ખ્રસ્તીઓને નમ્ર થવું જ જોઈએ
ખ્રસ્તીઓને નમ્ર થવું જ જોઈએ
‘નમ્રતા પહેરી લો.’—કોલોસી ૩:૧૨.
૧. શા માટે નમ્રતાનો ગુણ મહત્ત્વનો છે?
“નમે તે સૌને ગમે.” હા, નમ્ર વ્યક્તિ સાથે રહેવાનું કોને ન ગમે? રાજા સુલેમાને કહ્યું કે, “કોમળ જીભ હાડકાંને ભાંગે છે.” (નીતિવચનો ૨૫:૧૫) કદાચ આપણને નમ્રતાનો ગુણ નજીવો લાગે તોપણ એ ખરેખર જોરદાર છે! એ ગમે તેવા સંજોગોમાં આપણને ખુશમિજાજી અને શાંત રાખે છે.
૨, ૩. નમ્રતાનો ખરો અર્થ શું થાય છે આ લેખમાં એના વિષે આપણે શું શીખીશું?
૨ પ્રેષિત પાઊલે ગલાતી ૫:૨૨, ૨૩માં ‘પવિત્ર આત્માના ફળોમાં,’ ‘નમ્રતાનો’ પણ સમાવેશ કર્યો છે. ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલ પ્રમાણે, એ શબ્દનો અર્થ ‘મનની શાંતિ’ કે ‘કોમળતા’ પણ થાય છે. અને બીજાં બાઇબલો એનો ‘શાંત’ દીન કે નમ્ર ગુણ તરીકે ઉલ્લેખ કરે છે. જોકે, ‘નમ્રતા’ માટે જે મૂળ ગ્રીક શબ્દ છે એ મોટા ભાગની બીજી ભાષાઓમાં સમજાવો મુશ્કેલ છે. એ સદ્ગુણ એવો છે જે ફક્ત બીજાઓની આગળ દેખાડો કારવા માટે જ નથી. પણ એ ખરેખર વ્યક્તિની રગેરગમાં વહે છે, જેના લીધે તેનો સ્વભાવ બધી વાતે ખરેખર શાંત હોય છે.
૩ તો પછી નમ્રતા ખરેખર શું છે? એનો ખરો અર્થ સમજવા માટે ચાલો આપણે બાઇબલમાંથી અમુક વ્યક્તિઓનો વિચાર કરીએ. (રૂમીઓને પત્ર ૧૫:૪) એમ કરવાથી આપણને ખબર પડશે કે નમ્રતા શું છે અને આપણે પોતે કઈ રીતે એ કેળવી શકીએ.
નમ્રતા “દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે”
૪. યહોવાહ કેવા લોકોને પસંદ કરે છે? શા માટે?
૪ આપણે જોયું કે નમ્રતા, યહોવાહના પવિત્ર આત્માનું એક ગુણ છે. તો પછી, એ વિચારો કે યહોવાહ પોતે કેટલા નમ્ર હશે! પ્રેષિત પીતરે લખ્યું કે ‘દીન તથા નમ્ર જન, દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે.’ (૧ પીતર ૩:૪) આમ, નમ્રતા ઈશ્વરનો એક સદ્ગુણ છે. તો શું આપણે નમ્ર ન બનવું જોઈએ? હા, કેમ કે નમ્ર બનીશું તો જ યહોવાહ આપણને પસંદ કરશે. યહોવાહ વિશ્વના માલિક છે. તેમ છતાં તે પોતે કઈ રીતે નમ્રતા બતાવે છે?
૫. યહોવાહની દયાથી આપણને કેવી આશા મળી?
૫ યહોવાહે પ્રથમ યુગલને એટલે આદમ તથા તેની પત્ની હવાને ભલું-ભૂડું જાણવાના વૃક્ષનું ફળ ન ખાવાની આજ્ઞા આપી હતી. તોપણ, તેઓએ જાણીજોઈને એ ફળ ખાધું અને પાપ કર્યું. (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) તેઓને આ પાપની સજા મોત મળી. વધુમાં તેઓ પરમેશ્વરથી અલગ થઈ ગયા. એને લીધે તેઓનાં બાળકો, એટલે કે આખી મનુષ્યજાત પર પાપ અને મરણ વારસામાં ઊતરી આવ્યા અને તેઓ બધા પરમેશ્વરથી દૂર થઈ ગયા. (રૂમીઓને પત્ર ૫:૧૨) યહોવાહે તેઓનો ન્યાય કરીને સજા આપી હતી. તેમ છતાં તેમણે એવું ન વિચાર્યું કે મનુષ્યો સુધરવાને લાયક જ નથી. તેમણે એમ પણ ન કહ્યું કે ‘મારી નજરે તમે મરી ગયા છો.’ (ગીતશાસ્ત્ર ૧૩૦:૩) ના, એને બદલે, તેમને મનુષ્યો પર દયા આવી. મનુષ્યો તેમની કૃપા મેળવી શકે એ માટે તેમણે એક ગોઠવણ કરી. યહોવાહે પોતાના એકનાએક દીકરા ઈસુ ખ્રિસ્તનું બલિદાન આપ્યું. હવે આપણે ખુલ્લા દિલથી તેની ઉપાસના કરીને તેમની કૃપા પામી શકીએ છીએ.—રૂમીઓને પત્ર ૬:૨૩; હેબ્રી ૪:૧૪-૧૬; ૧ યોહાન ૪:૯, ૧૦, ૧૮.
૬. યહોવાહે કાઈનને કઈ રીતે દયા બતાવી?
૬ ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં પણ યહોવાહે મનુષ્યો પર દયા બતાવી હતી. દાખલા તરીકે, આદમના પુત્રો કાઈન અને હાબેલે એક વાર પરમેશ્વરને બલિદાન ચઢાવ્યું. યહોવાહ જોઈ શકતા હતા કે તેઓના દિલમાં શું હતું. તેથી તેમણે કાઈનનું અર્પણ ‘માન્ય કર્યું નહિ.’ પણ, હાબેલના અર્પણને ‘માન્ય કર્યું.’ આ જોઈને કાઈનને ખોટું લાગ્યું. બાઇબલ કહે છે કે “કાઈનને બહુ રોષ ચઢ્યો, ને તેનું મોં ઊતરી ગયું.” યહોવાહે શું કર્યું? શું તેમણે ગુસ્સામાં સળગી ઊઠીને કાઈનને ઠપકો આપ્યો? ના. એને બદલે તેમણે પ્રેમથી કાઈનને પૂછ્યું, કે ‘તને કેમ રોષ ચઢ્યો છે?’ અરે, યહોવાહે કાઈનને એ પણ સમજાવ્યું કે તે કેવી રીતે આશીર્વાદ મેળવી શકે. (ઉત્પત્તિ ૪:૩-૭) ખરેખર, યહોવાહ કેટલા નમ્ર અને દયાળુ છે!—નિર્ગમન ૩૪:૬.
‘નમે તે સૌને ગમે’
૭, ૮. (ક) ઈસુ કોના જેવા છે અને આપણે કઈ રીતે એમ કહી શકીએ? (ખ) માત્થી ૧૧:૨૭-૨૯ના શબ્દો આપણને યહોવાહ અને ઈસુ વિષે શું શીખવે છે?
૭ જો આપણે યહોવાહના સુંદર ગુણો વિષે શીખવું હોય તો સૌથી પહેલા આપણે એ જાણવું જોઈએ કે ઈસુ પોતે ખરેખર કેવા સ્વભાવના હતા. (યોહાન ૧:૧૮; ૧૪:૬-૯) ઈસુએ પોતાના પ્રચાર કાર્યના બીજા વર્ષમાં ખોરાજીન, બેથસાઈદા, કાપરનાહુમ અને આજુબાજુનાં શહેરોમાં ઘણા ચમત્કારો કર્યા હતા. તોપણ, મોટા-ભાગના ઘમંડી લોકોએ તેમનું કહ્યું સાંભળ્યું નહિ. ઈસુએ શું કર્યું? અમુક વાર તેમણે હિંમતથી તેઓને યાદ કરાવ્યું કે તેઓ તેમનું માનશે નહિ તો, યહોવાહ તેઓને બચાવશે નહિ. એજ સમયે ઈસુને લોકોની દુ :ખી હાલત જોઈને તેઓ પર ખૂબ રહેમ આવી. તેઓએ જીવનમાં ઘણી ઠોકરો ખાધી હતી.—માત્થી ૯:૩૫, ૩૬; ૧૧:૨૦-૨૪.
૮ ઈસુનાં કાર્યો બતાવે છે કે તે તેમનો સ્વભાવ તેમના પિતા જેવો જ હતો. જે લોકોના જીવનમાં બોજો હતો તેઓને ઈસુએ પ્યારથી કહ્યું: “ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ. મારી ઝૂંસરી તમારા પર લો અને મારી પાસેથી શીખો. કારણ, હું દીન અને નમ્ર હૃદયનો છું, અને તમારા જીવને આરામ મળશે.” આ સાંભળીને લોકોને કેટલો દિલાસો મળ્યો હશે! ઈસુના આ શબ્દો આપણને પણ લાગુ પડે છે. જો આપણે પણ નમ્ર રહીશું તો, ઈસુ ખુશીથી યહોવાહ આગળ આપણી વાહ વાહ કરશે.—માત્થી ૧૧:૨૭-૨૯, પ્રેમસંદેશ.
૯. દયા સાથે કયો ગુણ જોડાયેલો છે? અને ઈસુએ કેવો નમૂનો બેસાડ્યો?
૯ દયાળુ વ્યક્તિ નમ્ર પણ હોય છે. જો વ્યક્તિ નમ્ર ન હોય તો, તે ખરેખર અભિમાની છે, અને તે બીજાઓ સાથે દયાભાવથી નથી વર્તતી. (નીતિવચનો ૧૬:૧૮, ૧૯) ઈસુનો વિચાર કરો. તે પૃથ્વી પર હતા ત્યારે, સૌથી નમ્ર હતા. ઈસુ મરણ પામ્યા એના લગભગ છ દિવસ પહેલાં તે યરૂશાલેમ ગયા હતા. ત્યારે લોકોએ યહુદી રાજા તરીકે તેમની જય પોકારી. જગતના રાજાઓની જેમ, શું ઈસુ આ વખાણથી ફૂલાઈ ગયા? બિલકુલ નહિ. પોતે નમ્ર હોવાથી તેમણે ઝખાર્યાહની ભવિષ્યવાણી પૂરી કરી: ‘તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડાના વછેરા પર, સવાર થઈને આવે છે.’ (માત્થી ૨૧:૫; ઝખાર્યાહ ૯:૯) પરમેશ્વરના ભક્ત દાનીયેલે એક સંદર્શનમાં જોયું કે યહોવાહે ઈસુને રાજ કરવાનો અધિકાર આપ્યો હતો. બીજી એક ભવિષ્યવાણીમાં તે ઈસુને માણસોમાં સૌથી નમ્ર કહે છે. ખરેખર, દયા અને નમ્રતા બને મહત્ત્વના ગુણો છે.—દાનીયેલ ૪:૧૭; ૭:૧૩, ૧૪.
૧૦. વ્યક્તિ નમ્ર હોવા છતાં, કઈ રીતે કમજોર નથી?
૧૦ યહોવાહ અને ઈસુ ખૂબ જ દયાળુ અને નમ્ર છે. એ જાણીને શું તેઓ માટે તમારો પ્રેમ વધુ ખીલી ઊઠતો નથી? (યાકૂબ ૪:૮) તો શું નમ્ર અને દયાળુ હોવાનો એવો અર્થ થાય કે તેઓ ઢીલા અને શક્તિ વગરના છે? જરાય નહિ! કેમ કે યહોવાહની શક્તિનો કોઈ પાર નથી, અને તે દુષ્ટો પર ખૂબ ગુસ્સે થાય છે. (યશાયાહ ૩૦:૨૭; ૪૦:૨૬) જ્યારે શેતાને ઈસુને લાલચ આપી, ત્યારે ઈસુ પણ તેની સામે થયા. તેમ જ ઈસુએ ધર્મગુરુઓના ખોટા ઢોંગને ચલાવી ન લીધા. (માત્થી ૪:૧-૧૧; ૨૧:૧૨, ૧૩; યોહાન ૨:૧૩-૧૭) બીજી બાજુ, તેમના શિષ્યોમાં ઘણી ખામીઓ હતી અને તેઓ અનેક વાર ભૂલો કરતા. તોપણ ઈસુ નમ્ર બનીને તેઓ સાથે દયા અને ધીરજ બતાવતા હતા. (માત્થી ૨૦:૨૦-૨૮) એક બાઇબલ પ્રોફેસર નમ્રતા વિષે કહે છે: “નમ્ર લોકો જરાય કમજોર નથી હોતા.” તેથી, આપણે પણ ઈસુની જેમ માયાળુ અને નમ્ર બનવું જ જોઈએ.
એક સમયના સૌથી નમ્ર માણસ
૧૧, ૧૨. જે રીતે મુસાનો ઉછેર થયો હતો એ જોઈને શા માટે કહી શકાય કે તે ખૂબ જ નમ્ર હતા?
૧૧ ત્રીજું ઉદાહરણ મુસાનું છે. બાઇબલ મુસાને પૃથ્વી “પરના સર્વ લોક કરતાં નમ્ર” કહે છે. (ગણના ૧૨:૩) પરમેશ્વરની પ્રેરણાથી મુસા વિષે આમ લખવામાં આવ્યું હતું. મુસા પોતાના નમ્ર સ્વભાવને લીધે જ યહોવાહના માર્ગમાં ચાલી શક્યા.
૧૨ મુસાના માબાપનો જીવ જોખમમાં હતો. પરંતુ, યહોવાહે તેઓનું અને ખાસ કરીને તેમના નાના બાળક, મુસાનું ધ્યાન રાખ્યું. મુસા નાના હતા ત્યારે તેમની માએ તેમની સંભાળ રાખી હતી. તેણે મુસાને યહોવાહ પરમેશ્વર વિષે શીખવ્યું હતું. પછી મુસા ગરીબ ઘરમાંથી રાજાના મહેલમાં રહેવા ગયા. એના વિષે પહેલી સદીમાં શહીદ થઈ ગયેલા સ્તેફને લખ્યું: “મુસાને મિસરીઓની સર્વ વિદ્યા શિખવવામાં આવી હતી; તે બોલવાચાલવામાં બાહોશ, તથા કામ કરવામાં પરાક્રમી હતો.” (પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૨) એક દિવસ મુસાએ જોયું કે ફારૂનના દાસો ઈસ્રાએલીઓ, હા તેના પોતાના લોકો પર જુલમ કરતા હતા. તેમને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમના ભાઈઓને બચાવવા માટે તેમણે એક મિસરીને મારી નાખ્યો. પરંતુ જ્યારે મિસરના લોકોને આ બનાવ વિષે ખબર પડી ગઈ ત્યારે મુસા પોતે મિસરથી મિદ્યાન નાસી ગયા.—નિર્ગમન ૧:૧૫, ૧૬; ૨:૧-૧૫; હેબ્રી ૧૧:૨૪, ૨૫.
૧૩. ચાળીસ વર્ષ મિદ્યાનમાં રહેવાથી મુસા કેવા બન્યા?
૧૩ આમ, ફક્ત ચાળીસ વર્ષની વયે મુસાને મિદ્યાનના અરણ્યમાં ભટકવું પડ્યું. એક વાર તે રેઉએલની સાત દીકરીઓને મળ્યા. તેઓ પોતાના પિતાના ઘેટાં-બકરાંને પાણી પાવડાવવા આવી હતી. પરંતુ, બીજા ભરવાડો તેઓને હેરાન કરવા લાગ્યા ત્યારે, મુસાએ તેઓએ છોડાવીને ટોળાને પાણી પાવામાં મદદ કરી. પછી, આ છોકરીઓ ઘેર આવીને તેઓના પિતાને કહ્યું કે “એક મિસરીએ” કઈ રીતે તેઓને ભરવાડોના હાથમાંથી બચાવી હતી. આભાર માનવા રેઉએલે મુસાને પોતાના ઘરમાં રહેવા દીધા. મુસાએ ઘણી મુશ્કેલીઓ સહી તોપણ, તે પથ્થર દિલના ન બન્યા. એને બદલે, તેમણે બદલતા સંજોગોમાં પોતાના જીવનમાં ફેરફાર કર્યો. પરંતુ, યહોવાહની મરજી પ્રમાણે જીવવા તે કદી ડગુમગુ ન હતા. મુસાએ ચાળીસ વર્ષો સુધી રેઉએલના ઘેટાંબકરાંની સંભાળ રાખી. એ વર્ષોમાં તેમણે રેઉએલની દીકરી સિપ્પોરાહ સાથે લગ્ન કર્યા અને બે દીકરાને પણ ઉછેર્યા. આ સમય દરમિયાન, મુસાએ પોતાના સ્વભાવમાં ઘણો સુધારો કર્યો. હા, જીવનમાં ઘણાં દુઃખો સહીને પણ મુસા ઘણા નમ્ર બન્યા હતા.—નિર્ગમન ૨:૧૬-૨૨; પ્રેરિતોનાં કૃત્યો ૭:૨૯, ૩૦.
૧૪. મુસા આગેવાન બન્યા પછી પણ કઈ રીતે નમ્ર રહ્યા?
૧૪ પછી યહોવાહે મુસાને ઈસ્રાએલ પ્રજાના આગેવાન બનાવ્યા ત્યારે પણ, તે ફુલાઈ ગયા નહિ. એક વાર એક યુવાને મુસાને કહ્યું કે એલ્દાદ અને મેદાદ પ્રબોધ કરે છે. તે ખૂબ ગુસ્સે થયો હતો કેમ કે મુસાને મદદ કરવા જે ૭૦ માણસો યહોવાહે પસંદ કર્યા હતા, એમાં એલ્દાદ અને મેદાદ ન હતા. તેથી, યહોશુઆએ મુસાને કહ્યું: “મારા ધણી તેઓને શાંત કરી દો.” પણ મુસાએ નમ્રતાથી કહ્યું: “મારા લીધે શું તને અદેખાઈ આવે છે? પ્રભુના સર્વ લોકો પ્રબોધકો થાય અને તેઓ સર્વ ઉપર પ્રભુ પોતાનો આત્મા મોકલે તેમ હું ઇચ્છું છું!” એનો વિચાર કરો! (ગણના ૧૧:૨૬-૨૯, IBSI) આમ, મુસાએ આંકરી પરિસ્થિતિને નમ્ર ભાવથી ઉકેલી.
૧૫. મુસા અપૂર્ણ હતા તોપણ શા માટે આપણે તેમનું અનુકરણ કરવું જોઈએ?
૧૫ જોકે, મુસાએ પણ એક વાર ભુલ કરી હતી. કાદેશ નજીક મરીબાહમાં તેમણે યહોવાહ તરફથી ચમત્કાર કર્યો હતો. પરંતુ, એનો જશ યહોવાહને આપવાની બદલે પોતે લીધો હતો. (ગણના ૨૦:૧, ૯-૧૩) મુસા પણ આપણી જેમ અપૂર્ણ જ હતા. પરંતુ, આ ભુલ સિવાય તે બીજી બધી બાબતોમાં નમ્ર હતા. તેમને યહોવાહ પર પૂરો ભરોસો હતો. એટલે જ તે હિંમત ન હાર્યા. મુસાએ આપણા માટે નમ્રતાનો કેટલો સારો નમૂનો બેસાડ્યો!—હેબ્રી ૧૧:૨૩-૨૮.
તમે ગુસ્સે થશો કે નમ્ર રહેશો?
૧૬, ૧૭. નાબાલ અને અબીગાઈલના કિસ્સામાંથી આપણે શું શીખી શકીએ?
૧૬ દાઊદના સમયમાં પણ આપણને નમ્રતાનો સારો નમૂનો જોવા મળે છે. પ્રબોધક શમૂએલના મરણના થોડા સમય પછી, નાબાલ નામના એક પુરુષ અને તેની પત્ની અબીગાઈલની આ વાત છે. તેઓ બંનેના સ્વભાવમાં આભ-જમીનનો ફરક હતો. અબીગાઈલ “ઘણી બુદ્ધિમાન” હતી, જ્યારે તેનો પતિ પથ્થર દિલનો અને “વ્યવહારમાં દુષ્ટ હતો.” દાઊદ રાનમાં તેમના માણસો સાથે ભટકતા હતા. તેઓ એક સમયે નાબાલના ઘેટાંઓનું લુંટારાઓથી રક્ષણ કરતા હતા. એક વાર દાઊદ અને તેના માણસો ભૂખ્યા થયા ત્યારે, તેઓએ નાબાલ પાસે ખોરાક માંગ્યો. પરંતુ, નાબાલે ગુસ્સે થઈને ખોરાક આપવાનો ઇનકાર કર્યો હતો. એ સાંભળીને દાઊદ અને તેના સાથીઓ હથિયાર સજીને નાબાલનું નામનિશાન મિટાવવા નીકળી પડ્યા.—૧ શમૂએલ ૨૫:૨-૧૩.
૧૭ જ્યારે અબીગાઈલે આ વાત જાણી ત્યારે, તેણે ઉતાવળથી રોટલી, અનેક જાતનો ખોરાક, દારૂ, સૂકી દ્રાક્ષ અને અંજીરના ચકતા બનાવીને દાઊદને મળવા ગઈ. તેણે દાઊદને હાથ જોડીને કહ્યું: “મારા સ્વામી, જે બની ગયું તે સર્વનો દોષ હું મારા શિરે લઉં છું. મહેરબાની કરીને હું જે કહેવા માગું છું તે સાંભળો.” અબીગાઈલની આજીજીથી દાઊદનું હૃદય પીગળી ગયું. દાઊદે તેને કહ્યું: “ઈસ્રાએલનો દેવ યહોવાહ જેણે તને આજ મને મળવા મોકલી તેને ધન્ય હો; વળી તારી ચતુરાઇને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમકે તેં મને આજ ખૂનનો દોષ વાળવાથી અટકાવ્યો છે.” (૧ શમૂએલ ૨૫:૧૮, ૨૪ IBSI, ૩૨, ૩૩) ઘમંડી બનીને નાબાલે પોતાના જ પગ પર કુહાડો માર્યો હતો અને એને લીધે તે માર્યો ગયો. પછી અબીગાઈલ દાઊદ સાથે લગ્ન કરીને સુખી થઈ. નમ્રતા વિષે અબીગાઈલે ખરેખર આપણા માટે એક સારો નમૂનો બેસાડ્યો છે.—૧ શમૂએલ ૨૫:૩૬-૪૨.
હર સમય નમ્ર રહો
૧૮, ૧૯. (ક) આપણે નમ્ર બનીએ તેમ, આપણામાં કેવા ફેરફારો જોવા મળે છે? (ખ) બાઇબલ કઈ રીતે અરીસા જેવું છે અને એ આપણને કઈ રીતે મદદ કરશે?
૧૮ આપણે નમ્ર બનવું જ જોઈએ. નમ્ર વ્યક્તિ બધાને ગમે છે. વળી, આપણે નમ્ર રહીશું તો આંકરા સંજોગોમાં સહેલાઈથી ઊકળી ઊઠીશું નહિ. કદાચ અગાઉ આપણે વાતવાતમાં ગુસ્સે થઈ જતા અથવા જેમતેમ વર્તતા પણ હોઈશું. પરંતુ, હવે આપણે બાઇબલમાંથી શીખીને નમ્ર સ્વભાવના બન્યા છીએ. પાઊલે પણ ખ્રિસ્તીઓને આજીજી કરી કે, ‘તમારે દયા, મમતા, નમ્રતા, વિનય, અને ધીરજ પહેરી લેવાં જોઈએ.’ (કોલોસી ૩:૧૨) એનાથી આપણા સ્વભાવમાં ખરેખર કેટલો ફેરફાર થાય છે? એને સમજાવતા બાઇબલ કહે છે કે જે વ્યક્તિ વરુ, સિંહ, રીંછ અથવા નાગ જેવી છે, તેઓ ઘેટાં જેવા અથવા ગાય જેવા કોમળ સ્વભાવના બને છે. (યશાયાહ ૧૧:૬-૯; ૬૫:૨૫) આપણે જ્યારે પોતાનો સ્વભાવ બદલીને નમ્ર અને પ્રેમાળ બનીએ છીએ ત્યારે, બીજાઓ જોતા રહી જાય છે. પરંતુ, આપણે પરમેશ્વરની શક્તિથી જ આવા ગુણો કેળવી શક્યા છીએ.
૧૯ આપણે બધા પોતાના સ્વભાવમાં જરૂરી ફેરફાર કરીને યહોવાહ પરમેશ્વરને સમર્પણ કરીએ છીએ. પરંતુ, શું એનો અર્થ એમ થયો કે હવે આપણે ગુસ્સા પર કાબૂ રાખવા કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી? બિલકુલ નહીં. નવાં કપડાંને સાચવી રાખવા આપણે એનું કાયમ ધ્યાન રાખયે છીએ. એ જ રીતે, આપણે પોતા દિલની તપાસ કરવા બાઇબલનો સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. એમાં આપેલાં ઉદાહરણો પર ખુબ વિચાર કરવાથી આપણને મદદ મળી શકે. એનાથી આપણે કાયમ પોતાનામાં સુધારો કરી શકીશું. ખરેખર બાઇબલ એક અરીસા જેવું છે. તો પછી, એ તમારા સ્વભાવ વિષે શું બતાવે છે?—યાકૂબ ૧:૨૩-૨૫.
૨૦. નમ્ર બનવા આપણે શું કરવાની જરૂર છે?
૨૦ બધાના સ્વભાવ અલગ અલગ હોય છે. આપણામાંના અમુકને નમ્ર બનવું સહેલું લાગે છે, જ્યારે બીજાઓ માટે એ અઘરું હોય છે. તેમ છતાં, આપણે બધાએ નમ્રતા સાથે પવિત્ર આત્માના બીજા સદ્ગુણો પણ કેળવવા જ જોઈએ. પાઊલે પ્રેમથી તીમોથીને કહ્યું: “ન્યાયીપણું, ભક્તિભાવ, વિશ્વાસ, પ્રેમ, ધીરજ તથા નમ્રતા, એઓનું અનુસરણ કર.” (૧ તીમોથી ૬:૧૧) અહીં “અનુસરણ” કરવાનો અર્થ એ છે કે આપણામાં કંઈક કરવાની હોંશ હોવી જોઈએ. બીજા બાઇબલ ભાષાંતર આમ કહે છે કે, “પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.” (પ્રેમસંદેશ.) જો આપણે બાઇબલમાં આપેલા સારાં ઉદાહરણો પર મનન કરીશું તો, એનાથી આપણને નમ્ર રહેવા ઘણી મદદ મળશે.—યાકૂબ ૧:૨૧.
૨૧. (ક) શા માટે આપણે નમ્રતા બતાવવી જોઈએ? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૨૧ આપણે બીજાઓ સાથે જે રીતે વ્યવહાર કરીએ છીએ, એ બતાવે છે કે આપણે કેટલા નમ્ર છીએ. શિષ્ય યાકૂબે પૂછ્યું, “શું તમારામાં કોઈ જ્ઞાની અને સમજુ છે? તો ઉત્તમ જીવનથી, નમ્રતાથી અને જ્ઞાનથી કરેલા તેના સારા કાર્યોથી તેણે તે પુરવાર કરવું જોઈએ.” (યાકૂબ ૩:૧૩, પ્રેમસંદેશ) આપણે ઘરે, પ્રચારમાં અને મંડળમાં કઈ રીતે નમ્રતા બતાવી શકીએ? હવે પછીના લેખમાં આપણે એની ચર્ચા કરીશું.
તમે શું શીખ્યા?
• નમ્ર રહેવા વિષે આ દાખલાઓમાંથી તમે શું શીખ્યા?
• યહોવાહ?
• ઈસુ?
• મુસા?
• અબીગાઈલ?
• આપણે શા માટે હંમેશાં નમ્ર રહેવું જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૬ પર ચિત્ર]
શા માટે યહોવાહે હાબેલનું અર્પણ સ્વીકાર્યું?
[પાન ૧૭ પર ચિત્ર]
ઈસુએ બતાવ્યું કે દયા અને નમ્રતા બને મહત્ત્વના ગુણ છે
[પાન ૧૮ પર ચિત્ર]
મુસાએ નમ્રતાનો સારો નમૂનો બેસાડ્યો હતો