સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહના સાક્ષીઓએ જુલમ પર જીત મેળવી

યહોવાહના સાક્ષીઓએ જુલમ પર જીત મેળવી

યહોવાહના સાક્ષીઓએ જુલમ પર જીત મેળવી

ફ્રીડા યૅસીનો જન્મ, ૧૯૧૧માં ડેનમાર્કમાં થયો હતો. ત્યાર પછી, તે અને તેના મમ્મી-પપ્પા ઉત્તર જર્મનીના હુંસમ શહેરમાં રહેવા ગયા. તે ઉંમર લાયક થઈ ત્યારે મેગ્ડેબર્ગમાં કામે લાગી. વર્ષ ૧૯૩૦માં તેણે બાપ્તિસ્મા લીધું અને બાઇબલ વિદ્યાર્થી તરીકે ઓળખાવા લાગી. ત્યારે યહોવાહના સાક્ષીઓ એ નામથી ઓળખાતા હતા. વર્ષ ૧૯૩૩માં હિટલર જર્મનીમાં રાજ કરવા લાગ્યો અને ત્યારથી ફ્રીડા જુલમનો ભોગ બની. ફ્રીડાએ નાઝી (હિટલર) અને સામ્યવાદી રાજ હેઠળ ૨૩ વર્ષ સુધી જુલમ સહ્યો હતો.

માર્ચ, ૧૯૩૩માં જર્મન સરકારે ચૂંટણી યોજી. એના વિષે હેમ્બુર્ગ પાસે આવેલ નોઈનગમી કોન્સન્ટ્રેશન કેમ્પ મ્યુઝિયમના પ્રમુખ ડૉ. ડેટલેફ ગરબે જણાવે છે: “નાઝી પક્ષ બધાને દબાણ કરતો હતો કે તેઓ એડોલ્ફ હિટલરને ચાન્સેલર અને આગેવાન તરીકે મત આપે.” પરંતુ, ઈસુની જેમ યહોવાહના સાક્ષીઓ પણ ‘જગતનો ભાગ ન હોવાથી,’ તેઓએ કોઈને મત આપ્યો નહિ. એનું શું પરિણામ આવ્યું? યહોવાહના સાક્ષીઓના ધર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.—યોહાન ૧૭:૧૬.

તેમ છતાં, ફ્રીડા છાની-છૂપીથી યહોવાહ પરમેશ્વરના રાજ્યનો પ્રચાર કરતી અને ચોકીબુરજ મેગેઝિન છાપવામાં મદદ કરતી. તે કહે છે: “મારા ખ્રિસ્તી ભાઈબહેનો જુલમી છાવણીમાં હતા, તેથી હું તેઓ માટે ચોકીબુરજ મેગેઝિનો સંતાડીને લઈ જતી.” છૂપી પોલીસે ૧૯૪૦માં તેને ગિરફતાર કરી અને પોલીસ સ્ટેશનમાં તેની પાસેથી માહિતી કઢાવવા પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો. તેઓને કોઈ માહિતી મળી ન હોવાથી, તેને મહિનાઓ સુધી એકલી કેદમાં પૂરી રાખી. ફ્રીડા એ દુઃખ કેવી રીતે સહી શકી? તે કહે છે: “હું દરરોજ વહેલી સવારે તેમ જ દિવસના ઘણી વાર પ્રાર્થના કરતી. એમ કરવાથી મને દુઃખ સહન કરવા હિંમત મળતી અને પછી હું કશાની ચિંતા કરતી ન હતી.”—ફિલિપી ૪:૬, ૭.

પછી ફ્રીડાને છોડવામાં તો આવી, પરંતુ ફરી તેને ૧૯૪૪માં ગિરફતાર કરવામાં આવી. આ વખતે તેને વોલ્ડહેઈમમાં સાત વર્ષ જેલની સજા કરવામાં આવી. ફ્રીડા કહે છે: “જેલમાં પોલીસોએ મને બીજી સ્ત્રીઓ સાથે ટોઈલેટ-બાથરૂમ સાફ કરવાનું કામ આપ્યું હતું. એમાંની એક સ્ત્રી ઝેકોસ્લોવેકિયાની હતી, જેની સાથે હું વધારે કામ કરતી. કામ કરતી વખતે હું તેની સાથે યહોવાહ પરમેશ્વર અને તેમના સેવકો વિષે બહુ જ વાતો કરતી. એમ કરવાથી હું વિશ્વાસમાં અડગ રહી શકી.”

થોડા સમય માટે છોડવામાં આવી

પછી મે, ૧૯૪૫માં સોવિયેત રશિયાના લશ્કરોએ જર્મનીમાં આવીને વોલ્ડહેઈમ જેલના કેદીઓને છૂટા કર્યા. તેથી ફ્રીડા પાછી મેગ્ડેબર્ગ રહેવા ગઈ અને ફરીથી પ્રચાર કરવાનું ચાલુ કર્યું. પરંતુ તે થોડો જ સમય એમ કરી શકી. આ વખતે જર્મનીમાં રહેતા યહોવાહના સાક્ષીઓ સોવિયેત રશિયાના અધિકારીઓનું નિશાન બન્યા હતા. હાનાહ ઍરંટ યુનિવર્સિટીમાં નાઝી જેવી જુલમી સરકારોનો અભ્યાસ કરનાર ગારાલ્ટ હાકી આમ લખે છે: “જર્મનીમાં જે રીતે નાઝી અને સોવિયેત રશિયાની સરકારે યહોવાહના સાક્ષીઓ પર જુલમ કર્યો એવો બીજા કોઈ પર થયો નથી.”

એ સરકાર શા માટે તેઓને ફરીથી સતાવવા લાગી? કારણ કે ખ્રિસ્તી યહોવાહના સાક્ષીઓ કોઈ પણ રીતે રાજકારણ કે યુદ્ધોમાં ભાગ લેતા નથી. વર્ષ ૧૯૪૮માં પૂર્વ જર્મનીએ લોકો માટે મુક્ત ચૂંટણીઓ યોજી હતી. હાકી જણાવે છે: ‘યહોવાહના સાક્ષીઓએ ચૂંટણીમાં કોઈને મત આપ્યો ન હોવાથી તેઓને સતાવવામાં આવ્યા.’ પૂર્વ જર્મનીએ ઑગસ્ટ, ૧૯૫૦માં યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂક્યો. હજારો સાક્ષીઓને કેદ કરવામાં આવ્યા જેમાં ફ્રીડા પણ હતી.

ફ્રીડાને ફરી કોર્ટમાં લાવવામાં આવી અને તેને છ વર્ષની કેદ થઈ. તે કહે છે: “આ વખતે મને યહોવાહના સાક્ષીઓ સાથે કેદ કરવામાં આવી હતી. તેઓની સંગતથી મને ખૂબ જ લાભ થયો હતો.” પછી તેને ૧૯૫૬માં છોડવામાં આવી ત્યારે તે પશ્ચિમ જર્મનીમાં રહેવા ગઈ. તે આજે ઉત્તર જર્મનીના હુંસમ શહેરમાં રહે છે. તે હવે ૯૦ વર્ષના છે તોપણ યહોવાહની સેવા કરી રહ્યા છે.

ફ્રીડાએ બે જુલમી સરકારના હાથ નીચે ૨૩ વર્ષ સુધી જુલમ સહ્યો હતો. તે કહે છે: “નાઝી સરકારે મને મિટાવી દેવા ઘણા પ્રયત્નો કર્યા; અને સામ્યવાદી સરકારે યહોવાહની સેવામાં મારો ઉત્સાહ ભાંગી નાખવા ઘણા પ્રયત્નો કર્યા. તો પછી મને શક્તિ ક્યાંથી મળી? હું જેલમાં ન હતી ત્યારે, નિયમિત રીતે જાતે બાઇબલનો અભ્યાસ કરતી. મારી સાથે કોઈનો સથવારો ન રહેતો ત્યારે હું પ્રાર્થના કર્યા કરતી. તેમ જ જ્યારે પણ આપણા ખ્રિસ્તી ભાઈબહેનો (યહોવાહના સાક્ષીઓ) મળતા ત્યારે હું તેઓ સાથે સંગત રાખતી. અને પ્રચાર કરવાનો કોઈ પણ મોકો મળતો ત્યારે એને જવા ન દેતી.”

હંગેરીમાં જુલમી સરકાર

હંગેરી બીજો એક દેશ હતો જ્યાં યહોવાહના સાક્ષીઓને ઘણાં વર્ષો સુધી જુલમ સહેવો પાડ્યો. અમુક યહોવાહના સાક્ષીઓએ એક નહિ પણ ત્રણ જુલમી સરકારના હાથ નીચે જુલમ સહેવો પડ્યો હતો. એમાંના એક આદમ સંગર છે. આદમનો જન્મ ૧૯૨૨માં, હંગેરીના પાકઝ ગામમાં થયો હતો. તે પ્રોટેસ્ટંટ પંથમાં મોટા થયા હતા. વર્ષ ૧૯૩૭માં અમુક બાઇબલ વિદ્યાર્થીઓ (પછી યહોવાહના સાક્ષીઓ તરીકે ઓળખાયા) પ્રચાર કરતા તેમના ઘરે આવ્યા હતા. તેઓ શું કહે છે એ તેમણે સાંભળ્યું. તે બાઇબલમાંથી જે શીખ્યા એનાથી જોઈ શક્યા કે તેમનું ચર્ચ પરમેશ્વર વિષે બાઇબલનું સત્ય શીખવતું નથી. તેથી, તેમણે પ્રોટેસ્ટંટ ચર્ચમાં જવાનું છોડીને બાઇબલ વિદ્યાર્થીઓ સાથે પ્રચાર કરવાનું શરૂ કર્યું.

હંગેરીમાં એ સમયે હિટલરની જુલમી સરકાર જેવી જ ફાસીવાદ સરકારનું જોર હતું. આદમને બાઇબલનો પ્રચાર કરતા પોલીસ ઘણી વાર જોઈ ગઈ હતી. તેથી, આદમ પાસેથી માહિતી કઢાવવા તેઓ કેટલીય વાર તેમને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. સમય જતા સાક્ષીઓ પર ખૂબ જ દબાણ આવવા લાગ્યું અને છેવટે તેઓના ધર્મ પર ૧૯૩૯માં પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પછી ૧૯૪૨માં આદમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલ થઈ. ત્યાં તેમની સખત મારપીટ પણ કરવામાં આવી. એ સમયે આદમ ફક્ત ૧૯ વર્ષના હતા. તોપણ તે કેવી રીતે મહિનાઓ સુધી જેલમાં થતો જુલમ સહી શક્યા? તે કહે છે: “હું ઘરે હતો ત્યારે મન લગાડીને બાઇબલનો અભ્યાસ કરતો; એમ કરવાથી મને યહોવાહના હેતુઓ અને સત્ય વિષે ઊંડી સમજણ પડી.” છેવટે મહિનાઓ પછી આદમને જેલમાંથી છોડવામાં આવ્યા. ત્યારે તેમણે પોતાના ઘરની પાસે, ઑગસ્ટ, ૧૯૪૨ની એક રાતે બાપ્તિસ્મા લીધું અને યહોવાહના સાક્ષી બન્યા.

હંગેરી અને સર્બિયાની જેલમાં

એ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે હંગેરીએ જર્મની સાથે દોસ્તી બાંધીને સોવિયેત રશિયા સામે લડાઈમાં ઊતર્યું હતું. વર્ષ ૧૯૪૨ના અંતમાં આદમને લશ્કરમાં ફરજિયાત જોડાવા માટે બોલાવવામાં આવ્યા. તે કહે છે: “મેં જઈને જણાવ્યું કે હું બાઇબલમાંથી જે શીખ્યો છું એ કારણથી લશ્કરમાં જોડાઈ નહિ શકું.” તેથી, તેમને ૧૧ વર્ષની જેલ થઈ. પરંતુ આદમે હંગેરીની જેલમાં ૧૧ વર્ષ કાઢવા ન પડ્યા.

પછી ૧૯૪૩માં લગભગ ૧૬૦ યહોવાહના સાક્ષીઓને બોટમાં ભરીને ડૅન્યૂબ નદીમાંથી સર્બિયા લઈ જવામાં આવ્યા. એમાં આદમ પણ હતા. હવે સર્બિયામાં આ કેદીઓ હિટલરના રાજ હેઠળ આવ્યા. તેઓને બૉર નામના શહેરમાં આવેલી જુલમી છાવણીમાં લઈ જવામાં આવ્યા. ત્યાં આ કેદીઓ તાંબાની ખાણમાં કામ કરતા હતા. લગભગ એક વર્ષ પછી, ૧૯૪૫ની વસંતઋતુમાં સોવિયેત લશ્કરોએ કેદીઓને પાછા હંગેરી લઈ જઈને છોડી દીધા. તેઓમાં આદમ પણ હતા.

હંગેરીમાં સામ્યવાદી રાજ હેઠળ

પરંતુ આઝાદી લાંબો વખત ચાલી નહિ. યુદ્ધ પહેલાં હંગેરીની ફાસીવાદી સરકારે યહોવાહના સાક્ષીઓના ધર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ, સામ્યવાદી સરકારે પણ ૧૯૪૦ના દાયકાના અંતમાં તેઓ પર પ્રતિબંધ મૂક્યો. વર્ષ ૧૯૫૨માં આદમ ૨૯ વર્ષના હતા, અને બે બાળકોના પિતા હતા. તેમ છતાં, આ નવી સરકારે આદમને લશ્કરમાં જોડાવા બોલાવ્યા ત્યારે તેમણે એનો ઇનકાર કર્યો. તેથી તેમની ધરપકડ કરવામાં આવી. તેમણે લશ્કરમાં ન જોડાવાનું કારણ આપતા કોર્ટમાં જણાવ્યું: “મેં કંઈ પહેલી વાર લશ્કરમાં જોડાવાનો ઇનકાર કર્યો નથી. યુદ્ધ ચાલતું હતું ત્યારે, મેં એમાં જોડાવાની ના પાડી હોવાથી મને સર્બિયા મોકલવામાં આવ્યો હતો. હું મારી માન્યતાને કારણે લશ્કરમાં જોડાવાનો ઇનકાર કરું છે. હું યહોવાહનો એક સાક્ષી છું તેથી રાજકારણમાં ભાગ લેતો નથી.” પરિણામે, આદમને આઠ વર્ષની જેલ થઈ. પાછળથી એમાં ચાર વર્ષ ઓછા કરવામાં આવ્યા.

યહોવાહના સાક્ષીઓ આદમના માબાપના ઘરે પહેલી વાર ૧૯૪૨માં ગયા હતા. ત્યારથી લગભગ ૧૯૭૫ સુધી, એટલે કે ૩૫ વર્ષ સુધી આદમ પર તેમના ધર્મને કારણે જુલમ થયો. એ સમય દરમિયાન તેમને છ વાર કોર્ટમાં લઈ જવામાં આવ્યા. એમાંથી તેમને કુલ ૨૩ વર્ષની જેલ થઈ. તેમણે અલગ અલગ દસ જેલો અને જુલમી છાવણીઓમાં સજા ભોગવી હતી. આમ, આદમે યુદ્ધ પહેલાં હંગેરીમાં ફાસીવાદ, સર્બિયામાં હિટલરના રાજમાં અને ફરી હંગેરીમાં સામ્યવાદી સરકારના હાથ નીચે જુલમ સહન કર્યો.

આદમ આજે પણ હંગેરીમાં પાકઝ નામના ગામમાં રહે છે અને ચુસ્ત રીતે યહોવાહ પરમેશ્વરની સેવા કરી રહ્યા છે. તે કેવી રીતે આટલું બધું દુઃખ સહી શક્યા? શું તેમનામાં કોઈ ખાસ આવડત કે શક્તિ છે? ના. તે સમજાવે છે:

“જોકે બાઇબલનો અભ્યાસ, પ્રાર્થના અને ખ્રિસ્તી ભાઈબહેનો સાથે સંગત રાખવી ખૂબ જ મહત્ત્વનું છે. પરંતુ હું બે ખાસ બાબતો પર ભાર આપવા માંગું છું. એક, યહોવાહ આપણને શક્તિ આપે છે. તેમની સાથે ગાઢ સંબંધ બાંધવાથી હું ટકી શક્યો. બીજું, રૂમીના બારમા અધ્યાય પર હું કાયમ વિચાર કરતો, જે કહે છે: ‘તમે સામું વૈર ન વાળો.’ તેથી હું કોઈના પ્રત્યે મનમાં ઝેર રાખતો નથી. જેઓએ મને સતાવ્યા હતા તેઓ પર ઘણી વાર મને વેર વાળવાનો મોકો મળ્યો હતો. પરંતુ મેં એમ ન કર્યું. યહોવાહ વેર વાળવા આપણને તેમની શક્તિ આપતા નથી!”

જ્યારે જુલમાં જ નહિ હોય!

આજે ફ્રીડા અને આદમ, યહોવાહની સેવા કરે છે અને તેમને કોઈ સતાવતું નથી. તેમ છતાં, તેઓના ધર્મને લીધે જે રીતે તેઓ પર જુલમ કરવામાં આવો, એમાંથી આપણે શું શીખી શકીએ? આપણે જોયું કે ખ્રિસ્તીઓ કોઈ પણ જુલમથી હારી નથી જતા. યહોવાહના સાક્ષીઓ પર જુલમ કરવામાં પૈસાનું પાણી થયું છે. એટલું જ નહિ, એનાથી અગણિત લોકોને સખત દુઃખ સહેવું પડ્યું અને સરકારોના ધાર્યા પ્રમાણે કંઈ થયું નહિ. યુરોપમાં પહેલાં જ્યાં બે જુલમી નેતાઓ રાજ કરતા હતા ત્યાં આજે યહોવાહના સાક્ષીઓ દિવસ દિવસે ફૂલેફાલે છે.

યહોવાહના સાક્ષીઓ પર જુલમ ગુજારવામાં આવ્યો ત્યારે તેઓએ શું કર્યું? ફ્રીડા અને આદમનો અનુભવ બતાવે છે કે તેઓ બાઇબલની સલાહ ભૂલ્યા ન હતા: “ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.” (રૂમી ૧૨:૨૧) શું ખરેખર ભૂંડાઈ પર જીત મેળવી શકાય? હા, જો પરમેશ્વરમાં આપણને અતૂટ ભરોસો હશે તો, આપણે જરૂર જીત મેળવી શકીશું. યુરોપમાં યહોવાહના સાક્ષીઓએ ઈશ્વરના પવિત્ર આત્મામાં ભરોસો રાખીને ખ્રિસ્તી ગુણો કેળવ્યા હતા. આમ, તેઓ ઈશ્વરની શક્તિથી જુલમ પર વિજય પામ્યા હતા. (ગલાતી ૫:૨૨, ૨૩) આપણે બધાએ આ દુષ્ટ જગતમાં એ બોધપાઠને આપણા દિલમાં ઉતારવો જોઈએ.

[પાન ૫ પર ચિત્ર]

ફ્રીડા યૅસીની (લગ્‍ન પછી ફ્રીડા થીલી) ધરપકડ કરવામાં આવી ત્યારે અને આજે

[પાન ૭ પર ચિત્ર]

આદમ સંગરને કેદ કરવામાં આવ્યા ત્યારે અને આજે