સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું તમે યહોવાહની સલાહ લો છો?

શું તમે યહોવાહની સલાહ લો છો?

શું તમે યહોવાહની સલાહ લો છો?

“તેઓ મારાથી વેગળા ગયા છે, . . . યહોવાહ ક્યાં છે? એમ પણ તેઓએ નથી કહ્યું.” —યિર્મેયાહ ૨:૫, ૬.

૧. “પરમેશ્વર ક્યાં છે?” એવું શા માટે લોકો પૂછે છે?

 “પરમેશ્વર ક્યાં છે?” આજે ઘણા લોકો આવો પ્રશ્ન પૂછે છે. અમુક લોકો તો ફક્ત નામ ખાતર જ જાણવા ઇચ્છે છે કે સૃષ્ટિના બનાવનાર કોણ છે અને તે ક્યાં રહે છે. બીજાઓ પોતાના પર મોટી આફત કે મુશ્કેલી આવી પડે ત્યારે પરમેશ્વરને શોધતા હોય છે. તેઓ સમજી શકતા નથી કે શા માટે પરમેશ્વર કંઈ કરતા નથી. અમુક લોકો પરમેશ્વરમાં માનતા જ નહિ હોવાથી તેમના વિષે કંઈ પૂછતા નથી.—ગીતશાસ્ત્ર ૧૦:૪.

૨. પરમેશ્વરને શોધવામાં કોણ સફળ થાય છે?

પરમેશ્વરમાં માનવા માટે ઘણા લોકો પાસે પુષ્કળ પુરાવાઓ છે. (ગીતશાસ્ત્ર ૧૯:૧; ૧૦૪:૨૪) પરંતુ, એમાંના અમુક તો થોડાક જ ધાર્મિક જ્ઞાનમાં સંતોષ માની લે છે. બીજી બાજુ, દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જેઓ સત્યને ચાહતા હોવાને કારણે સાચા પરમેશ્વરની શોધ કરે છે. આવા લોકોને ખરેખર પરમેશ્વર મળે છે, કેમ કે તે ‘આપણામાંના કોઈથી દૂર નથી.’—પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૬-૨૮.

૩. (ક) યહોવાહ ક્યાં રહે છે? (ખ) “યહોવાહ ક્યાં છે” એમ પૂછવાનો શું અર્થ થાય છે?

કોઈ વ્યક્તિ યહોવાહને શોધે છે ત્યારે, તેને સમજ પડે છે કે “દેવ આત્મા છે.” મનુષ્યો તેમને ક્યારેય જોઈ શકતા નથી. (યોહાન ૪:૨૪) તેથી, ઈસુએ પણ યહોવાહ પરમેશ્વરને “સ્વર્ગમાંના મારા પિતા” કહ્યા. ઈસુનો એમ કહેવાનો શું અર્થ હતો? તેમનો અર્થ એ હતો કે જેમ આકાશ પૃથ્વીથી ઊંચું છે તેમ આત્મિક રીતે યહોવાહનું રહેઠાણ કે સ્વર્ગ, આકાશથી પણ ઊંચું છે. (માત્થી ૧૨:૫૦, IBSI; યશાયાહ ૬૩:૧૫) ભલે આપણે યહોવાહ પરમેશ્વરને જોઈ શકતા નથી. તોપણ, તેમણે એવી ગોઠવણ કરી છે કે આપણે તેમને ઓળખી શકીએ અને તેમના હેતુઓ જાણી શકીએ. (નિર્ગમન ૩૩:૨૦; ૩૪:૬, ૭) આજે સત્યને ચાહનારા લોકો આવા સવાલ કરે છે કે પરમેશ્વરે આપણને શા માટે બનાવ્યા છે, અથવા જીવનનો હેતુ શું છે. યહોવાહ આપણને આવા પ્રશ્નોના જવાબો પણ આપે છે. તેમ જ આપણને જે જણાવવાની જરૂર હોય એના વિષે તે સાચી સમજણ આપે છે. જેથી, યહોવાહને શું પસંદ છે એ પારખી શકીશું અને એ પ્રમાણે આપણે જીવનમાં ફેરફારો કરતા રહીશું. તેમ જ તે ઇચ્છે છે કે આપણને જીવનમાં જે કોઈ બાબતોની મૂંઝવણ હોય એ વિષે બાઇબલમાંથી વધુ સંશોધન કરીએ. જેથી આપણને યહોવાહની સલાહ મળી શકે. પ્રાચીન સમયમાં ઈસ્રાએલ પ્રજા એમ કરવામાં નિષ્ફળ ગઈ હતી. જોકે તેઓ એ જાણતા હતા કે પરમેશ્વરનું નામ યહોવાહ છે. પરંતુ, તેઓએ એ પૂછ્યું ન હતું કે “યહોવાહ ક્યાં છે?” અથવા, જે રીતે તેઓ ભક્તિ કરે છે એના વિષે યહોવાહને કેવું લાગે છે? તેઓને યહોવાહની ઇચ્છાની કંઈ પડી જ ન હતી. તેથી, યહોવાહે યિર્મેયાહ દ્વારા ઠપકો આપીને તેઓને સુધાર્યા હતા. (યિર્મેયાહ ૨:૬) પરંતુ, આપણા વિષે શું? જીવનમાં નાના-મોટા નિર્ણયો લેતા પહેલાં શું આપણે યહોવાહની સલાહ લઈએ છીએ?

પરમેશ્વરનું માર્ગદર્શન શોધનારાઓ

૪. દાઊદ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં શું કરતા?

યિશાઈના દીકરા દાઊદે નાનપણથી જ યહોવાહમાં દૃઢ વિશ્વાસ કેળવ્યો હતો. . . .તે જાણતા હતા કે યહોવાહ “જીવતા દેવ” છે. દાઊદે પોતે યહોવાહનું રક્ષણ અનુભવ્યું હતું. દાઊદને યહોવાહ માટે અતૂટ પ્રેમ અને વિશ્વાસ હોવાથી તેમણે પલિસ્તીઓના સરદાર એટલે ગોલ્યાથને ગોફણથી મારી નાખ્યો હતો. (૧ શમૂએલ ૧૭:૨૬, ૩૪-૫૧) તેમ છતાં, દાઊદ એ જીતથી કંઈ ફૂલાઈ ગયા ન હતા. તેમણે એવું ન વિચાર્યું કે હવેથી પોતે જે કંઈ કરશે એમાં યહોવાહ હમેશાં તેમને જીત અપાવશે. એના બદલે, તે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં યહોવાહની સલાહ લેતા. (૧ શમૂએલ ૨૩:૨; ૩૦:૮; ૨ શમૂએલ ૨:૧; ૫:૧૯) તે નિયમિત પ્રાર્થના કરતા: “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિષે મને શીખવ. તારા સત્યમાં મને ચલાવ, અને તે મને શીખવ; કેમકે તું મારા તારણનો દેવ છે; હું આખો દિવસ તારી વાટ જોઉં છું.” (ગીતશાસ્ત્ર ૨૫:૪, ૫) દાઊદે આપણા માટે કેવો સારો નમૂનો બેસાડ્યો!

૫, ૬. યહોશાફાટ પર આફતો આવી પડી ત્યારે તેમણે શું કર્યું?

દાઊદના પાંચમા વારસ, રાજા યહોશાફાટના રાજમાં, ત્રણ દુશ્મન દેશોના લશ્કરો એક થઈને યહુદા પર ચઢાઈ કરવાં આવ્યાં હતાં. ત્યારે યહોશાફાટે ‘યહોવાહની સહાય લીધી હતી.’ (૨ કાળવૃત્તાંત ૨૦:૧-૩, IBSI) જોકે, યહોશાફાટે કંઈ પહેલી વાર યહોવાહની સલાહ લીધી ન હતી. ધર્મભ્રષ્ટ ઈસ્રાએલનું ઉત્તરનું રાજ્ય બઆલની ભક્તિ કરતું હતું ત્યારે, તેમણે એ બંધ કરાવીને યહોવાહના માર્ગમાં ચાલવાનું પસંદ કર્યું હતું. (૨ કાળવૃત્તાંત ૧૭:૩, ૪) હવે આ આફત આવી પડી ત્યારે, યહોશાફાટે કઈ રીતે ‘યહોવાહની સહાય’ લીધી?

યહોશાફાટે યરૂશાલેમમાં જાહેરમાં પ્રાર્થના કરી. આમ કરીને તેમણે બતાવ્યું કે યહોવાહ એકલા જ વિશ્વના રાજા છે. યહોવાહે બીજી પ્રજાઓને હાંકી કાઢીને તેઓનો દેશ ઈસ્રાએલ પ્રજાને આપ્યો ત્યારે, યહોશાફાટે તેમના હેતુ વિષે જરૂર ઊંડો વિચાર કર્યો હશે. રાજાએ એ પણ જોયું કે પોતાને યહોવાહની મદદની જરૂર હતી. (૨ કાળવૃત્તાંત ૨૦:૬-૧૨) શું યહોવાહે એવા સમયે તેમને મદદ કરી? હા, જરૂર કરી હતી. યહોવાહે લેવી યાહઝીએલ દ્વારા તેમને માર્ગદર્શન આપ્યું અને બીજા દિવસે તેમણે પોતાના લોકોને જીત અપાવી. (૨ કાળવૃત્તાંત ૨૦:૧૪-૨૮) માર્ગદર્શન માટે તમે યહોવાહને પ્રાર્થના કરો ત્યારે શું ખાતરી છે કે તે જરૂર તમને મદદ કરશે?

૭. યહોવાહ કોની પ્રાર્થના સાંભળે છે?

યહોવાહ પક્ષપાતી નથી. તે સર્વ દેશ કે જાતિના લોકોને કહે છે કે મને પ્રાર્થના કરો હું તમને મદદ કરીશ! (ગીતશાસ્ત્ર ૬૫:૨; પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) યહોવાહ પ્રાર્થના કરનારના હૃદયમાં શું ચાલી રહ્યું છે એ પારખી શકે છે. તે વચન આપે છે કે પોતે ન્યાયી લોકોની પ્રાર્થના જરૂર સાંભળશે. (નીતિવચનો ૧૫:૨૯) જેઓને યહોવાહ વિષે જાણવાની કોઈ દરકાર નથી છતાં પણ, જો તેઓ સહાય માટે યહોવાહ તરફ ફરે તો, તે તેઓને પણ સહાય કરશે. (યશાયાહ ૬૫:૧) જેઓએ અગાઉ યહોવાહના નિયમો પાળ્યા ન હતા, પણ હવે પસ્તાવો કરીને તેમને પ્રાર્થના કરે તો તે જરૂર સાંભળશે. (ગીતશાસ્ત્ર ૩૨:૫, ૬; પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯) પરંતુ, જો કોઈ વ્યક્તિ પરમેશ્વરના નિયમો પાળતી ન હોય, છતાં યહોવાહને પ્રાર્થના કરે તો એ સાવ નકામી છે. (માર્ક ૭:૬, ૭) ચાલો આપણે એનાં અમુક ઉદાહરણો જોઈએ.

તેઓને પ્રાર્થનાનો જવાબ મળ્યો નહિ

૮. શા માટે યહોવાહે શાઊલની પ્રાર્થના ન સાંભળી?

શાઊલ રાજાનો વિચાર કરો. તેણે યહોવાહની આજ્ઞા પાળી ન હતી. તેથી, શમૂએલ પ્રબોધકે તેને કહ્યું કે પરમેશ્વરની કૃપા તારા પર નથી. તોપણ શાઊલે યહોવાહને બલિદાન ચઢાવ્યું. (૧ શમૂએલ ૧૫:૩૦, ૩૧) પરંતુ, એ ફક્ત દેખાડો કરવા માટે હતું. શાઊલે પરમેશ્વરની આજ્ઞા પાળવા નહિ પણ લોકોની વાહ વાહ મેળવવા એમ કર્યું હતું. પછી પલિસ્તીઓ ઈસ્રાએલીઓ સામે લડાઈ કરતા હતા ત્યારે, શાઊલ નામ ખાતર યહોવાહની સલાહ લેવા ગયો. પરંતુ, યહોવાહ તરફથી તેને કોઈ જવાબ ન મળ્યો ત્યારે, તે મેલીવિદ્યા જાણનારી સ્ત્રી પાસે ગયો. તે સારી રીતે જાણતો હતો કે યહોવાહને એવા લોકો જરાય પસંદ નથી. (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨; ૧ શમૂએલ ૨૮:૬, ૭) પહેલો કાળવૃત્તાંત ૧૦:૧૩ કહે છે કે શાઊલે યહોવાહની સલાહ માગી ન હતી. કેમ નહિ? શાઊલને યહોવાહ પર એટલો ભરોસો ન હતો. તેથી, શાઊલે પ્રાર્થના પણ ન કરી.

૯. શા માટે યહોવાહે સિદકીયાહની પ્રાર્થનાનો કોઈ જવાબ ન આપ્યો?

એવી જ રીતે, યહુદાના દક્ષિણ રાજ્યનો અંત જલદી જ આવવાનો હતો ત્યારે, એની પ્રજા યહોવાહને પ્રાર્થનાઓ કરવા લાગી અને તેઓના પ્રબોધકો પાસેથી સલાહ લેવા લાગ્યા. તેમ છતાં, તેઓને યહોવાહનો ડર ન હતો. તેઓ મૂર્તિપૂજામાં એકદમ ડૂબી ગયા હતા. (સફાન્યાહ ૧:૪-૬) જોકે, તેઓ યહોવાહની સલાહ લેવા તો ગયા પણ એ પ્રમાણે કરવા તૈયાર ન હતા. સિદકીયાહ રાજાએ યિર્મેયાહને આજીજી કરી કે અમારા માટે યહોવાહને પ્રાર્થના કર અને તેમની સલાહ અમને જણાવ. પરંતુ, યહોવાહે તો રાજાને ક્યારનું જણાવી દીધું હતું કે તેણે શું કરવું જોઈએ. તોપણ, વિશ્વાસની ખામી અને માણસોના ભયને લીધે રાજાએ યહોવાહનું સાંભળ્યું ન હતું. તેથી, યહોવાહે પણ રાજાની પ્રાર્થનાનો કોઈ જવાબ આપ્યો નહિ.—યિર્મેયાહ ૨૧:૧-૧૨; ૩૮:૧૪-૧૯.

૧૦. યોહાનાને યહોવાહની સલાહ લેવામાં શું ભૂલ કરી હતી અને એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૦ યરૂશાલેમનો નાશ કર્યા પછી, બાબેલોનનું લશ્કર યહુદીઓને ગુલામીમાં લઈ ગયું. પરંતુ, યહુદામાં થોડાક યહુદીઓ બચી ગયા હતા. ત્યારે યોહાનાને યહોવાહની સલાહ લીધા વિના જ તેઓને મિસરમાં લઈ જવા એક યોજના કરી. પછીથી, મિસર જતા પહેલાં તેણે યહોવાહની સલાહ માટે યિર્મેયાહને પ્રાર્થના કરવા કહ્યું. જોકે, યહોવાહે જે સલાહ આપી એ તેઓને ગમી ન હોવાથી, તેઓ પોતાની યોજના પ્રમાણે આગળ વધ્યા. (યિર્મેયાહ ૪૧:૧૬–૪૩:૭) આ બધા બનાવોમાંથી આપણે ઘણું શીખી શકીએ. જો આપણે હંમેશાં યહોવાહની સલાહ લઈશું તો, તે જરૂર આપણને મદદ કરશે.

“પારખી લો”

૧૧. એફેસી ૫:૧૦ના શબ્દો આપણે જીવનમાં શા માટે લાગુ પાડવા જોઈએ?

૧૧ પરમેશ્વરની ઉપાસનામાં બાપ્તિસ્મા લેવું, સભાઓમાં જવું અને પ્રચાર કરવો જ પૂરતું નથી. પરંતુ, રાતદિવસ પરમેશ્વરના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ. આપણા જીવનમાં દરરોજ કંઈને કંઈ દબાણો આવતા હોય છે, જે આપણને પરમેશ્વરની સેવા કરવામાં ઠંડા પાડી શકે. આપણે એવાં દબાણોનો કઈ રીતે સામનો કરીશું? પ્રેષિત પાઊલે એફેસસના વિશ્વાસુ ખ્રિસ્તીઓને પત્રમાં આમ અરજ કરી: “પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લો.” (એફેસી ૫:૧૦) એમ કરવાથી આપણને જ લાભ થશે. એ વિષે બાઇબલમાં ઘણા અહેવાલો આપવામાં આવ્યા છે.

૧૨. દાઊદ કરારકોશને યરૂશાલેમમાં લાવતા હતા ત્યારે, યહોવાહ શા માટે ગુસ્સે થયા હતા?

૧૨ કરારકોશને ઈસ્રાએલમાં લાવ્યા પછી, એને કિર્યાથ-યઆરીમમાં લગભગ ૭૦ વર્ષો સુધી રાખવામાં આવ્યો હતો. દાઊદ રાજા એને યરૂશાલેમમાં લાવવા ઇચ્છતા હતા. તેથી, તેમણે યહોવાહને બદલે લોકોના સરદારોની સલાહ લીધી અને તેઓને કહ્યું: “તમને સારૂ લાગે, ને જો આપણા દેવ યહોવાહની મરજી હોય, તો” કરારકોશને યરૂશાલેમમાં પાછો લાવીએ. જો તેમણે યહોવાહની સલાહ લીધી હોત તો, કરારકોશને ગાડામાં નહિ પણ, યહોવાહે સૂચવ્યા પ્રમાણે કહાથી લેવીઓના ખભા પર લાવ્યા હોત. દાઊદ હંમેશાં યહોવાહની સલાહ લેતા હતા. પણ આ સમયે તેમણે યહોવાહની સલાહ લીધી નહિ અને એનું બહુ ખરાબ પરિણામ આવ્યું. પછી દાઊદે પોતે કબૂલ્યું: “આપણો દેવ યહોવાહ આપણા પર તૂટી પડ્યો, કેમકે આપણે નિયમ પ્રમાણે તેની હજૂરમાં ગયા નહિ.”૧ કાળવૃત્તાંત ૧૩:૧-૩; ૧૫:૧૧-૧૩; ગણના ૪:૪-૬, ૧૫; ૭:૧-૯.

૧૩. કરારકોશને યરૂશાલેમમાં લાવતા જે ગીત ગાવામાં આવ્યું એમાં શું યાદ કરાવવામાં આવ્યું?

૧૩ આખરે લેવીઓ કરારકોશને ઓબેદ-અદોમના ઘરમાંથી યરૂશાલેમમાં લાવ્યા ત્યારે, તેઓએ દાઊદે રચેલું ગીત ગાયું. એ ગીતમાં તેઓને ફરીથી યાદ કરાવવામાં આવ્યું કે “યહોવાહને તથા તેના સામર્થ્યને તમે શોધો; સદાસર્વદા તેના મુખને શોધો. જે અદ્‍ભુત કામો તેણે કર્યાં છે તે યાદ રાખો; તેના ચમત્કાર તથા તેના મુખનાં ન્યાયવચનો યાદ રાખો.”—૧ કાળવૃત્તાંત ૧૬:૧૧, ૧૨.

૧૪. સુલેમાનના સારા ઉદાહરણ અને પાછલાં વર્ષોમાં તેમણે કરેલી ભૂલથી આપણે શું શીખી શકીએ?

૧૪ દાઊદે મરણ પહેલાં પોતાના પુત્રને સલાહ આપી: ‘જો તું યહોવાહને શોધશે તો તે તને જડશે.’ (૧ કાળવૃત્તાંત ૨૮:૯) સુલેમાને એમ જ કર્યું. રાજા બન્યા પછી, તે ગિબઓનમાં આવેલા મુલાકાત મંડપે ગયા અને યહોવાહને બલિદાન ચઢાવ્યું. ત્યાં યહોવાહે સુલેમાનને વરદાન માંગવા કહ્યું: “માગ; હું તને શું આપું?” સુલેમાનના માંગ્યા પ્રમાણે, યહોવાહે તેમને ડહાપણ અને જ્ઞાનથી ભરી દીધા જેથી, તે ઈસ્રાએલનો સારી રીતે ન્યાય કરી શકે. એટલું જ નહિ, પણ તેમણે સુલેમાનને પુષ્કળ ધનદોલત અને માન-મરતબો પણ આપ્યા. (૨ કાળવૃત્તાંત ૧:૩-૧૨) યહોવાહે દાઊદને મંદિર બનાવવાનો જે નમૂનો આપ્યો હતો એ પ્રમાણે સુલેમાને ભવ્ય મંદિર બાંધ્યું. પરંતુ, સુલેમાને પોતાના લગ્‍નની બાબતે યહોવાહની સલાહ લીધી નહિ. સુલેમાને વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યા. આ સ્ત્રીઓને લીધે, સુલેમાન પોતાના પાછલાં વર્ષોમાં યહોવાહની ભક્તિ કરવામાંથી ભટકી ગયા. (૧ રાજાઓ ૧૧:૧-૧૦) સુલેમાનના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે, આપણી પાસે ગમે તેટલું ડહાપણ, જ્ઞાન અને ખ્યાતિ હોય, તોપણ ‘પ્રભુને પસંદ પડતું શું છે, તે પારખી લેવું’ સૌથી મહત્ત્વનું છે.

૧૫. શા માટે આસા રાજા યહુદાહના રક્ષણ માટે યહોવાહને પૂરી શ્રદ્ધાથી પ્રાર્થના કરી શક્યા?

૧૫ સુલેમાનના પ્રપૌત્ર, રાજા આસાના અહેવાલમાંથી આપણે શું શીખી શકીએ? આસા ફક્ત અગિયાર વર્ષની ઉંમરે રાજા બન્યા હતા. પછી તેમના રાજમાં, ઝેરાહ નામનો કૂશી દસ લાખનું લશ્કર લઈને યહુદા પર ચઢાઈ કરવા આવ્યો. શું યહોવાહ યહુદાને બચાવશે? પાંચસોથી વધારે વર્ષ પહેલાં યહોવાહે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો તેમના લોકો તેમનું કહ્યું સાંભળશે અને તેમની આજ્ઞા પાળશે તો, એનું શું પરિણામ આવશે અને નહિ પાળે તો શું થશે. (પુનર્નિયમ ૨૮:૧, ૭, ૧૫, ૨૫) આસા પોતે રાજા બન્યા ત્યારે, સૌથી પહેલાં તેમણે યહુદામાંથી જૂઠી ઉપાસના અને વેદીઓને કાઢી નાખી હતી. તેમણે લોકોને “યહોવાહની ઉપાસના” કરવાની અરજ કરી. આસા રાજાએ આ બધું શાંતિના દિવસોમાં કર્યું હતું. કોઈ આફત આવી પડે ત્યાં સુધી તેમણે રાહ જોઈ નહિ. આમ, તેમણે યહોવાહમાં પૂરો ભરોસો મૂક્યો હતો. પછી તેમણે જીત મેળવવા તેમને પ્રાર્થના કરી. પરિણામે, યહોવાહે આસાને ભવ્ય જીત અપાવી.—૨ કાળવૃત્તાંત ૧૪:૨-૧૨.

૧૬, ૧૭. (ક) આસાને મહાન જીત અપાવ્યા પછી, યહોવાહે તેમને શું યાદ કરાવ્યું હતું? (ખ) આસાએ યહોવાહની સલાહ લીધી નહિ ત્યારે, તેમને કઈ મદદ આપવામાં આવી? તોપણ તેમણે શું કર્યું? (ગ) આસાના ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?

૧૬ આસા રાજાને મહાન જીત અપાવ્યા પછી, તેને સલાહ આપવા માટે યહોવાહે અઝાર્યાહને મોકલે છે: “આસા, અને સર્વ યહુદાહ તથા બિન્યામીન, મારૂં સાંભળો; જ્યાં સુધી તમે યહોવાહના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેને તજશો, તો તે તમને તજી દેશે.” (૨ કાળવૃત્તાંત ૧૫:૨) આસાએ આ સલાહ પ્રમાણે સાચી ઉપાસનાને પૂરા જોશથી ઉત્તેજન આપ્યું. પરંતુ, ૨૪ વર્ષ પછી ફરી દુશ્મનો આસા સામે ચડી આવ્યા ત્યારે, તે યહોવાહની સલાહ લેવામાં નિષ્ફળ ગયા. તેમણે પરમેશ્વરના શબ્દમાંથી સલાહ શોધી નહિ અને યહુદાહને જીત અપાવવા યહોવાહે કૂશી લશ્કર સાથે શું કર્યું હતું એ પણ ભૂલી ગયા. તેથી યહુદાહનો બચાવ કરવા તે સીરિયા સાથે ભળી ગયા.—૨ કાળવૃત્તાંત ૧૬:૧-૬.

૧૭ એ કારણે આસા રાજાને ઠપકો આપવા યહોવાહે હનાનીને મોકલ્યા. હનાનીએ યહોવાહના વિચારો જણાવ્યા ત્યારે, આસા એમાંથી લાભ ઉઠાવી શકતા હતા. પરંતુ, હનાની પર ગુસ્સે થઈને આસાએ તેમને જેલમાં પૂરી દીધા. (૨ કાળવૃત્તાંત ૧૬:૭-૧૦) કેવી દુઃખની વાત! આપણા વિષે શું? આપણે પણ યહોવાહની ઉપાસના કરીએ છીએ. જો આપણને કોઈ સલાહ આપવામાં આવે તો, શું આપણે સાંભળીએ છીએ? આપણને આ દુનિયાની જાળમાં ફસાતા જોઈને, કોઈ વડીલ આવીને “પ્રભુને પસંદ” હોય એ રીતે આપણને બાઇબલમાંથી સલાહ આપે તો, આપણે તેમનું સાંભળીશું કે કેમ? શું એ સમયે આપણે એની કદર કરીએ છીએ?

યહોવાહની સલાહ લેવાનું ચૂકશો નહિ

૧૮. અલીહૂએ અયૂબને જે યાદ કરાવ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૮ યહોવાહના જોશીલા ઉપાસકો પર કોઈ ભારે મુશ્કેલી આવી પડે ત્યારે, તેઓ યહોવાહની સલાહ લેવાનું ચૂકી જઈ શકે. અયૂબનો વિચાર કરો. તેમનું આખું શરીર ફોલ્લાથી ખદબદતું હતું. તેમણે પોતાના દીકરા-દીકરીઓ અને ધન-દોલત પણ ગુમાવી દીધા હતા. પછી, અયૂબના ત્રણ મિત્રોએ તેમના પર જૂઠા આરોપો મૂક્યા ત્યારે, અયૂબે બધું ધ્યાન પોતાના પર આપ્યું. તેથી, અલીહૂએ તેમને યાદ કરાવ્યું: ‘કોઈ એમ નથી કહેતું, કે મારો સરજનહાર ઈશ્વર ક્યાં છે?’ (અયૂબ ૩૫:૧૦, ૧૧) અયૂબ એ ભૂલી ગયા હતા. તેમને યહોવાહ પર વધારે ધ્યાન આપવાની, અને તે પરિસ્થિતિને કઈ રીતે જુએ છે એનો વિચાર કરવાની જરૂર હતી. પછી અયૂબે એ સલાહ સ્વીકારી. તેમના દાખલાને અનુસરવાથી આપણને પણ મદદ મળી શકે.

૧૯. ઈસ્રાએલીઓ શું કરવામાં નિષ્ફળ ગયા?

૧૯ ઈસ્રાએલી પ્રજા એ જાણતી હતી કે યહોવાહે પોતાના લોકો સાથે કેવો વ્યવહાર કર્યો હતો. તોપણ, તેઓનાં જીવનમાં મુશ્કેલીઓ આવતી ત્યારે, તેઓ વારંવાર એ ભૂલી જતા કે પરમેશ્વરે અગાઉ શું કર્યું હતું. (યિર્મેયાહ ૨:૫, ૬,) તેઓ કોઈ નિર્ણય લેતા પહેલાં યહોવાહ શું કહે છે એમ વિચારવાની બદલે પોતાને મન ફાવે તેમ નિર્ણય લઈ લેતા.—યશાયાહ ૫:૧૧, ૧૨.

યહોવાહની સલાહ સાંભળતા રહો

૨૦, ૨૧. (ક) આજે યહોવાહનું માર્ગદર્શન લેવામાં એલીશા જેવું વલણ કોણ બતાવે છે? (ખ) તેઓના પગલે ચાલવાથી આપણે શું લાભ થશે?

૨૦ એલીયાહના સેવાકાર્યનો અંત આવ્યો ત્યારે, તેમનો ઝભ્ભો લઈને યરદન નદીના પાણી પર પ્રહાર કરતા એલીશાએ પૂછ્યું: “એલીયાહનો દેવ યહોવાહ ક્યાં છે?” (૨ રાજાઓ ૨:૧૪) યહોવાહે તરત જ પોતાનો પવિત્ર આત્મા મોકલીને જવાબ આપ્યો કે તેમનો આત્મા હવે એલીશા પર છે. આમાંથી આપણે શું શીખી શકીએ?

૨૧ આજે પણ કંઈક અંશે એવું જ થઈ રહ્યું છે. યહોવાહના અભિષિક્ત સેવકોનો વિચાર કરો. તેઓમાંના ઘણા મરણ પામ્યા છે. તેઓ પૃથ્વી પર હતા ત્યારે, બાઇબલનો ઊંડો અભ્યાસ કરીને અને પ્રાર્થના દ્વારા હંમેશાં યહોવાહનું માર્ગદર્શન લીધું હતું. પરિણામે, યહોવાહે પણ તેમના લોકોને ખરો માર્ગ બતાવ્યો છે અને તેઓના કાર્યને સફળ કર્યું છે. શું આપણે તેઓના પગલે ચાલીએ છીએ? (હેબ્રી ૧૩:૭) એમ હશે તો, આપણે પણ યહોવાહના સંગઠન સાથે રહીશું અને એના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહીશું. આમ, આપણે ઈસુ ખ્રિસ્તના માર્ગદર્શન હેઠળ ચાલતા કાર્યને પૂરો સાથ આપીશું.—ઝખાર્યાહ ૮:૨૩.

તમે કેવો જવાબ આપશો?

• આપણે કેવા હેતુથી પૂછવું જોઈએ કે “યહોવાહ ક્યાં છે?”

• યહોવાહ શું કહે છે એ આપણે કઈ રીતે પારખી શકીએ?

• શા માટે યહોવાહે અમુક પ્રાર્થનાઓનો જવાબ આપ્યો ન હતો?

• ‘પ્રભુને પસંદ પડતું શું છે, એ પારખી લેવા’ આપણે બાઇબલમાં કોનાં ઉદાહરણો તપાસવા જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૯ પર ચિત્ર]

રાજા યહોશાફાટે કઈ રીતે યહોવાહની સલાહ શોધી?

[પાન ૧૦ પર ચિત્ર]

શા માટે શાઊલે મેલીવિદ્યા જાણનારી સ્ત્રી પાસેથી સલાહ લીધી?

[પાન ૧૨ પર ચિત્ર]

શું તમે અભ્યાસ, પ્રાર્થના અને મનન કરીને યહોવાહનું માર્ગદર્શન શોધો છો?