સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈસુ મંડળોને શું જણાવે છે?

ઈસુ મંડળોને શું જણાવે છે?

ઈસુ મંડળોને શું જણાવે છે?

“જે પોતાના જમણા હાથમાં સાત તારા રાખે છે, . . . તે આ વાતો કહે છે.”—પ્રકટીકરણ ૨:૧.

૧, ૨. ઈસુએ સાત મંડળોને જે કહ્યું, એ આપણે શા માટે જાણવું જ જોઈએ?

 યહોવાહ પરમેશ્વરના એકના એક પુત્ર, ઈસુ ખ્રિસ્ત મંડળની સંભાળ રાખે છે. સ્વર્ગમાં જવા પવિત્ર આત્માથી પસંદ થયેલા ભાઈ-બહેનોને ઈસુ ઉત્તેજન આપે છે. તેમ જ, જરૂરી ઠપકો પણ આપે છે, જેથી મંડળ શુદ્ધ રહી શકે. (એફેસી ૫:૨૧-૨૭) એના અમુક દાખલા પ્રકટીકરણના બીજા અને ત્રીજા અધ્યાયમાં જોવા મળે છે. એમાં એશિયા માયનોર જે આજે તુર્કી છે, ત્યાંનાં સાત મંડળોને ઈસુએ આપેલા સંદેશા છે.

પ્રકટીકરણનું પુસ્તક યોહાને લખ્યું હતું. પ્રથમ તેમને ‘પ્રભુના દહાડા’ કે દિવસ વિષે જણાવાયું. પછી, તેમને સાતેય મંડળો માટેના સંદેશા આપવામાં આવ્યા. (પ્રકટીકરણ ૧:૧૦) ‘પ્રભુના દહાડાની’ શરૂઆત ૧૯૧૪થી થઈ, જ્યારે મસીહનું રાજ્ય શરૂ થયું. તેથી, ઈસુએ સાત મંડળોને જે કહ્યું, એ આ છેલ્લા દિવસમાં પણ બહુ મહત્ત્વનું છે. તેમણે જે ઉત્તેજન આપ્યું અને સલાહ આપી, એ આપણને સંકટના સમયમાં ટકી રહેવા મદદ કરશે.—૨ તીમોથી ૩:૧-૫.

૩. યોહાને જોયેલા “તારા,” “દૂત” અને ‘સોનાની દીવીઓનો’ શું અર્થ થાય?

યોહાને ઈસુ ખ્રિસ્તને જોયા. ઈસુના ‘જમણા હાથમાં સાત તારા છે, અને તે સાત દીવીની વચમાં ચાલે છે.’ આ સોનાની સાત દીવીઓ તો મંડળીઓ છે, અને “સાત તારા તે સાત મંડળીઓના દૂત છે.” (પ્રકટીકરણ ૧:૨૦; ૨:૧) અમુક વાર તારાઓ સ્વર્ગ-દૂતોને દર્શાવે છે. જો કે “દૂત” શબ્દનો અર્થ સંદેશો આપનાર પણ થાય છે. પરંતુ, સ્વર્ગ-દૂતોને સંદેશો આપવા, ઈસુને મનુષ્યની જરૂર નથી. એટલે આ “તારા” ચોક્કસ યહોવાહથી અભિષિક્ત થયેલા વડીલો અથવા વડીલોનું જૂથ હોવા જોઈએ. વળી, યહોવાહ પરમેશ્વરનું સંગઠન રાત-દિવસ મોટુંને મોટું થતું જાય છે. તેથી યહોવાહના ‘વિશ્વાસુ કારભારીએ,’ ‘બીજાં ઘેટાંમાંથી’ પણ યોગ્ય ભાઈઓને પસંદ કર્યા છે. જેથી, તેઓ વડીલો તરીકે યહોવાહના લોકોની સંભાળ રાખે.—લુક ૧૨:૪૨-૪૪; યોહાન ૧૦:૧૬.

૪. ઈસુએ મંડળોને આપેલા સંદેશામાંથી વડીલો કઈ રીતે લાભ મેળવી શકે?

ઈસુના જમણા હાથમાં “તારા” છે, એનો શું અર્થ થાય? એ બતાવે છે કે વડીલોને ઈસુનો પૂરો સાથ છે. તેથી, તેઓ ઈસુના કહેવા પ્રમાણે જ કરે છે, અને તેઓ ઈસુને જવાબદાર છે. સાત મંડળીઓને આપેલા સંદેશામાંથી વડીલો શીખી શકે, કે આજે એવા સંજોગો ઊભા થાય તો શું કરવું. બેશક, આપણે બધાએ જ યહોવાહના વહાલા દીકરાનું સાંભળવું જોઈએ. (માર્ક ૯:૭) ચાલો ત્યારે આપણે ઈસુના એ સંદેશા પર મનન કરીએ અને શીખીએ.

એફેસસની મંડળીને સંદેશ

૫. એફેસસ કેવું શહેર હતું?

ઈસુએ એફેસસની મંડળીના વખાણ કર્યા અને સાથે સાથે ઠપકો પણ આપ્યો. (પ્રકટીકરણ ૨:૧-૭ વાંચો.) ચાલો આપણે એશિયા માયનોરમાં ડોકિયું કરીએ. એફેસસ પશ્ચિમ કિનારે આવેલું, વેપારી અને ધાર્મિક શહેર હતું. એ શહેરમાં પુષ્કળ પૈસો હતો. ત્યાં આર્તિમિસ નામની દેવીનું મોટું મંદિર પણ હતું. આમ એફેસસ જૂઠા ધર્મ, જાદુ-ટોના અને અનૈતિક કામોથી ભરપૂર હતું. તેમ છતાં, યહોવાહે પ્રેષિત પાઊલ અને બીજા ભાઈ-બહેનોના પ્રચાર કાર્યને આશીર્વાદ આપ્યો.—પ્રેરિતોનાં કૃત્યો, અધ્યાય ૧૯.

૬. એફેસસ મંડળીની જેમ આજે સાચા ખ્રિસ્તીઓ શું કરે છે?

ઈસુએ એફેસસ મંડળના વખાણ કરતા કહ્યું: “તારાં કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું, કે તું ભૂંડાં માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલૂમ પડ્યું.” આજે, ઈસુના ખરા શિષ્યો પણ એવા જ મહેનતુ, ધીરજવાળા અને બીજાનું ભલું કરનારા છે. પ્રેરિતો બની બેસવા માંગતા જૂઠા ‘ભાઈઓને,’ તેઓ જરાય ચલાવી લેતા નથી. (૨ કોરીંથી ૧૧:૧૩, ૨૬) એફેસસના ભાઈ-બહેનોની માફક સાચા ખ્રિસ્તીઓ પણ ‘ભૂંડાં માણસને સહન કરી શકતા નથી.’ તેથી, તેઓ ડગલેને પગલે ધ્યાન રાખે છે, કે હઠીલા ‘ભાઈઓ’ સાથે પોતે કોઈ પણ રીતે હાથ ન મીલાવે. જેથી, યહોવાહની ભક્તિને કલંક ન લાગે અને મંડળનું રક્ષણ થાય.—ગલાતી ૨:૪, ૫; ૨ યોહાન ૮-૧૧.

૭, ૮. એફેસસના મંડળને કયો મોટો પ્રોબ્લમ હતો? આપણે એવા સંજોગોમાં શું કરી શકીએ?

જો કે એફેસસના ખ્રિસ્તીઓને એક મોટો પ્રોબ્લમ હતો. ઈસુએ કહ્યું: “તારી વિરૂદ્ધ મારે આટલું છે, કે તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.” તેથી, એફેસસના ભાઈ-બહેનોએ યહોવાહ માટે પહેલા જેવો પ્રેમ હતો, એવો પ્રેમ બતાવવાની જરૂર હતી. (માર્ક ૧૨:૨૮-૩૦; એફેસી ૨:૪; ૫:૧, ૨) આપણે દરેક આપણા વહાલા પિતા યહોવાહ પરનો પ્રેમ કદી ઠંડો પડવા ન દઈએ. (૩ યોહાન ૩) પરંતુ પૈસા અને મોજમજાની પાછળ આપણે દોડતા હોઈએ તો શું? (૧ તીમોથી ૪:૮; ૬:૯, ૧૦) એમ હોય તો, આપણે યહોવાહને વીનવીએ કે તે આપણને મદદ કરે. તેમ જ, યહોવાહ અને ઈસુ માટેના પ્રેમથી આપણું દિલ એવું ભરી દઈએ, જેથી બીજી નકામી વાતો માટે કોઈ જગા જ ન રહે.—૧ યોહાન ૪:૧૦, ૧૬.

ખ્રિસ્તે તેઓને અરજ કરી: “એ માટે તું જ્યાંથી પડ્યો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પ્રથમના જેવાં કામ કર.” જો એવો ફેરફાર નહિ કરે, તો ઈસુએ તેઓને કહ્યું: “નહિ તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગાએથી હું ખસેડી દઈશ.” જો યહોવાહ પરનો પહેલો પ્રેમ બધા ભૂલી જાય, તો ‘દીવી’ અથવા મંડળમાં કોણ રહેશે? તેથી, મંડળમાં આપણે બધા પૂરા ઉમંગથી, યહોવાહ માટેનો પહેલો પ્રેમ જગ-જાહેર થવા દઈએ.—માત્થી ૫:૧૪-૧૬.

૯. આપણે જુદા જુદા પંથો વિષે શું માનીએ છીએ?

જો કે ઈસુની જેમ, એફેસસના ભાઈ-બહેનો ‘નીકોલાયતીઓનાં કામ પણ ધિક્કારતા હતા.’ આ પંથ વિષે ફક્ત પ્રકટીકરણમાં જ જણાવાયું છે. પરંતુ, એની શરૂઆત, શિક્ષણ અને રહેણી-કરણી વિષે ખાસ કંઈ માહિતી નથી. માણસોને ગુરુ બનાવીને તેઓની પાછળ ચાલવાનો, ઈસુએ ધિક્કાર કર્યો. આપણે પણ એફેસસના ભાઈઓની જેમ, કોઈ વ્યક્તિને કે પંથને કદી સ્વીકારવો નહિ.—માત્થી ૨૩:૧૦.

૧૦. પવિત્ર આત્માની પ્રેરણાથી ચાલનારને કયા આશીર્વાદ મળશે?

૧૦ ઈસુએ કહ્યું, કે “પવિત્ર આત્મા મંડળીઓને જે કહે છે તે જેમને સાંભળવાને કાન હોય તે સાંભળે.” (પ્રેમસંદેશ) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તે યહોવાહના પવિત્ર આત્માની પ્રેરણાથી બોલ્યા. (યશાયાહ ૬૧:૧; લુક ૪:૧૬-૨૧) તેથી ઈસુ જે કહે છે, એ આપણે ધ્યાન દઈને સાંભળીએ. પવિત્ર આત્માની પ્રેરણાથી ઈસુએ વચન આપ્યું, કે “જે જીતે છે તેને દેવના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું ફળ હું ખાવાને આપીશ.” સ્વર્ગમાં જવા પસંદ થયેલા ભાઈ-બહેનોએ પવિત્ર આત્માની પ્રેરણાથી ચાલવું જોઈએ. આમ, તેઓ ‘દેવના પારાદૈસમાં’ એટલે કે સ્વર્ગમાં ખુદ યહોવાહની પાસે કાયમનું જીવન મેળવશે. જેઓ ‘મોટી સભામાંના’ છે, અને પવિત્ર આત્માની પ્રેરણાથી ચાલે છે તેઓ સુંદર પૃથ્વી પર કાયમી જીવનનો આનંદ માણશે. તેઓ ‘જીવનના પાણીની નદીમાંથી’ પીશે, અને ‘ઝાડનાં પાંદડાંથી’ સારવાર પામશે.—પ્રકટીકરણ ૭:૯; ૨૨:૧, ૨; લુક ૨૩:૪૩.

૧૧. આપણે યહોવાહ માટેનો પ્રેમ કઈ રીતે વધારતા રહીશું?

૧૧ એફસસના ભાઈ-બહેનોની જેમ, યહોવાહ માટેનો આપણો પ્રેમ ઠંડો પડી જાય તો શું? એમ ન થાય માટે, ચાલો આપણે દરેક યહોવાહ અને તેમના પ્રેમ વિષે બીજાને જણાવતા રહીએ. એ કદી ન ભૂલીએ કે યહોવાહે પોતાના એકના એક વહાલા દીકરાની કુરબાની આપીને, આપણા માટે મોટી કિંમત ચૂકવી છે. (યોહાન ૩:૧૬; રૂમીઓને પત્ર ૫:૮) યહોવાહના મહાન પ્રેમ વિષે મિટિંગોમાં કોમેન્ટ કરતા શરમાઈએ નહિ. વળી, યહોવાહ પરનો આપણો પ્રેમ પ્રગટ કરવા, બીજા લોકોને તેમના વિષે જણાવતા રહીએ. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૦-૧૩) આમ, મંડળમાં આપણે દરેક યહોવાહ માટેનો પહેલો પહેલો પ્રેમ વધારતા રહીશું.

સ્મર્નાની મંડળીને સંદેશ

૧૨. સ્મર્ના અને ત્યાંના ધાર્મિક રિવાજો વિષે ઇતિહાસ શું જણાવે છે?

૧૨ ઈસુ ખ્રિસ્ત ‘પ્રથમ તથા છેલ્લા’ છે. તે મરણ પામ્યા, પણ યહોવાહે તેમને ફરીથી જીવન આપ્યું. તેમણે સ્મર્નાની મંડળીના ભાઈ-બહેનોના વખાણ કર્યા. (પ્રકટીકરણ ૨:૮-૧૧ વાંચો.) સ્મર્ના (આજનું ઇઝમીર, તુર્કી) એશિયા માયનોરના પશ્ચિમ કિનારે આવેલું હતું. ગ્રીક લોકોએ એ શહેર બાંધ્યું હતું. પરંતુ, લુદીયાના લોકોએ આજથી લગભગ ૨,૫૮૦ વર્ષ પહેલાં, એનો નાશ કર્યો. મહાન સિકંદર પછી આવનારે નવી જગ્યાએ સ્મર્ના બાંધ્યું. પછી એશિયાનો એ ભાગ રોમન સત્તા નીચે આવ્યો. એ શહેર વેપાર-ધંધા અને એની સુંદર બિલ્ડિંગો માટે જાણીતું બન્યું. તીબેરિયસ સીઝરના મંદિરને કારણે, એ શહેર સમ્રાટોની ભક્તિનું ધામ બની રહ્યું. લોકોએ ચપટીભર ધૂપ બાળીને, “સમ્રાટ પ્રભુ છે” એમ કહેવાનું હતું. ખ્રિસ્તીઓ “ઈસુને પ્રભુ” માનતા હોવાથી, સાવ અલગ પડી જતા હતા. તેથી, તેઓએ સખત સતાવણી સહેવી પડી.—રૂમીઓને પત્ર ૧૦:૯.

૧૩. સ્મર્નાના ખ્રિસ્તીઓ ગરીબ હોવા છતાં કઈ રીતે ધનવાન હતા?

૧૩ સ્મર્નાના ભાઈ-બહેનોએ ફક્ત સતાવણી જ નહિ, ગરીબી પણ સહેવી પડી. તેઓને પૈસાની તંગી પડી હોય શકે, કેમ કે તેઓએ સમ્રાટની ભક્તિ કરવાની ના પાડી. આજે પણ યહોવાહના લોકોને એવી જ તકલીફો પડે છે. (પ્રકટીકરણ ૧૩:૧૬, ૧૭) પરંતુ, તેઓ સ્મર્નાના ભાઈ-બહેનોની જેમ ગરીબ હોવા છતાં, યહોવાહની નજરે ધનવાન છે!—નીતિવચનો ૧૦:૨૨; ૩ યોહાન ૨.

૧૪, ૧૫. પ્રકટીકરણ ૨:૧૦માંથી અભિષિક્ત સેવકોને કયો દિલાસો મળે છે?

૧૪ સ્મર્નાના મોટા ભાગના યહુદીઓ જાણે કે “શેતાનની સભા” હતા. તેઓએ શાસ્ત્રમાં ન હતા, એવા મનગમતા રિવાજો બનાવ્યા હતા. વળી, તેઓએ યહોવાહના પુત્ર ઈસુનું અપમાન કર્યું અને પવિત્ર આત્માથી પસંદ થયેલા શિષ્યોના દુશ્મન બન્યા. (રૂમીઓને પત્ર ૨:૨૮, ૨૯) પરંતુ, ઈસુએ વહાલા શિષ્યોને કેવું ઉત્તેજન આપ્યું? તે કહે છે: “તારે જે જે સહન કરવું પડશે, તેનાથી બીતો ના; જુઓ, તમારૂં પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે; અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.”—પ્રકટીકરણ ૨:૧૦.

૧૫ યહોવાહનું નામ મોટું મનાવવા મરવું પડે, તોપણ ઈસુને ડર ન હતો. (ફિલિપી ૨:૫-૮) ખરું કે શેતાન હવે સ્વર્ગમાં જનારા અભિષિક્ત ભાઈ-બહેનો સાથે લડવા નીકળી પડ્યો છે. પરંતુ, ઈસુની જેમ તેઓ પણ ગભરાતા નથી. પછી ભલેને સતાવણી થાય, જેલમાં જવું પડે કે મોતને ભેટવું પડે. (પ્રકટીકરણ ૧૨:૧૭) તેઓ જગ જીતી લેશે. જગતના ધર્મોની રમતોમાં તો ફૂલોના હારનો મુગટ મળશે, જે બે-ચાર દિવસમાં કરમાઈ જશે. પરંતુ, ખ્રિસ્ત તો અભિષિક્ત ભાઈ-બહેનોને સ્વર્ગમાં કાયમી “જીવનનો મુગટ” આપવાનું વચન આપે છે. ખરેખર, એની સરખામણી કશાની સાથે ન કરાય!

૧૬. આપણે જો સ્મર્ના જેવા મંડળમાં હોઈએ તો કઈ મહત્ત્વની વાત ધ્યાનમાં રાખીશું?

૧૬ ભલે આપણને સ્વર્ગમાં જવાની કે પૃથ્વી પર રહેવાની આશા હોય. પરંતુ, જો આપણે સ્મર્નાના મંડળમાં હોઈએ તો શું કરીશું? સૌ પ્રથમ તો એ ધ્યાનમાં રાખીએ કે યહોવાહ શા માટે સતાવણી આવવા દે છે. એક કારણ તો એ કે એનાથી આપણને સાબિત કરવાની તક મળે છે કે આપણે વિશ્વના રાજા યહોવાહને વફાદાર છીએ. બીજું કે, એનાથી શેતાન જૂઠ્ઠો અને જૂઠ્ઠાનો બાપ સાબિત થશે. તેથી, ભલેને વફાદારી તોડવા આપણને ગમે એટલા સતાવવામાં આવે, છતાં યહોવાહને જ વિશ્વના રાજા તરીકે વળગી રહીએ. (નીતિવચનો ૨૭:૧૧) ચાલો આપણે સતાવણી સહન કરવા એકબીજાને ઉત્તેજન આપીએ. જેથી, ‘નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેની [યહોવાહની] આગળ શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી સેવા કરીએ.’ ખરેખર, કાયમ માટે યહોવાહની સેવા કરવાની આપણી તમન્‍ના છે!—લુક ૧:૬૮, ૬૯, ૭૪, ૭૫.

પેર્ગામમની મંડળીને સંદેશ

૧૭, ૧૮. પેર્ગામમ કેવું હતું અને એવી મૂર્તિપૂજામાં ભાગ ન લે તો કયું જોખમ હતું?

૧૭ પેર્ગામમ મંડળના વખાણ કરવામાં આવ્યા, અને સાથે સાથે સલાહ પણ આપવામાં આવી. (પ્રકટીકરણ ૨:૧૨-૧૭ વાંચો.) સ્મર્નાથી લગભગ ૮૦ કિલોમીટર ઉત્તરે આવેલું પેર્ગામમ શહેર મૂર્તિપૂજા અને જૂઠા ધર્મોમાં ડૂબેલું હતું. બાબેલોનથી ખાલદી માગીઓ એટલે કે જોશીઓ અહીં ભાગી આવ્યા હોય શકે. એમ પણ માનવામાં આવતું કે એસ્ક્લેપીઅસ નામનો એક દેવ લોકોની બીમારી દૂર કરતો. પેર્ગામમમાં તેનું જાણીતું મંદિર હતું, જ્યાં લોકોના ટોળે-ટોળા આવતા. વળી, પેર્ગામમમાં ઓગસ્ટસ સીઝરને નામે મંદિર હોવાથી, એ શહેરને ‘સમ્રાટ પંથનું જાણીતું શહેર’ માનવામાં આવતું હતું.—એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા, ૧૯૫૯, વોલ્યુમ ૧૭, પાન ૫૦૭.

૧૮ પેર્ગામમમાં ઝૂસને નામે પણ એક મોટી વેદી હતી. એ શહેરમાં શેતાનની ચાલે ચાલીને, માણસોને પણ દેવ-દેવીઓની જેમ પૂજવામાં આવતા. યહોવાહના સેવકો જો સમ્રાટની ભક્તિ ન કરે, તો તેઓનો જાન જોખમમાં હતો. તેથી, એમાં કંઈ નવાઈ નથી કે એ શહેરને “શેતાનની ગાદી” કહેવામાં આવ્યું! આજે પણ આ દુનિયા શેતાનને ઇશારે નાચે છે, અને પરમેશ્વરને બદલે હવે દેશભક્તિ થાય છે. (૧ યોહાન ૫:૧૯) એ કારણે પહેલી સદીથી આજ સુધી, ઘણા વફાદાર ખ્રિસ્તીઓ માર્યા ગયા છે. ખ્રિસ્તે જેમ કહ્યું કે ‘મારા વિશ્વાસુ શાહેદ આંતીપાસને ત્યાં મારી નાખવામાં આવ્યો,’ એના જેવા તેઓ પણ છે. યહોવાહ અને ઈસુ ખ્રિસ્ત એવા સાચા ભક્તોને કદી પણ ભૂલશે નહિ.—૧ યોહાન ૫:૨૧.

૧૯. બલઆમે શું કર્યું? આપણે દરેકે શાનાથી દૂર રહેવું જ જોઈએ?

૧૯ ખ્રિસ્તે ‘બલઆમના બોધ’ વિષે પણ વાત કરી. બલઆમ લોભિયો હતો. એટલે તે જૂઠો પ્રબોધક દોલતને માટે ઈસ્રાએલ લોકોને શાપ આપવા તૈયાર થઈ ગયો. પણ યહોવાહે તેનો શાપ આશીર્વાદમાં બદલી નાખ્યો. તેમ છતાં તેની અક્કલ ઠેકાણે ન આવી. તેણે મોઆબી રાજા બાલાક સાથે મળી જઈને, ઘણા ઈસ્રાએલી લોકોને મૂર્તિપૂજા અને જાતીય વાસનાના ફાંદામાં ફસાવ્યા. જો કે યહોવાહ માટેની ધગશને કારણે ફિનહાસ એ બધું જોઈ ન શક્યો અને તેણે કડક પગલાં ભર્યા. આજે વડીલોએ પણ એવી જ ધગશ બતાવવી જોઈએ. (ગણના ૨૨:૧-૨૫:૧૫; ૨ પીતર ૨:૧૫, ૧૬; યહુદા ૧૧) આપણે બધાએ મૂર્તિપૂજાથી દૂર રહેવું જ જોઈએ. તેમ જ, મંડળમાં કોઈ જાતના લફરાં ચલાવી લેવા ન જોઈએ.—યહુદા ૩, ૪.

૨૦. મંડળની એકતા તોડવા માંગતી વ્યક્તિએ શું યાદ રાખવું જોઈએ?

૨૦ પેર્ગામમ મંડળના માથે આફત ઊતરી આવી હતી. જેઓ ‘નીકોલાયતીઓના બોધને વળગી રહેતા હતા,’ તેઓને એ મંડળમાં ચલાવી લેવાયા હતા. ખ્રિસ્તે મંડળને જણાવ્યું: “પસ્તાવો કર; નહિ તો હું તારી પાસે વહેલો આવીશ, અને મારા મોંમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ.” મંડળમાં ભાગલા પાડવાથી ભાઈ-બહેનોની એકતા તૂટે છે. વળી, જેઓ ભાગલા પાડે છે, તેઓને યહોવાહના રાજ્યમાં કંઈ લેવા-દેવા નથી. (રૂમીઓને પત્ર ૧૬:૧૭, ૧૮; ૧ કોરીંથી ૧:૧૦; ગલાતી ૫:૧૯-૨૧) જો આજે કોઈ એવા આઇડિયા મંડળમાં ફેલાવવા માંગતા હોય, તો ખ્રિસ્તની ચેતવણી કાન ખોલીને સાંભળી લે! તે પોતાના માથે આફત વહોરી લેવાના બદલે, પસ્તાવો કરે અને મંડળના વડીલો પાસેથી મદદ માંગે. (યાકૂબ ૫:૧૩-૧૮) તે તરત સુધારો કરે એનાથી તેને જ લાભ થશે, કેમ કે ઈસુ જલદી જ ન્યાય કરશે.

૨૧, ૨૨. “ગુપ્ત રાખેલા માન્‍નામાંથી” કોણ ખાય છે, અને એનો અર્થ શું થાય?

૨૧ ઈસુ ન્યાય કરવા આવે છે, પણ યહોવાહના વફાદાર સેવકોએ બીવાની કોઈ જરૂર નથી. યહોવાહના પવિત્ર આત્માની પ્રેરણાથી ઈસુ જે સલાહ આપે છે, એને પાળનારા લોકોને આશીર્વાદો મળશે. દાખલા તરીકે, જગત પર જીત મેળવીને, સ્વર્ગમાં જનારા અભિષિક્ત જનોને “ગુપ્ત રાખેલા માન્‍નામાંથી” ખાવા મળશે. તેમ જ, તેઓને ‘એક નવું નામ લખેલો શ્વેત પથ્થર’ આપવામાં આવશે.

૨૨ ઈસ્રાએલી લોકો ૪૦ વર્ષ સુધી અરણ્યમાં આમ-તેમ ભટકતા હતા, ત્યારે યહોવાહે એક ખાસ પ્રકારનો ખોરાક, માન્‍ના તેઓને આપ્યો હતો. થોડું માન્‍ના લઈને સોનાના પાત્રમાં સાચવીને કરારકોશમાં રાખવામાં આવ્યું હતું. આમ, મંડપમાં સૌથી પવિત્ર જગ્યામાં એ ‘માન્‍ના ગુપ્ત રાખવામાં’ આવ્યું હતું. મંડપના એ ભાગ પર ચમત્કારિક પ્રકાશ રહેતો, જે યહોવાહની હાજરી બતાવતો હતો. (નિર્ગમન ૧૬:૧૪, ૧૫, ૨૩, ૨૬, ૩૩; ૨૬:૩૪; હેબ્રી ૯:૩, ૪) કોઈને પણ એ સાચવી રાખવામાં આવેલું માન્‍ના ખાવા દેવાતું નહિ. પરંતુ, ઈસુના અભિષિક્ત શિષ્યો સજીવન થઈને સ્વર્ગમાં જાય ત્યારે, તેઓ “ગુપ્ત રાખેલા માન્‍નામાંથી” ખાય છે. એટલે કે તેઓ અમર જીવન મેળવે છે.—૧ કોરીંથી ૧૫:૫૩-૫૭.

૨૩. “શ્વેત પત્થર” અને “નવું નામ” શું છે?

૨૩ રોમન અદાલતમાં કાળો પથ્થર ગુનાની નિશાની હતો. પરંતુ, સફેદ પથ્થર વ્યક્તિ નિર્દોષ છે એમ બતાવતો હતો. ઈસુ જગત જીતેલા અભિષિક્ત જનોને “શ્વેત પત્થર” આપે છે. એ બતાવે છે કે ઈસુ તેઓનો નિર્દોષ, પવિત્ર અને શુદ્ધ લોકો તરીકે ન્યાય કરે છે. રોમન લોકો પથ્થરનો ઉપયોગ કોઈ મહત્ત્વના પ્રસંગમાં દાખલ થવાની ટિકિટ તરીકે પણ કરતા હતા. તેથી, “શ્વેત પત્થર” એવું પણ બતાવે છે કે અભિષિક્ત વ્યક્તિને હલવાનના લગ્‍ન માટે સ્વર્ગમાં દાખલ થવા દેવામાં આવે છે. (પ્રકટીકરણ ૧૯:૭-૯) એ પથ્થર પર લખેલું “એક નવું નામ” સ્વર્ગના રાજ્યના વારસદાર તરીકે, ઈસુ સાથે જોડાવાના લહાવાને દર્શાવે છે. આ બધાથી યહોવાહની સેવા કરી રહેલા અભિષિક્ત જનો અને તેમના સાથીઓને કેટલું બધું ઉત્તેજન મળે છે!

૨૪. મંડળમાં ભાગલા પાડનારા સામે આપણે કેવો નિર્ણય લેવો જોઈએ?

૨૪ તમને યાદ છે કે પેર્ગામમ મંડળમાં ભાગલા પાડનારાનું જોખમ હતું. જો એવા જ સંજોગો આપણા મંડળમાં ઊભા થાય, તો ચાલો આપણે બધા સંપીને એનો વિરોધ કરીએ અને સત્યના માર્ગમાં ચાલતા રહીએ. (યોહાન ૮:૩૨, ૪૪; ૩ યોહાન ૪) જૂઠા ગુરુઓ કે વ્યિક્તઓ સાચા ધર્મનો વિરોધ કરીને, ઝેરની જેમ ધીમે ધીમે આખા મંડળમાં ફેલાઈ શકે છે. તેથી, આપણે દરેક એની સામે મક્કમ રહેવાનો પાક્કો નિર્ણય કરીએ. કોઈની ચાલાકીથી કદી પણ ભરમાઈએ નહિ, પણ સત્યમાં ચાલતા જ રહીએ.—ગલાતી ૫:૭-૧૨; ૨ યોહાન ૮-૧૧.

૨૫. હવે પછીના લેખમાં શાની ચર્ચા થશે?

૨૫ એશિયા માયનોરના સાતમાંથી ત્રણ મંડળોને ઈસુ ખ્રિસ્તે મોકલેલા સંદેશામાંથી આપણે ઘણું શીખ્યા. ઈસુએ કેવું સરસ ઉત્તેજન આપ્યું અને જરૂરી સલાહ પણ આપી! એવી જ રીતે બાકીનાં ચાર મંડળોને પણ મહત્ત્વનો સંદેશો આપવા, પવિત્ર આત્મા તેમને પ્રેરણા આપે છે. હવે પછીના લેખમાં થુઆતૈરા, સાર્દિસ, ફિલાદેલ્ફીઆ અને લાઓદીકીઆના મંડળોને મળેલા સંદેશાની આપણે ચર્ચા કરીશું.

તમે શું કહેશો?

• ઈસુએ મંડળોને આપેલા સંદેશા પર આપણે કેમ મનન કરવું જોઈએ?

• યહોવાહ માટેનો આપણો પહેલો પહેલો પ્રેમ કઈ રીતે જાળવી રાખીએ?

• સ્મર્નાના ગરીબ ખ્રિસ્તીઓ કઈ રીતે ધનવાન હતા?

• પેર્ગામમ મંડળનો વિચાર કરીને, આપણે ધર્મ-વિરોધીઓ પ્રત્યે કેવું વલણ રાખવું જોઈએ?

[અભ્યાસ પ્રશ્નો]

[પાન ૧૦ પર નકશા]

(For fully formated text, see publication)

ગ્રીસ

એશિયા માયનોર

એફેસસ

સ્મર્ના

પેર્ગામમ

થુઆતૈરા

સાર્દિસ

ફિલાદેલ્ફીઆ

લાઓદીકીઆ

[પાન ૧૨ પર ચિત્ર]

“મોટી સભા” સુંદર બાગ જેવી પૃથ્વી પર કાયમ જીવશે

[પાન ૧૩ પર ચિત્ર]

સતાવણી પામેલા ખ્રિસ્તીઓ જગતને જીતે છે