સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરને પસંદ આવતા દાનો

ઈશ્વરને પસંદ આવતા દાનો

ઈશ્વરને પસંદ આવતા દાનો

ઈસુ અને તેમના શિષ્યો તેઓના મિત્રો સાથે બેથાનીઆમાં જમતા હતા. તેઓમાં મરિયમ, મારથા અને લાજરસ પણ હતા. ઈસુએ લાજરસને થોડા દિવસો પહેલાં જ સજીવન કર્યો હતો. ઈસુ જમતા હતા એવામાં મરિયમ આશરે એક શેર અતિ મૂલ્યવાન અત્તર લઈને તેમના પગે ચોળવા લાગી. ત્યારે ઈસુના શિષ્યોમાંનો એક, યહુદા ઈસકારીઓત, જે તેમની ધરપકડ કરાવનાર હતો, તેણે ગુસ્સે થઈને કહ્યું: “એ અત્તર ત્રણસો દીનારે [એની કિંમત એક વર્ષના પગાર બરાબર હતી] વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?” આ જ રીતે બીજા શિષ્યોએ પણ કચકચ કરી.—યોહાન ૧૨:૧-૬; માર્ક ૧૪:૩-૫.

તેમ છતાં ઈસુએ તેઓને કહ્યું: “એને રહેવા દો; . . . કેમકે દરિદ્રીઓ [ગરીબો] સદા તમારી સાથે છે, ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.” (માર્ક ૧૪:૬-૯) એ સમયના યહુદી ગુરુઓ લોકોને એવું શીખવતા કે દાન કરવું એ ફક્ત ધર્મ જ નથી, પણ એમ કરવાથી તેઓના પાપો પણ ધોવાઈ જાય છે. પરંતુ, ઈસુ અહીં સ્પષ્ટ જણાવતા હતા કે ફક્ત ગરીબોને દાન-ધર્મ કરવાથી જ ઈશ્વરની કૃપા મળતી નથી.

ચાલો આપણે જોઈએ કે પહેલી સદીમાં ઈસુના શિષ્યો કઈ રીતે બીજાઓને સહાય કરતા હતા. એમ કરવાથી આપણે પણ દુખીઆરાઓને સાચા દિલથી સહાય કરીને ઈશ્વરની કૃપા પામી શકીશું. એટલું જ નહિ, પણ લોકોને સૌથી સારી રીતે સહાય કરવાની રીત શોધી શકીશું.

“દાનધર્મ કરો”

ઈસુએ અનેક પ્રસંગે તેમના શિષ્યોને “દાનધર્મ” કરવાનું ઉત્તેજન આપ્યું હતું. (લૂક ૧૨:૩૩) તેમ છતાં, ઈસુએ શિષ્યોને ચેતવ્યા હતા કે લોકો તમારી નહિ પણ ઈશ્વરની વાહ વાહ કરે એવી રીતે દાન કરો. તેમણે કહ્યું: “જ્યારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ; . . . તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.” (માત્થી ૬:૧-૪) ઈસુના શિષ્યોએ આ સલાહને જરૂર યાદ રાખી હશે. તેથી તેઓ ઈશ્વરની વાહ વાહ થાય એ રીતે લાચાર અને નિરાધાર જનોને જાતે મદદ પૂરી પાડતા હતા.

દાખલા તરીકે, લુક ૮:૧-૩ બતાવે છે કે મરિયમ માગદાલેણ, યોહાન્‍ના, સુસાન્‍ના તથા બીજી ઘણી સ્ત્રીઓ “પોતાની પૂંજીમાંથી [મિલકતમાંથી]” ઈસુ અને તેમના શિષ્યોને મદદ કરતી હતી. જોકે ઈસુ અને તેમના શિષ્યો કડકા તો ન હતા. પરંતુ તેઓએ તો પોતાનો ધંધો છોડીને મહત્ત્વનો ઉપદેશ આપવાનું કામ ઉપાડ્યું હતું. (માત્થી ૪:૧૮-૨૨; લુક ૫:૨૭, ૨૮) એ સ્ત્રીઓ ઈસુ અને તેમના શિષ્યોને પૈસે ટકે મદદ કરતી હતી. જેથી ઈશ્વરે સોંપેલું કામ તેઓ પૂરું કરી શકે. એમ કરીને તેઓ ખરેખર ઈશ્વરને મહિમા આપતી હતી. એ સ્ત્રીઓએ પોતાનાથી બનતી બધી જ રીતે તેઓને ઈશ્વરની સેવામાં સાથ આપ્યો હતો, જે યહોવાહ ભૂલ્યા ન હતા. કેમ કે યહોવાહે તેઓનો અહેવાલ બાઇબલમાં આપ્યો છે જેથી આવતી પેઢીઓ તેઓના ઉદાહરણમાંથી કંઈક શીખે.—નીતિવચનો ૧૯:૧૭; હેબ્રી ૬:૧૦.

એ સ્ત્રીઓની જેમ તાબીથા, એટલે દરકાસ પણ “રૂડી કરણીઓમાં આગળ પડતી તથા પુષ્કળ દાનધર્મ કરતી હતી.” તે જોપ્પામાં રહેતી હતી અને ત્યાંની ગરીબ વિધવાઓ માટે તે વસ્ત્રો બનાવતી હતી. બાઇબલ એ જણાવતું નથી કે દરકાસ વિધવાઓ માટે કાપડ લઈને વસ્ત્રો બનાવતી કે પછી મફત સીવી આપતી હતી. તેમ છતાં, તે પોતાના ગજા પ્રમાણે તેઓને મદદ કરવા બનતું બધું જ કરતી. તેથી બધાને તે બહુ જ વહાલી હતી. એટલું નહિ, યહોવાહ પરમેશ્વરને પણ તે અતિ પ્રિય હતી. તેથી, યહોવાહે તેને આશીર્વાદ પણ આપ્યો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૯:૩૬-૪૧.

સ્વાર્થ વગરનો પ્રેમ

એ ખ્રિસ્તીઓ શા માટે બીજાઓને સહાય કરતા હતા? જોકે, તેઓએ બીજાઓનું દુઃખ જોઈને તેઓને દયાભાવ બતાવ્યો ન હતો. પરંતુ તેઓ દિલથી માનતા હતા કે, ગરીબોને, દુખીઆરાઓને, બીમાર લોકોને મદદ કરવી એ તેઓની ફરજ છે. (નીતિવચનો ૩:૨૭, ૨૮; યાકૂબ ૨:૧૫, ૧૬) એમ કરવાથી તેઓ ઈશ્વરના માર્ગે ચાલતા હતા. કેમ કે ઈશ્વર પોતે દયાળુ તથા ઉદાર છે. તેથી, જો આપણે પણ યહોવાહની જેમ ઉદાર બનીશું તો ઈશ્વરને મહિમા મળશે.—માત્થી ૫:૪૪, ૪૫; યાકૂબ ૧:૧૭.

આ રીતે બીજાઓને સહાય કરવા વિષે પ્રેષિત યોહાને પણ કહ્યું: “જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં દેવની પ્રીતિ શી રીતે રહી શકે?” (૧ યોહાન ૩:૧૭) લોકો દાન કરે છે કેમ કે તેઓ ઈશ્વરનું અનુકરણ કરે છે. જેઓ ઈશ્વરની જેમ ખુલ્લા હાથે બીજાઓને સહાય કરે છે તેઓને તે જરૂર આશીર્વાદ આપશે. (નીતિવચનો ૨૨:૯; ૨ કોરીંથી ૯:૬-૧૧) શું આજે આવા ઉદાર લોકો છે? ચાલો આપણે જોઈએ કે યહોવાહના સાક્ષીઓના એક મંડળે શું કર્યું હતું.

એક વૃદ્ધ બહેન યહોવાહના સાક્ષી છે. તે એકલા જ હતા અને કુટુંબમાં બીજું કોઈ ન હતું જે તેમને મદદ કરી શકે. તેમના ઘરમાં સમારકામ કરવાની પણ જરૂર હતી. જોકે ઘણાં વર્ષોથી સાક્ષીઓ બાઇબલ વિષે શીખવા માટે આ બહેનના ઘરમાં દર અઠવાડિયે મળતા હતા. તેમ જ ઘણીવાર આ બહેન ખ્રિસ્તી ભાઈ-બહેનોને જમવા પણ બોલાવતા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૪, ૧૫, ૪૦) તેમના મંડળના સાક્ષીઓએ જોયું કે તે કેવા સંજોગોમાં આવી પડ્યા છે. તેથી મંડળે તેમને સહાય કરવાની ગોઠવણ કરી. તેમના મંડળના અમુકે પૈસા આપ્યા, બીજાઓ જાતે ઘરનું સમારકામ કરવા લાગ્યા. તેઓએ આખું નવું છાપરું કરી આપ્યું. પહેલા માળે પ્લાસ્ટર અને રંગ કરી આપ્યો, નવું બાથરૂમ અને રસોડામાં કબાટ કરી આપ્યો. આ બધું જ કામ તેઓએ થોડા દિવસોમાં અને મફત કરી આપ્યું. એનાથી આ બહેનને જરૂરી મદદ મળી અને મંડળને એક કુટુંબ તરીકે કામ કરવાની તક મળી. તેમ જ પાડોશીઓ પણ એ જોઈને અચંબો પામ્યા કે સાક્ષીઓ કઈ રીતે પ્રેમથી બીજાઓને સહાય કરે છે.

એવી જ રીતે આપણે પણ બીજાઓને અનેક રીતે સહાય કરી શકીએ છીએ. દાખલા તરીકે, શું તમે અનાથ બાળકો સાથે થોડો સમય કાઢી શકો? અથવા વૃદ્ધો માટે દુકાનેથી જોઈતી વસ્તુઓ ખરીદીને લાવી શકો? કે તેઓનાં કપડાં સીવી શકો? જો કોઈ બહુ જ ગરીબ હોય તો, શું તમે તેઓ માટે રસોઈ બનાવી શકો અથવા પૈસે ટકે મદદ કરી શકો? એવું નથી કે આપણે અમીર હોઈએ તો જ બીજાને મદદ આપી શકીએ. પ્રેષિત પાઊલે કહ્યું: “કેટલું આપવું એ નહિ, પણ આપવાની આતુરતા એ મહત્ત્વની બાબત છે. તમારી પાસે જે નથી તે નહિ પણ જે છે તે તમે આપો એવું ઈશ્વર ઇચ્છે છે.” (૨ કોરીંથી ૮:૧૨, IBSI) તો શું ઈશ્વર એવું જ ઇચ્છે કે આપણે આ જ રીતે મદદ કરવી જોઈએ? ના.

ચૅરિટીને દાન કરવું કે નહિ?

ઘણી વાર એવું બને છે કે આપણે એકલા જ પૂરતી મદદ આપી શકતા નથી. ઈસુ અને તેમના શિષ્યો પણ ગરીબો માટે એક જ દાન પેટી રાખતા હતા. તેમ જ તેઓને જે કોઈ દાન આપતું એ પણ તેઓ દાન પેટીમાં રાખતા હતા. (યોહાન ૧૨:૬; ૧૩:૨૯) એવી જ રીતે, પહેલી સદીમાં જ્યારે અમુક ખ્રિસ્તીઓ તંગીમાં આવી પડ્યા ત્યારે, દરેક મંડળોએ દાન કર્યું હતું.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૪, ૪૫; ૬:૧-૩; ૧ તીમોથી ૫:૯, ૧૦.

એવો એક પ્રસંગ ઈસવીસન ૫૫માં બન્યો હતો. ત્યારે યહુદાહમાં મોટો દુકાળ પડ્યો હતો. તેથી યહુદાહમાં રહેતા ખ્રિસ્તીઓ તંગીમાં આવી પડ્યા હતા. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૭-૩૦) પ્રેષિત પાઊલને ગરીબોની હંમેશાં ચિંતા રહેતી. તેથી તેઓને મદદ આપવા માટે પાઊલે મકદોનિયા સુધીના બીજા મંડળો પાસેથી પણ સહાય લીધી હતી. તેમણે પોતે અમુક ખ્રિસ્તીઓને જુદા જુદા મંડળો પાસેથી દાન એકઠું કરવા મોકલ્યા હતા. જેથી, તેઓ યહુદાહના ભાઈઓને મદદ કરી શકે. (૧ કોરીંથી ૧૬:૧-૪; ગલાતી ૨:૧૦) જોકે, એ દાન એકઠું કરવામાં કોઈએ પગાર લીધો ન હતો.—૨ કોરીંથી ૮:૨૦, ૨૧.

જ્યારે પણ આફતો આવે છે ત્યારે યહોવાહના સાક્ષીઓ ઝડપથી ત્યાંના લોકોને સહાય આપવા પહોંચી જાય છે. દાખલા તરીકે, ૨૦૦૧ના ઉનાળામાં, અમેરિકામાં હ્યૂસ્ટન, ટેક્સસમાં ભારે પૂર આવ્યું હતું. એમાં ૭૨૩ યહોવાહના સાક્ષીઓના ઘરોને નુકસાન થયું હતું. એમાંના ઘણાં ઘરોને તો પુષ્કળ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ત્યાંના ખ્રિસ્તી વડીલોએ યહોવાહના સાક્ષીઓને સહાય આપવા એક કમિટી ઊભી કરી, જેથી તેઓને ખબર પડે કે કોને કેવી મદદની જરૂર છે. એમ કરીને તેઓ ભાઈ-બહેનોને તેઓના ઘરોનું સમારકામ કરવા જોઈતી મદદ આપવા માગતા હતા. તેઓને મદદ કરવા આજુબાજુના યહોવાહના સાક્ષીઓના મંડળોમાંથી અનેક ભાઈબહેનો આવી પહોંચ્યા અને તેઓના ઘરોનું સમારકામ કરી આપ્યું. આવી મદદથી એક સાક્ષી બહેનનું હૃદય ઉપકારથી ઉભરાઈ ગયું. તેથી, તેમને જ્યારે ઇન્સ્યોરન્સ કંપની તરફથી સમારકામ માટેના પૈસા મળ્યા ત્યારે, તેમણે બીજાઓને મદદ આપવાના ફંડમાં એ આપી દીધા.

જોકે, આ રીતે બીજાને સહાય આપતી ઘણી ચૅરિટી સંસ્થાઓ છે, જેઓ ફંડ માટે આગ્રહ કરતા હોય છે. પરંતુ, કોઈને પણ દાન આપતાં પહેલાં બે વાર વિચારવું જોઈએ. ઘણી ચૅરિટી સંસ્થાઓ જે રીતે ફંડ એકઠું કરે છે એની પાછળ ઘણો ખરચો હોય છે. તેથી તેઓને જે ફંડ મળે છે એમાંથી સ્ટાફનો પગાર અને જાહેરાત કરવાનો ખરચો કાઢ્યા પછી લોકોને સહાય કરવા થોડા જ પૈસા બાકી રહે છે. એ વિષે નીતિવચનો ૧૪:૧૫ આમ કહે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” એ સલાહ પરથી જોઈ શકીએ છીએ કે દાન કરતાં પહેલાં આપણે જાણવું જોઈએ કે એ પૈસા કઈ રીતે વાપરવામાં આવશે.

બીજાનું કલ્યાણ કરો

ચૅરિટીને દાન આપીએ એટલું જ પૂરતું નથી. પરંતુ એથી કંઈક વધારે કરવાની જરૂરી છે. એ શું છે? એના વિષે ઈસુએ બહુ પહેલાં જણાવ્યું હતું. એક ધનવાન અધિકારીએ ઈસુને પૂછ્યું કે, શું કરવાથી મને અનંતજીવન મળી શકે. એ વખતે ઈસુએ તેને કહ્યું કે, “જઈને તારૂં જે છે તે વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, એટલે આકાશમાં [સ્વર્ગમાં] તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ [અને મારો શિષ્ય થા].” (માત્થી ૧૯:૧૬-૨૨) તમે નોંધ કર્યું કે ઈસુએ શું કહ્યું? તેમણે એમ કહ્યું ન હતું કે તારી માલમિલકત ‘ગરીબોને વહેંચી દે એટલે તને અનંતજીવન મળશે.’ પરંતુ, એને બદલે તેમણે એમ કહ્યું કે મારો શિષ્ય થા. જોકે ચૅરિટીને પૈસા આપવામાં કંઈ ખોટું તો નથી. પરંતુ એના કરતાં લોકોને યહોવાહ પરમેશ્વર વિષે સત્ય શીખવું એ આપણા માટે સૌથી મહત્ત્વનું છે.

ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, લોકોને ઈશ્વર વિષે સત્ય શીખવવા તે બનતું બધું જ કરતા હતા. તેમને મારી નાખવામાં આવ્યા એના થોડા સમય પહેલાં તેમણે પીલાતને કહ્યું: “એજ માટે હું જનમ્યો છું, અને એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું; જે સત્યનો છે, તે દરેક મારી વાણી સાંભળે છે.” (યોહાન ૧૮:૩૭) જોકે, ઈસુએ ગરીબોને સહાય કરી હતી, માંદાંઓને સાજા કર્યાં હતાં. તેમ જ ભૂખ્યાને ખવડાવ્યું પણ હતું. તેમ છતાં, તેમના માટે સૌથી મહત્ત્વનું કામ તો એ હતું કે તે પોતાના શિષ્યોને ઉપદેશ આપતા શીખવે. (માત્થી ૧૦:૭, ૮) તેથી સ્વર્ગમાં જતા પહેલાં તેમણે શિષ્યોને કહ્યું: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.”—માત્થી ૨૮:૧૯, ૨૦.

એ ખરું છે કે પ્રચાર કરવાથી દુનિયાની બધી જ મુસીબતો જતી રહેવાની નથી. તેમ છતાં, યહોવાહના રાજ્ય વિષે બધાને પ્રચાર કરવાથી, યહોવાહને મહિમા મળે છે. તેમ જ, જેઓ તેમના માર્ગે ચાલશે તેઓને હંમેશ માટેનું જીવન મળશે. (યોહાન ૧૭:૩; ૧ તીમોથી ૨:૩, ૪) અમારી આશા છે કે તમે બીજી વાર યહોવાહના સાક્ષીઓને મળો ત્યારે તેઓ સાથે જરૂર વાત કરશો! તેઓ તમને ઈશ્વરનું સત્ય જણાવવા ચાહે છે. તેમ જ તેઓ માને છે કે આ જ રીતે બીજાઓનું કલ્યાણ થશે.

[પાન ૬ પર ચિત્ર]

આપણે અનેક રીતે બીજાઓને મદદ આપી શકીએ

[પાન ૭ પર ચિત્ર]

ઈશ્વર ચાહે છે કે આપણે તેમના રાજ્ય વિષે પ્રચાર કરીએ, જેથી સર્વ લોકો આશીર્વાદ પામે