શું તેઓના વિશ્વાસનો કોઈ ફાયદો થયો? હા, ચાળીસ વર્ષ પછી, યહોશુઆની આગેવાની હેઠળ ઈસ્રાએલીઓની નવી પેઢીએ કનાન દેશને જીતી લીધો.

શા માટે યહોવાહ પર જ ભરોસો મૂકવો જોઈએ?

૬. શા માટે આપણા પર દબાણો આવે છે, અને આપણે કોના પર ભરોસો રાખવો જોઈએ?

‘આ સંકટના વખતોમાં,’ ઈસ્રાએલીઓની જેમ આપણો દુશ્મન પણ ઘણો બળવાન છે. (૨ તીમોથી ૩:૧) આપણે યહોવાહની સેવા કરતા હોવાથી, દુશ્મનો આપણા પર ઘણી તકલીફો લાવે છે. અમુક વાર તો આપણી મારપીટ પણ થઈ શકે છે. જોકે, આપણે જાતે એ દબાણોનો સામનો કરી શકતા નથી. કેમ કે એ શેતાન તરફથી આવે છે. (એફેસી ૬:૧૨; ૧ યોહાન ૫:૧૯) તો પછી, આપણને ક્યાંથી મદદ મળી શકે? હજારો વર્ષ પહેલાં, પરમેશ્વરના એક સેવકે યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું: “તારૂં નામ જાણનારા તારા પર ભરોસો રાખશે.” (ગીતશાસ્ત્ર ૯:૧૦) જો તમે યહોવાહને ખરેખર જાણો અને તેમના નામનો અર્થ સમજો તો, તમે તેમના પર ભરોસો રાખી શકશો. યહોશુઆ અને કાલેબે એમ જ કર્યું હતું.—યોહાન ૧૭:૩.

૭, ૮. (ક) યહોવાહે સર્જેલી વસ્તુઓ જોઈને શા માટે આપણે તેમના પર ભરોસો રાખવા પ્રેરાઈએ છીએ? (ખ) શા માટે બાઇબલ આપણને યહોવાહ પર જ ભરોસો રાખવાનું કહે છે?

યહોવાહના મહાન કાર્યો જોઈને યહોશુઆ અને કાલેબે તેમનામાં ભરોસો મૂક્યો. એવી જ રીતે આપણે પણ યહોવાહના અનેક મહાન કાર્યો જોઈને તેમના પર ભરોસો મૂકવો જોઈએ. દાખલા તરીકે, યહોવાહે બનાવેલા વિશ્વ અને કરોડો-અબજો તારામંડળનો વિચાર કરો. યહોવાહ એનું જે રીતે સંચાલન કરે છે એ જ બતાવી આપે છે કે તે ખરેખર સર્વશક્તિમાન છે. અયૂબે યહોવાહ વિષે કહ્યું: “તેને કોણ રોકશે? તેને કોણ કહેશે, કે તું શું કરે છે?” (અયૂબ ૯:૧૨) ચોક્કસ, આપણે પણ અયૂબ સાથે સહમત થઈશું. હા, જો યહોવાહ આપણી સાથે હશે તો, આપણે આખી દુનિયામાં કોઈનાથી ડરવું નહિ પડે!—રૂમીઓને પત્ર ૮:૩૧.

યહોવાહનો શબ્દ, બાઇબલનો પણ વિચાર કરો. એ આપણને ખરાબ કામોથી દૂર રહેવા મદદ કરે છે. વળી, એ આપણને તેમની સારી ભક્તિ કરવા પણ શીખવે છે. (હેબ્રી ૪:૧૨) બાઇબલ વાંચવાથી આપણે યહોવાહને સારી રીતે ઓળખી શકીએ છીએ. વળી, એનાથી આપણને પૂરી ખાતરી મળશે કે યહોવાહ તેમના વચનોને પાળે છે. (નિર્ગમન ૩:૧૪) આપણને એ પણ ખબર પડશે કે યહોવાહ આપણને પિતાની જેમ પ્રેમ કરે છે, પણ દુશ્મનો સામે તે એક ન્યાયાધીશ અને અજેય લશ્કર છે. હા, યહોવાહ પોતાનો હેતુ પૂરો કરવા કંઈ પણ કરી શકે છે. બાઇબલ વાંચવાથી આપણે પણ ગીતકર્તાની જેમ કહીશું: ‘મને તારા વચનોમાં ભરોસો છે.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૪૨; યશાયાહ ૪૦:૮.

૯. ઈસુનું બલિદાન અને સજીવન વિષે જાણીને યહોવાહમાં આપણો ભરોસો શા માટે વધે છે?

યહોવાહે આપણને પાપથી છોડાવવા એક ગોઠવણ કરી છે. એ જાણીને યહોવાહ માટેનો આપણો ભરોસો વધશે. જરા વિચારો કે મનુષ્યને મોતના મોંમાંથી બચાવવા, યહોવાહે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું! (માત્થી ૨૦:૨૮) એના લીધે તારણનો માર્ગ ખૂલી ગયો. હા, જેઓ ખરા દિલથી પસ્તાવો કરે, તેઓ બચી જઈ શકે છે. (યોહાન ૩:૧૬; હેબ્રી ૬:૧૦; ૧ યોહાન ૪:૧૬, ૧૯) ઈસુએ ખંડણી તરીકે પોતાના જીવનનું બલિદાન આપ્યું એ કારણે, તેમને સજીવન કરવા પણ જરૂરી હતું. એ ચમત્કાર અનેક લોકોએ પોતાની આંખે જોયો હતો. આપણને ખબર પડે કે યહોવાહ તેમના ભક્તોને સજીવન કરી શકે છે ત્યારે, શું તેમનામાં આપણો ભરોસો વધતો નથી? હા, યહોવાહમાં ભરોસો મૂકવાથી આપણી આશાનો દીવો ક્યારેય બુઝાશે નહિ!—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૩૧; રૂમીઓને પત્ર ૫:૫; ૧ કોરીંથી ૧૫:૩-૮.

૧૦. શા માટે આપણે યહોવાહમાં ભરોસો મૂકીએ છીએ?

૧૦ યહોવાહમાં પૂરો ભરોસો મૂકવાના આપણે અમુક જ કારણો જોયા છે. એવા તો બીજા ઘણા છે. કદાચ આપણા જીવનમાંથી આપણે પોતે અમુક કારણો આપી શકીએ. દાખલા તરીકે, આપણા પર કોઈને કોઈ સમયે મુશ્કેલીઓ આવી પડી હશે. એનો સામનો કરવા આપણે બાઇબલમાં યહોવાહનું માર્ગદર્શન શોધ્યું હશે. એ સલાહ પાળવાથી આપણને ઘણા લાભો થયા હશે. (યાકૂબ ૧:૫-૮) આ બાબત એક ચક્ર જેવી છે. જેમ આપણે જીવનમાં યહોવાહની સલાહ પાળીએ, તેમ સારાં ફળો આવે છે. આને લીધે યહોવાહમાં આપણો ભરોસો મજબૂત થાય છે.

દાઊદે યહોવાહમાં ભરોસો મૂક્યો

૧૧. દાઊદે કેવા સંજોગોમાં યહોવાહ પર ભરોસો મૂક્યો હતો?

૧૧ હજારો વર્ષ પહેલાં દાઊદે પણ યહોવાહમાં ભરોસો મૂક્યો હતો. વિચાર કરો કે એક બાજુ રાજા શાઊલ દાઊદને મારી નાખવા માગતા હતા. અને બીજી બાજુ પલિસ્તીઓનું શક્તિશાળી લશ્કર ઈસ્રાએલને જીતી લેવા પ્રયત્ન કરતું હતું. તેમ છતાં, દાઊદ એ જોખમમાંથી બચી ગયા. વધુમાં તેમણે પલિસ્તીઓને પણ હરાવ્યા. શા માટે? દાઊદ પોતે કહે છે: “યહોવાહ મારૂં અજવાળું તથા મારૂં તારણ છે; હું કોનાથી બીઉં? યહોવાહ મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?” (ગીતશાસ્ત્ર ૨૭:૧) જો આપણે યહોવાહમાં આવો ભરોસો મૂકીશું તો, આપણે કોઈ પણ દુશ્મન સામે જીતી શકીશું.

૧૨, ૧૩. દુશ્મનો આપણી વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવે ત્યારે, દાઊદના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

૧૨ બીજા એક પ્રસંગે દાઊદે પ્રાર્થના કરી: “હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળ; શત્રુના ભયથી મારો જીવ બચાવ. ભૂંડાઇ કરનારાઓનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓના હુલ્લડથી મને સંતાડ. તેઓએ તરવારની પેઠે તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે; કે તેઓ એકાંતમાં ઉત્તમ માણસને મારે.” (ગીતશાસ્ત્ર ૬૪:૧-૪) આપણે જાણતા નથી કે દાઊદે શા માટે આવી પ્રાર્થના કરી. પરંતુ, આજે વિરોધીઓ ‘જીભ તીક્ષ્ણ કરીને’ આપણને મહેણાં મારે છે. તેઓ આપણા વિષે જૂઠી અફવાઓ ફેલાવીને કે લખીને જાણે બાણ મારે છે. આવા સમયે યહોવાહ પર પૂરો ભરોસો મૂકવાથી શું થશે?

૧૩ દાઊદ કહે છે: “પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે. એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; . . . ન્યાયીઓ યહોવાહમાં આનંદ કરશે, અને તેના પર ભરોસો રાખશે.” (ગીતશાસ્ત્ર ૬૪:૭-૧૦) ભલે દુશ્મનો આપણા વિષે જૂઠી વાત ફેલાવે, આખરે તો ‘તેમની જ જીભ તેઓને નડશે.’ યહોવાહ પોતે બાબતોને થાળે પાડશે ત્યારે, તેમના પર ભરોસો મૂકનારાઓમાં કેવો આનંદ છવાઈ જશે!

હિઝકીયાહે યહોવાહમાં ભરોસો મૂક્યો

૧૪. (ક) હિઝકીયાહે કેવા સંજોગોમાં યહોવાહ પર ભરોસો મૂક્યો? (ખ) હિઝકીયાહે કઈ રીતે બતાવ્યું કે તે આશ્શુરીઓના જૂઠાણાને માનતા નથી?

૧૪ હિઝકીયાહ રાજાએ પણ યહોવાહમાં ભરોસો મૂક્યો હતો. તેમના રાજમાં આશ્શુરના લશ્કરે યરૂશાલેમને પોતાને શરણે આવવા ધમકી આપી હતી. એ લશ્કર સાન્હેરીબનું હતું અને તેણે બીજા ઘણા રાજ્યો જીતી લીધા હતા. તેણે યહુદાના ઘણા શહેરોને પણ જીતી લીધા હતા. સાન્હેરીબને ઘમંડ હતું કે તે યરૂશાલેમને પણ જીતી લેશે. રાબશાકેહ દ્વારા સાન્હેરીબે સાચું જ કહ્યું હતું કે મદદ માટે મિસર પર ભરોસો રાખવો નકામો છે. પછી તેણે કહ્યું: “જે દેવ પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, યરૂશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ પડશે.” (યશાયાહ ૩૭:૧૦) પરંતુ, હિઝકીયાહ જાણતા હતા કે યહોવાહ તેમને છોડી દેશે નહિ. તેથી, તેમણે એ રાતે પ્રાર્થના કરી: “હવે, હે અમારા દેવ યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજે, કે પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તું જ એકલો યહોવાહ છે.” (યશાયાહ ૩૭:૨૦) યહોવાહે હિઝકીયાહની પ્રાર્થના સાંભળી અને એક જ રાતમાં તેમણે ૧,૮૫,૦૦૦ આશ્શુરના સૈનિકોને મારી નાખ્યા. આમ, યરૂશાલેમ બચી ગયું અને સાન્હેરીબે યહુદાને છોડી દીધું. જેઓએ આ સમાચાર સાંભળ્યા, તેઓએ પણ કબૂલ્યું કે યહોવાહ એકલા જ મહાન પરમેશ્વર છે.

૧૫. દેશમાં કોઈ તકલીફ ઊભી થતા પહેલાં આપણે શું કરી શકીએ?

૧૫ હિઝકીયાહની જેમ, આજે આપણે પણ લડાઈમાં છીએ. આ દુષ્ટ દુનિયામાં આપણે યહોવાહની ભક્તિ કરીએ છીએ. આ લડાઈમાં આપણા પર પણ ગમે ત્યારે હુમલો થઈ શકે છે. એનાથી બચવા માટે આપણે તૈયાર રહેવું પડશે. (એફેસી ૬:૧૧, ૧૨, ૧૭) આજે દેશમાં એક દિવસ શાંતિ હોય શકે અને બીજા દિવસે અચાનક લડાઈ કે ઝગડો ફાટી નીકળી શકે છે. તેમ જ અમુક દેશો લોકોને જુદા ધર્મ પાળવા દે અને બીજા દિવસે એની મનાઈ પણ કરી શકે. પણ જો આપણે હિઝકીયાહની જેમ યહોવાહમાં પૂરો ભરોસો મૂકીશું તો, કંઈ પણ થાય એ માટે આપણે તૈયાર હોઈશું.

આપણે કઈ રીતે યહોવાહમાં ભરોસો મૂકી શકીએ?

૧૬, ૧૭. યહોવાહ પર ભરોસો બતાવવા આપણે શું કરી શકીએ?

૧૬ યહોવાહમાં ફક્ત કહેવા પૂરતો ભરોસો રાખવો જોઈએ નહીં. એના બદલે એ ભરોસો દિલમાંથી આવવો જોઈએ અને આપણા કાર્યોથી પણ એ બતાવવું જોઈએ. વળી, તેમણે આપેલા બાઇબલ પર આપણને પૂરો ભરોસો હોવો જોઈએ. એનો અર્થ એ થાય કે તમે એ રોજ વાંચો, એના પર વિચાર કરો અને જીવનમાં એનું શિક્ષણ ઉતારો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) આપણે યહોવાહના પવિત્ર આત્મામાં પણ માનવું જોઈએ. કેમ કે એનાથી આપણે યહોવાહને ખુશ કરતા સદ્‍ગુણો વિકસાવી શકીએ છીએ. વળી, એ આપણને ખરાબ આદતોથી પણ બચાવશે. (૧ કોરીંથી ૬:૧૧; ગલાતી ૫:૨૨-૨૪) આ પવિત્ર આત્માથી ઘણા લોકો સિગારેટ અને ડ્રગ્સની લતને છોડી શક્યા છે. બીજાઓએ અનૈતિક જીવન જીવવાનું છોડી દીધું છે. ખરેખર, જો આપણે યહોવાહ પર ભરોસો મૂકીશું, તો તેમની મદદથી કંઈ પણ કરી શકીશું!—એફેસી ૩:૧૪-૧૮.

૧૭ યહોવાહે જેઓને નીમ્યા છે તેઓ પર પણ આપણે ભરોસો મૂકવો જોઈએ. દાખલા તરીકે, યહોવાહે પૃથ્વી પરના પોતાના લોકોની સંભાળ રાખવા ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકરની’ ગોઠવણ કરી છે. (માત્થી ૨૪:૪૫-૪૭) જો આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખીશું તો, આ ગોઠવણને પૂરો સાથ આપીશું અને પોતાની રીતે બાબતો કરીશું નહીં. વળી, પાઊલે કહ્યું કે મંડળમાં સેવા આપતા વડીલો પણ યહોવાહથી નિમાયેલા છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૮) તેથી, વડીલોને પૂરો સાથ આપીને આપણે યહોવાહમાં ભરોસો બતાવીએ છીએ.—હેબ્રી ૧૩:૧૭.

પાઊલનું ઉદાહરણ અનુસરો

૧૮. આજે આપણે કઈ રીતે પાઊલના ઉદાહરણને અનુસરી શકીએ અને લોકો ન સાંભળે તો શું?

૧૮ પ્રેષિત પાઊલે આપણી જેમ પ્રચારમાં ઘણી સતાવણી સહી હતી. તેમના દિવસોમાં સરકારી અધિકારીઓને ખ્રિસ્તીઓ વિષે ખોટી છાપ હતી. એને સુધારવા કે સરકાર તરફથી પ્રચાર કાર્ય માટે મંજૂરી લેવા, પાઊલે ઘણી વાર તેઓ સાથે વાત કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૯-૨૨; ફિલિપી ૧:૭) આજે આપણે પણ તેમના ઉદાહરણને અનુસરીએ છીએ. આપણને જ્યારે પણ મોકો મળે ત્યારે, બીજાઓને સમજાવીએ છીએ કે શા માટે આપણે પ્રચાર કરીએ છીએ. અમુક કિસ્સામાં આપણે અદાલતમાં પણ એ સમજાવી શકીએ. પરંતુ, આ સંજોગોમાં જો કોઈ સાંભળે નહિ કે આપણે કેસ હારી જઈએ, તો આપણને એવું ન લાગવું જોઈએ કે આપણે તેઓને સમજાવવામાં નિષ્ફળ ગયા છીએ. એના બદલે, આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખવો જોઈએ. તેમણે ઈસ્રાએલીઓને કહ્યું હતું તેમ, આપણને પણ કહે છે કે “શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય રહેલું છે.”—યશાયાહ ૩૦:૧૫, IBSI.

૧૯. સતાવણીમાં પણ ભાઈ-બહેનોએ શું કર્યું છે?

૧૯ છેલ્લા સો વર્ષમાં યુરોપ, એશિયા અને આફ્રિકાના તથા દક્ષિણ અને ઉત્તર અમેરિકાના અમુક ભાગોમાં આપણા પ્રચાર કામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શું એનો અર્થ એમ થયો કે યહોવાહે આપણને છોડી દીધા છે? બિલકુલ નહીં. અમુક સમયે યહોવાહ સારાં કારણોથી આમ ચાલવા દે છે, પણ એ વખતે તે સાક્ષીઓને પૂરો સાથ અને શક્તિ આપે છે. આને લીધે ગમે એવી સતાવણીમાં પણ ઘણા ભાઈ-બહેનો યહોવાહને વફાદાર રહ્યા છે. આમ તેઓએ યહોવાહમાં પૂરો ભરોસો બતાવ્યો છે.

૨૦. સરકારોની ખુશામત કરવા આપણે શું નહિ કરીએ?

૨૦ બીજી બાજુ, મોટા ભાગના દેશોમાં આપણે ખુલ્લી રીતે પ્રચાર કામ કરી શકીએ છીએ. તેમ જ, અમુક સમયે ટીવી કે છાપાવાળાઓ આપણા વખાણ કરે છે. આપણે એનાથી ખુશ થઈએ છીએ, અને સત્યને વધુ ફેલાવીએ છીએ. યહોવાહના આશીર્વાદથી આપણે તેમની ભક્તિ ખુલ્લી રીતે કરી શકીએ છીએ. તેથી, આપણા જીવનમાં તેમની સેવા પહેલી આવવી જોઈએ. પરંતુ, સરકારોની ખુશામત કરવા આપણે ક્યારેય રાજકારણમાં ભાગ લેવો ન જોઈએ. તેમ જ સરકારના હુકમો માનીને આપણે ક્યારેય પ્રચાર કામ કે યહોવાહની ભક્તિ કરવાનું બંધ ન કરવું જોઈએ. આપણી આશા જગતની સરકારો પર નહિ પણ પરમેશ્વરની નવી દુનિયા પર છે. આપણે ફક્ત ઈસુના રાજના નાગરિકો છીએ, અને યહોવાહમાં પૂરો ભરોસો રાખીએ છીએ. ઈસુનું સ્વર્ગીય રાજ એક પર્વત જેવું છે. કોઈ પણ આતંકવાદ, બૉંબ, મિસાઈલ કે ન્યૂક્લિયર હુમલો એને હલાવી શકશે નહિ. તેમના સ્વર્ગીય રાજને કોઈ પણ ઉઠલાવી શકશે નહિ. આ સરકાર હંમેશાં રહેશે, અને એ યહોવાહનો હેતુ પૂરો કરશે!—દાનીયેલ ૨:૪૪; હેબ્રી ૧૨:૨૮; પ્રકટીકરણ ૬:૨.

૨૧. યહોવાહ માટે આપણે શું કરીશું?

૨૧ પાઊલ કહે છે: “આપણે પાછા હઠીને નાશ પામનારા નથી, પણ જીવના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ.” (હેબ્રી ૧૦:૩૯) તો પછી, અંત સુધી યહોવાહને વફાદાર રહો. ફક્ત તેમના પર ભરોસો રાખો. તે કદી આપણને છોડશે નહિ!—ગીતશાસ્ત્ર ૩૭:૩; ૧૨૫:૧.

તમે શું શીખ્યા?

• શા માટે યહોશુઆ અને કાલેબે સારો અહેવાલ આપ્યો?

• શા માટે આપણે યહોવાહ પર ભરોસો રાખવો જોઈએ?

• યહોવાહ પર ભરોસો રાખવાનો શું અર્થ થાય છે?

• યહોવાહ માટે આપણે શું કરવા તૈયાર છીએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૫ પર ચિત્ર]

શા માટે યહોશુઆ અને કાલેબે સારો અહેવાલ આપ્યો?

[પાન ૧૬ પર ચિત્ર]

યહોવાહે સર્જેલી વસ્તુઓ જોઈને તેમના પર આપણો ભરોસો વધારે મજબૂત થાય છે

[ક્રેડીટ લાઈન]

All three images: Courtesy of Anglo-Australian Observatory, photograph by David Malin

[પાન ૧૮ પર ચિત્ર]

યહોવાહ પર ભરોસો રાખવાનો અર્થ એ થાય કે આપણે તેમણે નીમેલા સેવકોનું પણ માનીએ