સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાહ પૂરી માફી આપે છે

યહોવાહ પૂરી માફી આપે છે

યહોવાહ પૂરી માફી આપે છે

માફી આપવાનો અર્થ, કોઈ વ્યક્તિની ભૂલોને માફ કરી દેવી થાય છે; વ્યક્તિ પસ્તાવો કરીને પાછી ફરે ત્યારે, તેને દિલથી માફ કરવો.

યહોવાહે ઈસ્રાએલ પ્રજાને નિયમ આપ્યો હતો કે જો કોઈ તેમની કે બીજા કોઈ માણસ સામે પાપ કરે તો, માફી માટે યહોવાહ આગળ બલિદાન ચઢાવે. (લેવીય ૫:૫–૬:૭) પાઊલે પણ એ નિયમ ટાંકતા લખ્યું: “નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.” (હેબ્રી ૯:૨૨) પણ ખરું જોતાં, લોહી વહેવડાવાથી પાપ ધોવાઈ જતું નથી અને એનાથી વ્યક્તિને શુદ્ધ અંતઃકરણ મળતું નથી. (હેબ્રી ૧૦:૧-૪; ૯:૯, ૧૩, ૧૪) પરંતુ, ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિશ્વાસ કરવાથી વ્યક્તિને ખરી માફી મળે છે, કેમ કે આપણે સર્વ પાપી છીએ. પરંતુ, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દીકરા હોવાથી તે પાપી નથી. તેથી આપણા પાપો ધોવા માટે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપ્યું છે. એ ગોઠવણ પ્રમાણે ખ્રિસ્તના બલિદાનમાં આપણે વિશ્વાસ રાખીએ તો, ખરી ક્ષમા મળી શકે. (યિર્મેયાહ ૩૧:૩૩, ૩૪; માત્થી ૨૬:૨૮; ૧ કોરીંથી ૧૧:૨૫; એફેસી ૧:૭) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે એક પક્ષઘાતીને સાજો કરીને બતાવ્યું કે તે આપણા પાપ માફ કરી શકે છે.—માત્થી ૯:૨-૭.

ઈસુએ ઉડાઉ દીકરા અને એક રાજાનું ઉદાહરણ આપીને બતાવ્યું કે યહોવાહ ‘સંપૂર્ણપણે’ માફી આપે છે. રાજાના ઉદાહરણમાં, રાજા પોતાના ચાકરનું દસ હજાર તાલંતનું (લગભગ ૧૧૭ કરોડ રૂપિયા) દેવું માફ કરે છે. જ્યારે કે એ જ ચાકર પોતાના સાથી ચાકરનું સો દીનારનું (લગભગ ૩,૧૨૨ રૂપિયા) દેવું માફ કરતો નથી. (યશાયાહ ૫૫:૭; લુક ૧૫:૧૧-૩૨; માત્થી ૧૮:૨૩-૩૫) તેમ છતાં, એનો અર્થ એમ નથી કે યહોવાહ બધું જ ચલાવી લે છે. પરંતુ, તે પાપીઓને જરૂર શિક્ષા કરે છે. (ગીતશાસ્ત્ર ૯૯:૮) યહોશુઆએ ઈસ્રાએલીઓને ચેતવણી આપી હતી કે તમે ધર્મત્યાગ કરશો તો, પરમેશ્વર તમને માફ નહિ કરે.—યહોશુઆ ૨૪:૧૯, ૨૦; યશાયાહ ૨:૬-૯ સરખાવો.

યહોવાહે આપણને જણાવ્યું છે કે કઈ રીતે આપણે માફી માગવી જોઈએ, જેથી તે આપણને માફ કરે. યહોવાહ વિરુદ્ધ આપણે પાપ કર્યું હોય તો એ કબૂલ કરવું જોઈએ. તેમ જ, સાચા દિલથી પસ્તાવો કર્યા પછી, એ જ પાપ ફરી ન કરવા બનતો બધો જ પ્રયત્ન કરવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૩૨:૫; ૫૧:૪; ૧ યોહાન ૧:૮, ૯; ૨ કોરીંથી ૭:૮-૧૧) જો આપણે કોઈનું ખોટું કર્યું હોય તો, બને ત્યાં સુધી તેની સાથે પહેલાં સુલેહ કરીને દોસ્તી બાંધવી જોઈએ. (માત્થી ૫:૨૩, ૨૪) પછી આપણે પ્રાર્થના કરવી જોઈએ અને ઈસુ ખ્રિસ્તના બલિદાનને આધારે માફી માંગવી જોઈએ.—એફેસી ૧:૭.

ખ્રિસ્તીઓ તરીકે આપણી ફરજ છે કે આપણે બીજાઓને હંમેશાં માફ કરીએ. (લુક ૧૭:૩, ૪; એફેસી ૪:૩૨; કોલોસી ૩:૧૩) જો આપણે બીજાઓને માફ નહીં કરીએ તો, યહોવાહ પણ આપણને માફ નહીં કરે. (માત્થી ૬:૧૪, ૧૫) ધારો કે ગંભીર ભૂલ કરનાર કોઈ “દુષ્ટને” તમારા મંડળમાંથી કાઢી મૂકવામાં આવે. જો સમય જતા તે દિલથી પસ્તાવો કરે અને તેને માફ કરીને મંડળમાં પાછા લેવામાં આવે તો, આપણે સાચા દિલથી તેને આવકાર આપવો જોઈએ. (૧ કોરીંથી ૫:૧૩; ૨ કોરીંથી ૨:૬-૧૧) તેમ છતાં, જો કોઈ જાણીજોઈને પાપ કર્યા પછી પણ પસ્તાવો ન કરે, તો તેને માફ કરવાની જરૂર નથી. આવા લોકો પરમેશ્વરના દુશ્મન છે.—હેબ્રી ૧૦:૨૬-૩૧; ગીતશાસ્ત્ર ૧૩૯:૨૧, ૨૨.

આપણે આખા મંડળ અને બીજાઓ માટે પ્રાર્થનામાં પરમેશ્વર પાસે માફી માંગવી જોઈએ. મુસાએ યહોવાહ પાસે ઈસ્રાએલ પ્રજાના પાપોની માફી માંગી હતી અને યહોવાહે તેમની પ્રાર્થના સાંભળી હતી. (ગણના ૧૪:૧૯, ૨૦) સુલેમાને પણ મંદિરનું સમર્પણ કરતી વખતે પ્રાર્થના કરી હતી કે જો યહોવાહના લોકો પાપ કરી બેસે અને પસ્તાવો કરીને પાછા ફરે તો, યહોવાહ તેઓને માફી આપે. (૧ રાજાઓ ૮:૩૦, ૩૩-૪૦, ૪૬-૫૨) જે યહુદીઓ બાબેલોનમાંથી નીકળીને પોતાના દેશમાં પાછા ગયા તેઓના પાપોનો એઝરાએ જાહેરમાં એકરાર કર્યો હતો. તેમણે સાચા દિલથી પ્રાર્થના અને રુદન સાથે પસ્તાવો કર્યો હોવાથી, લોકોએ પણ યહોવાહની માફી માંગવા પસ્તાવો કરીને યોગ્ય પગલાં ભર્યા. (એઝરા ૯:૧૩–૧૦:૪, ૧૦-૧૯, ૪૪) યાકૂબે ઉત્તેજન આપ્યું કે જે લોકો પરમેશ્વરની સેવા કરવામાં ઠંડા પડી ગયા છે, તેઓએ પોતાને સારું પ્રાર્થના કરવા મંડળના વડીલોને બોલાવવા જોઈએ અને “તેણે પાપ કર્યાં હશે તો તે તેને માફ કરવામાં આવશે.” (યાકૂબ ૫:૧૪-૧૬) તેમ છતાં, ‘મરણ નીપજાવે એવું એક પાપ છે.’ એ જાણીજોઈને યહોવાહ વિરુદ્ધ કરેલું પાપ છે, કે જેની કોઈ માફી મળતી નથી. આ રીતે કોઈ પાપ કરતું હોય તો, કોઈ પણ ખ્રિસ્તીએ તેના માટે પ્રાર્થના કરવી જોઈએ નહીં.—૧ યોહાન ૫:૧૬, પ્રેમસંદેશ; માત્થી ૧૨:૩૧; હેબ્રી ૧૦:૨૬, ૨૭.