સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નુહ વિષે વાંચીને—આપણે શું શીખી શકીએ?

નુહ વિષે વાંચીને—આપણે શું શીખી શકીએ?

નુહ વિષે વાંચીનેઆપણે શું શીખી શકીએ?

ઈસુ પોતે યહોવાહના રાજ્યના રાજા બનશે, અને આ દુષ્ટ જગતનો અંત આવશે, એની નિશાની આપતા તેમણે કહ્યું: “નુહના સમયમાં થયું, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે.” (માત્થી ૨૪:૩, ૩૭) ઈસુએ જણાવ્યું કે જેવું નુહના જમાનામાં બનતું હતું, એવું જ આજે પણ બની રહ્યું છે. નુહના જમાનામાં આવેલા જળપ્રલય વિષેની ખરી અને ઝીણામાં ઝીણી માહિતી એક ખજાના જેવી સાબિત થઈ શકે છે.

શું નુહનો રેકોર્ડ ખરેખર ખજાના જેવો છે? શું એ સાચે જ ઇતિહાસમાં બની ગયો? શું આપણે ચોક્કસ કહી શકીએ કે જળપ્રલય ક્યારે આવ્યો હતો?

જળપ્રલય ક્યારે આવ્યો હતો?

એક પછી એક બનાવો જેમ બન્યા, એની નાની નાની માહિતી બાઇબલ આપે છે. એ માહિતી આપણને છેક માનવ ઇતિહાસની શરૂઆતમાં લઈ જાય છે. ઉત્પત્તિ ૫:૧-૨૯માં, આપણને પ્રથમ માણસ આદમથી માંડીને નુહના જન્મ સુધીની વંશાવળી જોવા મળે છે. પાણીનું પૂર અથવા જળપ્રલય ‘નુહના છસેંમા વર્ષે’ શરૂ થયો.—ઉત્પત્તિ ૭:૧૧.

જળપ્રલય ક્યારે આવ્યો એ જાણવા માટે, આપણે એક મહત્ત્વની તારીખથી ગણતરી કરવાની જરૂર છે. એ માટે આપણે એવો બનાવ જોઈએ જે દુનિયાના ઇતિહાસમાં અને બાઇબલમાં પણ લખાયેલો હોય. આવા બનાવથી આપણે ગણતરી શરૂ કરી શકીએ. પછી, આપણે જે કૅલેન્ડર વાપરીએ છીએ એના આધારે જળપ્રલય ક્યારે આવ્યો, એની તારીખ નક્કી કરી શકીએ.

એક એવી જ તારીખ ઈસવી સન પૂર્વે ૫૩૯ છે, જ્યારે ઈરાની રાજા કોરેશે બાબેલોન ઉથલાવી પાડ્યું હતું. તેના રાજ વિષેના દુન્યવી લખાણોમાં બાબેલોનની શિલાપાટીઓ અને ડાયોડોરસ, આફ્રિકેનસ, યુસીબસ અને ટોલમીના લખાણોનો સમાવેશ થાય છે. ઈસવી સન પૂર્વે ૫૩૭માં કોરેશના હુકમથી, યહુદીઓએ બાબેલોન છોડ્યું અને વતનમાં પાછા આવ્યા. એનાથી ૭૦ વર્ષથી ઉજ્જડ પડી રહેલા યહુદાહમાં જાણે કે ફરીથી પ્રાણ આવ્યો. બાઇબલ પ્રમાણે એ ઈ.સ. પૂર્વે ૬૦૭માં બન્યું. ઈસ્રાએલના રાજાઓ અને ન્યાયાધીશોના સમયની ગણતરી કરીને, આપણે નક્કી કરી શકીએ કે ઈસ્રાએલીઓ ઇજિપ્તમાંથી ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં નીકળ્યા હતા. આપણે ઈ.સ. પૂર્વે ૧૫૧૩થી ૪૩૦ વર્ષ પાછળ ગણીએ તો, બાઇબલ પ્રમાણે ઈ.સ. પૂર્વે ૧૯૪૩માં આવીએ છીએ. એ સમયે પરમેશ્વરે ઈબ્રાહીમ સાથે કરાર કર્યો હતો. પછી આપણે તેરાહ, નાહોર, સરૂગ, રેઉ, પેલેગ, હેબેર, શેલાહ અને આર્પાકશાદના જન્મ અને તેઓ કેટલા વર્ષ જીવ્યા એની નોંધ લઈએ. આર્પાકશાદનો જન્મ તો ‘જળપ્રલયને બે વર્ષ પછી જ’ થયો હતો. (ઉત્પત્તિ ૧૧:૧૦-૩૨) આમ, આપણે જોઈ શકીએ કે જળપ્રલય ઈ.સ. પૂર્વે ૨૩૭૦માં શરૂ થયો હતો. *

ભારે વરસાદ શરૂ થયો

આપણે નુહનો બનાવ જોઈએ એ પહેલાં, તમે ઉત્પત્તિ ૭:૧૧-૮:૪ વાંચી શકો. ભારે વરસાદ વિષે બાઇબલ જણાવે છે: “નુહના આયુષ્યના છસેંમા વર્ષના [ઈ.સ. પૂર્વે ૨૩૭૦] બીજા મહિનાને સત્તરમે દહાડે, તેજ દહાડે મોટા જળનિધિના ઝરા ફૂટી નીકળ્યા ને આકાશનાં દ્વારો ઊઘડી ગયાં.”—ઉત્પત્તિ ૭:૧૧.

નુહે વર્ષને ૧૨ મહિનામાં વહેંચી દીધા અને દરેક મહિનાને ૩૦ દિવસો હતા. નુહના જમાનામાં વર્ષનો પ્રથમ મહિનો જે હતો, એ આપણા કૅલેન્ડર પ્રમાણે લગભગ સપ્ટેમ્બરની વચ્ચેથી શરૂ થાય છે. “બીજા મહિનાને સત્તરમે દહાડે” ભારે વરસાદ પડવાનું શરૂ થયું. ત્યારથી ૪૦ દિવસ અને રાત વરસાદ પડ્યો. એ સમય ઈ.સ. પૂર્વે નવેમ્બર-ડિસેમ્બર ૨૩૭૦ હતો.

જળપ્રલય વિષે બાઇબલ એમ પણ કહે છે: “દોઢસો દહાડા લગી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું. . . . અને પૃથ્વી પરથી પાણી ઘટતાં જતાં હતાં, ને દોઢસો દહાડા પછી પાણી ઓસર્યા. અને સાતમા મહિનાને સત્તરમે દહાડે વહાણ અરારાટના પહાડો પર થંભ્યું.” (ઉત્પત્તિ ૭:૨૪-૮:૪) આમ, દોઢસો દિવસ એટલે કે પાંચ મહિના પછી પૃથ્વી પરથી પાણી ઓછું થવા લાગ્યું. વહાણ ઈ.સ. પૂર્વે ૨૩૬૯, એપ્રિલમાં અરારાટના પહાડો પર આવીને અટક્યું.

હવે તમે ઉત્પત્તિ ૮:૫-૧૭ વાંચી શકો. “દશમા મહિનાને [જૂનને] પહેલે દહાડે” એટલે કે અઢી મહિના (૭૩ દિવસ) પછી, પહાડોનાં શિખર દેખાયાં. (ઉત્પત્તિ ૮:૫) * ત્રણ મહિના (૯૦ દિવસ) પછી નુહે વહાણની બારી ખોલીને જોયું. એ સમય લગભગ ઈ.સ. પૂર્વે ૨૩૬૯, સપ્ટેમ્બર ૧૫ની આસપાસ હતો, જે નુહના ‘છસેં ને પહેલા વર્ષના પહેલા મહિનાનો પહેલો દહાડો’ હતો. ત્યાર પછી તે જોઈ શક્યા કે “પૃથ્વીની સપાટી સૂકી થઈ હતી.” (ઉત્પત્તિ ૮:૧૩) એક મહિના અને ૨૭ દિવસ (૫૭ દિવસ) પછી, “બીજા મહિનાને સત્તાવીસમે દહાડે [ઈ.સ. પૂર્વે ૨૩૬૯, નવેમ્બર ૧૫ની આસપાસ] ભૂમિ કોરી થઈ હતી.” નુહ અને તેમનું કુટુંબ વહાણમાંથી બહાર નીકળ્યું. આમ, નુહ અને તેમનું કુટુંબ એક વર્ષ અને દસ દિવસ (૩૭૦ દિવસ જેટલું) વહાણમાં રહ્યા.—ઉત્પત્તિ ૮:૧૪.

આ સાચા બનાવોની માહિતી અને સમય શું સાબિત કરે છે? એ સાબિત કરે છે કે, ઈશ્વર ભક્ત મુસાએ ઉત્પત્તિનું પુસ્તક લખતી વખતે કંઈ ગપ્પાં માર્યા ન હતા. પરંતુ, તેમને અપાયેલી માહિતીને આધારે હકીકતો રજૂ કરી હતી. તેથી, એ જળપ્રલય કે પાણીના પૂરનો બનાવ આજે ઘણો મહત્ત્વનો છે.

બાઇબલના બીજા લેખકો શું કહે છે?

ફક્ત ઉત્પત્તિના પુસ્તકમાં જ નહિ, પણ નુહ અને જળપ્રલય વિષે બાઇબલમાં બીજી ઘણી વાર જણાવાયું છે. ચાલો અમુક દાખલા જોઈએ:

(૧) એઝરાએ સંશોધન કરીને ઈસ્રાએલની વંશાવળી આપી. એમાં, નુહ અને તેમના ત્રણ પુત્રોનું (શેમ, હામ અને યાફેથનું) નામ પણ મળી આવે છે.—૧ કાળવૃત્તાંત ૧:૪-૧૭.

(૨) ડૉક્ટર અને લેખક લુકે, ઈસુ ખ્રિસ્તના બાપ-દાદાઓના નામમાં નુહનું નામ પણ આપ્યું.—લુક ૩:૩૬.

(૩) પ્રેષિત પીતરે ખ્રિસ્તીઓને લખેલા પત્રોમાં, એકથી વધારે વાર જળપ્રલય વિષે જણાવ્યું.—૨ પીતર ૨:૫; ૩:૫, ૬.

(૪) પ્રેષિત પાઊલે જણાવ્યું કે, નુહે કઈ રીતે પોતાના કુટુંબના બચાવ માટે વહાણ બાંધ્યું અને દૃઢ વિશ્વાસ બતાવ્યો.—હેબ્રી ૧૧:૭.

ખરેખર, એમાં કોઈ શંકા છે કે જળપ્રલય થયો હતો એવું બાઇબલના આ લેખકો માને છે?

ઈસુનું શું કહેવું છે?

ઈસુ ખ્રિસ્તે માનવ તરીકે જન્મ લીધો, એનાં હજારો વર્ષો અગાઉથી તે સ્વર્ગમાં જીવતા હતા. (નીતિવચનો ૮:૩૦, ૩૧) તેથી, પૃથ્વી પર પૂર આવ્યું હતું ત્યારે તેમણે નજરે જોયું હોવાથી, તે નુહ અને જળપ્રલય વિષે બાઇબલમાં જોરદાર સાક્ષી આપે છે. ઈસુએ કહ્યું: ‘જેમ નુહના સમયમાં થયું, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમકે જેમ જળપ્રલયની અગાઉ નુહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા, ને પરણતા-પરણાવતા હતા; અને જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે.’—માત્થી ૨૪:૩૭-૩૯.

આ દુષ્ટ જગતના અંતની ચેતવણી આપવા, શું ઈસુ એક બનાવટી વાર્તાનો ઉપયોગ કરે? ના રે ના! આપણને ખાતરી છે કે ઈસુએ કોઈ વાર્તા નહિ, પણ હકીકત જણાવી હતી, જેમાં પરમેશ્વરે દુષ્ટોનો વિનાશ કર્યો. ખરું કે ઘણા લોકો મરણ પામ્યા, પણ નુહ અને તેમનું કુટુંબ બચી ગયું. એનાથી આપણને કેટલો દિલાસો મળે છે!

નુહના જમાનામાં જે બન્યું એનું આજે ઘણું મહત્ત્વ છે. આપણે જોયું તેમ, બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકમાં જળપ્રલયનો અહેવાલ મળે છે. નુહનો એ રેકોર્ડ આપણે વાંચીએ ત્યારે, આ હકીકત છે, એવો ભરોસો રાખીએ. નુહ અને તેમના કુટુંબે માનવ બચાવ માટેની પરમેશ્વરની ગોઠવણમાં ભરોસો મૂક્યો. એ જ રીતે, આપણે પણ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા થતા બચાવની, યહોવાહની ગોઠવણમાં ભરોસો રાખીએ. (માત્થી ૨૦:૨૮) નુહનો રેકોર્ડ બતાવે છે કે તે અને તેનું કુટુંબ એ જમાનામાં આવેલા પાણીના પૂરથી બચી ગયું. એવી જ રીતે, આપણે પણ આ દુષ્ટ જગતના અંતથી બચી શકીએ, એવી આશાનું કિરણ દેખાય છે.

[ફુટનોટ્‌સ]

^ જળપ્રલયની તારીખ વિષે વધારે જાણવા, યહોવાહના સાક્ષીઓનું ઈન્સાઈટ ઓન ધ સ્ક્રિપ્ચર્સ વોલ્યુમ ૧, પાન ૪૫૮-૬૦ જુઓ.

^ કીલ ડીલીત્ઝ કોમેન્ટરી ઓન ધ ઓલ્ડ ટૅસ્ટામેન્ટ, વોલ્યુમ ૧ પાન ૧૪૮ બતાવે છે: “વહાણ ૭૩ દિવસ અરારાટના પહાડોની ટોચ પર, એટલે કે એ જેનાથી ઘેરાયેલું હતું એવી આર્મેનિયન ટેકરીઓ પર રહ્યું હોય શકે.”

[પાન ૫ પર બોક્સ]

શું તેઓ એટલું લાંબું જીવ્યા હતા?

બાઇબલ કહે છે: ‘નુહના સર્વ દહાડા સાડી-નવસેં વર્ષ હતાં પછી તે મરી ગયા.’ (ઉત્પત્તિ ૯:૨૯) નુહના દાદા મથૂશેલાહ ૯૬૯ વર્ષ જીવ્યા. તે સૌથી વધારે લાંબું જીવ્યા હતા. આદમ અને નુહ વચ્ચેની દસ પેઢીઓની સરેરાશ ઉંમર ૮૫૦ વર્ષ કરતાં વધારે હતી. (ઉત્પત્તિ ૫:૫-૩૧) શું એ સમયના લોકો એટલું લાંબું જીવતા હતા?

પરમેશ્વરનો મૂળ હેતુ એ હતો કે માનવ કાયમ માટે જીવે. એ જ હેતુથી પરમેશ્વરે પ્રથમ માણસ આદમને બનાવ્યો હતો. એ માટે તેણે પરમેશ્વરનું કહેવું માનવાનું હતું. (ઉત્પત્તિ ૨:૧૫-૧૭) પરંતુ, આદમે પરમેશ્વરની આજ્ઞા તોડી અને એ તક ગુમાવી બેઠો. આદમ ૯૩૦ વર્ષ જીવ્યો અને ધીમે ધીમે તેને ઘડપણ આવતું ગયું. પછી આખરે તે મરણ પામ્યો. તે ધૂળમાંથી આવ્યો હતો અને એમાં જ પાછો મળી ગયો. (ઉત્પત્તિ ૩:૧૯; ૫:૫) આદમે પોતાનાં બાળકોને પાપ અને મરણ વારસામાં આપ્યું.—રૂમીઓને પત્ર ૫:૧૨.

જોકે, ત્યારે લોકો સંપૂર્ણતાની નજીક હતા, એટલે આદમની જેમ લાંબું જીવતા હતા. આમ, જળપ્રલય પહેલાંના લોકોની ઉંમર હજાર વર્ષની પાસે પાસે પહોંચતી. પરંતુ, ત્યાર પછી મનુષ્યોની ઉંમરમાં એકાએક ઘટાડો થયો. દાખલા તરીકે, ઈબ્રાહીમ ફક્ત ૧૭૫ વર્ષ જીવ્યા. (ઉત્પત્તિ ૨૫:૭) ઈશ્વર ભક્ત ઈબ્રાહીમનું મરણ થયું, એના લગભગ ૪૦૦ વર્ષ પછી, પ્રબોધક મુસાએ લખ્યું: “અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય, તોપણ તેઓનો ગર્વ શ્રમ તથા દુઃખમાત્ર છે.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૦) આજે પણ મનુષ્યોની ઉંમર લગભગ એટલી જ છે.

[ચાર્ટ/પાન ૬, ૭ પર ચિત્રો]

કોરેશે યહુદીઓને છોડ્યા એ પહેલાંનો ઇતિહાસ જે નુહના સમય સુધી જાય છે

૫૩૭ કોરેશનો હુકમ *

૫૩૯ કોરેશે બાબેલોનને હરાવી નાખ્યું

૬૮ વર્ષો

૬૦૭ યહુદાહની ઉજ્જડ હાલતનાં ૭૦ વર્ષ શરૂ થયાં

આગેવાનો,

ન્યાયાધીશો અને

ઈસ્રાએલના રાજાઓએ

કરેલી દેખરેખનાં

૯૦૬ વર્ષ

૧૫૧૩ મિસર કે ઇજિપ્તમાંથી બહાર નીકળવું

૪૩૦ વર્ષો ઈસ્રાએલીઓ ઇજિપ્ત અને કનાન

દેશમાં રહ્યા એ ૪૩૦ વર્ષ

(નિર્ગમન ૧૨:૪૦, ૪૧)

૧૯૪૩ ઈબ્રાહીમ સાથે થયેલા કરારની શરૂઆત

૨૦૫ વર્ષો

૨૧૪૮ તેરાહનો જન્મ

૨૨૨ વર્ષો

૨૩૭૦ જળપ્રલયની શરૂઆત

[ફુટનોટ]

^ “ઇરાનના રાજા કોરેશને પહેલે વર્ષે,” તેણે યહુદીઓને ગુલામીમાંથી છોડ્યા. એ ઈ.સ. પૂર્વે ૫૩૮ કે ૫૩૭ની શરૂઆત હોય શકે.