સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વફાદારીનો બદલો બેવફાઈ

વફાદારીનો બદલો બેવફાઈ

વફાદારીનો બદલો બેવફાઈ

“દ યાભાવ માણસને પ્રિય બનાવે છે,” એમ પવિત્ર શાસ્ત્ર જણાવે છે. (નીતિવચનો ૧૯:૨૨, IBSI) ખરેખર, એવી દયા રાખો, જે પ્રેમથી ઊભરાતી હોય. જો કે બાઇબલ બતાવે છે, કે એવા “દયાભાવ” અને કૃપાથી સંબંધો ગાઢ બને છે. ગાઢ સંબંધોથી એવી વફાદારી બંધાય છે, કે વ્યક્તિના ‘પ્રાણ જાય, પણ વચન ન જાય.’

પરંતુ, આ બાબતે યહુદાહનો રાજા યોઆશ બેવફા નીકળ્યો. તેની ફોઈ અને ફુવા યહોયાદાએ પ્રેમને કારણે દયા બતાવી. યોઆશ હજુ તો માંડ એક વર્ષનો હતો ત્યારે, તેની દાદી અથાલ્યાહ રાણી બની બેઠી. તેણે યોઆશના બધા જ ભાઈઓની કતલ કરાવી, જેથી રાજગાદીનો કોઈ વારસ ઊભો ન થાય. જો કે યોઆશ પોતાની દુષ્ટ દાદીની નજરથી બચી જાય છે, કેમ કે તેની દયાળુ ફોઈ અને તેના ફુવાએ તેને સંતાડી રાખ્યો હતો. તેઓએ યોઆશને યહોવાહના નિયમો પણ શીખવ્યા. યોઆશના ફુવા, યહોયાદા મુખ્ય યાજક હતા. યોઆશ સાત વર્ષનો થયો ત્યારે, યહોયાદાએ મુખ્ય યાજક તરીકેની સત્તા વાપરી. તેમણે પેલી દુષ્ટ રાણી, અથાલ્યાહને મારી નંખાવી અને યોઆશને ગાદી પર બેસાડ્યો.—૨ કાળવૃત્તાંત ૨૨:૧૦-૨૩:૧૫.

નાનકડો યોઆશ રાજા સારી રીતે રાજ ચલાવવા લાગ્યો. પરંતુ, તેના ફુવાના મરણ પછી, તે ખરાબ સોબતે ચડ્યો અને મૂર્તિપૂજા કરવા લાગ્યો. યહોવાહે પોતાના ભક્ત ઝખાર્યાહને યોઆશ પાસે મોકલ્યો, જેથી તે પાછો ફરે. હવે ઝખાર્યાહ તો યોઆશના ફુવાનો દીકરો હતો. પરંતુ, બેવફા યોઆશે તેને પથ્થરે મરાવ્યો. યોઆશે કેટલો બેવફા હતો, કેમ કે તેના દયાળુ ફોઈ-ફુવાએ તો તેને મોતના મોંમાંથી બચાવ્યો હતો!—૨ કાળવૃત્તાંત ૨૪:૧૭-૨૧.

બાઇબલ જણાવે છે કે ‘યોઆશ રાજાએ ઝખાર્યાહના પિતા યહોયાદાએ પોતાના પર જે કૃપા કરી હતી, તે ન સંભારતાં તેના પુત્રને મારી નાખ્યો. મરતી વેળાએ ઝખાર્યાહે કહ્યું, કે યહોવાહ આ કૃત્ય ધ્યાનમાં લઇને તેનો જવાબ લો.’ પછી, ઝખાર્યાહના શબ્દો પ્રમાણે જ, યોઆશ બીમાર થઈ મરવા પડ્યો અને તેના પોતાના નોકરોએ તેને મોતને ઘાટ ઊતારી દીધો.—૨ કાળવૃત્તાંત ૨૪:૧૭-૨૫.

કોને યોઆશ જેવા બેવફા બનવાનું ગમે? એને બદલે, ચાલો બાઇબલની આ સલાહ આપણી રગેરગમાં ઊતારીએ: ‘કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો; જેથી તું દેવ તથા માણસની નજરમાં કૃપા પામશે.’—નીતિવચનો ૩:૩, ૪.