આવો આનંદ બીજે ક્યાંથી મળે!
મારો અનુભવ
આવો આનંદ બીજે ક્યાંથી મળે!
રેજીનાલ્ડ વોલવર્કના જણાવ્યા પ્રમાણે
“આ દુનિયામાં એવું કંઈ જ નથી જે અમને મિશનરી તરીકે યહોવાહની સેવામાં મળેલા આનંદ કરતાં વધુ આપી શકે. ખરેખર, એવો અનેરો આનંદ બીજે ક્યાંથી મળી શકે!” મારી પત્ની મે, ૧૯૯૪માં મરણ પામી એના થોડા જ સમય પછી મેં આમ લખેલી ચિઠ્ઠી તેની ડાયરી કે પત્રોમાં જોઈ.
હું મારી પત્ની આઈરીનના એ શબ્દો પર વિચાર કરું છું ત્યારે, મને પેરુમાં મિશનરી તરીકે ગાળેલા ૩૭ વર્ષો યાદ આવી જાય છે. ઓહ, શું એ દિવસો હતા! અમને એ વર્ષોમાં જે ખુશી અને સંતોષ મળ્યા એ હું ક્યારેય ભૂલીશ નહિ. અમે ડિસેમ્બર, ૧૯૪૨માં લગ્ન કર્યા પછી, ખ્રિસ્તી પતિ-પત્ની તરીકેના અમારા અમૂલ્ય લગ્નજીવનની મહેક અમારા સંબંધોમાં છેક સુધી ટકી રહી હતી. ચાલો, હું તમને આઈરીન વિષે જ પહેલાં જણાવું.
આઈરીનનો જન્મ ઈંગ્લેન્ડના લિવરપુલમાં થયો હતો. તે યહોવાહના સાક્ષી કુટુંબમાં જ ઊછરી હતી. તેને બીજી બે બહેનો પણ હતી અને તેઓના પિતા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મરી ગયા હતા. પછી તેની માએ વીન્ટોન ફ્રેઝર સાથે લગ્ન કર્યા. એનાથી તેમને સીડની નામે દીકરો થયો. બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એના પહેલાં તેનું કુટુંબ ઉત્તર વેલ્સમાં આવેલા બન્ગોરમાં રહેવા ગયું. ત્યાં આઈરીને ૧૯૩૯માં બાપ્તિસ્મા લીધું. સીડનીએ એના એક વર્ષ પહેલાં જ બાપ્તિસ્મા લીધું હતું. તેથી, હવે આઈરીન અને સીડની સાથે મળીને પૂરા સમયના સુવાર્તિકો તરીકે, પાયોનિયરીંગ કરવા લાગ્યા. તેઓ બન્ગોરથી કનારવન વચ્ચે આવેલા ઉત્તર વેલ્સના પ્રદેશમાં પાયોનિયરીંગ કરતા હતા જેમાં, એન્ગ્લસી ટાપુ પણ આવી જતો હતો.
એ સમયે હું રનકોર્ન મંડળમાં હતો. એ લિવરપુલથી કંઈક ૨૦ કિલોમીટર દૂર આવેલું હતું. મંડળમાં હું પ્રમુખ નિરીક્ષક તરીકે સેવા આપતો હતો. આઈરીનની મોટી બહેન પણ પરણીને રનકોર્નમાં રહેવા આવી હતી. એક સમયે આઈરીન તેની બહેનના ઘરે થોડો સમય રહેવા આવી. પછી તે એક સર્કિટ સંમેલનમાં મને મળી અને પૂછ્યું કે ત્યાં પ્રચાર કરવા તેને થોડો વિસ્તાર મળી શકે કે કેમ. પછી આઈરીને બે અઠવાડિયા સુધી અમારા મંડળમાં સેવા આપી. મારો અને તેનો સ્વભાવ એકબીજાને મળતો આવતો હોવાથી, અમે ખૂબ હળી-મળી ગયા. પછી તો હું ઘણા પ્રસંગોએ
બન્ગોરમાં તેને મળવા પણ જતો હતો. છેવટે મેં એક સપ્તાહઅંતે મારા પ્રેમનો એકરાર કર્યો અને તેને મારી સાથે લગ્ન કરવા પૂછ્યું. તેણે હા પાડી ત્યારે, મારી ખુશીનો પાર ન રહ્યો!પછી એ રવિવારે હું મારા ઘરે પાછો ફર્યો અને તરત જ અમારા લગ્નની તૈયારીઓ કરવા માંડી. પરંતુ અચાનક મંગળવારે મને એક ટેલિગ્રામ મળ્યો. એ આઈરીને મોકલ્યો હતો. તેણે લખ્યું હતું: “મને ખબર છે કે આ ટેલિગ્રામથી તમને ખૂબ દુઃખ થશે, પણ મને માફ કરજો. હું હવે લગ્ન કરવા માંગતી નથી. મેં તમને એક પત્ર પણ મોકલ્યો છે જેમાં એનું કારણ સમજાવ્યું છે.” એનાથી મને એકદમ આઘાત લાગ્યો. હવે પાછું શું થયું હશે?
બીજા દિવસે મને આઈરીનનો પત્ર મળ્યો. તેણે જણાવ્યું હતું કે તે, યોર્કશાયરના હોર્સફોર્થ ગામમાં, હીલ્ડા પેજેટ * નામની બહેન સાથે પાયોનિયરીંગ કરવા જઈ રહી છે. લગભગ એક વર્ષ પહેલાં તેણે નક્કી કર્યું હતું કે, જ્યાં પ્રચાર કાર્યની ખૂબ જરૂર હોય ત્યાં તેને બોલાવવામાં આવશે તો, તે જરૂર જશે. તેણે લખ્યું: “મેં યહોવાહને તેમની સેવા કરવાનું વચન આપ્યું હતું. પણ મેં આ વચન તમે મળ્યા એ પહેલાં આપ્યું હતું. તેથી મારે મારી ફરજ બજાવવી પડશે.” જોકે, એ વાંચીને મને દુઃખ તો થયું, પણ તેની વફાદારી જોઈને મને તેના પર ખૂબ ગર્વ થયો. પછી તરત જ મેં વળતો ટેલિગ્રાફ મોકલ્યો: “તું ખુશીથી જા. હું તારી વાટ જોઈશ.”
આઈરીન યોર્કશાયરમાં હતી ત્યારે, તેણે પોતાના અંતઃકરણને લીધે યુદ્ધને કોઈ પણ રીતે ટેકો આપવાની ના પાડી હતી. તેથી, તેને ત્રણ મહિનાની જેલની સજા થઈ હતી. પણ ૧૮ મહિના પછી, ડિસેમ્બર ૧૯૪૨માં અમે લગ્ન કરી લીધા.
મારી જિંદગીના શરૂઆતના દિવસો
વર્ષ ૧૯૧૯માં મારી મમ્મીએ સ્ટડીઝ ઈન ધ સ્ક્રિપ્ચર્સના બધા જ ગ્રંથનો આખો સેટ ખરીદ્યો હતો. * મારા પપ્પાએ મજાકમાં સાચે જ કહ્યું હતું કે, મારી મમ્મીએ કદી પણ પુસ્તક વાંચ્યું ન હતું. પરંતુ આ વખતે મમ્મીએ બધા જ ગ્રંથોનો પોતાના બાઇબલ સાથે ધ્યાન દઈને અભ્યાસ કરવાનો નિશ્ચય કર્યો. પછી તેણે બરાબર અભ્યાસ કરીને ૧૯૨૦માં બાપ્તિસ્મા લીધું.
મારા પપ્પા એકદમ સારા સ્વભાવના હતા અને મારી મમ્મી જે કંઈ કરતી એમાં તેમની કોઈ રોકટોક ન હતી. આમ, મારી મમ્મીએ મારી બે બહેનો, ગ્વેન અને આઈવી, મારો ભાઈ એલેક અને મને સત્યમાં ઉછેર્યા. લિવરપુલમાં રહેતા સ્ટેનલી રોજર્સ અને બીજા વફાદાર સાક્ષીઓ બાઇબલનું પ્રવચન આપવા રનકોર્નમાં આવતા હતા, એ વખતે ત્યાં નવું નવું જ એક મંડળ ઊભું થયું હતું. આ નવા મંડળ સાથે અમારું કુટુંબ પણ પરમેશ્વરની સેવામાં જોશીલું બનવા લાગ્યું.
મારી બહેન ગ્વેન ચર્ચ ઑફ ઈંગ્લેન્ડમાં અમુક ધાર્મિક વિધિના પાઠ લેતી હતી. પણ તેણે મારી મમ્મી સાથે બાઇબલનો અભ્યાસ કરવા માંડ્યો ત્યારે, ચર્ચમાં જવાનું બંધ કરી દીધું. પછી પાદરી અમારા ઘરે તપાસ કરવા આવ્યા કે હવે ગ્વેન કેમ એના ક્લાસમાં આવતી નથી. પરંતુ ગ્વેન તેમને ફટાફટ એવા પ્રશ્નો પૂછવા લાગી કે જેનો તે કોઈ જવાબ ન આપી શક્યા. ગ્વેને પૂછ્યું કે પ્રભુની પ્રાર્થનાનો શું અર્થ થાય છે? પાદરી જવાબ ન આપી શક્યા પણ ગ્વેન પાસે એનો જવાબ હાજર હતો! પછી ગ્વેને વાતચીતનો અંત લાવતા ૧ કોરીંથી ૧૦:૨૧ ટાંકી અને કહ્યું કે તે હવે ‘બે મેજ પરથી ખાશે નહિ.’ પછી પાદરીએ પાછા જતા કહ્યું કે તે ગ્વેન માટે પ્રાર્થના કરશે અને તેના બધા પ્રશ્નોના જવાબ આપવા પાછા ફરશે. પણ તે ક્યારેય અમારા ઘરે ફરક્યા નહિ! પછી ગ્વેન બાપ્તિસ્મા લઈને પૂરેપૂરો સમય યહોવાહની સેવા કરવા લાગી.
અમારા મંડળે યુવાનો પર ખાસ ધ્યાન આપવામાં સારો નમૂનો બેસાડ્યો હતો. મને હજુ પણ યાદ છે કે એક દિવસ બીજા મંડળના વડીલે અમારા મંડળમાં પ્રવચન આપ્યું હતું. ત્યારે હું ફક્ત સાત વર્ષનો હતો. પ્રવચન આપ્યા પછી તે મારી સાથે વાત કરવા આવ્યા. મેં તેમને કહ્યું કે હું ઈબ્રાહીમ વિષે અને તે પોતાના દીકરા ઇસ્હાકનું બલિદાન આપવા કઈ રીતે તૈયાર થઈ ગયા હતા એ વિષે વાંચતો હતો. તેમણે મને કહ્યું: “તું સ્ટેજ પર જા અને મને એનો આખો અહેવાલ જણાવ.” વિચારો કે મેં સ્ટેજ પરથી એ જણાવ્યું ત્યારે, હું કેટલો ઉત્તેજિત થઈ ગયો હોઈશ. એ મારું પહેલું “જાહેર ભાષણ” હતું!
મેં ૧૫ વર્ષની વયે ૧૯૩૧માં બાપ્તિસ્મા લીધું. એ જ વર્ષે મારી મમ્મી મરણ પામી. પછી મેં સ્કૂલ છોડી દીધી અને ઇલેક્ટ્રિશિયન બનવાની તાલીમ લેવા લાગ્યો. વર્ષ ૧૯૩૬માં રેકર્ડ કરેલા બાઇબલ વ્યાખ્યાનો જાહેરમાં ગ્રામોફોન પર વગાડીને લોકોને સંભળાવવામાં આવતા હતા. એક ઘરડા બહેને મને અને મારા ભાઈને એ રીતે યહોવાહની સેવામાં જોડાવા પ્રોત્સાહન આપ્યું. અમે તૈયાર થઈ ગયા. એ માટે સાઇકલ ખરીદવા હું અને એલેક લિવરપુલ ગયા. અમે સાઇકલ પાછળ પૈડા સાથેનું એક બૉક્સ પણ ફીટ કરાવ્યું જેથી, અમે એમાં ગ્રામોફોન અને બીજી જરૂરી વસ્તુઓ મૂકી શકીએ. અમે એ બૉક્સની ઉપર બે મીટર ઊંચાઈએ લાઉડ-સ્પીકર પણ ફીટ કરાવ્યા. મિકૅનિકે અમને કહ્યું કે તેણે
જિંદગીમાં આવું બૉક્સ ક્યારેય બનાવ્યું ન હતું! પણ એ અમને સરસ કામમાં આવ્યું હતું. અમે ખૂબ જ ઉત્સાહી હતા, અને પૂરા જોશથી અમને સોંપેલો આખો વિસ્તાર આવરી લીધો. જે બહેને અમને આ કામ માટે ઉત્તેજન આપ્યું, તેમ જ પૂરા ભરોસાથી આ મોટી જવાબદારી સોંપી એ માટે અમે તેમનો ખૂબ આભાર માનીએ છીએ.બીજું વિશ્વયુદ્ધ—અમારા માટે કસોટીનો સમય
હવે વિશ્વયુદ્ધ ફાટી નીકળવાના ચિહ્ન દેખાઈ આવતા હતા. એ સમયે હું અને સ્ટેનલી રોજર્સ જાહેર પ્રવચનની જાહેરાત કરવામાં ખૂબ વ્યસ્ત હતા. એનો વિષય હતો, “હકીકતનો સામનો કરો.” એ પ્રવચન સપ્ટેમ્બર ૧૧, ૧૯૩૮માં લંડનના રોયલ આલ્બર્ટ હૉલમાં રજૂ થવાનું હતું. પછી હું આ પ્રવચનની છાપેલી પુસ્તિકાઓ અને ફૅશિઝમ ઑર ફ્રિડમ નામની પુસ્તિકા જે પછીના વર્ષે બહાર પડી, વહેંચવા માટે જોડાયો. આ બંને પુસ્તિકાઓ હિટલરના જર્મનીની જોહુકમી અને એના ઇરાદાઓને સાફ સાફ ખુલ્લા પાડતી હતી. એ સમયે હું રનકોર્નમાં મારા સેવાકાર્યને લીધે ખૂબ જ જાણીતો બન્યો અને એના લીધે લોકો મને માનથી જોવા લાગ્યા. ખરેખર, હું પરમેશ્વરની સેવા કરવામાં હંમેશાં તૈયાર હતો. તેથી મને એવી તાલીમ મળી કે કોઈ પણ સંજોગોમાં હું બીજાઓને મદદ કરવા માટે તૈયાર રહેતો.
હું જે કંપનીમાં કામ કરતો હતો એણે શહેરની બહાર બંધાઈ રહેલી એક ફેક્ટરીમાં વાયર ફિટીંગનો કૉન્ટ્રૅક્ટ લીધો હતો. મારે પણ ત્યાં કામ કરવાનું હતું. પણ મને ખબર પડી કે એ ફેક્ટરી યુદ્ધના શસ્ત્રો બનાવવા માટે તૈયાર થઈ રહી છે. તેથી, મેં મારા સાહેબોને સાફ કહી દીધું કે હું ત્યાં કામ નહિ કરું. તેઓને મારો નિર્ણય જરાય ન ગમ્યો. પણ મારા ફોરમૅને મારો બચાવ કર્યો, તેથી મને બીજું કામ સોંપવામાં આવ્યું. થોડા સમય બાદ મને ખબર પડી કે મારા ફોરમૅનની એક આન્ટી પણ યહોવાહની સાક્ષી હતી.
મારા એક સાથી કામદારે મને પ્રોત્સાહન આપતા કહ્યું: “રેજ, અમને ખબર છે કે તું ઘણાં વર્ષોથી બાઇબલને લગતા કામમાં જોડાયેલો છે. તેથી, અમને પૂરી ખાતરી હતી કે તું આવું જ પગલું ભરીશ.” જોકે, બધા જ એનાથી કંઈ ખુશ ન હતા. મારી કંપનીના ઘણા કામદારો કોઈને કોઈ રીતે મને હેરાન કરવા માગતા હતા, તેથી મારે હંમેશાં ધ્યાન રાખવું પડતું.
યહોવાહના સેવક તરીકે, મેં નક્કી કર્યું હતું કે હું યુદ્ધમાં કોઈ પણ રીતે ભાગ લઈશ નહિ. તેથી, જૂન, ૧૯૪૦માં મારે લિવરપુલની કોર્ટમાં જવું પડ્યું. તેઓએ રજા આપી કે હું હાલની કંપનીમાં ઈલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો રહું ત્યાં સુધી, મારે કોઈ રીતે લડાઈમાં ભાગ નહિ લેવો પડે. એનાથી હું સારી રીતે મારા સેવા કાર્યમાં ધ્યાન આપી શક્યો.
યહોવાહને પૂરા સમયની સેવા
જેવું વિશ્વયુદ્ધ પૂરું થયું કે, મેં નોકરી છોડીને આઈરીન સાથે પૂરા સમયની સેવામાં જોડાવાનું નક્કી કર્યું. મેં ૧૯૪૬માં પાંચ મીટર લાંબું હરતું ફરતું ટ્રેઈલર (કારવાન) બનાવ્યું જે અમારું ઘર પણ બન્યું. એ પછીના વર્ષે અમને ગ્લોસ્ટરશાયરના આલ્વેસ્ટોન ગામમાં જવાનું કહેવામાં આવ્યું. ત્યાર પછી અમે પ્રાચીન શહેર સાયરનસેસ્ટર અને બાથમાં પણ પાયોનિયરીંગ કર્યું. વર્ષ ૧૯૫૧માં મને પ્રવાસી નિરીક્ષક તરીકે દક્ષિણ વેલ્સના મંડળોની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું. પરંતુ બે વર્ષની અંદર જ અમે
મિશનરી તરીકે તાલીમ લેવા વોચટાવર બાઇબલ સ્કૂલ ઓફ ગિલયડમાં ગયા.સ્કૂલનો ૨૧મો ક્લાસ દક્ષિણ લાન્સિંગ, ઉત્તર ન્યૂયોર્કમાં લેવામાં આવ્યો. પછી અમે ૧૯૫૩માં ન્યૂ યોર્ક શહેરમાં ન્યૂ વર્લ્ડ સોસાયટી એસેમ્બ્લીમાં ગ્રેજ્યુએટ થયા. અમારા ગ્રેજ્યુએશનના દિવસ સુધી હું કે આઈરીન કંઈ જાણતા ન હતા કે અમને પ્રચાર કરવા માટે ક્યાં સોંપણી મળશે. જ્યારે અમને ખબર પડી કે અમને પેરુ દેશમાં મોકલવામાં આવશે ત્યારે, અમારી ખુશીનો પાર ન રહ્યો. કેમ કે આઈરીનનો સાવકો ભાઈ, સીડની ફ્રેઇઝર અને તેની પત્ની માર્ગારેટ ગિલયડના ૧૯મા ક્લાસમાંથી ગ્રેજ્યુએટ થયા પછી, પેરુની રાજધાની, લીમામાં આવેલી બ્રાન્ચ ઑફિસમાં એક વર્ષથી સેવા આપી રહ્યા હતા!
અમને વિઝા મળે ત્યાં સુધી, અમે થોડો સમય બ્રુકલિન બેથેલમાં કામ કર્યું. પછી અમે લીમા, પેરુમાં ગયા. પેરુમાં અમે રહ્યા ત્યાં સુધી, અમને કુલ દસ જુદા જુદા શહેરોમાં પ્રચાર કરવાની સોંપણીઓ મળી હતી. એમાંની પહેલી સોંપણી, અમને પેરુના મુખ્ય બંદર કાલ્યાઓમાં મળી હતી, જે લીમાની પશ્ચિમે આવેલું છે. અમે ઉપરછલ્લું સ્પૅનિશ શીખ્યા હતા. પરંતુ એનાથી હું કે આઈરીન કડકડાટ સ્પૅનિશમાં વાત કરી શકતા ન હતા. તો પછી, અમે પ્રચાર કઈ રીતે કર્યો?
પ્રચારમાં મુશ્કેલીઓ અને મળેલા લહાવાઓ
ગિલયડ સ્કૂલમાં અમને કહેવામાં આવ્યું હતું કે મા પોતાના બાળકને ભાષા શીખવતી નથી. પરંતુ મા જેમ બાળક સાથે વાત કરે છે તેમ બાળક ભાષા શીખે છે. તેથી, અમને સલાહ આપવામાં આવી હતી કે, “જેમ બને એમ જલદી પ્રચારમાં નીકળી પડો, અને લોકોની ભાષા સાંભળીને શીખો. તેઓ તમને મદદ કરશે.” વિચાર કરો, કે હજુ તો મેં આ નવી ભાષાને શીખવાનું અને સમજવાનું શરૂ જ કર્યું હતું ત્યાં, અમારા આવ્યાને બે જ અઠવાડિયામાં મને કાલ્યાઓ મંડળમાં પ્રમુખ નિરીક્ષક તરીકે નીમવામાં આવ્યો! હું સીડની ફ્રેઇઝરને મળવા ગયો. તેણે પણ મને ગિલયડમાં મળી હતી એવી જ સલાહ આપી કે મંડળમાં અને પ્રચારમાં લોકો સાથે ખૂબ હળો-મળો. પછી મેં આ સલાહને બરાબર લાગુ પાડવાનું નક્કી કર્યું.
એક શનિવારે સવારે હું એક સુથારને તેની દુકાને મળ્યો. તેમણે મને કહ્યું: “હું મારું કામ બંધ નહિ કરું, પણ તમે બેસો અને વાત કરો.” મેં તેમને કહ્યું કે હું જરૂર વાત કરીશ, પણ એક શરતે: “જો હું બોલવામાં કોઈ ભૂલ કરું તો, પ્લીઝ એને સુધારજો. હું બિલકુલ ખોટું નહિ લગાડું.” તે હસ્યા અને મારી સાથે સહમત થયા. હું અઠવાડિયામાં બે વાર તેમને મળવા જતો. મને કહેવામાં આવ્યું હતું તેમ, આ રીતે નવી ભાષા શીખવાની રીત મને ખૂબ સારી લાગી અને એમાં ખૂબ મજા પણ આવી.
પછી અમને બીજી મિશનરી સોંપણીમાં ઈકા શહેર જવાનું કહેવામાં આવ્યું. તમે નહિ માનો પણ ત્યાં હું એક બીજા સુથારને મળ્યો. મેં તેમની પાસે કાલ્યાઓ શહેરની જેમ, ભાષા શીખવા માટે મદદ માગી. તે મને મદદ કરવા તૈયાર થઈ ગયા. આમ, હું સ્પૅનિશ શીખતો ગયો. જોકે એ શીખતા મને ત્રણ વર્ષ લાગ્યા હતા, પણ હવે હું બરાબર સ્પૅનિશ બોલી શકું છું. આ સુથાર હંમેશાં કામમાં વ્યસ્ત રહેતા હતા. તોપણ, હું બાઇબલમાંથી કલમો વાંચીને એનો અર્થ સમજાવીને બાઇબલ અભ્યાસ ચલાવતો હતો. એક અઠવાડિયે હું તેમને મળવા ગયો ત્યારે, તેમના માલિકે કહ્યું કે તે નોકરી છોડીને લીમા જતા રહ્યા છે, કેમ કે તેમને ત્યાં નવી નોકરી મળી ગઈ હતી. થોડા સમય પછી હું અને આઈરીન સંમેલન માટે લીમા ગયા ત્યારે, આ માણસ ફરીથી મળ્યા. તેમણે મને જણાવ્યું કે તેમણે લીમાના યહોવાહના સાક્ષીઓને મળીને પોતાનો બાઇબલ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. હવે તે અને તેમનું કુટુંબ યહોવાહના સાક્ષી બન્યા છે. એ સાંભળીને હું તો ખુશખુશાલ થઈ ગયો!
એક યુગલનું ખ્રિસ્તી તરીકે બાપ્તિસ્મા થઈ ગયું હતું. તેમ છતાં, તેઓ લગ્ન વગર જ સાથે રહેતા હતા. પછી અમે તેઓને બાઇબલમાંથી સમજાવ્યું કે, તમે યહોવાહના સેવકો થઈને લગ્ન કર્યા વગર એકબીજા સાથે રહો એ ખોટું છે. એ સમજીને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું જેથી, તેઓ બાપ્તિસ્મા પામેલા યહોવાહના સેવકો તરીકે લાયક બની શકે. તેઓનું લગ્ન રજિસ્ટર કરાવવા માટે હું તેઓને ટાઉન હોલમાં લઈ ગયો. પરંતુ પાછી એક મુશ્કેલી ઊભી થઈ. કાનૂની નિયમ પ્રમાણે બાળકોની પણ નોંધણી કરાવવાની હતી. આ યુગલને ચાર બાળકો હતા, જેઓની નોંધણી સરકારી ચોપડામાં કરાવી ન હતી. તેથી, હવે અમે જોવા લાગ્યા કે મેયર અથવા સરકારી મંત્રી શું કરશે. તેમણે કહ્યું: “આ તમારા મિત્રો, યહોવાહના સાક્ષીઓએ તમારું લગ્ન રજિસ્ટર કરવા માટે મદદ કરી, તેથી, હું તમને કોર્ટનો ઑર્ડર નહિ મોકલું, અને તમારા દરેક બાળકનું નામ પણ ફી લીધા વગર રજિસ્ટર કરી આપીશ.” ઓહ, એ સાંભળીને અમે કદરથી ઉભરાઈ ગયા, કેમ કે આ ગરીબ કુટુંબ હતું અને જો તેમને દંડ તરીકે અમુક રૂપિયા ભરવાના થયા હોત તો, તેઓ પર ભારે બોજો આવી પડ્યો હોત.
થોડા સમય પછી, યહોવાહના સાક્ષીઓના મુખ્યમથક, બ્રુકલિનથી આલ્બર્ટ ડી. શ્રોડરે અમારી મુલાકાત લીધી. પછી તેમણે કહ્યું કે લીમાના બીજા કોઈ વિસ્તારમાં નવું મિશનરી હોમ સ્થાપવામાં આવે. તેથી હું અને બીજા મિશનરીઓ સાન બોર્હા નામના શહેરમાં ગયા. બીજા મિશનરીઓમાં અમેરિકાથી આવેલી બે બહેનો, ફ્રાન્સિસ અને એલિઝાબેથ ગુડ, અને કૅનેડાથી આવેલું એક યુગલ હતા. બે કે ત્રણ વર્ષમાં તો ત્યાં એક બીજું નવું મંડળ ઊભું થઈ ગયું.
અમે ૩,૦૦૦ મીટરથી પણ વધારે ઊંચાઈએ આવેલા વ્હોનકાયોના પહાડી પ્રદેશના એક મંડળમાં બીજા ૮૦ સાક્ષીઓ સાથે સેવા આપતા હતા. મેં આ દેશનો બીજો કિંગ્ડમ હૉલ બાંધવામાં પણ ભાગ લીધો હતો. અમે કિંગ્ડમ હૉલ બાંધવા માટે જમીન ખરીદી હતી. પણ આ જમીનનો કાનૂની હક્ક મેળવવા માટે અમારે ત્રણ વખત કોર્ટમાં જવું પડ્યું. તેથી મને યહોવાહના સાક્ષીઓના કાનૂની પ્રતિનિધિ તરીકે પણ નીમવામાં આવ્યો. આમ, યહોવાહની સેવામાં આપણા ભાઈઓએ આવા પગલાં લીધાં હતાં. તેમ જ શરૂઆતમાં મિશનરીઓએ પ્રચાર કામમાં જે જોશ બતાવ્યો હતો એના લીધે, એ દેશમાં જબરજસ્ત વધારો થયો. વિચાર કરો, વર્ષ ૧૯૫૩માં ત્યાં ૨૮૩ સાક્ષીઓ હતા જે આજે વધીને ૮૩,૦૦૦ થયા છે!
અમારે કમને દેશ છોડવો પડ્યો
અમને ઘણા મિશનરી ઘરોમાં બીજા મિશનરીઓની ઓળખાણ કાઢવાનો એક અનેરો લહાવો મળ્યો હતો. અને ઘણા મિશનરી ઘરોમાં મને એની દેખરેખ રાખવાની જવાબદારી પણ મળી હતી. અમે બધા દર સોમવારે સવારે ભેગા મળતા અને આખા અઠવાડિયામાં શું કરીશું એની ચર્ચા કરતા. પછી અમે બધાને મિશનરી ઘરની દેખરેખ માટે તેઓની જવાબદારીઓ સોંપી દેતા. જોકે, અમે બધા એ વાતને ધ્યાનમાં રાખતા કે અમારું મુખ્ય કામ પ્રચાર છે. એ મનમાં રાખીને અમે બધા કામો હળીમળીને કરતા હતા. હું ખુશીથી કહી શકું છું કે એ દિવસોમાં કોઈ પણ મિશનરી ઘરમાં અમારી વચ્ચે કોઈ મોટી તકરાર કે બોલાચાલી થઈ ન હતી.
અમારી છેલ્લી સોંપણી બ્રેન્યા હતી, જે લીમાનું જ એક નગર છે. ત્યાંના મંડળમાં લગભગ ૭૦ ભાઈબહેનો હતા. તેઓને એક બીજા પર ખૂબ પ્રેમભાવ હતો. થોડા સમયમાં એ મંડળમાં ૧૦૦ સાક્ષીઓ સુધી વધારો થઈ ગયો. એ કારણે પાલોમીનીઆમાં એક બીજું નવું મંડળ સ્થાપવામાં આવ્યું. એ જ સમયે આઈરીન બીમાર પડી. બમારીની શરૂઆતમાં મેં નોંધ કર્યું કે આઈરીન જે કંઈ કહેતી એને ઘણી વાર ભૂલી જતી હતી. અને ઘણી વાર તો તે ઘરનો રસ્તો પણ ભૂલી જતી. જોકે અમે તેની ખૂબ જ સારી તબીબી સારવાર કરાવી તોપણ, ધીમે ધીમે તેની તબિયત બગડતી ગઈ.
છેવટે, ૧૯૯૦માં અમારે કમને એ દેશ છોડીને ઈંગ્લેન્ડ પાછા જવું પડ્યું. ત્યાં મારી બહેન ઈવીએ અમને તેના ઘરમાં રાખીને ખૂબ સારી કાળજી બતાવી. ચાર વર્ષ પછી, આઈરીન ૮૧ વર્ષની વયે મરણ પામી. જોકે, હું હજુ પણ પૂરા સમયના સેવાકાર્યમાં જોડાયેલો છું અને મારા શહેરના એક મંડળમાં વડીલ તરીકે સેવા આપી રહ્યો છું. ત્યાં બીજા બે મંડળો પણ છે. કોઈક વાર, હું મૅંચિસ્ટરમાં જઈને ત્યાંના સ્પૅનિશ ગ્રૂપને પણ ઉત્તેજન આપું છું.
મને હાલમાં જ એક સરસ અનુભવ થયો. જોકે એની શરૂઆત મારા યુવાનીના દિવસોમાં થઈ હતી, જ્યારે હું ઘરે ઘરે જઈને મારા ફોનોગ્રાફ પર પાંચ મિનિટનું બાઇબલ ભાષણ વગાડી સંભળાવતો હતો. મને હજુ પણ બરાબર યાદ છે કે એક વાર સ્કૂલમાં ભણતી એક છોકરી તેની મમ્મીની પાછળ ઊભી રહીને ધ્યાનથી એ સંદેશને સાંભળી રહી હતી.
પછી એ છોકરી કૅનેડામાં રહેવા જતી રહી. તે રુનકોર્નની તેની એક બહેનપણીને પત્રો લખીને સમાચાર મેળવતી હતી. તેની એ બહેનપણી હજુ પણ રુનકોર્નમાં રહે છે અને હવે સાક્ષી છે. એ છોકરીએ હાલમાં જ લખ્યું કે બે સાક્ષી બહેનો તેની મુલાકાત લેવા આવી હતી અને તેને જે સંદેશ જણાવ્યો એનાથી, તેને એકદમ યાદ આવ્યું કે તે સ્કૂલમાં હતી ત્યારે આવું જ કંઈક પાંચ મિનિટની રેકર્ડમાં સાંભળ્યું હતું. પછી જ્યારે તેને ખબર પડી કે આ જ સત્ય છે ત્યારે, તેણે યહોવાહને પોતાનું સમર્પણ કર્યું અને યહોવાહની સાક્ષી બની. પછી તેણે ભાઈઓ દ્વારા જણાવ્યું કે જે યુવાન માણસે તેની મમ્મીના ઘરે આશરે ૬૦ વર્ષ પહેલાં મુલાકાત લીધી હતી તેમનો તે ખૂબ આભાર માનવા માગે છે! ખરેખર, આપણામાંથી કોઈ જાણતું નથી કે આપણે સત્યના જે બીજ વાવીએ છીએ એ ક્યારે ફૂટીને ઊગી નીકળશે.—સભાશિક્ષક ૧૧:૬.
હું મારા જીવન વિષે વિચારું છું ત્યારે, સાચે જ યહોવાહનો ખૂબ ઉપકાર માનું છું કે તેમની અનમોલ સેવામાં હું મારી આખી જિંદગી અર્પી શક્યો. મેં ૧૯૩૧માં યહોવાહને મારું સમર્પણ કર્યું પછી, ક્યારેય યહોવાહના લોકોના સંમેલનમાં જવાનું ચૂક્યો નથી. ભલે મને અને આઈરીનને કોઈ બાળકો નથી, પણ હું એ જોઈને ખૂબ આનંદ અનુભવું છું કે અમે ૧૫૦ કરતાં વધારે લોકોને યહોવાહની સેવા કરવા માટે મદદ કરી છે, અને તેઓ ખરેખર અમારા બાળકો જેવા છે. જેમ મારી પત્નીએ લખ્યું હતું તેમ, યહોવાહની સેવામાં અમને જે લહાવા મળ્યા છે એના જેવો આનંદ અમને બીજા કશાથી મળી શકે એમ નથી.
[ફુટનોટ્સ]
^ “મારા માબાપને પગલે પગલે,” હિલ્ડા પેજેટનો અનુભવ ચોકીબુરજ ઑક્ટોબર ૧, ૧૯૯૫, પાન ૧૯-૨૪ પર જોવા મળે છે.
^ યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કર્યું છે.
[પાન ૨૪ પર ચિત્ર]
મારા મમ્મી, ૧૯૦૦ની શરૂઆતના વર્ષોમાં
[પાન ૨૫ પર ચિત્ર]
ઉપર: અમારા ટ્રેઈલર ઘરની આગળ હું અને આઈરીન
[પાન ૨૫ પર ચિત્ર]
ડાબી બાજુથી: હીલ્ડા પડગેટ, હું, આઈરીન અને જોઈશ રોલેઈ, ૧૯૪૦માં લીડ્સ, ઈંગ્લેન્ડમાં
[પાન ૨૭ પર ચિત્ર]
કાર્ડીફ, વેલ્સમાં જાહેર ભાષણની જાહેરાત કરતી વખતે, ૧૯૫૨માં