આજે ખરો દિલાસો કોણ આપે છે?
આજે ખરો દિલાસો કોણ આપે છે?
‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ આપણી સર્વ વિપત્તિમાં આપણને દિલાસો આપે છે.’—૨ કોરીંથી ૧:૩, ૪.
૧. શા માટે લોકોને દિલાસાની જરૂર છે?
કોઈ અપંગ થઈ ગયું હોય તો, તેની તકલીફોનો પાર રહેતો નથી. તેને પોતાનું જીવન બરબાદ થઈ ગયું છે એમ લાગી શકે. બીજું કે ધરતીકંપ, વાવાઝોડું અને દુકાળ જેવી આપત્તિ ઘણા લોકોને કંગાળ બનાવી દે છે. લડાઈમાં કુટુંબનું કોઈ મરી જાય ત્યારે દુઃખનો પાર રહેતો નથી. લડાઈમાં ઘણા ઘરબાર વગરના થઈ જાય છે કે તેઓએ જીવ બચાવવા બધી માલમિલકત છોડીને બીજી જગ્યાએ ભાગી જવું પડે છે. આવાં દુઃખો સહેતા લોકોને એમ લાગી શકે કે તેઓને ક્યાંયથી પણ દિલાસો નહિ મળે. ખરેખર, તેઓને દિલાસાની ખૂબ જરૂર છે. પરંતુ, એ ક્યાંથી મળી શકે?
૨. યહોવાહ જે દિલાસો આપે છે એ શા માટે અજોડ છે?
૨ કેટલીક સંસ્થાઓ અને અમુક લોકો રોટી, કપડાં અને મકાન પૂરા પાડીને દિલાસો આપવા બનતા બધા જ પ્રયાસો કરે છે. બીજાઓ પ્રેમાળ શબ્દોથી દિલાસો આપે છે. પરંતુ, આવા પ્રયાસોથી આપેલો દિલાસો થોડા સમય માટે જ ટકે છે. ફક્ત યહોવાહ પરમેશ્વર જ બધી મુશ્કેલીઓને દૂર કરીને હંમેશ માટે દિલાસો આપી શકે છે. તેમના વિષે બાઇબલ આમ કહે છે: “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ, જે કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો દેવ છે, તેની સ્તુતિ થાઓ; તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને દેવ તરફથી જે દિલાસો મળે છે, તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.” (૨ કોરીંથી ૧:૩, ૪) યહોવાહ આપણને કઈ રીતે દિલાસો આપે છે?
સમસ્યાનું મૂળ દૂર કરીને દિલાસો આપ્યો
૩. યહોવાહે આપણને પાપ અને મરણમાંથી છોડાવવા કેવો દિલાસો આપ્યો છે?
૩ આદમે કરેલા પાપને લીધે બધા મનુષ્યોને વારસામાં પાપ મળ્યું. એનાથી, પાર વગરની સમસ્યાઓ ઊભી થવા લાગી. અરે, એ જ કારણે આપણે મરણ પામીએ છીએ. (રૂમીઓને પત્ર ૫:૧૨) વધુમાં, શેતાન આ ‘જગતનો અધિકારી’ હોવાથી પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે. (યોહાન ૧૨:૩૧; ૧ યોહાન ૫:૧૯) આપણા પર આવી પડેલી મુશ્કેલીઓથી યહોવાહને ખૂબ જ દુઃખ થયું હતું. એ કારણે તેમણે મનુષ્યોને દુઃખોમાંથી છોડાવવા માટે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું. યહોવાહે વચન આપ્યું છે કે આપણે તેમના પુત્રના બલિદાનમાં વિશ્વાસ રાખીશું તો, તે પાપ અને મરણ જેવા બધા જ દુઃખોમાંથી આપણને છોડાવશે. (યોહાન ૩:૧૬; ૧ યોહાન ૪:૧૦) વધુમાં, યહોવાહે ઈસુ ખ્રિસ્તને સ્વર્ગ અને પૃથ્વી પર અધિકાર આપી દીધો છે. યહોવાહે વચન આપ્યું છે કે ઈસુ, શેતાનનો અને દુષ્ટ લોકોનો નાશ કરી દેશે.—માત્થી ૨૮:૧૮; ૧ યોહાન ૩:૮; પ્રકટીકરણ ૬:૨; ૨૦:૧૦.
૪. (ક) યહોવાહે પોતાનાં વચનોમાં આપણો ભરોસો દૃઢ કરવા શું પૂરું પાડ્યું છે? (ખ) આપણા દુઃખોનો અંત આવશે એ જાણવા યહોવાહે કઈ મદદ પૂરી પાડી છે?
૪ પરમેશ્વરે આપેલાં વચનોમાં આપણો ભરોસો દૃઢ થાય એ માટે, તેમણે બાઇબલમાં ઘણા પુરાવાઓ આપ્યા છે. એ પુરાવાઓ બતાવે છે કે પરમેશ્વર જે કંઈ પણ ભાખે છે એ સાચું પડે છે. (યહોશુઆ ૨૩:૧૪) બાઇબલમાં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે પરમેશ્વરે પોતાના સેવકોને કઈ રીતે મુશ્કેલીઓમાંથી છોડાવ્યા હતા. (નિર્ગમન ૧૪:૪-૩૧; ૨ રાજાઓ ૧૮:૧૩–૧૯:૩૭) ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાહે બતાવ્યું કે તે લોકોની “હરેક પ્રકારની બીમારી” દૂર કરશે અને મૂએલાઓને પણ સજીવન કરશે. (માત્થી ૯:૩૫; ૧૧:૩-૬) પરંતુ, આ બધું ક્યારે થશે? બાઇબલ જણાવે છે કે આપણે આ જગતના છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ અને થોડા જ સમયમાં યહોવાહનું રાજ કાયમ માટે આવશે, જે આ પૃથ્વીને નવી બનાવી દેશે. ઈસુએ છેલ્લા દિવસોની જે નિશાની આપી હતી એ આપણા સમયમાં લાગુ પડે છે.—માત્થી ૨૪:૩-૧૪; ૨ તીમોથી ૩:૧-૫.
નિરાશ લોકોને દિલાસો
૫. પ્રાચીન ઈસ્રાએલીઓને દિલાસો આપતા યહોવાહે શેના પર તેઓનું ધ્યાન દોર્યું?
૫ યહોવાહે પ્રાચીન સમયમાં ઈસ્રાએલીઓની પ્રેમથી કાળજી રાખી હતી. એમાંથી આપણને જાણવા મળે છે કે દુઃખના સમયે તેમણે તેઓને કેવો દિલાસો આપ્યો. તેમણે ઈસ્રાએલીઓને યાદ દેવડાવ્યું કે પોતે કેવા પરમેશ્વર છે. એનાથી પરમેશ્વરનાં વચનોમાં તેઓનો વિશ્વાસ દૃઢ થયો. યહોવાહના પ્રબોધકોએ બતાવ્યું કે સાચા પરમેશ્વરની સામે જગતની મૂર્તિઓ તો કંઈ જ નથી. મૂર્તિઓ પોતાને કે પોતાના સેવકોને મદદ કરી શકતી નથી. (યશાયાહ ૪૧:૧૦; ૪૬:૧; યિર્મેયાહ ૧૦:૨-૧૫) યહોવાહે યશાયાહને કહ્યું: ‘દિલાસો આપ, મારા લોકને દિલાસો આપ.’ કઈ રીતે? યશાયાહે લોકોને યહોવાહે ઉત્પન્ન કરેલી વસ્તુઓનાં ઉદાહરણો જણાવીને એ દિલાસો આપવાનો હતો. એ રીતે યહોવાહ બતાવે છે કે તે એકલા જ સાચા પરમેશ્વર છે.—યશાયાહ ૪૦:૧-૩૧.
૬. ઈસ્રાએલીઓના છુટકારા વિષે યહોવાહે શું કર્યું હતું?
૬ એક પ્રસંગે યહોવાહે પોતાના લોકોને ગુલામીમાંથી છોડાવવા માટે ચોક્કસ સમય આપીને દિલાસો આપ્યો હતો. મિસરની ગુલામીમાંથી છૂટવાનો સમય નજીક આવ્યો ત્યારે, યહોવાહે જુલમથી ત્રાસી ગયેલા ઈસ્રાએલીઓને કહ્યું: “ફારૂન ઉપર તથા મિસર ઉપર હું બીજી એક વિપત્તિ આણીશ; ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે.” (નિર્ગમન ૧૧:૧) યહોશાફાટ રાજાના સમયમાં ત્રણ દેશોએ મળીને યહુદા પર ચઢાઈ કરી ત્યારે, યહોવાહે યહોશાફાટને કહ્યું કે “કાલે” હું તમને જીત અપાવીશ. (૨ કાળવૃત્તાંત ૨૦:૧-૪, ૧૪-૧૭) બાબેલોનથી ઈસ્રાએલીઓના છુટકારા વિષે યશાયાહે ૨૦૦ વર્ષ પહેલાં ભાખ્યું હતું. તેઓ બાબેલોનમાંથી આઝાદ થયા એના ૧૦૦ વર્ષ પહેલાં યિર્મેયાહે પણ એ વિષે વધારે માહિતી આપી હતી. છુટકારાનો સમય નજીક આવ્યો ત્યારે, આ ભવિષ્યવાણીઓથી પરમેશ્વરના સેવકોને કેટલું ઉત્તેજન મળ્યું હશે!—યશાયાહ ૪૪:૨૬–૪૫:૩; યિર્મેયાહ ૨૫:૧૧-૧૪.
૭. વચન પ્રમાણે આવનાર ઉદ્ધારકર્તા કોણ હતા અને એની ઈસ્રાએલના વિશ્વાસુ લોકો પર કેવી અસર થઈ?
૭ પરમેશ્વરનાં વચનોમાં મસીહ વિષેની માહિતી હતી. એ જાણીને તેમના લોકોને દિલાસો મળ્યો હતો. (યશાયાહ ૫૩:૧-૧૨) પેઢીઓ પછી પણ મુશ્કેલીઓનો સામનો કરતા વિશ્વાસુ લોકોને આ વચનોથી આશા આપવામાં આવી હતી. એનો એક અહેવાલ લુક ૨:૨૫માં જોવા મળે છે: “જુઓ, શિમઓન નામે એક માણસ યરૂશાલેમમાં હતો; તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો, તે ઈસ્રાએલના દિલાસાની વાટ જોતો હતો; અને પવિત્ર આત્મા તેના પર હતો.” શિમઓન જાણતા હતા કે બાઇબલમાં મસીહ વિષે આશા આપવામાં આવી છે. તેમણે આખું જીવન મસીહની રાહ જોવામાં ગાળ્યું હતું. જોકે, મસીહનું વચન કઈ રીતે પૂરું થશે એ તે જાણતા ન હતા. વધુમાં, ભાખેલી બાબતો પૂરી થઈ ત્યાં સુધી તે જીવતા પણ રહ્યા ન હતા. તોપણ, પરમેશ્વરે મોકલેલા ‘ઉદ્ધારકર્તાને’ જોયા હોવાથી તેમને ઘણી ખુશી થઈ હતી.—લુક ૨:૩૦, પ્રેમસંદેશ.
ખ્રિસ્ત તરફથી દિલાસો
૮. લોકો ઈસુ પાસે કેવી મદદની આશા રાખતા હતા, પણ ઈસુએ શું કર્યું?
૮ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, લોકો એમ ઇચ્છતા હતા કે ઈસુ તેઓ માટે ઘણું કરશે. પરંતુ, ઈસુએ તેઓની દરેક જરૂરિયાતો પૂરી પાડી ન હતી. અમુક લોકોને એમ હતું કે મસીહ તેઓને રોમન સામ્રાજ્યની જંજીરમાંથી મુક્ત કરશે. પરંતુ, ઈસુએ એવું કંઈ કર્યું ન હતું. તેમણે તો તેઓને કહ્યું કે ‘કાઈસારના તે કાઈસારને ભરી આપો.’ (માત્થી ૨૨:૨૧) પરમેશ્વર યહોવાહ, લોકોને સરકારોના જુલમમાંથી છોડાવવા કરતાં કંઈક વધારે કરવા માગતા હતા. લોકો ઈસુને રાજા બનાવવા ઇચ્છતા હતા ત્યારે, ઈસુએ એની ચોખ્ખી ના પાડીને કહ્યું: ‘પોતે ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન આપવા માટે આવ્યા છે.’ (માત્થી ૨૦:૨૮, પ્રેમસંદેશ; યોહાન ૬:૧૫) ત્યારે વિશ્વના રાજા બનવાનો ઈસુનો વખત હજુ આવ્યો ન હતો. તેમને એ અધિકાર લોકો તરફથી નહિ પણ યહોવાહ તરફથી મળવાનો હતો.
૯. (ક) ઈસુએ દિલાસાનો કયો સંદેશો જાહેર કર્યો? (ખ) ઈસુએ લોકોની પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે તેમનો સંદેશો જણાવ્યો? (ગ) ઈસુએ પોતાના સેવાકાર્યથી શાનો પાયો તૈયાર કર્યો?
૯ ઈસુએ “દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ” કરીને લોકોને દિલાસો આપ્યો હતો. તે જ્યાં પણ ગયા ત્યાં એ સંદેશો જાહેર કર્યો. (લુક ૪:૪૩) ઈસુએ એ સંદેશના મહત્ત્વ પર ભાર મૂકીને કહ્યું કે, મસીહી રાજ્ય લોકોની રોજ-બ-રોજની મુશ્કેલીઓને કઈ રીતે દૂર કરશે. ઈસુએ આંધળાઓને દેખતા અને મૂંગાઓને બોલતા કર્યાં. (માત્થી ૧૨:૨૨; માર્ક ૧૦:૫૧, ૫૨) તેમણે લૂલા-લંગડાઓને પણ સાજા કર્યાં. (માર્ક ૨:૩-૧૨) ઈસ્રાએલીઓ જે બીમારીથી અશુદ્ધ થઈ જતા એમાંથી પણ તેઓને સાજા કર્યાં. (લુક ૫:૧૨, ૧૩) તેઓને બીજી ગંભીર બીમારીઓથી છુટકારો અપાવ્યો. (માર્ક ૫:૨૫-૨૯) તેમણે મરી ગયેલાં બાળકોને સજીવન કરીને તેમના કુટુંબોને આશ્વાસન આપ્યું હતું. (લુક ૭:૧૧-૧૫; ૮:૪૯-૫૬) તેમણે પોતાની શક્તિથી ભયંકર તોફાનોને શાંત કરી દીધા અને ભૂખ્યા લોકોના ટોળેટોળાને ખોરાક પૂરો પાડ્યો હતો. (માર્ક ૪:૩૭-૪૧; ૮:૨-૯) ઈસુએ લોકોને આદર્શ જીવનના સિદ્ધાંતો શીખવ્યા, જેથી તેઓને રોજની તંગીઓનો સામનો કરવામાં મદદ મળે. એનાથી લોકોને આશા મળી કે મસીહના રાજ્યમાં તેઓ અપાર સુખશાંતિમાં રહેશે. આમ, ઈસુએ ફક્ત એ સમયના વિશ્વાસુ લોકોને જ દિલાસો આપ્યો ન હતો. પરંતુ, હજારો વર્ષો સુધી લોકોને ઉત્તેજન આપવા માટે પાયો તૈયાર કર્યો હતો.
૧૦. ઈસુના બલિદાનથી શું શક્ય બન્યું છે?
૧૦ ઈસુ મરણ પામ્યા અને સજીવન થઈને સ્વર્ગમાં ગયા એનાં સાઠ કરતાં વધારે વર્ષો પછી પ્રેષિત યોહાને લખ્યું: “મારા બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે; અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત્ત છે; અને કેવળ આપણાં જ નહિ પણ આખા જગતનાં પાપનું તે પ્રાયશ્ચિત્ત છે.” (૧ યોહાન ૨:૧, ૨) ઈસુએ પોતાના સંપૂર્ણ જીવનનું બલિદાન આપ્યું હોવાને કારણે આપણને દિલાસો મળ્યો છે. આપણે જાણીએ છીએ કે એનાથી આપણને પાપોની માફી મળી શકે, આપણું દિલ શુદ્ધ રાખી શકીએ અને પરમેશ્વર સાથે સારો સંબંધ રાખી શકીએ છીએ. આપણને અનંતજીવનની પણ આશા છે.—યોહાન ૧૪:૬; રૂમીઓને પત્ર ૬:૨૩; હેબ્રી ૯:૨૪-૨૮; ૧ પીતર ૩:૨૧.
પવિત્ર આત્મા દિલાસો આપે છે
૧૧. ઈસુએ પોતાના મરણની આગલી રાતે દિલાસા માટેની કઈ જોગવાઈ વિષે કહ્યું?
૧૧ ઈસુએ પોતાના મરણની આગલી રાતે શિષ્યોને બીજી એક જોગવાઈની વાત કરી. એ જોગવાઈ યહોવાહે તેઓને દિલાસો આપવા માટે કરી હતી. ઈસુએ કહ્યું: “હું પિતાને વિનંતિ કરીશ; અને તે હંમેશને માટે તમારી સાથે વસવા બીજો સહાયક, [દિલાસો આપનાર; ગ્રીકમાં પારાકેટોસ] એટલે સત્યનો આત્મા મોકલી આપશે.” ઈસુએ તેઓને ખાતરી આપી: “સહાયક એટલે પવિત્ર આત્મા તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની યાદ દેવડાવશે.” (યોહાન ૧૪:૧૬, ૧૭, ૨૬, પ્રેમસંદેશ) પવિત્ર આત્માએ કઈ રીતે તેઓને દિલાસો આપ્યો?
૧૨. ઘણા લોકોને દિલાસો આપવા પવિત્ર આત્માએ કઈ રીતે ઈસુના શિષ્યોને મદદ કરી?
૧૨ શિષ્યો ઈસુ પાસેથી ઘણી બાબતો શીખ્યા હતા. તેઓ એ અજોડ અનુભવ ક્યારેય ભૂલ્યા નહિ હોય. પરંતુ, ઈસુએ ખરેખર શું કહ્યું એ શું તેઓને યાદ હતું? છેવટે તો તેઓ પણ આપણી જેમ અપૂર્ણ હતા. ઈસુએ આપેલા મહત્ત્વનાં સૂચનો તેઓ ભૂલી ગયા હોય શકે. પણ ઈસુએ તેઓને ખાતરી આપી હતી કે પવિત્ર આત્મા તેઓને ‘પોતે જે કહ્યું એની યાદ દેવડાવશે.’ તેથી, ઈસુ ખ્રિસ્તના મરણના આઠ વર્ષ પછી પણ માત્થી પહેલી સુવાર્તા લખી શક્યા. એમાં ઈસુનું પહાડ પરનું પ્રવચન, રાજ્યને લગતા તેમના અસંખ્ય દૃષ્ટાંતો અને તેમની હાજરીની નિશાનીઓ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આશરે પચાસેક વર્ષ પછી, પ્રેષિત યોહાને પણ પવિત્ર આત્માની મદદથી ઈસુના જીવનકાળના છેલ્લા દિવસો વિષેની વિગતવાર ભરોસાપાત્ર માહિતી લખી હતી. ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા આ અહેવાલો આજે પણ આપણી પાસે છે એ કેવું ઉત્તેજન આપનારું છે!
૧૩. શરૂઆતના ખ્રિસ્તીઓમાં પવિત્ર આત્માએ કઈ રીતે શિક્ષક તરીકેનું કામ કર્યું?
૧૩ પવિત્ર આત્માથી શિષ્યોને યાદ કરાવવા ઉપરાંત, યહોવાહે તેઓને શીખવ્યું પણ હતું. યહોવાહે પવિત્ર આત્મા દ્વારા તેમના હેતુઓ વિષે પૂરેપૂરી સમજણ આપી અને માર્ગદર્શન આપ્યું. ઈસુએ શિષ્યોને જે કહ્યું હતું એમાંની અમુક બાબતો તેઓ સ્પષ્ટ રીતે સમજ્યા ન હતા. તેમ છતાં, પછી પવિત્ર આત્માની મદદથી યોહાન, પીતર, યાકૂબ, યહુદા અને પાઊલ પરમેશ્વરના હેતુ વિષે વધારે સમજણ આપી શક્યા. આમ, પવિત્ર આત્માએ શિક્ષક તરીકેનું કામ કર્યું અને તેઓને પરમેશ્વર તરફથી માર્ગદર્શન મળે છે એવી પૂરી ખાતરી આપી.
૧૪. પવિત્ર આત્માએ યહોવાહના લોકોને કઈ રીતે મદદ કરી?
૧૪ પવિત્ર આત્માએ એ સમજવામાં પણ મદદ કરી કે પરમેશ્વરની કૃપા હવે ઈસ્રાએલીઓને બદલે ખ્રિસ્તી મંડળ પર છે. (હેબ્રી ૨:૪) હવે ઈસુના સાચા શિષ્યો પવિત્ર આત્માનાં ફળોથી ઓળખાવાના હતા. (યોહાન ૧૩:૩૫; ગલાતી ૫:૨૨-૨૪) પવિત્ર આત્માએ મંડળને હિંમતથી સાક્ષી આપવા પણ દૃઢ કર્યા.—પ્રેરિતોનાં કૃત્યો ૪:૩૧.
ભારે દબાણમાં હોઈએ ત્યારે રાહત
૧૫. (ક) આજે ખ્રિસ્તીઓએ શું સહેવું પડે છે? (ખ) ઉત્તેજન આપનારને પણ શા માટે દિલાસાની જરૂર હોય છે?
૧૫ ફક્ત યહોવાહની જ ભક્તિ કરે છે અને તેમને જ વફાદાર રહે છે તેઓ સર્વની કોઈને કોઈ રીતે સતાવણી થાય છે. (૨ તીમોથી ૩:૧૨) આજે આપણા ઘણા ભાઈબહેનોએ ભયંકર સતાવણી સહી છે. અમુકને તો ક્રૂર રીતે મારીને જુલમી છાવણીમાં કે જેલમાં નાખવામાં આવ્યા છે. સરકારોએ પણ કોઈને કોઈ રીતે આપણી સતાવણી કરી છે કે અમુક લોકોને આપણા પર જુલમ ગુજારવા દીધો છે. એ જુલમ ગુજારનારાઓને કોઈ જાતની શિક્ષા પણ થતી નથી. વધુમાં, ઘણી વાર આપણે કોઈ ગંભીર બીમારી કે કુટુંબમાં તકલીફોનો સામનો કરીએ છીએ. વર્ષોથી યહોવાહની સેવા કરતા અને સાથી ભાઈઓને મુશ્કેલીઓમાં મદદ કરતા ખ્રિસ્તીઓ પર પણ આવાં દબાણો આવી શકે છે. આવા સમયે તેઓને પણ દિલાસાની જરૂર પડે છે.
૧૬. દાઊદ મુશ્કેલીમાં હતા ત્યારે યહોવાહે તેમને કઈ રીતે મદદ કરી?
૧૬ શાઊલ રાજા દાઊદને મારી નાખવા તેમની પાછળ પડ્યા હતા ત્યારે, દાઊદે પરમેશ્વર અને તેમના સહાયકને આજીજી કરી: ‘હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળ અને હું તારી પાંખોને આશ્રયે રહીશ.’ (ગીતશાસ્ત્ર ૫૪:૨, ૪; ૫૭:૧) શું દાઊદને મદદ મળી? હા. એ સમયે યહોવાહે ગાદ પ્રબોધક અને અબ્યાથાર યાજકને મોકલીને દાઊદને મદદ કરી. તેમણે શાઊલના પુત્ર યોનાથાન દ્વારા પણ દાઊદને ઉત્તેજન આપ્યું. (૧ શમૂએલ ૨૨:૧, ૫; ૨૩:૯-૧૩, ૧૬-૧૮) શાઊલ દાઊદનો પીછો કરવાનું છોડી દે એ માટે યહોવાહે પલિસ્તીઓને એ દેશ પર ધાડ પાડવા દીધી.—૧ શમૂએલ ૨૩:૨૭, ૨૮.
૧૭. ઈસુએ ભારે દબાણમાં હતા ત્યારે કોની મદદ માંગી?
૧૭ ઈસુ પણ પોતાના જીવનના છેલ્લા દિવસોમાં ભારે દબાણ હેઠળ હતા. તે સારી રીતે જાણતા હતા કે પોતે જે કંઈ પણ કરશે એની યહોવાહના નામ પર અને ભવિષ્યમાં સર્વ માણસજાત પર કેવી અસર પડશે. તેથી, તેમણે “કષ્ટ સાથે” આગ્રહથી યહોવાહને પ્રાર્થના કરી. યહોવાહે ઈસુને આ આકરા સમયમાં મદદ કરી.—લુક ૨૨:૪૧-૪૪.
૧૮. પહેલી સદીમાં ખ્રિસ્તીઓને સતાવવામાં આવ્યા ત્યારે તેઓને પરમેશ્વરે શું દિલાસો આપ્યો?
૧૮ પ્રથમ સદીના ખ્રિસ્તીઓને હેરાન કરવામાં આવ્યા ત્યારે, પ્રેષિતો સિવાય બધા યરૂશાલેમમાંથી ચોતરફ છૂટા પડી ગયા. પુરૂષો અને સ્ત્રીઓને ઘરમાંથી બહાર ઘસડી લઈ જવામાં આવ્યા અને તેઓ પર ભારે ત્રાસ ગુજારવામાં આવ્યો. પરમેશ્વરે તેઓને કેવો દિલાસો આપ્યો? તેઓને પરમેશ્વરનાં વચનોથી દિલાસો આપવામાં આવ્યો કે તેઓ પાસે “વધુ સારી અને સર્વકાળ ટકે એવી સંપત્તિ સ્વર્ગમાં છે.” એટલે કે તેઓ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરશે. (હેબ્રી ૧૦:૩૪; એફેસી ૧:૧૮-૨૦) તેઓએ પ્રચારમાં ઢીલ કરી નહિ. તેઓ એ પણ જોઈ શક્યા કે પરમેશ્વરનો પવિત્ર આત્મા તેઓની સાથે છે. એ જાણીને તેઓને ખૂબ જ આનંદ મળ્યો.—માત્થી ૫:૧૧, ૧૨; પ્રેરિતોનાં કૃત્યો ૮:૧-૪૦.
૧૯. પાઊલની સતાવણી થઈ હોવા છતાં, પરમેશ્વરના દિલાસા વિષે તેમણે કેવું અનુભવ્યું?
૧૯ એક સમયે શાઊલ (પછી પાઊલથી ઓળખાયા) બીજાઓ પર જુલમ ગુજારતા હતા. પરંતુ, તે ખ્રિસ્તી બન્યા પછી તેમના પર જુલમ ગુજારવામાં આવ્યો. સાઈપ્રસ ટાપુ પર એક જાદુગરે પાઊલના સેવાકાર્યને ઢોંગ કહીને અટકાવવાનો પ્રયત્ન કર્યો. ગલાતીઓમાં લોકોએ પાઊલને પથ્થરે માર્યા, અને પછી તે મરી ગયા છે એમ માનીને તેમને છોડી દીધા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૩:૮-૧૦; ૧૪:૧૯) મકદોનિયામાં તેમને ફટકા મારવામાં આવ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૨૨, ૨૩) એફેસસમાં તેમને ક્રૂર રીતે મારવામાં આવ્યા. પછી તેમણે લખ્યું: “એ વિપત્તિ અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમને અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી; બલકે અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી.” (૨ કોરીંથી ૧:૮, ૯) તેમ છતાં, આ જ પત્રમાં પાઊલે દિલાસાના શબ્દો પણ લખ્યા જે આ લેખના બીજા ફકરામાં જોવા મળે છે.—૨ કોરીંથી ૧:૩, ૪.
૨૦. હવે પછીના લેખમાં આપણે શું જોઈશું?
૨૦ આજે ઘણા લોકો પર દુઃખ કે મુશ્કેલીઓ આવી પડે ત્યારે, તેઓને દિલાસાની ખૂબ જ જરૂર હોય છે. આપણે તેઓને કઈ રીતે દિલાસો આપી શકીએ? એ આપણે હવે પછીના લેખમાં જોઈશું.
શું તમને યાદ છે?
• પરમેશ્વર તરફથી મળતો દિલાસો શા માટે મહત્ત્વનો છે?
• ઈસુ દ્વારા કેવો દિલાસો મળે છે?
• પવિત્ર આત્મા કઈ રીતે દિલાસો આપે છે?
• પરમેશ્વરે સતાવણીમાં કયા સેવકોને દિલાસો આપ્યો?
[અભ્યાસ પ્રશ્નો]
[પાન ૧૫ પર ચિત્ર]
બાઇબલ જણાવે છે કે યહોવાહે પોતાના લોકોને છોડાવીને દિલાસો આપ્યો
[પાન ૧૬ પર ચિત્ર]
ઈસુએ લોકોને શીખવીને, સાજા કરીને અને સજીવન કરીને દિલાસો આપ્યો
[પાન ૧૮ પર ચિત્ર]
ઈસુએ પિતા પાસેથી મદદ મેળવી