સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દૃઢ બનો અને જીવનની દોડ જીતો

દૃઢ બનો અને જીવનની દોડ જીતો

દૃઢ બનો અને જીવનની દોડ જીતો

ધારો કે તમે તોફાની સમુદ્રમાં મુસાફરી કરવાના છો. તો તમે કયા પ્રકારના વહાણમાં જશો? શું તમે નાની હોડીમાં જવાનું પસંદ કરશો કે તોફાનમાં ટકી રહે એવા વહાણમાં? ચોક્કસ તમે એવા વહાણમાં જશો, કેમ કે એવું વહાણ સમુદ્રના તોફાની મોજાનો સામનો કરી શકશે.

એવી જ રીતે, આજે આપણે તોફાની અને એકદમ ખરાબ જગતમાં જીવી રહ્યા છીએ ત્યારે એવા સમયે આવતી મુશ્કેલીઓનો આપણે સામનો કરવો જ પડે છે. દાખલા તરીકે, યુવાનોનો વિચાર કરો. તેઓ આ જગતના વિચારો અને વલણથી ગૂંચવાઈ ગયા છે કે તેઓએ શું કરવું અને શું ન કરવું. એમાંય વળી હમણાં જ બાઇબલ શીખવાનું શરૂ કર્યું હોય તેઓ માટે તો ઘણું જ અઘરું છે. તેમ જ, લાંબા સમયથી પરમેશ્વરની સેવા કરી રહેલાઓએ પોતે આશા રાખી હોય એ પ્રમાણે ન થાય ત્યારે તેઓની પણ કસોટી થાય છે.

આવું બધું બને એ કંઈ નવી બાબત નથી. આવી બાબતો તો, એક સમયે મુસા, અયૂબ અને દાઊદ જેવા યહોવાહ પરમેશ્વરના વિશ્વાસુ સેવકોએ પણ અનુભવી હતી. (ગણના ૧૧:૧૪, ૧૫; અયૂબ ૩:૧-૪; ગીતશાસ્ત્ર ૫૫:૪) તેમ છતાં, તેઓ જે રીતે જીવન જીવ્યા એ બતાવે છે કે તેઓ યહોવાહની સેવામાં મક્કમ રહ્યા. તેઓના ઉદાહરણથી આપણને યહોવાહની સેવા કદી પડતી ન મૂકવા ઉત્તેજન મળે છે. પરંતુ, શેતાન નથી ઇચ્છતો કે આપણને અનંતજીવન મળે. (લુક ૨૨:૩૧) તો પછી, કઈ રીતે આપણે “વિશ્વાસમાં દૃઢ” રહી શકીએ? (૧ પીતર ૫:૯) તેમ જ, આપણા ભાઈબહેનોને પણ દૃઢ રહેવા કઈ રીતે મદદ કરી શકીએ?

યહોવાહ ઇચ્છે છે કે આપણે દૃઢ રહીએ

આપણે યહોવાહને વફાદાર રહીશું તો, તે આપણને ગમે તેવી મુશ્કેલીઓનો પણ સામનો કરવા મદદ કરશે. ગીતશાસ્ત્રના લેખક, દાઊદે ઘણી જ મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. પરંતુ, તેમણે યહોવાહમાં ભરોસો રાખ્યો અને લખ્યું: “[યહોવાહે] મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો; તેણે મારા પગ ખડક પર ગોઠવ્યા, અને મારાં ડગલાં સ્થિર કર્યાં.”—ગીતશાસ્ત્ર ૪૦:૨.

યહોવાહ આપણને વિશ્વાસની સારી લડાઈ લડવામાં મદદ કરે છે જેથી આપણે ‘અનંતજીવનને દૃઢતાથી વળગી રહીએ.’ (૧ તીમોથી ૬:૧૨, IBSI) આપણે દૃઢ રહીએ અને વિશ્વાસની લડાઈ જીતીએ માટે યહોવાહ બધી જ મદદ પૂરી પાડે છે. પ્રેષિત પાઊલે ભાઈબહેનોને ઉત્તેજન આપ્યું: “પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાકાતવાન બનો. જેથી શેતાનની દુષ્ટ ચાલાકીઓનો તમે સામનો કરી શકો માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો.” (એફેસી ૬:૧૦-૧૭, પ્રેમસંદેશ) પરંતુ, કઈ બાબત આપણને યહોવાહથી દૂર લઈ જઈ શકે? વળી, આપણે કઈ રીતે આવી બાબતોનો સામનો કરી શકીએ?

ખોટા રસ્તે જવાથી સાવધ રહો

આપણે જીવનમાં ઘણા જ નિર્ણયો લેવા પડે છે. જેમ કે, યુવાનોને પોતાનું ભવિષ્ય ઘડવામાં, સારી ડિગ્રી લેવામાં કે લગ્‍ન જેવી બાબતમાં નિર્ણય લેવાના હોય છે. જ્યારે કે મોટી ઉંમરની વ્યક્તિઓએ નક્કી કરવાનું હોય છે કે તેઓ બીજી કોઈ જગ્યાએ રહેવા જશે? તેઓ બીજી વધારાની નોકરી કરશે? તેમ જ, આપણે સમયનો કઈ રીતે ઉપયોગ કરીશું અને એવી બીજી ઘણી બાબતો માટે દરરોજ નિર્ણય લેવો પડે છે. પરંતુ, કઈ બાબત આપણને યોગ્ય નિર્ણય લેવા મદદ કરશે, જેથી આપણે યહોવાહના સેવકો તરીકે દૃઢ રહી શકીએ? જો કે એક બાબતને ધ્યાનમાં રાખવી સારી છે: આપણે જે નિર્ણય લઈશું એનાથી, યહોવાહ સાથેના સંબંધમાં સારી કે ખરાબ અસર પડી શકે છે. લાંબા સમયથી યહોવાહની સેવા કરી રહેલા એક બહેને કહ્યું: “હું નિર્ણય લેતા પહેલાં યહોવાહની મદદ માંગતી. હું માનું છું કે બાઇબલ અને બાઇબલને લગતા મેગેઝિનમાંથી, મિટિંગોમાં તેમ જ વડીલો દ્વારા મળતી સલાહ ઘણી જ મહત્ત્વની છે. તેથી, એને જીવનમાં લાગુ પાડવી જ જોઈએ.”

આપણે નિર્ણયો લેતી વખતે પોતાને પૂછવું જોઈએ: ‘હું આજે જે નિર્ણય લઈ રહ્યો છું એનાથી, શું આજથી પાંચ કે દસ વર્ષ પછી હું ખુશ હોઈશ? કે પછી એ નિર્ણયના લીધે હું પસ્તાવો કરતો હોઈશ? શું હું એવા નિર્ણય લેતા પહેલાં વિચારી જોઉં છું કે મારો નિર્ણય યહોવાહ સાથેના મારા સંબંધને વધારે દૃઢ કરશે કે કમજોર બનાવશે?’—ફિલિપી ૩:૧૬.

કેટલાક ભાઈબહેનો લાલચમાં ફસાઈને અથવા અમુક તો જાણીજોઈને, યહોવાહના નિયમો તોડે છે. તેઓ પોતાનાં પાપોનો પસ્તાવો કરવાને બદલે ખોટા માર્ગ પર ચાલે છે ત્યારે, તેઓને બહિષ્કૃત એટલે કે મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. તેઓ મંડળમાં પાછા આવવા સખત મહેનત કરે છે. પરંતુ, હજુ પણ એવુંને એવું જ જીવન જીવવાનું ચાલુ રાખતા હોવાથી તેઓને થોડા જ સમય પછી ફરી મંડળમાંથી કાઢી મૂકવામાં આવે છે. શું તેઓએ ‘ભૂંડાનો ધિક્કાર કરી, સારાને વળગી રહેવા’ યહોવાહ પાસે મદદ નહિ માંગી હોય? (રૂમીઓને પત્ર ૧૨:૯; ગીતશાસ્ત્ર ૯૭:૧૦) ગમે તે હોય, પણ આપણે બધાએ ‘સીધા અને સરળ માર્ગ ઉપર આગળ વધવાની’ જરૂર છે. (હેબ્રી ૧૨:૧૩, IBSI) પરંતુ, યહોવાહ સાથે સંબંધ દૃઢ કરવા આપણને શું મદદ કરી શકે? એ માટે ચાલો આપણે કેટલાક મુદ્દાઓનો વિચાર કરીએ.

યહોવાહના કામમાં મંડ્યા રહો

યહોવાહના કામમાં મંડ્યા રહેવા માટે પહેલું પગથિયું છે, રાજ્ય પ્રચાર કાર્ય. ખરેખર પ્રચારમાં વ્યસ્ત રહેવાથી આપણે જીવનની દોડમાં સતત આગળ વધતા રહીએ છીએ. તેમ જ એ આપણા મન અને હૃદયને, ફક્ત યહોવાહની જ ઇચ્છા પ્રમાણે કરવા મદદ કરશે. એટલું જ નહિ, કાયમનું જીવન મેળવવા માટે પણ મદદ કરશે. આ બાબતમાં, પાઊલે કોરંથીઓને ઉત્તેજન આપ્યું: “મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દૃઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યા રહો, કેમકે તમારૂં કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.” (૧ કોરીંથી ૧૫:૫૮) ‘દૃઢનો’ અર્થ ‘મક્કમ અથવા ટકાઉ’ થાય છે. “સ્થિર” શબ્દનો અર્થ મૂળ ભાષામાં ‘લંગરની મજબૂત પકડ’ થાય છે. તેથી, જો આપણે પ્રચાર કામમાં વ્યસ્ત રહીશું તો એનાથી યહોવાહ સાથેનો આપણો સંબંધ દૃઢ બનશે. વળી, બીજાઓને યહોવાહ વિષે શીખવીને, આપણને જીવનનો હેતુ મળે છે તેમ જ ખુશી મળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫.

પોલીન નામની બહેન ૩૦ વર્ષોથી મિશનરિ તરીકે પૂરા સમયનું પ્રચાર કાર્ય કરી રહી છે. તે કહે છે: “પ્રચાર કાર્ય મને રક્ષણ આપે છે કારણ કે એનાથી મારો વિશ્વાસ દૃઢ થાય છે કે, મારી પાસે સત્ય છે.” એ જ રીતે, જો આપણે નિયમિત મિટિંગમાં જઈશું અને મન લગાડીને બાઇબલનો અભ્યાસ કરીશું, તો એનાથી પણ આપણો વિશ્વાસ દૃઢ થશે.

ભાઈબહેનોનો પ્રેમ દૃઢ કરે છે

આપણે આખા વિશ્વમાં ફેલાયેલી યહોવાહની સંસ્થાનો એક ભાગ છીએ, એનાથી પણ આપણને દૃઢ રહેવા મદદ મળે છે. ખરેખર, આવા ભાઈચારાનો ભાગ બનવું એ કેટલો મોટો લહાવો છે! (૧ પીતર ૨:૧૭) વળી જો આપણે દૃઢ રહીશું તો, આપણા ભાઈબહેનો પર પણ એની અસર થશે.

અયૂબે લોકોને કેવી મદદ કરી એનો વિચાર કરો. તેમના પર જૂઠો આરોપ લગાવનાર અલીફાસે પણ કબૂલવું પડ્યું: “તારા શબ્દોએ પડતા જનને ટટાર રાખ્યો છે; અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.” (અયૂબ ૪:૪) શું આપણે બીજાઓને મદદ કરી શકીએ? આપણા ભાઈબહેનો યહોવાહની સેવા કદી પડતી ન મૂકે, તેથી તેઓને મદદ કરવાની જવાબદારી આપણા દરેકની છે. આપણે ભાઈબહેનો સાથે હોઈએ ત્યારે, બાઇબલમાં જણાવ્યા પ્રમાણે કરી શકીએ: “ઢીલા હાથોને દૃઢ કરો, અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.” (યશાયાહ ૩૫:૩) તેથી ચાલો એક ધ્યેય રાખીએ કે, ઓછામાં ઓછા એક કે બે ભાઈબહેનને, જ્યારે પણ મળીએ ત્યારે તેઓને દૃઢ કરીએ અને ઉત્તેજન આપીએ. (હેબ્રી ૧૦:૨૪, ૨૫) વળી, યહોવાહની સેવાને તેઓ વળગી રહ્યા, એ માટે તેઓની પૂરા દિલથી પ્રશંસા કરવાથી તેઓને દૃઢ રહેવામાં મદદ મળશે. તેમ જ, જીવનની દોડ પૂરી કરવામાં તેઓને મદદ મળશે.

હજુ તો બાઇબલ શીખી જ રહ્યા હોય તેઓને મંડળના વડીલો ઘણું જ ઉત્તેજન આપી શકે છે. તેઓ તેમની સાથે પ્રચારમાં જઈ શકે છે. તેમ જ, તેઓને મદદ કરે એવાં સૂચનો આપીને અને બાઇબલમાંથી સલાહ આપીને પણ ઉત્તેજન આપી શકે છે. પ્રેષિત પાઊલ હંમેશાં બીજાઓને ઉત્તેજન આપવાની તક ઝડપી લેતા હતા. તે રોમના ભાઈબહેનોને મળવા ખૂબ જ આતુર હતા, જેથી તે તેઓને યહોવાહની સેવામાં વધુ દૃઢ કરી શકે. (રૂમીઓને પત્ર ૧:૧૧) વળી પાઊલ, ફિલિપીમાંના ભાઈબહેનોને “આનંદ તથા મુગટરૂપ” જેવા ગણે છે. તેમ જ, તેઓને ‘પ્રભુમાં સ્થિર રહેવાની’ સલાહ પણ આપી. (ફિલિપી ૪:૧) થેસ્સાલોનીકીના ભાઈબહેનો મુશ્કેલીમાં છે એવું સાંભળીને પાઊલે તીમોથીને તરત જ ત્યાં મોકલ્યા. જેથી, તીમોથી ‘તેઓને દૃઢ કરે તથા વિશ્વાસમાં તેઓને ઉત્તેજન આપે, અને વિપત્તિને લીધે કોઈ ડગી ન જાય.’—૧ થેસ્સાલોનીકી ૩:૧-૩.

પોતાના સાથી ભાઈબહેનો યહોવાહની સેવા વિશ્વાસુ રીતે કરતા હતા, એની પ્રેષિત પાઊલે અને પીતરે ઘણી જ કદર કરી. (કોલોસી ૨:૫; ૧ થેસ્સાલોનીકી ૩:૭, ૮; ૨ પીતર ૧:૧૨) તેથી, ચાલો આપણે પણ પોતાના ભાઈબહેનોની કમજોરી પર નહિ, પરંતુ તેઓના સારા ગુણો પર ધ્યાન આપીએ. જેથી, અંત સુધી દૃઢ રહેવામાં અને યહોવાહને માન આપવામાં તેઓને મદદ મળે.

જો આપણે ભાઈબહેનોની ફક્ત ભૂલો જ કાઢ્યા કરીશું તો, વિશ્વાસમાં દૃઢ રહેવું તેઓ માટે અઘરું બની જશે. તેથી ચાલો હંમેશાં એ યાદ રાખીએ કે, આપણા ભાઈઓ આ જગતમાં “હેરાન થએલા તથા વેરાઇ ગએલા” છે! (માત્થી ૯:૩૬) વળી, મિટિંગો સિવાય તેઓને દિલાસો અને તાજગી બીજે ક્યાં મળી શકે! તેથી ચાલો આપણે ભાઈબહેનોને દિલાસો આપવા બનતું બધું જ કરીએ. તેમ જ, તેઓને યહોવાહના માર્ગમાં દૃઢ રહેવા મદદ કરીએ.

અમુક વખત બીજાઓ, આપણી સાથે ખરાબ રીતે વર્તતા હોય છે અથવા ખોટું લાગે એ રીતે બોલતા હોય છે. એના કારણે, આપણો વિશ્વાસ ડગમગી જઈ શકે છે. પરંતુ, શું ભાઈબહેનોના એવા વલણથી, આપણે યહોવાહની સેવામાં ધીમા પડી જવું જોઈએ? ના કદી નહિ. કોઈના લીધે આપણે યહોવાહની સેવામાં ઢીલા પડી જવું જોઈએ નહિ.—૨ પીતર ૩:૧૭.

યહોવાહના વચનો દૃઢ કરે છે

યહોવાહે નવી દુનિયામાં કાયમનું જીવન આપવાનું વચન આપ્યું છે. એ આશા પણ આપણને દૃઢ રહેવા મદદ કરે છે. (હેબ્રી ૬:૧૯) વળી, યહોવાહ તેમના વચનો પૂરા કરશે જ, એવી ખાતરી પણ આપણને ‘સાવધ રહેવા અને વિશ્વાસમાં દૃઢ રહેવા’ મદદ કરે છે. (૧ કોરીંથી ૧૬:૧૩; હેબ્રી ૩:૬) યહોવાહ તેમના અમુક વચનો પૂરા કરવામાં ઢીલ કરી રહ્યા છે, એવું વિચારવાથી આપણો વિશ્વાસ ડગમગી શકે. તેથી એ ખૂબ મહત્ત્વનું છે કે આપણે જૂઠાં શિક્ષણોથી સાવધ રહીએ. તેમ જ આપણી આશામાં પાછા ન પડીયે એ માટે મક્કમ રહેવું જોઈએ.—કોલોસી ૧:૨૩; હેબ્રી ૧૩:૯.

ઈસ્રાએલીઓના ખરાબ ઉદાહરણમાંથી આપણે બોધપાઠ શીખવો જોઈએ. તેઓએ યહોવાહના વચનોમાં વિશ્વાસ ન રાખ્યો તેથી તેઓનો નાશ થયો. (ગીતશાસ્ત્ર ૭૮:૩૭) તેઓના જેવા બનવાને બદલે, આપણે દૃઢ રહીએ. તેમ જ, આ છેલ્લા દિવસોમાં સમય બહુ ઓછો રહ્યો છે, તેથી વધારેને વધારે યહોવાહની સેવા કરીએ. એક વડીલે કહ્યું, “યહોવાહનો દિવસ કાલે આવશે એ રીતે હું મારું રોજનું જીવન જીવું છું.”—યોએલ ૧:૧૫.

યહોવાહનો દિવસ બહુ જ નજીક છે. પરંતુ, આપણે જરાય ડરવાની જરૂર નથી કારણ કે, યહોવાહ હંમેશાં આપણી સાથે છે. જો આપણે તેમના નિયમો પ્રમાણે જીવીશું તો, આપણે અનંત જીવનની દોડ જરૂર જીતીશું!—નીતિવચનો ૧૧:૧૯; ૧ તીમોથી ૬:૧૨, ૧૭-૧૯.

[પાન ૨૩ પર ચિત્ર]

ભાઈબહેનો દૃઢ રહે માટે તમે તેઓને બનતી બધી જ મદદ કરો છો?

[પાન ૨૧ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

The Complete Encyclopedia of Illustration/J. G. Heck