સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તાસેન કોણ હતો?

તાસેન કોણ હતો?

તાસેન કોણ હતો?

પ્રેષિત પાઊલની ત્રીજી મિશનરિ મુસાફરી પૂરી થવા આવી હતી. તેથી, તેમણે એફેસસના વડીલોને મળીને કહ્યું: “હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રુર વરૂઓ તમારામાં દાખલ થશે; અને તમારા પોતાનામાંથી પણ કેટલાક માણસો ઊભા થશે, અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦.

પાઊલના શબ્દો એકદમ સાચા પડ્યા. તેમણે કહ્યું હતું તેમ બીજી સદીમાં સાચા ધર્મના વિરોધીઓ ઊભા થયા અને ત્યારથી સમય એકદમ બદલાઈ ગયો. જેમ કે ધર્મ અને ફિલસૂફીના નામે જૂઠું શિક્ષણ પૂર જોશમાં વધી રહ્યું હતું. આ જૂઠા શિક્ષણે ધાર્મિક વ્યક્તિઓમાં સડો પેદા કર્યો. વળી આવા શિક્ષણને ફેલાવનારા માનતા હતા કે પૃથ્વી પરની દરેક બાબતો નકામી છે, ફક્ત ધર્મની બાબતો જ સારી છે. તેથી તેઓ લગ્‍ન કરવાને અને બાળકને જન્મ આપવાને પાપ ગણતા હતા, એમ માનીને કે દરેક મનુષ્ય પાપી છે અને આ બધી વસ્તુઓ તો શેતાન તરફથી આવે છે. વળી, કેટલાક તો માનતા હતા કે, ફક્ત આત્માને લગતી બાબતો જ મહત્ત્વની છે. તેથી માણસ પોતાના શરીર સાથે ગમે તે કરે, એનો કંઈ વાંધો નથી. તેથી, તેઓ જીવનનો ભરપૂર આનંદ માણવા લાગ્યા. એનાં લીધે અમુક લોકો વધુ પડતા મોજ-શોખમાં ડૂબી ગયા, જ્યારે કે અમુક સંન્યાસી બની ગયા. વળી તેઓ માનતા હતા કે, તારણ તો પોતાનામાં રહેલા જ્ઞાનથી જ આવે છે. આમ તેઓએ બાઇબલના સત્યને ઠોકર મારી.

પરંતુ, જેઓ પોતાને ખ્રિસ્તી કહેતા હતા, શું તેઓએ આ જૂઠા શિક્ષણને માન્યું? અમુક ધાર્મિક માણસોએ આવા શિક્ષણનો વિરોધ કર્યો, જ્યારે કે અમુક એને વળગી રહ્યા. દાખલા તરીકે, આઈરીનીયસનો વિચાર કરો. તેણે આ જૂઠા શિક્ષણોનો સતત વિરોધ કર્યો. તેને પોલીકાર્પ, જે પ્રેષિતોનો સાથી હતો તેના દ્વારા સત્ય મળ્યું હતું. પોલીકાર્પે ઈસુ ખ્રિસ્ત અને તેમના પ્રેષિતોના શિક્ષણને વળગી રહેવા જણાવ્યું. આઈરીનીયસની જેમ, તેના મિત્ર ફ્લોરીનસે પણ પોલીકાર્પ પાસેથી તાલીમ મેળવી હતી. તેમ છતાં, ફ્લોરીનસ ધીમે ધીમે વાલેનટીનસ જે જૂઠા શિક્ષણનો ગુરુ હતો, તેના શિક્ષણની જાળમાં ફસાઈ ગયો. ખરેખર કેટલો ઘોર અંધકારનો સમય!

આવા સમયે, તાસેનના લખાણે ધાર્મિક વિચારો પર પ્રકાશ પાડ્યો. તાસેન બીજી સદીનો જાણીતો લેખક હતો. પરંતુ, તાસેન કોણ હતો? તે કઈ રીતે કહેવાતો ખ્રિસ્તી બન્યો? તેમ જ જૂઠા શિક્ષણની ગંદી હવા વાતી હતી ત્યારે તેણે શું કર્યું? જો કે આજે જેઓ સત્યને વળગી રહેવા ચાહે છે તેઓ માટે, તાસેનના અદ્‍ભુત લખાણો અને તેનો દાખલો, એક કિંમતી બોધપાઠ છે.

“અમુક જુદી જ લિપીનાં લખાણો” મળ્યાં

તાસેન સીરિયા દેશનો હતો. તેણે ઘણી જ મુસાફરી કરી હતી. તેમ જ તેને વાંચનનો પુષ્કળ શોખ હતો. તેથી, તેને એ સમયની ગ્રીક અને રોમન સંસ્કૃતિનું ઘણું જ જ્ઞાન હતું. તાસેન રોમમાં એક પ્રવાસી તરીકે, પ્રવચન આપવા ગયો હતો. એ રોમમાં હતો ત્યારે, તેને ખ્રિસ્તી ધર્મમાં રસ પડ્યો. તેથી, તે જસ્ટીન માર્ટર સાથે ભળવા માંડ્યો, જેથી તે તેનો શિષ્ય બની શકે.

તાસેન કહેવાતો ખ્રિસ્તી બન્યો ત્યારે તેણે કહ્યું: “હું સત્ય શોધવા માટે ફાંફાં મારતો હતો.” બાઇબલની કલમો વાંચ્યા બાદ તેની આંખો ખુલી અને તેણે કહ્યું: “મને અમુક એવા લખાણો મળ્યા, જે ગ્રીક લોકોના વિચારોથી સાવ જૂના હતા. વળી, ગ્રીક લખાણોમાં જે ભૂલો હતી, એવી ભૂલો આ લખાણોમાં જરાય ન હતી; એની સરળ ભાષા અને લેખકની વફાદારીથી હું ચકિત થઈ ગયો. વળી, ભવિષ્યમાં થનારા બનાવો વિષે તેઓએ જે લખ્યું હતું એ પર મને પૂરો વિશ્વાસ બેઠો, તેમ જ તેઓના શિક્ષણ અને આખી દુનિયા પર રાજ કરનાર ફક્ત એક જ પરમેશ્વર છે એવી સમજણથી, મારો વિશ્વાસ એકદમ પાક્કો થયો.”

તાસેને તેના સાથીઓને, એ સમયના ખ્રિસ્તી ધર્મનું લખાણ કેટલું સરળ અને સમજી શકાય એવું સ્પષ્ટ હતું એ જોવા માટે બોલાવ્યા. વળી તેણે, એ લખાણને જૂઠા ધર્મમાં ચાલી રહેલા અંધેર સાથે સરખાવવા પણ પોતાના સાથીઓને કહ્યું. પરંતુ, તાસેનના લખાણોથી આપણે શું શીખી શકીએ છીએ?

તાસેનનાં લખાણો

તાસેનનાં લખાણો બતાવે છે કે તે ધાર્મિક હતો અને તેણે તેની ધાર્મિક માન્યતાનો હિંમતથી બચાવ કર્યો. તેને જૂઠી ફિલસૂફી પ્રત્યે સખત નફરત હતી. તેણે તેના પુસ્તક, ગ્રીક લોકોને સંદેશો (અંગ્રેજી)માં જૂઠા ધર્મને ઉઘાડા પાડ્યા અને કહેવાતા ખ્રિસ્તી ધર્મના રિવાજો વિષે જણાવ્યું. તેનું લખાણ ખૂબ જ કડક શબ્દોમાં હતું. એ જ બતાવે છે કે તેને ગ્રીક રિવાજો માટે કેટલી નફરત હતી! દાખલા તરીકે, ફિલસૂફ હીરાક્લિટસ માટે તેણે કહ્યું: “હીરાક્લિટસનું મરણ જ બતાવે છે કે તે કેટલો મૂરખ હતો. તે ફિલસૂફ હતો તેમ જ તેને દવાઓનું પણ ઘણું જ્ઞાન હતું. તેમ છતાં, તે જલંદરના રોગથી મરી ગયો. કઈ રીતે? તે દવા દારૂ કરવાનું જાણતો હોવા છતાં ગાયના છાણનું પ્લાસ્ટર કર્યું. એનાથી તેનું શરીર એકદમ જકડઈ ગયું અને તે આ રોગનો ભોગ બન્યો. તેનું આખું શરીર ફાટવા મંડ્યું અને છેવટે તે મરી ગયો.”

તાસેન માનતો હતો કે ફક્ત એક જ પરમેશ્વર છે જેમણે આખી દુનિયા બનાવી છે. (હેબ્રી ૩:૪) ઉપર જણાવેલા પુસ્તકમાં તેણે પરમેશ્વરને “આત્મા” કહ્યા અને લખ્યું કે: “તેમની કોઈ જ શરૂઆત નથી પણ તેમનાથી આ સૃષ્ટિની શરૂઆત થઈ.” (યોહાન ૪:૨૪; ૧ તીમોથી ૧:૧૭) વળી, તાસેન મૂર્તિપૂજાને પણ સખત નફરત કરતો હતો. તેથી, તેણે કહ્યું: “હું લાકડાંઓને અને પથ્થરોને કઈ રીતે પરમેશ્વર કહી શકું.” (૧ કોરીંથી ૧૦:૧૪) તે માનતો હતો કે, પિતા સ્વર્ગમાં રહે છે અને તેમણે સૌથી પહેલા શબ્દ અથવા લોગોસ બનાવ્યો અને તે આખી દુનિયા બનાવવામાં પિતાની સાથે હતો. (યોહાન ૧:૧-૩; કોલોસી ૧:૧૩-૧૭) તે ઉપરાંત પસંદ કરેલા સમયે પાછું જીવન આપવામાં આવશે, એ વિષે તાસેને કહ્યું: “આપણે માનીએ છીએ કે આ બધાનો અંત આવશે પછી જ દરેક વ્યક્તિઓને સજીવન કરવામાં આવશે.” વળી, આપણે શા માટે મરણ પામીએ છીએ એ વિષે તાસેને લખ્યું: “આપણે મરણ પામીએ એટલા માટે બનાવવામાં આવ્યા નથી. પણ આપણે પોતાના પાપોને લીધે મરીએ છીએ. આપણે પોતાની મરજી પ્રમાણે જીવવા ચાહતા હતા અને એણે જ આપણો જીવ લઈ લીધો; આપણે કોઈ જ જાતના બંધનમાં ન હતા, પરંતુ હવે આપણે પાપને વેચાઈ ગયા છે અને એના ગુલામ બની ગયા છે.”

જો કે તાસેને જે આત્મા વિષે સમજાવ્યું એમાં બહુ જ ગૂંચવણ છે. તેણે કહ્યું: “અરે ઓ ગ્રીક લોકો, આત્મા અમર નથી પણ મરે છે. તેમ છતાં, એમ બની શકે છે કે તે કદી મરે નહિ. જો આત્મા સત્ય નહિ જાણતો હોય તો ચોક્કસ મરશે અને શરીરની સાથે તેનો પણ નાશ થશે. પરંતુ આ દુનિયાના અંતે, આત્મા શરીર સાથે પાછો ઊઠે છે અને અમર રહી મરણની સજા ભોગવે છે.” અહિંયા તાસેન શું કહેવા માંગે છે એની કંઈ જ ખબર પડતી નથી. શું એમ બની શકે કે, બાઇબલ સિદ્ધાંતોને વળગી રહેવાની સાથે સાથે, તે તેના સાથીઓને પણ ખુશ કરવા માંગતો હતો અને તેથી તેણે બાઇબલના સત્યને, જૂઠી ફિલસૂફીઓ સાથે ખીચડી કરી નાખી હોય?

તાસેનનું બીજું જાણીતું લખાણ ડાએટેસ્સારોન અથવા ચાર સુવાર્તાઓનું મિશ્રણ (અંગ્રેજી) છે. તાસેન પહેલો વ્યક્તિ હતો જેણે સીરિયા મંડળને, તેઓની પોતાની ભાષામાં સુવાર્તાનું પુસ્તક આપ્યું. આ પુસ્તકમાં તેણે ચારેય સુવાર્તાને ભેગી કરી એક વાર્તાની જેમ લખી છે. તેથી આ પુસ્તક ઘણું જ જાણીતું બન્યું. તેમ જ, આ પુસ્તકનો સીરિયન ચર્ચના લોકો ઉપયોગ કરતા હતા.

તાસેન ખ્રિસ્તી હતો કે ધર્મત્યાગી

તાસેનના લખાણોને બરાબર વાંચીએ તો જાણવા મળે છે કે, તે બાઇબલની દરેક કલમોથી જાણીતો હતો અને તેને કલમો માટે ઘણું જ માન હતું. એ કલમોથી તેના જીવન પર શું અસર પડી એ તેણે લખ્યું: “મને અમીર થવાની જરાય પડી નથી; હું લશ્કરી અધિકારી બનવા નથી માંગતો; હું વ્યભિચારને ધિક્કારું છું; હું નાવિક બની કોઈ વેપાર કરી પૈસા કમાવવા નથી માંગતો; . . . મને પોતાના વખાણ કરવાની જરાય ભૂખ નથી; . . . એક જ સૂર્યથી બધાને તાપ મળે છે, અને એ જ રીતે દરેક મરણ પણ પામે છે, પછી ભલેને કોઈ અમીર બની જીવ્યું હોય કે પછી ગરીબ.” તાસેને આજીજી કરીને કહ્યું: “આ દુનિયાને તેમ જ એમાં રહેલી મૂર્ખ બાબતોને છોડી દો. ફક્ત પરમેશ્વર માટે જ જીવો અને તેમને શું ગમે છે એ સમજ્યા પછી તમારામાંથી જૂના સ્વભાવને કાઢી નાખો.”—માત્થી ૫:૪૫; ૧ કોરીંથી ૬:૧૮; ૧ તીમોથી ૬:૧૦.

વળી, ઓન પરફેક્શન અકોર્ડિંગ ટુ ધ ડોક્ટ્રીન ઓફ ધ સેવીઅર નામના તાસેનના બીજા એક પુસ્તકનો વિચાર કરો. આ પુસ્તકમાં તે લગ્‍નની ગોઠવણ માટે શેતાન પર આરોપ મૂકે છે. તે કહે છે કે, લગ્‍ન કરી તમે આ નષ્ટ થતી દુનિયાના ગુલામ બની જશો. આમ તાસેનને લગ્‍નથી સખત નફરત હતી.

ત્યાર પછી, લગભગ ઈસવી સન ૧૬૬માં જસ્ટીન માર્ટર મરણ પામ્યો. એ પછી, તાસેન એનક્રાઈટ્‌સ નામના સંન્યાસી પંથમાં જોડાયો હોય શકે અથવા તેણે પોતે એની સ્થાપના કરી હોય શકે. ગમે તે હોય પણ તેણે શીખવ્યું કે, પોતાના શરીર પર કાબૂ રાખવો જ જોઈએ. તેમ જ પોતા પર પૂરો સંયમ રાખવો જોઈએ. આ બાબતે, તેના હાથ નીચે કામ કરનારાઓએ તેની હામાં હા કરી. આમ તેઓ સંન્યાસી જીવન જીવવા લાગ્યા અને દારૂ, લગ્‍ન તેમ જ ધનથી દૂર રહેવા લાગ્યા.

આજે આપણા માટે બોધપાઠ

તાસેન તો ઘણો ધાર્મિક હતો તો પછી તે બાઇબલથી કઈ રીતે દૂર થઈ ગયો? શું તે “સાંભળીને ભૂલી જનાર” હતો? (યાકૂબ ૧:૨૩-૨૫) શું તાસેન જૂઠી કહાનીઓથી દૂર જવાને બદલે માનવ ફિલસૂફીને તાબે થઈ ગયો હશે? (કોલોસી ૨:૮; ૧ તીમોથી ૪:૭) શું તેનું મગજ ચસ્કી ગયું અને આટલી મોટી ભૂલો કરી બેઠો હશે?

ગમે તે હોય પણ તાસેનના લખાણો અને એ જે જીવન જીવ્યો, એના પરથી આપણે જોઈ શકીએ કે એ સમયની ધાર્મિક સ્થિતિ કેવી હતી. એ આપણને સાબિતી આપે છે કે આ જગતની ફિલસૂફી કેટલી ખતરનાક છે. તેથી, ચાલો આપણે પ્રેષિત પાઊલના શબ્દોને બરાબર મનમાં ઠસાવી લઈએ જે કહે છે કે, “અધર્મી વાતો અને કેટલાક માણસો જેને ભૂલથી “જ્ઞાન” કહે છે તે વિષેની મૂર્ખતાભરી ચર્ચાઓથી દૂર રહે.”—૧ તીમોથી ૬:૨૦, પ્રેમસંદેશ.