યુવાનો—શું તમે પરમેશ્વરની સેવામાં પ્રગતિ કરો છો?
યુવાનો—શું તમે પરમેશ્વરની સેવામાં પ્રગતિ કરો છો?
હાઈડીયો નામના ભાઈ હાઈસ્કૂલના પોતાના દિવસોને યાદ કરતા કહે છે: “હું ખ્રિસ્તી સભાઓમાં જતો હતો, પણ મને યહોવાહની સેવા કરવાની કોઈ હોંશ ન હતી. હું ઘણી વાર સપના જોતો કે હું હીરો છું અને મારી ગર્લફ્રેન્ડને લઈને નીકળું ત્યારે મારા ક્લાસના દોસ્તો જોતા જ રહી જાય છે! મારા જીવનનો કોઈ ખાસ ધ્યેય ન હતો. યહોવાહની સેવામાં કંઈક કરવાનું તો મેં વિચાર્યું પણ ન હતું.” હાઈડીયોની જેમ, આજે ઘણા યુવાનો જીવનમાં આમતેમ ફાંફાં મારે છે. પોતે આગળ જઈને શું કરશે એની તેઓને કંઈ જ પડી હોતી નથી.
જો તમે યુવાન હોવ તો, તમે કોઈ રમત કે શોખ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હશો. પણ પરમેશ્વરની ભક્તિ કરવાની વાત આવે છે ત્યારે, કદાચ તમારા મનમાં એવો વિચાર પણ નથી આવતો. અથવા તમને થશે કે પરમેશ્વરની સેવા કરવાથી મને શું ખુશી મળશે? શું યહોવાહની સેવામાં તમે કંઈ પણ કરવા તૈયાર થઈ શકો? હા. ગીતકર્તાની આ સલાહ પર ધ્યાન આપો: ‘યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાહની આજ્ઞા નિર્મળ છે, તે આંખોને પ્રકાશ આપે છે.’ (ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮) પરમેશ્વરનું વચન “અબુદ્ધને બુદ્ધિમાન” થવા મદદ કરી શકે અને તેની “આંખોને પ્રકાશ આપે છે.” હા, પરમેશ્વરની ભક્તિમાં તમે ખરી ખુશી મેળવી શકો. કઈ રીતે?
યહોવાહની સેવા કરવાનું ચાહો
સૌથી પહેલાં તો તમને પોતાને યહોવાહની સેવા કરવાની ઇચ્છા થવી જોઈએ. યહુદાહના રાજા યોશીયાહનો વિચાર કરો. મંદિરમાંથી યહોવાહના નિયમનું પુસ્તક મળી આવ્યું ત્યારે તેમણે શું કર્યું? યોશીયાહે એને વાંચ્યું અને એ તેમના હૃદયને સ્પર્શી ગયું. તરત જ ‘યોશીયાહે ઇસ્રાએલપુત્રોના તાબાના સર્વ દેશમાંથી સર્વ મૂર્તિઓ દૂર કરી.’ (૨ કાળવૃત્તાંત ૩૪:૧૪-૨૧, ૩૩) યહોવાહના નિયમો વાંચીને યોશીયાહે બીજા લોકોને પણ ઉત્તેજન આપ્યું કે તેઓ પણ પરમેશ્વરના ઉપાસકો બને.
તમે પણ બાઇબલ વાંચો અને એના પર મનન કરો. એનાથી તમને દિલથી યહોવાહની ભક્તિ કરવાની ઇચ્છા થશે. હાઈડીયોને શામાંથી પ્રેરણા મળી? તેણે એક વૃદ્ધ પાયોનિયર ભાઈ સાથે દોસ્તી બાંધી. તે ભાઈને બાઇબલ વિષે શીખવાની ખૂબ હોંશ હતી. વધુમાં, તે બાઇબલમાંથી જે કંઈ શીખતા એને પોતાના જીવનમાં લાગુ પાડવા બનતું બધું જ કરતા. પાયોનિયર ભાઈના સરસ ઉદાહરણથી હાઈડીયોને ખૂબ ઉત્તેજન મળ્યું. તેથી, તેણે પણ યહોવાહ સાથે સારો સંબંધ કેળવવાનું અને બીજાઓની સેવા કરવાનું શરૂ કર્યું. આમ, હાઈડીયોએ યહોવાહની ભક્તિમાં સારી પ્રગતિ કરી અને હવે બહુ ખુશ છે.
યુવાનો, દરરોજ બાઇબલ વાંચવાથી તમને ઘણા લાભો થશે. ટાકાહીરો નામનો ભાઈ જણાવે છે: “હું દરરોજ રાત્રે સૂતી વખતે યાદ કરું છું કે મેં એ દિવસે બાઇબલ વાંચ્યું હતું કે નહિ. જો મેં ન વાંચ્યું હોય તો, હું તરત જ વાંચવા બેસી જાઉં છું. એનાથી, મેં અનુભવ્યું કે યહોવાહે મને જીવનમાં ઘણી રીતે માર્ગદર્શન આપ્યું છે. દરરોજ બાઇબલ વાંચવાને લીધે હું તેમની સેવામાં ઘણી પ્રગતિ કરી શક્યો છું. મેં યહોવાહની ઉપાસનામાં વધારે સમય આપવાનું નક્કી કર્યું હતું. તેથી, હું હાઇસ્કૂલ પૂરી કરીને તરત જ પાયોનિયર બન્યો. મને પાયોનિયરીંગ કરવાની ખૂબ મજા આવે છે!”
યહોવાહની ઉપાસના કરવામાં બાઇબલ વાંચવા ઉપરાંત, તમે બીજું શું કરી શકો? ટોમોહીરોને તેની માએ સત્ય શીખવ્યું હતું. તે કહે છે: “હું ૧૯ વર્ષનો થયો ત્યાં સુધી યહોવાહને બરાબર ઓળખી શક્યો ન હતો. પરંતુ લાઈફ ડઝ હેવ અ પરપઝ નામના પુસ્તકનો બરાબર અભ્યાસ કર્યા પછી, હું જોઈ શક્યો કે યહોવાહે આપણા પર કેટલો ઊંડો પ્રેમ બતાવ્યો છે અને ઈસુએ આપણા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું છે. એ જોઈને મારું દિલ કદરથી ઊભરાઈ ગયું. એના લીધે હું યહોવાહની સેવા કરવા લાગ્યો.” (૨ કોરીંથી ૫:૧૪, ૧૫) ટોમોહીરોની જેમ, ઘણા યુવાનો બાઇબલનો પૂરા ઉત્સાહથી અભ્યાસ કરે છે. એના લીધે તેઓએ પણ યહોવાહની સેવામાં વધારે પ્રગતિ કરી છે.
પરંતુ, જો યહોવાહની સેવામાં તમારું મન જ ન ચોંટતું હોય તો શું? શું તમે કોઈની મદદ લઈ શકો? હા, પ્રેષિત પાઊલે લખ્યું: “ઈશ્વર તમારા જીવનમાં કાર્ય કરી તમને તેમની ઇચ્છાને આધીન થવાનું મન આપે છે અને તેમની ઇચ્છા પૂર્ણ કરવા સહાય કરે છે.” (ફિલિપી ૨:૧૩, IBSI) તો પછી, તમે મદદ માટે શા માટે યહોવાહને પ્રાર્થના કરતા નથી? જો તમે તેમની મદદ માગશો તો, તે ખુલ્લા હાથે તેમની પવિત્ર શક્તિ આપશે. એનાથી તમે તેમની સેવામાં ફક્ત ‘કાર્ય જ’ નહિ પણ તેમની ‘ઇચ્છા પણ પૂર્ણ’ કરશો. એટલે કે, તમે યહોવાહની મદદથી તેમની સેવામાં સૌથી સારું કરી શકશો અને તમે ખૂબ પ્રગતિ કરશો. તો પછી યુવાનો, તમે યહોવાહની શક્તિ માંગો, પછી તમે પૂરા હૃદયથી તેમની ઉપાસના કરી શકશો!
નક્કી કરો કે તમે શું કરવા માંગો છો
તમે યહોવાહની સેવામાં વધુ કરવાનું નક્કી કર્યા પછી, વિચાર કરો કે કયા ધ્યેયોમાં તમે પ્રગતિ કરી શકશો. માના નામની એક યુવતી કહે છે: “મેં જીવનમાં ધ્યેયો રાખ્યા. એટલે પાછા પડવાને બદલે હું હિંમત રાખીને આગળ વધતી ગઈ. મેં મારા ધ્યેયોને આંખો સામે રાખીને યહોવાહને ખૂબ પ્રાર્થના કરી કે તે મને મદદ કરે. આ રીતે હું આમતેમ ફંટાયા વગર મારા ધ્યેયોને પૂરા કરી શકી.”
તમે એવો ધ્યેય રાખો કે જેને પૂરો કરી શકાય. જેમ કે, દરરોજ બાઇબલનો એક અધ્યાય વાંચવો. તમે બાઇબલમાં વધારે સંશોધન પણ કરી શકો. માની લો કે તમારે આપણા ગુજરાતી પ્રકાશનોમાંથી કોઈ માહિતી શોધવી છે. એ માટે તમે દર વર્ષના ડિસેમ્બર ૧૫, ચોકીબુરજના પાન ૩૧ પરની વિષયસૂચિ તપાસી શકો. એમાં તમે “ખ્રિસ્તી જીવન અને ગુણો” અથવા, “યહોવાહ” મથાળા હેઠળ ઘણા લેખો જોઈ શકો. જેમ જેમ તમે એવા લેખોને વાંચીને મનન કરો તેમ, તમે યહોવાહને સારી રીતે ઓળખી શકશો. એનાથી તમને યહોવાહ માટે વધુ કરવાની ભાવના જાગશે. બીજા પણ અનેક ધ્યેયો છે. જેમ કે, દરેક સભામાં ઓછામાં ઓછો એક જવાબ આપવો; દરેક સભામાં મંડળના કોઈ ભાઈ કે બહેનને મળીને તેમને સારી રીતે ઓળખવા; ચૂક્યા વગર દરરોજ યહોવાહને પ્રાર્થના કરવી અને તેમના વિષે બીજાઓને જણાવવું. આમ, તમે યહોવાહની સેવામાં પહોંચી વળાય એવા ઘણા ધ્યેયો બાંધી શકો.
જો તમે હજી દેવશાહી સેવા શાળામાં જોડાયા ન હોવ તો, શા માટે તમારું નામ નોંધાવતા નથી? અથવા, શું તમે પ્રચારમાં જાઓ છો? જો તમે ન જતા હોવ તો, બાપ્તિસ્મા ન પામેલ પ્રકાશક બનવાનું નક્કી કરી શકો. પછી તમે, યહોવાહ સાથેના તમારા સંબંધ પર સારી રીતે વિચાર કરો અને તેમને તમારું સમર્પણ કરો. પછી, બાપ્તિસ્મા લઈને તમે યહોવાહની હંમેશ માટે સેવા કરવાનો પણ ધ્યેય રાખી શકો. ઘણા યુવાનોએ પાયોનિયર બનીને કે બેથેલમાં જઈને પૂરા સમયની સેવા કરી છે.
તમે જીવનમાં કોઈ ધ્યેય રાખો એ ખૂબ સારું છે. પરંતુ તમે બીજાઓ સાથે હરીફાઈ ન કરો. જો તમે બીજાઓ સાથે સરખામણી કરવાને બદલે, તમારા ધ્યેયમાં મંડ્યા રહેશો તો, તમને ખૂબ આનંદ મળશે.—કદાચ તમને એવું લાગી શકે કે હું આ બાબતમાં કાચો છું, કોઈ ધ્યેય રાખવો મારા માટે ખૂબ મુશ્કેલ છે. જો તમને એવું લાગતું હોય તો, બાઇબલની આ સલાહને ધ્યાન આપો: “તારો કાન ધરીને જ્ઞાનીનાં વચનો સાંભળ.” (નીતિવચનો ૨૨:૧૭) તમારા માબાપની કે કોઈ અનુભવી ખ્રિસ્તીની મદદ લો. જોકે, માબાપે કે બીજાઓએ આ બાબતમાં યુવાનોને ઉત્તેજન આપવું જોઈએ. તેઓએ તમારા પર કોઈ ધ્યેય ઠોકી બેસાડવો ન જોઈએ. એનાથી તમારી મજા મરી જશે અને પછી તમને ભક્તિમાં કોઈ રસ કે હોંશ નહિ રહે. એક યુવાન બહેન સાથે એમ જ બન્યું હતું. તે કહે છે: “મારા માબાપે પહેલેથી જ મારા માટે બધું નક્કી કરી દીધું હતું કે હું શું કરીશ. જેમ કે, દેવશાહી સેવા શાળામાં જોડાવું, પ્રચારમાં ભાગ લેવો, બાપ્તિસ્મા લેવું અને પાયોનિયર બનવું. જોકે, હું આ બધું કરવા માટે ખૂબ જ મહેનત કરતી. હું કોઈ એક ધ્યેય પૂરો કરતી ત્યારે, માબાપ મારી પ્રશંસા કરવાને બદલે બીજો ધ્યેય પૂરો કરાવવા પાછળ પડી જતા. એનાથી મને થતું કે હું આ ભાગદોડમાંથી ક્યારે બહાર નીકળીશ. તોપણ હું તેઓને ખુશ રાખવા બધું જ કરતી. પણ એનાથી મને કોઈ ખુશી મળતી ન હતી અને ઘણી વાર તો મને થતું કે હું અંદરથી ખાલી થઈ ગઈ છું.” તેના કિસ્સામાં ક્યાં વાંધો પડ્યો? માબાપના બધા જ ધ્યેયો સારા હતા, પણ એ અકીકોના ધ્યેયો ન હતા. જો તમારે સફળ થવું હોય તો, તમારે જાતે કોઈ ધ્યેયો બાંધવા પડશે!
ઈસુ ખ્રિસ્તનો વિચાર કરો. તે પૃથ્વી પર હતા ત્યારે, જાણતા હતા કે યહોવાહ તેમની પાસે કેવી અપેક્ષા રાખે છે. યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવું એ માત્ર વિચાર જ ન હતો, પણ એને પૂરું કરવાનો તેમણે મનસૂબો બાંધી લીધો હતો. ઈસુ તેમના કામને કેવી રીતે જોતા હતા? તેમણે પોતે કહ્યું: “જેણે મને મોકલ્યો છે, તેની ઇચ્છા પૂરી કરવી, અને તેનું કામ પૂર્ણ કરવું, એ મારૂં અન્ન છે.” (યોહાન ૪:૩૪) હા, યહોવાહની ઇચ્છા પૂરી કરવી એ તેમના માટે ખોરાક બરાબર હતું. તેથી, યહોવાહ જેવી અપેક્ષા રાખતા હતા, એવી જ રીતે ઈસુ જીવ્યા. એનાથી ઈસુને ખૂબ આનંદ અને સંતોષ મળ્યો. (હેબ્રી ૧૦:૫-૧૦) તમારા માબાપ પણ તમને સત્યમાં અમુક ધ્યેયો રાખવા ઉત્તેજન આપતા હશે. જો તમે એને દિલથી લઈને એ પ્રમાણે કામ કરશો તો, તમને પણ એમાં ખૂબ આનંદ અને સંતોષ મળશે.
સારું કરતા થાકો નહિ
એક વાર કોઈ ધ્યેય બાંધી લીધા પછી, એને પહોંચી વળવા સખત મહેનત કરો. ગલાતી ૬:૯ કહે છે: “તો સારૂં કરતાં આપણે થાકવું નહિ; કેમકે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું.” પણ યાદ રાખો, કે તમારી જ શક્તિથી તમે સફળ નહિ થાવ. કેમ કે તમારા જીવનમાં વખતોવખત મુશ્કેલીઓ આવતી જશે અને અમુક વાર તો તમે નિષ્ફળ પણ જશો. પરંતુ બાઇબલ તમને ખાતરી આપે છે: “તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ પાધરા કરશે.” (નીતિવચનો ૩:૬) હા, તમે યહોવાહની સેવામાં જેમ મહેનતુ બનો તેમ, તે તમને આગળ વધવા શક્તિ આપશે.
તો યુવાનો, યહોવાહની વધુ સેવા કરવાનું નક્કી કરો. તેમની સેવામાં ધ્યેયો બેસાડો અને એના પર કામ કરો. જો તમે આમ કરશો તો, ચોક્કસ ‘તમારી પ્રગતિ સર્વેના જાણવામાં આવશે.’ (૧ તીમોથી ૪:૧૫) પછી તમને પરમેશ્વરની સેવામાં અનેરો આનંદ મળશે!
[પાન ૯ પર ચિત્ર]
બાઇબલ વાંચીને એના પર વિચાર કરવાથી તમને યહોવાહની સેવામાં વધારે કરવાની હોંશ થશે
[પાન ૧૦ પર ચિત્ર]
ઈસુ તેમના પિતાની અપેક્ષા પ્રમાણે જીવ્યા