સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઘણા લોકોને પોતાની પ્રાર્થનાનો જવાબ મળ્યો!

ઘણા લોકોને પોતાની પ્રાર્થનાનો જવાબ મળ્યો!

ઘણા લોકોને પોતાની પ્રાર્થનાનો જવાબ મળ્યો!

આજે અનેક લોકો દરરોજ પ્રાર્થના કરે છે. ઘણા માને છે કે તેઓને પોતાની પ્રાર્થનાનો જવાબ મળે છે. બીજા ઘણાના મનમાં શંકા ઉભી થાય છે કે શું ઈશ્વરે ખરેખર તેઓની પ્રાર્થના સાંભળી હતી? તેમ જ, બીજાઓને પણ પોતાની મુશ્કેલીઓ દૂર કરવા મદદ જોઈએ છે. પરંતુ, તેઓએ હજી નક્કી કર્યું નથી કે મદદ માટે ઈશ્વરને પ્રાર્થના કરવી કે નહિ.

બાઇબલ જણાવે છે કે સાચા ઈશ્વર “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) તમે જ્યારે પ્રાર્થના કરો છો ત્યારે સાચા ઈશ્વરને જ કરો છો કે કેમ? શું તમારી એવી પ્રાર્થનાઓ હોય છે કે તે એનો જવાબ આપે જ?

આજે આખી દુનિયામાં ઘણા લોકો એનો જવાબ હામાં આપશે! એમ હોય તો, તેઓને પોતાની પ્રાર્થનાનો જવાબ કેવી રીતે મળ્યો? તેઓની પ્રાર્થનાનો જવાબ મળે એ પહેલાં તેઓએ શું શીખવાની જરૂર હતી?

ઈશ્વર કોણ છે?

પોર્ટુગલની એક શિક્ષક, કૅથલિક સ્કૂલની સાધ્વીઓ અને પાદરીઓના હાથ નીચે ભણી હતી. તેઓ પાસેથી તેને ઘણી મહત્ત્વની બાબતો શીખવા મળી હતી. તે સાચા દિલથી પોતાનો ધર્મ પાળતી હતી. પરંતુ, સમય જતાં કૅથલિક ચર્ચ કંઈક અલગ જ શીખવવા લાગ્યું ત્યારે, તે મૂંઝાઈ ગઈ. તેથી તે પોર્ટુગલથી એશિયાના એક દેશમાં રહેવા લાગી અને ત્યાંના ધર્મ વિષે શીખવા લાગી. તેમ છતાં, તેના મનમાં વિચારો આવ્યા કે બધા ભગવાનમાંથી સાચા ઈશ્વર કોણ છે? તેમની કેવી રીતે ભક્તિ કરવી જોઈએ? તેણે પોતાના ચર્ચના પાદરીને બાઇબલ વિષે અમુક સવાલો કર્યા ત્યારે, તેણે એક કાનેથી સાંભળીને બીજે કાને કાઢી નાખ્યા. તેથી એ સ્ત્રીની શ્રદ્ધા પર અંધકારનાં વાદળાં છવાઈ ગયાં.

આ સ્ત્રી જે શહેરમાં રહેતી હતી ત્યાંના કૅથલિક ચર્ચે પત્રિકાઓ વહેંચી હતી. જેથી એના સભ્યો યહોવાહના સાક્ષીઓ સાથે વાત ન કરે. તેમ છતાં, આ સ્ત્રીના મનમાં ઘણા પ્રશ્નો ભમતા હતા. એક દિવસે યહોવાહના સાક્ષીઓની બે બહેનો પ્રચાર કરતી કરતી આ સ્ત્રીને ઘરે ગઈ. સ્ત્રીએ તેઓ સાથે ખૂબ વાતો કરી. એનાથી તેનું હૈયું આનંદથી નાચવા લાગ્યું. જોકે, તેણે જીવનમાં પહેલી જ વાર યહોવાહના સાક્ષીઓ સાથે વાત કરી હતી.

એ સ્ત્રી પાસે ઢગલાબંધ પ્રશ્નો હતા. તેથી, તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલ વિષે ચર્ચા કરવા લાગી. આમ દર અઠવાડિયે તે તેઓને પુષ્કળ સવાલો કરતી. તેને જાણવું હતું કે સાચા ઈશ્વર કોણ છે અને તેમનું નામ શું છે. એટલું જ નહિ, તેને એ પણ જાણવું હતું કે મૂર્તિઓથી તેમને ભજી શકાય કે કેમ. એ સ્ત્રીએ જોયું કે યહોવાહના સાક્ષીઓ મન ફાવે તેમ જવાબો આપતા ન હતા. પરંતુ તેઓ બાઇબલમાંથી પ્રશ્નોના જવાબ આપતા હતા. એ જોઈને તેના દિલને ઠંડક થઈ. આ રીતે ધીમે ધીમે તેને મોટા ભાગે બધા જ સવાલોના જવાબો મળ્યા હતા. ઈસુએ એક વાર તેમના શિષ્યોને કહ્યું હતું કે, એવી વેળા આવશે જ્યારે ઈશ્વર ભક્તો યહોવાહને સાચા દિલથી અને સત્યતાથી ભજશે. એવી જ રીતે, આજે એ સ્ત્રી યહોવાહની સેવા કરી રહી છે.—યોહાન ૪:૨૩.

શ્રી લંકામાં એક કુટુંબ નિયમિત બાઇબલ વાંચતું. પરંતુ તેઓને ઘણા સવાલો હતા જેના જવાબો તેઓના પાદરી પણ આપી શક્યા ન હતા. સમય જતાં, યહોવાહના સાક્ષીઓ પ્રચાર કરતા કરતા તેઓને મળ્યા અને બાઇબલ વિષે વાત કરી. પછી યહોવાહના સાક્ષીઓએ તેઓને બાઇબલ સમજાવતું અમુક સાહિત્ય આપ્યું. પછી ફરી યહોવાહના સાક્ષીઓ એ કુટુંબને મળ્યા અને બાઇબલ વિષેના તેઓના સવાલોના જવાબ આપ્યા. આમ, તેઓ યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલ વિષે શીખવા લાગ્યા. આ રીતે તેઓ બાઇબલમાંથી જે શીખ્યા એનાથી તેઓનો આનંદ સમાતો ન હતો.

જોકે એ પુરુષની પત્ની કૅથલિક ધર્મમાં જ મોટી થઈ હોવાથી તેના લોહીમાં ચર્ચનું શિક્ષણ જ ફરતું હતું. તેથી, તે માની જ શકતી ન હતી કે ઈશ્વર અને ઈસુ ખ્રિસ્ત, એક નહિ પણ અલગ છે. ચર્ચમાં તો એવું શીખવવામાં આવ્યું હતું કે ઈશ્વર તે જ ઈસુ ખ્રિસ્ત છે. પરંતુ હકીકતમાં, ઈસુના કહ્યા પ્રમાણે તે પોતે ઈશ્વર નહિ પણ ‘ખરા દેવના’ દીકરા છે. (યોહાન ૧૭:૧,) તેમને ચર્ચમાં એમ પણ શીખવવામાં આવ્યું હતું કે “આપણે એ માન્યતા સમજી શકીએ એમ નથી.” પરંતુ તેને સત્ય જ જાણવું હતું! એ કારણથી તેણે યહોવાહનું નામ લઈને પ્રાર્થના કરી કે ‘હે દેવ, ઈસુ કોણ છે એ મને સમજાવો.’ પછી ફરીથી તેણે એ શિક્ષણ વિષેની કલમો બાઇબલમાંથી તપાસી. (યોહાન ૧૪:૨૮; ૧૭:૨૧; ૧ કોરીંથી ૮:૫, ૬) એ વાંચ્યા પછી તેને એવું લાગ્યું કે હવે જાણે તેની આંખો પરથી પડદો ઊઠી ગયો છે. આ કલમો પરથી તે જોઈ શકી કે યહોવાહ એકલા જ સૃષ્ટિના સર્જનહાર છે. તેમ જ તે ઈસુ ખ્રિસ્તના પરમ-પિતા પણ છે.—યશાયાહ ૪૨:૮; યિર્મેયાહ ૧૦:૧૦-૧૨.

શા માટે દુઃખ?

આજથી લગભગ સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં અયૂબ નામના એક માણસને પણ હદ વગરનું દુઃખ પડ્યું હતું. એક તોફાનમાં તેમના બધા જ બાળકો મરી ગયા હતા. એટલું જ નહિ, તેમના પર ગરીબાઈ અને બીમારી રાજ કરવા લાગી હતી. તે બેકસૂર હોવા છતાં તેમના મિત્રો તેમને દોષિત ઠરાવતા હતા. એવા સમયે અયૂબ અવિચાર્યું પણ બોલી ગયા હતા. (અયૂબ ૬:૩) પરંતુ ઈશ્વર તેમના સંજોગો જોઈને તેમની સાથે પ્રેમથી વર્ત્યા હતા. (અયૂબ ૩૫:૧૫) જોકે ઈશ્વર તો જાણતા જ હતા કે અયૂબના દિલમાં કોઈ પાપ નથી. તેથી, ઈશ્વરે તેમને જરૂરી સલાહ પણ આપી. એવી જ રીતે ઈશ્વર આજે પણ લોકો સાથે વ્યવહાર કરે છે.

મોઝામ્બિકમાં કેસટ્રો રહે છે. તે દશ વર્ષનો હતો ત્યારે તેની મમ્મી ગુજરી ગઈ હતી. એનાથી તેનું કાળજું વીંધાઈ ગયું હતું. એનાથી તેના મનમાં પ્રશ્ન ઊભો થયો: “મમ્મી અમને કેમ અહીં છોડીને ચાલી ગઈ?” કેસટ્રો ધાર્મિક કુટુંબમાં મોટો થયો હતો છતાં તે મૂંઝવણમાં હતો. હવે શાનાથી તેના જીવને શાંતિ મળી શકે? પછી કેસટ્રો મનની શાંતિ મેળવવા ચીચેવા ભાષામાં બાઇબલ વાંચવા લાગ્યો. તેમ જ તે એના વિષે પોતાના મોટા ભાઈઓ સાથે ચર્ચા પણ કરવા લાગ્યો.

સમય જતાં તે સમજી શક્યો કે તેની મમ્મીને ઈશ્વરે લઈ લીધી નથી. પરંતુ પ્રથમ માણસ આદમના પાપને કારણે આપણને બધાને વારસામાં મરણ મળ્યું છે. એ કારણે તે ગુજરી ગઈ છે. (રૂમીઓને પત્ર ૫:૧૨; ૬:૨૩) એ ઉપરાંત, બાઇબલમાંથી તે એમ પણ શીખ્યો કે તેની મમ્મીને સજીવન કરવામાં આવશે એવું ઈશ્વરે વરદાન આપ્યું છે. એ જાણીને તેના જીવને કેવી ઠંડક થઈ હશે, એનો જરા વિચાર કરો! (યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) પણ દુઃખની વાત છે કે તેની મમ્મી ગુજરી ગઈ એના ચાર વર્ષ પછી તેના પિતા પણ મરણ પામ્યા. પરંતુ આ વખતે તે સારી રીતે દુઃખ સહી શક્યો. તેને યહોવાહ એટલા વહાલા છે કે તે આજે પૂરા દિલથી તેમની સેવા કરી રહ્યો છે. તેના સગાસંબંધીઓ પણ જોઈ શકે છે કે તે હવે કેટલો આનંદી છે.

આજે ઘણા લોકોએ કેસટ્રોની જેમ પોતાનાં પ્રિયજનોને મરણમાં ગુમાવ્યા છે. જો તમે પણ એમાંના એક હોવ તો, કેસટ્રોની જેમ બાઇબલમાંથી ઈશ્વરનું સત્ય શીખીને ખરો દિલાસો અનુભવી શકો. દુષ્ટ લોકોને કારણે ઘણાએ જીવનમાં કદી સુખ જોયું જ નથી. તેથી તેઓ અયૂબની જેમ પૂછતા રહે છે: “દુષ્ટો શા માટે જીવે છે?” (અયૂબ ૨૧:૭) આજે ઘણા દુઃખી લોકો સવાલો કરે છે, એના જવાબો ઈશ્વર બાઇબલ દ્વારા આપે છે. લોકો બાઇબલ વાંચે છે ત્યારે જોઈ શકે છે કે ઈશ્વરની રીતે બાબતો થાળે પાડવામાં તેઓનું જ ભલું છે.—૨ પીતર ૩:૯.

ચાલો હવે બાર્બરાનો અનુભવ લઈએ. બાર્બરા અમેરિકામાં મોટી થઈ હોવાથી તેને યુદ્ધની સીધેસીધી અસર થઈ ન હતી. તેથી, જે દેશોમાં યુદ્ધો થાય છે એનાથી લોકોને કેવું દુઃખ સહેવું પડે છે એ વિષે તે અજાણ હતી. જોકે એ સમયમાં વિશ્વયુદ્ધ ચાલતું હોવાથી, એના વિષે દરરોજ છાપામાં સમાચાર આવતા હતા. તે સ્કૂલમાં શીખી હતી કે આપણે વિચારી પણ ન શકીએ એ રીતે આખી દુનિયામાં યુદ્ધો ફેલાઈ ગયાં છે. એ જાણીને તે ખૂબ મૂંઝાઈ ગઈ હતી. તેથી તેને મનમાં સવાલો ગુંજવા લાગ્યા. શા માટે યુદ્ધો થાય છે? જે થઈ રહ્યું છે એ જોઈને શું ઈશ્વરનો જીવ બળતો નહિ હોય? જોકે બાર્બરા માનતી હતી કે ઈશ્વર છે. પરંતુ યુદ્ધોના કારણે તેની શ્રદ્ધાનું ફૂલ કરમાઈ રહ્યું હતું.

તેમ છતાં બાર્બરા યહોવાહના સાક્ષીઓને ઓળખતી હતી. તેથી તેની શ્રદ્ધાનું ફૂલ ફરી ધીમે ધીમે ખીલવા લાગ્યું. પછી બાર્બરા તેઓ પાસેથી બાઇબલ વિષે શીખવા લાગી અને તેઓની સભાઓમાં જવા લાગી. એટલું જ નહિ, તે તેઓના એક સંમેલનમાં પણ ગઈ હતી. એ સંમેલનમાં તેણે અનેક સાક્ષીઓને અમુક સવાલો પૂછ્યા, જેનો બધાએ એક સરખો જવાબ આપ્યો. એનું કારણ એ કે તેઓના લોહીમાં બાઇબલનું શિક્ષણ વહેતું હતું.

યહોવાહના સાક્ષીઓએ તેને બાઇબલમાંથી બતાવ્યું કે આ જગતનો રાજા શેતાન છે અને તેના ઇશારાથી આખું જગત નાચે છે. (યોહાન ૧૪:૩૦; ૨ કોરીંથી ૪:૪; એફેસી ૨:૧-૩; ૧ યોહાન ૫:૧૯) તેઓએ બાર્બરાને સમજાવ્યું કે આજે જગતમાં જે કંઈ થઈ રહ્યું છે એ વિષે બાઇબલમાં અગાઉથી લખવામાં આવ્યું હતું. (દાનીયેલના અધ્યાય ૨, ૭, અને ૮) યહોવાહ અગાઉથી જોઈ શકે છે કે આવતા દિવસોમાં શું થવાનું છે. તેથી તેમણે એના વિષે બાઇબલમાં જણાવ્યું છે. એ પ્રમાણે તે અમુક બાબતો કરાવે છે અથવા ચાલવા દે છે. યહોવાહના સાક્ષીઓએ બાર્બરાને બાઇબલમાંથી બતાવ્યું કે આપણા દિવસો વિષે બાઇબલ શું કહે છે અને એનો આપણા માટે શું અર્થ થાય છે. (માત્થી ૨૪:૩-૧૪) તેઓએ એ પણ બતાવ્યું કે યહોવાહની નવી દુનિયામાં ફક્ત ન્યાયી લોકો જ રહેતા હશે. પછી આ દુનિયામાં કોઈ જાતનું દુઃખ હશે જ નહિ!—૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪.

આ રીતે બાર્બરા ધીમે ધીમે શીખવા લાગી કે યહોવાહ પોતે માણસો પર દુઃખ લાવતા નથી. તેમ જ તે માણસો પર એવી બળજબરી કરતા નથી કે તેઓએ તેમનું જ માનવું જોઈએ. (પુનર્નિયમ ૩૦:૧૯, ૨૦) તેમ છતાં, ઈશ્વરે મનુષ્યો માટે એવી ગોઠવણ કરી છે કે તેઓ તેમના કહ્યા પ્રમાણે ચાલે તો કાયમ સુખેથી જીવી શકે. (પ્રકટીકરણ ૧૪:૬, ૭) એ શીખ્યા પછી બાર્બરાએ યહોવાહના ધોરણો પ્રમાણે જીવવાનો મનમાં ઠરાવ કર્યો. તેણે એ પણ જોયું કે યહોવાહના સાક્ષીઓ ઈસુની જેમ એકબીજાને સાચા દિલથી પ્રેમ કરે છે.—યોહાન ૧૩:૩૪, ૩૫.

તમે પણ બાર્બરાની જેમ સાચા ઈશ્વર વિષે શીખી શકો છો.

આનંદી જીવન

આજે ઘણા એવા લોકો છે જેઓ સુખ-શાંતિમાં જીવી રહ્યા છે. તેમ છતાં, તેઓના મનમાં મહત્ત્વના સવાલો ગુંજતા હોય છે. મેથ્યુનો વિચાર કરો. તે ઇંગ્લૅંડમાં રહે છે. તે સત્તર વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ત્યાર પછી તેણે સંગીતમાં ડિગ્રી મેળવી. તેની પાસે બધું જ હતું છતાં, તેને બધું નકામું લાગતું હતું. તેથી તે બધું છોડીને લંડન રહેવા ચાલ્યો ગયો. ત્યાં તે ડ્રગ્સ, નાઈટ ક્લબ, જ્યોતિષ અને જંતરમંતર કરનારાઓની જાળમાં ફસાયો. એટલું જ નહિ, તે બુદ્ધ ધર્મ અને એની ફિલસૂફીમાં માનવા લાગ્યો. આ બધું તેણે શા માટે કર્યું? તે સાચા સુખની શોધમાં હતો. પોતાને સાચું સુખ ન મળ્યું હોવાથી, તેણે પ્રાર્થના કરી, જેથી કદાચ ઈશ્વર જીવનનો હેતુ જાણવા તેને મદદ કરે.

બે દિવસ પછી મેથ્યુ પોતાના જૂના દોસ્તને મળ્યો ત્યારે, તેણે પોતાની મૂંઝવણ વિષે બધું જ જણાવ્યું. જોકે, તેનો મિત્ર યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલ વિષે શીખ્યો હતો. તેથી તેણે બાઇબલની ભવિષ્યવાણીઓ મેથ્યુને બતાવી. જેમ કે ૨ તીમોથી ૩:૧-૫ કલમો. એ વાંચતાં જ તેને ખૂબ જ નવાઈ લાગી. એમાં જે લખેલું છે એ જ આજે થઈ રહ્યું છે. ઈસુએ પર્વત પર જે પ્રવચન આપ્યું હતું, એ તેણે માત્થી ૫-૭ અધ્યાયમાંથી વાંચ્યું. એના શબ્દો તેના દિલમાં પાંગરવા લાગ્યા. તેમ છતાં, શરૂઆતમાં તેણે થોડો વિરોધ કર્યો, કેમ કે તેણે યહોવાહના સાક્ષીઓની વિરુદ્ધમાં અમુક પુસ્તકો વાંચ્યા હતા. એનાથી તેને એવું લાગતું હતું કે તેઓ જૂઠા છે. પણ થોડા સમય પછી મેથ્યુ, યહોવાહના સાક્ષીઓના કિંગ્ડમ હૉલમાં જવા લાગ્યો.

તેણે સભામાં જે સાંભળ્યું એનાથી બાઇબલ વિષે વધુ શીખવાની તેને હોંશ જાગી. તેથી મેથ્યુએ મંડળના એક વડીલ સાથે ગોઠવણ કરી કે તે પોતાને શીખવે. થોડા સમય પછી, તે પોતે પારખી શક્યો કે આ તો પોતાની પ્રાર્થનાનો જવાબ છે. પછી તે શીખ્યો કે યહોવાહને શું પસંદ છે અને શું નથી. ખરાબ આદતો છોડ્યા પછી તેને ઘણા આશીર્વાદો મળ્યા. પોતે યહોવાહ વિષે જે શીખ્યો એની તેના હૃદય પર ઊંડી અસર થઈ. તેથી, તે પોતાના જીવનમાં સુધારો કરીને યહોવાહના ધોરણો પ્રમાણે જીવવા લાગ્યો. હવે મેથ્યુ જીવનનો સાચો આનંદ માણી રહ્યો છે.—સભાશિક્ષક ૧૨:૧૩.

આ લેખમાં આપણે ત્રણ અનુભવો જોયા. એમાંથી આપણને જોવા મળ્યું કે તેઓને સાચું સુખ મળશે કે નહિ એની તેઓને ખબર ન હતી. તેમ છતાં, તેઓ શીખ્યા કે જેઓ યહોવાહ પરમેશ્વરનું કહ્યું કરશે તેઓ જ ન્યાયી દુનિયામાં રહેશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) જરા વિચારો કે, ત્યારે કોઈ જાતની લડાઈ, બીમારી, ભૂખમરો કે મરણ પણ નહિ હોય. (યશાયાહ ૨:૪; ૨૫:૬-૮; ૩૩:૨૪; યોહાન ૩:૧૬) શું તમને એવી દુનિયામાં રહેવું ગમશે? જો તમે પણ એવી દુનિયામાં રહેવા ઇચ્છતા હોવ તો, યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલ વિષે શીખો અને તેઓની સભાઓમાં જાવ. એમ કરવાથી તમે પણ શીખી શકશો કે સાચું સુખ ક્યાંથી મળી શકે. તમે આવશો તો અમને બહુ જ ગમશે.

[પાન ૭ પર ચિત્ર]

ઈશ્વરનું ખરું નામ લઈને તેમને પ્રાર્થના કરો

[પાન ૭ પર ચિત્ર]

જેઓ બાઇબલમાંથી ઈશ્વરનું સત્ય શીખવે છે તેઓ પાસેથી શીખો

[પાન ૭ પર ચિત્ર]

તેઓના કિંગ્ડમ હૉલમાં ભરાતી સભાઓમાં જાવ

[પાન ૪ પર ચિત્ર]

પર્વત પર પુરુષ: Chad Ehlers/Index Stock Photography