સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિયમશાસ્ત્ર અને ખ્રિસ્તીઓ

નિયમશાસ્ત્ર અને ખ્રિસ્તીઓ

નિયમશાસ્ત્ર અને ખ્રિસ્તીઓ

“આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારૂ નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું.”—ગલાતી ૩:૨૪.

૧, ૨. યહોવાહે આપેલું નિયમશાસ્ત્ર પાળવાથી ઈસ્રાએલી લોકોને કયા આશીર્વાદો મળ્યા?

 આજથી લગભગ ૩,૫૦૦ વર્ષો પહેલાં, યહોવાહ પરમેશ્વરે પોતાના ભક્તોને નિયમશાસ્ત્ર આપ્યું. પરમેશ્વરે પોતાના લોક, ઈસ્રાએલીઓને જણાવ્યું કે ‘તમે મારું કહેવું માનશો તો હું તમને આશીર્વાદ આપીશ અને તમે સુખી થશો.’—નિર્ગમન ૧૯:૫, ૬.

એ નિયમશાસ્ત્ર પવિત્ર, ન્યાયી અને લોકોના ભલા માટે હતું. (રૂમીઓને પત્ર ૭:૧૨) એમાંથી દયા, ઇમાનદારી, અને નીતિ જેવા સંસ્કાર મળતા હતા. (નિર્ગમન ૨૩:૪, ૫; લેવીય ૧૯:૧૪; પુનર્નિયમ ૧૫:૧૩-૧૫; ૨૨:૧૦, ૨૨) વળી નિયમશાસ્ત્ર પાળીને, યહુદીઓ એકબીજા સાથે પ્રેમથી હળીમળીને રહી શકતા હતા. (લેવીય ૧૯:૧૮) એનાથી તેઓને રક્ષણ મળતું હતું. પરંતુ, જેઓ યહુદી ન હતા અને નિયમશાસ્ત્ર પાળતા ન હતા, તેઓ સાથે કંઈ લેવા-દેવા રાખવાની યહુદીઓને સખત મનાઈ હતી. (પુનર્નિયમ ૭:૩, ૪) તેથી, તેઓ વચ્ચે નિયમશાસ્ત્ર જાણે કે એક દિવાલ જેવો હતો, જે યહોવાહના લોકોને બીજાની ખરાબ સોબતથી સો ગાઉ દૂર રાખતો હતો.—એફેસી ૨:૧૪, ૧૫; યોહાન ૧૮:૨૮.

૩. કોઈ પણ સો ટકા નિયમશાસ્ત્ર પાળી શકતું નહિ. તો પછી એ શા માટે આપવામાં આવ્યું હતું?

જો કે કોઈ પણ યહુદી ગમે એટલા ધાર્મિક હોય, છતાં સો ટકા નિયમશાસ્ત્ર પાળી શકતા નહિ. તો પછી, યહોવાહે શા માટે નિયમશાસ્ત્ર આપ્યું હતું? એનું એક કારણ તો એ હતું કે એનાથી લોકોના ‘ઉલ્લંઘનો જાહેર થતા હતા.’ (ગલાતી ૩:૧૯, પ્રેમસંદેશ) યહુદીઓ નિયમશાસ્ત્રની મદદથી જોઈ શક્યા કે પોતે પાપી છે. તેથી, તેઓ પોતાનો ઉદ્ધાર કરનાર મસીહની કાગના ડોળે વાટ જોવા લાગ્યા. જ્યારે ઈસુ મસીહ આવ્યા, ત્યારે યહોવાહના માર્ગે ચાલનાર યહુદીઓના આનંદનો પાર ન રહ્યો. હવે, તેઓને પાપ અને મોતના પંજામાંથી છૂટકારો મળે, એવી આશાનું કિરણ ફૂટી નીકળ્યું હતું!—યોહાન ૧:૨૯.

૪. ‘ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળશિક્ષક હતું.’ કઈ રીતે?

એ નિયમશાસ્ત્ર કાયમ માટે ન હતું. એના વિષે ગલાતીના ભાઈ-બહેનોને લખતા પાઊલે કહ્યું કે ‘ખ્રિસ્તની પાસે લાવવા સારું એ આપણો બાળશિક્ષક હતું.’ (ગલાતી ૩:૨૪) જૂના જમાનામાં, બાળશિક્ષકો પોતે શિક્ષક ન હતા, પણ બાળકને ફક્ત શિક્ષક પાસે લઈ જતા. એ જ રીતે, નિયમશાસ્ત્ર મસીહને ઓળખવા યહુદીઓને મદદ કરતું હતું. તેથી, એક વાર ખ્રિસ્તી મંડળ રચાયું, પછી બાળશિક્ષક એટલે કે નિયમશાસ્ત્રની કોઈ જરૂર રહી ન હતી. (રૂમીઓને પત્ર ૧૦:૪; ગલાતી ૩:૨૫) ઈસુએ પોતાના શિષ્યોને વચન આપ્યું હતું કે “જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માત્થી ૨૮:૨૦) તેમ છતાં, ખ્રિસ્તી બનેલા અમુક યહુદીઓ આ વાત ગળે ઊતારી શકતા ન હતા. અરે, ઈસુને સજીવન કરવામાં આવ્યા પછી પણ, તેઓ નિયમશાસ્ત્રના અમુક રિવાજો પાળતા હતા. પરંતુ, અમુક લોકોએ આ વિષે સમજી-વિચારીને ફેરફારો કર્યા હતા. ચાલો આપણે જોઈએ કે તેઓએ કઈ રીતે આપણા માટે સુંદર દાખલો બેસાડ્યો.

ખ્રિસ્તી માન્યતામાં ફેરફારો

૫. સ્વર્ગ વાણીએ પીતરને કઈ આજ્ઞા આપી, અને શા માટે તે માની શકતા ન હતા?

ઈસુના મિત્ર પીતરને ૩૬ની સાલમાં કંઈ નવો જ અનુભવ થયો. પીતરે સ્વર્ગમાંથી વાણી સાંભળી. નિયમશાસ્ત્ર પ્રમાણે જે અશુદ્ધ ગણાતું, એ કરવાની પીતરને આજ્ઞા થઈ. પહેલા પહેલા તો પીતરને માનવામાં જ આવતું ન હતું! તેમણે ‘કદી કોઈ અશુદ્ધ વસ્તુ ખાધી ન હતી.’ પરંતુ, સ્વર્ગમાંથી ફરીથી વાણી થઈ કે “દેવે જે શુદ્ધ કર્યું છે, તેને તું નાપાક ન ગણ.” (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૯-૧૫) તેથી, પીતરે હઠીલા થઈને નિયમશાસ્ત્રને વળગી રહેવાને બદલે, પોતાની સમજણમાં ફેરફાર કર્યો. એનાથી તેમને પરમેશ્વર જે કરવાના હતા એવી અદ્‍ભુત બાબતોની જાણ થઈ!

૬, ૭. પીતરને કઈ રીતે ખાતરી થઈ કે યહુદી ન હોય, તેઓને પણ તે પ્રચાર કરી શકે? પીતરને બીજી કઈ વધારે સમજણ મળી?

પછી, પીતરના ઘરે ત્રણ માણસો આવ્યા. પીતરે તેઓને મહેમાન તરીકે ઘરમાં બોલાવ્યા. તેઓની વાતચીત પરથી, પીતરને કરનેલ્યસ નામના ઈશ્વરભક્ત વિષે જાણવા મળ્યું. પરંતુ, કરનેલ્યસ યહુદી ન હતો, અને યહુદીઓ બીજાઓ સાથે હળતા-મળતા ન હતા. જો કે હવે પીતરને સ્વર્ગમાંથી થયેલી વાણી વિષે ધીમે ધીમે સમજણ પડવા લાગી. તેથી, પીતર કરનેલ્યસને ઘરે જવા તૈયાર થઈ ગયા. પીતરે ત્યાં જઈને ઈસુ ખ્રિસ્ત વિષે સારી રીતે સમજણ આપી. પીતરે એમ પણ કહ્યું, કે ‘હું ખરેખર સમજું છું કે દેવ પક્ષપાતી નથી; પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.’ ફક્ત કરનેલ્યસે જ નહિ, તેમના સગાં-વહાલાઓએ પણ ઈસુમાં વિશ્વાસ મૂક્યો. તેથી, “જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વેના ઉપર પવિત્ર આત્મા ઊતર્યો.” પીતરે જોયું કે ખુદ યહોવાહે આ કર્યું છે, એટલે “તેણે ઈસુ ખ્રિસ્તને નામે તેઓને બાપ્તિસ્મા આપવાની આજ્ઞા આપી.”—પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૧૭-૪૮.

પીતરને કઈ રીતે ખાતરી થઈ કે જેઓ યહુદી ન હતા, તેઓ હવે ઈસુ ખ્રિસ્તના શિષ્યો બની શકે? પીતરને એની સો ટકા ખાતરી હતી, કેમ કે તેમણે પોતાની સગી આંખે જોયું કે, યહોવાહે પોતાનો પવિત્ર આત્મા એ લોકો પર રેડ્યો. પીતર એ પણ સમજ્યા કે યહોવાહની એવી માંગ ન હતી, કે લોકોએ તેમની ભક્તિ કરવા નિયમશાસ્ત્ર પાળવું જ પડશે. તમે એ જમાનામાં રહેતા હોત તો, શું પીતરની જેવા ફેરફારો કર્યા હોત?

અમુક હજુ નિયમશાસ્ત્ર પાળતા હતા

૮. યરૂશાલેમમાં રહેતા અમુક ખ્રિસ્તીઓનું વલણ કઈ રીતે પીતરથી જુદું જ હતું?

કરનેલ્યસને ઘરેથી પીતર યરૂશાલેમ ગયા. તે મંડળમાં પહોંચ્યા એ પહેલાં, આ સમાચાર પહોંચી ગયા હતા કે બીજી જાતિના લોકોએ પણ યહોવાહનો સંદેશો સ્વીકાર્યો છે. અમુક યહુદીઓને એ યોગ્ય ન લાગ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧-૩) ખરું કે તેઓ કબૂલ કરતા હતા કે સર્વ લોકો ઈસુના શિષ્યો બની શકે છે. પરંતુ, અમુક યહુદીઓ કહેતા હતા કે લોકોએ તારણ પામવા, નિયમશાસ્ત્ર પ્રમાણે ‘સુનત’ કરાવવી જ જોઈએ. આના વિષે ૧૩ વર્ષો સુધી તેઓ વચ્ચે મતભેદ રહ્યા. (૧ કોરીંથી ૧:૧૦) બધા માટે એ કેવી અગ્‍નિ-પરીક્ષા સાબિત થઈ હશે!

૯. સુનત વિષે કઈ મુશ્કેલી ઊભી થઈ, અને એ માટે શું કરવામાં આવ્યું?

એ વાતે ૪૯ની સાલમાં મોટું રૂપ લીધું. પાઊલ સીરિયાના અંત્યોખમાં હતા. યરૂશાલેમથી અમુક ખ્રિસ્તીઓ ત્યાં આવ્યા અને પ્રચાર કરવા માંડ્યા. તેઓએ એવો પ્રચાર કર્યો, કે જે કોઈ ખ્રિસ્તી બને તેણે નિયમશાસ્ત્ર પ્રમાણે સુનત કરાવવી જ જોઈએ, ભલે એ યહુદી હોય કે ન હોય. એ કારણે પાઊલ અને બાર્નાબાસ તથા યરૂશાલેમથી આવેલા ખ્રિસ્તીઓ વચ્ચે ગરમા-ગરમ દલીલો થઈ! જો આ વાતનો કોઈ ઉકેલ ન આવે, તો ચોક્કસ કોઈક તો ઠોકર ખાવાનું જ હતું. એનો ઉકેલ લાવવા, પાઊલ અને અમુક બીજા ભાઈઓ યરૂશાલેમ જઈને વડીલોના નીમેલા જૂથ અથવા ગવર્નિંગ બોડીને મળ્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧, ૨, ૨૪.

દલીલોનું તોફાન, પછી શાંતિ!

૧૦. ગવર્નિંગ બોડીના ભાઈઓએ નિર્ણય લેતા પહેલાં, કઈ કઈ બાબતોનો વિચાર કર્યો?

૧૦ એ સભામાં અમુકે દલીલો કરી કે સુનત તો થવી જ જોઈએ. જ્યારે કે બીજા એના વિરોધમાં હતા. પરંતુ, કોઈની લાગણીને આધારે નિર્ણય લેવામાં આવ્યો નહિ. ઘણી દલીલો સાંભળ્યા પછી, પ્રેષિત પીતર અને પાઊલે જણાવ્યું કે યહોવાહે બેસુનતી લોકોને પણ કેવા આશીર્વાદ આપ્યા હતા. તેઓએ સમજાવ્યું કે એ તો યહોવાહ હતા, જેમણે પોતાનો પવિત્ર આત્મા બેસુનતી લોકો પર રેડ્યો હતો. પીતર અને પાઊલ જાણે પૂછતા હતા કે ‘યહોવાહે જે કૃપા તેઓ પર વરસાવી હતી, એ શું ખ્રિસ્તી મંડળ ઝૂંટવી લઈ શકે?’ પછી, શિષ્ય યાકૂબે શાસ્ત્ર ખોલીને વાંચ્યું, જેથી બધાને યહોવાહની નજરે જોવા મદદ મળે.—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૪-૧૭.

૧૧. ભાઈઓએ પક્ષપાત વિના કયો નિર્ણય કર્યો? યહોવાહે કઈ રીતે એ નિર્ણય પર આશીર્વાદ આપ્યો?

૧૧ બધાની નજર હવે ગવર્નિંગ બોડીના વડીલો પર મંડાઈ હતી. બધા વડીલો યહુદી હતા એટલે શું તેઓ યહુદીઓનો પક્ષ લેશે? જરાય નહિ. આ ભાઈઓ પરમેશ્વરનું માર્ગદર્શન અને તેમના શાસ્ત્રને વળગી રહેનારા હતા. બધાની વાત સાંભળ્યા પછી, ગવર્નિંગ બોડીના ભાઈઓએ એકમતે જણાવ્યું કે બીજી જાતિમાંથી બનતા ખ્રિસ્તીઓએ નિયમશાસ્ત્ર પ્રમાણે સુનત કરાવવાની જરૂર ન હતી. આ નિર્ણય સાંભળીને બધા રાજી રાજી થઈ ગયા, અને મંડળોની “સંખ્યા રોજ રોજ વધતી ગઈ.” ખરેખર, ભાઈઓએ પૂરા દિલથી યહોવાહમાં ભરોસો મૂકીને શાસ્ત્રમાંથી સલાહ શોધી અને તેઓ પર કૃપા થઈ!—પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૧૯-૨૩, ૨૮, ૨૯; ૧૬:૧-૫.

યહુદી ખ્રિસ્તીઓ વિષે શું?

૧૨. હજુ કયા સવાલનો જવાબ મળ્યો ન હતો?

૧૨ જો કે હજુ એક મહત્ત્વનો સવાલ તો ઊભો જ હતો. ગવર્નિંગ બોડીના ભાઈઓએ ચોખ્ખું જણાવ્યું હતું કે બિનયહુદી ખ્રિસ્તીઓએ સુનત કરાવવાની કોઈ જરૂર ન હતી. તો પછી, યહુદી ખ્રિસ્તીઓ વિષે શું? ભાઈઓએ આ સવાલની ચર્ચા કરીને કોઈ નિર્ણય લીધો ન હતો.

૧૩. એવું માની લેવું શા માટે ખોટું હતું કે તારણ પામવા નિયમશાસ્ત્ર પાળવું જ જોઈએ?

૧૩ અમુક યહુદી ખ્રિસ્તીઓ ‘નિયમશાસ્ત્રને ચુસ્ત રીતે પાળનારા’ હતા. તેઓએ પોતાના બાળકોની સુનત કરાવવાનું ચાલુ જ રાખ્યું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૦) બીજા તો વળી એમ કહેતા, કે તારણ પામવા માટે યહુદીઓએ નિયમશાસ્ત્ર પાળવું જ જોઈએ. હવે ઈસુના મરણથી બીજા બધા બલિદાનોનો અંત આવ્યો. જો કોઈ યહુદી ખ્રિસ્તી એ ખરેખર માનતો હોય તો તે પાપોની માફી માટે કઈ રીતે બલિદાન ચઢાવી શકે? વળી, નિયમશાસ્ત્ર જણાવતું હતું કે યહુદીઓએ બીજા લોકો સાથે સંબંધ ન રાખવો. જો તેઓ એ પાળે, તો તેઓ કઈ રીતે સર્વ દેશનાઓને શિષ્ય કરવાની ઈસુની આજ્ઞા પાળી શકે? આ રીતે તેઓએ પોતે મુસીબત ઊભી કરી હતી. (માત્થી ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; ૧૦:૨૮) * ભાઈઓની થયેલી સભામાં એના પર કોઈ પ્રકાશ ફેંકવામાં આવ્યો હોય એવું માલૂમ પડતું નથી. જો કે મંડળને આ ઉલઝનમાં રહેવા દેવાયા નહિ.

૧૪. પાઊલે યહોવાહની પ્રેરણાથી લખેલા પત્રમાં નિયમશાસ્ત્ર વિષે કઈ સલાહ મળી?

૧૪ આ વખતે યહોવાહે પ્રેષિતો દ્વારા પત્રો લખાવીને માર્ગદર્શન આપ્યું. દાખલા તરીકે, પ્રેષિત પાઊલે રૂમીમાં બધા ખ્રિસ્તીઓના દિલમાં ઊતરી જાય, એવો સંદેશો મોકલ્યો. તેમણે સમજાવ્યું, કે ખરો યહુદી તો એ છે ‘જેનાં હૃદય અને મનનું બદલાણ થયું હોય.’ (રૂમીઓને પત્ર ૨:૨૮, ૨૯, IBSI) એ જ પત્રમાં પાઊલે એક સુંદર ઉદાહરણ વાપર્યું. તેમણે કહ્યું કે કોઈ સ્ત્રી એક સાથે બે પતિને પરણી શકે નહિ. પરંતુ, જો તેનો પતિ મરણ પામે, તો તેને ફરીથી પરણવાની છૂટ છે. એ દાખલો આપતા, પાઊલે સમજાવ્યું કે નિયમશાસ્ત્ર અને ખ્રિસ્તનો નિયમ, એ બંને ખ્રિસ્તીઓ એકસાથે પાળી શકે નહિ. તેથી, તેઓ “નિયમશાસ્ત્રના સંબંધમાં મૂએલા” થાય તો જ તેઓ ખ્રિસ્ત સાથે જોડાઈ શકે.—રૂમીઓને પત્ર ૭:૧-૫.

ગળે ઉતારતા વાર લાગી

૧૫, ૧૬. શા માટે અમુક યહુદી ખ્રિસ્તીઓ નિયમશાસ્ત્રને વળગી રહ્યા હતા? આ આપણને કઈ ચેતવણી આપે છે?

૧૫ પાઊલે નિયમશાસ્ત્ર વિષે કરેલી દલીલો જોરદાર હતી. તેમ છતાં શા માટે અમુક યહુદી ખ્રિસ્તીઓ સમજી ન શક્યા? એક કારણ તો એ હતું કે તેઓ યહોવાહના શિક્ષણમાં મંદ પડી ગયા હતા. દાખલા તરીકે, તેઓને યહોવાહ વિષે ઊંડી સમજણ મેળવવાની બહુ પડી ન હતી. (હેબ્રી ૫:૧૧-૧૪) તેઓ મિટિંગોમાં પણ મન ફાવે ત્યારે જતા હતા. (હેબ્રી ૧૦:૨૩-૨૫) વળી બીજું કારણ એ હોય શકે, કે નિયમશાસ્ત્ર મંદિર અને યાજકો જેવી જોઈ શકાય એવી બાબતો પર ભાર મૂકતું હતું. જ્યારે કે ખ્રિસ્તનો નિયમ સિદ્ધાંતો પર હતો. તેથી, યહોવાહની સેવામાં ઠંડા પડી ગયા હોય, તેઓને નિયમશાસ્ત્ર પાળવું સહેલું લાગતું હોય શકે.—૨ કોરીંથી ૪:૧૮.

૧૬ જો કે અમુક ભાઈ-બહેનો નિયમશાસ્ત્રને વળગી રહેવા ચાહતા હતા, એનું બીજું એક કારણ પાઊલ ગલાતી મંડળને લખેલા પત્રમાં બતાવે છે. તે સમજાવે છે કે જે ધર્મ લોકપ્રિય હોય, એમાં નામ મોટું કરવાનું કોને ન ગમે? ખ્રિસ્તીઓ તરીકે જુદા જ દેખાય આવવાને બદલે, લોકોમાં ભળી જવા માટે તેઓ ગમે એ કરવા તૈયાર હતા. દેખીતું છે કે તેઓ યહોવાહની કૃપાને બદલે, માણસની વાહ વાહ ચાહતા હતા.—ગલાતી ૬:૧૨.

૧૭ સાચા ખ્રિસ્તીઓએ પાઊલનાં લખાણો પર મનન કર્યું, અને નિયમશાસ્ત્ર વિષે સાચી સમજણ મેળવી. તેમ છતાં, નિયમશાસ્ત્ર પાળવું કે નહિ, એની ચોક્કસ ખાતરી બધાને છેક ૭૦ની સાલમાં થઈ. એ સમયે યહોવાહ પરમેશ્વરે યરૂશાલેમ, એનું મંદિર અને યાજકો વગેરેની બધી જ માહિતીનો નાશ થવા દીધો. તેથી, હવે કોઈ પણ ખ્રિસ્તી નિયમશાસ્ત્ર પાળી શકે નહિ.

તમે શું શીખ્યા?

૧૮, ૧૯. (ક) યહોવાહની કૃપા પામવા માટે આપણે શું કરવું જોઈએ? (ખ) વડીલોના માર્ગદર્શન વિષે પાઊલ આપણને શું શીખવે છે? (પાન ૨૪ પરનું બોક્ષ જુઓ.)

૧૮ અગાઉ થઈ ગયેલા આ ઈશ્વર-ભક્તોનો વિચાર કરીને, તમને થાય કે ‘જો હું એ જમાનામાં હોત, તો યહોવાહે જણાવેલા સત્ય વિષે મારું વલણ કેવું હોત? શું મેં હઠીલા બનીને મારા બાપ-દાદાઓની માન્યતા પકડી રાખી હોત? કે પછી મેં ધીરજથી યોગ્ય સમજણની રાહ જોઈ હોત? વળી, જ્યારે એ સમજણ મળી, ત્યારે શું મેં મારી માન્યતામાં પૂરા દિલથી ફેરફાર કર્યા હોત?’

૧૯ હકીકતમાં, આપણે કોઈ કહી શકતા નથી કે એ સમયે શું કર્યું હોત. પરંતુ, ચાલો આજના વિષે આપણા દિલમાં ડોકિયું કરીએ: ‘આજે મળતી બાઇબલની સમજણ વિષે શું? (માત્થી ૨૪:૪૫) મને શાસ્ત્રમાંથી માર્ગદર્શન આપવામાં આવે ત્યારે, ફક્ત કહેવા ખાતર હા કહું છું કે પૂરા દિલથી એને સ્વીકારું છું? (૧ કોરીંથી ૧૪:૨૦) મને જે સવાલો થાય એના જવાબ માટે, શું હું યહોવાહની રાહ જોઉં છું?’ ખરેખર, આપણે બધાએ હમણાં યહોવાહ જે જ્ઞાન આપે છે એનો ભરપૂર લાભ લેવાની જરૂર છે. જેથી, આપણે કદી પણ યહોવાહથી દૂર ચાલ્યા ન જઈએ. (હેબ્રી ૨:૧) આપણને યહોવાહ પાસેથી બાઇબલ, તેમના પવિત્ર આત્મા કે શક્તિ અને તેમના સંગઠન દ્વારા જે કંઈ સમજણ મળે, એ દિલમાં ઉતારીએ. આપણે એમ કરીશું તો, યહોવાહના આશીર્વાદથી આપણું જીવન સુખી થશે.

[ફુટનોટ્‌સ]

^ પીતર સીરિયાના અંત્યોખ ગયા હતા ત્યારે, તેમણે બીજી જાતિના ખ્રિસ્તીઓ સાથે ખાધું-પીધું. પરંતુ, યરૂશાલેમથી યહુદી ખ્રિસ્તીઓ આવ્યા ત્યારે, પીતર ‘બીને પાછા હઠ્યા અને તેઓથી અલગ રહ્યા.’ જરા વિચારો કે એ ખ્રિસ્તી ભાઈઓના દિલ પર શું વીતી હશે. કદાચ કહેતા હશે કે ‘આ ભાઈ પ્રેષિત થઈને પણ અમારી સાથે પક્ષપાત રાખે છે?’—ગલાતી ૨:૧૧-૧૩.

તમે શું કહેશો?

• નિયમશાસ્ત્ર કઈ રીતે ‘ખ્રિસ્ત પાસે લાવવા સારુ બાળશિક્ષક હતું’?

• સત્યની સમજણમાં થયેલા ફેરફારો વિષે પીતર અને બીજા યહુદીઓનું કેવું વલણ હતું?

• આજે યહોવાહ જે રીતે સત્યની સમજણ આપે છે, એના વિષે તમે શું શીખ્યા?

[અભ્યાસ પ્રશ્નો]

૧૭. નિયમશાસ્ત્ર પાળવું કે નહિ એની ચોક્કસ ખાતરી ક્યારે થઈ?

[પાન ૨૪ પર બોક્સ/ચિત્ર]

પાઊલનું સરસ ઉદાહરણ

મિશનરી તરીકે સેવા આપીને, પાઊલ ૫૬ની સાલમાં પાછા યરૂશાલેમ આવ્યા. પરંતુ, અહીં એક અગ્‍નિ-પરીક્ષા તેમની રાહ જોઈને બેઠી હતી. અહીં ભાઈઓને ખબર પડી ગઈ હતી કે, પાઊલ શીખવતા હતા કે હવે નિયમશાસ્ત્ર નકામું છે. યરૂશાલેમના વડીલોને ચિંતા થઈ પડી કે નવા નવા યહુદી ખ્રિસ્તીઓ પાઊલને કારણે ઠોકર ખાશે. તેઓને એવું લાગશે કે નિયમશાસ્ત્ર ન પાળીને ખ્રિસ્તીઓ યહોવાહનું અપમાન કરી રહ્યા છે. તેઓ વધારે ચિંતા કરતા હતા, કેમ કે તેઓના મંડળમાં ચાર યહુદી ખ્રિસ્તીઓએ માનતા લીધી હતી, જે કદાચ નાજીરીની માનતા હોય શકે. તેઓએ એ માનતા પૂરી કરવા મંદિરે જવાની જરૂર હતી. વડીલોએ પાઊલને એ ચાર જણા સાથે મંદિરે જવા, અને જે કંઈ ખર્ચો થાય એ ચૂકવવા કહ્યું.

જો કે યહોવાહની પ્રેરણાથી પાઊલે બે પત્રો દ્વારા લખી જણાવ્યું હતું કે તારણ પામવા નિયમશાસ્ત્ર પાળવાની જરૂર ન હતી. હવે પાઊલે શું કર્યું? પાઊલને પોતાના કરતાં બીજાની વધારે ચિંતા હતી. અગાઉ તેમણે લખ્યું હતું, કે ‘નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે હું નિયમશાસ્ત્રને આધીન હોઉં તે રીતે રહું છું. જેથી હું તેમને જીતી શકું.’ (૧ કોરીંથી ૯:૨૦-૨૩, પ્રેમસંદેશ) પાઊલે વડીલોની સલાહ પાળી, કેમ કે એ શાસ્ત્રના સિદ્ધાંતો વિરુદ્ધ ન હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૧૫-૨૬) વળી, આ નાજીરીઓ પણ કંઈ ખોટું કરતા ન હતા. માનતા લેવું શાસ્ત્ર વિરુદ્ધ ન હતું અને યરૂશાલેમનું મંદિર શુદ્ધ ભક્તિ માટે જ હતું, મૂર્તિપૂજા માટે નહિ. તેથી, કોઈ ઠોકર ન ખાય એ માટે પાઊલે વડીલોના કહ્યા પ્રમાણે કર્યું. (૧ કોરીંથી ૮:૧૩) ખરેખર, આ પાઊલની મહાનતા હતી, જેનાથી આપણે તેમની નમ્રતાની હજુ પણ વધારે કદર કરીએ છીએ.

[પાન ૨૨, ૨૩ પર ચિત્ર]

નિયમશાસ્ત્ર વિષે અમુક વર્ષો સુધી ખ્રિસ્તીઓમાં મતભેદ રહ્યા