સારવારમાં લોહી ન લેતા ફિલિપાઈન્સનાં સાક્ષીઓ માટે મદદ
રાજ્ય પ્રચારકોનો અહેવાલ
સારવારમાં લોહી ન લેતા ફિલિપાઈન્સનાં સાક્ષીઓ માટે મદદ
જગતભરમાં યહોવાહના સાક્ષીઓ યહોવાહના નીતિ-નિયમોને જ વળગી રહે છે. એટલે તેઓ કોઈ પણ સંજોગોમાં સારવાર માટે લોહી લેતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) આપણે આવો પાક્કો નિર્ણય લીધો હોવાથી, વિશ્વાસુ અને શાણા ચાકર વર્ગે આપણા માટે ઘણી મદદ પૂરી પાડી છે. (માત્થી ૨૪:૪૫-૪૭) તેઓની મહેનતના કેવાં ફળો મળ્યા છે? ચાલો આપણે ફિલિપાઈન્સ દેશ વિષે તપાસીએ.
ફિલિપાઈન્સની બ્રાંચમાંથી આ અહેવાલ આવે છે: “સાલ ૧૯૯૦માં અમને બ્રુકલિન બેથેલમાંથી એક પત્ર મળ્યો હતો. તેઓએ અમને જણાવ્યું કે ત્યાંના હૉસ્પિટલ ઇન્ફૉર્મેશન સર્વિસીસ ડિપાર્ટમેન્ટમાંથી (એચ.આઈ.એસ.) અમુક ભાઈઓ અહીંયા ફિલિપાઈન્સ આવીને એક મોટી સભા ભરવાના છે. તેઓ અમારી બ્રાંચમાં એચ.આઈ.એસ. ડિપાર્ટમેન્ટ શરૂ કરવાના હતા. તેઓ અમુક શહેરોમાં હૉસ્પિટલ લિએઝન કમિટીઓ (એચ.એલ.સી.) પણ શરૂ કરવાના હતા. આ સભા માટે કોરિયા, તાઇવાન અને હૉંગ કૉંગની બ્રાંચમાંથી તથા અમારી આજુબાજુના દેશોમાંથી પણ ઘણા ભાઈઓને બોલાવવામાં આવ્યા હતા. આ સેમિનાર બીજી બ્રાંચના ભાઈઓને મદદ કરવા માટે રાખવામાં આવ્યો હતો. જેથી, તેઓ પછી પોત-પોતાના દેશમાં જઈને એચ.આઈ.એસ. ડિપાર્ટમેન્ટ અને કમિટીઓ શરૂ કરે. શરૂઆતમાં અમે ફિલિપાઈન્સના ચાર મુખ્ય શહેરોમાં એક-એક કમિટી શરૂ કરી હતી.” આ કમિટીઓ શું કરે છે? કમિટીમાં અનેક વડીલો હોય છે. જો ડૉક્ટરો કોઈ સાક્ષી દરદી પર લોહી વગર ઑપરેશન કરવા તૈયાર ન હોય તો, આ ભાઈઓ એવા ડૉક્ટરોને શોધશે જેઓ લોહી વગર ઑપરેશન કરવા તૈયાર છે. વળી, કોઈ પણ ઇમર્જન્સીમાં લોહી વિષે કોઈ મુશ્કેલી ઊભી થાય તો, આ ભાઈઓ તરત જ મદદે આવશે.
ફિલિપાઈન્સના બાગીઓ શહેરમાં, રેમીજીઓ નામના ભાઈને એચ.એલ.સી.માં કામ કરવા પસંદ કરવામાં આવ્યા. થોડા સમય બાદ, બધા ડૉક્ટરો કમિટી તરફથી સૂચનો સાંભળવા લાગ્યા. એક પ્રસંગે, ઘણા ડૉક્ટરોએ એચ.એલ.સી. સાથે મિટિંગ ભરી હતી. કમિટીના સભ્ય તરીકે રેમીજીઓ પણ ત્યાં હાજર હતા. એ મિટિંગનો વિષય એ હતો કે ‘યહોવાહના સાક્ષી દરદીઓ લોહી નથી લેતા, તેઓનું ઑપરેશન કરતી વખતે ડૉક્ટરોએ શું કરવું જોઈએ.’ આ મિટિંગ વિષે રેમીજીઓએ કહ્યું: “બધા ડૉક્ટરો મને મેડિકલ ક્ષેત્ર વિષે એકદમ ઊંડા પ્રશ્નો પૂછવા લાગ્યા. હું સાવ મૂંઝાઈ ગયો. અરે, ગભરાઈ પણ ગયો! મેં તરત જ યહોવાહને પ્રાર્થના કરી. પછી શું બન્યું, એ હું માની જ ન શક્યો. બધા ડૉક્ટરો ફટાફટ એકબીજાના પ્રશ્નોના જવાબ અને સૂચનો આપવા લાગ્યા.” આ મિટિંગ લગભગ બે કલાક સુધી ચાલી!
ફિલિપાઈન્સમાં હવે ૭૭ ભાઈઓ ૨૧ કમિટીમાં કામ કરે છે. ડાનિલો સાક્ષી છે, અને પોતે ડૉક્ટર છે. તે કહે છે: “બધા ડૉક્ટરોને હવે ખબર છે કે યહોવાહના સાક્ષીઓનું સંગઠન બધા બીમાર સાક્ષીઓની સારી દેખરેખ રાખે છે. તેઓ જાણે છે કે આપણે પ્યારથી બંધાયેલા છીએ.” એક ડૉક્ટરને એક ભાઈ પર લોહી વગર ઑપરેશન કરવાનું જરાય ન ગમ્યું. પણ આપણા ભાઈ સારવારમાં લોહી ન લેવા વિષે મક્કમ રહ્યા. પછી એ ડૉક્ટરે ઑપરેશન કર્યું અને એ ખૂબ સફળ રહ્યું. આ વિષે ફિલિપાઈન્સની એચ.આઈ.એસ. જણાવે છે: “આ ડૉક્ટર માની જ ન શક્યો કે આપણો ભાઈ કેટલી જલદીથી સાજો થઈ ગયો. અરે, એ ડૉક્ટરે પોતે કહ્યું: ‘જો કોઈ પણ સાક્ષીને સારવારમાં લોહી વગર આવા પેટના ઑપરેશનની જરૂર હોય તો, હું રાજી-ખુશીથી કરી આપીશ.’”